Wednesday, 18 April 2018

Nawaz Sharif pays for his own deeds


Dr.Hari Desai’s Column in Divya Bhaskar Daily 18 April 2018
You may read the full text here or and comment
શરીફને હાથનાં કર્યાં જ હૈયે વાગ્યાં : ડૉ.હરિ દેસાઈ
આજીવન ચૂંટણી લડવા ગેરલાયક ઠર્યા છતાં નવાઝ શરીફ તો “મૅન ઑફ ઑલ વેધર”
પાકિસ્તાનમાં એની સ્થાપનાથી જ લોકશાહી અને લશ્કરી તાનાશાહી વચ્ચે ઉંદર – બિલાડીનો ખેલ ચાલતો રહ્યો છે. અત્યાર લગી ત્રણ “એ” એટલેકે “અલ્લાહ,આર્મી અને અમેરિકા” પર ટકેલા પાકિસ્તાનમાં હવે નવાઝ યુગમાં ચીનનું પણ ઉમેરણ થયું છે. પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ મિયાં સાકીબ નિસારના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે શુક્રવાર,૧૩ એપ્રિલ ૨૦૧૮ના રોજ દેશના ત્રણ-ત્રણ વાર વડા પ્રધાન અને બબ્બે વાર પંજાબ પ્રાંતના મુખ્ય મંત્રી રહેલા પંજાબી ઉદ્યોગપતિ મિયાં નવાઝ શરીફને બંધારણની કલમ ૬૨(૧)(એફ) હેઠળ “ચૂંટણી લડવા અને જાહેર હોદ્દો ગ્રહણ કરવા માટે આજીવન ગેરલાયક” ઠરાવ્યા. દુનિયામાં બહુચર્ચિત પનામા પેપર્સ કાંડમાં પણ એમના પરિવારનું નામ ખૂબ ચર્ચાયું હતું. એમને રાજકીય મંચ પરથી દૂર કરીને સત્તામાં આવવા માટે મથામણ કરી રહેલા પૂર્વ ક્રિકેટ કૅપ્ટન અને તેહરિક-એ-ઇન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઇમરાન ખાનના પક્ષ વતી પ્રજા વચ્ચે અને અદાલતોમાં જંગ ચલાવાઈ રહ્યો છે. પોતાના પુત્રની યુએઈસ્થિત કંપનીમાંથી પગારની આવકને ચૂંટણી ઉમેદવારીપત્રમાં છુપાવવા બદલ ગત ૨૮ જુલાઈએ શરીફ દોષિત ઠરતાં એમણે ૧ ઑગસ્ટ ૨૦૧૭ના વડા પ્રધાનપદ છોડવાનો પ્રસંગ આવ્યો તો ખરો પણ એમના જ પક્ષ મુસ્લિમ લીગ – નવાઝના શાહીદ ખાકાન અબ્બાસીને વડા પ્રધાન બનાવાયા હતા. નવાઝમિયાંની ખાલી પડેલી બેઠક પર એમનાં કૅન્સરગ્રસ્ત પત્ની કુલસૂમ બટ ચૂંટણી લડ્યાં અને વિજયી થયાં.નવાઝના નાનાભાઈ શેહબાઝ પંજાબ પ્રાંતના મુખ્ય મંત્રી છે.એમની પરિણીત પુત્રી મરિયમ એમની રાજકીય વારસ મનાય છે.જોકે પનામા પેપર્સ કાંડમાં નવાઝને સર્વોચ્ચ અદાલતે નિર્દોષ છોડ્યા છે,પણ એમની દીકરી પર બનાવટી દસ્તાવેજો રજૂ કરવાના, “ફૉન્ટકાંડ” તરીકે ચર્ચિત પ્રકરણમાં, આક્ષેપ જરૂર થયા છે.
નવાઝ શરીફને “મૅન ઑફ ઑલ વેધર” કહેવા પડે. જનરલ ઝિયા-ઉલ-હક્ક લશ્કરી તાનાશાહ તરીકે ૧૯૭૭માં આવ્યા ત્યારે એમના બ્લ્યૂ-આઈડ બૉય તરીકે મિયાં નવાઝ પંજાબના બબ્બે વાર મુખ્ય મંત્રી બન્યા હતા. ૧૯૮૮ સુધી ઝિયાએ વડા પ્રધાન અને અન્ય મુખ્ય મંત્રીઓને દૂર કર્યા હતા,પણ નવાઝમિયાં તો અડીખમ ટક્યા હતા. ઝિયા યુગમાં પાકિસ્તાનમાં ઇસ્લામીકરણનું મોજું ફૂંકવામાં આવ્યું ત્યારે મિયાં સાહબ તાનાશાહ ઝિયાને પડખે રહ્યા હતા.એટલી હદે કે અત્યારે બંધારણની જે કલમ હેઠળ એમને આજીવન ચૂંટણી લડવા કે હોદ્દો ધારણ કરવા પર પ્રતિબંધિત કરાયા છે એ જોગવાઈ દૂર કરવાની ઝુંબેશને ટેકો આપવાનું પણ એમણે નકાર્યું હતું.આજે એનું પરિણામ એ ભોગવી રહ્યા છે,પણ પાકિસ્તાનમાં એમની લોકપ્રિયતાને હજુ ઉની આંચ આવી નથી.પાકિસ્તાનમાં બંધારણ ઘણી વાર બદલાતું રહ્યું છે.અત્યારે ૧૯૭૩નું બંધારણ અમલમાં છે.એની કલમ ૬૨ અને ૬૩ રાષ્ટ્રીય ધારાસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારની લાયકાતો ઠરાવે છે.ભારતમાં ભલે અભણ માણસ પણ ચૂંટણી લડી શકતો હોય,પણ પાકિસ્તાનમાં સ્નાતક કક્ષા સુધી ભણેલી વ્યક્તિ જ ચૂંટણી લડી શકે છે.બે દેશની નાગરિકતા ધરાવનાર સાંસદ કે ધારાસભ્યનું સભ્યપદ રદ થાય છે.કોઈપણ ચૂંટાઈ આવેલા સાંસદ વધુમાં વધુ બે મુદત માટે જ વડા પ્રધાન રહી શકે, એવી જોગવાઈને બદલવા માટે બેનઝીર ભુટ્ટો અને નવાઝ શરીફે સંયુક્ત રીતે ૧૯૯૦ના ગાળામાં બંધારણ સુધારો રજૂ કરીને એનો લાભ પણ મેળવ્યો હતો.મિયાં નવાઝ શરીફ ત્રણ મુદત માટે વડા પ્રધાન રહ્યા: ૬ નવેમ્બર ૧૯૯૦-૧૮ જુલાઈ ૧૯૯૩, ૧૭ ફેબ્રુઆરી ૧૯૯૭ - ૧૨ ઑક્ટોબર ૧૯૯૯ અને ૫ જૂન ૨૦૧૩- ૨૮ જુલાઈ ૨૦૧૭. એમને હાથનાં કર્યાં જ હૈયે વાગ્યાં છે.લશ્કરી વડા જનરલ જહાંગીર કરામતને દૂર કરીને, એમણે પોતાના ભાઈની સલાહ મુજબ, જનરલ મુશર્રફને લશ્કરી વડા બનાવ્યા હતા.૧૯૯૯માં મુશર્રફ શ્રીલંકા ગયા હતા ત્યારે એમને સ્થાને જનરલ ઝિયાઉદ્દીન બટને નિયુક્ત કરવા જતાં જનરલ મુશર્રફે લશ્કરી બળવો કરીને એમની સરકાર ગબડાવી હતી. એ સાઉદી રાજ્યાશ્રયમાં રહ્યા અને પાછળથી સ્વદેશ આવી શક્યા હતા.પાકિસ્તાનમાં લશ્કરનું ચલણ ખાસ્સું છે. એમના નાના ભાઈ અને પંજાબના મુખ્ય મંત્રી શેહબાઝ શરીફના લશ્કરી અધિકારીઓ સાથે મધુર સંબંધ રહ્યા છે. આ વર્ષે પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભાની ચૂંટણી થવાની છે.એમાં મુખ્યત્વે ત્રિપાંખિયો જંગ ખેલાશે: પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાઝ(પીએમએલ-એન), પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) અને પાકિસ્તાન તેહરિક-એ-ઇન્સાફ(પીટીઆઇ) અને એ ત્રણ પક્ષના સાથી પક્ષો વચ્ચે. રાષ્ટ્રીય ધારાસભાના કુલ ૩૪૨માંથી અત્યારે નવાઝ શરીફની પાર્ટી અને મિત્ર પક્ષો ૧૯૯ સભ્યો સાથે બહુમતીમાં છે. એમાં નવાઝના પક્ષના ૧૮૯ સભ્યોમાંથી ૧૪૭ જનરલ પર ચૂંટાયેલા,૬૦ મહિલા અનામતમાંથી ૩૫ અને ૧૦ લઘુમતી (હિંદુ સહિત) અને અન્ય આરક્ષિતમાંથી ૬ બેઠકો ધરાવે છે.પીપીપીની કુલ ૪૬ બેઠકો અને તેહરિક-એ-ઇન્સાફની માત્ર ૩૨ છે.
ભારતની વિદેશનીતિને પાકિસ્તાનકેન્દ્રિત રાખવાનું હવે પરવડે તેમ નથી, પણ કાશ્મીર કોકડું ઉકેલવાનું દ્વિપક્ષી મંત્રણામાં જ શક્ય બની શકે.હમણાં પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ કમર જાવેદ બાજવાએ ભારત સાથેની મડાગાંઠ મંત્રણા થકી ઉકેલવાની વાત કરી એટલે ભારતીય લશ્કરી વડા જનરલ બિપીન રાવતે પણ શાંતિનો રાગ આલાપ્યો છે. જોકે ઇસ્લામાબાદના ઘટનાક્રમ પર બાજનજર રાખવાનું અનિવાર્ય જરૂર છે. વડા પ્રધાન મોદીના શપથવિધિ સમારંભમાં પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે મિયાં નવાઝ શરીફ આવે કે વડા પ્રધાન મોદી કાબુલથી વચ્ચે લાહોરનો આંટો મારી આવીને મિયાં સાહબને હેપી બર્થડે કહી આવે એટલે સંબંધ સુધરી જતા નથી. બન્ને દેશો વચ્ચે મંત્રણાનો દોર તો અખંડ રહે એ જ રાજદ્વારી સંબંધોને સુધારા ભણી લઇ જઈ શકે.
મિયાં નવાઝ શરીફને જાહેરજીવન માટે તેમના દેશની સર્વોચ્ચ અદાલતે આજીવન પ્રતિબંધિત જાહેર કર્યા એ પછી તેમના કહ્યાગરા વડા પ્રધાન અબ્બાસી, લશ્કરી વડા જનરલ બાજવા અને સંરક્ષણ પ્રધાન ખુર્રમ દસ્તગીર સહિતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયા પહોંચ્યું એ ખૂબ જ સૂચક છે.સાઉદી રાજવી પરિવાર સાથે મિયાં નવાઝના ખૂબ અંતરંગ સંબંધો છે એટલું જ નહીં, એમનું ઘણું મોટું રોકાણ પણ સાઉદીમાં છે.સાઉદી અરેબિયા,અમેરિકા,પાકિસ્તાન, યુનાઈટેડ આરબ અમિરાત, કતાર,બૅહરીન,કુવૈત અને તુર્કી સાથે મળીને અખાતીય પ્રદેશમાં સંયુક્ત લશ્કરી કવાયત યોજવાના નામે સાઉદી ગયેલા પ્રતિનિધિમંડળનો હેતુ વ્યાપક જણાય છે.ઘરઆંગણે ભલે અત્યારે મિયાં શરીફ ચૂંટણી લડવા કે કોઈ જાહેર હોદ્દા ગ્રહણ કરવા માટે કાયમ માટે ગેરલાયક ઠર્યા હોય,એમને બિલાડીની જેમ નવ જિંદગી છે. તેમને કાયમ દરેક મોસમની વ્યક્તિ લેખવામાં આવે છે. ભૂતકાળમાં લશ્કરી તાનાશાહ જનરલ પરવેઝ મુશર્રફ સામે થવા નવાઝે લંડનમાં પોતાનાં રાજકીય શત્રુ બેનઝીર ભુટ્ટો સાથે હાથ મિલાવતાં કરાર કર્યા જ હતા.નવાઝને ભુટ્ટો અને મુશર્રફ બેઉ નડેલા હતા,પણ જનરલને સત્તા પરથી ઉથલાવવાની એમની પ્રાથમિકતા હતી. એમાં એ સફળ પણ થયા હતા.આજે મુશર્રફ પાકિસ્તાનવટે છે.સમય સમયની વાત છે. આજે પણ મિયાં સાહબ માત્ર પંજાબમાં જ નહીં, બલૂચ પ્રદેશમાં સત્તામાં ભાગીદારી ધરાવે છે અને વાયવ્ય પ્રાંત એટલેકે હવે ઇમરાન ખાનના ગઢ મનાતા ખૈબર પખ્તૂનવાલા(પીકે)માં પણ પ્રભાવ ધરાવે છે. આ વખતની રાષ્ટ્રીય ધારાસભાની ચૂંટણી રસપ્રદ બની રહેશે.
ઈ-મેઈલ : haridesai@gmail.com
(HD-DB-NawazSharif15-4-2018)

Politics in the name of Dr. B. R. Ambedkar



Dr. Hari Desai’s Weekly Column in Gujarat Samachar (London), Sardar Gurjari  (Anand), Gujarat Guardian (Surat), Sanj Samachar (Rajkot), Hamlog (Patan),  Gandhinagar Samachar  (Gandhinagar) and others. You may read the full text here  and comment.

રાષ્ટ્રનેતા ડૉ. બાબાસાહેબ આંબેડકરના નામે ખેલાતાં રાજકારણ : ડૉ. હરિ દેસાઈ

·         “જય ભીમ” કહીને તોડફોડ કરવા કે હિંસા આચરવામાં તો  પ્રજ્ઞાસૂર્ય આંબેડકરનું નર્યું અપમાન જ
·         હિંદુ કોડ બિલના વિરોધમાં સંઘ-હિંદુ મહાસભાએ બાબાસાહેબનાં પૂતળાં બાળ્યાં હતાં એ રખે  ભૂલાય
·         સંઘ તરફથી અનામત પ્રથાની કાખઘોડીને ફગાવવાની કે સમીક્ષાની વાત થાય ત્યાં જ ભડાકા થાય છે
·         યાવાદ્ચંદ્ર દિવાકરૌ અનામત પ્રથા ચાલુ રાખવા સામે અનામતના વિરોધમાં ભારતબંધ એ તો પડકાર
અત્યારે  ઈતિહાસને નામે કોણે કોને અન્યાય કર્યો અને કોણ કોને ન્યાય તોળે છે, એની ઠાલી વાતોથી પ્રજાના પેટનો ખાડો ભરવાની કોશિશની કવાયત ચાલે છે.આ સઘળા ઉપક્રમ પાછળ હેતુ માત્ર ચૂંટણી જીતવાની મનસાથી વિશેષ કશું જ નથી.પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને ભાંડવા માટે  નેહરુ સરકારમાંથી ડૉ.બાબાસાહેબ આંબેડકરે રાજીનામું આપવું પડ્યાની વાતો વર્તમાન ભાજપી શાસકો ગજવે છે. તેઓ એ  વાત અનુકૂળતાએ વીસરી જાય છે કે હિંદુ કોડ બિલ મંજૂર કરાવવા માટે તો નેહરુ ડૉ.આંબેડકરને પડખે હતા,પણ એનો વિરોધ કરવામાં અત્યારના ભાજપના આરાધ્યપુરુષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી હતા. સંઘ-હિંદુ મહાસભાએ ડૉ.આંબેડકરનાં પૂતળાં બાળ્યાં હતાં.હિંદુ કોડ બિલ સામે વિરોધ કરવામાં રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ અને નાયબ વડા પ્રધાન તથા ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા, એ વાત પણ યાદ કરવી પડે.બધો દોષ નેહરુને માથે મઢી દેવાનું રાજકારણ ક્યાં લઇ જશે એ જ વિમાસણ છે.
અમેરિકા અને ઇંગ્લેન્ડમાં શ્રેષ્ઠ ગણાતી યુનિવર્સિટીઓમાં ભણીને  સ્વદેશ પાછા ફરેલા  બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકર (૧૪ એપ્રિલ ૧૮૯૧ - ૬ ડિસેમ્બર ૧૯૫૬) પોતાના દલિત-શોષિત સમાજના સામાજિક અને રાજકીય ઉત્થાનમાં સકારાત્મક યોગદાન કરવા માટે જાણીતા છે.દેશના પ્રથમ કાયદા પ્રધાન અને બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે મહામૂલું યોગદાન કરનારા બાબાસાહેબના નામે આજે વરવાં રાજકારણ ખેલાઈ રહ્યાં છે. ૧૪ એપ્રિલ એટલે કે ડૉ. બાબાસાહેબનો જન્મ દિવસ.સંયોગ પણ કેવો કે ૨૦ માર્ચે  ભારતની સર્વોચ્ચ અદાલતે આપેલા  એક ચુકાદાની આડશે, ને વાંચ્યા વિના, ંધળેબહેરું કૂટીને, ુપ્રીમ કૉર્ટ તથા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ભીંસમાં લેવાના હેતુસર જ કદાચ ગત બીજી એપ્રિલે ભારતભરમાં ભારે અજંપો અને અથડામણો સર્જાઈ. વિરોધ બંધના આ ઘટનાક્રમે સર્જેલા વરવાં દૃશ્યોમાં વિવિધ રાજ્યોમાં અગિયારેક  નિર્દોષ લોકોના જાન ગયા. કેટલાક રાજકારણીઓને પોતાનું તકદીર ચમકાવવા માટેની તક મળી ગઈ. વર્ષ ૧૯૮૯ના એટ્રોસિટી ઍક્ટને હળવો બનાવી દેનારા મનાતા સુપ્રીમના એ ચૂકાદા સામે કેન્દ્ર ૩ એપ્રિલે રિવિઝન પિટીશન કરે છે,પણ સુપ્રીમે પોતાના એ ચૂકાદાને મોકૂફ રાખવાનું ટાળ્યું હતું. રાજકીય માહોલમાં ઉશ્કેરાટ વ્યાપ્યો અને સ્વાભાવિક રીતે વર્તમાન કેન્દ્ર સરકારના દલિત મંત્રીઓ રામવિલાસ પાસવાન અને રામદાસ આઠવલે ઉપરાંત સત્તારૂઢ ભાજપના કેટલા દલિત સાંસદોએ પણ નારાજગી વ્યક્ત કરી. હકીકતમાં આવા ઘટનાક્રમમાં કોઈ ખોટ વર્તાઈ હોય તો ડૉ. આંબેડકર જેવા પ્રજ્ઞાસૂર્ય જેવી  સમજદારીની. એમના નામે રાજકારણ ખેલનારાઓમાં કોઈ રાજકીય પક્ષ અપવાદ નથી, ણ ડૉ.આંબેડકરે પ્રબોધેલી વાતના અનુસરણથી  પ્રત્યેક પક્ષના નેતા-કાર્યકર્તા આઘા રહ્યાની વ્યથા અનુભવાય એ  સ્વાભાવિક છે. ડૉ.આંબેડકર બંધારણીય રીતે આંદોલન કરવાના પક્ષધર હતા. એટલે “જય ભીમ” કહીને હિંસક અથડામણોમાં સહભાગી થવું એ આંબેડકરના વિચાર સાથે પણ સુસંગત નથી.
અત્યારે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે. આ રાજ્યમાં કૉંગ્રેસ સની સરકાર છે અને એને ટકાવવાના મરણિયા પ્રયાસ પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધી અને મુખ્ય પ્રધાન સિદ્ધરામૈયા થકી થાય એ સ્વાભાવિક છે. કર્ણાટકમાં દલિત અને મુસ્લિમ વસ્તીનું પ્રમાણ પણ ઘણું મોટું છે. ભાજપને ફાળે કેન્દ્ર સરકાર ઉપરાંત ૨૧ રાજ્યો ગયા પછી એના વિજયરથને રોકવાના પ્રયાસો કર્ણાટકમાં થાય એ સમજી શકાય  છે. ભાજપ થકી એના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેડિયુરપ્પા રાજ્યને ભવિષ્યમાં ભાજપની ઝોળીમાં લાવવા  માટે આકાશ-પાતાળ એક કરી રહ્યા છે. અહીંના રાજકીય દ્રષ્ટિએ પ્રભાવી અને ૧૮ ટકા વસતી ધરાવતા લિંગાયત સમાજને લઘુમતીનો દરજ્જો આપવાના ટેકા  અને વિરોધમાં રાજકીય હુંસાતુંસી ચરમસીમાએ છે.
કૉંગ્રેસ સરકારે લિંગાયતને ધાર્મિક લઘુમતી જાહેર કરીને એના પર મંજૂરીની મહોર મારવા માટે મોદી સરકાર ભણી એની દરખાસ્ત પાઠવી દીધી છે. સામે પક્ષે, ભાજપના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર યેડિયુરપ્પા પોતે લિંગાયત સમાજના હોવા છતાં સંઘ પરિવાર અને ભાજપ, કૉંગ્રેસ સની ચાલને “હિંદુ સમાજને તોડવાનો કારસો” ગણાવીને એનો વિરોધ કરે છે. જોકે ૨૦૧૩માં સ્વયં યેડિયુરપ્પાએ જ લિંગાયત પંથને ધાર્મિક લઘુમતી જાહેર કરવાના આવેદનપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. હા, એ વખતે એ ભાજપમાંથી હકાલપટ્ટી પામીને પ્રાદેશિક પક્ષના વડા હતા ! આજકાલ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે ત્યારે ગુજરાતના અપક્ષ ધારાસભ્ય કોમરેડ જીજ્ઞેશ  મેવાણી કૉંગ્રેસ સને ટેકો કરવાના ઈરાદે કર્ણાટકમાં જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ખુરશીઓ ઉછાળવાનો બોધ આપી રહ્યાની ફરિયાદો થઈ છે. સમગ્રપણે પ્રજાના હિતના મુદ્દાઓને બાજુએ સારીને રાજકીય પક્ષો પ્રજાને ઉશ્કેરી તથા ગેરમાર્ગે દોરીને  ચૂંટણી જીતવા પ્રયત્નશીલ હોવાનું વર્તાય છે.
ભાજપની માતૃસંસ્થા આરએસએસની ૧૯૮૧ની પ્રતિનિધિ સભાનો અનામત અંગેનો ઠરાવ સ્પષ્ટ કરે છે કે અનામતની કાખઘોડી કાયમ માટે રાખી શકાય નહીં.એ પછીના ૨૦૧૨ સુધીના અનામત વિષયક ઠરાવોમાં અનામતથી લાભની સમીક્ષાનો આગ્રહ રાખવાની સાથે જ આર્થિક રીતે નબળા વર્ગોને અનામતનો લાભ આપવાની જોગવાઈ કરવા પર પણ ભાર મૂક્યો હતો.જોકે બિહાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવતે અનામતની સમીક્ષાની વાત કરી તો ભાજપ હારી ગચો હતો. એ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ડૉ.ભાગવત સુધીના અનામતના સમર્થનમાં બોલતા રહ્યા છે. જોકે તાજેતરમાં ૧૦ એપ્રિલે અનામતના વિરોધમાં ભારત બંધ રહ્યું, એ ઘટનાને ઐતિહાસિક લેખવી પડે કારણકે અત્યાર લગી આવા મુદ્દે સમાજના અમુક વર્ગમાં અસંતોષ હોવા છતાં એ અનામતનાં વિરોધમાં આંદોલન કરતો નહોતો.દેશમાં સંઘનું  રાજકીય સંતાન ભાજપ સત્તારૂઢ હોવાને કારણે અનામત વિરોધી સૂર બુલંદ થવા માંડ્યા હોવાનું પણ કેટલાક માનવા માંડ્યા છે.
દલિતો (એસસીઃ શિડ્યૂલ્ડ કાસ્ટ્સ) અને આદિવાસી (એસટીઃ શિડ્યૂલ્સ ટ્રાઇબ્સ) પરના અત્યાચારની સામે સુરક્ષા આપવા માટે બંધારણ સભામાં એકી અવાજે ધારો ઘડવાની વાત થઇ હતી.૧૯૮૯ના એટ્રોસિટી પ્રતિબંધક ધારાની જોગવાઈ કરવાની ભૂમિકા પણ સર્વાનુમતે  લેવામાં આવી છે. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી એ વેળા તો અસ્પૃશ્યતાનું કલંક વધુ પ્રચલિત હતું. માત્ર રાજકીય આઝાદી નહીં, સામાજિક ન્યાય સાથેની સ્વતંત્રતા માટેની ડૉ.આંબેડકરની આગ્રહી ભૂમિકાએ દલિત-આદિવાસીઓને સુરક્ષા માટેની કાનૂની જોગવાઈઓ કરવા પ્રેર્યા હતા. સમયાતંરે અસ્પૃશ્યતા ચલણમાં ઘટતી ગઈ કારણ કે એને કાનૂનવિરોધી ગણાવાઈ હતી. પણ હજુ આજે પણ દલિત-આદિવાસી પરના અત્યાચારના સત્તાવાર રીતે નોંધાયેલા કેસનું પ્રમાણ વધતું જાય છે. વર્ષ ૨૦૧૪-૧૬ દરમિયાન ભારતનાં વિવિધ રાજ્યોમાં આવા ૧,૧૯,૮૭૨ કિસ્સા નોંધાયાનું ભારત સરકારના ક્રાઇમ રેકર્ડ  બ્યૂરોના અહેવાલ દર્શાવે છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા તમામ રાજ્યોમાં પોલીસના ચોપડે નોંધાયેલા ગુનાનો જ સમાવેશ કરે છે. નહીં નોંધાયેલા ગુના અલગ. સમયાંતરે એટ્રોસિટીના આવા કિસ્સાઓમાં અમલમાં લવાતી કાનૂની જોગવાઈ હળવી કરવાની કોશિશો થતી રહે છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આ કાનૂનને રદ કરવાને બદલે આરોપીની ધરપકડ પૂર્વે પોલીસની તપાસનો આગ્રહ રાખ્યો અને ભડકો થયો. સુપ્રીમ કોર્ટે પણ ખુલાસો કરવો પડ્યો કે અમે કાયદાને રદ કર્યો નથી. ભારત સરકારે રિવ્યૂ પીટિશન દાખલ કરવી પડી. અદાલત પોતાની ભૂમિકા પર અટળ રહી. જોકે મામલો કાયદાકીયને બદલે રાજકીય વધુ બન્યો હોવાથી ભાજપ સહિતના તમામ રાજકીય પક્ષોએ એને ગંભીરતાથી લેવાની ફરજ પડી છે. ચૂંટણીલક્ષી અસરોનો સૌ કોઈ વિચાર કરે છે.
લોકશાહી દેશ ભારતમાં તમામને સમાન ન્યાય મળે એ અપેક્ષિત છે. એ માટે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને આંદોલન ચલાવવાની પણ તમામને છૂટ છે. કમનસીબે ટોળાને ઉશ્કેરીને રાજકીય લાભ ખાટવાની વૃત્તિ તમામ રાજકીય પક્ષોમાં જોવા મળે છે. હકીકતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ દિશામાં સમજણના સેતુ રચાય તથા ડૉ.આંબેડકર જે રીતે તર્ક અને દસ્તાવેજી હકીકતો રજૂ કરીને પોતાની વાત મૂકતા હતા, એવી સમજણ સાથે સમજદાર નાગરિકો આગળ વધે તો જ લોકશાહી મજબૂત બને.
ઈ-મેઈલ : haridesai@gmail.com
(HD-Ambedkar ૧૩-૪-૨૦૧૮)

Wednesday, 11 April 2018

Gujarat missing Anandiben Patel

Dr.Hari Desai’s weekly column in Gujarat Samachar (London), Sanj Samachar (Rajkot),Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand), Gandhinagar Samachar (Gandhinagar) and Hamlog (Patan). You may read the full text here or on Blog: haridesai.blogspot.com and comment.
કડક લાગતાં આનંદીબહેનનો ગુજરાતને અનુભવાતો ખાલીપો
ડૉ. હરિ દેસાઈ
• મહત્ત્વાકાંક્ષી નિષ્ઠાવંતોને સાચવવાની નરેન્દ્ર મોદી કને ગજબની કુનેહ હોવાનું અનુભવાય છે
• ગાંધીવાદી પરિવારમાં જન્મને લીધે બહેનની વિપરીત સંજોગોમાં પણ ઝીંક ઝીલવાની આગવી તરાહ
• પુત્ર સંજય અને પુત્રી અનારના ઉછેરની સાથે જ આનંદીબહેનનો ભણતર-અધ્યાપન વચ્ચેનો સુમેળ
• વડા પ્રધાન મોદીએ નોંધ્યું: સખત પરિશ્રમ અને ખંત, એમની માનવંતી સિદ્ધિના પાયામાં ગણાય
દોઢેક દાયકા પહેલાં ગુજરાતનાં પ્રધાન આનંદીબહેન પટેલનો ટીવી શ્રેણી ‘સંવાદ’માં ઇન્ટરવ્યૂ કરવાનો આવ્યો હતો. એમની બાહોશી, એકલવીર કૉલેજકન્યા તરીકેના શિક્ષણ અને સગ્ગા મોટા ભાઈના ૧૭ વર્ષના દીકરાનાં બાળલગ્ન રોકવા પોલીસ બોલાવવાથી લઈને નર્મદાના પ્રવાસ દરમિયાન નદીમાં તણાતી પોતાની વિદ્યાર્થીનીઓને બચાવ્યાની વાતો થઈ હતી. એ ઘટના એમના ભારતીય જનતા પક્ષમાં પ્રવેશનું નિમિત્ત બની હતી. એ પછી તો એ મહિલા મોરચાનાં પ્રમુખ બન્યાં, ધારાસભ્ય અને રાજ્યસભાનાં સભ્ય બન્યાં. ગુજરાત સરકારમાં ભાજપની સત્તા આવી ત્યારથી પ્રધાન પણ રહ્યાં અને રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન ય બન્યાં. પાટીદાર આંદોલનના પ્રતાપે આનંદીબહેન પટેલની ખુરશી ગઈ એમ કહેવું એના કરતાં એ પ્રકારનું આયોજન પક્ષમાંના જ એમના વિરોધીઓએ કર્યું હોવાની વાત કહેવી સત્યથી વધુ નજીક ગણાશે. રાજકારણ અને પ્રેમમાં બધું જ જાયજ હોય છે. આનંદીબહેન મૂળે ગાંધીવાદી પરિવારમાં જન્મ્યાં, ઊછર્યાં અને કૉંગ્રેસ સેવાદળમાં તૈયાર થયાં એટલે વિપરીત સંજોગોમાં પણ ઝીંક ઝીલવાની એમની આગવી તરાહ રહી. પારિવારિક કે રાજકીય વિકટ સંજોગોમાં પણ બળૂકાં રહીને ધ્યેયને હાંસલ કરવામાં કૃતસંકલ્પ આનંદીબહેન ખરા અર્થમાં નોખું વ્યક્તિત્વ.
મુખ્ય પ્રધાનપદેથી એમણે એવા તબક્કે જવું પડ્યું હતું, જ્યારે ભાજપનો સૂરજ સોળે કળાએ તપતો હતો. આનંદીબહેનથી ઉંમરમાં નાના છતાં એમના ‘રાજકીય ગુરુ’ એવા નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદે હતા. ગુજરાતની બહાર જવાની આનંદીબહેનની તૈયારી નહીં હોવાનું સ્પષ્ટ હતું. મોદીનિષ્ઠ આનંદીબહેન અને અમિત શાહ વચ્ચેની અંટસની ચર્ચા હતી. ગુજરાતની ગાદી પર અમિતભાઈની સ્વાભાવિક નજર હોય. જોકે આનંદીબહેનની લાગણી પોતાના અનુગામી તરીકે નીતિન પટેલને મૂકાવવાની હતી. મહેસાણામાં નીતિનભાઈના નામના ફટાકડા પણ ફૂટી ગયા હતા. નામ જાહેર થયું ત્યારે એ હતું રાજકોટના વિજય રૂપાણીનું. નીતિનભાઈ નાયબ મુખ્ય પ્રધાન બન્યા. આનંદીબહેન વિધાનસભાની ચૂંટણી લગી શાંત રહ્યાં.
ડિસેમ્બર ૨૦૧૭માં ચૂંટણી યોજાઈ. બે દાયકાથી સત્તારૂઢ ભાજપ વિરુદ્ધ કૉંગ્રેસ ઘણા વર્ષે ખાસ્સી મજબૂત થઈ વિધાનસભે પહોંચી. નવી સરકારમાં પણ વિજયભાઈ-નીતિનભાઈની જોડી અખંડ રહી. એકાએક આનંદીબહેન મધ્ય પ્રદેશનાં રાજ્યપાલ જાહેર થયાં. એ પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રાજ્યસભે પહોંચ્યા હતા. ગુજરાતની ગાદીએ વિજયભાઈ અને નીતિનભાઈ મોકળાશથી રાજ કરે એવો માહોલ રચાયો. જોકે નાણાં ખાતું મેળવવા નીતિનભાઈએ રીતસર ત્રાગું કર્યું. અંબાણી પરિવારના જમાઈ સૌરભ દલાલ-પટેલ કનેથી નાણા ખાતું પાછું લઈને એ નીતિનભાઈને સોંપવાનું મોવડી મંડળને યોગ્ય લાગ્યું. અસંતુષ્ટો બોલકા થયા. દંડૂકા અને વિસ્તરણના ગાજરથી મનાવાયા.આવતા દિવસોમાં પ્રધાનમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે.
ગુજરાતીમાં કહેવત છે : બાંધી મુઠ્ઠી લાખની. પોતાના મહત્ત્વાકાંક્ષી નિષ્ઠાવંતોને સાચવવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદી કને ગજબની કુનેહ છે. પોતાને ક્યારેક ‘ચાણક્ય’ તરીકે ઓળખાવનારા મોદી આજે ‘ચાણક્ય’ અને ‘ચંદ્રગુપ્ત’ બેઉ થઈને દેશ અને દુનિયામાં છવાયેલા છે. ગુજરાતની ગાદીએથી દિલ્હી જવાના હતા ત્યારે એમના અનુગામી તરીકે બીજા ઘણા વરિષ્ઠ નેતા હોવા છતાં પસંદગી આનંદીબહેન અને અમિતભાઈ વચ્ચે કરવાની હતી. એમણે આનંદીબહેન પર પસંદગીનો કળશ ઢોળ્યો. અમિતભાઈને પોતાના ‘હનુમાન’ તરીકે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તખ્તનશીન કર્યા.
જોકે ગુજરાતમાં લોકપ્રિય મુખ્ય પ્રધાન તરીકે આનંદીબહેનની સરકાર ધમધોકાર ચાલતી રહી હતી છતાં અમિતભાઈને ગુજરાત માટે લગાવ હોય એ સ્વાભાવિક હતું. મોદીને બૅલૅન્સિંગ ઍક્ટની ફાવટ ખરી. છેવટે પહેલી વાર ચૂંટાઈને આનંદીબહેન સરકારમાં પ્રધાન બનેલા, મૂળે સંગઠનના માણસ અને સર્વમિત્રની છબિ ધરાવનાર, વિજયભાઈ રૂપાણી મુખ્ય પ્રધાન બન્યા.એ પછી બહેન માટે તો જાહેર કાર્યક્રમોમાં શોભામાં અભિવૃદ્ધિ કરવાની જ ભૂમિકા રહી. રાજકારણમાં બધા દિવસ કોઈના સરખા હોતા નથી.જોકે વિજયભાઈ તરફથી બહેનનું માન જાળવવામાં ભાગ્યેજ કોઈ કચાશ રખાઈ હશે. કૉંગ્રેસના અહેમદ પટેલને પરાસ્ત કરીને ઑગસ્ટ ૨૦૧૭માં અમિતભાઈ ઉપરાંત સ્મૃતિ ઈરાની અને કૉંગ્રેસની વાડ ઠેકી ગયેલા બળવંતસિંહ રાજપૂતને રાજ્યસભા પ્રવેશ કરાવવામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ખાસ્સો ટેકો કર્યો, પણ અહેમદભાઈના દિલ્હી-સંપર્કોએ અમિતભાઈના વ્યૂહને કામયાબ ના થવા દીધો. એ પછીના તબક્કામાં વિધાનસભાની ચૂંટણી જીતાડવા વડા પ્રધાન મોદીએ પણ ખાસ્સો પરિશ્રમ કરવો પડ્યો. ચૂંટણી પછી આનંદીબહેનની વ્યૂહાત્મક જરૂર ભોપાલના રાજભવનમાં ઊભી થઇ. એમણે એ જવાબદારી સ્વીકારી પણ લીધી. રાજ્યપાલ બન્યા પછી એમના વિશેના એક ગ્રંથ ‘આનંદીબહેન પટેલઃ કર્મયાત્રી’ના લોકાર્પણ માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ-સાંસદ અમિત શાહ અને મધ્ય પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલનું એક મંચ પર આવવું એ ઐતિહાસિક ઘટના લેખાઈ. અંગ્રેજીમાં એક કહેવત છેઃ ‘You scratch my back, I scratch your back’ ગુજરાતમાં એ કહેવત જરા નોખો ભાવ સર્જે એવી છે : ‘સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી ચાલ્યા ઘેર આપ’. અમિતભાઈ અને આનંદીબહેને એકમેક માટે “અહો રુપમ્ અહો ધ્વનિ”નાં દર્શન કરાવ્યાં. બેઉ વચ્ચે કોઈ કડવાશ નહીં હોવાની જાણે કે સૌને પ્રતીતિ કરાવવામાં આવી. રાજકારણમાં ‘મુખવટા’નો પ્રયોગ ખૂબ સહજભાવે થાય છે.
આનંદીબહેન પરના ગ્રંથના લોકાર્પણની ચર્ચા ખૂબ થઈ, પણ અમને ઉત્સુકતા એના લેખક વિશે જાણવાની હતી, કારણ એના લેખકનું નામ ક્યાંય ભૂલથી પણ વાંચવા મળ્યું નહોતું. બહેનના જમાઈ જયેશ ઇશ્વરભાઈ પટેલ સાથે સહજ વાત થઈ તો એમણે ગ્રંથ પાઠવ્યો. જાણ્યું કે આ પુસ્તકના લેખક અમેય લાટુકર છે. અમેરિકાની કોરનાલ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઑફ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન (ઍમપીએ) કરનાર અમેય ગુજરાત સરકારના મુખ્ય પ્રધાનના ફૅલો રહ્યા છે. આ વ્યવસ્થા મોદી યુગથી શરૂ કરાયેલી. ગ્રંથના ગુજરાતીમાં અને એનાં ઉચ્ચારણોમાં મરાઠી છાંટ જોવા મળે છે. પુણેના અમેય પ્રકાશન થકી પ્રકાશિત આ ગ્રંથમાં ૧૯૪૧માં વિજાપુરના ખરોડમાં જન્મેલાં આનંદીબહેનની ૨૦૧૮માં મધ્ય પ્રદેશના રાજ્યપાલપદે નિયુક્તિ લગીની પ્રેરક જીવનયાત્રાનો સમાવેશ છે.
અહીં આનંદીબહેનના પુત્ર સંજય અને પુત્રી અનારના ઉછેરની સાથે જ ભણતર અને અધ્યાપન વચ્ચેનો સુમેળ શબ્દાંકિત કરાયો છે. કેટલાંક નવાં-અજાણ્યાં પાસાં પણ એમાંથી જાણવા મળ્યાં. દા.ત. આનંદીબહેન માત્ર એક વર્ષનાં હતાં ત્યારે એક વાર તે પોતાના ખેતરના કૂવામાં ગોઠવેલા રેંટચક્રના મધ્યભાગમાં ફસાઈ ગયાં હતાં અને માંડ માંડ બચ્યાં હતાં. વિધિએ એમને નોખો ઈતિહાસ સર્જવા માટે જ બચાવી લીધાં હોય એવું લાગ્યા વિના રહેતું નથી. બીજું, સંજય પણ એક વર્ષનો હતો ત્યારે આનંદીબહેનની પરીક્ષાના દિવસોમાં જ ‘સ્ટીલની એક ચૂંક એણે મોઢાંમાં મૂકી અને એના પેટમાં ઉતરી ગઈ’ એટલે હૉસ્પિટલના ફેરાની સાથે જ પરીક્ષા આપવા જવાના સંજોગો ઊભા થયા હતા. માત્ર રાજકીય કાર્યકર નહીં, માતા તરીકે આનંદીબહેન કેવી અનુભૂતિ કરતાં હતાં એ પણ અહીં સુપેરે નોંધાયું છે. નણંદે હૉસ્પિટલમાં સંજયની પડખે રહેવાનું સ્વીકાર્યું અને બહેન પરીક્ષા આપવા જતાં. ‘પરીક્ષા તો હેમખેમ પૂરી થઈ. પરિણામ પણ સારું મળ્યું. માત્ર એક વિષય છોડીને બધા જ વિષયમાં પાસ થઈ ગયાં. પ્રૉફેસર થવાની એમની કલ્પના અને મહેચ્છાને સમય પૂરતી મનમાં જ ઢબૂરી રાખવી પડી. ઍમ.ઍસસી. પૂર્ણ કરવા એમણે અભ્યાસ ચાલુ રાખ્યો.’
મોહિનીબા કન્યા વિદ્યાલયનાં આચાર્ય એવાં આનંદીબહેનને રાજ્ય અને રાષ્ટ્રીયસ્તરે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સળંગ સન્માન ૧૯૮૮-૮૯માં મળ્યું. એ પહેલાં ૧૯૮૫-૮૬માં એ ભાજપમાં સામેલ થઈ ચૂક્યાં હતાં. વડા પ્રધાન મોદીએ એમના પુસ્તક માટે પાઠવેલા સંદેશમાં નોંધેલા આ શબ્દો એમના વ્યક્તિત્વને ઉપસાવવા માટે ખાસ્સા બોલકા છે : ‘એક શિક્ષક તરીકે પોતે માનવંતાં બની રહેવા ઉપરાંત રાજનેતારૂપે પણ વિચક્ષણ રહ્યાં. .’ ઘણાને આનંદીબહેન કડક મિજાજનાં લાગે, પણ અમને એમના કઠોર સ્વભાવ પાછળના માયાળુ વ્યક્તિત્વનો પરિચય રહ્યો છે. એટલે જ આજે પણ ગુજરાતથી ભોપાલના રાજભવને ગયેલાં આનંદીબહેનનો ખાલીપો એના સમર્થકોની સાથે જ રાજકીય વિરોધીઓને પણ અનુભવાય છે.
ઈ-મેઈલ : haridesai@gmail.com
(HD-Anandiben06042018)

Wednesday, 4 April 2018

Politics in the name of Religious Minorities



Dr.Hari Desai’s Column in Divya Bhaskar Daily 4 April 2018. You may read the full text here and comment. Web Link : http://epaper.divyabhaskar.co.in/detail/71119/4415623356/0/map/tabs-1/2018-04-04/12/10/image/
ધાર્મિક લઘુમતીના નામે રાજકારણ : ડૉ.હરિ દેસાઈ
જૈન ધર્મના તમામ ૨૪ તીર્થંકર ક્ષત્રિય હતા અને સેંકડો  સાધુ-ભગવંતો અ-જૈનમાંથી થયા  છે

દેશમાં ચૂંટણી આવે ત્યારે ધાર્મિક લઘુમતીને પોતાના તરફ વાળવા માટેનું રાજકારણ ખેલવાનું શરૂ થઇ જાય છે.જરૂરી નથી કે એ કાયમ સંબંધિત પક્ષ કે રાજકીય જોડાણોને સફળતા જ અપાવે. હમણાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં રાજ્યની, ૧૭ ટકા લિંગાયત વસ્તીને રાજી કરવા માટે, કોંગ્રેસ સરકારે નિયુક્ત કરેલા તપાસપંચના માર્ચના પ્રથમ સપ્તાહમાં આવેલા અહેવાલને મંજૂર કરીને કેન્દ્ર તરફ પાઠવવાનું પસંદ કર્યું છે.ભાજપના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર બી.એસ.યેદિયુરપ્પાએ વર્ષ ૨૦૧૩માં પ્રાદેશિક પક્ષના વડા તરીકે  પોતાના લિંગાયત સમાજને ધાર્મિક લઘુમતી અથવા તો અલાયદો ધર્મ જાહેર કરવાની માંગણી કરતા આવેદનપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. જાન્યુઆરી ૨૦૧૪માં પોતાના પક્ષને ભાજપમાં ભેળવી દેનારા યેદિયુરપ્પા અત્યારે ભાજપની ભૂમિકા મુજબ લિંગાયત સમાજને હિંદુ ધર્મનો હિસ્સો જ ગણાવવા માંગે છે. કોંગ્રેસ આ સમાજના નેતાને મુખ્ય મંત્રીપદે આવવા દેવામાં અવરોધ પેદા કરી રહ્યાની ભૂમિકા ભાજપની છે.મુખ્ય મંત્રી સિદ્ધરામૈયાને ભાજપના નેતાઓ “અહિંદા”ને બદલે “અ-હિંદુ” ગણાવે છે ત્યારે કોંગ્રેસના નેતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને “હિંદુ છો કે જૈન?” એવા પ્રશ્ન કરે છે.વાસ્તવમાં શાહ વૈષ્ણવ છે. એમની અટક શાહ હોવાથી કર્ણાટકમાં એ હિંદુ નહીં, પણ જૈન હોવાની છાપ ઉપસાવવાની કોશિશ થાય છે.
વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, સત્તાવાર રીતે દેશમાં જૈન વસ્તી માત્ર ૪૦ લાખ છે અને ગુજરાતમાં ૫,૭૯,૬૫૪  તેમજ મહારાષ્ટ્રમાં ૧૪ લાખ ૩૪૯, કર્ણાટકમાં ૪,૪૦,૨૮૦ તથા રાજસ્થાનમાં ૬,૨૨,૦૨૩ છે. જોકે આ આંકડા સાચું ચિત્ર રજૂ કરતા નથી. કારણ ઘણા જૈન હજુ પોતાને હિંદુ તરીકે જ નોધાવે છે.એટલે દેશમાં જૈનોની વસ્તી ૧.૫ કરોડ અને ગુજરાતમાં ૨૦ લાખ જેટલી હોવાનું  મનાય છે.એલ.ડી.ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડોલૉજીના નિયામક ડૉ.જીતેન્દ્ર શાહનું કહેવું છે કે જૈનો પોતાને “હિંદુ”ને બદલે “જૈન” લખાવે એ માટે અમે રીતસર ઝુંબેશ ચલાવી રહ્યા છીએ. મે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારમાં બેઠેલા આગેવાનોને ગળે ઉતારવામાં આવ્યું હતું કે જૈનોને ધાર્મિક લઘુમતી જાહેર કરો તો રાજકીય લાભ થશે.એ વેળા કોંગ્રેસના નેતૃત્વવાળી ડૉ.મનમોહન સિંહની સરકાર હતી.એણે ૨૭ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ જૈનોને ધાર્મિક લઘુમતી જાહેર કરવાનો રાજપત્ર બહાર પાડ્યો, ત્યારે પણ ભાજપની નેતાગીરી જૈનોને ધાર્મિક લઘુમતી જાહેર કરવાના વિરોધમાં હતી. સંયોગ તો જુઓ કે અગાઉ મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યમાં જૈનોને લઘુમતી જાહેર કરી દેવાયા હતા.ગુજરાતમાં તો કોબામાં આચાર્ય ભગવંતોનું સંમેલન મળ્યું ત્યારે જૈનોને “હિંદુ નામના  છત્રમાંથી જૈન નામની છત્રીમાં લઇ જવા” સામે વિરોધ ઊઠ્યો હતો. જોકે એ વખતે પણ જૈન અગ્રણી અને ઉદ્યોગપતિ શ્રેણિક કસ્તુરભાઈએ આ લખનારને કહ્યું હતું કે અંગત રીતે જૈનોને લઘુમતી જાહેર કરાય એ મતનો હોવા છતાં આચાર્ય ભગવંતોના વિરોધને કારણે ખુલીને બહાર આવી શકતો નથી.
જોકે ૭ મે ૨૦૧૬ના ઠરાવથી ગુજરાતમાં ભાજપની આનંદીબહેન પટેલ સરકારે જૈનોને લઘુમતીમાં મૂકવાનો નિર્ણય કર્યો ત્યારે એને ચોફેરથી આવકાર મળ્યો.એને સૌપ્રથમ વધાવનાર હતા વર્તમાન મુખ્ય મંત્રી અને જૈન અગ્રણી વિજયભાઈ રૂપાણી.અત્યારે તો સૂફી સંત મહેબૂબઅલી બાબા સાહેબના અધ્યક્ષપદ હેઠળના ગુજરાત સરકારના લઘુમતી નિગમમાં કોઈ જૈન નિયામક નિયુક્ત થયા નથી,પણ કેન્દ્રના સૈયદ જી.એચ.રિઝવીના વડપણવાળા લઘુમતી નિગમમાં ગુજરાતના જૈન અગ્રણી સુનીલ સિંઘીને નિયામક નિયુક્ત કરાયા છે. ગુજરાતમાં મુસ્લિમ, જૈન, શીખ, ખ્રિસ્તી અને ઝોરાસ્ટ્રિયન (પારસી)ને ધાર્મિક લઘુમતી અને સિંધીને ભાષાકીય લઘુમતી તરીકે સમાવવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ ૧૧ ટકા વસ્તી લઘુમતીની છે.એમાં ૯ ટકા મુસ્લિમ અને બાકીની બધી લઘુમતી ૨ ટકા છે.જૈન લઘુમતી શિક્ષણ સંસ્થાઓને માઈનોરિટી ઇન્સ્ટિટ્યૂશન તરીકે  વિશેષ લાભ મળવા ઉપરાંત જૈન વિદ્યાર્થીઓને વિદેશ ભણવા માટે ૨૦ લાખ રૂપિયા સુધીની પાંચ વર્ષ માટે વગરવ્યાજની લોન મળે તેમજ યુપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત કોચિંગનો લાભ મળે,એવું ગુજરાતના લઘુમતી નિગમના અધ્યક્ષ બાબા સાહેબનું કહેવું છે. કેન્દ્ર સરકારમાં લઘુમતી બાબતોનું મંત્રાલય પણ છે.એના કેબિનેટ પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી છે. ગુજરાતમાં ધર્માંતર માટે સરકારની મંજૂરી લેવી પડે છે,પણ પરાપૂર્વથી જૈન આચાર્ય ભગવંતો તમામ કોમમાંથી આવતા રહ્યા હોવાથી જે જૈન ધર્મ પાળે તેને જૈન ધાર્મિક લઘુમતીના લાભ મળી શકે. જૈન શિક્ષણ સંસ્થામાં ૫૦ ટકા પ્રવેશ જૈન વિદ્યાર્થીને આપી શકાય એટલું જ નહીં,લઘુમતી સંસ્થાના વહીવટમાં સરકારી દાખલગીરી પણ પ્રમાણમાં ઓછી રહે છે.
 જૈનો માત્ર જન્મે જ જૈન હોય એવું નથી.આચારવિચારથી જૈન ધર્મના સિદ્ધાંતો પાળનાર પણ જૈન ધર્મ અંગીકાર કરી શકે છે.જૈન ધાર્મિક લઘુમતીના લાભ આવા જૈન ધર્મ અંગીકાર કરનારને પણ મળી શકે.જૈન ધર્મ અંગીકાર કરવા માટેનું કોઈ બંધારણ નથી,એવું જણાવીને મુંબઈના જૈન અગ્રણી અને જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અતુલ શાહ કહે છે કે જૈન સાધુ થવા માટે મહાવ્રત અને શ્રાવક માટે અનુવ્રતનું પાલન કરવું પડે.અહિંસા પર જૈન ધર્મ ખૂબ ભાર મૂકે છે.જૈન ધર્મના ઋષભદેવથી લઈને મહાવીર(ઈ.સ.પૂર્વે ૫૪૦-૪૬૮) સુધીના  તમામ ૨૪ તીર્થંકરો જન્મે ક્ષત્રિય હતા. એમના તમામ ગણધરો બ્રાહ્મણ હતા.જૈનસાધુ હેમચંદ્રાચાર્ય અણહિલવાડના રાજવી કુમારપાળને જૈન ધર્મ અંગીકાર કરાવવાનું નિમિત્ત બન્યા.પચાસ વર્ષ લગી માંસાહારી એવા કુમારપાળને જૈન ધર્મના માર્ગે વાળનાર હેમચંદ્રાચાર્ય પણ જન્મે ક્યાં જૈન હતા? એ તો મૂળ મોઢ વણિક હતા.છેલ્લાં ૧૦૦-૨૦૦ વર્ષમાં જૈન ધર્મના ૫૦૦ જેટલા સાધુ-ભગવંતો પટેલ, બ્રાહ્મણ, રબારી, લિંગાયત, દલિત સહિતના અ-જૈનમાંથી થયા છે. ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના બે શિષ્યો ચન્દ્રજિતસુરિ અને ઇન્દ્રજિતસુરિ તો ચરોતરના નારના પટેલ પરિવારમાંથી આવે છે.એમની આઠેક પેઢીઓ જૈન ધર્મ પાળતી રહી છે. આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી મૂળ બેચરદાસ પટેલ હતા.૯૬ વર્ષના જૈનાચાર્ય દોલતસાગરસુરિ પણ જન્મે પટેલ હતા. જૈન ધર્મના આઠ મહાપ્રભાવકોમાંથી મહત્વના એક સિદ્ધસેન દિવાકરસુરિ જન્મે બ્રાહ્મણ રહ્યા. હરિભદ્રસુરિ મહારાજ સાહેબ પણ જન્મે બ્રાહ્મણ હતા. ગુણાનંદસુરિ (લિંગાયત), શયમ્ભવસૂરિ (બ્રાહ્મણ), આર્યરક્ષિતસુરિ (માતા જૈન,પિતા બ્રાહ્મણ), જીનભદ્રકણિ ક્ષમા શ્રમણ (ક્ષત્રિય), ભદ્રબાહુ સ્વામિ, શોભનમુનિ (બ્રાહ્મણ), સંવેદરતિ વિજય,પ્રશમરતિ વિજય ,વૈરાગ્યરતિ વિજય (ભાયાણી સમાજના). બ્રાહ્મણ રસોઈયામાંથી દીક્ષા લઇ  આચાર્ય ભગવંત થનાર  મેરુપ્રભસુરીશ્વરજી મહારાજ થોડા વખત પહેલાં જ કાળધર્મ પામ્યા. નીતિસૂરીશ્વરજી સમુદાયના રાજતિલકસુરિ જન્મે પરમાર (દલિત) હતા. પોલીસ પટેલમાંથી આ.ભ.દાનસુરીશ્વરજી મ.સા.થયા. આગામી દિવસોમાં ડોંબિવલીમાં અભય શેખર મ.સા.ના ૨૪ વર્ષીય મરાઠા  શિષ્ય વંદન દીક્ષા લેવાના છે.એક બાજુ, રાજકીય પક્ષો વચ્ચે ધાર્મિક લઘુમતીના મુદ્દે હૂંસાતૂંસ ચાલે છે, તો સામેપક્ષે, આપણી પાસે એવાં અનેક નામો છે કે જૈન જેવી ધાર્મિક લઘુમતીના આચાર્ય ભગવંતો અને શ્રાવકો બ્રાહ્મણો, ક્ષત્રિયો, પટેલો, રબારી જ નહીં,દલિતમાંથી પણ થયા છે.ધર્મની આડશે રાજકારણ ખેલનારાઓને એ વાત સમજાવી જોઈએ કે ધર્મ અને ઈશ્વરની આરાધનામાં જેમ નાતજાત કે ધર્મના વાડા નથી હોતા, એનું અનુસરણ કરાય તો  બહુમતી કે લઘુમતીના ભેદ ઉકેલાઈ જશે. રાજકીય પક્ષો પ્રજાના કલ્યાણનો વિચાર  કરે એ જ અભ્યર્થના.
ઈ-મેઈલ : haridesai@gmail.com
(HD-DB-Religious Minority-4-2018)

MPs and MLAs become their own judges in raising pay and allowances


Dr. Hari Desai’s Weekly Column in Gujarat Samachar (London), Sanj Samachar (Rajkot), Gandhinagar Samachar (Gandhinagar), Sardar Gurjari (Anand), Gujarat Guardian (Surat), Hamlog (Patan) and other Dailies. You may read the full text here and comment.
સાંસદો અને ધારાસભ્યો દલા તરવાડીનો ન્યાય તોળે છે : ડૉ. હરિ દેસાઈ
·         જનસેવા કરવા માટે પણ પગાર-ભથ્થાં લેવાની પરંપરા ગાંધીજી - સરદાર પટેલનું નામ લેનારાઓને પસંદ
·         નેહરુ-સરદારનો પગાર મહિને ૩૦૦૦ હતો; ૩૫૦નો સ્વૈચ્છિકકાપ સ્વીકારતા, મોદી ૧.૬ લાખનો પગાર લે છે
·         ગુજરાતના ધારાસભ્યોને લગભગ મહિને ૬૮ હજાર રૂપિયાનો પગાર તથા ભથ્થાં મળે છે,સવા લાખ ખપે છે
·         અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ  વર્ષે ૪ લાખ ડોલરનો  પગાર લઇ શકે પણ લે છે માત્ર એક ડોલર  માનધન

ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોને સેવા સાટે મેવાની જોગવાઈમાં વધારો કરવા માટેનું વિધેયક સર્વાનુમતે મંજૂર કરાવીને સરકારી અધિકારીઓની તુલનામાં મોટાં પે-પેકેજ માન્ય કરવાની તૈયારી ચાલી રહી છે. ધારાસભ્ય થવા માટે શૈક્ષણિક લાયકાતની કોઈ જરૂર નથી. અભણ કે અંગૂઠા છાપ વ્યક્તિને પણ રાજકીય પક્ષ ટિકિટ આપે કે અપક્ષ ચૂંટણી લડે  અને એ વિધાનસભાની ચૂંટણી જીતી જાય તો એને કોઈ આઈએએસ કે આઈપીએસ સમકક્ષ પગાર મળે. પોતાના મતવિસ્તારના વિકાસ માટે દર વર્ષે દોઢ કરોડ રૂપિયાનો નિધિ એને ફાળવાય અને અબજોનાં બજેટ મંજૂર કરવાની સત્તા મળે. પાડોશી દેશ પાકિસ્તાનમાં ધારાસભ્ય કે સાંસદ થવા માટે ઓછામાં ઓછું સ્નાતક (ગ્રેજ્યુએટ) હોવું અનિવાર્ય છે, પણ ભારતમાં આવો નિયમ નથી. ગુનાખોરીના બેસુમાર ખટલા ચાલતા હોય છતાં ધારાસભ્ય અને સાંસદ જ નહીં, પ્રધાનમંડળના સભ્ય થઈ શકે છે.ભારતીય સંસદમાં બેસતા મોટાભાગના સભ્યો કરોડપતિ હોવા છતાં પગાર અને ભથ્થાં પેટે પ્રજાના પરસેવાના સેંકડો કરોડ રૂપિયા મેળવીને ય પ્રજાની સેવા કરવાની તેઓ મહેરબાની કરે છે !
અત્યારે ગુજરાત વિધાનસભા વિવિધ કારણોસર ચર્ચામાં છે. મારામારીનાં દૃશ્યો, ગાળાગાળી, વિધાનસભ્યોના ત્રણ-ત્રણ વર્ષ માટે સસ્પેન્શન તથા વિધાનસભાના અધ્યક્ષ વિરુદ્ધ વિપક્ષ તરફથી અવિશ્વાસની દરખાસ્ત સહિતના મુદ્દા બજેટ સત્રમાં ખૂબ ગાજતા રહ્યા. વિધાનસભામાં ઠરેલ અને પરિપક્વ રાજનેતાઓ સાથે  બેસીને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ટકરાવને ઠારવાનું કામ કરવાને બદલે હવેનો માહોલ જરા અશોભનીય બનવા માંડ્યો છે. બે હાથે જ તાળી પડે એવા સંજોગોમાં ગૃહની ગરિમા અને સંસદીય લોકશાહી લજવાય એવા સંજોગો અને દૃશ્યો સતત જોવા મળે છે.જોકે ગૃહના સત્રના છેલ્લા દિવસ પહેલાં ઘીના ઠામમાં ઘી પડ્યું રહ્યું અને રાજ્યની પ્રજા મૂરખ બની હોવાનો અનુભવ થયો.વિપક્ષ અને સત્તા પક્ષ હોહા અને હાકલાદેકારા કરીને પ્રજાને માટે  પોતે કંઈક કર્યું હોવાનો દેખાડો જરૂર કરે છે.
આ બધામાં અપવાદરૂપ કહી શકાય એવી સર્વાનુમતિ દર વખત પગાર અને ભથ્થાંમાં વધારો કરવાની દરખાસ્ત સાથેના વિધેયક સુધારાને મંજૂરી આપવામાં જોવા મળે છે. અત્યારે ધારાસભ્યોને મહિને લગભગ ૬૮ હજાર રૂપિયાનો પગાર તથા ભથ્થાં મળે છે. સેવાકાર્ય માટે અધિકારી સમકક્ષ પગાર અને ભથ્થાં માંગવામાં ધારાસભ્યોને શરમ કે સંકોચ નથી અનુભવાતી એ ગાંધીજી અને સરદારના ગુજરાતની વિશેષતા છે. અગાઉ બે ધારાસભ્યો પગાર કે ભથ્થાં લેતા નહોતા. આ વખતે એ બંને ગૃહમાં નથી. જૂનાગઢના ભાજપી ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ અને સિદ્ધપુરના કોંગ્રેસી (હવે ભાજપી વાઘા ચડાવનારા) ધારાસભ્ય રહેલા બળવંતસિંહ રાજપૂત પગાર અને ભથ્થાં લેતા નહોતા. એમાં વધારાની દરખાસ્તનો ય મશરૂ તો વિરોધ  પણ કરતા હતા.
બળવંતસિંહ તો અબજોપતિ છે અને ભારતીય લશ્કરને ખાદ્યતેલ પૂરું પાડવાનો મસમોટો કરાર એમને મળતો રહ્યો છે. જૂનાગઢના મશરૂ જિલ્લા પંચાયતના કર્મચારી તરીકે પગાર લેતા રહ્યા હોવાથી ધારાસભ્ય તરીકેનો પગાર નહોતા લેતા, પણ અન્ય ધારાસભ્યોની સાહ્યબીથી વિપરીત એ બસમાં મુસાફરી કરતા હતા. લોકસભામાં પણ સાંસદોના પગાર અને ભથ્થાંમાં વધારાની દરખાસ્તો સર્વાનુમતે મંજૂર થાય છે એટલું જ નહીં, નિવૃત્ત સાંસદોને પેન્શન પણ મળે છે.સમગ્ર દેશમાં ધારાસભ્યોને નિવૃત્ત થયા પછી પેન્શન મળે છે, પણ ગુજરાતમાં કેશુભાઈ પટેલની ભાજપી સરકાર વખતે એ માટેની દરખાસ્ત આવી ત્યારે સર્વોદયી આગેવાન ચુનીભાઈ વૈદ્ય અને બીજા ઉપવાસ ઉપર બેઠા એટલે એ બાબત લટકી ગઈ. જોકે, કાલ ઊઠીને એ નહીં આવે એવું નથી..
હમણાં ભારતમાં ત્રીજા મોરચાની રચના માટે મેદાને પડેલા નવરચિત તેલંગણ રાજ્યના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે તો ૨૦૧૪માં રાજ્ય સરકારનાં સૂત્રો સંભાળતાની સાથે જ ધારાસભ્યોને ન્યાલ કરી દેવા મહિને અઢી લાખ રૂપિયાનો પગાર અને ભથ્થાં ચુકવવાનું નક્કી કરાવી લીધું હતું. એવું જ કાંઈક દિલ્હીના આમ આદમી મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ કર્યું અને મહિને ૨.૧૦ લાખ રૂપિયાનો પગાર ધારાસભ્યો માટે કરાવી દીધો. જનસેવા કરવા માટે પણ પગાર અને ભથ્થાં લેવાની પરંપરા ગાંધીજી અને સરદાર પટેલનું નામ લેનારા રાજનેતાઓ પસંદ કરે છે. ભારતમાં ૨૦૧૧ સુધી સૌથી ઓછો પગાર અને ભથ્થાં લેવાતાં હોય એવા ધારાસભ્યો ઓડિશામાં હતા.ઓડિશામાં મહિને ૨૧૯૫૦ રૂપિયાનો પગાર અને ભથ્થાં હતાં,પણ સપ્ટેમ્બર ૨૦૧૭માં એમનો પગાર અને ભથ્થાં વધીને ૧ લાખ રૂપિયાના આંકડાને આંબી ગયાં છે.અન્ય રાજ્યોમાં ૪૦ હજાર રૂપિયાથી લઈને ૧.૮૭ લાખ રૂપિયાનો પગાર અને ભથ્થાં ઉપરાંત તબીબી સેવા તથા પ્રવાસ માટેની સુવિધાઓ તો છોગામાં. ગુજરાતમાં ધારાસભ્યોએ મહિને ૧.૨૫ લાખ રૂપિયા જેટલી પગાર અને ભથ્થાંની રકમ કરવાની દરખાસ્ત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને આપી છે. દલા તરવાડીના ન્યાયે લઉં રીંગણાં બે ચારજેવો પ્રશ્ન પૂછીને લે ને દસ-બારનો ઉત્તર વાળવા માટે ધારાસભ્યો સજ્જ બેઠા છે. ઉપરાંત એમના વિસ્તારના વિકાસ માટે દર વર્ષે દોઢ કરોડ રૂ. જેટલી રકમ ફાળવાય છે.દેશના મુખ્ય મંત્રીઓના પગારમાંય તેલંગણનો વિક્રમ છે.તેમને મહિને ૪.૧૦  લાખ રૂપિયાનો પગાર મળે છે,જયારે ગુજરાતના મુખ્ય મંત્રીનો રૂપિયા ૩ લાખ ૨૧ હજાર છે.દિલ્હીના મુખ્ય મંત્રી મહિને રૂપિયા ૩.૯૦ લાખનો પગાર લઇ પ્રજાની  સેવા કરે છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ૪ લાખ ડોલરનો પગાર લઇ શકે પણ તે માત્ર ૧ ડોલર પગાર લે છે છે.કેનેડાના વડા પ્રધાન ૧.૭૦ લાખ ડોલરનો વાર્ષિક પગાર લે છે.એની તુલનામાં તો ભારતીય વડા પ્રધાન માંડ ૨૦ થી ૨૨ લાખ રૂપિયાનો વર્ષે પગાર લેતા હોવાનો અંદાજ છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પગાર મહિને રૂપિયા ૧.૬૫ લાખ વત્તા ભથ્થાં છે. રાષ્ટ્રપતિને મહિને રૂપિયા ૫ લાખ વત્તા ભથ્થાં, ઉપરાષ્ટ્રપતિને મહિને ૪ લાખ વત્તા ભથ્થાં,રાજ્યપાલોને ૩.૫ લાખ તથા મુખ્ય ન્યાયાધીશને ૨.૫ લાખ રૂપિયા વત્તા ભથ્થાં મળે છે. પ્રત્યેક સાંસદને મહિને દોઢ લાખ રૂપિયા કરતાં વધુ ,પગાર મળે છે,પણ તેમની પાછળ ખર્ચાતી કુલ રકમ મહિને ૨.૭ લાખ રૂપિયા અંદાજાય છે. પ્રત્યેક સાંસદને દર વર્ષે પોતાના મતવિસ્તારના વિકાસ માટે પાંચ-પાંચ કરોડ રૂપિયા ફાળવાય છે. નિવૃત્ત સાંસદોને મહિને ૨૦ હજાર રૂપિયાનું પેન્શન મળે. જેટલી વધુ મુદ્દત માટે એ સાંસદ રહ્યા હોય એ મુદત  દીઠ પંદરસો રૂપિયા વધુ પેન્શન મળે.અત્યારે લોકસભા તથા રાજ્યસભાના સાંસદો પાછળ હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરનાર ભારત દેશના મહાન નેતાઓ મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલનું નામ લેવામાં આવે છે, પણ એમની સાદગીને સાવ જ કોરાણે મૂકવામાં આવી છે. કરાંચીમાં કૉંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે કૉંગ્રેસની સરકારના પ્રધાનોએ ૫૦૦ રૂપિયા જેટલી રકમમાં મહિનો સુધી ચલાવવું એવી સાદગીનો આગ્રહ મહાત્મા ગાંધીનો હતો. જોકે, સરદાર આ રકમ થોડીક વધારવાના આગ્રહી હતા.
એ વેળા તો આઝાદીની ચળવળમાં સહભાગી મોટા ભાગના આગેવાનો બેરિસ્ટર હતા અને દેશને સમર્પિત હતા. સરદાર પટેલ જ્યારે ગૃહ પ્રધાન અને નાયબ વડા પ્રધાન હતા ત્યારે પ્રધાનો સહિતના ઉચ્ચ પગાર લેનારાઓ સ્વૈચ્છિક પગારકાપ સ્વીકારે એના આગ્રહી હતા. ભારત સરકારના અભિલેખાગાર (નેશનલ આર્કાઈવ્ઝ ઓફ ઈન્ડિયા)ની ફાઈલોમાંથી અમને આ માહિતી સોંપડી હતી. સ્વૈચ્છિક પગાર કાપનો સરદારનો આગ્રહ એમના અનુગામી સી. રાજગોપાલાચારીના સમયમાં  એટલે કે ૪ જાન્યુઆરી ૧૯૫૧થી અમલી બન્યો. એ વેળા રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદનો માસિક પગાર હતો રૂપિયા ૧૦,૦૦૦, વડા પ્રધાન જવાહર લાલ નેહરુનો ૩૦૦૦ રૂપિયા, ડૉ.બાબાસાહેબ આંબેડકર, ક.મા. મુનશી, રાજાજી સહિતના પ્રધાનોનો મહિને ૩૦૦૦ રૂપિયા હતો. રાજ્યોના રાજ્યપાલોના પગાર રૂપિયા ૫૫૦૦ અને મુખ્ય પ્રધાનોનો રૂ. ૧૫૦૦ હતો. દેશના પ્રથમ  મુખ્ય ન્યાયમૂર્તિ એમ. જે. કણિયાનો રૂપિયા ૭૦૦૦ હતો.સ્વૈચ્છિક પગારકાપમાં સહભાગી થયેલા રાષ્ટ્રપતિ, રાજ્યપાલો, વડા પ્રધાન, પ્રધાન, મુખ્ય પ્રધાન તથા ન્યાયાધીશોમાં કેટલાક એવા પણ હતા કે જેમણે સ્વૈચ્છિક કાપ માટે સંમતિ નહોતી આપી. એકંદરે ૧૦ ટકા જેટલો પગારકાપ સ્વેચ્છાએ સ્વીકારનારાઓના પ્રતાપે રૂપિયા ૫,૦૫,૦૦૦ જેટલી રકમની વર્ષમાં બચત થયાનું ૮ જાન્યુઆરી ૧૯૫૨ની એ વેળાના ગૃહ સચિવ એચ. વી. આર. આયંગારની નોંધમાં સ્પષ્ટ કરાયું હતું. જોકે, વર્તમાન સંજોગોમાં આવા સ્વૈચ્છિક પગાર કાપની તો કલ્પનાય મુશ્કેલ છે.
નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે ૨૭ નવેમ્બર ૧૯૪૯ના એક ગોપનીય પરિપત્રથી મહિને રૂપિયા ૩૦૦૦ કે તેથી વધુ પગાર મેળવનારાઓ માટે ૧ જાન્યુઆરી ૧૯૪૯થી ૧ માર્ચ ૧૯૫૨ દરમિયાન સ્વૈચ્છિક પગારકાપ માટે સમગ્ર દેશનાં રાજ્યોને સૂચિત કર્યું હતું. જમ્મૂ-કાશ્મીરના તમામ પ્રધાનોએ ૧૦ થી ૨૦ ટકાનો સ્વૈચ્છિક પગારકાપ સ્વીકાર્યો હતો. સરદાર અને એમના અનુગામી રાજાજીના આગ્રહના અનુસંધાને દાખલારૂપ કેટલાક  હોદ્દેદારોએ આ મુજબ સ્વૈચ્છિક પગારકાપ સ્વીકાર્યો હતો:
ક્રમ
વ્યક્તિ
હોદ્દો
માસિક પગાર રૂ.
સ્વૈચ્છિક પગારકાપ રૂ. (મહિને)
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
રાષ્ટ્રપતિ
૧૦,૦૦૦
૧,૫૦૦
જવાહરલાલ નેહરુ
વડા પ્રધાન
 ૩,૦૦૦
  ૪૫૦
સરદાર પટેલ
નાયબ વડા પ્રધાન
૩,૦૦૦
  ૪૫૦
ક.મા.મુનશી
કેન્દ્રીય પ્રધાન
૩,૦૦૦
 ૪૫૦
ગોવિંદ વલ્લભ પંત
મુખ્યમંત્રી :ઉ.પ્ર.
૧,૫૦૦
૧૮૭.૮
રામલખન
એમ એલ સી :ઉ.પ્ર.
૨૦૦
૩૦
મહારાજા કૃષ્ણકુમાર સિંહ
રાજ્યપાલ :મદ્રાસ
૫૫૦૦
૮૨૫
રાજા સર મહારાજ સિંહ
રાજ્યપાલ :મુંબઈ
૫૫૦૦
૧૧૦૦
જામસાહેબ દિગ્વિજયસિંહ
રાજપ્રમુખ :સૌરાષ્ટ્ર
૬,૧૬,૦૦૦ (વર્ષે)
૭૭૦
૧૦
મહારાજા મયૂરધ્વજ સિંહ
કા. રાજપ્રમુખ : સૌરાષ્ટ્ર
૫૫૦૦
૭૭૦
૧૧
હોમી પી.મોદી
રાજ્યપાલ :ઉ.પ્ર.
૫૫૦૦
૮૨૫
૧૨
કે.એન.કાત્જૂ
રાજ્યપાલ :પ.બંગાળ
૫૫૦૦
૮૨૫
૧૩
એમ.સી.ચાગલા
મુખ્ય ન્યાયાધીશ:મુંબઈ  
૫૦૦૦
૭૫૦
૧૪
ડી.જે.વ્યાસ,આઈસીએસ
ન્યાયાધીશ
૩૫૦૦
-
૧૫
પી.વી.રાજા મન્નાર
મુખ્ય ન્યાયાધીશ:મદ્રાસ  
૫૦૦૦
૭૫૦
 માહિતી સ્રોત : ગૃહ મંત્રાલય ફાઈલ : ૧૦૫/૫૧ રાષ્ટ્રીય અભિલેખાગાર, નવી દિલ્હી.
ઈ-મેઈલ : haridesai@gmail.com                               (લખ્યા તારીખ : ૩૦-૩-૨૦૧૮)