Thursday 29 February 2024

Hari Gets title "Haramkhor Hari" thanks to Morarji Desai 

મોરારજી દેસાઈનો બચાવ કરવા જતાં

અમને હરામખોર હરિની પદવી મળી!

-     હરિ દેસાઈ ૨૯ ફેબ્રુઆરી,૨૦૨૪

 આજે દેશના ઉત્તમ વડાપ્રધાનોમાં શિરમોર એવા મોરારજી રણછોડજી દેસાઈનો જન્મદિવસ એટલે એમને ભાવભીની અંજલિ આપવામાં ગૌરવ અનુભવવાની સાથે જ થોડાંક સંસ્મરણ પણ તાજાં થાય છે. મોરારજીભાઈના પ્રતાપે તો અમને “હરામખોર હરિ!”નું બિરુદ મળ્યું હતું. એની પણ રસપ્રદ કહાણી છે.

અમે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં મુંબઈના “સમકાલીન” દૈનિકના તંત્રી ફેબ્રુઆરી ૧૯૯૫માં થયા. એ જ વર્ષે ૧૦ એપ્રિલે મોરારજીભાઈનું નિધન થયું. એમના અગ્નિસંસ્કાર અમદાવાદના અભયઘાટ ખાતે થયા ત્યારે મહારાષ્ટ્રની  શિવસેના-ભાજપની સંયુક્ત સરકારના મુખ્યમંત્રી મનોહરપંત જોશી (હમણાં જ જેમનું નિધન થયું) પણ અમદાવાદ આવ્યા હતા. એમણે નિવેદન કર્યું હતું કે અમે મુંબઈમાં મોરારાજીનું સ્મારક બનાવીશું. મનોહરપંત કદાચ ચૂક્યા કે એમની શિવસેનાના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેને મોરારજી દેસાઈએ ત્રણેક દિવસ જેલમાં નાંખ્યા હતા એટલે એ  એમના પ્રત્યે ભયંકર ઘૃણા ધરાવતા હતા. જોશીના નિવેદન સંદર્ભે ઠાકરેએ “ઊભા મહારાષ્ટ્રાત હોઉ દેણાર નાહી” એવું નિવેદન કરવા ઉપરાંત પોતાના મરાઠી દૈનિક ‘સામના’માં મોરારજી દેસાઈ વિશે ભયાનક અને અભદ્ર શબ્દોમાં ટીકા કરી. અમને હતું કે મુંબઈમાં ૩૫ લાખ ગુજરાતી વસે છે તો કોઈક અને ખાસ કરીને “ખુદ્દારી અને ખુમારીની ડિંગ હોંકનારા” કોઈક તો એનો વિરોધ કરશે. બધા ચૂપ હતા ત્યારે અમે અમારા સંવાદદાતાઓને અગ્રણીઓના મત પૂછવા કામે લગાડ્યા. મોરારાજીના બાળ ઠાકરે થકી ચરિત્રહનનનો વિરોધ કર્યો. અહેવાલ પહેલે પાને છાપવાનો હતો. અમે એનું હેડિંગ કર્યું:”મુંબઈ બાળ ઠાકરેની બાપીકી જાગીર નથી”.અમારા તેજસ્વી કાર્યવાહક સમાચાર સંપાદક બિમલ મહેશ્વરી કહે: “હરિભાઈ, હેડિંગ બદલો,નહીં તો કાલે ધમાલ મચી જશે.”  અમે હેડિંગ બદલવાનો નન્નો ભણ્યો. બિમલે  કહેલી વાત સાચી પડી.અપેક્ષા હતી જ.

નવાઈ એ વાતની હતી કે બાળ ઠાકરેના વાંદરા કલાનગરસ્થિત નિવાસસ્થાન “માતોશ્રી”પર ચાર ગુજરાતી મહાનુભાવો પહોંચી ગયા. ઠાકરેને કહ્યું કે હરિએ તમારા પિતાશ્રીને ગાળ દીધી છે. કાચા કાનના પણ અમને સુપેરે જાણતા  બાળાસાહેબે બીજા દિવસના “સામના”માં પૂર્ણ કદનો તંત્રી લેખ લખ્યો.શીર્ષક હતું :”હરામખોર હરિ”.એમાં એક્સપ્રેસના માલિક વિવેક ગોએન્કાને ધમકી અપાઈ હતી કે આ તંત્રીને કાઢી મૂકો,અન્યથા અમે એક્સપ્રેસ ટાવરને આગ લગાડી દઈશું.અને “હરીલા હરી હરી કરૂન ટાકણ”(હરિને મારી નાખીશું.)ગોએન્કાએ અમને ચિંતા ના કરવા કહ્યું. એ વેળા શરદ પવાર વિધાન પરિષદમાં વિપક્ષના નેતા હતા. એમણે “સામના”માં તંત્રી લેખ વાંચીને અમારા મિત્ર અને નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી ગોપીનાથ મુંડેને પત્ર લખ્યો કે હરિને પોલીસ સુરક્ષા આપવામાં આવે. અમે એમનો આભાર માનતો પત્ર લખી પોલીસ સુરક્ષા નહીં ખપતી હોવાનું જણાવ્યું.એ ઘટનાના એકાદ મહિના પછી એક્સપ્રેસ લોનમાં પાર્ટીમાં બાળાસાહેબ ઠાકરે આવ્યા.  એ વખતે ત્રણ તંત્રી એક જ સોફા પર બેઠા હતા. વાત ઝાઝી થઇ નહોતી, પણ એ પછી થોડા સમય બાદ તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના મહામંત્રી  સુભાષ દેસાઈ અમારી એક્સપ્રેસ ખાતેની ઓફિસમાં આવીને અમને શિવસેનાની ચૂંટણી ટિકિટ ઓફર કરી હતી. અમે કહ્યું:”હું મારા માટે કશું મેળવવા લખતો નથી. તમે તમારા કોઈ સારા ગુજરાતી કાર્યકરને ટિકિટ આપી શકો છો. હું તો ગુજરાતીઓના હિતમાં મારું કામ કરતો રહીશ.”

મોરારજીની વડાપ્રધાન થવાની મહેચ્છા તો છેક શરૂઆતથી જ એ કેન્દ્રમાં મંત્રી હતા ત્યારથી. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ પછી પોતાનો એ પદ માટેનો અધિકાર હોવાનું એ માનતા હતા. પહેલાંથી એ સરદાર પટેલના નહીં,પરંતુ પંડિત નેહરુના નિષ્ઠાવંત હતા.જોકે એ વખતે નેહરુના નિષ્ઠાવંત લાલબહાદુર શાસ્ત્રી એમને નડ્યા. એમણે એમની સામે ચૂંટણી લડવાનું માંડી વાળ્યું હતું. કામરાજ યોજનાનો એ નેહરુના જીવતાં ભોગ બન્યા અન્યથા પોતાને ગુલઝારીલાલ નંદા કરતાં વરિષ્ઠ ગણતા હોવાથી જો એ નેહરુ સરકારમાં ચાલુ હોત તો કાર્યવાહક વડાપ્રધાન બન્યા હોત એવું એ માનતા હતા. જોકે એ શાસ્ત્રી મંત્રીમંડળમાં ત્રીજા ક્રમે ના જ જોડાયા. એ પછી તાશ્કંદમાં વડાપ્રધાન શાસ્ત્રીનું અવસાન થયું. ”એમના મૃત્યુ વિશે ઘણી શંકાકુશંકાઓ ઊઠાવાઈ પરંતુ બધા સંજોગો જોતાં” મોરારજીભાઈને એમાં ખાસ તથ્ય લાગતું નહોતું. કોંગ્રેસ પ્રમુખ કામરાજ ૧૯૬૪થી એમની વિરુદ્ધમાં હતા. શાસ્ત્રીજીના મૃત્યુ પછી “ઈન્દિરાબહેન” સામે મોરારજીભાઈ વડાપ્રધાનપદ માટેની ચૂંટણીમાં મતદાન થતાં હાર્યા છતાં તેમને ૧૬૯ મત મળ્યા, એને એમણે પોતાની નૈતિક જીત ગણાવી.ઇન્દિરાજીને ૩૫૫ મત મળ્યા. એ વડાંપ્રધાન થયાં અને મોરારજીભાઈને એમણે વિનંતી કરી એટલે એમણે નાયબ વડાપ્રધાનપદ અને નાણામંત્રીનું પદ સંભાળ્યું.૧૯૬૯માં એ સરકારમાંથી છૂટા થયા. કોંગ્રેસમાં ભાગલા પણ આ જ વર્ષે પડ્યા. હવે મોરારજી સંસ્થા કોંગ્રેસના વડા હતા. વિપક્ષે હતા.

ગુજરાતમાં ૧૯૭૪ના નવનિર્માણ આંદોલનના પગલે ચીમનભાઈ પટેલની કોંગ્રેસ સરકારે જવું પડ્યું. વિપક્ષોના જનતા મોરચાનો પ્રયોગ વિધાનસભા ચૂંટણીમાં મોરારજીના નિષ્ઠાવંત બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર બનતાં સફળ થયો. ઇન્દિરાજીની ૧૯૭૫ -’૭૭ની ઈમરજન્સી દરમિયાન મોરારજી સહિતના નેતાઓ જેલવાસમાં રહ્યા. એમને માટે  એ સમયગાળો ”આત્મનિરીક્ષણ”નો રહ્યો.”અટકાયતના આ ઓગણીસ મહિનાઓ મારા આયુષ્યકાળનો ખૂબ ફાયદાકારક સમય હતો.આ માટે તો હું શ્રીમતી ગાંધીનો જાહેર આભાર માનું છું...તેમની નિંદા કરવાનો મારા માટે કોઈ પ્રશ્ન જ નથી.” માર્ચ ૧૯૭૭માં લોકસભાની ચૂંટણીમાં વિપક્ષી એકતાના પ્રતાપે બનેલી જનતા પાર્ટીએ બહુમતી મેળવી. લોકનાયક જયપ્રકાશ નારાયણ અને આચાર્ય કૃપાલાનીએ વડાપ્રધાનપદ માટે મોરારજી પર પસંદગી ઉતારી. વડાપ્રધાન થવાનું દાયકાઓનું એમનું સ્વપ્ન સાકાર થયું. એમના બે નાયબ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ અને બાબુ જગજીવન રામ બન્યા. પહેલીવાર જનતા પાર્ટીની આ સરકારે જીવનજરૂરી ચીજોના ભાવ ઘટયાનો અનુભવ કરાવ્યો. જોકે આંતરિક ખટરાગના પ્રતાપે મોરારજી સરકારનું ૧૯૭૯માં જ  પતન થયું.

સંયોગ એવો હતો કે ૧૯૭૭માં જ એ વડાપ્રધાન બન્યા અને અમારું મુંબઈમાં હિંદી પત્રકારત્વમાં પ્રવેશવાનું પણ ૧૯૭૭માં જ થયું. વડાપ્રધાન હતા ત્યારે એમના તારાપુર પ્રવાસમાં જવાનું અવિસ્મરણીય હતું. એમની નિવૃત્તિના દિવસોમાં એમની સાથેની મુલાકાતો, અમારા કાર્યક્રમમાં એમને લેવા જવાનું, એમના ઇન્ટર્વ્યૂ કરવાનું અને એમની ટૅર લેવાનું ઘણું બનતું હતું. ઘણીવાર અમારી અટક એકજ હોવાને કારણે કેટલાક મિત્રો પૂછી બેસતા:”તું ભાટલો (અનાવિલ) છે?” ત્યારે હું કહેતો:”ના,હું પટલો છું,”અમારી નિકટતા એવી કે પદ્મ ઈલકાબો બંધ કરવાના સમર્થક એવા મોરારજીભાઈએ ભારતરત્ન સ્વીકાર્યો ત્યારે અને પાકિસ્તાનનો નિશાન-એ-પાકિસ્તાન સ્વીકાર્યો ત્યારે એનો અમે એમની સામે જ વિરોધ પણ નોંધાવેલો. સ્વભાવે અક્કડ ભલે હોય, પણ એમના જેવા આદર્શવાદી નેતાનો ખાલીપો આજે કઠે છે.

No comments:

Post a Comment