Friday 30 June 2023

Indians Giving up Indian Nationality

 

દાયકામાં વર્ષ ૨૦૨૨માં સૌથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી

અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ

·         છેલ્લાં ૧૨ વર્ષમાં નાગરિકતા છોડવાનું પ્રમાણ વધતું ચાલ્યું છે  

·         એક જ વર્ષમાં ૨૨૫,૬૨૦ નાગરિકોએ ભારતીયતા ત્યાગી દીધી

·         બે કરોડ ઘૂસણખોરોમાંથી દાયકામાં માંડ ૩૦,૦૦૦ ડિપોર્ટ કરાયા  

Dr.Hari Desai writes weekly column for Gujarat Guardian Daily (Surat) and Sardar Gurjarari Daily (Anand).

છેલ્લાં ૧૨ વર્ષમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન વર્ષ ૨૦૨૨ માં ભારતીય નાગરિકતા છોડીને કરોડો રૂપિયાના રોકાણ સાથે વિદેશી નાગરિકતા મેળવનારાઓની સંખ્યા સૌથી  વધુ નોંધાઈ છે. ભારતમાં ધંધા માટેની અસુરક્ષા અનુભવતા હજારો ગુજરાતીઓ સહિતના દેશના નાગરિકો પોતાની માતૃભૂમિ સાથેનો સંબંધ તોડી રહ્યા છે.વર્ષ ૨૦૧૧થી ૨૦૧૯ દરમિયાન ભારતીય નાગરિકતા છોડનારાઓની સંખ્યા ૧૨૦,૦૦૦ અને ૧૪૪,૦૦૦ વચ્ચે રહેતી હતી. ૨૦૨૦માં કોવીદના કારણે આ આંકડો ૮૫,૨૫૬ હતો. વર્ષ ૨૦૨૧માં એ વધીને ૧૬૩,૩૭૦ થયો અને વર્ષ ૨૦૨૨માં તો નવો જ વિક્રમ સ્થપાયો..  ભારતીયો નાગરિકતા છોડીને ૧૩૫ દેશોની નાગરિકતા સ્વીકારે છે અને સાથે જ ત્યાં કરોડો રૂપિયાનું રોકાણ પણ કરે છે. આ કોઈ કલ્પનાના ઘોડા દોડાવવાની વાત નથી પરંતુ વિદેશ મંત્રી અને ગુજરાતના સાંસદ એસ.જયશંકરે ફેબ્રુઆરી, ૨૦૨૩માં આમ આદમી પાર્ટીના નારાયણ દસ ગુપ્તાના પ્રશ્નના ઉત્તરમાં રાજ્યસભામાં આપેલી આંકડાકીય વિગતો દેશની ગંભીર સ્થિતિનો અણસાર આપે છે.  એ પહેલાં લોકસભામાં કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદંબરમના ભારતીયો મોટાપાયે નાગરિકતા છોડી વિદેશી નાગરિકતા અપનાવી રહ્યા હોવાના પ્રશ્નના ઉત્તરમાં આપેલી માહિતીએ સૌને ચોંકાવી દીધા છે: માત્ર પાંચ વર્ષમાં જ ૬.૭૬ લાખ ભારતીય નાગરિકોએ નાગરિકતા છોડી છે. સત્તાવાર રીતે કેન્દ્ર સરકારે આપેલા આ આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૫થી લઈને સતત દર વર્ષે દોઢ લાખ જેટલા લોકો ભારતીય નાગરિકતા છોડીને વિદેશી નાગરિકતા લઈને ત્યાં સ્થાયી  થઇ રહ્યા છે. જાણવા મળ્યું હતું કે અમદાવાદના ઓછામાં ઓછા ૨,૦૦૦ સમૃદ્ધ પરિવારો એટલે કે જેમને કરોડપતિ ગણાવી શકાય એવા લોકો  ભારતમાં પોતાના વેપારધંધાને સંકેલી લઈને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટે સંબંધિત કન્સલ્ટન્સી એજન્સી પાસે ફાઈલો જમા કરાવી વર્ક પરમિટની પ્રતીક્ષામાં છે. વાત માન્યામાં આવતી નહોતી, પણ વિદેશ મંત્રી જયશંકર  અને  કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રી રાયે સંસદગૃહમાં માહિતી આપી એ પછીના અમારા સંશોધને આ વાત માત્ર ગંભીર જ નહીં, ભારતને માટે સંકટ સમાન હોવાનાં એંધાણ અપાનારી હોવાનું જરૂર અનુભવાયું. બ્રેઈન ડ્રેઈનને ઉલટી દિશામાં વાળવાના હાકલાદેકારા થઇ રહ્યા હોય અને રિવર્સ બ્રેઈન ડ્રેઈન શરૂ થવાના દાવા મોટા ઉપાડે થઇ રહ્યા હોય ત્યારે દર વર્ષે લાખો ભારતીય નાગરિકો પ્રાણપ્યારી માતૃભૂમિની નાગરિકતા છોડી રહ્યા વિશે  માત્ર સમાજોએ જ નહીં, સરકારોએ પણ ચિંતા કરવાની જરૂર છે.  સાગમટે પરિવાર પોતાના ધંધા અન્ય દેશમાં ખસેડવા માંગે છે એટલું જ નહીં, નવી પેઢી પણ પોતે વિદેશમાં જઈને સ્થાયી થવા ઈચ્છુક હોવાની બાબત પણ અમારા સંશોધનમાં બહાર આવી હતી. રાજકીય સ્થિરતા હોય ત્યાં ધંધો કરવાની મજા રહે એવું મનાતું હોવા છતાં વર્તમાનમાં રાજકીય સ્થિરતાનો  માહોલ હોવા છતાં વેપારધંધામાં અનિશ્ચિતતા ઘણાને જામેલા ધંધાને સંકેલી લઈને વિદેશમાં અને ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ કે અમેરિકામાં પોતાના વેપારધંધા સ્થળાંતરિત કરવા પ્રેરે છે. સંયોગ જુઓ કે છેલ્લાં પાંચ વર્ષમાં આ વલણ સવિશેષ જોવા મળે છે.

ભારતીયતાનું આકર્ષણ ઘટ્યું

કેન્દ્રના સત્તાવાર આંકડા મુજબ, વર્ષ ૨૦૧૫માં ૧૪૧,૬૫૬  ભારતીય નાગરિકોએ વિદેશી નાગરિકતા અપનાવી.વર્ષ ૨૦૧૬માં ૧૪૪,૯૪૨  ભારતીય નાગરિકોએ નાગરિકતા છોડી હતી. વર્ષ ૨૦૧૭માં ૧૨૭,૯૦૫ તથા  વર્ષ ૨૦૧૮માં આ આંકડો ૧૨૫,૧૩૦ હતો અને  વર્ષ ૨૦૧૯માં ૧૩૬,૪૪૧ હતો. આની સામે ભારતીય નાગરિકતા લેનારાઓના આંકડા જોવામાં આવે તો એ નહીંવત છે. વર્ષ ૨૦૧૫માં ૧૫,૪૭૦ (મોટાભાગના બાંગલાદેશી નાગરિકોને તેમના પ્રદેશ – એન્કલેવના સાટાને કારણે- ભારતમાં સમાવાતાં), ૨૦૧૬માં ૧,૧૦૬ વિદેશીઓને ભારતીય નાગરિકતા અપાઈ. વર્ષ ૨૦૧૭માં ૮૧૭ તથા ૨૦૧૮માં ૬૨૮ તથા વર્ષ ૨૦૧૯માં ૯૮૭ વિદેશી નાગરિકોને ભારતીય નાગરિકતા અપાઈ હતી. છેલ્લા એકાદ દાયકામાં માત્ર ૨૧,૪૦૮ વિદેશીઓને ભારતીય નાગરિકતા અપાઈ હતી. આમાંના મોટા ભાગના શરણાર્થી કે વિદેશમાં ધાર્મિક કનડગતનો ભોગ બનેલા હતા. વર્ષ ૧૯૬૪થી ૨૦૦૮ દરમિયાન ૪.૬૧ લાખ ભારતીય મૂળના તમિળોને અને ૧૯૬૨થી ૧૯૭૮ દરમિયાન બર્મામાં વસતા ભારતીય મૂળના બે લાખ બર્મીઝ લોકોને ત્રાસને કારણે ભારત આવવું પડ્યું અને એમને નાગરિકતા અપાઈ હતી. હજુ તમિળનાડુમાં ૯૫,૦૦૦ શ્રીલંકન શરણાર્થીઓ નાગરિકતા ઝંખે છે. પાકિસ્તાન કે બાંગલાદેશ કે પછી અફઘાનિસ્તાનથી બહુ મોટી સંખ્યામાં ભારત ભાગી આવેલા લોકોને હજુ ભારતીય નાગરિકતા મળી નથી. જોકે કેન્દ્ર સરકારે ડિસેમ્બર ૨૦૧૯માં આપેલા આંકડાઓ મુજબ, વર્તમાન કેન્દ્ર સરકારે છ વર્ષમાં પાકિસ્તાન, બાંગલાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા ૪,૦૦૦ વિદેશીઓને નાગરિકતા આપી છે, જેમાં મુસ્લિમોનો પણ સમાવેશ છે. જોકે કેન્દ્ર સરકાર કહે છે કે ધાર્મિક યાદી રખાતી નથી. ભારતમાં બે કરોડ જેટલા બાંગલાદેશી ઘૂસણખોરો વસતા હોવાનું કોંગ્રેસના વડપણવાળી નરસિંહરાવ સરકાર કે ડૉ.મનમોહનસિંહ સરકારે જ નહીં, ભાજપના નેતાઓ અને વડાપ્રધાનો અટલ બિહારી વાજપેયી તથા નરેન્દ્ર મોદીની સરકારે સંસદમાં જણાવ્યું છે. છેલ્લે ૨૦૧૬માં મોદી સરકારના ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજીજુએ પણ દેશમાં બે કરોડ બાંગલાદેશી ઘૂસણખોરો હોવાનો આંકડો સંસદમાં આપ્યો હતો. આવા ઘૂસણખોરોને પાછા તગેડવા (ડિપોર્ટ) કરવાનો મુદ્દો ભાજપની નેતાગીરી જોરશોરથી ઉઠાવે છે, પરંતુ આવા ઘૂસણખોરોને પાછા તગેડવા અંગેનો એનો ટ્રેક રેકોર્ડ સાવ જ નબળો હોવાનું મોદી સરકારે જ ગૃહમાં રજૂ કરેલા  સત્તાવાર આંકડા સાબિત કરે છે. વર્તમાન કેન્દ્ર સરકારે માંડ ૩૦,૦૦૦ બાંગલાદેશી ઘૂસણખોરોને પાછા ધકેલ્યાનો આંકડો આપ્યો હતો. વળી, બાંગલાદેશની સરકારે તો હવે કહેવા માંડ્યું છે કે અમારા કોઈ નાગરિક ગેરકાયદે ભારતમાં રહેતા જ નથી. ડૉ.મનમોહનસિંહ સરકારે  વર્ષ ૨૦૦૯માં  ૧૦,૬૦૨ તથા ૨૦૧૦માં ૬,૨૯૦ અને વર્ષ ૨૦૧૧માં ૬,૭૬૧ બાંગલાદેશી ઘૂસણખોરોને પાછા તગેડ્યા હતા.

બેવડી નાગરિકતા અમાન્ય

બેવડી નાગરિકતાનો અમલ ભારત સરકાર કરતી નથી. તાજેતરમાં જ કેન્દ્રના ગૃહ રાજ્ય મંત્રી રાયે સંસદમાં  આ બાબતમાં સ્પષ્ટતા કરી હતી કે સરકાર ડ્યુઅલ સિટીઝનશિપ અંગે કોઈ દરખાસ્ત પર વિચારણા નથી કરી રહી.   એટલે કોઈ દેશના નાગરિકે  ભારતની નાગરિકતા લેવી હોય તો એણે અન્ય દેશની નાગરિકતા  છોડવી પડે. પાકિસ્તાની ગાયક અદનાન સામીએ ભારતીય નાગરિકતા લેવા માટે પોતાના દેશની નાગરિકતા છોડવી પડી હતી. કોંગ્રેસનાં અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી રાજીવ ગાંધીને પરણ્યાં ત્યારે એ ઇટાલિયન નાગરિકતા ધરાવતાં હતાં, પણ પાછળથી એમણે ભારતીય નાગરિકતા લેવા માટે ઇટાલિયન નાગરિકતા છોડવી પડી હતી. ભારતથી વિદેશમાં જઈને વસવાટ કરનારા ઘણા ભારતીય નાગરિકતા જાળવે છે. જેમકે હમણાં સ્વર્ગવાસી થયેલા અમેરિકામાં ફ્રેન્ડસ ઓફ ઓવરસીસ બીજેપીના સંસ્થાપક અધ્યક્ષ ડૉ. મુકુંદ મોદીએ પોતે ભારતીય નાગરિકતા જાળવી હતી, પણ એમનાં મૂળ ભારતીય એવાં પત્ની ડૉ.કોકિલા મોદી અમેરિકી નાગરિકતા ધરાવતાં હતાં. ગુજરાત સરકારનાં મહેમાન તરીકે એનઆરજી ભવનમાં તેમણે બંનેએ પોતાની અલગ નાગરિકતાની નોંધ રજિસ્ટરમાં કરી હતી. નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન વસે છે અમેરિકામાં, પણ ભારતીય નાગરિકતા ધરાવે છે. શિકાગો નિવાસી ટેકનોક્રેટ સેમ પિત્રોડાએ અમેરિકી નાગરિકતા છોડીને ભારતીય નાગરિકતા મેળવી હતી.

ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યૂઝીલેન્ડ  

ક્યારેક ગુનેગારોને બ્રિટિશ સત્તાવાળાઓ ઓસ્ટ્રેલિયા ભણી જહાજોમાં ભરીને પાઠવતા હતા. ગુનાખોર લોકોની આ ભોમકા આજે વિશ્વના સજ્જનોને મીઠો આવકારો આપે છે. એના એક વડાપ્રધાન કેવિન રૂડ તો પોતાના પૂર્વજ અહીં ગુનેગાર તરીકે પાઠવાયાના મુદ્દે ગર્વ લેતા રહ્યા છે. અત્યારે સુસંસ્કૃત ગણાતા ઓસ્ટ્રેલિયામાં પ્રજા ઓછી છે અને વર્ષ ૨૦૧૨માં રંગભેદી રમખાણો સર્જાયાના અપવાદને બાદ કરતાં શાંતિથી અને  સુખે જીવી શકાય એવી આ ભોમકા રોકાણને આવકારે છે. ઓસ્ટ્રેલિયામાં એસબીએસ રેડિયો સાથે જોડાયેલાં રહેલાં અને હવે મુક્ત પત્રકાર  હરિતા મહેતા કહે છે કે ભારતના લોકો માટે અહીંનું વાતાવરણ લગભગ ભારત જેવું હોવાને કારણે ફાવે તેવું છે, કામ કરવાની અને વિકાસ કરવાની મોકળાશ છે. શાંતિની જિંદગી છે. અહીં આવી વસનારાઓમાં  ભારતીયો ત્રીજા ક્રમે આવે છે. કચ્છના સાંસદ રહેલા ડૉ. મહીપતરાય મહેતાનાં પૌત્રી હરિતાનો અંદાજ છે કે ઓસ્ટ્રેલિયાની ૨૬,૩૭૮,૧૮૨  જેટલી કુલ વસ્તીમાં ૮ લાખ  જેટલા હિંદીભાષી ભારતીય મૂળના લોકો છે. ગુજરાતીઓની સંખ્યા ૮૧,૩૩૪ આસપાસ ગણી શકાય. એ કહે છે કે છેલ્લાં ત્રણ વર્ષથી લોકો ઓસ્ટ્રેલિયા કરતાં કેનેડા ભણી વધુ  વળ્યાનું લાગે છે. અહીં મુસ્લિમો અને હિંદુઓની વસ્તી ઓછી હોવા છતાં એમની વચ્ચે દુનિયાભરમાં જે વાતાવરણ છે એ ખટાશ અહીં પણ જરૂર જોવા મળે છે. મહદઅંશે ખ્રિસ્તી વસ્તી ધરાવતા ઓસ્ટ્રેલિયાની વસ્તીમાં ધર્મ ભણી ઉદાસીનતા એની વસ્તી ગણતરીમાં ઝગારા મારે છે.

અમેરિકામાં શિફ્ટ થવાનું આકર્ષણ

ભારતમાંથી વિદેશ ભણવા કે કમાવા જવાનું આકર્ષણ તો ઘણીવાર ગેરકાયદે વિદેશ જઈને વસવાટ કરવાનું નિમિત્ત પણ બને છે. અમેરિકામાં વસતાં લગભગ અડધોઅડધ ભારતીય ગેરકાયદે એ દેશમાં ઘૂસ્યા કે વસતાં હોવાનો અંદાજ છે. જોકે ભારતીય નાગરિકતા છોડીને સાડા ત્રણ કરોડ રૂપિયાથી લઈને સાત કરોડ રૂપિયાનું રોકાણ ઓસ્ટ્રેલિયામાં વેપારધંધામાં તબક્કાવાર કરવા ઈચ્છુકોને તો ઓસ્ટ્રેલિયા આવકારે છે. સુરતના કાપડના મોટા વેપારધંધાને બંધ કરીને કે ભાવનગરના ૧૭ ટોચના ડોકટરો અહીં કોર્પોરેટ હોસ્પિટલો ધરાવતા હોવા છતાં તેમના દીકરા કે દીકરી બધાં વિદેશમાં જ સ્થાયી થવાનું પસંદ કરતાં હોય તો આપણી રાજકીય શાસન વ્યવસ્થામાં કંઈક ગડબડ હોવાનું લાગ્યા વિના રહેતું નથી. ઓસ્ટ્રેલિયા કે કેનેડા જનારા ભારતીયો અંતે તો અમેરિકા ભણી મીટ માંડીને બેઠા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. જોકે ભારતીયો નાગરિકતા છોડીને અને પોતાના કરોડો રૂપિયા સાથે વિદેશમાં જઈને રોકાણ કરીને વિદેશી નાગરિકતા મેળવવા ઉત્સુક હોય ત્યારે એની સમીક્ષા સત્વરે થવી ઘટે.

ઈ-મેઈલ: haridesai@gmail.com    (લખ્યા તારીખ: ૨૬ જૂન,૨૦૨૩)   

 

No comments:

Post a Comment