Wednesday 18 April 2018

Politics in the name of Dr. B. R. AmbedkarDr. Hari Desai’s Weekly Column in Gujarat Samachar (London), Sardar Gurjari  (Anand), Gujarat Guardian (Surat), Sanj Samachar (Rajkot), Hamlog (Patan),  Gandhinagar Samachar  (Gandhinagar) and others. You may read the full text here  and comment.

રાષ્ટ્રનેતા ડૉ. બાબાસાહેબ આંબેડકરના નામે ખેલાતાં રાજકારણ : ડૉ. હરિ દેસાઈ

·         “જય ભીમ” કહીને તોડફોડ કરવા કે હિંસા આચરવામાં તો  પ્રજ્ઞાસૂર્ય આંબેડકરનું નર્યું અપમાન જ
·         હિંદુ કોડ બિલના વિરોધમાં સંઘ-હિંદુ મહાસભાએ બાબાસાહેબનાં પૂતળાં બાળ્યાં હતાં એ રખે  ભૂલાય
·         સંઘ તરફથી અનામત પ્રથાની કાખઘોડીને ફગાવવાની કે સમીક્ષાની વાત થાય ત્યાં જ ભડાકા થાય છે
·         યાવાદ્ચંદ્ર દિવાકરૌ અનામત પ્રથા ચાલુ રાખવા સામે અનામતના વિરોધમાં ભારતબંધ એ તો પડકાર
અત્યારે  ઈતિહાસને નામે કોણે કોને અન્યાય કર્યો અને કોણ કોને ન્યાય તોળે છે, એની ઠાલી વાતોથી પ્રજાના પેટનો ખાડો ભરવાની કોશિશની કવાયત ચાલે છે.આ સઘળા ઉપક્રમ પાછળ હેતુ માત્ર ચૂંટણી જીતવાની મનસાથી વિશેષ કશું જ નથી.પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને ભાંડવા માટે  નેહરુ સરકારમાંથી ડૉ.બાબાસાહેબ આંબેડકરે રાજીનામું આપવું પડ્યાની વાતો વર્તમાન ભાજપી શાસકો ગજવે છે. તેઓ એ  વાત અનુકૂળતાએ વીસરી જાય છે કે હિંદુ કોડ બિલ મંજૂર કરાવવા માટે તો નેહરુ ડૉ.આંબેડકરને પડખે હતા,પણ એનો વિરોધ કરવામાં અત્યારના ભાજપના આરાધ્યપુરુષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી હતા. સંઘ-હિંદુ મહાસભાએ ડૉ.આંબેડકરનાં પૂતળાં બાળ્યાં હતાં.હિંદુ કોડ બિલ સામે વિરોધ કરવામાં રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ અને નાયબ વડા પ્રધાન તથા ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા, એ વાત પણ યાદ કરવી પડે.બધો દોષ નેહરુને માથે મઢી દેવાનું રાજકારણ ક્યાં લઇ જશે એ જ વિમાસણ છે.
અમેરિકા અને ઇંગ્લેન્ડમાં શ્રેષ્ઠ ગણાતી યુનિવર્સિટીઓમાં ભણીને  સ્વદેશ પાછા ફરેલા  બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકર (૧૪ એપ્રિલ ૧૮૯૧ - ૬ ડિસેમ્બર ૧૯૫૬) પોતાના દલિત-શોષિત સમાજના સામાજિક અને રાજકીય ઉત્થાનમાં સકારાત્મક યોગદાન કરવા માટે જાણીતા છે.દેશના પ્રથમ કાયદા પ્રધાન અને બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે મહામૂલું યોગદાન કરનારા બાબાસાહેબના નામે આજે વરવાં રાજકારણ ખેલાઈ રહ્યાં છે. ૧૪ એપ્રિલ એટલે કે ડૉ. બાબાસાહેબનો જન્મ દિવસ.સંયોગ પણ કેવો કે ૨૦ માર્ચે  ભારતની સર્વોચ્ચ અદાલતે આપેલા  એક ચુકાદાની આડશે, ને વાંચ્યા વિના, ંધળેબહેરું કૂટીને, ુપ્રીમ કૉર્ટ તથા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ભીંસમાં લેવાના હેતુસર જ કદાચ ગત બીજી એપ્રિલે ભારતભરમાં ભારે અજંપો અને અથડામણો સર્જાઈ. વિરોધ બંધના આ ઘટનાક્રમે સર્જેલા વરવાં દૃશ્યોમાં વિવિધ રાજ્યોમાં અગિયારેક  નિર્દોષ લોકોના જાન ગયા. કેટલાક રાજકારણીઓને પોતાનું તકદીર ચમકાવવા માટેની તક મળી ગઈ. વર્ષ ૧૯૮૯ના એટ્રોસિટી ઍક્ટને હળવો બનાવી દેનારા મનાતા સુપ્રીમના એ ચૂકાદા સામે કેન્દ્ર ૩ એપ્રિલે રિવિઝન પિટીશન કરે છે,પણ સુપ્રીમે પોતાના એ ચૂકાદાને મોકૂફ રાખવાનું ટાળ્યું હતું. રાજકીય માહોલમાં ઉશ્કેરાટ વ્યાપ્યો અને સ્વાભાવિક રીતે વર્તમાન કેન્દ્ર સરકારના દલિત મંત્રીઓ રામવિલાસ પાસવાન અને રામદાસ આઠવલે ઉપરાંત સત્તારૂઢ ભાજપના કેટલા દલિત સાંસદોએ પણ નારાજગી વ્યક્ત કરી. હકીકતમાં આવા ઘટનાક્રમમાં કોઈ ખોટ વર્તાઈ હોય તો ડૉ. આંબેડકર જેવા પ્રજ્ઞાસૂર્ય જેવી  સમજદારીની. એમના નામે રાજકારણ ખેલનારાઓમાં કોઈ રાજકીય પક્ષ અપવાદ નથી, ણ ડૉ.આંબેડકરે પ્રબોધેલી વાતના અનુસરણથી  પ્રત્યેક પક્ષના નેતા-કાર્યકર્તા આઘા રહ્યાની વ્યથા અનુભવાય એ  સ્વાભાવિક છે. ડૉ.આંબેડકર બંધારણીય રીતે આંદોલન કરવાના પક્ષધર હતા. એટલે “જય ભીમ” કહીને હિંસક અથડામણોમાં સહભાગી થવું એ આંબેડકરના વિચાર સાથે પણ સુસંગત નથી.
અત્યારે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે. આ રાજ્યમાં કૉંગ્રેસ સની સરકાર છે અને એને ટકાવવાના મરણિયા પ્રયાસ પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધી અને મુખ્ય પ્રધાન સિદ્ધરામૈયા થકી થાય એ સ્વાભાવિક છે. કર્ણાટકમાં દલિત અને મુસ્લિમ વસ્તીનું પ્રમાણ પણ ઘણું મોટું છે. ભાજપને ફાળે કેન્દ્ર સરકાર ઉપરાંત ૨૧ રાજ્યો ગયા પછી એના વિજયરથને રોકવાના પ્રયાસો કર્ણાટકમાં થાય એ સમજી શકાય  છે. ભાજપ થકી એના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેડિયુરપ્પા રાજ્યને ભવિષ્યમાં ભાજપની ઝોળીમાં લાવવા  માટે આકાશ-પાતાળ એક કરી રહ્યા છે. અહીંના રાજકીય દ્રષ્ટિએ પ્રભાવી અને ૧૮ ટકા વસતી ધરાવતા લિંગાયત સમાજને લઘુમતીનો દરજ્જો આપવાના ટેકા  અને વિરોધમાં રાજકીય હુંસાતુંસી ચરમસીમાએ છે.
કૉંગ્રેસ સરકારે લિંગાયતને ધાર્મિક લઘુમતી જાહેર કરીને એના પર મંજૂરીની મહોર મારવા માટે મોદી સરકાર ભણી એની દરખાસ્ત પાઠવી દીધી છે. સામે પક્ષે, ભાજપના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર યેડિયુરપ્પા પોતે લિંગાયત સમાજના હોવા છતાં સંઘ પરિવાર અને ભાજપ, કૉંગ્રેસ સની ચાલને “હિંદુ સમાજને તોડવાનો કારસો” ગણાવીને એનો વિરોધ કરે છે. જોકે ૨૦૧૩માં સ્વયં યેડિયુરપ્પાએ જ લિંગાયત પંથને ધાર્મિક લઘુમતી જાહેર કરવાના આવેદનપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. હા, એ વખતે એ ભાજપમાંથી હકાલપટ્ટી પામીને પ્રાદેશિક પક્ષના વડા હતા ! આજકાલ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે ત્યારે ગુજરાતના અપક્ષ ધારાસભ્ય કોમરેડ જીજ્ઞેશ  મેવાણી કૉંગ્રેસ સને ટેકો કરવાના ઈરાદે કર્ણાટકમાં જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ખુરશીઓ ઉછાળવાનો બોધ આપી રહ્યાની ફરિયાદો થઈ છે. સમગ્રપણે પ્રજાના હિતના મુદ્દાઓને બાજુએ સારીને રાજકીય પક્ષો પ્રજાને ઉશ્કેરી તથા ગેરમાર્ગે દોરીને  ચૂંટણી જીતવા પ્રયત્નશીલ હોવાનું વર્તાય છે.
ભાજપની માતૃસંસ્થા આરએસએસની ૧૯૮૧ની પ્રતિનિધિ સભાનો અનામત અંગેનો ઠરાવ સ્પષ્ટ કરે છે કે અનામતની કાખઘોડી કાયમ માટે રાખી શકાય નહીં.એ પછીના ૨૦૧૨ સુધીના અનામત વિષયક ઠરાવોમાં અનામતથી લાભની સમીક્ષાનો આગ્રહ રાખવાની સાથે જ આર્થિક રીતે નબળા વર્ગોને અનામતનો લાભ આપવાની જોગવાઈ કરવા પર પણ ભાર મૂક્યો હતો.જોકે બિહાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવતે અનામતની સમીક્ષાની વાત કરી તો ભાજપ હારી ગચો હતો. એ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ડૉ.ભાગવત સુધીના અનામતના સમર્થનમાં બોલતા રહ્યા છે. જોકે તાજેતરમાં ૧૦ એપ્રિલે અનામતના વિરોધમાં ભારત બંધ રહ્યું, એ ઘટનાને ઐતિહાસિક લેખવી પડે કારણકે અત્યાર લગી આવા મુદ્દે સમાજના અમુક વર્ગમાં અસંતોષ હોવા છતાં એ અનામતનાં વિરોધમાં આંદોલન કરતો નહોતો.દેશમાં સંઘનું  રાજકીય સંતાન ભાજપ સત્તારૂઢ હોવાને કારણે અનામત વિરોધી સૂર બુલંદ થવા માંડ્યા હોવાનું પણ કેટલાક માનવા માંડ્યા છે.
દલિતો (એસસીઃ શિડ્યૂલ્ડ કાસ્ટ્સ) અને આદિવાસી (એસટીઃ શિડ્યૂલ્સ ટ્રાઇબ્સ) પરના અત્યાચારની સામે સુરક્ષા આપવા માટે બંધારણ સભામાં એકી અવાજે ધારો ઘડવાની વાત થઇ હતી.૧૯૮૯ના એટ્રોસિટી પ્રતિબંધક ધારાની જોગવાઈ કરવાની ભૂમિકા પણ સર્વાનુમતે  લેવામાં આવી છે. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી એ વેળા તો અસ્પૃશ્યતાનું કલંક વધુ પ્રચલિત હતું. માત્ર રાજકીય આઝાદી નહીં, સામાજિક ન્યાય સાથેની સ્વતંત્રતા માટેની ડૉ.આંબેડકરની આગ્રહી ભૂમિકાએ દલિત-આદિવાસીઓને સુરક્ષા માટેની કાનૂની જોગવાઈઓ કરવા પ્રેર્યા હતા. સમયાતંરે અસ્પૃશ્યતા ચલણમાં ઘટતી ગઈ કારણ કે એને કાનૂનવિરોધી ગણાવાઈ હતી. પણ હજુ આજે પણ દલિત-આદિવાસી પરના અત્યાચારના સત્તાવાર રીતે નોંધાયેલા કેસનું પ્રમાણ વધતું જાય છે. વર્ષ ૨૦૧૪-૧૬ દરમિયાન ભારતનાં વિવિધ રાજ્યોમાં આવા ૧,૧૯,૮૭૨ કિસ્સા નોંધાયાનું ભારત સરકારના ક્રાઇમ રેકર્ડ  બ્યૂરોના અહેવાલ દર્શાવે છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા તમામ રાજ્યોમાં પોલીસના ચોપડે નોંધાયેલા ગુનાનો જ સમાવેશ કરે છે. નહીં નોંધાયેલા ગુના અલગ. સમયાંતરે એટ્રોસિટીના આવા કિસ્સાઓમાં અમલમાં લવાતી કાનૂની જોગવાઈ હળવી કરવાની કોશિશો થતી રહે છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આ કાનૂનને રદ કરવાને બદલે આરોપીની ધરપકડ પૂર્વે પોલીસની તપાસનો આગ્રહ રાખ્યો અને ભડકો થયો. સુપ્રીમ કોર્ટે પણ ખુલાસો કરવો પડ્યો કે અમે કાયદાને રદ કર્યો નથી. ભારત સરકારે રિવ્યૂ પીટિશન દાખલ કરવી પડી. અદાલત પોતાની ભૂમિકા પર અટળ રહી. જોકે મામલો કાયદાકીયને બદલે રાજકીય વધુ બન્યો હોવાથી ભાજપ સહિતના તમામ રાજકીય પક્ષોએ એને ગંભીરતાથી લેવાની ફરજ પડી છે. ચૂંટણીલક્ષી અસરોનો સૌ કોઈ વિચાર કરે છે.
લોકશાહી દેશ ભારતમાં તમામને સમાન ન્યાય મળે એ અપેક્ષિત છે. એ માટે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને આંદોલન ચલાવવાની પણ તમામને છૂટ છે. કમનસીબે ટોળાને ઉશ્કેરીને રાજકીય લાભ ખાટવાની વૃત્તિ તમામ રાજકીય પક્ષોમાં જોવા મળે છે. હકીકતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ દિશામાં સમજણના સેતુ રચાય તથા ડૉ.આંબેડકર જે રીતે તર્ક અને દસ્તાવેજી હકીકતો રજૂ કરીને પોતાની વાત મૂકતા હતા, એવી સમજણ સાથે સમજદાર નાગરિકો આગળ વધે તો જ લોકશાહી મજબૂત બને.
ઈ-મેઈલ : haridesai@gmail.com
(HD-Ambedkar ૧૩-૪-૨૦૧૮)

No comments:

Post a Comment