Wednesday 4 April 2018

Politics in the name of Religious Minorities



Dr.Hari Desai’s Column in Divya Bhaskar Daily 4 April 2018. You may read the full text here and comment. Web Link : http://epaper.divyabhaskar.co.in/detail/71119/4415623356/0/map/tabs-1/2018-04-04/12/10/image/
ધાર્મિક લઘુમતીના નામે રાજકારણ : ડૉ.હરિ દેસાઈ
જૈન ધર્મના તમામ ૨૪ તીર્થંકર ક્ષત્રિય હતા અને સેંકડો  સાધુ-ભગવંતો અ-જૈનમાંથી થયા  છે

દેશમાં ચૂંટણી આવે ત્યારે ધાર્મિક લઘુમતીને પોતાના તરફ વાળવા માટેનું રાજકારણ ખેલવાનું શરૂ થઇ જાય છે.જરૂરી નથી કે એ કાયમ સંબંધિત પક્ષ કે રાજકીય જોડાણોને સફળતા જ અપાવે. હમણાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં રાજ્યની, ૧૭ ટકા લિંગાયત વસ્તીને રાજી કરવા માટે, કોંગ્રેસ સરકારે નિયુક્ત કરેલા તપાસપંચના માર્ચના પ્રથમ સપ્તાહમાં આવેલા અહેવાલને મંજૂર કરીને કેન્દ્ર તરફ પાઠવવાનું પસંદ કર્યું છે.ભાજપના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર બી.એસ.યેદિયુરપ્પાએ વર્ષ ૨૦૧૩માં પ્રાદેશિક પક્ષના વડા તરીકે  પોતાના લિંગાયત સમાજને ધાર્મિક લઘુમતી અથવા તો અલાયદો ધર્મ જાહેર કરવાની માંગણી કરતા આવેદનપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. જાન્યુઆરી ૨૦૧૪માં પોતાના પક્ષને ભાજપમાં ભેળવી દેનારા યેદિયુરપ્પા અત્યારે ભાજપની ભૂમિકા મુજબ લિંગાયત સમાજને હિંદુ ધર્મનો હિસ્સો જ ગણાવવા માંગે છે. કોંગ્રેસ આ સમાજના નેતાને મુખ્ય મંત્રીપદે આવવા દેવામાં અવરોધ પેદા કરી રહ્યાની ભૂમિકા ભાજપની છે.મુખ્ય મંત્રી સિદ્ધરામૈયાને ભાજપના નેતાઓ “અહિંદા”ને બદલે “અ-હિંદુ” ગણાવે છે ત્યારે કોંગ્રેસના નેતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને “હિંદુ છો કે જૈન?” એવા પ્રશ્ન કરે છે.વાસ્તવમાં શાહ વૈષ્ણવ છે. એમની અટક શાહ હોવાથી કર્ણાટકમાં એ હિંદુ નહીં, પણ જૈન હોવાની છાપ ઉપસાવવાની કોશિશ થાય છે.
વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, સત્તાવાર રીતે દેશમાં જૈન વસ્તી માત્ર ૪૦ લાખ છે અને ગુજરાતમાં ૫,૭૯,૬૫૪  તેમજ મહારાષ્ટ્રમાં ૧૪ લાખ ૩૪૯, કર્ણાટકમાં ૪,૪૦,૨૮૦ તથા રાજસ્થાનમાં ૬,૨૨,૦૨૩ છે. જોકે આ આંકડા સાચું ચિત્ર રજૂ કરતા નથી. કારણ ઘણા જૈન હજુ પોતાને હિંદુ તરીકે જ નોધાવે છે.એટલે દેશમાં જૈનોની વસ્તી ૧.૫ કરોડ અને ગુજરાતમાં ૨૦ લાખ જેટલી હોવાનું  મનાય છે.એલ.ડી.ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડોલૉજીના નિયામક ડૉ.જીતેન્દ્ર શાહનું કહેવું છે કે જૈનો પોતાને “હિંદુ”ને બદલે “જૈન” લખાવે એ માટે અમે રીતસર ઝુંબેશ ચલાવી રહ્યા છીએ. મે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારમાં બેઠેલા આગેવાનોને ગળે ઉતારવામાં આવ્યું હતું કે જૈનોને ધાર્મિક લઘુમતી જાહેર કરો તો રાજકીય લાભ થશે.એ વેળા કોંગ્રેસના નેતૃત્વવાળી ડૉ.મનમોહન સિંહની સરકાર હતી.એણે ૨૭ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ જૈનોને ધાર્મિક લઘુમતી જાહેર કરવાનો રાજપત્ર બહાર પાડ્યો, ત્યારે પણ ભાજપની નેતાગીરી જૈનોને ધાર્મિક લઘુમતી જાહેર કરવાના વિરોધમાં હતી. સંયોગ તો જુઓ કે અગાઉ મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યમાં જૈનોને લઘુમતી જાહેર કરી દેવાયા હતા.ગુજરાતમાં તો કોબામાં આચાર્ય ભગવંતોનું સંમેલન મળ્યું ત્યારે જૈનોને “હિંદુ નામના  છત્રમાંથી જૈન નામની છત્રીમાં લઇ જવા” સામે વિરોધ ઊઠ્યો હતો. જોકે એ વખતે પણ જૈન અગ્રણી અને ઉદ્યોગપતિ શ્રેણિક કસ્તુરભાઈએ આ લખનારને કહ્યું હતું કે અંગત રીતે જૈનોને લઘુમતી જાહેર કરાય એ મતનો હોવા છતાં આચાર્ય ભગવંતોના વિરોધને કારણે ખુલીને બહાર આવી શકતો નથી.
જોકે ૭ મે ૨૦૧૬ના ઠરાવથી ગુજરાતમાં ભાજપની આનંદીબહેન પટેલ સરકારે જૈનોને લઘુમતીમાં મૂકવાનો નિર્ણય કર્યો ત્યારે એને ચોફેરથી આવકાર મળ્યો.એને સૌપ્રથમ વધાવનાર હતા વર્તમાન મુખ્ય મંત્રી અને જૈન અગ્રણી વિજયભાઈ રૂપાણી.અત્યારે તો સૂફી સંત મહેબૂબઅલી બાબા સાહેબના અધ્યક્ષપદ હેઠળના ગુજરાત સરકારના લઘુમતી નિગમમાં કોઈ જૈન નિયામક નિયુક્ત થયા નથી,પણ કેન્દ્રના સૈયદ જી.એચ.રિઝવીના વડપણવાળા લઘુમતી નિગમમાં ગુજરાતના જૈન અગ્રણી સુનીલ સિંઘીને નિયામક નિયુક્ત કરાયા છે. ગુજરાતમાં મુસ્લિમ, જૈન, શીખ, ખ્રિસ્તી અને ઝોરાસ્ટ્રિયન (પારસી)ને ધાર્મિક લઘુમતી અને સિંધીને ભાષાકીય લઘુમતી તરીકે સમાવવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ ૧૧ ટકા વસ્તી લઘુમતીની છે.એમાં ૯ ટકા મુસ્લિમ અને બાકીની બધી લઘુમતી ૨ ટકા છે.જૈન લઘુમતી શિક્ષણ સંસ્થાઓને માઈનોરિટી ઇન્સ્ટિટ્યૂશન તરીકે  વિશેષ લાભ મળવા ઉપરાંત જૈન વિદ્યાર્થીઓને વિદેશ ભણવા માટે ૨૦ લાખ રૂપિયા સુધીની પાંચ વર્ષ માટે વગરવ્યાજની લોન મળે તેમજ યુપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત કોચિંગનો લાભ મળે,એવું ગુજરાતના લઘુમતી નિગમના અધ્યક્ષ બાબા સાહેબનું કહેવું છે. કેન્દ્ર સરકારમાં લઘુમતી બાબતોનું મંત્રાલય પણ છે.એના કેબિનેટ પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી છે. ગુજરાતમાં ધર્માંતર માટે સરકારની મંજૂરી લેવી પડે છે,પણ પરાપૂર્વથી જૈન આચાર્ય ભગવંતો તમામ કોમમાંથી આવતા રહ્યા હોવાથી જે જૈન ધર્મ પાળે તેને જૈન ધાર્મિક લઘુમતીના લાભ મળી શકે. જૈન શિક્ષણ સંસ્થામાં ૫૦ ટકા પ્રવેશ જૈન વિદ્યાર્થીને આપી શકાય એટલું જ નહીં,લઘુમતી સંસ્થાના વહીવટમાં સરકારી દાખલગીરી પણ પ્રમાણમાં ઓછી રહે છે.
 જૈનો માત્ર જન્મે જ જૈન હોય એવું નથી.આચારવિચારથી જૈન ધર્મના સિદ્ધાંતો પાળનાર પણ જૈન ધર્મ અંગીકાર કરી શકે છે.જૈન ધાર્મિક લઘુમતીના લાભ આવા જૈન ધર્મ અંગીકાર કરનારને પણ મળી શકે.જૈન ધર્મ અંગીકાર કરવા માટેનું કોઈ બંધારણ નથી,એવું જણાવીને મુંબઈના જૈન અગ્રણી અને જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અતુલ શાહ કહે છે કે જૈન સાધુ થવા માટે મહાવ્રત અને શ્રાવક માટે અનુવ્રતનું પાલન કરવું પડે.અહિંસા પર જૈન ધર્મ ખૂબ ભાર મૂકે છે.જૈન ધર્મના ઋષભદેવથી લઈને મહાવીર(ઈ.સ.પૂર્વે ૫૪૦-૪૬૮) સુધીના  તમામ ૨૪ તીર્થંકરો જન્મે ક્ષત્રિય હતા. એમના તમામ ગણધરો બ્રાહ્મણ હતા.જૈનસાધુ હેમચંદ્રાચાર્ય અણહિલવાડના રાજવી કુમારપાળને જૈન ધર્મ અંગીકાર કરાવવાનું નિમિત્ત બન્યા.પચાસ વર્ષ લગી માંસાહારી એવા કુમારપાળને જૈન ધર્મના માર્ગે વાળનાર હેમચંદ્રાચાર્ય પણ જન્મે ક્યાં જૈન હતા? એ તો મૂળ મોઢ વણિક હતા.છેલ્લાં ૧૦૦-૨૦૦ વર્ષમાં જૈન ધર્મના ૫૦૦ જેટલા સાધુ-ભગવંતો પટેલ, બ્રાહ્મણ, રબારી, લિંગાયત, દલિત સહિતના અ-જૈનમાંથી થયા છે. ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના બે શિષ્યો ચન્દ્રજિતસુરિ અને ઇન્દ્રજિતસુરિ તો ચરોતરના નારના પટેલ પરિવારમાંથી આવે છે.એમની આઠેક પેઢીઓ જૈન ધર્મ પાળતી રહી છે. આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી મૂળ બેચરદાસ પટેલ હતા.૯૬ વર્ષના જૈનાચાર્ય દોલતસાગરસુરિ પણ જન્મે પટેલ હતા. જૈન ધર્મના આઠ મહાપ્રભાવકોમાંથી મહત્વના એક સિદ્ધસેન દિવાકરસુરિ જન્મે બ્રાહ્મણ રહ્યા. હરિભદ્રસુરિ મહારાજ સાહેબ પણ જન્મે બ્રાહ્મણ હતા. ગુણાનંદસુરિ (લિંગાયત), શયમ્ભવસૂરિ (બ્રાહ્મણ), આર્યરક્ષિતસુરિ (માતા જૈન,પિતા બ્રાહ્મણ), જીનભદ્રકણિ ક્ષમા શ્રમણ (ક્ષત્રિય), ભદ્રબાહુ સ્વામિ, શોભનમુનિ (બ્રાહ્મણ), સંવેદરતિ વિજય,પ્રશમરતિ વિજય ,વૈરાગ્યરતિ વિજય (ભાયાણી સમાજના). બ્રાહ્મણ રસોઈયામાંથી દીક્ષા લઇ  આચાર્ય ભગવંત થનાર  મેરુપ્રભસુરીશ્વરજી મહારાજ થોડા વખત પહેલાં જ કાળધર્મ પામ્યા. નીતિસૂરીશ્વરજી સમુદાયના રાજતિલકસુરિ જન્મે પરમાર (દલિત) હતા. પોલીસ પટેલમાંથી આ.ભ.દાનસુરીશ્વરજી મ.સા.થયા. આગામી દિવસોમાં ડોંબિવલીમાં અભય શેખર મ.સા.ના ૨૪ વર્ષીય મરાઠા  શિષ્ય વંદન દીક્ષા લેવાના છે.એક બાજુ, રાજકીય પક્ષો વચ્ચે ધાર્મિક લઘુમતીના મુદ્દે હૂંસાતૂંસ ચાલે છે, તો સામેપક્ષે, આપણી પાસે એવાં અનેક નામો છે કે જૈન જેવી ધાર્મિક લઘુમતીના આચાર્ય ભગવંતો અને શ્રાવકો બ્રાહ્મણો, ક્ષત્રિયો, પટેલો, રબારી જ નહીં,દલિતમાંથી પણ થયા છે.ધર્મની આડશે રાજકારણ ખેલનારાઓને એ વાત સમજાવી જોઈએ કે ધર્મ અને ઈશ્વરની આરાધનામાં જેમ નાતજાત કે ધર્મના વાડા નથી હોતા, એનું અનુસરણ કરાય તો  બહુમતી કે લઘુમતીના ભેદ ઉકેલાઈ જશે. રાજકીય પક્ષો પ્રજાના કલ્યાણનો વિચાર  કરે એ જ અભ્યર્થના.
ઈ-મેઈલ : haridesai@gmail.com
(HD-DB-Religious Minority-4-2018)

No comments:

Post a Comment