Wednesday 18 April 2018

Nawaz Sharif pays for his own deeds


Dr.Hari Desai’s Column in Divya Bhaskar Daily 18 April 2018
You may read the full text here or and comment
શરીફને હાથનાં કર્યાં જ હૈયે વાગ્યાં : ડૉ.હરિ દેસાઈ
આજીવન ચૂંટણી લડવા ગેરલાયક ઠર્યા છતાં નવાઝ શરીફ તો “મૅન ઑફ ઑલ વેધર”
પાકિસ્તાનમાં એની સ્થાપનાથી જ લોકશાહી અને લશ્કરી તાનાશાહી વચ્ચે ઉંદર – બિલાડીનો ખેલ ચાલતો રહ્યો છે. અત્યાર લગી ત્રણ “એ” એટલેકે “અલ્લાહ,આર્મી અને અમેરિકા” પર ટકેલા પાકિસ્તાનમાં હવે નવાઝ યુગમાં ચીનનું પણ ઉમેરણ થયું છે. પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ મિયાં સાકીબ નિસારના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે શુક્રવાર,૧૩ એપ્રિલ ૨૦૧૮ના રોજ દેશના ત્રણ-ત્રણ વાર વડા પ્રધાન અને બબ્બે વાર પંજાબ પ્રાંતના મુખ્ય મંત્રી રહેલા પંજાબી ઉદ્યોગપતિ મિયાં નવાઝ શરીફને બંધારણની કલમ ૬૨(૧)(એફ) હેઠળ “ચૂંટણી લડવા અને જાહેર હોદ્દો ગ્રહણ કરવા માટે આજીવન ગેરલાયક” ઠરાવ્યા. દુનિયામાં બહુચર્ચિત પનામા પેપર્સ કાંડમાં પણ એમના પરિવારનું નામ ખૂબ ચર્ચાયું હતું. એમને રાજકીય મંચ પરથી દૂર કરીને સત્તામાં આવવા માટે મથામણ કરી રહેલા પૂર્વ ક્રિકેટ કૅપ્ટન અને તેહરિક-એ-ઇન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઇમરાન ખાનના પક્ષ વતી પ્રજા વચ્ચે અને અદાલતોમાં જંગ ચલાવાઈ રહ્યો છે. પોતાના પુત્રની યુએઈસ્થિત કંપનીમાંથી પગારની આવકને ચૂંટણી ઉમેદવારીપત્રમાં છુપાવવા બદલ ગત ૨૮ જુલાઈએ શરીફ દોષિત ઠરતાં એમણે ૧ ઑગસ્ટ ૨૦૧૭ના વડા પ્રધાનપદ છોડવાનો પ્રસંગ આવ્યો તો ખરો પણ એમના જ પક્ષ મુસ્લિમ લીગ – નવાઝના શાહીદ ખાકાન અબ્બાસીને વડા પ્રધાન બનાવાયા હતા. નવાઝમિયાંની ખાલી પડેલી બેઠક પર એમનાં કૅન્સરગ્રસ્ત પત્ની કુલસૂમ બટ ચૂંટણી લડ્યાં અને વિજયી થયાં.નવાઝના નાનાભાઈ શેહબાઝ પંજાબ પ્રાંતના મુખ્ય મંત્રી છે.એમની પરિણીત પુત્રી મરિયમ એમની રાજકીય વારસ મનાય છે.જોકે પનામા પેપર્સ કાંડમાં નવાઝને સર્વોચ્ચ અદાલતે નિર્દોષ છોડ્યા છે,પણ એમની દીકરી પર બનાવટી દસ્તાવેજો રજૂ કરવાના, “ફૉન્ટકાંડ” તરીકે ચર્ચિત પ્રકરણમાં, આક્ષેપ જરૂર થયા છે.
નવાઝ શરીફને “મૅન ઑફ ઑલ વેધર” કહેવા પડે. જનરલ ઝિયા-ઉલ-હક્ક લશ્કરી તાનાશાહ તરીકે ૧૯૭૭માં આવ્યા ત્યારે એમના બ્લ્યૂ-આઈડ બૉય તરીકે મિયાં નવાઝ પંજાબના બબ્બે વાર મુખ્ય મંત્રી બન્યા હતા. ૧૯૮૮ સુધી ઝિયાએ વડા પ્રધાન અને અન્ય મુખ્ય મંત્રીઓને દૂર કર્યા હતા,પણ નવાઝમિયાં તો અડીખમ ટક્યા હતા. ઝિયા યુગમાં પાકિસ્તાનમાં ઇસ્લામીકરણનું મોજું ફૂંકવામાં આવ્યું ત્યારે મિયાં સાહબ તાનાશાહ ઝિયાને પડખે રહ્યા હતા.એટલી હદે કે અત્યારે બંધારણની જે કલમ હેઠળ એમને આજીવન ચૂંટણી લડવા કે હોદ્દો ધારણ કરવા પર પ્રતિબંધિત કરાયા છે એ જોગવાઈ દૂર કરવાની ઝુંબેશને ટેકો આપવાનું પણ એમણે નકાર્યું હતું.આજે એનું પરિણામ એ ભોગવી રહ્યા છે,પણ પાકિસ્તાનમાં એમની લોકપ્રિયતાને હજુ ઉની આંચ આવી નથી.પાકિસ્તાનમાં બંધારણ ઘણી વાર બદલાતું રહ્યું છે.અત્યારે ૧૯૭૩નું બંધારણ અમલમાં છે.એની કલમ ૬૨ અને ૬૩ રાષ્ટ્રીય ધારાસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારની લાયકાતો ઠરાવે છે.ભારતમાં ભલે અભણ માણસ પણ ચૂંટણી લડી શકતો હોય,પણ પાકિસ્તાનમાં સ્નાતક કક્ષા સુધી ભણેલી વ્યક્તિ જ ચૂંટણી લડી શકે છે.બે દેશની નાગરિકતા ધરાવનાર સાંસદ કે ધારાસભ્યનું સભ્યપદ રદ થાય છે.કોઈપણ ચૂંટાઈ આવેલા સાંસદ વધુમાં વધુ બે મુદત માટે જ વડા પ્રધાન રહી શકે, એવી જોગવાઈને બદલવા માટે બેનઝીર ભુટ્ટો અને નવાઝ શરીફે સંયુક્ત રીતે ૧૯૯૦ના ગાળામાં બંધારણ સુધારો રજૂ કરીને એનો લાભ પણ મેળવ્યો હતો.મિયાં નવાઝ શરીફ ત્રણ મુદત માટે વડા પ્રધાન રહ્યા: ૬ નવેમ્બર ૧૯૯૦-૧૮ જુલાઈ ૧૯૯૩, ૧૭ ફેબ્રુઆરી ૧૯૯૭ - ૧૨ ઑક્ટોબર ૧૯૯૯ અને ૫ જૂન ૨૦૧૩- ૨૮ જુલાઈ ૨૦૧૭. એમને હાથનાં કર્યાં જ હૈયે વાગ્યાં છે.લશ્કરી વડા જનરલ જહાંગીર કરામતને દૂર કરીને, એમણે પોતાના ભાઈની સલાહ મુજબ, જનરલ મુશર્રફને લશ્કરી વડા બનાવ્યા હતા.૧૯૯૯માં મુશર્રફ શ્રીલંકા ગયા હતા ત્યારે એમને સ્થાને જનરલ ઝિયાઉદ્દીન બટને નિયુક્ત કરવા જતાં જનરલ મુશર્રફે લશ્કરી બળવો કરીને એમની સરકાર ગબડાવી હતી. એ સાઉદી રાજ્યાશ્રયમાં રહ્યા અને પાછળથી સ્વદેશ આવી શક્યા હતા.પાકિસ્તાનમાં લશ્કરનું ચલણ ખાસ્સું છે. એમના નાના ભાઈ અને પંજાબના મુખ્ય મંત્રી શેહબાઝ શરીફના લશ્કરી અધિકારીઓ સાથે મધુર સંબંધ રહ્યા છે. આ વર્ષે પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભાની ચૂંટણી થવાની છે.એમાં મુખ્યત્વે ત્રિપાંખિયો જંગ ખેલાશે: પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાઝ(પીએમએલ-એન), પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) અને પાકિસ્તાન તેહરિક-એ-ઇન્સાફ(પીટીઆઇ) અને એ ત્રણ પક્ષના સાથી પક્ષો વચ્ચે. રાષ્ટ્રીય ધારાસભાના કુલ ૩૪૨માંથી અત્યારે નવાઝ શરીફની પાર્ટી અને મિત્ર પક્ષો ૧૯૯ સભ્યો સાથે બહુમતીમાં છે. એમાં નવાઝના પક્ષના ૧૮૯ સભ્યોમાંથી ૧૪૭ જનરલ પર ચૂંટાયેલા,૬૦ મહિલા અનામતમાંથી ૩૫ અને ૧૦ લઘુમતી (હિંદુ સહિત) અને અન્ય આરક્ષિતમાંથી ૬ બેઠકો ધરાવે છે.પીપીપીની કુલ ૪૬ બેઠકો અને તેહરિક-એ-ઇન્સાફની માત્ર ૩૨ છે.
ભારતની વિદેશનીતિને પાકિસ્તાનકેન્દ્રિત રાખવાનું હવે પરવડે તેમ નથી, પણ કાશ્મીર કોકડું ઉકેલવાનું દ્વિપક્ષી મંત્રણામાં જ શક્ય બની શકે.હમણાં પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ કમર જાવેદ બાજવાએ ભારત સાથેની મડાગાંઠ મંત્રણા થકી ઉકેલવાની વાત કરી એટલે ભારતીય લશ્કરી વડા જનરલ બિપીન રાવતે પણ શાંતિનો રાગ આલાપ્યો છે. જોકે ઇસ્લામાબાદના ઘટનાક્રમ પર બાજનજર રાખવાનું અનિવાર્ય જરૂર છે. વડા પ્રધાન મોદીના શપથવિધિ સમારંભમાં પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે મિયાં નવાઝ શરીફ આવે કે વડા પ્રધાન મોદી કાબુલથી વચ્ચે લાહોરનો આંટો મારી આવીને મિયાં સાહબને હેપી બર્થડે કહી આવે એટલે સંબંધ સુધરી જતા નથી. બન્ને દેશો વચ્ચે મંત્રણાનો દોર તો અખંડ રહે એ જ રાજદ્વારી સંબંધોને સુધારા ભણી લઇ જઈ શકે.
મિયાં નવાઝ શરીફને જાહેરજીવન માટે તેમના દેશની સર્વોચ્ચ અદાલતે આજીવન પ્રતિબંધિત જાહેર કર્યા એ પછી તેમના કહ્યાગરા વડા પ્રધાન અબ્બાસી, લશ્કરી વડા જનરલ બાજવા અને સંરક્ષણ પ્રધાન ખુર્રમ દસ્તગીર સહિતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયા પહોંચ્યું એ ખૂબ જ સૂચક છે.સાઉદી રાજવી પરિવાર સાથે મિયાં નવાઝના ખૂબ અંતરંગ સંબંધો છે એટલું જ નહીં, એમનું ઘણું મોટું રોકાણ પણ સાઉદીમાં છે.સાઉદી અરેબિયા,અમેરિકા,પાકિસ્તાન, યુનાઈટેડ આરબ અમિરાત, કતાર,બૅહરીન,કુવૈત અને તુર્કી સાથે મળીને અખાતીય પ્રદેશમાં સંયુક્ત લશ્કરી કવાયત યોજવાના નામે સાઉદી ગયેલા પ્રતિનિધિમંડળનો હેતુ વ્યાપક જણાય છે.ઘરઆંગણે ભલે અત્યારે મિયાં શરીફ ચૂંટણી લડવા કે કોઈ જાહેર હોદ્દા ગ્રહણ કરવા માટે કાયમ માટે ગેરલાયક ઠર્યા હોય,એમને બિલાડીની જેમ નવ જિંદગી છે. તેમને કાયમ દરેક મોસમની વ્યક્તિ લેખવામાં આવે છે. ભૂતકાળમાં લશ્કરી તાનાશાહ જનરલ પરવેઝ મુશર્રફ સામે થવા નવાઝે લંડનમાં પોતાનાં રાજકીય શત્રુ બેનઝીર ભુટ્ટો સાથે હાથ મિલાવતાં કરાર કર્યા જ હતા.નવાઝને ભુટ્ટો અને મુશર્રફ બેઉ નડેલા હતા,પણ જનરલને સત્તા પરથી ઉથલાવવાની એમની પ્રાથમિકતા હતી. એમાં એ સફળ પણ થયા હતા.આજે મુશર્રફ પાકિસ્તાનવટે છે.સમય સમયની વાત છે. આજે પણ મિયાં સાહબ માત્ર પંજાબમાં જ નહીં, બલૂચ પ્રદેશમાં સત્તામાં ભાગીદારી ધરાવે છે અને વાયવ્ય પ્રાંત એટલેકે હવે ઇમરાન ખાનના ગઢ મનાતા ખૈબર પખ્તૂનવાલા(પીકે)માં પણ પ્રભાવ ધરાવે છે. આ વખતની રાષ્ટ્રીય ધારાસભાની ચૂંટણી રસપ્રદ બની રહેશે.
ઈ-મેઈલ : haridesai@gmail.com
(HD-DB-NawazSharif15-4-2018)

No comments:

Post a Comment