Wednesday 11 April 2018

Gujarat missing Anandiben Patel

Dr.Hari Desai’s weekly column in Gujarat Samachar (London), Sanj Samachar (Rajkot),Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand), Gandhinagar Samachar (Gandhinagar) and Hamlog (Patan). You may read the full text here or on Blog: haridesai.blogspot.com and comment.
કડક લાગતાં આનંદીબહેનનો ગુજરાતને અનુભવાતો ખાલીપો
ડૉ. હરિ દેસાઈ
• મહત્ત્વાકાંક્ષી નિષ્ઠાવંતોને સાચવવાની નરેન્દ્ર મોદી કને ગજબની કુનેહ હોવાનું અનુભવાય છે
• ગાંધીવાદી પરિવારમાં જન્મને લીધે બહેનની વિપરીત સંજોગોમાં પણ ઝીંક ઝીલવાની આગવી તરાહ
• પુત્ર સંજય અને પુત્રી અનારના ઉછેરની સાથે જ આનંદીબહેનનો ભણતર-અધ્યાપન વચ્ચેનો સુમેળ
• વડા પ્રધાન મોદીએ નોંધ્યું: સખત પરિશ્રમ અને ખંત, એમની માનવંતી સિદ્ધિના પાયામાં ગણાય
દોઢેક દાયકા પહેલાં ગુજરાતનાં પ્રધાન આનંદીબહેન પટેલનો ટીવી શ્રેણી ‘સંવાદ’માં ઇન્ટરવ્યૂ કરવાનો આવ્યો હતો. એમની બાહોશી, એકલવીર કૉલેજકન્યા તરીકેના શિક્ષણ અને સગ્ગા મોટા ભાઈના ૧૭ વર્ષના દીકરાનાં બાળલગ્ન રોકવા પોલીસ બોલાવવાથી લઈને નર્મદાના પ્રવાસ દરમિયાન નદીમાં તણાતી પોતાની વિદ્યાર્થીનીઓને બચાવ્યાની વાતો થઈ હતી. એ ઘટના એમના ભારતીય જનતા પક્ષમાં પ્રવેશનું નિમિત્ત બની હતી. એ પછી તો એ મહિલા મોરચાનાં પ્રમુખ બન્યાં, ધારાસભ્ય અને રાજ્યસભાનાં સભ્ય બન્યાં. ગુજરાત સરકારમાં ભાજપની સત્તા આવી ત્યારથી પ્રધાન પણ રહ્યાં અને રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન ય બન્યાં. પાટીદાર આંદોલનના પ્રતાપે આનંદીબહેન પટેલની ખુરશી ગઈ એમ કહેવું એના કરતાં એ પ્રકારનું આયોજન પક્ષમાંના જ એમના વિરોધીઓએ કર્યું હોવાની વાત કહેવી સત્યથી વધુ નજીક ગણાશે. રાજકારણ અને પ્રેમમાં બધું જ જાયજ હોય છે. આનંદીબહેન મૂળે ગાંધીવાદી પરિવારમાં જન્મ્યાં, ઊછર્યાં અને કૉંગ્રેસ સેવાદળમાં તૈયાર થયાં એટલે વિપરીત સંજોગોમાં પણ ઝીંક ઝીલવાની એમની આગવી તરાહ રહી. પારિવારિક કે રાજકીય વિકટ સંજોગોમાં પણ બળૂકાં રહીને ધ્યેયને હાંસલ કરવામાં કૃતસંકલ્પ આનંદીબહેન ખરા અર્થમાં નોખું વ્યક્તિત્વ.
મુખ્ય પ્રધાનપદેથી એમણે એવા તબક્કે જવું પડ્યું હતું, જ્યારે ભાજપનો સૂરજ સોળે કળાએ તપતો હતો. આનંદીબહેનથી ઉંમરમાં નાના છતાં એમના ‘રાજકીય ગુરુ’ એવા નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદે હતા. ગુજરાતની બહાર જવાની આનંદીબહેનની તૈયારી નહીં હોવાનું સ્પષ્ટ હતું. મોદીનિષ્ઠ આનંદીબહેન અને અમિત શાહ વચ્ચેની અંટસની ચર્ચા હતી. ગુજરાતની ગાદી પર અમિતભાઈની સ્વાભાવિક નજર હોય. જોકે આનંદીબહેનની લાગણી પોતાના અનુગામી તરીકે નીતિન પટેલને મૂકાવવાની હતી. મહેસાણામાં નીતિનભાઈના નામના ફટાકડા પણ ફૂટી ગયા હતા. નામ જાહેર થયું ત્યારે એ હતું રાજકોટના વિજય રૂપાણીનું. નીતિનભાઈ નાયબ મુખ્ય પ્રધાન બન્યા. આનંદીબહેન વિધાનસભાની ચૂંટણી લગી શાંત રહ્યાં.
ડિસેમ્બર ૨૦૧૭માં ચૂંટણી યોજાઈ. બે દાયકાથી સત્તારૂઢ ભાજપ વિરુદ્ધ કૉંગ્રેસ ઘણા વર્ષે ખાસ્સી મજબૂત થઈ વિધાનસભે પહોંચી. નવી સરકારમાં પણ વિજયભાઈ-નીતિનભાઈની જોડી અખંડ રહી. એકાએક આનંદીબહેન મધ્ય પ્રદેશનાં રાજ્યપાલ જાહેર થયાં. એ પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રાજ્યસભે પહોંચ્યા હતા. ગુજરાતની ગાદીએ વિજયભાઈ અને નીતિનભાઈ મોકળાશથી રાજ કરે એવો માહોલ રચાયો. જોકે નાણાં ખાતું મેળવવા નીતિનભાઈએ રીતસર ત્રાગું કર્યું. અંબાણી પરિવારના જમાઈ સૌરભ દલાલ-પટેલ કનેથી નાણા ખાતું પાછું લઈને એ નીતિનભાઈને સોંપવાનું મોવડી મંડળને યોગ્ય લાગ્યું. અસંતુષ્ટો બોલકા થયા. દંડૂકા અને વિસ્તરણના ગાજરથી મનાવાયા.આવતા દિવસોમાં પ્રધાનમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે.
ગુજરાતીમાં કહેવત છે : બાંધી મુઠ્ઠી લાખની. પોતાના મહત્ત્વાકાંક્ષી નિષ્ઠાવંતોને સાચવવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદી કને ગજબની કુનેહ છે. પોતાને ક્યારેક ‘ચાણક્ય’ તરીકે ઓળખાવનારા મોદી આજે ‘ચાણક્ય’ અને ‘ચંદ્રગુપ્ત’ બેઉ થઈને દેશ અને દુનિયામાં છવાયેલા છે. ગુજરાતની ગાદીએથી દિલ્હી જવાના હતા ત્યારે એમના અનુગામી તરીકે બીજા ઘણા વરિષ્ઠ નેતા હોવા છતાં પસંદગી આનંદીબહેન અને અમિતભાઈ વચ્ચે કરવાની હતી. એમણે આનંદીબહેન પર પસંદગીનો કળશ ઢોળ્યો. અમિતભાઈને પોતાના ‘હનુમાન’ તરીકે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તખ્તનશીન કર્યા.
જોકે ગુજરાતમાં લોકપ્રિય મુખ્ય પ્રધાન તરીકે આનંદીબહેનની સરકાર ધમધોકાર ચાલતી રહી હતી છતાં અમિતભાઈને ગુજરાત માટે લગાવ હોય એ સ્વાભાવિક હતું. મોદીને બૅલૅન્સિંગ ઍક્ટની ફાવટ ખરી. છેવટે પહેલી વાર ચૂંટાઈને આનંદીબહેન સરકારમાં પ્રધાન બનેલા, મૂળે સંગઠનના માણસ અને સર્વમિત્રની છબિ ધરાવનાર, વિજયભાઈ રૂપાણી મુખ્ય પ્રધાન બન્યા.એ પછી બહેન માટે તો જાહેર કાર્યક્રમોમાં શોભામાં અભિવૃદ્ધિ કરવાની જ ભૂમિકા રહી. રાજકારણમાં બધા દિવસ કોઈના સરખા હોતા નથી.જોકે વિજયભાઈ તરફથી બહેનનું માન જાળવવામાં ભાગ્યેજ કોઈ કચાશ રખાઈ હશે. કૉંગ્રેસના અહેમદ પટેલને પરાસ્ત કરીને ઑગસ્ટ ૨૦૧૭માં અમિતભાઈ ઉપરાંત સ્મૃતિ ઈરાની અને કૉંગ્રેસની વાડ ઠેકી ગયેલા બળવંતસિંહ રાજપૂતને રાજ્યસભા પ્રવેશ કરાવવામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ખાસ્સો ટેકો કર્યો, પણ અહેમદભાઈના દિલ્હી-સંપર્કોએ અમિતભાઈના વ્યૂહને કામયાબ ના થવા દીધો. એ પછીના તબક્કામાં વિધાનસભાની ચૂંટણી જીતાડવા વડા પ્રધાન મોદીએ પણ ખાસ્સો પરિશ્રમ કરવો પડ્યો. ચૂંટણી પછી આનંદીબહેનની વ્યૂહાત્મક જરૂર ભોપાલના રાજભવનમાં ઊભી થઇ. એમણે એ જવાબદારી સ્વીકારી પણ લીધી. રાજ્યપાલ બન્યા પછી એમના વિશેના એક ગ્રંથ ‘આનંદીબહેન પટેલઃ કર્મયાત્રી’ના લોકાર્પણ માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ-સાંસદ અમિત શાહ અને મધ્ય પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલનું એક મંચ પર આવવું એ ઐતિહાસિક ઘટના લેખાઈ. અંગ્રેજીમાં એક કહેવત છેઃ ‘You scratch my back, I scratch your back’ ગુજરાતમાં એ કહેવત જરા નોખો ભાવ સર્જે એવી છે : ‘સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી ચાલ્યા ઘેર આપ’. અમિતભાઈ અને આનંદીબહેને એકમેક માટે “અહો રુપમ્ અહો ધ્વનિ”નાં દર્શન કરાવ્યાં. બેઉ વચ્ચે કોઈ કડવાશ નહીં હોવાની જાણે કે સૌને પ્રતીતિ કરાવવામાં આવી. રાજકારણમાં ‘મુખવટા’નો પ્રયોગ ખૂબ સહજભાવે થાય છે.
આનંદીબહેન પરના ગ્રંથના લોકાર્પણની ચર્ચા ખૂબ થઈ, પણ અમને ઉત્સુકતા એના લેખક વિશે જાણવાની હતી, કારણ એના લેખકનું નામ ક્યાંય ભૂલથી પણ વાંચવા મળ્યું નહોતું. બહેનના જમાઈ જયેશ ઇશ્વરભાઈ પટેલ સાથે સહજ વાત થઈ તો એમણે ગ્રંથ પાઠવ્યો. જાણ્યું કે આ પુસ્તકના લેખક અમેય લાટુકર છે. અમેરિકાની કોરનાલ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઑફ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન (ઍમપીએ) કરનાર અમેય ગુજરાત સરકારના મુખ્ય પ્રધાનના ફૅલો રહ્યા છે. આ વ્યવસ્થા મોદી યુગથી શરૂ કરાયેલી. ગ્રંથના ગુજરાતીમાં અને એનાં ઉચ્ચારણોમાં મરાઠી છાંટ જોવા મળે છે. પુણેના અમેય પ્રકાશન થકી પ્રકાશિત આ ગ્રંથમાં ૧૯૪૧માં વિજાપુરના ખરોડમાં જન્મેલાં આનંદીબહેનની ૨૦૧૮માં મધ્ય પ્રદેશના રાજ્યપાલપદે નિયુક્તિ લગીની પ્રેરક જીવનયાત્રાનો સમાવેશ છે.
અહીં આનંદીબહેનના પુત્ર સંજય અને પુત્રી અનારના ઉછેરની સાથે જ ભણતર અને અધ્યાપન વચ્ચેનો સુમેળ શબ્દાંકિત કરાયો છે. કેટલાંક નવાં-અજાણ્યાં પાસાં પણ એમાંથી જાણવા મળ્યાં. દા.ત. આનંદીબહેન માત્ર એક વર્ષનાં હતાં ત્યારે એક વાર તે પોતાના ખેતરના કૂવામાં ગોઠવેલા રેંટચક્રના મધ્યભાગમાં ફસાઈ ગયાં હતાં અને માંડ માંડ બચ્યાં હતાં. વિધિએ એમને નોખો ઈતિહાસ સર્જવા માટે જ બચાવી લીધાં હોય એવું લાગ્યા વિના રહેતું નથી. બીજું, સંજય પણ એક વર્ષનો હતો ત્યારે આનંદીબહેનની પરીક્ષાના દિવસોમાં જ ‘સ્ટીલની એક ચૂંક એણે મોઢાંમાં મૂકી અને એના પેટમાં ઉતરી ગઈ’ એટલે હૉસ્પિટલના ફેરાની સાથે જ પરીક્ષા આપવા જવાના સંજોગો ઊભા થયા હતા. માત્ર રાજકીય કાર્યકર નહીં, માતા તરીકે આનંદીબહેન કેવી અનુભૂતિ કરતાં હતાં એ પણ અહીં સુપેરે નોંધાયું છે. નણંદે હૉસ્પિટલમાં સંજયની પડખે રહેવાનું સ્વીકાર્યું અને બહેન પરીક્ષા આપવા જતાં. ‘પરીક્ષા તો હેમખેમ પૂરી થઈ. પરિણામ પણ સારું મળ્યું. માત્ર એક વિષય છોડીને બધા જ વિષયમાં પાસ થઈ ગયાં. પ્રૉફેસર થવાની એમની કલ્પના અને મહેચ્છાને સમય પૂરતી મનમાં જ ઢબૂરી રાખવી પડી. ઍમ.ઍસસી. પૂર્ણ કરવા એમણે અભ્યાસ ચાલુ રાખ્યો.’
મોહિનીબા કન્યા વિદ્યાલયનાં આચાર્ય એવાં આનંદીબહેનને રાજ્ય અને રાષ્ટ્રીયસ્તરે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સળંગ સન્માન ૧૯૮૮-૮૯માં મળ્યું. એ પહેલાં ૧૯૮૫-૮૬માં એ ભાજપમાં સામેલ થઈ ચૂક્યાં હતાં. વડા પ્રધાન મોદીએ એમના પુસ્તક માટે પાઠવેલા સંદેશમાં નોંધેલા આ શબ્દો એમના વ્યક્તિત્વને ઉપસાવવા માટે ખાસ્સા બોલકા છે : ‘એક શિક્ષક તરીકે પોતે માનવંતાં બની રહેવા ઉપરાંત રાજનેતારૂપે પણ વિચક્ષણ રહ્યાં. .’ ઘણાને આનંદીબહેન કડક મિજાજનાં લાગે, પણ અમને એમના કઠોર સ્વભાવ પાછળના માયાળુ વ્યક્તિત્વનો પરિચય રહ્યો છે. એટલે જ આજે પણ ગુજરાતથી ભોપાલના રાજભવને ગયેલાં આનંદીબહેનનો ખાલીપો એના સમર્થકોની સાથે જ રાજકીય વિરોધીઓને પણ અનુભવાય છે.
ઈ-મેઈલ : haridesai@gmail.com
(HD-Anandiben06042018)

No comments:

Post a Comment