Showing posts with label Tamil Nadu. Show all posts
Showing posts with label Tamil Nadu. Show all posts

Wednesday 21 December 2016

તમિળનાડુમાં એક યુગ આથમ્યો


તમિળનાડુમાં એક યુગ આથમ્યો, નવાની કશ્મકશ

અતીતથી આજ : ડૉ. હરિ દેસાઈ

જયલલિતા જયરામનું વ્યક્તિત્વ જ એટલું મોહક હતું કે એ અભિનેત્રી અવગણનાઓ છતાં રાજકીય ક્ષેત્રમાં એવી તો પ્રસ્થાપિત થઈ ગઈ કે એની અવગણના કરવાનું મુશ્કેલ બની જાય. તમિળનાડુનાં આ મુખ્યમંત્રી બે મહિના કરતાં પણ વધુ સમય માટે ચેન્નઈની એપોલો હોસ્પિટલના બિછાને હતાં અને પાંચ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ એમના દેહત્યાગના સમાચાર આવ્યા. એ પછી એના આઘાતમાં અમ્માના ૪૭૦ કરતાં વધુ  ચાહકોના જાન ગયાની  એમના પક્ષ અન્નાદ્રમુકે જાહેરાત કરી હતી. સંયોગ તો જુઓ કે જયાઅમ્માનું નિધન થયું અને તમિળનાડુ રાજકીયની સાથે જ કુદરતી વાવાઝોડામાં ય ફસાયું . દક્ષિણ ભારતીય ફિલ્મોની બાળઅભિનેત્રીમાંથી એમ.જી.આર. (રામચંદ્રન)ની હીટ જોડી તરીકેની અભિનેત્રી જ નહીં, નાયિકા ય બનેલી જયલલિતાને મુખ્યમંત્રી એમ.જી.આર. થકી પક્ષની પ્રચાર-મંત્રી અને રાજ્યસભાની સભ્ય નિયુક્ત કરાઈ  હતી. ૨૪ ડિસેમ્બર, ૧૯૮૭ના રોજ એમજીઆરનું મૃત્યુ થયું ત્યારે એમના દેહને ચેન્નઈસ્થિત રાજાજી હોલમાં જનદર્શનાર્થે રાખવામાં આવ્યો  ત્યારે જયલલિતા ત્યાં અપેક્ષિત ગણાઈ નહોતી. અનેકવાર એમજીઆર સાથે લગ્નની તૈયારી કર્યા પછી એના ફિલ્મી હીરોમાંથી જીવનના હીરો બનવામાંથી ફસકી ગયેલા એમજીઆર પાછા જયલલિતા તેલુગુ ફિલ્મોના અભિનેતા શોભન બાબુ સાથે લગ્ન કરે એ પણ સહી શક્યા નહોતા.

 એમજીઆર પ્રત્યે સમર્પણ ધરાવતી જયાનાં કપડાં ફાડી નંખાય એટલી હદે એને રાજાજી હોલમાં હડધૂત કરાઈ હતી. એ જ રાજાજી હોલમાં અંતિમદર્શને જ્યારે જયલલિતા પોઢ્યાં હતાં ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સહિત લાખો લોકો ઉમટ્યાં હતાં.  જયાઅમ્માની પાદુકા રાખીને અનેક વાર શાસન કરતા રહેલા ઓ.પી. એટલે કે ઓ. પનીરસેલ્વમ અને એમના તમામ પ્રધાન સાથીઓને આગલી રાતે રાજભવનમાં અનુક્રમે મુખ્યમંત્રી અને મંત્રીપદના શપથ લેવડાવાયા હતા. આની પાછળ અમ્માની નિષ્ઠાવંત એવી છોટી અમ્મા (ચિન્ના અમ્મા)નો દોરી સંચાર હતો.આ છોટી અમ્મા ૭૦ દિવસ એપોલો હોસ્પિટલમાં જયા અમ્માની સેવામાં રહેલાં સખી શશિકલા હતાં. અંતિમવિધિ સુધી એ છવાયેલાં રહ્યાં. હવે પક્ષની ધુરા એમની પાસે રહેવાનું પણ નક્કી થઇ ગયું છે.

તમિળનાડુમાં ક્યારેક કોંગ્રેસી પ્રભાવ જોરદાર હતો. સી. રાજગોપાલાચારી અને કે.કામરાજ એના અનેકવાર મુખ્યમંત્રી થયા અને રાષ્ટ્રીય રાજકારણમાં પણ એમનો પ્રભાવ હતો. સમયાંતરે દ્રવિડ ચળવળ એટલી પ્રભાવી બની કે ૧૯૬૭માં અન્નાદુરાઈ દ્રવિડ મુનેત્ર કળગમ (ડીએમકે)ના મુખ્યમંત્રી બન્યા ત્યાર પછી ગમે તેટલા ઉધામા માર્યા છતાં કોંગ્રેસ કે ભારતીય જનતા પક્ષ જેવા રાષ્ટ્રીય પક્ષોને તમિળ પ્રજાની સ્વીકૃતિ મળી નથી. હા, કેન્દ્રમાં સત્તામાં કોંગ્રેસ હોય કે બિન-કોંગ્રેસી સરકાર હોય;  દ્રમુક કે તેમાંથી ભાગ પાડીને ૧૯૭૭માં મુખ્યમંત્રી બનેલા સુપરસ્ટાર એમ.જી. રામચંદ્રનનો પક્ષ અન્નાદ્રમુક હોય, આ બે પક્ષો સાથે દિલ્હીનું જોડાણ રહે છે. જરૂરી નથી કે એમાં સાતત્ય જળવાય. ઇમર્જન્સી લાદનાર કોંગ્રેસી  વડા પ્રધાન ઇન્દિરા ગાંધી સામે તમિળનાડુના એ વેળાના દ્રમુક મુખ્યમંત્રી એમ. કરુણાનિધિએ બાથ ભીડી હતી.ઇમર્જન્સીના વિરોધને કારણે જ એમણે ખૂબ સહન કરવું પડ્યું હતું. ફરી બેઉ ભેગા થયા હતા.

જોકે સમય એવો પણ આવ્યો કે દ્રમુક અને કોંગ્રેસના મધુર સંબંધોમાં ફાચર મારવા માટે ૧૯૮૪માં તત્કાલીન મુખ્યમંત્રી એમજીઆરે જયાને રાજ્યસભાનાં સભ્ય નિયુક્ત કરીને એ વેળાનાં કોંગ્રેસી વડા પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે પક્ષના સંબંધ જોડવાનું મિશન સોંપ્યું હતું. જયાએ કોંગ્રેસ અને દ્રમુકના સંબંધો તોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જયા અંગ્રેજી અને હિન્દી ખૂબ સારી રીતે બોલતાં હોવા ઉપરાંત પત્રકારશિરોમણિ ખુશવંત સિંહની દૃષ્ટિએ એ બુદ્ધિશાળી સુંદરી (બ્યૂટી વિથ બ્રેઇન) એવાં જયલલિતાએ ઇન્દિરાજીને પ્રભાવિત કર્યાં હતાં. કમનસીબે ઇન્દિરાજીની હત્યા એ જ વર્ષે થઈ, પણ જયાઅમ્માએ રાજીવ ગાંધી વડા પ્રધાન થતાં એમની સાથે પણ સંબંધસેતુ જાળવ્યો. એમજીઆરના નિધન પછી એમનાં વિધવા જાનકીઅમ્માને પક્ષે અન્નાદ્રમુકના ૯૬ ધારાસભ્યો વિરુદ્ધ જયા અમ્માને પક્ષે માત્ર ૨૦ ધારાસભ્યો રહ્યા એટલે ૨૩ દિવસ માટે જાનકી અમ્મા મુખ્યમંત્રી રહ્યાં. એ પછી વડા પ્રધાન રાજીવ સાથેના સંબંધોએ અન્નાદ્રમુકના ભંગાણને સાંધી લેવાનું શક્ય બનાવીને પક્ષ પર જયા અમ્માએ વર્ચસ્વ મેળવ્યું એટલું નહીં, દ્રમુકને પણ પછાડ આપીને મુખ્યમંત્રી પણ બન્યાં. ક્યારેક જાનકી અમ્માના વિશ્વાસુ રહેલા  પનીરસેલ્વમ જયાના થઈને રહ્યા.

તમિળનાડુની રાજનીતિમાં ફિલ્મની પટકથા લખનાર કરુણાનિધિ અને ફિલ્મોના સુપરસ્ટાર એમજીઆર વારાફરતાં મુખ્યમંત્રી બનતા રહ્યા. એમજીઆર બે વાર લાગલગાટ ચૂંટણી જીત્યાના અપવાદ સિવાય કોઈ સમયે વિધાનસભાની ચૂંટણી કોઈ સત્તાપક્ષ ફરી તૂર્તજ જીત્યો નથી. મે ૨૦૧૬ની વિધાનસભા ચૂંટણીમાં દ્રમુક જ બહુમતી મેળવશે એ આશાએ કરુણાનિધિ પોતાના રાજકીય વારસ તરીકે પુત્ર  એમ. કે. સ્ટાલિનને સ્થાપિત કરવાનાં સમણાં જોતા હતા, પણ એ સમણું સાકાર ના જ થયું. જયા અમ્માનો અન્નાદ્રમુક ૨૩૪ની વિધાનસભામાં ૧૩૫ બેઠકો મેળવીને ફરી સત્તામાં આવ્યો. દ્રમુકને માત્ર ૮૯ બેઠકો મળી.કોંગ્રેસ પક્ષ  ૮ બેઠકોમાં સીમિત થઈ ગયો. મુસ્લિમ લીગને માત્ર એક બેઠક મળી. લોકસભાની મે ૨૦૧૪ની ચૂંટણીમાં જયા અમ્માના પક્ષ સાથે જોડાણ કરવાના નરેન્દ્ર મોદી આણિ મંડળીએ ભારે ઉધામા માર્યા છતાં અમ્માએ દાદ દીધી નહીં. લોકસભાની ૩૯ બેઠકોમાંથી ૩૭ બેઠકો મેળવીને જયા અમ્માએ વટ પાડ્યો. પીએમકેને એક અને ભાજપને એક જ બેઠક મળી, પણ વિધાનસભાની ચૂંટણી પછી ચેન્નઈના ફોર્ટ સેન્ટ જ્યોર્જ પર શાસન કરવાનાં સ્વપ્નાં નિહાળનાર ભાજપ અને મિત્ર પક્ષોને એકેય બેઠક ના મળી !

ભાજપના સાંસદ ડો. સુબ્રમણિયન સ્વામીએ અમ્મા અને એમનાં અંગત સખી શશિકલા સહિતનાઓ સામે રૂપિયા ૭૭ કરોડના ભ્રષ્ટ-સંપત્તિનો ખટલો દાખલ કર્યો હતો. એ ખટલાની બેંગલોર કોર્ટમાં સુનાવણીને પગલે બેંગલોરની જેલમાં ૨૮ દિવસ રહેનાર જયા અમ્મા અને શશિકલાએ મુખ્યમંત્રી પદ પનીરસેલ્વમને આપવું  પડ્યું હતું. આ પહેલાં પણ દ્રમુક સરકારે દાખલ કરેલા ખટલાઓ સંદર્ભે એમણે ૧૯૯૬-૯૭ દરમિયાન જેલમાં રહેવું પડ્યું હતું.  એ વેળા ૨૭ દિવસ જેલમાં હતાં. એમને એ કોઠે પડી ગયું હતું. ડો.  સ્વામીએ અગાઉ જયા અમ્મા સાથે નિકટતાને કારણે તેમને  વાજપેયી અને સોનિયા ગાંધી કને લઈ જઈ તેમને વડા પ્રધાન બનાવવા ટેકો આપવા પ્રેર્યાં હતાં. સ્વામી ક્યારેય એકજ પક્ષમાં સ્થિર રહ્યા નથી.એમને  દોસ્તોના દુશ્મન થવાનું કોઠે પડી ગયું છે.

જયલલિતા અને શશિકલાના સંબંધો ય રહસ્યમય રહ્યા છે. જયા અમ્માની વગનો દુરુપયોગ કરીને શશિકલાએ રાજકીય અને આર્થિક વર્ચસ્વ જમાવ્યું હોવાથી બબ્બેવાર જયા અમ્માએ એમને  અને તેમનાં સગાંને બહિષ્કૃત કર્યાં હતાં. છતાં હાથેપગે પડીને શશિકલા પાછાં ફર્યાં છે. જયાની ઘણી અંગત બાબતો પણ એ જાણતાં હોવાની મર્યાદા પણ મજબૂત નેતાને નડતી હશે. જોકે જયા અમ્મા પર શશિકલાનો જે પ્રભાવ હતો એને કારણે બહુમતી ધારાસભ્યો પણ શશિકલા થકી જ અમ્માની કૃપા મેળવી શક્યા હતા. સ્વયં પનીરસેલ્વમ પણ શશિકલા સમક્ષ કુરનિશ બજાવે છે.

વડા પ્રધાન મોદી દોસ્તો અને દુશ્મનોને ક્યારેય ભૂલતા નથી. ૨૦૧૨માં મોદીએ જયલલિતાને જાણ કરી હતી કે શશિકલા તેમને ધીમું ઝેર આપીને ખતમ કરવા માગે છે. એ પછી શશિકલાને પોઝ  ગાર્ડનમાંથી ઉચાળા ભરાવાયા હતા, છતાં એ પાછાં આવીને પ્રભાવ પાથરી શક્યાં છે. જયા પછી અન્નાદ્રમુક પર શશિકલા છવાઈ જાય એવું મોદી ના ઇચ્છે. એ વ્યૂહના ભાગરૂપે જ ચાર વર્ષ પહેલાંની ઝેર થિયરીની વાતો ખૂબ ચગી રહી છે. જોકે શશિકલા વર્તમાન સંજોગોમાં તો પક્ષ પર છવાઈ ગયાં છે.

તમિળનાડુની દ્રવિડ ચળવળમાં મૂળ વાળંદ જ્ઞાતિના અને લગ્નસંસ્થા કે ધર્મવ્યવસ્થામાં વિશ્વાસ નહીં ધરાવનારા એમ. કરુણાનિધિ તેમજ  એમની ત્રણેય પત્નીઓનાં સંતાનો તથા સગાં ફિલ્મ, ધંધા અને રાજનીતિમાં છવાયેલાં રહ્યાં. અન્નાદ્રમુકના સંસ્થાપક એવા એમજીઆર મૂળે મલયાળી બ્રાહ્મણ હોવા છતાં તમિળ ફિલ્મોના સુપરસ્ટાર હોવાને નાતે રાજકારણ પર છવાઈ ગયા. મુખ્યમંત્રી તરીકે એ પણ અમેરિકામાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યારે એમના ભરતનેડુચેળિયન પણ પનીરસેલ્વમની જેમ પાદુકા સ્થાપિત કરીને સરકાર ચલાવતા હતા. એ વર્ષોમાં આ લખનારનું એમને મળવાનું થયું હતું. જયા અમ્મા  તમિળ બ્રાહ્મણ ખરાં, પણ એ મહિસૂરમાં એટલે કે કર્ણાટકમાં જન્મેલાં. મૂળે બ્રાહ્મણ વિરોધી એવી  દ્રવિડ ચળવળ અંતે બ્રાહ્મણોના  હાથમાં આવી ગઈ.

 મલયાળી બ્રાહ્મણોમાં દફનની પ્રથા છે. એ મુજબ અને દ્રવિડ ચળવળની નાસ્તિકતાનો સંગમ કરીને એમજીઆરને પણ મરીના બિચ પર દફનાવાયા હતા. જયા અમ્માએ પણ અગાઉથી એમજીઆરની સમાધિ નજીક દફન થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી એટલે એમને પણ દફનાવાયાં. એ સ્થળે રાજ્ય સરકાર ૧૫ કરોડ રૂપિયાના ખર્ચે સ્મારક બનાવશે. જોકે આ બધાની વચ્ચે અન્નાદ્રમુકમાં ભંગાણ પાડવામાં ચાણક્યમોદીની વ્યૂહ રચના કેટલી સફળ થશે એના ભણી સૌની મીટ છે. જયા અમ્મા આરએસએસની સંસ્થા હિંદુ મન્નાનીસાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતાં હતાં અને અયોધ્યામાં રામમંદિર નિર્માણ કરવાના મુદ્દે  વાજપેયી સરકાર અને ભાજપના સમર્થનમાં હતાં, પણ મોદીને વશ થયાં નહીં હોવાને કારણે વડા પ્રધાન અન્નાદ્રમુકમાં તડાં પડાવે છે કે દ્રમુક એમાં ભાગલા પડાવીને સત્તા મેળવે છે, એ આવતા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે.

-મેઈલ : haridesai@gmail.com

Intelligent Tamil Nadu turns Emotional
Dr.Hari Desai's Weekly Column in Gujarat Samachar(London), Gujarat Guardian(Surat),Sardar Gurjari(Anand) and Gandhinagar Samachar(Gandhinagar ).