Sunday 13 August 2023

PM condems Congress and has all the BJP CMs from in NE !

 

કોંગ્રેસીઓના ખભે ચડી કોંગ્રેસની બુરાઈ

·         કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ ·   ભાજપનું કોંગ્રેસીકરણમાં આડવાણી સાચા ·  ઈશાન ભારતના બધા ભાજપી CM કોંગ્રેસી ·  ગોવા સરકારમાં ૧૨ માંથી ૧૦ આયાતી

Dr.Hari Desai writes weekly column for Mumbai Samachar’s Sunday Supplement UTSAV.13.08.2023

હમણાં સમાપ્ત થયેલા સંસદના સત્રમાં મણિપુર મુદ્દે સરકાર સામે અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચાનો ઉત્તર વાળતાં આગલા દિવસે કેન્દ્રના ગૃહમંત્રી  અમિત શાહ અને વિપક્ષના સભાત્યાગ પછી પ્રસ્તાવ ધ્વનિમતથી પરાસ્ત થવાના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આક્રમક ભાષણ કર્યાં. એમાં મૂળ મુદ્દા કરતાં અંગ્રેજ અધિકારી એલન ઓક્તોવિયો હ્યુમ થકી ૧૮૮૫માં કોંગ્રેસની સ્થાપનાથી લઈને સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને મોદી સમાજના કથિત અપમાનના કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનીનું લોકસભાનું  સભ્યપદ બહાલ કરાયું એ વ્યક્તિ પર પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રહારો કરાયા. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી સહિત બંને ગૃહોના કેટલાક સભ્યોને સસ્પેન્ડ પણ કરાયા. ન્યાયતંત્ર સાથેના સરકારના ટકરાવાના સંકેત પણ આ સત્રમાં મળ્યા. જોકે ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ ચાલતી કેન્દ્ર સરકારના નેતાઓ  વિપક્ષી કોંગ્રેસ પર પ્રહાર કરતાં એ વાત વિસરી ગયા લાગે છે કે એમના પૂર્વસૂરિઓ અને દેશનાં આરાધ્ય વ્યક્તિત્વો કોંગ્રેસ સાથે જોડાયેલાં રહ્યાં હતાં. વર્તમાનમાં પણ ભાજપના માર્ગદર્શક મંડળમાં ધકેલાઈ ગયેલા તેમના જ  પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ આડવાણી કહેતા હતા એમ ભાજપનું હદ ઉપરાંતનું કોંગ્રેસીકરણ થયેલું છે. વાત ઈશાન ભારતનાં રાજ્યોની ખૂબ ગાજી અને નેહરુ-ઇન્દિરા અને અત્યાર લગીની કોંગ્રેસે ઈશાન ભારતનાં રાજ્યોને પછાત રાખ્યાના આક્ષેપ સત્તાપક્ષ અને એના મોભીઓ તરફથી થયા એટલે જરા વર્તમાનમાં ઈશાન ભારતનાં રાજ્યોમાં શાસન કરતા ભાજપી મુખ્યમંત્રીઓ અને ભાજપના નેજા હેઠળના મોરચા એનડીએના મુખ્યમંત્રીઓ કયા ગોત્રના છે અને એમને શિરે તેઓ કોંગ્રેસમાં હતા ત્યારનાં એમનાં ભાજપને અભિપ્રેત કુકર્મો કયા પારસમણિના સ્પર્શથી ધોવાઇ જાય છે એનો પણ વિચાર કરવો પડે.ગોવામાં ભાજપની ૧૨ સભ્યોની સરકાર છે એમાં માત્ર ૨ (બે) મંત્રી મૂળ ભાજપના છે,બાકીના ૧૦ આયાતી છે.

ડૉ.મુંજે,ડૉ.હેડગેવાર અને ડૉ.મુકરજી

વર્તમાન ભાજપ માટે ડૉ.બી.એસ.મુંજે(મધ્ય પ્રાંતના નેતા અને ડૉ.હેડગેવારના ગુરુ), ડૉ.કેશવ બલિરામ હેડગેવાર (ભાજપની માતૃસંસ્થા આરએસએસના સંસ્થાપક સરસંઘચાલક અને આજીવન કોંગ્રેસી) અને ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી (૧૯૨૮માં કોંગ્રેસી ધારાસભ્ય તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરનાર, નેહરુની સરકારમાં મંત્રી રહેલા અને જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ)  એ આરાધ્ય પુરુષો લેખાય. આ ત્રણેય વ્યક્તિત્વો પેલા હ્યુમની કોંગ્રેસમાં હતાં એ બાબતને કોઈ ઈચ્છે તો પણ નકારી શકે તેમ નથી. વળી, કોંગ્રેસની સ્થાપના મુંબઈમાં ૧૮૮૫ના ડિસેમ્બરમાં કરવામાં આવી ત્યારે એકલા હ્યુમ ધૂણ્યા અને થઈ ગઈ એવું નહોતું. એની સ્થાપના કરવામાં અંગ્રેજ સરકાર સામે બળવાખોર એવા નિવૃત્ત આઈસીએસ અંગ્રેજ અધિકારી હ્યુમ ઉપરાંત  બીજા ૭૧ અગ્રણી હતા;જેમાં હિંદુ બહુમતીમાં હતા. મુસ્લિમ, પારસી, જૈન, ખ્રિસ્તી વગેરે દેશભરના આગેવાનો હતા. પ્રમોદ શાહલિખિત “ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ: દર્શન અને ચિંતન”માં એ તમામનાં નામ અપાયાં છે. બેરિસ્ટર વ્યોમેશચંદ્ર બેનરજી કોંગ્રેસના પ્રથમ પ્રમુખ હતા. ઉપરાંત થોડાંક નામ આપવાં હોય તો દયારામ જેઠમલ, હરિરામ મયારામ વકીલ, એચ.એચ.ધ્રુવ, મંચેરશા પાલનજી કેકોબાદ, માણેકજી પી.મોદી, રાવબહાદુર કૃષ્ણાજી, મરાઠા અને કેસરીના તંત્રી ગોપાલ ગણેશ અગરકર,મુનશી ગંગાપ્રસાદ વર્મા, કાશીનાથ તેલંગ, દાદાભાઈ નવરોજી, દિનશા એદલજી વાચ્છા,સોલીસીટર દિનશા પેસ્તરજી કાંગા, એન.જી.ચંદાવરકર,એસ.મુદલિયાર, બહેરામજી એમ.મલબારી, કેશવ પિલ્લાઈ વગેરે. કોંગ્રેસના સમગ્ર ઈતિહાસને આઝાદીના ઈતિહાસ તરીકે ગણવો પડે અને એને ભાંડવામાં આવે ત્યારે દાદાભાઈ નવરોજી, લોકમાન્ય ટિળક, મહામના માલવિયા, મહાત્મા ગાંધી, પંડિત નેહરુ, સરદાર પટેલ, નેતાજી બોઝ, મૌલાના આઝાદ સહિતના તમામને ભાંડવાની કુચેષ્ટા થતી લાગ્યા વિના રહેતું નથી. કેટલાક અંગ્રેજ પણ ભારતના આઝાદીના સંગ્રામને સમર્થન આપતા રહ્યા છે અને તેઓ પણ કોંગ્રેસના પ્રમુખ રહ્યા છે.

 

નોર્થ ઇસ્ટના રાજ્યોના શાસકો

ઈશાન ભારતનાં સાત રાજ્યો સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાય છે. મે ૧૯૭૫માં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની કુનેહથી સિક્કિમ દેશમાં જનમત લેવાયો અને રાજાશાહીથી ટ્રસ્ટ પ્રજાએ ભારતમાં ભળવાનો નિર્ણય કર્યો ત્યારથી સિક્કિમ ભારતનું રાજ્ય બન્યું અને એને બ્રધર કહેવાય છે. સંસદમાં સત્તા પક્ષના મોભીઓએ ગાજવીજ કરી કે ઈશાન ભારતનાં આ રાજ્યોના વિકાસને નેહરુએ અવરોધ્યો અને એ પછી ઇન્દિરા ગાંધીની સરકારે પણ. હકીકતમાં ભાજપ અત્યારે આ તમામ આઠ રાજ્યોમાં પોતે કે મિત્ર પક્ષોના ટેકે રાજ કરે છે. મજાની વાત તો એ છે કે જે મુખ્યમંત્રીઓ ભાજપના છે કે અન્ય પક્ષોના છે એમાં અધિકાંશનું ગોત્ર કોંગ્રેસ છે અથવા એ ભ્રષ્ટાચારી મહાકૌભાંડોમાં સંડોવાયેલા જોવા મળે છે. જોકે ભાજપનો પારસમણિ એમને પાક-સાફ બનાવી દે છે. આસામના કોંગ્રેસી નેતા તરુણ ગોગોઈની સરકારમાં ૧૫ વર્ષ મંત્રી રહેલા અને ભાજપના નેતાઓ થકી જેમના ભ્રષ્ટાચારની પુસ્તિકાઓ બહાર પડાતી હતી કે પત્રકાર પરિષદો યોજીને જેમને સૌથી ભ્રષ્ટ મંત્રી ગણાવાતા હતા એ હેમંત બિસ્વા સરમા ભાજપ અને મિત્ર પક્ષોની આસામ સરકારના મુખ્યમંત્રી છે! ૨૩ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ દિલ્હીમાં અમિત શાહના નિવાસસ્થાને કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થનારા સરમા મોદી-શાહના મેન ફ્રાઈડે છે. ઈશાન ભારતનાં રાજ્યોમાં ભાજપની સરકાર સ્થાપવા માટે જ નહીં, પણ મહારાષ્ટ્રમાં પણ શિવસેના તોડવાનું ઓપરેશન લોટસ હાથ ધરાતું હોય ત્યારે એને મોકળાશ બક્ષીને બળવાખોરોને ગુવાહાટીમાં રાખે છે. ઈશાન ભારતનાં રાજ્યોમાં ચાર મુખ્યમંત્રી ભાજપના છે. એ ચારેય કોંગ્રેસમાંથી આયાત કરેલા છે. તેમાંના ઘણા તો વર્ષો સુધી મુખ્યમંત્રી રહ્યા છે.  ભાજપની નેતગીરી એમને પણ ઈશાન ભારતનાં એ રાજ્યો માટે જવાબદાર લેખે ત્યારે તેઓ પણ તાળીઓ પાડે છે. ત્રિપુરામાં માણિક સરકાર જેવા માર્ક્સવાદી મુખ્યમંત્રીની સરકારને ઘેર બેસાડીને મૂળ ભાજપના બિપ્લવ કુમાર દેવ મુખ્યમંત્રી બન્યા હતા. જોકે મોવડીમંડળને લાગ્યું કે દેવ ફરી જીતાડી શકે તેમ નથી એટલે માણિક સહા નામના ૨૦૧૬માં જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાને મુખ્યમંત્રી બનાવ્યા. ક્યારેક ત્રિપુરાના સાવ સાદગીમાં રહેનારા માણિક સરકાર મુખ્યમંત્રી હતા, અત્યારે  દેશના સૌથી સમૃદ્ધ ગણાતા મુખ્યમંત્રી સહા લેખવામાં આવે છે. અરુણાચલ પ્રદેશમાં પણ સાગમટે પક્ષપલટો કરનાર કોંગ્રેસી ગોત્રના મુખ્યમત્રી પેમા ખાન્દૂ આજે ભાજપ સરકારના વડા છે. એ ડિસેમ્બર ૨૦૧૬માં ૩૩ મૂળ કોંગ્રેસી ધારાસભ્યો સાથે ભાજપમાં પ્રવેશ્યા હતા. અગાઉ પણ એ મુખ્યમંત્રી રહ્યા. બહુચર્ચિત મણિપુરના ભાજપી મુખ્યમંત્રી એન.બીરેન સિંહ પણ કોંગ્રેસી રહ્યા. ઓક્ટોબર ૨૦૧૬માં એમણે કોંગ્રેસ છોડીને ભાજપને વહાલો કરવાનું પસંદ કર્યું હતું. બીજાં રાજ્યોમાં ભાજપ ખૂબ ગાજવીજ કરીને પોતાના વિજયની બાંગ પોકારે છે, પરંતુ કેન્દ્રમાં ભાજપનું શાસન છે એટલે આ રાજ્યોમાં પણ ભાજપ સાથે ઘર માંડવાનું કોંગ્રેસી કે અન્ય પક્ષોમાં રહેલા નેતાઓ પસંદ કરે છે. નાગાલેન્ડમાં ૬૦ સભ્યોની ધારાસભામાં મુખ્યમંત્રી નેમ્ફૂ રીઓના પક્ષના ૨૫ સભ્યો છે અને ભાજપના ૧૨ છે. મિઝોરમમાં ૬૦ સભ્યોની ધારાસભામાં મુખ્યમંત્રી ઝોરમથન્ગાના મિઝો નેશનલ ફ્રન્ટના ૨૭ સભ્યો છે અને ભાજપનો માત્ર એક જ છે. મેઘાલયમાં ૬૦ સભ્યોની ધારાસભામાં મુખ્યમંત્રી કોનરાડ સંગમાના એનપીપીના ૨૮ સહિત તેમણે ૪૬ સભ્યોનું સમર્થન છે. ભાજપ કને માત્ર ૨ બેઠકો છે. પાંચ વર્ષ સાથે રાજ કર્યા પછી મુખ્યમંત્રી સંગમા અને તેમની સરકારને ભ્રષ્ટ ગણાવનાર ભાજપે બધી બેઠકો લડી પણ જીત્યો માત્ર ૨. મૂળ કોંગ્રેસી ગોત્રના સંગમાએ પછી કેન્દ્રમાં ભાજપ સત્તા સ્થાને છે એટલે એને સરકારમાં લેવાનું પસંદ કર્યું. સિક્કિમની ૩૨ સભ્યોની વિધાનસભામાં મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગના ક્રાંતિકારી પક્ષ કને ૧૯ સભ્યો છે અને ભાજપ પાસે માત્ર ૧. ભાજપ સરકારમાં છે. રાજ્યમાં ૨૪ વર્ષ મુખ્યમંત્રી રહેલા પવન કુમાર ચામલિંગના પક્ષ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના તેઓ એકલા જ વિપક્ષે બેસે છે. એકંદરે ઈશાન ભારતના તમામ ભાજપી મુખ્યમંત્રી કોંગ્રેસમાંથી આયાત કરેલા છે અથવા ભાજપ ત્યાં મિત્ર પક્ષો સાથે સરકાર ચલાવે છે એમાંના મોટા ભાગના કોંગ્રેસી કે અન્ય પક્ષમાંથી આવેલા છે કે પછી કોઈને કોઈ ભ્રષ્ટાચારી પ્રકરણમાં સંડોવાયેલા છે. તેમની બધાની ચોટલી દિલ્હીશ્વરના હાથમાં છે.

-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૧૨ ઓગસ્ટ,૨૦૨૩)

No comments:

Post a Comment