Sunday, 22 May 2022

Hardik Leaves, Naresh Patel Enters

 

હાર્દિક પટેલનું ગમન અને નરેશ પટેલનું આગમન

કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ

·         ગુજરાત જીતે તો જ મોદી ફરી  વડાપ્રધાન

·         મુખ્યમંત્રીપદે કોણ આવે એ હજુ અનિર્ણિત

·         ડિસેમ્બર સુધીમાં ઉપસતા ચિત્રની પ્રતીક્ષા

Dr.Hari Desai writes weekly colum “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement. 22 May, 2022.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં જે પ્રકારના પલટા રાજકારણમાં આવી રહ્યા છે એ બે બાબતો સ્પષ્ટ કરે છે: ડિસેમ્બર ૨૦૧૭માં ભારતીય જનતા પક્ષની સરકાર માંડ માંડ રચાઈ હતી. એવા સંજોગો ફરી નિર્માણ થાય નહીં એ માટે રાજ્યમાં ત્રણેક દાયકાથી શાસન કરતા ભાજપ થકી  (૧) ભાજપના જ બે સર્વોચ્ચ નેતાઓને ભાંડતા રહેલા યુવા નેતા અને પ્રદેશ કોંગ્રેસના કાર્યાધ્યક્ષ રહેલા  હાર્દિક પટેલને કોંગ્રેસથી વિખૂટા કરવા અને (૨) પ્રભાવી પાટીદાર સામાજિક નેતા નરેશ પટેલને કોંગ્રેસ સાથે જોડવામાં આવે એ સામે કોંગ્રેસના મતોનું શક્ય તેટલું વિભાજન કરવું.  ડિસેમ્બર ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી આવવાની સાથે મે ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી પણ આવે છે. ઉત્તરપ્રદેશ સહિતનાં જે પાંચ રાજ્યોની વિધાનસભાની છેલ્લી ચૂંટણી થઇ એમાં પંજાબ સિવાયનાં રાજ્યોને ફરી અંકે કરી લેવામાં પક્ષના સર્વોચ્ચ નેતા નરેન્દ્ર મોદીને સફળતા મળી છે. અગાઉ પશ્ચિમ બંગાળ, તમિળનાડુ અને કમલમ કેરળ વિધાનસભામાં ભાજપ અને મિત્રપક્ષોને જે ફટકો પડ્યો એ પછી પાંચ રાજ્યોમાંથી ચાર રાજ્યોમાં ભાજપની સરકાર રચાઈ એટલે હવે પણ પક્ષનો વિજયરથ આગેકૂચ કરે તે માટે વર્ષ ૨૦૨૨માં ગુજરાત અને હિમાચલ પ્રદેશ  તથા ભાજપે વર્ષ ૨૦૨૩માં યોજાનારી નવ રાજ્યોની ચૂંટણી પણ જીતવાનો લક્ષ્ય રાખવો પડે. ગુજરાતમાં કોંગ્રેસના સમર્થક મતોનું વિભાજન કરવાનાં આયોજનો ભાજપની નેતાગીરી દ્વારા થઇ રહ્યાં છે. કોંગ્રેસના નેતા-કાર્યકર્તાઓની જરૂર નથી એવી ઘોષણાઓ ભાજપ તરફથી થયા કરે છે, પરંતુ કોંગ્રેસના નેતા-કાર્યકર્તાઓના ભરતીમેળા ભાજપના મુખ્યાલય કમલમ્ ખાતે અખંડ ચાલુ છે. હાર્દિક કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશીને પોતાની સામેના ખટલાઓમાંથી રાહત મેળવવાની વેતરણમાં હોય એ સ્વાભાવિક છે. જોકે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની સરકારના પતનનું નિમિત્ત બનેલા અને નીતિન પટેલના રાજકીય ભવિષ્યને ધૂંધળું કરવા માટે જવાબદાર આંદોલનકારી હાર્દિકને પક્ષમાં લેવા સામે વિરોધના સૂર તો એના જ ભાજપમાં ગયેલા જૂના સાથીઓ તરફથી કરાયેલાં નિવેદનોમાં જોવા મળ્યા. ભાજપમાં જૂથવાદ અને પરિવારવાદ નથી એવો ભ્રમ પોષવામાં આવ્યો છે. હૈદરાબાદના સાંસદ અને એમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી તથા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમ જ બીપીટીના છોટુભાઈ વસાવા તેમ જ  અન્ય પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસની સામાન્ય રીતે જે મતબેંક ગણાય એમાં ભાગ પડાવે અને ભાજપને ફાયદો કરાવે એવી ગણતરીથી ગુજરાતનું રાજકારણ આગળ વધી રહ્યું છે. કોંગ્રેસમાં પ્રદેશ કાર્યાધ્યક્ષ રહેલા હાર્દિક પટેલ પક્ષ છોડે અને કોંગ્રેસ વિરુદ્ધ નિવેદનો કરતા રહે એ પણ ભાજપના લાભમાં જ ગણાય. જોકે આ ઘટનાક્રમ કેટલો ચાલે એ કહેવું મુશ્કેલ છે. કોંગ્રેસમાં નરેશ પટેલની એન્ટ્રી અને પટેલ સિવાયના સમાજોમાં પણ નરેશભાઈની સ્વીકૃતિ ભાજપને અકળાવે છે.      

નવા મુખ્યમંત્રી કોણ?

ગુજરાત દેશના કેન્દ્રસ્થાને છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહનું ગૃહરાજ્ય છે. ભાજપના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્થાને ચૂંટણી પછી કોણ મુખ્યમંત્રી હશે અને કયા કયા પ્રધાનો ટિકિટોમાં કપાશે એની ચર્ચા શરૂ થઇ ગઈ છે. ક્યારેક મોદીના ટીકાકાર રહેલા સૌરાષ્ટ્રના કડવા પટેલ સમાજના પરસોત્તમ રૂપાલા કેન્દ્રમાં પોતાના જુનિયર રાજનેતાના પણ જુનિયર સ્થાને મૂકાયા પછી ગુજરાતની ગાદીની મહેચ્છા જરૂર રાખી શકે.દર વખતે કેન્દ્રમાં મોદીના લાડકા એવા લેઉવા સમાજના નેતા અને કેન્દ્રના મંત્રી મનસુખ માંડવિયાનું નામ ગુજરાતના ભાવી મુખ્યમંત્રી તરીકે ઝળકે છે અને કપાય છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલાં મોદીના હનુમાન લેખાતા અમિત શાહે ૨૦૨૪માં મોદીને ફરીને વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતમાં ભાજપની સરકાર લાવવી આવશ્યક હોવાની બાંગ પોકારવા માંડી છે.ભાજપના પ્રદેશ અધ્યક્ષ  સી.આર. પાટીલ અને સંઘ પરિવાર સમગ્રપણે કામે વળ્યો છ. સામે પક્ષે કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ જગદીશ ઠાકોર પણ ચૂંટણી જાહેર થાય એ પહેલાં સક્રિયપણે ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે.કોંગ્રેસ પોતાના પક્ષે પ્રભાવી લેઉવા પાટીદાર નેતા અને ખોડલધામના વડા નરેશ પટેલને  મુખ્યમંત્રીપદના ઉમેદવાર  જાહેર કરવાની વેતરણમાં છે. અગાઉ અનેકવાર કોંગ્રેસમાં જોડાવાની તૈયારી કરતા રહેલા નરેશભાઈ છેવટે પાણીમાં બેસતા રહ્યા છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં એ કોંગ્રેસમાં જોડાવા માટે સજ્જ છે. જોકે અનેક મુદતો પાડીને વિલંબ કરતા રહ્યા છતાં હવે નિર્ણાયક તબક્કે પહોંચવામાં છે. ભાજપ અને આમ આદમી પાર્ટી પણ એમને પોતાની સાથે જોડવા માટે ઉધામા મારતી રહ્યા છતાં નરેશ પટેલ કોંગ્રેસ ભણી ઝુકાવ સ્પષ્ટ કરતા રહ્યા છે. આગામી દિવસોમાં એ મોટા કાર્યક્રમમાં કોંગ્રેસમાં જોડાવાની અપેક્ષા છે. નરેશભાઈ કોંગ્રેસમાં જોડાય તો પોતાનું મહત્વ ઘટી જાય એવું માનતા રહેલા હાર્દિકે એમને મળીને કોંગ્રેસમાં પોતાને કટુ અનુભવ થયાની કથા પણ કરી. હાર્દિક ક્યારેક પાટીદાર સમાજના અનામત માટેના આંદોલનમાં નાયક જાહેર થયો હતો, પણ હવે એ ઝાઝો પ્રભાવ ધરાવતો નથી. મીડિયા મારફત રોજેરોજ પ્રજામાં છવાયેલો રહેવા ઉત્સુક હાર્દિક અને નરેશભાઈની તુલના કરવાનું શક્ય નથી. વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતા વડાપ્રધાનપદે હોવા છતાં ગુજરાતમાં પક્ષને સૌથી ઓછી એટલે કે ૧૮૨માંથી  ૯૯ બેઠકો મળી હતી. એ વેળાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે લક્ષ્યાંક રાખ્યો હતો ૧૫૦ પ્લસનો.  કોંગ્રેસના મુખ્યમંત્રી રહેલા માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં ૧૯૮૦માં કોંગ્રેસને  ૧૩૯ બેઠકો અને ૧૯૮૫માં ૧૪૯ બેઠકો મળી હતી. આજ દિવસ સુધી આ બંને વિક્રમ તૂટ્યા નથી. વર્ષ ૨૦૨૨ માટે ભાજપે લક્ષ્યાંક ૧૮૨માંથી ૧૮૨નો રાખવામાં આવ્યો અને ધીરે ધીરે એ બહુમતી માટેના દાવામાં સીમિત થયો. સત્તારૂઢ પક્ષ ટો ૧૨ જૂન ૨૦૨૨ સુધીમાં ચૂંટણી કરવા તત્પર હતો જેથી કોંગ્રેસ કે અન્ય પક્ષ ઊંઘતા ઝડપાય. આમ છતાં, ભાજપનો આંતરિક સર્વે એના માટે સારાં પરિણામ આપતો નહીં હોવાથી ચૂંટણી રાબેતા મુજબ ડિસેમ્બર મહિનામાં જ યોજાશે. હવે નરેશભાઈ પણ કોંગ્રેસમાં જોડાશે એવા સંજોગો છે અને હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી ગયા છે. આવા સંજોગોમાં આગામી છ મહિનામાં કેવું ચિત્ર જોવા મળશે એની સૌને પ્રતીક્ષા રહેશે.

તિખારો

સી એમ”

મને સપનાં આવે છે “સી એમ” નાં

આગળ ને પાછળ હોય ગાડીયુના કાફલા તો આપણો’યે વટ્ટ પડે કેમ ના ?

મને સપનાં આવે છે “સી એમ”નાં

 

ક્યાં છે ગરીબ ? કરું ખાંખાંખોળાં ને વળી એકા'દું આંદોલન ગોતું

પીડીત કે વંચિત કે વિસ્થાપિત ગમ્મે તે ક્યાંક તો હશે ને કો’ક રોતું ?

 

રેલી કાઢું કે પછી ધરણાં પર બેસું કે મુદ્દા ઉઠાવું કૈંક ડેમના !

 

મને સપનાં આવે છે “સી એમ”નાં

 

બાધા રાખું કે વળી ભૂવા ધૂણાવું કે દાણા વેરાવું બધે ચોકમાં !

જોયેલાં સપનાંને સાચાં પડાવવા હું આવ્યો છું આપશ્રીના લોકમાં

 

જાણતલ ડોશીમા એટલું જ બોલ્યાં કે ઓસડ ના હોય કદી વ્હેમના 

 

મને સપનાં આવે છે “સી એમ”નાં

 

-       કૃષ્ણ દવે  (૨૦-૫-૨૦૨૨)

 

-મેઈલ: haridesai@gmail.com    (લખ્યા તારીખ: ૨૧ મે, ૨૦૨૨)

Congress Premier Dr.Khare defects to Hindu Mahasabha

 


કોંગ્રેસી પ્રીમિયર ડૉ.ખરે અંતે  બ્રિટિશ શાસકોની સોડમાં ઘૂસ્યા

ઈતિહાસ ગવાહ હૈ : ડૉ.હરિ દેસાઈ

·         ગાંધીજી અને સરદાર પટેલને બતાવી દેવા ટેકા માટે મોહમ્મદઅલી ઝીણા સમક્ષ રીતસર કાકલૂદી

·         પોતાને મુસ્લિપ્રેમી ગણાવનાર અલવરના દીવાન નારાયણરાવ  મુસ્લિમવિરોધી ને ગાંધીદ્રોહી હતા

·         હું શિક્ષણથી અંગ્રેજ છું, સંસ્કારથી મુસ્લિમ અને અકસ્માતે હિંદુ છું” એ કથન નેહરુના નામે ચડાવ્યું

Dr.Hari Desai writes weekly column “Itihas Gawah Hai” for Divya Bhaskar Digital. 22 May,2022

રાજકીય સત્તાપિપાસા વ્યક્તિને કેટલી હદે લઈ જાય છે એનાં આધુનિક ભારતનાં ઉદાહરણો જોયા પછી ક્યારેક ભૂતકાળમાં ડોકિયું કરીએ તો એનાથી પણ વરવાં દૃશ્યો જોવા મળે છે.વર્તમાનમાં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને માટે અશોભનીય ટિપ્પણી કરનારા કેટલાક કોંગ્રેસી નેતાઓ કે આંદોલન કારીઓનાં હૃદયપરિવર્તન થાય અને મોદી-શાહની વ્હેલમાં જઈને બેસે છે. એમની ચરણપાદુકાઓ ઉપાડવા તત્પર રહે છે. ભૂતકાળમાં પણ આવાં અનેક ઉદાહરણો જોવા મળે છે. એટલે તાજાં હૃદયપરિવર્તનો અંગે રખે કોઈ નવાઈ લાગે.  બ્રિટિશ ઇંડિયાના મધ્ય પ્રાંત અને બરારના ૧૯૩૭-૩૮માં કોંગ્રેસી પ્રીમિયર (મુખ્યમંત્રી) ડૉ.નારાયણ ભાસ્કર ખરેએ પોતાનાં કરતૂતોના પરિણામે હોદ્દો છોડવો પડ્યો હતો. વેળાના સૌથી પ્રભાવી કોંગ્રેસી નેતા અને સંસદીય બોર્ડના અધ્યક્ષ સરદાર પટેલ નહીં, મહાત્મા ગાંધી અને કોંગ્રેસ પર પણ કાદવઊછાળ કરીને નાગપુરના તબીબ-રાજનેતા કોંગ્રેસની દુશ્મન છાવણીમાં જઈને બેઠા હતા. વાત એટલે જ અટકી નહોતી. અલગ મુસ્લિમ રાષ્ટ્ર પાકિસ્તાનની માગણી કરી રહેલા મુસ્લિમ લીગના સુપ્રીમો મોહમ્મદ અલી ઝીણા સાથે મળીને ફરી પ્રીમિયરપદ મેળવવા રીતસર કાકલૂદી કરતા આ નેતા હિંદુ મહાસભાના અધ્યક્ષ પણ બન્યા હતા ! 

ઝીણા અને અંગ્રેજોના મેળાપી

એવું નહોતું કે સ્વાતંત્ર્યવીર સાવરકરની હિંદુ મહાસભા અને ઝીણાની મુસ્લિમ લીગની સંયુક્ત સરકારો વેળા અશક્ય હતી. બંગાળ, સિંધ અને વાયવ્ય પ્રાંત સહિત ત્રણ-ત્રણ પ્રાંતમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ અને અખંડ ભારતનો રાગ આલાપતી હિંદુ મહાસભાની સંયુક્ત સરકારો બ્રિટિશ હાકેમોની મીઠી નજર તળે રાજ કરતી હતી. ડૉ.ખરે તો કોંગ્રેસ સાથે ગદ્દારી કરીને, કોંગ્રેસની નેતાગીરીને ભાંડીને, જાહેરમાં પોતાનાં કરતૂતો બદલ માફી માગતાં નિવેદન કર્યા પછી પણ, માતૃસંસ્થા કોંગ્રેસને તોડીને સરદાર પટેલ જેવા મહારથીને બતાવી દેવાની વેતરણમાં હતા. ડૉ.ખરે ક્યારેક બ્રિટિશ શાસકોની સામે લડતા હતા, પણ કોંગ્રેસની નેતાગીરીએ એમને પ્રીમિયરપદેથી પૂરતી તપાસને અંતે  દૂર કર્યા ત્યારે એ વાઇસરોયની કારોબારી (એક્ઝિક્યૂટિવ કાઉન્સિલ)માં જોડાયા હતા એટલે કે કેન્દ્રના મંત્રી બન્યા હતા.

ડૉ.ખરેની મુસ્લિમ પ્રેમની દુહાઈ

પાકિસ્તાન સરકારે ૨૦૦૯માં પ્રકાશિત કરેલા ઝીણા પેપર્સ ( ઓગસ્ટ ૧૯૪૧ ૩૧ માર્ચ ૧૯૪૨)ના ૧૭માં ગ્રંથમાં ડૉ.ખરેએ વારંવાર ઝીણાને પત્રો લખીને મુસ્લિમ લીગનો ટેકો મેળવવા માટે યાચના કરી હતી. સામે પક્ષે ઝીણાએ ડૉ.ખરેને રીતસર હડધૂત કરતા પત્રો લખ્યા છતાં બંને વચ્ચે ૧૨ ઓગસ્ટ ૧૯૪૧થી ફેબ્રુઆરી ૧૯૪૨ દરમિયાન નવ-નવ પત્રોનું આદાનપ્રદાન થયું હતું. વારંવાર મુસ્લિમ લીગના ટેકાની યાચના કરતા રહેલા હિંદુ મહાસભાના નેતાએ તો ફેબ્રુઆરી ૪૨ના પત્રમાં ઝીણાને ખાતરી આપી હતી કે મારી પાસે બહુમતી થાય નહીં ત્યાં લગી હું સરકાર રચવા તત્પર નથી. વળી, હું મારું આખું આયખું મુસ્લિમો ભણી યોગ્ય સકારાત્મક લાગણી ધરાવતો રહ્યો હોવાથી મારા કોંગ્રેસી મિત્રોએ હંમેશાં મને વખોડવાનું કામ કર્યું છે !
છેક ૧૯૧૬થી ૧૯૩૮ લગી કોંગ્રેસ સાથે રહેલા ડૉ.ખરે બ્રિટિશ ગવર્નર સાથે મીઠા સંબંધ રાખીને સરકારમાંના પોતાના સાથી કોંગ્રેસી પ્રધાનો રવિશંકર શુક્લ અને દ્વારકાપ્રસાદ મિશ્ર સામે દુશ્મની એટલી હદે નિભાવતા રહ્યા કે રાતે બે વાગ્યે પ્રધાનોને ગવર્નરે રાજીનામાં આપવા ફરમાવ્યું. એમણે સમય માંગ્યો નકારાયો અને સવારના પાંચ વાગ્યે ડૉ.ખરેના પ્રધાનોને બરખાસ્ત કરી દેવાયા.

નેતાજી બોઝ સરદારના ટેકામાં

ગવર્નર ફ્રાન્સિસ વાઈલીએ ડૉ.ખરેના નેતૃત્વમાં નવી સરકાર રચી પણ દીધી. થોડા દિવસમાં એનું પતન થયું. વર્ધા ખાતે કોંગ્રેસ પ્રમુખ સુભાષચંદ્ર બોઝની અધ્યક્ષતામાં મળેલી કોંગ્રેસી કારોબારીએ ડૉ.ખરેને પાણીચું આપવાનું ઠરાવ્યું ત્યારે એમણે સરદાર પટેલ પર દ્વેષભાવના આક્ષેપો કરવાનું શરૂ કર્યું. વેળા નેતાજી બોઝ સરદાર પટેલના પડખે અડીખમ રહ્યા હતા. ડૉ.ખરે સાથે કોઈ ભેદભાવયુક્ત વર્તન નહીં થયાનું એમણે જાહેર કર્યું હતું. નાચવું ના હોય ત્યારે આંગણું વાંકું એવો ખેલ રચીને ખરે બ્રિટિશ અને હિંદુ મહાસભાની છાવણીમાં ઘૂસ્યા હતા.  હિંદુ મહાસભાના મોટાભાગના નેતાઓ અગાઉ કોંગ્રેસમાં જ હતા. ઘણીવાર કોંગ્રેસના નેતાઓના પ્રયાસો છતાં  બેરિસ્ટર સાવરકર ક્યારેય કોંગ્રેસમાં જોડાયા નહોતા. મહાત્મા ગાંધી માટે તેમણે રીતસર ઘૃણા હતી. પંડિત નેહરુ માટે પણ એ ઘૃણાભાવ ધરાવતા હતા. આજકાલ વોટ્સએપ યુનિવર્સિટીમાં નેહરુ વિશે જોરશોરથી એક  કથન પ્રચલિત કરાય છે. નેહરુના નામે ચડાવી દેવાય છે કે “હું શિક્ષણથી અંગ્રેજ છું, સંસ્કાર-સંસ્કૃતિથી મુસ્લિમ અને અકસ્માતે હિંદુ છું.” ( ‘I am English by Education, Muslim by culture, Hindu  by an accident’.) વાસ્તવમાં પંડિત નેહરુના નામે આ વાક્ય ચડાવી દેવાનું યોગદાન ડૉ.ખરેનું છે. કોંગ્રેસના અધ્યક્ષ તરીકે લાહોરમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ કરાવ્યો ત્યારે તેમણે અધ્યક્ષીય ભાષણમાં કહેલા શબ્દો આવા હત : “હું ભલે હિંદુ તરીકે જન્મ્યો હોઉં, પરંતુ મને હિંદુ તરીકે ઓળખાવવાનું કે હિંદુઓ વતી બોલવાનું  કેટલું વાજબી લેખાય એ જાણતો નથી.” ( “I was born Hindu but I don’t know how far I am justified in calling myself one, or speaking on behalf of Hindus”. - Pandit Nehru’s Presidential Address to the Lahore Session of Congress in 1929). સંયોગ તો જુઓ કે લાહોરના આ અધિવેશન વખતે ડૉ.ખરે કોંગ્રેસમાં જ હતા, પણ હિંદુ મહાસભાના નેતા તરીકે એમણે આત્મકથા “ માય પોલિટિકલ મેમોર્સ” લખતી વખતે નેહરુના નામે પેલું વિકૃત વાક્ય  ઘસડી માર્યું હતું.  

મરાઠીભાષી વિરુદ્ધ હિંદીભાષી

ડૉ.ખરેને સરદાર પટેલે મધ્ય પ્રાંતના પ્રીમિયર (મુખ્ય મંત્રી) બનાવ્યા હતા. વેળા મધ્ય પ્રાંતની રાજધાની નાગપુર હતી. હિંદીભાષી કોંગ્રેસી નેતાઓ શુક્લ અને મિશ્ર વચ્ચેના બહુચર્ચિત વિવાદને પગલે મરાઠીભાષી ડૉ.ખરેને પ્રીમિયર થવાની તક મળી પણ એમણે કાવાદાવા ચાલુ રાખ્યા એટલે ૧૪ જુલાઈ ૧૯૩૭થી ૨૯ જુલાઈ ૧૯૨૮ લગી પ્રીમિયર રહી શક્યા. એમના અનુગામી તરીકે રવિશંકર શુકલ વરાયા. જોકે કોંગ્રેસી પ્રીમિયરનો હોદ્દો ગુમાવ્યા પછી હિંદુ મહાસભામાં જોડાઈને ઝીણાની મદદથી ફરી પ્રીમિયર થવાની એમની કોશિશો નિષ્ફળ રહી. એ પછી મે ૧૯૪૩થી જુલાઈ ૧૯૪૬ દરમિયાન વાઈસરોયની કારોબારીમાં કોમનવેલ્થ રિલેશન્સના સભ્ય (પ્રધાન) રહ્યા. પછી ૧૯ એપ્રિલ ૧૯૪૭થી ફેબ્રુઆરી ૧૯૪૮ દરમિયાન અલવર સ્ટેટના દીવાન હોવાને કારણે જુલાઈ ૧૯૪૭માં બંધારણ સભામાં પણ ચૂંટાયા હતા.

અલવર તરફથી બંધારણ સભામાં

અલવરમાં તેઓ મુસ્લિમો પરના અત્યાચારો માટે અલવરના મહારાજા સર તેજસિંહ અને દીવાન ડૉ.એન. બી. ખરે વિરુદ્ધ ભારત સરકારને ઘણી ફરિયાદો મળી હતી. રિયાસતી ખાતાના સચિવ વી. પી. મેનન રજવાડાની જાણ બહાર જાત તપાસ માટે અલવરની મુલાકાતે પણ ગયા હતા. તેમને કટ્ટર હિંદુવાદી નેતા ડૉ.ખરેને દીવાનપદેથી ખસેડવાની જરૂર જણાઈ આવી હતી. વિશે તેમણે રિયાસત ખાતાના પ્રધાન સરદાર પટેલને જાણ પણ કરી હતી. સરદારે હિંદુ મહાસભા સાથે સંકળાયેલા અલવરના મહારાજા સર તેજસિંહ અને દીવાન ડૉ.ખરે બેઉને તાકીદ કરી હતી કે કોઈ પણ ભોગે રાજ્યમાં કોમી એખલાસની સ્થિતિ જાળવવામાં આવે.
જોકે ગાળામાં ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ મહાત્મા ગાંધીની હત્યા થતાં અને અલવર સાથે હત્યારા નાથુરામ ગોડસેના તાર મળતા હોવાથી મહારાજા અને દીવાન બેઉને ફરજિયાતપણે દિલ્હીમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. તપાસને અંતે બંને દોષમુક્ત જાહેર કરાયા હતા. જોકે સરદાર પટેલની વિરુદ્ધમાં ભૂતકાળમાં ખૂબ આક્ષેપબાજી કરનાર ડૉ.ખરે વિરુદ્ધ સરદારે કોઈ દુર્ભાવ રાખ્યા વિના એમને યથોચિત મદદ કરવામાં કોઈ મણા રાખી નહોતી. ૧૯૫૨થી ૫૫ દરમિયાન લોકસભાના સભ્ય રહેલા ડૉ.ખરે હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યા હતા. સરદાર ડિસેમ્બર ૧૯૫૦માં મૃત્યુ પામ્યા ત્યારે એમણે વલ્લભભાઈ પ્રત્યે અંગત ડંખ રાખીને હિંદુ મહાસભા વતી નાયબ વડા પ્રધાનને શ્રદ્ધાંજલિ આપવાનો સાદો વિવેક પણ દાખવ્યો નહોતો. 

ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧૮ મે, ૨૦૨૨)