Wednesday 27 April 2022

Uniform Civil Code : Uttarakhand Experiment

                ઉત્તરાખંડ પછી રાષ્ટ્રીય કક્ષાએ સમાન નાગરી ધારાનો ધમધમાટ

અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ

·         બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતના ચૂંટણીલક્ષી અમલ માટે અમિત શાહની ઘોષણા

·         માત્ર મુસ્લિમો જ નહીં, હિંદુઓ અને આદિવાસીઓનો વિરોધી અવાજ બુલંદ થયો

·         ગોવંશ હત્યાબંધી અને નશાબંધીના નિર્દેશને અનુકૂળતાએ અવગણવાની ફાવટ

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian (Surat) and Sardar Gurjari (Anand).

ફોજદારી ધારા સહિત કેટલીક બાબતોમાં સમગ્ર ભારતમાં નાત-જાત અને ધર્મના ભેદ વિના તમામ નાગરિકો માટે સમાન કાયદા છે, પરંતુ લગ્ન, છૂટાછેડા, વારસાઈ વગેરે બાબતોમાં “એક રાષ્ટ્ર એક સમાન દીવાની  કાયદો” અમલમાં નથી. હમણાં ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે સત્તારૂઢ ભારતીય જનતા પક્ષે જાહેર કર્યું હતું કે એ જો જીતશે તો રાજ્યમાં સમાન નાગરિક ધારો અથવા તો  સમાન દીવાની ધારો લાગુ કરશે. ૮૪ લાખ જેટલી હિંદુ અને ૧૪ લાખ જેટલી મુસ્લિમ વસ્તી ધરાવતા આ રાજ્યમાં પ્રજાએ ભલે ભાજપી મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને હરાવ્યા, પરંતુ ભાજપને ભવ્ય વિજય અપાવ્યો. ધામીને પક્ષના મોવડીમંડળે ફરીને મુખ્યમંત્રી બનાવ્યા. ઉત્તરાખંડ પછી ક્રમશઃ તમામ  ભાજપ શાસિત રાજ્યોમાં સમાન નાગરી ધારા (યુનિફોર્મ સિવિલ કોડ)ના વચનનો અમલ કરાશે, એવું કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે જાહેર કર્યું. દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયેલા શરદ અરવિંદ બોબડેએ તો ગોવામાં પોર્ટુગીઝ શાસનકાળથી સમાન નાગરી ધારો અમલી હોવાનું ઉતાવળિયું નિવેદન પણ કરી દીધું હતું. ગોવામાં પોર્ટુગીઝ સમયથી અમલી ધારો, ૧૮૬૭  અને ૧૯૬૧માં એ ભારતમાં સામેલ કરાયું એ પછી ૧૯૬૬માં અમલી કરાયેલો સુધારિત સિવિલ કોડ એ ભાજપને માટે આદર્શ ના હોઈ શકે. કારણ? આ ધારામાં હિંદુઓને બહુપત્નીત્વનો અધિકાર મળે છે. ઉપરાંત, એ હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી તમામને માટે એક સમાન ધારો નથી. સર્વોચ્ચ અદાલતના અનેક ચુકાદાઓમાં છેલ્લાં ૫૦ વર્ષમાં સમાન નાગરી ધારાના મુસદ્દાને તૈયાર કરવા અને તેના રાષ્ટ્રવ્યાપી અમલના નિર્દેશ અપાયા હોવા છતાં આજ દિન સુધી એનો મુસદ્દો તૈયાર થયો નથી.વડાપ્રધાન નરસિંહરાવના વખતમાં તો તેમની સરકારે સુપ્રીમ કોર્ટને આ બાબતમાં સાફ નન્નો ભણી દીધો હતો. હવે કેન્દ્રના ગૃહમંત્રી શાહ એનો મુસદ્દો તૈયાર કરાશે એવું જાહેર કરે છે. જોકે ગોવા કોંગ્રેસના નેતા રમાકાંત ખલપ કેન્દ્રમાં કાયદા પ્રધાન હતા ત્યારથી એ ખુલ્લેઆમ સમાન નાગરી ધારાના રાષ્ટ્રવ્યાપી અમલીકરણનું સમર્થન કરતા રહ્યા છે. બાબરી-રામજન્મભૂમિ વિવાદમાં સક્રિય રહેલા સૈયદ શહાબુદ્દીન જીવિત હતા ત્યાં લગી સમાન નાગરી ધારાના અમલની વિરુદ્ધમાં આંદોલન કરતા રહ્યા હતા.

વિરોધના ઉઠતા સૂર

હકીકતમાં બંધારણસભામાં ૨૩ નવેમ્બર, ૧૯૪૮ના રોજ ઉપાધ્યક્ષ ડૉ.એચ.સી. મુખરજી ( બંગાળના ખ્રિસ્તી)ની અધ્યક્ષતામાં આ વિષયમાં વિશદ ચર્ચા થઇ હતી. માત્ર મુસ્લિમ સમાજ જ નહીં, હિંદુ સમાજ અને આદિવાસી સમાજની નોખી પરંપરાઓને ધ્યાને લઈને સમાન નાગરી ધારાને બંધારણીય અનુચ્છેદમાં અનિવાર્ય બનાવાયો નથી. નશાબંધી (અનુચ્છેદ:૪૭) અને ગોવંશ સહિતનાં પ્રાણીઓની હત્યા પર પ્રતિબંધ (અનુચ્છેદ:૪૮) સાથે જ સમાન નાગરી ધારાના અમલને અનુચ્છેદ :૪૪ અન્વયે સામેલ કરીને એને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આમેજ  કરવાનું પસંદ કરાયું  હતું. બંધારણ ઘડાનારા માત્ર મુસ્લિમોમાં જ નહીં, હિંદુઓમાં પણ એનો  વિરોધ હતો. જોકે ફોજદારી ધારાઓની જેમ દીવાની બાબતોમાં પણ તમામ નાગરિકો માટે એક સમાન ધારો રાષ્ટ્રીય કક્ષાએ લાવવા રાજ્ય એટલે કે સરકાર પ્રયાસ કરશે, એવી જોગવાઈને આદર્શ તરીકે મૂકવામાં આવી હતી. હિંદુ સંહિતાને અમલી બનાવવા બાબત વડાપ્રધાન પંડિત નેહરુ અને તેમના કાયદા પ્રધાન ડૉ. બાબાસાહેબ આંબેડકર સંમત હોવા છતાં એ સામે બંધારણસભાના અધ્યક્ષ અને પછીથી રાષ્ટ્રપતિ  થયેલા ડૉ.રાજેન્દ્ર પ્રસાદ, નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ, પટ્ટાભિ સીતારામૈયા, એમ.એ.આયંગર, ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી  ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી વગેરે એની વિરુદ્ધમાં હતા.ડિસેમ્બર ૧૯૪૯માં હિંદુ કોડ બિલ મંજૂર કરાયું ત્યારે ૨૮ વક્તાઓમાંથી ૨૩ જણાએ એનો વિરોધ કર્યો હતો. મૂળભૂત અધિકારો અંગેની સરદાર પટેલની અધ્યક્ષતાવાળી પેટા સમિતિમાં સમાન નાગરી ધારા અંગે  ૫:૪ની બહુમતીથી નિર્ણય લેવાયો હતો. જોકે એ વેળા કોંગ્રેસના સભ્યો પણ પોતાનો ભિન્નમત રજૂ કરી શકતા હતા. અત્યારે તો બધા ય પક્ષોના સાંસદોએ જે તે પક્ષનો વ્હીપ અનુસરવો પડે છે. હિંદુ કોડ બિલ ટુકડે ટુકડે મંજૂર કરવું પડ્યું હતું. ડૉ.આંબેડકરના રાજીનામા માટે જવાબદાર કારણોમાંનું એક કારણ હતું. દોષનો ટોપલો નેહરુને શિરે જ નાંખવામાં આવ્યો હતો.

હિંદુ –મુસ્લિમ અંતર્વિરોધો

બંધારણસભાની ૨૩ નવેમ્બર, ૧૯૪૮ની ચર્ચાને ક્યારેક અધકચરી ટાંકીને ડૉ.બાબાસાહેબ સમાન નાગરી ધારાના આગ્રહી હોવાની વાત કરવામાં આવે છે. વાસ્તવમાં વર્તમાન શાસકો મુસ્લિમોને કેન્દ્રમાં રાખીને જ સમાન નાગરી ધારાને અમલી બનાવવાની વાતો જનસંઘના સમયથી કરતા આવ્યા હોવા છતાં હજુ આજ દિવસ લગી એનો મુસદ્દો પણ ઘડાયો નથી ! બંધારણ સભામાં જયારે આ મુદ્દે ચર્ચા થઇ હતી ત્યારે શરિયત કાયદાને અનુસરનારા દેશો ઈજિપ્ત અને તુર્કીમાં પણ એના અમલમાં ફેરફારો કરાયાની વાત થઇ હતી. ક.મા. મુનશીએ તો દિલ્હીમાં અલાઉદ્દીન ખિલજીએ શરિયા કે શરિયતથી નોખા કાનૂનનો અમલ કરવાનું શરૂ કર્યું ત્યારે દિલ્હીના કાજીએ એનો વિરોધ કર્યો હતો. એ વેળા ખિલજીએ પોતાના સારા ઈરાદાઓની ગવાહી આપી હતી. મુનશીએ સમાન નાગરી ધારાના અમલથી ધાર્મિક સ્વાતંત્ર્ય પર તરાપ મારવાનો કે લઘુમતીને અન્યાય કરવાનો ઈરાદો નહીં હોવાનું સ્પષ્ટ કર્યું હતું. એમણે તો એટલે સુધી જણાવ્યું હતું કે ભારતમાં હિંદુઓમાં પણ અલગ અલગ કાયદા પ્રવર્તે છે. જેમ કે કેટલાક ભાગમાં મયુખાનો કાયદો, ક્યાંક મિતાક્ષરનો કાયદો અને બંગાળમાં દયાભાગનો કાયદો અમલમાં છે. બ્રિટિશ શાસકોએ ૧૯૩૫માં વાયવ્ય પ્રાંત (બહુમતી મુસ્લિમ પ્રદેશ જે હવે પાકિસ્તાનમાં છે)માં હિંદુ કાયદાનો અમલ કર્યો હતો. ૧૯૩૭માં દેશભરમાં વારસાઈમાં હિંદુ કાયદાનો અમલ થયો હતો. એમાં ૧૯૩૯માં મુસ્લિમો માટે પરિવર્તન કરવામાં આવ્યું. ડૉ.આંબેડકર પણ ઉત્તર મલબારમાં પિતૃમૂલકને બદલે માતૃમૂલક પરંપરા હોવાનું દર્શાવે છે. અલાદી કૃષ્ણસ્વામી ઐયર પણ દક્ષિણ ભારતમાં હિંદુઓમાં પણ અલગ અલગ કાયદા અને પરંપરાઓનો પોતાના ભાષણમાં ઉલ્લેખ કરે છે. મોહમ્મદ ઈસ્માઈલ, બી. પોકાર સાહેબ વગેરેએ એ ચર્ચામાં ભાગ લીધો હતો.

ઇશાન ભારત અને આદિવાસી

અત્યારે સરકાર નાગરિકતા અંગેના કાયદાકીય ફેરફારો કરવાનું કામ હાથ  ધરે કે પછી અન્ય કાયદા ઘડે; મહદઅંશે પક્ષના કહ્યાગરા સભ્યોના ટેકાથી સઘળી ઘટમાળ ચાલે છે. જોકે આસામ અને બંગાળમાં નાગરિકતાના મુદ્દે ભારે અજંપો છે. હવે સમાન નાગરી ધારાને વિધાનસભામાં મંજૂર કરાવી લેવામાં આવે તો પણ એનો અમલ એટલો સરળ હશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. જમ્મૂ-કાશ્મીરમાં ૫ ઓગસ્ટ, ૨૦૧૯ પહેલાંના કાયદા મુજબ મુસ્લિમોમાં લગ્નની નોંધણી ફરજિયાત હતી,પરંતુ બંગાળ, બિહાર આસામ અને ઓડિશામાં એ ફરજિયાત નથી. ઇશાન ભારતમાં ૨૦૦ જનજાતિઓના રીતરિવાજો નોખા છે.નાગાલેન્ડમાં આવા રિવાજોને બંધારણનું સુરક્ષા કવચ પ્રાપ્ત છે.આવું જ મેઘાલય અને મિઝોરમના રીવાજો વિશે છે.સંહિતાકરણ પછી પણ હિંદુ કાયદો આવા સામજિક રિવાજોને સુરક્ષિત રાખે છે. આદિવાસીઓની સંસ્કૃતિ રક્ષા માટે કામ કરતી કેટલીક સ્વયંસેવી સંસ્થાઓએ તો સુપ્રીમ કોર્ટમાં ધા નાંખી છે. રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદે ૧૧ કરોડ આદિવાસીઓના રીતરિવાજ અને પરંપરાને જાળવવા માટે સુપ્રીમ કોર્ટમાં જવાનું પસંદ કર્યું છે. સમાન નાગરી ધારાના અમલથી આદિવાસી લગ્ન પરંપરા, ધાર્મિક આસ્થા, અંતિમ સંસ્કારની પદ્ધતિ વગેરે અવરોધાશે તો એ સામે આવાં આદિવાસી  સંગઠન આંદોલાત્મક માર્ગ પણ અપનાવી શકે છે. મુસ્લિમ સમાજના  ટ્રિપલ તલાક અને બહુપત્નીત્વનો રિવાજ જેવા જ રિવાજ આદિવાસી સમાજમાં છે. નાગ, ગૌંડ, બૈગા,લુસાઈ જનજાતિમાં બહુપત્નીત્વ પ્રથા અમલી છે. કાશ્મીરથી આસામ સુધીના પ્રદેશમાં આદિવાસીઓમાં બહુપત્નીત્વ પ્રથા છે. તેમાં છૂટાછેડા બહુ સરળતાથી મળે છે. એકથી વધુ લગ્ન કરી શકનાર આદિવાસીને હિંદુ લગ્ન ધારો, ૧૯૫૫ લાગુ થતો નથી. આવા બીજા સમાજો પણ ભારતમાં છે. એટલે કેન્દ્ર સરકાર ભલે સમાન નાગરી ધારાને આદર્શ સમજીને રાષ્ટ્રીયસ્તરે લાગુ કરવા માટે પ્રયત્ન કરે, પરંતુ એનો અમલ એટલો સરળ રહેવાનો નથી.જોકે અત્યારે પણ ફોજદારી કાયદાઓની જેમ જ  કેટલાક નાગરી કાયદાઓ સમાન રીતે જ તમામ નાગરિકોને લાગુ પડે છે, જેમ કે ઇન્ડિયન કોન્ટ્રેક્ટ એક્ટ, સિવિલ પ્રોસિજર કોડ, સેલ્સ ઓફ ગુડ્સ એક્ટ, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ, પાર્ટનરશિપ એક્ટ,એવિડન્સ એક્ટ વગેરે. સમાન નાગરી ધારાને લગતી કાયદાકીય જોગવાઈઓ કેન્દ્ર અને રાજ્ય બંને કરી શકે. એ કન્કરન્ટ લિસ્ટમાં છે. આમ છતાં, આ સંદર્ભે અનુચિત ઉતાવળ યોગ્ય નથી. દેશના કાયદા પંચે ૨૦૧૮માં એટલે કે મોદી નિયુક્ત કાયદા પંચે જ એવો અહેવાલ આપ્યો છે કે સમાન નાગરી ધારાનો અમલ શક્ય (ફીજીબલ) કે ઇચ્છનીય  (ડિઝાયરેબલ) નથી. જોકે સરકારનાં વચનના પાલનનો ઉત્તરાખંડનો અનુભવ મેળવ્યા પછી એ દિશામાં રાષ્ટ્રીયસ્તરે કાર્યવાહી કરવી યોગ્ય લેખાશે.

ઈ-મેઈલ: haridesai@gmail.com   (લખ્યા તારીખ: ૨૫ એપ્રિલ, ૨૦૨૨)

No comments:

Post a Comment