ગુજરાતમાં
રાજકીય આસમાની સુલતાની
કારણ-રાજકારણ :
ડૉ.હરિ દેસાઈ
·
વિધાનસભાની ચૂંટણી પૂર્વેના દાવપેચ
·
નરેશ પટેલ-પ્રશાંત કિશોર ભણી મીટ
·
ગઢ સાચવવા અને છીનવવાના ખેલ
Dr.Hari
Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement
“UTSAV”. 24 April, 2022.
ગુજરાત
વિધાનસભાની ડિસેમ્બર, ૨૦૨૨ની ચૂંટણી માટેનો માહોલ અત્યારથી સર્જાઈ ચૂક્યો છે.
જરૂરી નથી કે ચૂંટણી નિર્ધારિત સમયે જ આવે. રાજકીય ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત બનેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલ ઊઠીને શું કરશે એ કહેવું મુશ્કેલ છે. આમ પણ, એમનો
પક્ષ કાયમ ચૂંટણીના જ મૂડ અને માહોલમાં સક્રિય હોય છે. વિજયશ્રી એમના પક્ષને વરે
છે એનું કારણ પણ એ જ છે. ભાજપ અને સમગ્રપણે સંઘ પરિવાર કામે વળે છે. સામે પક્ષે
વિપક્ષો વેરવિખેર હોય ત્યારે ભાજપ સામે જીતવાની શક્યતા ના રહે એ સ્વાભાવિક છે.
જોકે ગુજરાતમાં જયારે પણ વિધાનસભાની ચૂંટણી આવે, આ વખતનું ચિત્ર નોખું હશે, ભલે
હાર-જીત ગમે તેની થાય. ભાજપ સામે મોરચો માંડવા માટે કોંગ્રેસ અને મિત્રપક્ષોએ કમર
કસી છે. ગુજરાતના રાજકારણમાં અત્યારથી નવાજૂની જોવા મળે છે. ભાજપના સર્વોચ્ચ નેતા
મોદીને હલકાં વિશેષણોથી નવાજાનારા રાજકીય વિરોધીઓને ભાજપમાં સામેલ કરાયા છે એટલું
જ નહીં, એમને મંત્રીપદાં આપવામાં આવ્યાં છે. ભાજપના માર્ગદર્શક મંડળમાં સામેલ
પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ આડવાણી તો કહેતા રહ્યા છે કે
ભાજપનું કોંગ્રેસીકરણ થવા માંડ્યું છે એ હકીકત હવે ઉડીને આંખે વળગે તેવી ઝગારા
મારે છે. ગત ડિસેમ્બર ૨૦૧૭ની ચૂંટણીમાં એ વેળાના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને
વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તો વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકોમાંથી ૧૫૦ પ્લસ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.
મળી માત્ર ૯૯. એટલે કે બહુમતીથી માત્ર ૭ બેઠક જ વધુ. આ વખતે તેજતર્રાર પ્રદેશ અધ્યક્ષ
સી.આર.પાટીલે તો ૧૮૨માંથી ૧૮૨ બેઠકો જીતવાનો સંકલ્પ જાહેર કર્યો છે. એને સાકાર
કરવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓને પક્ષમાં લેવા તથા
અન્ય પક્ષમાં રહીને પણ ભાજપને મદદરૂપ થાય એવી કવાયતો શરૂ થઇ ગઈ છે.
નરેશ પટેલને
સર્વપક્ષી આવકાર
ગુજરાતની પ્રજા
અને મીડિયા સંયમી છે. ખોડલધામવાળા નરેશ પટેલ જેવી પ્રભાવી વ્યક્તિ કોંગ્રેસના
ધારાસભ્યો અને નેતાઓ સમક્ષ પોતે
કોંગ્રેસમાં આવવા ઈચ્છુક હોવાની વાત કરે અને ગુજરાતભરનો પ્રવાસ કરીને
લોકોની નાડ તપાસતો હોય ત્યારે પણ એ ભાજપમાં કે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યાના
સમાચારો વહેતા થાય એ પણ કોઈના વ્યૂહનો જ ભાગ હશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલ પણ
નરેશભાઈને ભાજપનાં શુભેચ્છક ગણાવ્યા અને એ ભાજપમાં જ જોડાશે એવો વિશ્વાસ વ્યક્ત
કર્યો. એમના જ પક્ષના નેતાઓ ઢોલ પીટવા માંડ્યા કે નરેશ પટેલ કોંગ્રેસમાં જાય તો
તેમના હાલ પણ કેશુભાઈ પટેલ કે શંકરસિંહ વાઘેલા કે પછી ગોરધન ઝડફિયા જેવા જ થાય. આમ
આદમી પાર્ટી અને કોંગ્રેસ બેઉના નેતાઓ પણ નરેશ પટેલ માટે લાલ ઝાઝમ પાથરી રહ્યા છે.
હવે લગભગ એ વાત નક્કી થઇ ચૂકી છે કે નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની જોડી ગુજરાતમાં
કોંગ્રેસ સહિતના વિપક્ષી મોરચાને સાથે લઈને વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે
ટકરાશે.મુખ્યમંત્રીપદનો ચહેરો નરેશ પટેલ બને અને પ્રશાંત કિશોર જેવા નરેન્દ્ર
મોદીથી લઈને દેશના લગભગ તમામ મુખ્યમંત્રીના ચૂંટણી વ્યૂહકાર રહ્યા છે તે ગુજરાતમાં
ભાજપને પછડાટ આપવા સંકલ્પબદ્ધ છે. ચૂંટણીમાં ઉતરતા તમામ સ્પર્ધકો વિજયશ્રી જ
વરવાના ખ્યાલ સાથે જંગમાં ઝૂકાવે છે. પરિણામ તો પ્રજાએ આપવાનું છે. આ વખતની
ચૂંટણીમાં શું થશે એ કહેવું મુશ્કેલ છે. ત્રણેક દાયકાથી કોંગ્રેસ સત્તાથી વિમુખ છે
અને એક આખી પેઢીએ કોંગ્રેસનું રાજ ગુજરાતમાં તો નિહાળ્યું જ નથી. ભાજપ કને સત્તા
ટકાવવા જ નહીં, આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાત જીતવાનું અનિવાર્ય છે, જે રીતે
ઉત્તરપ્રદેશ જીતવાનું અનિવાર્ય હતું, જોકે ઉત્તર પ્રદેશ જીત્યા પછી પણ કેન્દ્રમાં
જીત મળે જ એવું માની લેવાને પણ ઇતિહાસનો ઘટનાક્રમ ના પડે છે. વર્ષ ૨૦૧૨ની
વિધાનસભાની ચૂંટણીમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીની સરકારને પરાજિત કરીને અખિલેશ
યાદવની સમાજવાદી પાર્ટીએ લખનઉમાં ભારે બહુમતી સાથે સરકાર બનાવી હતી. આમ છતાં, વર્ષ
૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાંથી જ સૌથી વધુ બેઠકો મેળવનાર નરેન્દ્ર
મોદીના ભારતીય જનતા પક્ષના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર રચાઈ હતી. જોકે રાજકારણમાં
ગમે ત્યારે ગમે તે થઇ શકે છે. ૨૦૧૪માં માત્ર ૩૧ % મત મેળવનાર ભાજપ કેન્દ્રમાં
સરકાર બનાવી શકે છે કારણ કે તમામ વિપક્ષો
વેરવિખેર હતા. ફરીને ૨૦૧૯માં ભાજપના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર બની હતી.
મહારથીઓ ય પરાજિત થાય
મુખ્ય મંત્રીઓ
પરાજિત થવાની પરંપરા પણ મુંબઈ રાજ્ય સહિત ગુજરાતમાં રહી જ છે.ભૂતકાળમાં મુંબઈ
રાજ્યના ગૃહ મંત્રી અને મુખ્ય મંત્રી રહેલા મોરારજી દેસાઈ અને ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીઓ ચીમનભાઈ પટેલ
અને દિલીપ પરીખ સાવ નવલોહિયાઓના હાથે હાર્યા હતા. મોરારજી તો ડૉ.અમૂલ દેસાઈ સામે અને ઉદ્યોગપતિ દિલીપ પરીખ સાવ છોકરડા ભરત પંડ્યાના હાથે હાર્યા હતા.. મોરારજીને
વતન પ્રદેશ વલસાડમાંથી સમાજવાદી યુવાન ડૉ.અમૂલ દેસાઈએ હરાવ્યા પછી એમને
સ્મશાનવૈરાગ્ય આવ્યો. જોકે એ પછી એ ગૃહ મંત્રીમાંથી મુખ્ય મંત્રી
બન્યા એટલું જ નહીં,એમને હરાવનાર
ડૉ.અમૂલ પાછા ચીમનભાઈની કોંગ્રેસ સરકારમાં નાણાં મંત્રી પણ બની શક્યા હતા ! પ્રખર
ગાંધીવાદી એવા મોરારજીભાઈ નેહરુ સરકારમાં મંત્રી હતા અને વડા પ્રધાન થવા ઉત્સુક
રહ્યા,પણ પહેલીવાર
નેહરુના નિષ્ઠાવંત લાલબહાદૂર શાસ્ત્રી અને બીજી વાર નેહરુ-પુત્રી ઇન્દિરા ગાંધીએ
એમની એ મહત્વાકાંક્ષામાં ફાચર મારી હતી. શાસ્ત્રી સામે તો એ ચૂંટણી ના લડ્યા, પણ ઇન્દિરા ગાંધી સામે વડાપ્રધાન પદ માટે ચૂંટણી
લડ્યા અને હાર્યા હતા. જોકે એ ઇન્દિરા ગાંધીની સરકારમાં નાયબ વડા પ્રધાન નિયુક્ત
થયા. ઇન્દિરા સરકાર અને કોંગ્રેસમાંથી મતભેદને
કારણે છૂટા થયેલા મોરારજીભાઈ છેક
૧૯૭૭માં જનતા પાર્ટીની સરકારના વડા પ્રધાન બની શક્યા હતા. .ચીમનભાઈ ધારાસભામાં હાર્યા પછી પણ પોતાના
રાજકીય શત્રુઓને સત્તામાં બેસાડવાનું નિમિત્ત બનવા ઉપરાંત ફરીને ૧૯૯૦માં મુખ્ય મંત્રી બન્યા એટલું જ નહીં એ મુખ્ય
મંત્રીના હોદ્દે જ મૃત્યુને ભેટવા જેટલા ભાગ્યશાળી પણ હતા.કેન્દ્રમાંથી સાંસદ
તરીકે રાજીનામું અપાવીને વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે
પાઠવાયેલા ઘનશ્યામભાઈ ઓઝા પણ વિધાનસભાની ચૂંટણી ચુનીભાઈ ચુડગર સામે હારી ગયા હતા.
જૂનાગઢ અપાવનાર
હાર્યા
જૂનાગઢ રાજ્યને
૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ પાકિસ્તાન સાથે જોડવાના નવાબ મહાબતખાન ત્રીજાના
નિર્ણય સામે વિરોધ કરીને જૂનાગઢની પ્રજા થકી મુક્તિ ચળવળ માટે આરઝી હકૂમત
સ્થપાયેલી. એને બંધારણીય સ્વરૂપ આપવા માટે જે પ્રધાનમંડળ રચાયું એના વડા પ્રધાન
હતા શામળદાસ ગાંધી.એ મૂળ કુતિયાણાના બારખલીદાર અને ગાંધીજીના ભત્રીજા. મુંબઈના
“વંદે માતરમ્” અખબારના તંત્રી પણ ખરા. જૂનાગઢને ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ ભારતમાં પરત જોડવામાં
આરઝી હકૂમતના યોગદાનને બિરદાવવું પડે. ૧ જૂન
૧૯૪૮થી જૂનાગઢના વહીવટદાર શિવેશ્વરકરને મદદ કરવા માટે ત્રણ સભ્યોની જે કાઉન્સિલ, વહીવટદારના પ્રમુખપદે, રચાઈ એમાં શામળદાસ ગૃહ, વાણિજ્ય અને ઉદ્યોગ,નાણાં,અનાજ અને
નાગરિક પુરવઠા ખાતાના પ્રધાન હતા.જૂનાગઢ રાજ્યને સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્ય સાથે
જોડવામાં આવ્યું ત્યારે શામળદાસ ગાંધીને મુખ્ય મંત્રી ઉછરંગરાય ઢેબરના
પ્રધાનમંડળમાં મહેસૂલ પ્રધાન બનાવાયા.જોકે એકજ વર્ષમાં મુખ્ય મંત્રી સાથે મતભેદને
કારણે ગાંધીએ ૧૯ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ રાજીનામું આપ્યું.બે વર્ષ પછી ૧૯૫૨ની
ધારાસભાની ચૂંટણી યોજાઈ ત્યારે શામળદાસે કોંગ્રેસના ઉમેદવારો સામે એક બેઠક પરથી
નહીં,પણ પોરબંદર અને
જૂનાગઢ એમ બબ્બે બેઠક પર
ઉમેદવારી કરી.પોતે તો જીતવાના જ છે એવા વહેમમાં રહીને પોતાનો પ્રચાર કરવાને બદલે
તેઓ ઉપલેટામાં ઢેબરને હરાવવા મચી પડ્યા.પરિણામ આવ્યું ત્યારે મુખ્યમંત્રી ઢેબર તો
જીત્યા,પણ જૂનાગઢ
રાજ્ય ભારતને અપાવનાર ગાંધી બંને બેઠકો પર ભૂંડા હાલે હાર્યા હતા !
કોણ ક્યારે કયા
પક્ષમાં
હરિયાણાના
ભજનલાલ અને ગોવાના પ્રતાપસિંહ રાણે સાગમટે આખીને આખી સરકારના પક્ષપલટા કરાવવા માટે
જાણીતા બન્યા છે. પક્ષાંતર વિરોધી ધારો
કેવો દયનીય અવસ્થામાં મૂકાય છે એ કોંગ્રેસની સરકારો ધરાવતાં રાજ્યોમાં સાગમટે કોંગ્રેસી ધારાસભ્યોનાં રાજીનામાં અને
ભાજપની સરકારમાં મંત્રી બની ફરીને ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાવાની નવી મોડેસ
ઓપરેન્ડીએ બતાવી દીધું છે. નીતિમૂલ્યો અને આદર્શો હવે કાયદાકીય સંહિતાઓમાં જ સીમિત
થઇ ગયાનું અનુભવાય છે. ગુજરાતમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રના વર્તમાન ગૃહમંત્રી અમિત શાહને સીધો પડકાર ફેંકનાર
પાટીદાર આંદોલનનો નેતા હાર્દિક પટેલ આજકાલ ગુજરાત
કોંગ્રેસનો કાર્યાધ્યક્ષ હોવા છતાં જાહેરમાં કોંગ્રેસની નેતાગીરીની ટીકા
કરે અને ભાજપમાં જવાના વિકલ્પને ખુલ્લો ગણાવે તથા કાલ ઊઠીને ભાજપમાં જોડાઈ પણ
શકે.ક્યારે કયા પક્ષમાં શું થઇ શકે એ કહેવાનું મુશ્કેલ છે. નબળી ગાયને બગાઈઓ ઝાઝી
એવી કહેવત આપણે ત્યાં છે. કોંગ્રેસને પડતામાં પાટું મારાનારાઓના ભાજપગમન પછી નરેશ
પટેલ-પ્રશાંત કિશોર તેમ જ ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ જગદીશ ઠાકોર આ પ્રવાહને કોંગ્રેસ તરફ વાળી પણ શકે. રાજકારણ
અનિશ્ચિતતાઓ અને શક્યતાઓથી ભરેલું ક્ષેત્ર છે. ગમે ત્યારે ગમે તે થઇ શકે છે.
ચક્રવત પરિવર્તન્તેની ઘટમાળ ચાલતી રહે છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી દેશ
માટે ખૂબ જ નિર્ણાયક બની રહે એ તો નિશ્ચિત
છે.
તિખારો
હિંદ માતાને સંબોધન
ઓ હિંદ
! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
કરીએ
મળીને વંદન ! સ્વીકારજો અમારાં !
હિંદુ
અને મુસલમિન : વિશ્વાસી, પારસી, જિન:
દેવી !
સમાન રીતે સંતાન સૌ તમારાં !
પોષો
તમે સહુને શુભ ખાનપાન બક્ષી:
સેવા
કરે બને તે સંતાન સૌ તમારાં !
રોગી
અને નિરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની
અને નિરક્ષર; સંતાન સૌ તમારાં !
વાલ્મીકિ,
વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી !
અકબર,
શિવાજી, માતા ! સંતાન સૌ તમારાં !
ચાહો
બધાં પરસ્પર, સાહો બધાં પરસ્પર:
એ
પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં !
-કવિ કાન્ત (મણિશંકર રત્નજી ભટ્ટ)
ઈ-મેઈલ: haridesai@gmail.com
(લખ્યા તારીખ: ૨૩ એપ્રિલ, ૨૦૨૨)
No comments:
Post a Comment