Wednesday 5 January 2022

Now Naresh Patel of Khodal Dham in Politics

 ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે નરેશ પટેલની સિંહસવારી

અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ

·         ખોડલધામના પાટોત્સવ પૂર્વે રાજકીય માહોલમાં આવેલા ગરમાટાથી સત્તાધારી પક્ષ ચિંતિત

·         રાજકીય નેતાઓને દૂર રાખીને માત્ર વિવિધ સમાજના મોભીઓને  તેડાવાવાની સ્પષ્ટ ભૂમિકા

·         ૧૮૨માંથી ૧૮૨ બેઠકો મેળવવાની ભાજપની મહેચ્છા સામે સત્તા રહેશે કે કેમ એની કશ્મકશ શરૂ

Dr.Hari Desai writes weekly column for Gujarat Guardian (Surat) and Sardar Gurjari (Anand).

વાત સૌરાષ્ટ્રના સ્વમાનની છે. કયા વાંકગુને સત્તારૂઢ ભારતીય જનતા પક્ષે કેશુભાઈ પટેલ અને પછી વિજય રુપાણીને મુખ્યમંત્રીની ગાદીએથી ઉઠાડી મૂક્યા હતા એ પ્રશ્ન ફરીને સૌરાષ્ટ્રની જનતાને થઇ રહ્યો છે. કાગવડના વિશ્વવિખ્યાત ખોડલધામના આગામી ૨૧ જાન્યુઆરીએ યોજાનારા પાટોત્સવમાં સૌરાષ્ટ્રના સ્વાભિમાનને જગાવીને લેઉવા પાટીદાર સમાજના જ નહીં પણ ૧૪ કુળદેવીઓમાં આસ્થા ધરાવનારા તમામને સંગઠિત કરીને રાજ્યમાં રાજકીય આસમાનીસુલતાની  સર્જાવાની તૈયારી થઇ ચૂકી છે. અત્યાર લગી ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના નેતાઓને નર્તન કરાવતા જણાતા  ખોડલધામના પ્રણેતા એવા ઉદ્યોગપતિ નરેશ પટેલ સક્રિય રાજકારણમાં આવવા વિશે શંકા હતી. જોકે હવે આગામી ડિસેમ્બર મહિનામાં આવતી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના તારણહાર અને મુખ્યમંત્રીપદના ઉમેદવાર બને એવા સઘળા સંકેત મળી રહ્યા છે. એમને કોંગ્રેસમાં જતાં વારવા માટેના પ્રયાસો સત્તારૂઢ પક્ષ થકી થઇ રહ્યા હોવા છતાં નરેશભાઈએ વાઘ કે સિંહની સવારી કરી લીધી હોવાનું સ્પષ્ટ થાય છે. ક્યારેક મુખ્યમંત્રી તરીકે  કેશુભાઈ પટેલના ખાસંખાસ મનાતા હતા એ સુરતના હીરાવાળા જીવરાજ ધારુકાવાળા ભાજપના નવા પ્રદેશપ્રમુખ સી,આર.પાટીલને ખોડલધામમાં રજતતુલા માટે તેડી આવીને પટેલ સમાજ તો ભાજપ સાથે જ હોવાનો સંકેત આપવાની કોશિશ કરતા હતા. અગાઉ પ્રદેશ ભાજપના પ્રમુખ રહેલા હવેના  શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પણ રજતતુલાથી લાભાન્વિત થયા છે. હવે ખોડલધામમાં કયા કોંગ્રેસી નેતાની રજતતુલા થાય એની ઘણાને પ્રતીક્ષા છે. સહકારી સંસ્થાઓ જ નહીં, ધાર્મિક સ્થાનકો પણ ભાજપ હસ્તક લેવાના પ્રયાસોમાં સત્તારૂઢ પક્ષ સફળ થતો જણાય છે ત્યાં ખોડલધામના પ્રણેતા  નરેશ પટેલ કોંગ્રેસ ભણી ગતિ કરીને ભાજપ માટે પોતીકા રાજ્યમાં પડકાર બનવા થનગનતા લાગે  છે. દિલ્હીમાં મોવડીમંડળ સહિતના કોંગ્રેસના નેતાઓ જ નહીં, સમગ્ર ગુજરાતમાંના કોંગ્રેસીઓ પણ નરેશભાઈને મુખ્યમંત્રીપદે નિહાળવા આતુર છે. એકાદ-બે વંકાયેલા કોંગ્રેસી યુવા નેતા સત્તારૂઢ પક્ષ સાથે સેટિંગમાં રહીને પક્ષને નુકસાન કરવાની વેતરણમાં રહી શકે. કોંગ્રેસમાંથી ભાજપે ગયેલા એકાદ-બેને  સત્તારૂઢ પક્ષની નેતાગીરી આગળ કરવાની કોશિશ કરે. આમ છતાં, મિશન નરેશ પટેલ હવે પરોઠનાં પગલાં ભરે તેમ લાગતું નથી.

સી.આર.ની સૌરાષ્ટ્રમુલાકાતો

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે  નિયુક્તિની સાથે જ રાજકોટ સવારી કરી હતી. મુખ્યમંત્રી વિજય રુપાણીને ઘેર બેસાડ્યા પછી પણ  હજુ એ જ દિશા પકડી રાખી છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ સાથે સેટિંગ-ગોઠવણ અને વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકોમાંથી  તમામ બેઠકો જીતવાની અને મુખ્યમંત્રી થવાની મહેચ્છા નવસારીના આ સાંસદ ધરાવતા હોઈ શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એમને સમર્થન હોય તો પણ કોંગ્રેસી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકોનો વિક્રમ તોડવાનું એમના માટે ઝાઝું શક્ય જણાતું નથી. ક્યારેક સુરત મહાપાલિકાની ૯૯ બેઠકોમાંથી ૯૮ બેઠકો ભાજપ જીત્યો હતો. જીતેલા એક અપક્ષ પણ ભાજપના બળવાખોર હતા. વિધાનસભા એ કંઈ સુરત મહાનગરપાલિકા કે ગાંધીનગર મહાનગરપાલિકા નથી. બધે બ્લેકમેઈલિંગ અને દરોડાસત્રના ખેલ સફળ થતા નથી એ પશ્ચિમ બંગાળ, તમિળનાડુ અને કેરળમાં આવા પ્રયાસો છતાં  ભાજપની જે નાલેશી થઇ એ સૌની સામે છે. હવે ઉત્તર પ્રદેશ સહિતનાં પાંચ રાજ્યો જીતવાનો પડકાર ઊભો જ છે. વર્ષ ૨૦૨૪માં કેન્દ્રમાં ફરીને ભાજપના નેતૃત્વવાળી સરકાર બનવાનું શક્ય છે કે વિપક્ષી મોરચો એ સ્વપ્નને સાકાર નહીં થવા દે, એ બાબત પણ અત્યારથી પ્રજામાં ચર્ચાઈ રહી છે. હમણાં ફરીને ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ ઓચિંતા ખોડલધામની મુલાકાતે પહોંચ્યા. એમણે પોતે જ ટ્વીટ કરીને મા ખોડલનાં દર્શને ગયાની વાત જનતાને જણાવી. પાટીલ-પટેલની મુલાકાત પણ થઇ. પાટોત્સવની તૈયારી ચાલી રહ્યાનું પણ જોયું. રાજનેતાઓને આ પ્રસંગે મંચ નહીં આપવાના સંકલ્પ છતાં વડાપ્રધાન મોદીને પાટોત્સવમાં તેડાવાય એવી અપેક્ષા ભાજપી નેતાઓમાં રહેવી સ્વાભાવિક છે. કોંગ્રેસના મોવડીમંડળ સાથે પોતાની રાજકીય સફર અંગેના આયોજનને પાકું કરી ચૂકેલા નરેશ પટેલ ભાજપને માટે પાટોત્સવનો પ્રસંગ ઉપલબ્ધ કરાવે એવી શક્યતા નથી. ૨૧ લાખ શ્રદ્ધાળુ પાટોત્સવમાં આવે અને કોરોનાની માર્ગદર્શિકા મુજબ સામાજિક અંતર રાખીને આયોજન થાય એ માટે આજુબાજુનાં ખેતરો પણ આ ભવ્યાતિભવ્ય આયોજન માટે અપાયાં છે. ૧૫-૧૭ હેલિપેડ તૈયાર કરાયાં છે. જોકે વડાપ્રધાન મોદીને નિમંત્રણ અપાય તો બધી સુવિધાને મંજૂર કરાય અથવા અવરોધો સર્જવાના પ્રયાસો થાય. આયોજકો ઢીલું છોડવાના મૂડમાં નથી. ભૂમિપૂજન વખતના એમના દાતાઓના અપમાનનો કટુ અનુભવ હજુ યાદ કરાવે છે. ભાજપ હજુ સી.આર. પાટીલ પછી કોંગ્રેસમાંથી  ભાજપમાં જઈને કેબિનેટ મંત્રી બની ઘેર બેસાડાયેલા જયેશ રાદડિયાને આગળ કરે એવું પણ લાગે છે. માના ધામમાં રાજકીય વિવાદ થાય તો એના વૈશ્વિક પ્રત્યાઘાતો પડે એટલે સત્તારૂઢ પક્ષ અને સરકાર ખાનગી ખૂણે મામલાને પોતાના ઓળમાં લાવવાની કોશિશ કરે એવી ગણતરી ખરી. આમ છતાં, નરેશ પટેલ હવે રાજકીય દ્રષ્ટિએ એટલા આગળ  વધી ગયા છે કે પારોઠનાં પગલાં ભરે તો પોતાની સઘળી વગ ગુમાવી બેસે. એમણે  ભાજપના ઈશારે નર્તન કરવું પડે એવી  સ્થિતિમાં આવે. એ સંજોગો કોંગ્રેસના મોવડીમંડળ ઉપરાંત જયપુર અને મુંબઈની મુલાકાતો પછી આવે એવું અત્યારે લાગતું નથી.

ધીરગંભીર નેતાની છબી

ખોડલધામના પ્રણેતા હોવા ઉપરાંત દુનિયાના ૨૨ દેશોમાં પટેલ બ્રાસના મોનોપોલી  ધંધાને કારણે નરેશ પટેલને  સતાવવાનું કેન્દ્ર કે રાજ્ય સરકાર માટે શક્ય જણાતું નથી. અમેરિકી અંતરીક્ષ સંસ્થા નાસા સહિતના ગ્રાહકો ધરાવનાર પટેલ માત્ર પટેલોમાં જ નહીં, બ્રાહ્મણો, જૈનો અને ક્ષત્રિય, આદિવાસી તથા કોળી સહિતના  સમાજોમાં પણ સારા માનપાન ધરાવે છે. એમનાં પત્ની બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. નરેશભાઈ બેફામ નિવેદનો કરવાથી કાયમ દૂર રહ્યા છે. સ્વભાવે  ગંભીર પ્રકૃતિના હોવા ઉપરાંત સર્વમિત્ર છે. કોંગ્રેસમાં એમની એન્ટ્રી થતાંની સાથે ભાજપમાંથી પણ ઘણા નેતાઓ એમની સાથે જોડાવા સજ્જ રહેવાના. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાથેના એમના સંબંધ પણ મધુર રહ્યા છે. ઉદ્યોગપતિઓ અને મુંબઈ-સુરતના હીરાવાળાઓ સાથે નરેશભાઈને ઘરોબો છે.  કોંગ્રેસે તો કશું ગુમાવવાનું નથી, મેળવવાનું જ છે છતાં યુવાનેતા પરેશ ધાનાણી અને હાર્દિક પટેલને પોતાનો ગરાસ લૂંટાઈ જતો હોવાની અનુભૂતિ થવી સ્વાભાવિક છે. જોકે કોંગ્રેસના મોવડીમંડળની સાથે નરેશ પટેલની જે સમજૂતી થઇ છે. એ પછી ચાર્ટર પ્લેન જયપુર અને દિલ્હીથી મુંબઈ ઉતરાણ કરે અને સમજૂતીને નક્કર આકાર અપાયો છે. ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તો જાહેરમાં નરેશભાઈને કોંગ્રેસમાં આવકારે એ સ્વાભાવિક છે. વિધાનસભાની ચૂંટણીમાં વિજય મળે તો યશ ખાટવાનો વખત તો  ઠાકોર માટે જ આવે. ફરી એકવાર કોંગ્રેસનો  પરાજય થાય તો હારનું ઠીકરું નરેશભાઈના શિરે ફૂટે અને નાણાં પણ એમનાં જ જાય. કોંગ્રેસે  તો બંને સંજોગોમાં વિન-વિન સ્થિતિ જ અનુભવવાની છે. ગુજરાતમાં ત્રણેક દાયકામાં કોંગ્રેસે સત્તા નિહાળી નથી. નરેશ પટેલ સત્તા અપાવી શકે તો એનાથી રૂડું શું? કોંગ્રેસના જે નેતાઓ નરેશભાઈના આવવાથી વિલાપ કરવાની સ્થિતિ અનુભવતા હોય તેઓને પણ ક્યાંક ને ક્યાંક ઠેકાણે પાડવાનું શક્ય બનવાનું. ડિસેમ્બર ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રભારી અશોક ગહલોત અને રાજ્યના કોંગ્રેસી નેતાઓ તથા રાહુલ ગાંધીનું નેતૃત્વ હતું.  ભાજપના ચાણક્ય અમિત શાહના ૧૫૧ના દાવા છતાં ભાજપને  ૧૦૦ની નીચે લાવવામાં કોંગ્રેસીઓ  સફળ રહ્યા હતા. વડાપ્રધાન મોદી અને શાહ ગુજરાતમાં ધામા નાંખીને જીત અંકે કરવા મેદાને પડ્યા છતાં  ૯૯ વિરુદ્ધ ૭૭ બેઠકો સુધીનું ચિત્ર ઉપસ્યું હતું. પહોંચી. હવે કોંગ્રેસ આગામી ચૂંટણીમાં નરેશ પટેલના નેતૃત્વમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને એમના પ્રતિનિધિ-પ્રભારી ડૉ.રઘુ શર્મા તેમજ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના સહિયારા પ્રયાસોથી ૨૦ જેટલી વધુ બેઠકો મેળવે તો પણ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં ભૂપેન્દ્ર પટેલની સરકારને સ્થાને નરેશ પટેલની સરકાર જોવા મળે. આજે આ વાત કદાચ વિશફુલ થિન્કિંગ જેવી લગે, પણ અત્યારે ઉત્તર પ્રદેશમાં સત્તા ટકાવવા જે રીતે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શાહ સરકારી હિસાબે ને જોખમે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે એ જોતાં ગુજરાતમાં સત્તા ટકાવવાનું એમના માટે તલવારની ધાર પર ચાલવા જેવું જરૂર બનવાનું. અત્રે એ યાદ રહે કે તમામ રાજકીય પક્ષોમાં અમીચંદો અને મિરઝાફરો તો રહેવાના જ. જંગના મેદાનમાં ઉતરે એને એનો અણસાર હોય જ.

ઈ-મેઈલ: haridesai@gmail.com          (લખ્યા તારીખ: ૩ જાન્યુઆરી, ૨૦૨૨)

No comments:

Post a Comment