Sunday 9 January 2022

Tipu Sultan : Hero or Villain?

 નાયક-ખલનાયક વચ્ચે ઝોલા ખાતો ભારતીય આસ્થાપુરુષ ટીપુ સુલતાન

ઈતિહાસ ગવાહ હૈ: ડૉ.હરિ દેસાઈ. દિવ્યભાસ્કર ડિજિટલ.રંગત-સંગત પૂર્તિ. ૯ જાન્યુઆરી,૨૦૨૨. વેબ લિંક: https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/tipu-sultan-an-indian-believer-who-eats-zola-between-heroes-and-villains-129276943.html

·         મરાઠાઓ અને નિઝામે અંગ્રેજોને પડખે રહી ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે લાલ જાજમ પાથરી

·         'ભારત મેં અંગ્રેજી રાજ' ગ્રંથ 1961માં નેહરુ શાસને અને 2001માં વાજપેયી શાસને પ્રકાશિત કર્યો

·         મરાઠાઓએ શંકરાચાર્યના શૃંગેરીનાં મંદિરો તોડ્યાં ત્યારે તેમનો જીર્ણોદ્ધાર ટીપુ સુલતાને કરાવ્યો હતો

મહિસુરના શાસક રહેલા રોકેટ ટેક્નોલોજીના જનક અને અંગ્રેજો સામે લડતાં લડતાં શહીદ થયેલા ટીપુ સુલતાન હમણાં ખૂબ ચર્ચામાં છે: પાકિસ્તાન સરકારે 23 ડિસેમ્બર, 2021ના રોજ જાહેર કર્યા મુજબ ટીપુ સુલતાનના જીવન પર આધારિત ફિલ્મ (બાયોપિક) તૈયાર કરવામાં આવી રહી છે. વળી, ઘરઆંગણે ટીપુની જન્મતારીખ 20 નવેમ્બર, 1750 નહીં પણ 1 ડિસેમ્બર, 1751 હોવાનું ઐતિહાસિક પુરાવાને આધારે શિમોગાના સંશોધક નીતિન ઓલીકરે તારવ્યાની વાત ખૂબ ગાજી રહી છે. સાથે જ આઝાદી પછી અમલમાં આવેલા ભારતીય બંધારણના નિર્માતાઓ અને આઝાદીની ચળવળના મહારથીઓના આત્માને દુઃખ પહોંચે એ રીતે ભારતના ઈતિહાસને બદલવાની ઝુંબેશો ચોફેરથી ચલાવાઈ રહી છે. અંગ્રેજો સામે લડતાં લડતાં ચોથા યુદ્ધમાં ઇ.સ. 1799માં દગાથી મોતને હવાલે કરાયેલા મહિસુરના વાઘ તરીકે મશહૂર મહિસુરના રાજવી ટીપુ સુલતાનને કર્ણાટકમાં ફરી ફરીને ખલનાયક સાબિત કરવા પ્રયત્નો થાય છે. આ ઉપરાંત, પાઠ્યપુસ્તકોમાંથી ટીપુને દૂર કરાવીને નવો ઈતિહાસ લખવાના પ્રયાસો થઇ રહ્યા છે.

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ, પંડિત નેહરુ, સરદાર પટેલ, ડૉ.ભીમરાવ આંબેડકર, ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી, મૌલાના આઝાદ સહિતના બંધારણના ઘડવૈયાઓએ ભારતને ધર્મનિરપેક્ષ (સેક્યુલર) પ્રજાસત્તાક રાષ્ટ્ર બનાવવાના કરેલા સંકલ્પનો વીંટો વાળી દેવાના પ્રયત્નો ચાલે છે. ભારતને હવે હિંદુરાષ્ટ્ર બનાવવા માટે સત્તાધીશો જ જ્યારે કામે વળ્યા હોય ત્યારે નવા ગૃહયુદ્ધનાં એંધાણ મળ્યા વિના રહેતાં નથી. તાજેતરની કથિત ધર્મ સંસદોના મંચ પરથી થયેલાં ભાષણો આની સાક્ષી પૂરે છે. જે દેશમાં અનેકતામાં એકતાના ન્યાયે 90 કરોડ હિંદુઓ અને 20 કરોડ મુસ્લિમો સહિતના લોકો સર્વસમાવેશક શાસન પ્રણાલીમાં સુખે જીવતા હોય એ રાષ્ટ્રમાં ધાર્મિક ઉંબાડિયાં કરવા જેવાં રાજકીય કમઠાણ શાને? એવો પ્રશ્ન સાહજિક જ ઊઠે છે. ભારતીય બંધારણમાં જે રાષ્ટ્રપુરુષોનાં ચિત્રો સામેલ છે એમાંથી મુસ્લિમ શાસકો રહેલા બાદશાહ અકબર અને ટીપુ સુલતાનની સામે છાશવારે ઝુંબેશો ચલાવીને પ્રજાના માનસને ડહોળવાનો યોજનાબદ્ધ રીતે પ્રયાસ થઇ રહેલો અનુભવાય છે. વર્તમાન સત્તાધીશોના આસ્થાપુરુષ માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી) તો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના એકીકરણના આદર્શને અમલમાં લાવીને અખંડ ભારતને સાકાર કરવાનો સંકલ્પ મૂકીને ગયા છે. કમનસીબે એમના શ્રદ્ધાળુ સત્તાધીશોએ તેમનાથી એકદમ અવળી દિશા પકડી હોય એવું લાગ્યા વિના રહેતું નથી.

કર્ણાટકમાં ઉજવણીના વિવાદ
કર્ણાટક સરકાર બદલાવાની સાથે જ અહીં મહિસુરના રાજવી રહેલા ટીપુ સુલતાનની અત્યાર લગીની સ્વીકૃત જન્મજયંતી 20 નવેમ્બરે મનાવવા કે નહીં મનાવવાના મુદ્દે રાજકારણ શરૂ થઇ જાય છે. કોંગ્રેસ અને જનતા દળ (સૅક્યુલર)ની સરકારો ટીપુની જયંતી મનાવતી રહી છે, પણ ભાજપની સરકાર આવતાંની સાથે જ આવી ઉજવણી બંધ કરી દેવાય છે. 'સબ કા સાથ, સબ કા વિકાસ'ના નારા સાથે સર્વ-ધર્મ-સમભાવની ભોમકા ભારતમાં કેન્દ્રથી લઈને રાજ્યો સુધી રાજ કરતા ભાજપ અને એની માતૃસંસ્થા RSSને મતે ટીપુ સુલતાન અત્યાચારી, શેતાન અને હિંદુઓ તેમજ ખ્રિસ્તીઓ પર દબાણ લાવીને તેમને વટલાવી ઇસ્લામ કબૂલ કરાવતો શાસક હતો. વર્તમાન શાસન અને શાસકોની વાત કરવાને બદલે ટીપુની વાત કરવાથી સંકેત બહુ સ્પષ્ટ જાય છે કે હિંદુ મતબેંક મજબૂત કરી શકાય. આ ઉપરાંત, માની લઈએ કે ટીપુ અત્યાચારી હતો તો આજના મુસ્લિમો એના માટે જવાબદાર કે દોષિત નહીં હોવા છતાં એમને દંડિત કરવાનો અર્થ શું? મુખ્ય મુદ્દાઓ ભણીથી પ્રજાનું ધ્યાન અન્યત્ર ખેંચવા માટે આવાં ગતકડાં કરાય છે. કમનસીબે એ લાંબા સમય સુધી પ્રજાને પલાળે છે. વર્તમાન શાસકો એકમેકના શાસનનો તુલનાત્મક અભ્યાસ કરીને વધુ સારા શાસનનું વચન આપે અને એ અમલમાં લાવવાનો પ્રયાસ કરે તો ગનીમત. એના બદલે પ્રજા ઇતિહાસના સારા-નરસા રાજવીઓની વાતોમાં જ રમમાણ રહે એ ઉચિત તો નથી પણ રાજનેતાઓના હેતુ જરૂર બહાર આવે છે.

2050માંય ભારત હિંદુબહુલ
RSS
ના સદગત સરસંઘચાલક સુદર્શનજીએ વર્ષ 2060 સુધીમાં ભારતમાં હિંદુઓની વસ્તી કરતાં મુસ્લિમોની વસ્તી વધી જશે એવું ગતકડું ચલાવ્યું ત્યારે દુનિયાભરના વસ્તી નિષ્ણાતોમાંથી ઝાઝા એમની વાત સાથે સંમત થાય એવું નહોતું. જો કે, એમનો હેતુ ભારતના હિંદુઓમાં મુસ્લિમોની વસ્તી ઝપાટાભેર વધી રહ્યાનો સંદેશ આપવાનો હતો. એ સંદેશ આપવામાં તેઓ સફળ રહ્યા હતા. દુનિયાભરના મુસ્લિમોની જેમ જ ભારતમાં પણ મુસ્લિમો પરિવાર નિયોજન અમલમાં લાવી રહ્યા છે. આમ છતાં, 'હમ પાંચ, હમારે પચીસ'ની ઘોષણાઓ બંધારણીય હોદ્દે બેઠેલાઓ કરે ત્યારે કંઈ કહેવાનું રહેતું નથી. આગામી 2050માં ભારત દુનિયામાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ હશે એવો અંદાજ નિષ્ણાતો મૂકે છે. એ વેળાની ભારતની મુસ્લિમ વસ્તી 31 કરોડ થાય ત્યારે પણ 1.3 અબજ જેટલી વસ્તી હિંદુ અને 4.6 કરોડ વસ્તી ખ્રિસ્તી હશે. વર્ષ 2011ની સત્તાવાર વસ્તી ગણતરીના આંકડા મુજબ, ભારતમાં 96.62 કરોડ હિંદુ, 17.22 કરોડ મુસ્લિમ અને 2.08 કરોડ ખ્રિસ્તી વસે છે.

મિસાઈલ ટેક્નોલોજીના જનક
મહાત્મા ગાંધીએ સૌથી અધિકૃત લેખાવેલા પંડિત સુંદરલાલ લિખિત 'ભારત મેં અંગ્રેજી રાજ' ગ્રંથના બંને ખંડ ભારત સરકારના પ્રકાશન વિભાગે વર્ષ 1961માં નેહરુ શાસનમાં અને 2001માં વાજપેયી શાસનમાં પ્રકાશિત કરેલા છે. અંગ્રેજોના ઈશારે અને નાણાંની લાલચે ભારતીય શાસકોને બદનામ કરવાના ઈતિહાસ લખનારા ભારતીયો અને અન્યોને આ ગ્રંથોમાં ઉઘાડા પાડવામાં આવ્યા છે. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન આ ગ્રંથો પ્રતિબંધિત હતા પણ અત્યારે એ ઉપલબ્ધ છે. સુંદરલાલના આ ગ્રંથના અમુક અંશો 'હાઉ ઇન્ડિયા લોસ્ટ હર ફ્રીડમ'ના નામે વર્ષ 2018માં સેજ અને પોપ્યુલર પ્રકાશને પ્રકાશિત કર્યાં છે. મહિસુરના રાજવી હૈદર અલી અને ટીપુ સુલતાનના શાસન વિશેની અધિકૃત માહિતી એમાં અપાઈ છે. અંગ્રેજો સાથે મળીને મરાઠાઓ તેમજ નિઝામે કેવી રીતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માધ્યમથી ભારતમાં પોતાનો પ્રભાવ પાથર્યો એનું દસ્તાવેજી બયાન પંડિત સુંદરલાલ કરે છે. ટીપુ સુલતાન મુસ્લિમ શાસક હતો પણ એ સર્વધર્મનો આદર કરનાર રાજવી હતો. એના દીવાન અને સેનાપતિ બંને હોદ્દે વિશ્વાસુ હિંદુ હોવા ઉપરાંત એના દરબારમાં અનેક હિંદુઓ અધિકારી-કર્મચારી હતા. દુનિયામાં મિસાઈલ ટેક્નોલોજીના જનક તરીકે મશહૂર ટીપુ અંગેનું એક યુદ્ધચિત્ર અમેરિકામાં નાસાની દીવાલે ટાંગેલું જોઇને ભારતના વિશ્વખ્યાત વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ રહેલા ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ પણ આભા થઇ ગયા હતા. એમણે ટીપુ વિશે આદરભાવ વ્યક્ત કરતાં પોતાની આત્મકથામાં એ પ્રસંગ નોંધ્યો એટલું જ નહીં, શ્રીરંગપટ્ટનમ ખાતે પોતાના રાષ્ટ્રપતિકાળ દરમિયાન વિશેષ સંશોધન પણ કરાવ્યું હતું.

મરાઠાઓએ તોડેલાં મંદિરોનો જીર્ણોદ્ધાર
પંડિત સુંદરલાલ થકી નોંધવામાં આવ્યું છે કે શૃંગેરીના શંકરાચાર્યના શિષ્ય એવા હૈદર અને ટીપુએ હિંદુઓ સાથે હંમેશાં સારો વ્યવહાર કર્યો હતો. ટીપુએ અનેક મંદિરોને જાગીરો આપી હતી. મરાઠાઓએ શૃંગેરીનાં મંદિરો તોડ્યાં ત્યારે તેમનો જીર્ણોદ્ધાર પણ ટીપુએ કરાવ્યો હતો. એમના રાજ્યમાં યુરોપીય પાદરીઓને ધર્મપ્રચારની છૂટ હતી. સ્થાનિક ખ્રિસ્તીઓને પણ ધાર્મિક અનુસરણની મોકળાશ હતી. પરંતુ જયારે અંગ્રેજો સામેના યુદ્ધમાં પોતાના રાજ્યની ખ્રિસ્તી પ્રજા અંગ્રેજોને પક્ષે રહેવાનું વલણ ધરાવતી હતી ત્યારે ટીપુએ એમને ઇસ્લામ અંગીકાર કરવાનો વિકલ્પ આપ્યો હતો. મલબારના કેટલાક હિંદુ નાયરોએ સાગમટે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા અંગે ટીપુની સલાહ માગી ત્યારે ટીપુએ કહ્યું હતું: 'રાજા તો પ્રજાનો પિતા ગણાય અને મારી તમને સલાહ છે કે તમે તમારા પૂર્વજોના ધર્મને જ વળગી રહો.' આ જ ટીપુએ જેમનામાં વિશ્વાસ મૂક્યો હતો એ તેના જ ટોચના અધિકારીઓમાં પૂર્ણિયા અને કમરુદ્દીન સહિતના સાથીઓને અંગ્રેજોએ સાધ્યા અને મરાઠાઓ તેમજ નિઝામે અંગ્રેજોને મદદ કરી એટલે 4 મે, 1799ના રોજ દગાથી ટીપુ મરાયો અને કોલકાતામાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના મુખ્યાલયમાં જશ્ન મનાવાયો. યુદ્ધમાં પણ મહિલાઓનો આદર કરનાર અને પોતાના સૈનિકો થકી મરાઠાઓની મહિલાઓની સાથે બદસલૂકી ન થાય એની પૂરતી કાળજી લેનાર ટીપુ દારૂ જેવી નશીલી ચીજોથી કાયમ દૂર રહેલો પ્રજાવત્સલ રાજવી હોવાનું સુંદરલાલ જેવા ઈતિહાસવિદ્ આધારો સાથે વર્ણવે છે. આજે આ ટીપુ સુલતાનને નામે કર્ણાટકમાં જ નહીં, દેશભરમાં વરવું રાજકારણ ખેલાય છે. પાઠ્યપુસ્તકોમાંથી ટીપુને દૂર કરવાનાં અટકચાળાં ઇતિહાસના એ સારા-નરસા સમય ખંડને વિકૃત કરવા સમાન લેખાશે. પાકિસ્તાનમાં ટીપુને નાયક તરીકે રજૂ કરાતા ભારતમાં પણ એના પડઘા પડવા સ્વાભાવિક છે.
haridesai@gmail.com
(
લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે.)

 

No comments:

Post a Comment