Sunday 2 January 2022

Nehru-Jinnah-Edwina and Partition of British India

 નેહરુ-ઝીણા-એડવિનાના સંબંધો અને બ્રિટિશ ઇન્ડિયાનું વિભાજન

·         લંડનની હેરિસ કોલેજનાં સહાધ્યાયી હોવાની રાજીવ દીક્ષિતની કલ્પનકથા

·         બેશુમાર દોલત વારસામાં મેળવનાર એડવિના ક્યારેય કોલેજ ગઈ નહોતી

·         નેહરુ-ઝીણા સાથેની અશ્લીલ તસવીરો અખબારમાં છપાવી દેવાની ધમકી

ઈતિહાસ ગવાહ હૈ : ડૉ.હરિ દેસાઈ.દિવ્ય ભાસ્કર ડિજિટલ.રંગત-સંગત પૂર્તિ. જાન્યુઆરી, ૨૦૨૨. વેબ લિંક:

https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/nehru-zina-edwina-relations-and-the-partition-of-british-india-129255220.html

હજી હમણાં (19 ડિસેમ્બર,2021) ઓસ્ટ્રેલિયાનિવાસી ઉત્પલ યાજ્ઞિકે વ્હોટ્સએપ યુનિવર્સિટીમાં પ્રચલિત કરાતા ભારતીય ઈતિહાસથી પ્રભાવિત ત્યાંના ભારતીયો સમક્ષ નિરક્ષીર કરવા માટે અમારી એક દીર્ઘ મુલાકાત લીધી. આ મુલાકાતના જીવંત પ્રસારણમાં સ્વાભાવિક રીતે જ ભારતનાં એક વાક્‌પટુ ચળવળકાર રાજીવ દીક્ષિતના બહુચર્ચિત અને ભારતના ટોચના નેતાઓને બદનામ કરતા વ્યાખ્યાન 'નેહરુ ડાઈડ ઓફ એઇડ્સ' અંગેનો પ્રશ્ન જરૂર આવ્યો. સદગત રાજીવ દીક્ષિત અને એવા બીજા હયાત વાક્‌પટુઓ થકી આજકાલ સાચા ઈતિહાસને નામે યુવા પેઢીને અને દેશી-વિદેશી પેઢીને ભ્રમિત કરવાની ખાસ ઝુંબેશો ચલાવાય છે. આજકાલ સોશિયલ મીડિયામાં ઐતિહાસિક ઘટનાઓને લોકપ્રિય વાઘા ચડાવીને એવી ગળચટ્ટી રીતે મૂકવામાં આવે છે કે એને વાંચનારા બીજાને ફોરવર્ડ કરવાની હોંશ દાખવે છે. એની સચ્ચાઈનું નિરક્ષીર કરવાનું ભાગ્યે જ વિચારે છે. 'આઝાદી બચાવો' આંદોલનવાળા સ્વ. રાજીવ દીક્ષિતના ઈતિહાસનાં જે પાત્રો જવાબ વાળવા હયાત નથી એમને ખુલ્લાં પાડનારી વ્યાખ્યાનશ્રેણી ખાસ્સી લોકપ્રિય કે લોકરંજક છે. હાઉસ ઓફ કોમન્સ તથા હાઉસ ઓફ લોર્ડ્સના દસ્તાવેજોના નામે ઝીંકે રાખનારી આ વ્યાખ્યાન શ્રેણીમાંના એ વ્યાખ્યાનને અમે યુટ્યૂબ પર સાંભળ્યું હતું.

નેહરુ ડાઈડ ઓફ એઈડ્‌સ
વ્યક્તિગત રીતે અમે રાજીવ દીક્ષિત અને એમણે રજૂ કરેલાં બણગાંથી પરિચિત હોવાથી કુતૂહલવશ નેહરુ ડાઈડ ઓફ એઈડ્‌સવાળું એમનું વ્યાખ્યાન સાંભળ્યું ત્યારે અમારા સદગત વડીલ મિત્ર પ્રા. નગીનદાસ સંઘવીના શબ્દોનું સ્મરણ થઈ આવ્યું. રાજીવના મુંબઈ ખાતે કાંદિવલીના જૈન ઉપાશ્રયમાંના વર્ષો પૂર્વેના વ્યાખ્યાનના અધ્યક્ષસ્થાને આ લખનાર હતો. રાજીવનાં વ્યાખ્યાનોની સૌપ્રથમ કેસેટમાં એ જ વ્યાખ્યાન કંડારાયેલું મળે છે. રાજીવની એ પછી પ્રકાશિત અને અમારા ઘરે જ લેવાયેલી મુલાકાત વાંચીને ઈતિહાસ અને રાજ્યશાસ્ત્રના પ્રાધ્યાપક રહેલા કટારલેખક સંઘવીએ કહ્યું હતું, ‘રાજીવ તો 100 વર્ષ પહેલાં ગુજરી ગયેલી વ્યક્તિને 100 વર્ષ પછી જન્મેલી વ્યક્તિ સાથે મુલાકાત કરાવે છે.જો કે, રાજીવની વાકછટા એવી હતી કે એ ઉપજાવી કાઢેલાં તથ્યોને એવી ગળચટ્ટી શૈલીમાં રજૂ કરે કે ત્રણ કલાક સુધી કોઈ શ્રોતા આઘાપાછા થવાનું નામ ન લે. નવેમ્બર 2010માં રાજીવનું છત્તીસગઢના ભીલાઈ ખાતે હાર્ટઅટેકથી અવસાન નીપજ્યું. એનું આળ બાબા રામદેવ પર નાખવાનો પ્રયાસ થતો રહ્યો હતો. રાજીવે રામદેવને પણ એકસ્પોઝ-શ્રેણીમાં આવરી લીધા હતા. આ યોગગુરુએ મીડિયામાં સ્પષ્ટતા કરી હતી કે, રાજીવ હકીકતમાં હાર્ટઅટેકથી મૃત્યુ પામ્યા છતાં એક કોંગ્રેસીનેતા આ પ્રકરણ સાથે મારું નામ જોડવા માગે છે. રામદેવે એ કોંગ્રેસીનેતાનું નામ ક્યારેય જાહેર કર્યું નહોતું.

નેહરુ-ઝીણાને નચાવતી એડવિના
રાજીવ દીક્ષિતનાં તમામ વ્યાખ્યાનોમાં રજૂ થયેલી બાબતો ચકાસવાની અને એમને ઐતિહાસિક તથ્યોની એરણે નાણી જોવાની આવશ્યકતા હોવાનું અમને નેહરુ-ઝીણા-એડવિના વિષયક ઉપરોક્ત વ્યાખ્યાન પરથી વર્તાયું હતું. નેહરુને એડવિનાએ એઈડ્‌સનો સંપર્ક કરાવ્યાનો દાવો રાજીવ દીક્ષિત કરે છે. તત્કાલીન બ્રિટિશ વાઈસરોય અને પાછળથી સ્વતંત્ર ભારતના પણ ગવર્નર-જનરલ થયેલા લોર્ડ લુઈસ માઉન્ટબેટનની પત્ની એડવિના માઉન્ટબેટનને એ ભારત અને પાકિસ્તાનના ભાગલા માટે નિર્ણાયક પરિબળ ગણાવે છે. એડવિના સાથેના નેહરુના પ્લેટોનિક લવની વાત તો જાણીતી છે. નેહરુ-એડવિના સાથે મળીને ધૂમ્રપાન કરતાં હોવાની અને એમની વચ્ચે મૈત્રી હોવાની વાત અજાણી નથી. રાજીવના કહેવા મુજબ, એડવિના એટલી ચાલાક હતી કે લંડનમાં હેરિસ કોલેજમાં તેના બે સહાધ્યાયી પંડિત જવાહરલાલ નેહરુ અને મોહમ્મદ અલી ઝીણાને એકસાથે નચાવતી હતી. રાજીવે વાપરેલો શબ્દપ્રયોગ હતો, 'દોનોં એડવિના પર લટ્ટૂ થે.' રાજીવ ખૂબ આત્મવિશ્વાસ સાથે જૂઠાણું ઓકી શકે છે અને શ્રોતાને એ સત્ય માનવા પ્રેરી શકે છે. એ બોલે ત્યારે સમગ્ર ઘટનાનું ચિત્ર સામે ઉપસે એવું લાગે. એ ગળચટ્ટુ પણ લાગે. એની સચ્ચાઈ વિશે ભાગ્યે જ કોઈ શંકા કરે.

ડિકીનાં નામકે વાસ્તેલગ્ન
રાજીવ કહે છે કે માઉન્ટબેટનને ભારત મોકલવાનું નક્કી થયું એના થોડા સમય પહેલાં જ બ્રિટિશ ગુપ્તચર સંસ્થાએ એડવિના સાથે લુઈસ (ડિકી)નાં નામ કે વાસ્તેલગ્ન કરાવી દીધાં. એ બેઉ જણે ક્યારેય એક રાત શયનખંડના પલંગ પર સાથે ગુજારી નહીં હોવાનો પણ દીક્ષિતનો દાવો હતો. ઉત્તર પ્રદેશના અલીગઢ પાસેના ગામમાં જન્મીને 43 વર્ષની વયે મૃત્યુ સમયે ગાંધીજીના સેવાગ્રામમાં રહીને 'આઝાદી બચાવો' આંદોલનથી લઈને ભારત સ્વાભિમાન આંદોલન સુધીના કાર્યક્રમો હાથ ધરતા રહેલા સ્વદેશીના સૂત્રધાર રાજીવની વાતોને નિરક્ષીર કરવાની જરૂર ખરી.

ઝીણા ધંધાર્થે લંડન ગયા
હકીકતમાં એ નર્યું જુઠાણું છે કે નેહરુ, ઝીણા અને એડવિના એક જ કોલેજમાં સહાધ્યાયી હતાં અને બેઉને એડવિના નચાવતી હતી. હેરોની શાળા પછી નેહરુ કેમ્બ્રિજની ટ્રિનિટી કોલેજમાં ભણ્યા. નેચરલ સાયન્સિસમાં સ્નાતક થયા. એ પછી તેમણે ઈનર ટેમ્પલમાંથી બેરિસ્ટરની પદવી મેળવી હતી. ઝીણા તો મેટ્રિક પણ નહોતા થયા. લંડન ધંધાર્થે જ ગયા હતા. અભિનેતા થવાની હોંશ હતી. વળી, ત્યાં બેરિસ્ટર થવાનું સૂઝયું એટલે ખાસ મંજૂરી લઈને લિંકન્સ ઈનમાંથી તેમણે બેરિસ્ટરની પદવી મેળવી. ઇતિહાસકાર અને જીવનકથા લખનાર સ્ટેન્લી વોલ્પર્ટ જ નહીં, ઝીણાના પાકિસ્તાની જીવનકથાકાર સલીમ કુરેશીએ પણ ઝીણાના જીવન વિશે પ્રકાશિત કરેલા ગ્રંથો સ્પષ્ટ કરે છે કે ઝીણા ક્યારેય લિંકન્સ ઈન સિવાય લંડનમાં અન્યત્ર ભણ્યા નથી.

નેહરુને એઇડ્સ તો ઝીણાને?
વળી, પાછું એ હકીકત છે કે એડવિના ક્યારેય કોઈ કોલેજમાં ભણવા ગઈ જ નથી. એડવિના સિન્થિયા એનેટી એશલે તો કન્ઝર્વેટિવ મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહેલા વિલ્ફ્રેડ વિલિયમ એશલેની સૌથી મોટી દીકરી હતી. એને નાના તરફથી પણ બેશુમાર દોલત વારસામાં મળી હતી. આ એડવિનાનાં લગ્ન હજારો લોકોની હાજરીમાં 18 જુલાઈ, 1922ના રોજ રાજવી પરિવારના મહાનુભાવોની પણ ઉપસ્થિતિમાં રાજવી પરિવારના જ સભ્ય લુઈસ માઉન્ટબેટન સાથે થયાં હતાં. લોર્ડ માઉન્ટબેટને 20 માર્ચ, 1947ના રોજ ભારત આવવાનું હતું એના થોડા વખત પહેલાં નહીં! લોર્ડ અને લેડી માઉન્ટબેટન ભારત આવ્યાં ત્યારે 1929માં જન્મેલી તેમની નાની દીકરી પમેલા પણ સાથે આવી હતી. મોટી દીકરી પેટ્રિશિયા 1924માં જન્મી હતી. લોર્ડ અને લેડી માઉન્ટબેટનની નાની દીકરી પમેલાએ આત્મકથામાં પોતાની માતાના નેહરુ સાથેના પ્રેમસંબંધોની વાત ખૂબ મોકળાશથી લખ્યા છતાં બંને વચ્ચે ક્યારેય સેક્સ સંબંધ બંધાયાનું નકાર્યું છે. રાજીવ દીક્ષિતે કોણ જાણે ક્યાંથી શોધી કાઢ્યું કે એડવિનાએ નેહરુને એઈડ્‌સની ભેટ આપી હતી. નેહરુને એઈડ્‌સ ભેટમાં મળ્યો તો પછી ઝીણાને ટીબી કેમ?

એડવિના વિષકન્યાની ભૂમિકામાં
ભારતના વિભાજન માટે એડવિનાએ નેહરુ અને ઝીણા બંને સાથેની અશ્લીલ તસવીરોને મહાત્મા ગાંધી સહિત સમક્ષ આગળ કરીને સહી કરો નહીં તો ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાવી દઈશએવી ધમકી આપી બંનેને બ્લેકમેઈલ કરીને ભાગલા માટેના દસ્તાવેજ પર સહીઓ કરાવી લીધાનાં ચમત્કારિક તથ્ય રાજીવ દીક્ષિત આગળ ધરે છે. હકીકતમાં રાજીવ જે તારીખે એડવિનાએ નેહરુના હસ્તાક્ષર કરાવ્યાનું કહે છે (૩ જુલાઈ, 1947) એ પૂર્વે તો માઉન્ટબેટને વી. પી. મેનનની મારફત ભાગલાની યોજના સરદાર વલ્લભભાઈ પટેલે કબૂલ રાખ્યાનો મત જાણી લીધો હતો. 3 જૂન, 1947ના રોજ તો લોર્ડ માઉન્ટબેટને સત્તાવાર રીતે ભાગલાથી ભારત સંઘ તથા પાકિસ્તાન સંઘ થશે અને દેશી રાજ્યો બંનેમાંથી કોઈ એક સાથે જોડાઈ શકે અથવા સ્વતંત્ર રહી શકે તેના નિર્ણય અંગેની ઘોષણા કરી હતી. 2 જૂન, 1947ના રોજ કોંગ્રેસના મુખ્ય નેતાઓ મળ્યા હતા. તેમણે ભાગલાને કબૂલ રાખ્યા હતા. એટલે એડવિનાએ વિષકન્યાની જેમ નેહરુ અને ઝીણાને વશ કર્યાં અને કામ કઢાવી લીધું એ માનવા જેવો ઘટનાક્રમ નથી.

નવલકથાઓ ઈતિહાસ નહીં
દીક્ષિત નાટકીય રીતે કાલ્પનિક વાતોને મૂકે છે. એ કહે છે કે ગાંધીજી સમક્ષ ઝીણા એફિડેવિટ કરવા તૈયાર હતા કે મને એડવિનાએ બ્લેકમેઈલ કરીને સહી લીધી હતી. નેહરુએ તો ગાંધીજીને ઉત્તર વાળ્યો નહોતો. નેહરુ અને ઝીણાની દુશ્મની એડવિનાને કારણે હોવાનું રહસ્યોદ્‌ઘાટન દીક્ષિત રજૂ કરે છે. ઇતિહાસનાં આવાં વિકૃત ચિત્રણો ક્યારેક સાચા કે દબાવી રાખેલા ઈતિહાસને નામે કે પછી નવલકથાને નામે રજૂ કરવામાં આવે છે. કમનસીબી એ છે કે સરદાર પટેલ કે અન્યો વિશે ઐતિહાસિક નવલકથાઓને મોટાભાગના લોકો ઈતિહાસ માની લેવા પ્રેરાય છે. આટલું જ નહીં, એ નવલકથાઓ કે કિ્વંદંતીઓનો પ્રસાર વાયુવેગે થાય છે.
haridesai@gmail.com
(
લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે.)

 

No comments:

Post a Comment