Wednesday 20 October 2021

Pawar-Uddhav Vs Modi-Shah

 

કેન્દ્રને નામર્દ કહીને ઉદ્ધવે આસમાની સુલતાનીને નોતરું આપ્યું

અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ

·         હિંમત હોય તો મહારાષ્ટ્રની ત્રિપક્ષીય સરકારને ગબડાવવાનો મુખ્યમંત્રી ઠાકરેનો પડકાર

·         રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમો શરદ પવાર દરોડાઓને ભાજપની સત્તાપિપાસા સાથે જોડે છે

·         શિવસેનાના દશેરા મેળાવામાં આરએસએસના વડા ભાગવતને પણ સેનાપ્રમુખે સુણાવ્યું

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Sardar Gurjari (Anand) and Gujarat Guardian (Surat). 

પશ્ચિમ બંગાળની જેમ જ મહારાષ્ટ્રમાં પણ કેન્દ્રના સત્તારૂઢ પક્ષ ભારતીય જનતા પક્ષને જાકારો આપવાની મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની હાકલ સાથે જ રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. વિજયા દશમી નિમિત્તે શિવસેનાના મેળાવામાં તાનમાં આવી ગયેલા શિવસેનાપ્રમુખ ઠાકરે તો ત્યાં સુધી બોલી ગયા કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી), સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઇ) અને ઇન્કમટેક્સ (આઈટી) મારફત ડરાવવા-ધમકાવવાના પ્રયાસો કરી નેતાઓના પરિવારો, પત્ની અને બાળકો પર ખોટા આરોપ કરવા એ નામર્દાઈ છે એટલે હિંમત હોય તો સીધો પ્રહાર કરીને સરકારને પાડી જુઓ. મુખ્યમંત્રી શિવસેનાની ઠાકરી ભાષામાં બોલી તો ગયા પણ હવે કેન્દ્ર સરકારને નામર્દ કહેવાનું દિલ્હી કેટલું સાંખી લેશે એના ભણી સૌની નજર છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના સર્વોચ્ચ નેતા શરદ પવારના ભત્રીજા અજિતદાદા પવારના પરિવારજનો પર હમણાં કેન્દ્રીય એજન્સીઓએ અદારેલા દરોડાસત્રથી એમનો પક્ષ જ નહીં, શિવસેના અને મિત્રપક્ષ કોંગ્રેસ પણ ખિન્ન છે. પવારના પક્ષના જ ગૃહમંત્રી રહેલા અનીલ દેશમુખ સામે મુંબઈના પોલીસ કમિશનર પરમવીર સિંહ થકી ખંડણી વસુલી અંગે કરેલા આક્ષેપોને પગલે રાજીનામું આપનાર  દેશમુખ સામે કેન્દ્રીય એજન્સીઓની સતત કાર્યવાહી ચાલુ છે. રાષ્ટ્રવાદીના જ કેબિનેટ મંત્રી નવાબ મલિકના જમાઈ સમીર ખાનને આઠ મહિના પછી અદાલતે ડ્રગના કેસમાં એવું કહીને જેલમાંથી છોડ્યા કે એમની પાસે ડ્રગ્સ હતાં જ નહીં. સેલિબ્રિટીઝને વિવિધ કેસમાં સંડોવીને મહારાષ્ટ્રને બદનામ કરાતું હોવાની ભૂમિકા પણ રાજ્યના સત્તારૂઢ મોરચા મહારાષ્ટ્ર વિકાસ આઘાડી(એમવીએ)એ  લીધી છે. માત્ર પવાર અને ઉદ્ધવ જ નહીં, શિવસેનાના સાંસદ અને “સામના’ના કાર્યકારી તંત્રી સંજય રાઉતે પણ રવિવાર, ૧૭ ઓક્ટોબર, ૨૦૨૧ના લોકપ્રિય કોલમ “રોખઠોક”માં “મહારાષ્ટ્રાતીલ ‘ધાડ’શાહી ! કોન્ટ્રેક્ટકિલિંગ તે ગવર્નમેન્ટ કિલિંગ” શીર્ષક હેઠળના લેખમાં કેન્દ્ર સરકાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ પર સીધા જ હુમલા કરવાનું પસંદ કરીને આગામી દિવસોમાં કંઈક નવાજૂની થવાનાં એંધાણ જરૂર આપ્યાં છે.

પવાર થકી ઉદ્ધવ મુખ્યમંત્રી

મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન તૂટ્યા પછી ૮૦ કલાક માટે ભાજપના દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદીના અજિતદાદાને નાયબ મુખ્યમંત્રી બનાવાયા હતા,પણ પવારના ભત્રીજા અજિતદાદા કાકા કને પાછા ફર્યા પછી 30 નવેમ્બર, ૨૦૧૯ના રોજ રાજકારણના અઠંગ ખેલાડી અને સદગત શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના ઘનિષ્ઠ મિત્રની કુનેહથી ઉદ્ધવ ઠાકરેના વડપણમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસની સંયુક્ત સરકાર બની. ૨૮૮ +૧ (નામનિયુક્ત એંગ્લો ઇન્ડિયન) સભ્યોના વિધાનસભા ગૃહમાં  શિવસેનાના ૫૬, રાષ્ટ્રવાદીના ૫૪ અને કોંગ્રેસના ૪૪ એમ કુલ મળીને ૧૬૯ સભ્યોની કુલ સંખ્યા થઇ. ૧૦૬ સભ્યોવાળા ભાજપના નેતા  ફડણવીસે આઘાડી સરકાર તૂટી પડે અને પોતે ફરી મુખ્યમંત્રી બને એ મહેચ્છા રાખી હોવા છતાં વિપક્ષના નેતાપદથી જ સંતોષ માનવો પડ્યો છે. પવાર અને ઉદ્ધવની કેમેસ્ટ્રી બરાબર મળે છે. પવારે હમણાં જાહેરમાં કહ્યું કે “બે-ત્રણ નામ હતાં છતાં મુખ્યમંત્રીપદ માટે મને ઉદ્ધવ ઠાકરેનું નામ યોગ્ય લાગ્યું હતું. ભાજપની નેતાગીરી ગમે તેટલા ઉધામા મારે છતાં ઠાકરેના વડપણ હેઠળની આ સરકાર એની પાંચ વર્ષની મુદત પૂરી કરશે.” ત્રણેય પક્ષો વચ્ચે સમયાંતરે થોડો ઘણો ખટરાગ જોવા મળતો હોવા છતાં પવારની નિશ્રામાં એ સમસ્યાઓ ઉકેલાઈ જાય છે. હિંદુત્વ અને કોંગ્રેસ સાથેના સંબંધને લઈને ૧૯૮૪થી શિવસેનાનો મિત્રપક્ષ રહેલા ભાજપના નેતાઓનાં મહેણાંના ખોંખારીને ઉત્તર વાળવામાં આવી રહ્યા છે.

શિવસેનાની દાયણ કોંગ્રેસ

ઘણીવાર લોકોની સ્મૃતિ ટૂંકી હોય છે એટલે હિંદુત્વના મુદ્દે ૧૯૮૪થી સાથે રહેલા ભાજપ અને શિવસેનાની યુતિ તૂટ્યા પછી શિવસેના કોંગ્રેસ સાથે હાથ મિલાવે એ સંબંધે ઘણાને આશ્ચર્ય થાય છે. ૧૯૬૬માં કાર્ટૂનિસ્ટ બાળ ઠાકરે અને બીજા સમવિચારકોએ મરાઠી માણૂસના હિત કાજે શિવસેનાની સ્થાપના કરી હતી. હકીકતમાં એ મહારાષ્ટ્રની વસંતરાવ (વી.પી.)નાઈકની કોંગ્રેસ સરકારના ગૃહમંત્રી બાળાસાહેબ દેસાઈના પ્રતાપે જ અવતરી હતી. એ વેળા શિવસેના વસંતસેના તરીકે પણ ઓળખાતી હતી.મારવાડી અને ગુજરાતી મિલમાલિકોની કાપડમિલોના વિસ્તાર ગીરણગાંવ પર લાલ વાવટા એટલે કે કમ્યૂનિસ્ટોનો પ્રભાવ હતો. મિલમાલિકોએ સરકાર સમક્ષ રાવ નાંખી હતી. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ કમ્યૂનિસ્ટ કામદાર નેતા કૃષ્ણા દેસાઈ હતા. છાસવારે હડતાળો અને અન્ય કનડગતમાંથી મુક્તિ કાજે શિવસેનાનો જન્મ થયો. કૃષ્ણા દેસાઈનું મર્ડર થયું. એમની ખાલી પડેલી બેઠક પર શિવસેનાના પ્રથમ ધારાસભ્ય તરીકે વામનરાવ મહાડીક ચૂંટાયા. એ મુંબઈના મેયર પણ રહ્યા. શિવસેના પ્રમુખ બાળ ઠાકરેના સંબંધો કોંગ્રેસ અને જી.એમ.બનાતવાલાના મુસ્લિમ લીગ જ નહીં, હાજી મસ્તાનના પક્ષ સાથે પણ  રહ્યા. મુંબઈ મહાનગરપાલિકામાં સેનાનો મેયર સતત  ચૂંટાતો રહ્યો. વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી સાથેની ઠાકરેની નિકટતા એટલી હતી કે એ માતોશ્રી પર પણ ગયાં હતાં. ઈમર્જન્સીમાં બાળાસાહેબ ઇન્દિરા અને ઈમર્જન્સીના સમર્થક રહ્યા. કોંગ્રેસના નેતાઓ રજની પટેલથી લઈને મુરલી દેવરા સાથેના ઠાકરેના ગાઢ સંબંધ જળવાયા. જોકે હિંદુત્વ રાજકીય રીતે દૂઝણું લાગતાં ૧૯૮૪થી ભાજપના નેતા પ્રમોદ મહાજન સાથેની દોસ્તીને કારણે ઠાકરેએ ભાજપનો સાથ કબૂલ્યો હતો. મિત્રોને પણ ભાંડવામાં બાળાસાહેબની આગવી સ્ટાઇલ રહી છે. ક્યારેક શિવતીર્થ પર શરદ પવાર, જ્યોર્જ ફર્નાન્ડીસ અને ઠાકરેનો ત્રિમૂર્તિ મેળાવો યોજાયો હતો. ત્રણે અંગત મિત્રો રહ્યા. ૧૯૯૫થી ૯૯ લગી મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપની સરકાર રહી હતી. એ પછી પંદર વર્ષ લગી કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની સરકાર રહી. એ પછી ભાજપ-શિવસેના વચ્ચે અંટસ પડી ત્યારે પવારના બહારથી વ્યૂહાત્મક ટેકાથી ભાજપની પહેલી ફડણવીસ સરકાર રચાઈ હતી. એમાં પાછળથી શિવસેના જોડાઈ હતી. જોકે સર્વમિત્ર પવારની એ સંકટ સમયની મદદનો કોઈ ગણ ભાજપની નેતાગીરીએ નહીં રાખ્યો એટલે એને પાઠ ભણાવવા માટે સંકલ્પ કરીને પવારે ત્રણ પક્ષોની સરકાર રચાવીને આ વખતે  ભાજપને સત્તાવિમુખ કર્યો છે.

લોકશાહી અને ઠોકશાહીનું સૂત્ર

ક્યારેક શિવસેનાપ્રમુખ બાળ ઠાકરેનો આદર્શ જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલર હતો.  એ કાયમ કહેતા કે હું લોકશાહીમાં નહીં, પણ ઠોકશાહીમાં માનું છું. એમના પક્ષમાં પણ એ એકમેવ સર્વોચ્ચ નેતા હતા. પોતાને પ્રજાના કલ્યાણકારી તાનાશાહ  ગણાવવાનું પસંદ કરતા હતા. ક્યારેક શિવતીર્થની આરએસએસની શાખાના બાળ સ્વયંસેવક રહેલા બાળાસાહેબ કોઈ વિચારધારાથી બંધાયેલા નહોતા. ત્રિમૂર્તિ મેળાવા વખતે વળી એ નવાકાળના નીળુભાઉ ખાડીલકરના રવાડે ચડીને પ્રેક્ટિકલ સોશિયલિઝમની વાતો કરતા થયા હતા. જોકે સંઘ માટે એ કાયમ આદર વ્યક્ત કરતા રહ્યા પણ સંઘના સંતાન એવા ભાજપની ટીકા કરવાનું પણ પસંદ કરતા. એમના વિચારો કાયમ એમના પક્ષને અનુકૂળ નિર્ણયો કરવા મુજબ બદલાતા રહ્યા. હિંદુત્વના સાથમાં આવ્યા પછી કોંગ્રેસને ભાંડવામાં ય કોઈ કસર ના છોડી. સાધનશુદ્ધિ એમને પસંદ નહોતી. હમણાં મુખ્યમંત્રી ઠાકરેએ પણ સંઘના સરસંઘચાલક ડૉ.મોહન ભાગવતના વિજયાદશમીના નાગપુરી બૌદ્ધિકનો આધાર લઈને સંઘનાં ભાજપી વિદ્યાર્થી કે  સંતાનોની સત્તાપિપાસાની ખાસ્સી ઠેકડી ઉડાવી હતી. ઠાકરેના મરાઠી દૈનિક “સામના”માં તો સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકશાહીમાં માનતા હોવાના કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની રીતસર હાંસી ઉડાવી છે. લોકશાહી છે ખરી? એવો પ્રશ્ન પણ કર્યો છે. કેન્દ્રની ભાજપ સરકાર સામે મજબૂતાઈથી શિંગડાં ભરાવવામાં ખાસ્સા આગળ નીકળી ગયેલા મહારાષ્ટ્રના શાસકો સાથે કેન્દ્રના શાસકો હવે કેવો વ્યવહાર કરશે એ ભણી સૌની મીટ હોવી સ્વાભાવિક છે. મોદી-શાહની જોડી  ઠાકરે-પવાર-રાઉતના હુમલાઓને સાંખી લે એવી પ્રકૃતિ ધરાવતા નથી.આવતા થોડા જ દિવસોમાં કંઈક નવાજૂની ના થાય તો જ નવાઈ.

ઈ-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૧૭ ઓક્ટોબર, ૨૦૨૧)

No comments:

Post a Comment