Wednesday 13 October 2021

Campaign for Changing the Constitution to declare Hindu Rashtra

 બંધારણ બદલો અને હિંદુરાષ્ટ્ર જાહેર કરોનું  અખંડ અભિયાન

અતીતથી આજ : ડૉ.હરિ દેસાઈ

·         કેન્દ્ર સરકારના ઉપક્રમના વડા રામ બહાદુર રાયના મતે, બંધારણ ગુલામીનો દસ્તાવેજ

·         વોટબેંકની રાજનીતિમાં બંધારણને ભારતીય સ્વરૂપ આપવા માટે  ચાલતું વિચારમંથન

·         અમેરિકાની જેમ જ ભારતમાં પણ રાષ્ટ્રપતિ સર્વસત્તાધીશ રહે એવા ફેરફારોના ભણકારા

Dr.Hari Desai writes weekly column for Gujarat Guardian and Sardar Gurjari Dailies.

વર્તમાન શાસકોના આસ્થાપુરુષ એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસ એસ)ના સરસંઘચાલક ડૉ.મોહન ભાગવત આ દેશને સતત હિંદુરાષ્ટ્ર જ લેખાવતા રહ્યા છે. સમગ્ર દેશના આસ્થાપુરુષ એવા સરદાર પટેલ અને બંધારણના મુખ્ય રચયિતા ડૉ.બાબાસાહેબ આંબેડકર તો હિંદુ રાષ્ટ્રના વિચારના કટ્ટર વિરોધી હતા. પ્રજા સામે વિરોધી વિચારના આસ્થાપુરુષોનો અનુકૂળતા મુજબનો ઈતિહાસ મૂકાય અને ગૂંચવાડા સર્જવામાં આવે છે. રાજકીય રોટલા શેકવા માટે ઇતિહાસના પુનર્લેખનની વાતોમાં અનુકૂળ ઈતિહાસ લેખન કરવાની ઝુંબેશો પણ ચલાવાય છે.  થોડા વખત પહેલાં ભાજપના આસ્થાપુરુષ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સંપૂર્ણ વાંગ્મયના ૧૫ ગ્રંથોનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું. પંડિત ઉપાધ્યાયનું એ વર્ષ પણ દેશભરની સરકારોએ ઉજવ્યું. એમની ગ્રંથશ્રેણીના પ્રથમ ખંડ જ ભારતીય બંધારણ ભારે ઊણપો ધરાવતું હોવાનાં લખાણોથી ભરપૂર છે. ભારતીય બંધારણ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર તેમજ લોકઆકાંક્ષાઓનો પડઘો નહીં પાડતું હોવાનું દર્શાવીને સંઘ-જનસંઘ-ભાજપ થકી એને સુધારવા કે પછી સમૂળગું બદલી નાખવાની ઝુંબેશ વધુ બળૂકી રીતે હાથ ધરાતી રહી છે. વર્તમાન લોકસભાને બંધારણસભામાં બદલી નાખી નવું બંધારણ તૈયાર કરવાની માગણી હજુ હમણાં સુધી બુલંદ થતી રહી છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) રહેલા સંઘના વરિષ્ઠ પ્રચારક અને વિચારક કે.એન. ગોવિંદાચાર્ય હજુ આજે પણ દેશના નવા બંધારણના ઉપક્રમ પર કાર્યરત છે. એમની આ ઝુંબેશમાં તેમની જેમ જ સંઘ પરિવારના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (અભાવિપ)ના રાષ્ટ્રીય હોદ્દેદાર રહેલા અને અત્યારે ભારત સરકારના ઇંદિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સના અધ્યક્ષ રામ બહાદુર રાય સહિતના મહાનુભાવો સંકળાયેલા છે. વર્તમાન કેન્દ્ર સરકાર થકી નિયુક્ત રાય આ મુદ્દે પરિસંવાદો યોજે છે અને પુસ્તકોનું લોકાર્પણ પણ કરાવે છે.

બંધારણસભામાં બધા હિંદુદ્વેષી ?

અત્યારે પણ અનુસૂચિત જાતિ (એસસી) અને તથાકથિત સવર્ણ જ્ઞાતિઓ વચ્ચે સત્તાધીશો અને વિપક્ષો અનામત સહિતના મુદ્દે વોટબેંકના રાજકારણમાં રમમાણ છે. એક બાજુ, બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ અને એ વેળા દેશના સૌથી વધુ ભણેલા રાજનેતા એવા પહેલા કાયદા પ્રધાન બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરરચિત ભારતીય બંધારણની હાથીની અંબાડી પર યાત્રા કાઢવામાં આવે છે. બીજીબાજુ, રાષ્ટ્રીયસ્તરે સરકારનિયુક્ત મહાનુભાવો આ બંધારણ ડૉ.આંબેડકર થકી રચાયું જ નહોતું. ઉપરાંત,  એમણે તો માત્ર એની ભાષામાં સુધારા કર્યા હતા અને બાબાસાહેબ તો આંધ્રપ્રદેશની રચના સમયે સંસદમાં કહી ચૂક્યા છે કે એને (બંધારણને) આગ લગાડવાની જરૂર પડે તો પોતે સૌથી પહેલા તૈયાર હતાએવા વિરોધાભાસી મત વ્યક્ત કરાય છે. વોટબેંકની રાજનીતિ આ સઘળા ઘટનાક્રમમાં અનિવાર્યપણે તગતી રહે છે. સવર્ણ અને દલિતનું બેલેન્સિંગ કરવાનું ટાઈમિંગ રાજકીય પક્ષોને ફાવી ગયું છે.બંધારણને સુધારવા અથવા એમાં જરૂરી સુધારા કરીને એને ભારતીય સ્વરૂપ આપવાની દિશામાં વિચારમંથન ચાલી રહ્યું છે. ગોવિંદાચાર્યનું કહેવું છે કે બંધારણમાં સુધારા અને પુનર્લેખન બંને અલગ બાબતો હોવા છતાં તેમનો હેતુ એક જ છે.અમારું અંતિમ લક્ષ્ય તો બંધારણને બદલીને એને ભારતીય મૂલ્યો મુજબનું બનાવવાનું છે.રાય તો ભારતીય બંધારણને ગુલામીનો દસ્તાવેજગણાવવા સુધી ગયા છે. એમણે તો આ બંધારણમાં ડૉ.આંબેડકરનું યોગદાન માત્ર ભાષા સુધારવા જેટલું જ હોવાનું લેખાવ્યું ત્યારે ભારે હોબાળો મચ્યો હતો. રામ બહાદુર રાય પત્રકાર પણ રહ્યા છે. તેઓ ભારતીય બંધારણને ૧૯૩૫ના ભારતીય ધારાનો ૮૫ ટકા ઉતારો ગણાવ્યો છે ત્યારે પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે બે વર્ષ અગિયાર મહિના સુધી બંધારણ સભાએ એકએક મુદ્દા અને અનુચ્છેદને વિગતે ચર્ચી મંજૂર કરેલા બંધારણને માત્ર નકલ ગણાવવાનું કેટલું યોગ્ય લેખાય? બંધારણ સભામાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ.બાબાસાહેબ આંબેડકર, ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી જેવા અનેક મહાનુભાવો અને કાયદાના નિષ્ણાતો સક્રિયપણે સહભાગી થયા હોય અને એ ચર્ચાના દસ ગ્રંથ અત્યારે પાંચ મહાગ્રંથમાં લોકસભાના સચિવાલયે ઉપલબ્ધ કરાવ્યા હોય ત્યારે બંધારણને માત્ર ઉતારો ગણવો કે નકામો દસ્તાવેજ ગણવો એ વાત ગળે ઉતરતી નથી. બંધારણમાં અત્યાર લગી અનેક સુધારા થયા છે. અનિવાર્ય હોય તો અને ન્યાયિક સમીક્ષાને આધીન તર્કસંગત સુધારા કરવાનું હજુ શક્ય છે, પણ દેશને ધર્મરાષ્ટ્ર કે થિયોક્રેટિક સ્ટેટ બનાવવાના ઈરાદે સમૂળગું બંધારણ બદલી નાખવાનો વિચાર યોગ્ય નથી જ.

શ્યામાબાબુ હિંદુરાષ્ટ્રના વિરોધી

ભારતને હિંદુરાષ્ટ્ર ગણવાની કે બનાવવાની વાત સાથે નેહરુ-સરદાર-ગાંધી-મૌલાના આઝાદ કે આંબેડકર કોઈ સહમત નહોતા. આશ્ચર્યજનક હકીકત તો એ છે કે હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ તરીકે બંગાળની ફઝલુલ હકની સરકારમાં નાણામંત્રી અને પછીથી નેહરુ સરકારમાં ઉદ્યોગમંત્રી રહેનારા જનસંઘના સ્થાપક અધ્યક્ષ ડૉ. મુકરજીએ તો પત્રકાર પરિષદ યોજીને હિંદુ મહાસભા અને સંઘના હિંદુરાષ્ટ્રના વિચારને વખોડ્યો હતો. જોકે પાછળથી સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવેલકરે તેમને સંઘના હિંદુરાષ્ટ્રના વિચાર અંગે સમજાવ્યા ત્યારે તેઓ એ સાથે સંમત થયાનો પ્રસંગ સંઘનિષ્ઠ રાજ્યપાલ તથાગત રાયે ડૉ.મુકરજીની જીવનકથામાં નોંધ્યો છે. દેશના ટોચના બંધારણીય હોદ્દે અત્યારે સંઘનિષ્ઠ વ્યક્તિઓ બિરાજે છે. સ્વાભાવિક છે કે સંઘના સરસંઘચાલક ડૉ.મોહન ભાગવતે બંધારણમાં સુધારાની અનિવાર્યતા પ્રતિપાદિત કરી હોય તો ભાજપની સરકારો એ દિશામાં કામે વળે. અગાઉ જયારે સંઘના સુપ્રીમોના હોદ્દે કુ.સી. સુદર્શન હતા અને વડાપ્રધાનપદે સંઘનિષ્ઠ અટલબિહારી વાજપેયી હતા ત્યારે દેશના મુખ્ય ન્યાયાધીશ રહેલા જસ્ટિસ વેંકટચલૈય્યાના વડપણ હેઠળ બંધારણ સમીક્ષા સમિતિ રચાઈ હતી. જોકે રામ બહાદુર રાયના કહેવા મુજબ, વાજપેયીએ જ જસ્ટિસ વેંકટચલૈય્યાને બોલાવીને ધીમે જવાનું કહ્યું હતું એટલે બંધારણ સમીક્ષામાં ઝાઝી પ્રગતિ થઇ શકી નહોતી. રાયની આ વાત સાચી નથી. આમ છતાં, વડાપ્રધાન મોદી જે કામ હાથમાં લે એ સમયબદ્ધ રીતે પૂરું કરવાના આગ્રહી છે.એટલે બંધારણ બદલવાની દિશામાં રાય કે ગોવિંદને અભિપ્રેત ઝડપ આવશે અને આમૂલ પરિવર્તન થશે એવા સંકેત સાચા માનવા કે કેમ એની ગડમથલ ચાલવી સ્વાભાવિક છે.

બંધારણ નિષ્ફળ નથી ગયું

વિપક્ષે હોવું અને સત્તામાં હોવું એ બંને વચ્ચે ઘણો ફરક હોય છે. વડાપ્રધાન તરીકે તેમણે અનેક બાબતોનો અને પ્રત્યાઘાતોનો વિચાર કરીને પગલાં ભરવાનાં હોય છે. બંધારણ સમીક્ષા અંગેની જે તે બાબતો તેમણે પ્રત્યક્ષ રીતે દેશનાં કાયદા પંચને સોંપેલી છે. ગોવિંદાચાર્ય અને અન્યો સરકારથી અલગ રીતે બંધારણ પ્રકલ્પ પર કામ કરે છે.
દેશના શિરમોર કાયદાવિદ નાની પાલખીવાળાએ અમે ભારતના લોકો (વી ધ પીપલ)માં શું બંધારણ નિષ્ફળ ગયું છે?’ એ પ્રકરણમાં નોંધેલા શબ્દોને અહીં ટાંકવાની લાલચ ખાળી શકાતી નથી: હું ફરી વાર મારી દૃઢ માન્યતા વ્યક્ત કરવા માંગું છું કે આપણા બંધારણે લોકોને નિષ્ફળ બનાવ્યા એવું નથી, પણ આપણા પસંદ કરેલા પ્રતિનિધિઓએ બંધારણને નિષ્ફળ બનાવ્યું છે. ડૉ.આંબેડકરે બંધારણસભામાં બહુ કડવાશથી કહેલું કે નવેમ્બર ૧૯૪૯માં લોકોએ પોતાને જે બંધારણ આપ્યું એ ભવિષ્યમાં જો સંતોષપ્રદ રીતે કામ નહીં આપે તો આપણે એમ કહેવું પડશે કે બંધારણ નિષ્ફળ નથી ગયું, પણ મનુષ્ય જ દુષ્ટ હતો... પરિસ્થિતિની ગંભીરતા તરફ આંખમીંચામણાં કરવાથી તાજેતરમાં જ આપખુદ તંત્રનાં જે બળો દેશ પર છવાઈ ગયેલાં તેને આમંત્રણ આપવા જેવું થશે. રાષ્ટ્રીય પંખી તરીકે આપણે મોરનું સ્થાન શાહમૃગને નહીં આપવું જોઈએ.અત્રે એ યાદ રહે કે યુનાઇટેડ કિંગડમ(યુકે)માં લિખિત બંધારણ નહીં હોવા છતાં એની લોકશાહી ઉજ્જવળ પરંપરાઓને આધારે શ્રેષ્ઠ રીતે ચાલે છે. ભારતીય બંધારણને બદલીને અમેરિકાની જેમ જ રાષ્ટ્રપતિ સર્વસત્તાધીશ રહે એવા ફેરફારોના ભણકારા વાગે છે. જોકે અહીં સુપ્રીમ કોર્ટના કેશવાનંદ ભારતી ચુકાદાને બદલવાની જરૂર પડે અને બંધારણના સંસદીય લોકશાહી અને ધર્મનિરપેક્ષતા સહિતના મૂળભૂત માળખાને બદલીને જ આવા ફેરફાર થઇ શકે.

ઈ-મેઈલ:haridesai@gmail. Com     (લખ્યા તારીખ: ૧૧ ઓક્ટોબર, ૨૦૨૧)

 

1 comment:

  1. શું બંધારણ ને બદલી નાખવામાં આવે તો ભારત દેશમાં નવું બંધારણ આવે ત્યાં સુધી કોઈ રજવાડાઓ પોતાના રજવાડા પાછાં માંગી શકે ?

    ReplyDelete