Sunday 24 October 2021

Gujarat Congress Looking for Saviour

 

ગુજરાત કોંગ્રેસના ઉદ્ધારકની શોધ

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         ગાંધી-સરદારની ભોમકામાં કરુણચિત્ર

·         યાદવાસ્થળીથી તળિયાની હીનસ્થળી

·         પટેલ કે ઓબીસી કે પછી સર્વસમાવેશક

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement “UTSAV”.24 October 2021. 

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની જન્મભૂમિ ગુજરાતમાં તેમની કોંગ્રેસ દુર્દશાના માહોલમાં છે.  આજના જેવી ગૂંચવાડાભરી અને હીનકક્ષાએ જઈને પોતાના જ નેતાઓને બદનામ કરી પરોક્ષ રીતે અત્યારના સત્તારૂઢ પક્ષ ભારતીય જનતા પક્ષને મદદરૂપ થવા દીવડામાં ખાબકનારા પતંગિયાની અવસ્થાએ અગાઉ ભાગ્યે જ હશે. ડિસેમ્બર ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં લગભગ સત્તા સુધી પહોંચવામાં હતી એ કોંગ્રેસ અમદાવાદના રાજીવ ગાંધી ભવન અને દિલ્હીના તુઘલક રોડ વચ્ચે આંટાફેરા કરવામાં અટવાયા કરે છે. હમણાં તો પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કોણ બને એમાં એકસૂર દર્શાવવાને બદલે એકમેકને ચેકમેટ કરવાનો ખેલ ભાજપને હરખાવે એ સ્વાભાવિક છે. ૧૦, જનપથ (સોનિયા ગાંધી નિવાસ) કે ૧૨, તુઘલક રોડ (રાહુલ ગાંધી નિવાસ)ના દરબારમાં કોંગ્રેસના નેતાઓ જીહજૂરી કરીને હોદ્દા અને કૃપા પામવા જાય છે. ના મળે ત્યારે એકમેકને બ્લેકમેઈલ કરીને ખતમ કરવાના ખેલ આદરે છે. આવા તબક્કે  પક્ષબાંધણી અને સત્તારોહણ માટે તો વખત જ ક્યારે મળે? પંજાબમાં આયાતી ભાજપી નેતામાંથી પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનેલા નવજોતસિંહ સિદ્ધુએ ૧૨,તુઘલક રોડના ટેકે એકાએક “મહારાજા પતિયાળા” કેપ્ટન અમરિંદર સિંહને ઉથલાવ્યા અને જેવાને નવા મુખ્યમંત્રી ચરણજિત સિંહ ચન્ની આરૂઢ થયા કે સિદ્ધુએ રાજીનામું આપ્યું.મનામણા રીસામણાંમાં પક્ષને પતાવી દેવાનો ખેલ ચાલ્યો. કેપ્ટને ભાજપ સાથે મૈત્રીનો મારગ પકડ્યો. અલગ પક્ષ રચવાનો નિર્ણય કર્યો. અગાઉ પણ રચી ચૂક્યા છે. જેમની સરકારમાં મંત્રી રહ્યા એ કેપ્ટનના સાથી મંત્રીઓ હવે નવી સરકારમાં આવીને અમરિંદરની પાકિસ્તાની  સ્ત્રી-મિત્રનું નામ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ સાથે જોડીને તપાસ આદરવા બેઠા છે.  

હાર્દિક પટેલ વિરુદ્ધ ભરતસિંહ

ગુજરાત કોંગ્રેસમાં પણ માધવસિંહ–પુત્ર ભરતસિંહ સોલંકી  અન્ય પછાત વર્ગોની વોટબેંકને સાધીને ડિસેમ્બર ૨૦૨૨માં રખેને કોંગ્રેસી મુખ્યમંત્રી બની જાય એટલે કોંગ્રેસી સાંસદ જ ૧૦, જનપથ સમક્ષ આ પૂર્વ કેન્દ્રીય મંત્રીના પારિવારિક વિવાદને પ્રસ્તુત કરે છે. કોંગ્રેસના મહારથી અહમદ પટેલ હવે હયાત નથી, પણ એમના કથિત જૂથની આ પ્રવૃત્તિ ભાજપની મોદી-શાહની જોડીને હરખાવાના સંજોગો તો જરૂર પૂરા પડે છે. કહેવાની જરૂર નથી કે રાહુલબાબાને પપ્પુ જાહેર કરાવવામાં ભાજપની ભૂમિકા કરતાં અહમદ પટેલનું યોગદાન સવિશેષ હતું.  રાહુલ દરબારે ૧૯ ઓક્ટોબરે પોતાના અખબાર “નેશનલ હેરલ્ડ”માં  ગુજરાતના યુવા પાટીદાર નેતા અને અત્યારના કોંગ્રેસ પક્ષના કાર્યાધ્યક્ષ હાર્દિક પટેલને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કરવાની પરોક્ષ ઘોષણા કરાવી ત્યાં ભરતસિંહ પાછા આડા ફાટ્યા એટલે મામલો ગૂંચવાયો. પક્ષમાં યાદવાસ્થળી હોય એ તો કાંઈ નવું નથી, પણ હવે તો કોંગ્રેસના કલ્ચરથી વિરુદ્ધ નેતાઓની સ્ત્રી-મિત્રો કે પરિવારના વિવાદો પણ મોવડીમંડળ સમક્ષ રજૂ કરીને એમના હોદ્દા છીનવવા કે હોદ્દાઓથી દૂર રખાવવાનો યત્ન કરાય છે. એટલી હીન કક્ષાએ કોંગ્રેસનો સ્તર પહોંચ્યો હોય તો વિજયી બનવા ટીમવર્કની અપેક્ષા તો કરી જ કેમ શકાય?

નેતાઓ જ, કાર્યકર્તાનો દુકાળ

ગુજરાતમાં ૨૬ વર્ષથી ભાજપનું શાસન હોવાને કારણે પ્રજાને તો વિશ્વસનીય વિકલ્પની શોધ હોવાનું હમણાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સાવ રકાસ વચ્ચે પણ સ્પષ્ટ થયું. ભાજપ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ મતનો વિચાર કરવામાં આવે તો વિજયી ભાજપનો કેવો રકાસ શક્ય હતો એ અનુભવાય છે. જોકે ભાજપને રાજકારણ ખેલાતાં અને વિપક્ષોને વેરવિખેર રાખતાં કે પોતીકા કરતાં આવડે છે. કોંગ્રેસને પરાસ્ત કરવા માટે એણે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી, અસદુદ્દીન ઓવૈસીની એમઆઈએમ અને છોટુભાઈ વસાવાની બીટીપી સાથે ગોઠવણ કરી રાખી છે.  આગામી ડિસેમ્બર ૨૦૨૨ની ચૂંટણી લગી પણ કોંગ્રેસ એની હીન પ્રવૃત્તિના રાજકારણમાં પોતાના નેતાઓને જ રાજકીય રીતે ખતમ કરવાની કવાયતમાં રમમાણ રહેશે તો ફરી વધુ પાંચ વર્ષ માટે ગુજરાતનું શાસન ભાજપને તાસક પર જ લખી આપવાના સંજોગો પેદા થવાના. વર્તમાન કોંગ્રેસી નેતાઓ ભાજપ ભણી ગતિ કરે તો પણ એમને ભગવી પાર્ટીમાં ખાળે નાંખવાની સ્થિતિ આવશે કારણ ભાજપ કોંગ્રેસીઓથી ફાટફાટ થાય છે. ચાર કલાકમાં કે બાર કલાકમાં જે કોંગ્રેસીઓને કેબિનેટ મંત્રી બનાવી દેવાયા હતા એમને ભાજપની નેતાગીરીએ એક જ ઝાટકે ખાસમાંથી આમ બનાવી દીધાનું ઉદાહરણ જ તાજું છે. હવે કોંગ્રેસ પોતાનું માળખું રચીને કામે વળે તો રિવર્સ ટ્રેન્ડ શરૂ થવામાં છે. કારણ ભાજપમાં પણ બધું કાંઈ સમુસૂતરું નથી.  

કોંગ્રેસી ઇતિહાસનું રટણ

કોંગ્રેસનો ભૂતકાળ ભવ્ય છે. એનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન પણ કોઈ નકારી શકે તેમ નથી. ભાજપની નેતાગીરીએ કોંગ્રેસી મહારથીઓને પોતીકા ગણાવવા પડે એ સંઘ-જનસંઘ-ભાજપના ઇતિહાસની કૃપણતા છે. ભારતીય રાજકારણ આજકાલ ઇતિહાસમાં રમમાણ છે. એમાંય સત્તારૂઢ ભાજપ તો કોંગ્રેસમાં કોને અન્યાય થયો એની શોધ ચલાવીને અન્યાયના સાચા-ખોટા ઈતિહાસને આગળ કરીને પોતાની સત્તા મજબૂત કરવામાં સફળ રહ્યો છે. સામે પક્ષે કોંગ્રેસી નેતાઓ સતત પરાજય થકી મનોબળ ખોઈ બેઠા છે પણ પોતાના ભવ્ય ભૂતકાળની વાતોમાં જ રહે છે. એ વર્તમાન અને ભવિષ્યની યોજના કરતાં માધવસિંહ સોલંકીએ ૧૯૮૫માં વિધાનસભાની ૧૮૨ બેઠકોમાંથી ૧૪૯ના વિક્રમની વાત કર્યા કરે છે. ભાજપ પણ એ લક્ષ્ય આંબવાની ઘોષણાઓ કરે છે. જે માધવસિંહ પોતાના પક્ષના ઝીણાભાઈ દરજીની ખામ (ક્ષત્રિય, હરિજન,આદિવાસી અને મુસ્લિમ) થિયરીના ટેકે ૧૪૯ બેઠકો લાવી શક્યા એ જ માધવસિંહે થોડાક સમયમાં જ સત્તા છોડવી પડી હતી. એટલું જ નહીં, એમને પક્ષના મોવડીમંડળ થકી ૧૯૮૯માં ફરી ગુજરાતનું સુકાન સોંપાયું ત્યાર પછી ૧૯૯૦ની ચૂંટણીમાં ચીમનભાઈ પટેલના જનતા દળ અને કેશુભાઈ પટેલના ભાજપના જોડાણ સામે માધવસિંહની કોંગ્રેસ માત્ર ૩૩ બેઠકો જ મેળવી શકી હતી. એમાંય પાછું માધવસિંહે તો  ગુજરાત કોંગ્રેસ સી.ડી.પટેલ (કોળી પટેલ)ને ભળાવીને દિલ્હીની વાટ પકડી હતી. સંજોગોએ જનતા દળ અને ભાજપની ફારગતી પછી ચીમનભાઈએ કોંગ્રેસમાં ઘરવાપસી કરી એટલે કોંગ્રેસ સત્તામાં રહી ખરી, પણ ૧૯૯૫માં કેશુભાઈ અને શંકરસિંહની ભારતીય જનતા પાર્ટી સત્તારૂઢ થઇ અને કોંગ્રેસનું તો નામું જ નંખાઈ ગયું. બળવાખોર બાપુના ખજૂરિયા-હજુરિયા કાંડ પછી પણ અત્યાર લગી ભાજપનું એકચક્રી શાસન ગાંધીનગરમાં ચાલ્યું છે. હવે આગળ ઉપર પણ ચાલશે કે કેમ એ કોંગ્રેસ માટે વોટકતરા સાબિત થતા પક્ષો સામે કોંગ્રેસ કેટલી ઝીંક ઝીલે છે એના પર નિર્ભર છે. એવું નથી કે કોંગ્રેસ ફરી સત્તામાં ના જ આવી શકે. કોંગ્રેસના પોતાના ઇતિહાસમાં પણ ૧૯૭૭માં સ્વયં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી સહિત કોંગ્રેસ પરાજિત થઇ હતી અને મોરારજી દેસાઈની સરકાર બની હતી. માત્ર ત્રણ જ વર્ષમાં કોંગ્રેસ કેન્દ્રમાં અને રાજ્યોમાં ફરી ભારે બહુમતી સાથે સત્તામાં આવી હતી. ભાજપના નેતાઓ અત્યારે ઇન્દિરા ગાંધીની ઈમરજન્સીનાં ઢોલ પીટે છે, પણ એ જ ઈમર્જન્સીના ટેકેદાર મોટાભાગના કોંગ્રેસીઓ અને એના મુખ્ય ખલનાયક સંજય ગાંધીનો પરિવાર આજે ભાજપમાં છે! ઉત્તરપ્રદેશમાં જે આક્રમકતા સાથે પ્રિયંકા ગાંધી મેદાને પડ્યાં છે એ જોતાં તેમનામાં ઇન્દિરા ગાંધીની કિલર્સ ઇન્સ્ટિંગ જોવા મળે છે. વિદેશનું પણ એક ઉદાહરણ આ તબક્કે કોંગ્રેસીઓએ યાદ રાખવા જેવું ખરું: દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભવ્ય વિજય મેળવીને ૧૯૪૫માં અત્યંત લોકપ્રિય બનેલા બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ એ જ વર્ષે પોતાના દેશની ચૂંટણી હારી ગયા હતા. વિપક્ષી એકતા સાધવામાં કોંગ્રેસ સહયોગ કરે તો ભારતમાં પણ આસમાની સુલતાની અશક્ય નથી. વર્ષ ૨૦૧૪માં વિપક્ષો વેરવિખેર હતા એટલે ભાજપી નેતા નરેન્દ્ર મોદીનો પક્ષ માત્ર ૩૧% મત સાથે સત્તાના સિંહાસન સુધી પહોંચી શક્યો હતો એ પણ યાદ રહે. ગુજરાતમાં તો  ભાજપ સામે કોંગ્રેસ અન્ય પછાત વર્ગો અને આદિવાસી-મુસ્લિમ મત મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા કેવાં સમીકરણો ગોઠવે છે એના પર સૌની મીટ છે.

તિખારો

તમારા દેશને કાજે

ભગીની-બંધુઓ ઊઠો, તમારા દેશને માટે;

સજો સત્યાગ્રહી વાઘા તમારા  દેશને માટે.

ઝઝૂમ્યાં વાદળાં દુઃખનાં તમારા દેશ ઉપરનાં;

વિખેરો હિંમતે સઘળાં તમારા દેશને માટે.

મુસલમાં-હિંદુ પુકારે, ખરા અંગ્રેજ છે સાથે;

બધાયે ન્યાયને ચાહે, તમારા દેશને માટે.

સૂતેલા જાગજો સિંહો, મરેલા ઊઠજો મર્દો;

પકડજો સત્યનાં શસ્ત્રો, તમારા દેશને માટે.

-     કલ્યાણજી વિ.મહેતા

ઈ-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૨૩ ઓક્ટોબર, ૨૦૨૧)

 

No comments:

Post a Comment