Monday 27 September 2021

Hindu-Muslim Harmony

 હિંદુ-મુસ્લિમના સુમધુર સંબંધો: યુદ્ધ રાજકીય

બાબતોને લઈને થતાં, ધાર્મિક મુદ્દે નહીં
ઈતિહાસ ગવાહ હૈ: ડૉ.હરિ દેસાઈ. દિવ્યભાસ્કર ડિજિટલ.રંગત-સંગત પૂર્તિ.૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૧.
• યુરોપના દેશોમાં ઇસ્લામના પ્રભાવની સામે અને અમેરિકામાં હિંદુત્વના પ્રભાવ સામે ઉહાપોહ
• ‘વંદે માતરમ’ જ નહીં, ‘જન ગણ મન’ ગાવાની પણ કોઈને ફરજ પાડી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ
• સોમનાથના મંદિરને લૂંટવા કે તોડનારી સેનામાં સેનાપતિ ટિળક સહિત મોટાભાગના હિંદુ હતા
આજકાલ ઐતિહાસિક ઘટનાઓનો આધાર લઈને હિંદુ વિરુદ્ધ મુસ્લિમ સંબંધોની છણાવટનો ઊભરો ભારતીય પ્રકાશનો અને પ્રજામાં જોવા મળે છે. ઈતિહાસ અને ઘટનાના વિશ્લેષણમાં ખરા અર્થમાં તટસ્થતા કેટલા અંશે જળવાય એ કહેવું જરા મુશ્કેલ છે. સમયાંતરે આવાં વિશ્લેષણોને કયા ચશ્માંથી જોવામાં આવે છે એનો વિચાર કરવાની વૃત્તિ અને સદપ્રવૃત્તિ અનિવાર્ય છે. વિશ્વ આખું ઈસ્લામોફોબિયાથી ગ્રસ્ત છે. અમેરિકામાં તો હમણાં હમણાં 'ડિસમેન્ટલિંગ ગ્લોબલ હિંદુત્વ'ની ચળવળમાં અને એના વિરોધમાં ગુજરાતીઓ જ અગ્રેસર જોવા મળે છે. ક્યારેક વર્ષ 1893માં શિકાગોની વિશ્વ ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદનાં ઐતિહાસિક વ્યાખ્યાનો થયાં. એના પગલે વર્ષ 1884માં વેદાંત સોસાયટી ઓફ ન્યૂ યોર્ક નામની પ્રથમ હિંદુ સંસ્થા સ્થપાઈ હતી. એ પહેલાંથી અમેરિકામાં ગોરા બિનહિંદુ વિચારકો તો ઉપનિષદ અને ગીતામાંથી જ્ઞાન યોગ અને કર્મ યોગ સહિતના હિંદુ વિચારના અભ્યાસી હતા. અત્યારે અમેરિકામાં ધાર્મિક આધારે વસ્તી ગણતરી થતી નથી પણ 30 લાખ જેટલા હિંદુ અમેરિકન ત્યાં વસે છે અને પોતાના ધાર્મિક અધિકારો માટે જાગૃત છે. આવા સંજોગોમાં હિંદુ-મુસ્લિમ સંબંધના કેટલાંક તથ્યોને વિચારકો સામે મૂકવાં એ પણ જરા વિકટ સ્થિતિનો સામનો કરવા સમાન છે. આમ છતાં, હિંદુ-મુસ્લિમ વચ્ચેના સુમધુર સંબંધોમાં ઝેર ઘોળવાની કોશિશ કરવાના દુષ્પ્રચાર ટાણે કેટલાંક ઐતિહાસિક તથ્યો રજૂ કરવાં અનિવાર્ય છે.
આઝાદીની લડાઈમાં સાથે
પ્રારંભે જ એટલું કહેવાની જરૂર ખરી કે ‘વંદે માતરમ’ના મુદ્દે સમગ્ર ભારત વર્ષની આઝાદીની ચળવળમાં હિંદુ-મુસ્લિમ ખભેખભા મિલાવીને એકાકાર હતા, એ જ ‘વંદે માતરમ’ સામે મુસ્લિમો અને ખ્રિસ્તીઓએ વાંધો ઉઠાવ્યો. ભારતની સુપ્રીમ કોર્ટે તો ‘વંદે માતરમ’ જ નહીં, ‘જન ગણ મન’ જેવા રાષ્ટ્રગીતને પણ ગાવાની કોઈને ફરજ પાડી શકાય નહીં એવો ચુકાદો આપી દીધો. હકીકતમાં ભારતીય બંધારણ સભાએ આ બંને ગીતોને રાષ્ટ્રગીત તરીકે સમાનસ્તરે મૂક્યાં છે, છતાં આજ સુધી એમના વિશેના સુપ્રીમ કોર્ટના ચુકાદાને રદ કરવા જેવો કોઈ બંધારણીય સુધારો ન તો કોંગ્રેસના શાસનમાં લવાયો કે ન ભાજપના શાસનમાં. કમસે કમ આ બંને ગીત અંગેના જુદા જુદા કારણસરના વિવાદના સંજોગોમાં કોઈ નવું સર્વસ્વીકૃત રાષ્ટ્રગીત તૈયાર કરવાનું બીડું પણ કોઈએ ભારતમાં ઝડપ્યું નહીં એ ખેદની વાત છે.
બંકિમદા વિરુદ્ધ રવીન્દ્રબાબુ
‘વંદે માતરમ’ સામે મુસ્લિમોનો વિરોધ મૂર્તિપૂજાના મુદ્દે છે તો ‘જન ગણ મન’ સામે સંઘ પરિવારનો વિરોધ બ્રિટિશ સમ્રાટ જ્યોર્જ પંચમના માનમાં કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે એની રચના કરી તેમને ‘ભાગ્યવિધાતા’ કહ્યાના મુદ્દે છે. હકીકતમાં રવીન્દ્રનાથે સમ્રાટ જ્યોર્જ પંચમના સ્વાગતમાં ન તો આ ગીતની રચના કરી હતી કે ન સમ્રાટને ‘ભાગ્યવિધાતા’ કહ્યા હતા. ‘વંદે માતરમ’ ગીત પણ બંકિમચંદ્ર ચેટરજીની નવલ ‘આનંદ મઠ’માં પ્રકાશિત થયું હતું. બંકિમબાબુની નવલની આઠ આવૃત્તિઓમાં એમણે સતત પરિવર્તન કર્યાં હતાં. પહેલી આવૃત્તિમાં અંગ્રેજ શાસકો એમના ખલનાયક હતા પણ બીજી આવૃત્તિથી એમણે મુસ્લિમોને ખલનાયક ગણાવવાનું પસંદ કર્યું. બંકિમદા અંગ્રેજ સરકારના અધિકારી હતા અને એમની સામે સરકાર રાજદ્રોહની કાર્યવાહી થાય નહીં એવી અપેક્ષાએ એમણે મુસ્લિમ શાસકોને ખલનાયક દર્શાવવાની કોશિશ કર્યાં છતાં એમને કોલકતાના રાઈટર્સ બિલ્ડિંગથી જિલ્લામાં બદલી આપીને કનડવામાં આવ્યા જ હતા.
ગઝનીમાં હિંદુ અને સંસ્કૃત
ઈતિહાસનો અભ્યાસ કરતી વખતે ઘણાં બધાં પાસાંનો વિચાર કરવો પડે છે. સોમનાથના મંદિરને લૂંટવા કે તોડવાનો દોષ આપણે એકી અવાજે મહંમદ ગઝનીને આપીએ છીએ. પરંતુ એની સેનાનો સરદાર હિંદુ અને ટિળક અટકધારી તેમજ સૈન્યમાં મોટાભાગના જાટ હિંદુ હતા. આ હકીકત સોમનાથ ટ્રસ્ટે જ પ્રકાશિત કરાવેલા અને સદગત IAS અધિકારી અને ઈતિહાસકાર શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ લિખિત ‘પ્રભાસ અને સોમનાથ’ ગ્રંથમાં વર્ણવવામાં આવ્યા પછીય આપણું મનડું ક્યાં માને છે? ઈતિહાસકાર પ્રા. શાંતા પાંડે તો બે ડગલાં આગળ વધીને કહે છેઃ ‘ગઝનીની દરબારી ભાષા સંસ્કૃત હતી. મહંમદ ગઝનીએ પડાવેલા સિક્કા પર સંસ્કૃત ભાષામાં જ ‘મહમૂદ સુરત્રાણ’ એવું અંકન મળે છે. સંસ્કૃતના વ્યાકરણનો જનક પાણિનિ પોતે પણ પખ્તૂન અથવા તો પઠાણ હતો અને અફઘાનિસ્તાનના શાલાતુર ગામનો નિવાસી હતો.’ સોમનાથ ટ્રસ્ટના ગ્રંથમાં પણ ગઝનીના પિતા હિંદુ કે બૌદ્ધમાંથી મુસ્લિમ થયાનો ઉલ્લેખ છે. ભારતના ઉત્તરનાં રાજ્યોમાં જાટ સમાજ સોમનાથના ઉપરોક્ત ઈતિહાસને પાઠ્યપુસ્તકોમાં ભણાવવા દેતો નથી.
કાબુલમાં હિંદુ રાજા હતા
કાબુલમાં હિંદુઓની બહોળી વસ્તી હતી. એમનાં મંદિરો પણ હતાં. પૂજાવિધિની પૂરી સ્વતંત્રતા હતી. તેરમી સદી સુધી તો ત્યાં હિંદુ રાજાનું શાસન હતું. ઈસ્લામના જન્મ પહેલાં તો કાબુલને ભારતનું જ અંગ માનવામાં આવતું હતું. કાબુલના લોકોની સંસ્કૃતિ ભારતીય ગણાતી હતી. કાબુલના પ્રદેશને લઈને હંમેશાં લડાઈઓ થતી રહેતી હતી. પંજાબના હિંદુ રાજા કાયમ કાબુલને જીતીને પોતાના રાજ્યમાં સામેલ કરવા ઉત્સુક રહેતા હતા. ઇતિહાસકાર પ્રા.શાંતા પાંડેના મતે, આજ સ્તો વાયવ્ય ભારતથી થયેલાં મુસ્લિમ આક્રમણો પાછળની ભૂમિકા હતી. આ હુમલા ઈસ્લામના પ્રચાર માટે થયાનાં કોઈ ઐતિહાસિક પ્રમાણ મળતાં નથી. ગઝની ધર્માંધ હોત તો એની સેનામાં હિંદુ જાટોની ભરતી એ કરત નહીં.
યુદ્ધ રાજકીય મુદ્દે લડાતાં
મુસ્લિમ શાસકોએ હિંદુસ્તાનમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યાં પછીની લડાઈઓમાં પણ હિંદુ રાજાઓની સેનાઓ તેમને સાથ આપતી હોવાનું ઈતિહાસકારોએ નોંધ્યું છે. યુદ્ધ રાજકીય બાબતોને લઈને થતાં હતાં, ધાર્મિક મુદ્દે નહીં. બાદશાહ ઔરંગઝેબે જ્યારે છત્રપતિ શિવાજી વિરુદ્ધ ફોજ મોકલી ત્યારે એના રાજપૂત સેનાપતિ મહારાજા જસવંત સિંહ હતા. એ પછી મહારાજા જયસિંહને પાઠવ્યા હતા. જ્યારે અફઘાનિસ્તાનના સૂબાએ બંડ જગાવ્યું ત્યારે બળવાને અંકુશમાં લેવા માટે ઔરંગઝેબે મહારાજા જસવંત સિંહને જ પાઠવ્યા હતા. કાફિરોની કતલને ઈસ્લામમાં પુણ્ય લેખવાની ઈતિહાસકાર સર જદૂનાથ સરકારની વાત અંગે પ્રા. પાંડે નોંધે છેઃ જદૂનાથ સરકાર ઈસ્લામ ધર્મ અને પવિત્ર કુર્રાનની આજ્ઞાઓ તથા હદીસોથી અપરિચિત હોય એવું લાગે છે. બાદશાહોના જુલમ અને અત્યાચારોને પવિત્ર કુર્રાનમાં માન્યતા અપાઈ નથી. ઈસ્લામ વાસ્તવમાં શાંતિ અને માનવતાનો ધર્મ હોવાનું વિનોબા ભાવેની નજરે ગીતા અને કુર્રાનના બોધનો અભ્યાસ કરનારને પણ સરળતાથી સમજાશે.
ટીપુ વિરુદ્ધ અંગ્રેજો સાથે મરાઠા
મહિસૂરના રાજવી ટીપુ સુલતાને અંગ્રેજો સામે લડતાં લડતાં જ શહીદી વહોરી. એ વેળા અંગ્રેજોના પક્ષે મરાઠા અને નિઝામ હતા એ હકીકત રખે વિસરીએ. સદગત રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામે ‘નાસા’ની દીવાલ પર ટીપુના યુદ્ધનું ચિત્ર જોયાની વાત નોંધી છે. મિસાઈલ ટેકનોલોજીના જનક ટીપુને ‘નાસા’માં સ્થાન મળ્યું છે પણ ભારતમાં કેટલાક એની ઓળખ મુસ્લિમ વટાળપ્રવૃત્તિના સૂત્રધાર તરીકે આપે છે. આ એ જ ટીપુ સુલતાન જે ધર્મે મુસ્લિમ હોવા છતાં શ્રી રંગ દેવનાં દર્શન કર્યાં વિના ચા-પાણી પણ કરતો નહોતો. એવું જ કંઈક જૂનાગઢના નવાબ મોહમ્મદ મહાબત ખાનજી ત્રીજાનું હતું. એમના રાજ્યમાં ગૌવંશ હત્યા પર પ્રતિબંધ હતો. સ્વયં નવાબ દરબારમાં જતાં પહેલાં ગાયનાં દર્શન કરતા હતા અને પોતાના મહેલની નાટકશાળામાં ઘૂંઘરું બાંધીને મીરાંની ભૂમિકા કરતા હતા.
શૃંગેરીના શંકરાચાર્યનો ભક્ત
ટીપુનો શૃંગેરીના શંકરાચાર્ય સાથેનો અંતરંગ સંબંધ કેવો હતો એ તેમની વચ્ચેના 30 પત્રોમાં સ્પષ્ટ થાય છે. મરાઠાઓએ (હિંદુઓએ) તોડેલાં શૃંગેરીનાં મંદિરોનો જીર્ણોદ્ધાર ટીપુ સુલતાને શંકરાચાર્યના આદેશથી કરાવ્યો હતો. આજે પણ જેમને રસ હોય એ આ શંકરાચાર્ય પીઠની સત્તાવાર વેબસાઈટ પર ટીપુ જ નહીં, એના પિતા સુલતાન હૈદર અલીના પણ શંકરાચાર્ય સાથેના સંબંધો નિહાળી શકે છે. ટીપુના પ્રધાનમંત્રી પૂર્ણિયા અને પ્રધાન સેનાપતિ કૃષ્ણરાવ બેઉ બ્રાહ્મણ હતા. તેમણે ટીપુ સાથે ગદ્દારી કરી હતી.ઔરંગઝેબ અને શિવાજી વચ્ચેના પત્રવ્યવહારમાં શિવાજી બાદશાહ માટે આદરપૂર્વક સંબોધન કરતાં ‘મુતીઉલ ઈસલામ’ એટલે કે ‘ઈસ્લામના આજ્ઞાકારી’ જેવું સંબોધન કરવામાં આવ્યું છે. છત્રપતિ શિવાજીના વિશ્વાસુ સાથીઓમાં મુસ્લિમ પણ હતા અને એવું જ રાણા પ્રતાપના સાથીઓનું હતું. હલ્દીઘાટી યુદ્ધમાં મહારાણાની સેનાના સેનાપતિપદે મુસ્લિમ હતા. હિંદુ-મુસ્લિમ વચ્ચે ભેદ નિર્માણ કરીને ઈતિહાસને જોવાને બદલે તથ્યાધારિત ઈતિહાસના ઘટનાક્રમને નિહાળવાનો પ્રયાસ કરીએ તો કોમી એખલાસની ભાવના વધુ મજબૂત થશે. ગંગા- જમુની તહેજીબની વાતને વિસારે પડાતી હોવાનું અનુભવાય ત્યારે ઈતિહાસનાં તથ્યોને સત્યની એમણે ચકાસી લેવાની સવિશેષ જરૂર છે.
haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે.)

No comments:

Post a Comment