સત્તામાં કોંગ્રેસના અસ્તિત્વનો જંગ
કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ
·
પંજાબ,રાજસ્થાન અને
છત્તીસગઢમાં કમઠાણ
·
વિપક્ષી મોરચામાં
મમતા-પવાર સાથે વાંધા
·
રાષ્ટ્રીય નેતૃત્વની
નબળાઈ હિજરતનું કારણ
Dr.Hari
Desai writes weekly column “Kaaran-Rajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement
UTSAV.
26
Septembar, 2021.
કોંગ્રેસ કને હવે ગણ્યાંગાંઠ્યાં રાજ્ય રહ્યાં છે. અને એ પણ પતંગિયું
દીવડાની જ્યોતમાં ઝંપલાવે એવી રીતે જીવનમરણ વચ્ચે ઝોલાં ખાય છે. રાષ્ટ્રીય સ્તરે
એકમાત્ર એવી પાર્ટી જેનું તમામ પ્રદેશોમાં અસ્તિત્વ છે એ પોતાનું વજૂદ ગુમાવી રહી
છે. નાગપુરના પ્રતિનિધિઓ હવે દિલ્હી સર કરીને કોંગ્રેસને પણ સર કરી રહ્યા હોવા
છતાં નવાં કોઈ રાજ્યો કોંગ્રેસને મળે એવી શક્યતા જોવા મળતી નથી. નવું જોશ અને જોમ
તેમ જ નેતાગીરી નિર્માણ કરવાને બદલે જે પોતાની કને છે એ પણ યાદવાસ્થળીમાં ગુમાવવા
સૌથી જૂની અને આઝાદીની લડતમાં શિરમોર એવી આ
હ્યુમ-દાદાભાઈ-માલવિયા-ટિળક-ગાંધી-નેહરુ-સરદાર-હેડગેવારની પાર્ટી જાણે કે ઉતાવળમાં
છે. વિપક્ષી મોરચો રચવામાં પણ પશ્ચિમ બંગાળમાં સર્વોચ્ચોને પછડાટ આપનાર
મુખ્યમંત્રી મમતા બેનરજી અને મહારાષ્ટ્રમાં કજોડાંની મનાતી ત્રણ પક્ષોની સરકારને
ટકાવી સર્વોચ્ચોના દાંત ખાટા કરનાર સર્વમિત્ર શરદ પવારને સહયોગ આપવાને બદલે પોતાના
રાજકુમાર નામે રાહુલ ગાંધીને જ વરરાજા જાહેર કરાવવાના દુરાગ્રહે ૨૦૨૪ની લોકસભા
ચૂંટણી પણ ભગવી બ્રિગેડને લખી આપવાની જાણે કે કોંગ્રેસને ઉતાવળ છે. પંજાબમાં જે
એકલવીર નામે કેપ્ટન અમરિંદર સિંહે વર્ષ ૨૦૧૭માં છેલ્લા દાયકાના અકાલી-ભાજપના
શાસનને ઉથલાવી કોંગ્રેસને સત્તામાં આણી એ “મહારાજા પતિયાળા”ને આયાતી ભાજપી નેતા
નવજોતસિંહ સિદ્ધુના ઈશારે અપમાનિત કરીને તગેડવાનું કોંગ્રેસને ભારે પડી શકે છે.
અગાઉ ઇન્દિરા શાસનમાં પણ સત્તા પરિવર્તન થયાં છે પણ અમરિંદર સાથેનો વ્યવહાર
રાજ્યમાં વિપક્ષને મજબૂત કરે તેવો સાબિત
થઇ શકે. રાજસ્થાન અને છત્તીસગઢને કોંગ્રેસ પોતાના ગઢ ગણાવે છે, પણ પંજાબના
ઘટનાક્રમે અશોક ગહલોત અને ભૂપેશ બઘેલને હોદ્દેથી દૂર કરવા અથવા તો સરકારમાં
મંત્રીઓનું ઉમેરણ કરવા માટે અસંતુષ્ઠોને બેપાંદડે થવા માટે પ્રેરક બળનું કામ
કર્યું છે. કોંગ્રેસની કમાન ફરીને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી-વાડ્રા સંભાળે
અને પક્ષના વડીલોનો સહયોગ ના હોય તો કોંગ્રેસની નૈયાને ભાજપને હવાલે કરવાના જ
સંજોગો રચાય. કોંગ્રેસનું મોવડીમંડળ અગાઉ ક્યારેય આટલું નિર્બળ કે વિવશ જોવા
મળ્યું નથી. પ્રદેશોના પ્રભારી કે અધ્યક્ષો
નિયુક્ત કરવામાં પણ અનિર્ણયની સ્થિતિમાં હિલોળા લે ત્યારે દેશમાં
સત્તાપરિવર્તન માટે પ્રજાનો વિશ્વાસ કઈ રીતે જીતી શકાય એ યક્ષપ્રશ્ન તો ઊભો જ છે.
પંજાબમાં જુગાર જ ખેલાયો
કેપ્ટન અમરિંદર સરકારની લાખ
મર્યાદાઓ છતાં એમને રાહુલ-પ્રિયંકાના ઈશારે જે રીતે દૂર કરાયા અને ચરણજિત સિંહ
ચન્ની જેવા અનુભવી દલિત ચહેરાને સૂકાન સોંપાયું એ જરા ઉતાવળિયું પગલું હતું.
પ્રભારી હરીશ રાવતે આગામી ચૂંટણી સિદ્ધુના નેતૃત્વમાં લડશે જેવું નિવેદન કરીને
ભાંગરો વાટ્યો. એથી તો ૩૨% દલિત વોટબેંકને
પોતાના ભણી વાળવાને બદલે રાજકીય નુકસાન વહોરવા જેવી વાત થઇ. બબ્બે નાયબ
મુખ્યમંત્રીનો પ્રયોગ અને એમાં જાટ શીખ અને હિંદુ નેતાનો સમન્વય દર્શાવામાં તો
આવ્યો, પણ આ બધું ચૂંટણી લગી જ છે એવો સંદેશ ગયો. અપરિપક્વ રાજનીતિનો પરિચય અહીં
સિદ્ધુનાં નિવેદનોની જેમ જ રાવતના નિવેદનમાં થયો. જોકે રાષ્ટ્રીય પ્રવક્તા
સુરજેવાલાએ વાળી લેવાની કોશિશ કરતાં જે સંદેશ આપ્યો એ બૂંદ સે ગઈ વો હોજ સે ભરને
કી કોશિશ સમાન લેખાય. અગાઉ અકાલી દળમાં રહેલા “મહારાજા” હવે ક્યાં પલટી મારશે એ
જોવાનું રહ્યું. એમણે સિદ્ધુને પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાનના મિત્ર હોવાને કારણે અને
ત્યાંના લશ્કરી વડા જનરલ બાજવાને ગળે મળ્યા બદલ રાષ્ટ્રદ્રોહી કહીને ભાજપના હાથમાં
મુદ્દો આપ્યો તો ખરો, પણ ભાજપ માટે પણ પાકિસ્તાની પ્રેયસી ધરાવતા કેપ્ટન જોખમી તો
ખરા. એ અલગ ચોકો રચીને ભાજપ સાથે જોડાણ કરે તો મહારાષ્ટ્રમાં ભાજપે હાજી મસ્તાન
અને શિવસેના વચ્ચેના સંબંધો છતાં પોતાનું જોડાણ રાખ્યું હતું એવા સંજોગો પંજાબમાં
પણ સર્જાઈ શકે. જોકે પંજાબમાં ચાર મોરચા આમનેસામને રહેવાની શક્યતા છે. શીખ જાટ
સમાજની પાર્ટી લેખાતી અકાલીએ ખેતપેદાશોના ત્રણ કાયદાઓને પહેલાં સમર્થન આપીને પછી ભાજપ
સાથે ફારગતી લેવાનું પસંદ કર્યું. પછી
માયાવતીની બહુજન સમાજ પાર્ટી સાથે ઘર માંડ્યું છે. આ પણ દલિત મત બેંકની લાહ્યમાં
જ. આપ તો એકલવીર થઈને લડશે. ભાજપ કોંગ્રેસ અને અકાલીના અસંતુષ્ટોના ટેકે પોતાનો ગઢ
મજબૂત કરવા માંગે છે. કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ સિદ્ધુ અને મુખ્યમંત્રી ચન્નીના ટેકે ફરી સત્તામાં આવવા
આતુર છે. વિધાનસભા ચૂંટણી હજુ એકાદ વર્ષ છેટે છે. દરમિયાન, આયારામ ગયારામ આખરે
કેવું ચિત્ર ઉપસાવે એના પર સૌની મીટ ખરી. એટલું નક્કી કે અમરિંદરને થોડા માનભેર
એમના રાજમહેલ ભેગા કરાયા હોત તો કોંગ્રેસ માટે આવાં વરવાં દ્રશ્યો ના સર્જાત.
સચિન અને સિંહદેવના ઉધામા
પંજાબમાં જે ઘટનાક્રમ સર્જાયો એ કોંગ્રેસમાંના અસંતુષ્ટોને સક્રિય થવા
માટે પ્રેરણા આપનારો રહ્યો છે. ભાજપ તો આ અસંતુષ્ટો માટે કાયમ લાલ જાજમ પાથરીને
રાખે છે. જોકે ગુજરાતમાં હમણાં જે બન્યું અને અગાઉ માત્ર ચાર કલાકમાં મંત્રીપદે
બિરાજેલા કુંવરજી બાવળિયા કે નોખું જમવા હોટેલ બદલનારા જવાહર ચાવડા જેવા કેબિનેટ
મંત્રીઓને ઘર ભેગા કરાયા પછી કોંગ્રેસના નેતાઓ ભાજપના ગાજર ભણી દોડી જવામાં થોડોક
વિચાર કરતા તો જરૂર થયા હશે. આમ છતાં, ટૂંકા ગાળાના લાભથી લલચાઈને જનારા તો
રહેવાના. કોંગ્રેસ પોતાના વાડામાં હવે નેતાઓને રોકી રાખવાની સ્થિતિમાં નથી. આવા
સંજોગોમાં જયારે કોંગ્રેસી મુખ્યમંત્રીઓ સામે અસંતુષ્ટોને રાહુલ-પ્રિયંકાનું
સમર્થન હોય ત્યારે એ બેપાંદડે થાય એ સ્વાભાવિક છે. ગત વર્ષે ભાજપની રમતમાં આવીને
રૂસણે બેઠેલા સચિન પાઈલટ હજુ રાહુલ-પ્રિયંકાના સમર્થનથી કોંગ્રેસમાં ટક્યા છે.
મુખ્યમંત્રી અશોક ગહલોત હોદ્દો છોડીને સંગઠનમાં જવા તૈયાર નથી. સપ્તાહમાં બબ્બેવાર
દિલ્હી જઈને સચિન તો રાહુલને મળે છે, પણ એમના આંટાફેરા ક્યારે આસમાની સુલતાની સર્જે એ કહેવું મુશ્કેલ
છે. ગહલોત કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ થવા તૈયાર નહોતા. મુખ્યમંત્રી તરીકે
સચિન સાથે સમાધાન કરીને મંત્રીમંડળમાં સચિનના નિષ્ઠાવંત સાથીઓને ઉમેરવા પણ તૈયાર
નથી ત્યારે ગહલોતને હટાવીને સચિનને એમના સ્થાને બેસાડવાનું જોખમ કોંગ્રેસ વહોરશે
કે કેમ એ હવે જોવું રહ્યું. પંજાબનું રાજસ્થાનમાં પુનરાવર્તન કોંગ્રેસ માટે
તાત્કાલિક આત્મઘાતી સાબિત થઇ શકે કારણ ગહલોત તો પ્રજામાં હરતાફરતા અને સંપર્ક
ધરાવતા નેતા છે. એમની સામે કેપ્ટન અમરિંદરની જેમ રિસોર્ટમાંથી સરકાર ચલાવવાનો આક્ષેપ કરી શકાય તેમ નથી. છત્તીસગઢમાં વર્ષ ૨૦૧૮માં
મુખ્યમંત્રી બઘેલ અને સ્વાસ્થ્ય મંત્રી ટી.એસ.સિંહદેવ વારાફરતી મુખ્યમંત્રી બને
એવું વિચારાયું હોવાની વાતને કોંગ્રેસ પણ નકારી શકવાની સ્થિતિમાં નથી. રાજ્યના
અસંતુષ્ઠ ધારાસભ્યો દિલ્હીની ખેપો મારી રહ્યા છે. આવા સંજોગોમાં છત્તીસગઢમાં પણ
નેતૃત્વ પરિવર્તનનું જોખમ કોંગ્રેસ વહોરી શકે તો શું સ્થિતિ સર્જાય એનો આગોતરો
ખ્યાલ ૧૦, જનપથને હોવો ઘટે. લોકનાયક જયપ્રકાશ નારાયણ અને આચાર્ય કૃપાલાનીએ મોરારજી
દેસાઈને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા ત્યારે એમના અઢી વર્ષના શાસન પછી
શાસનની ધુરા ચૌધરી ચરણસિંહને સોંપવાનું નક્કી કરાયું હતું. જોકે મોરારજી જેવા
આદર્શવાદી નેતા પણ હોદ્દો છોડવા તૈયાર ના થતા હોત ત્યારે અન્ય મુખ્યમંત્રીઓ માટે
હોદ્દો છોડવાનું શક્ય કઈ રીતે બને. મોરારજીની આડોડાઈને કારણે એ વેળા જેમ
ઇન્દિરા-સંજય થકી ચૌધરી ચરણસિંહને ટેકો અપાયો અને જનતા પાર્ટીની સરકાર ગબડી હતી
તેમ વર્તમાન સંજોગોમાં કેન્દ્રમાં શાસન કરતો ભાજપ તકનો લાભ લેવાનું ચૂકે તેમ નથી.
કોંગ્રેસના મોવડીઓને આટલી સાદી સીધી સમજ હોવી
જરૂરી છે. અન્યથા કોંગ્રેસમાં પેલા પતંગિયાના ઉદાહરણને અનુસરીને આપઘાત કરવાની મંશા
જ હોય તો એને કોણ રોકી શકે?પંજાબ,રાજસ્થાન અને છત્તીસગઢમાં શું થાય છે એના પર
મહારાષ્ટ્રની સરકારનું ભાવિ નિર્ભર છે.
તિખારો
ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા,ઓ ભુજા !
અનંત થર માનવી હૃદય-ચિત્ત-કાર્યે ચઢ્યા
જડત્વ યુગ જીર્ણના, ટુ ધધડાવી દે ઘાવ ત્યાં !
-
સુન્દરમ્
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૨૫ સપ્ટેમ્બર,
૨૦૨૧)
No comments:
Post a Comment