Sunday 3 October 2021

Gandhi, Shastri and Kamraj

                            ગાંધી, શાસ્ત્રી સાથે જ કામરાજનું ય સ્મરણ

કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ

·         રાજકીય વૈતરણી તરવા રાષ્ટ્રપિતા હાથવગા

·         વિસરાયેલા લાલબહાદુરનું ચૂંટણી ટાણે સ્મરણ

·         દક્ષિણમાં પણ કમળ ખીલવવા કામરાજનો ખભો

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement “UTSAV”.03102021.

બીજી ઓક્ટોબર આવે ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્મરણની સાથે જ સાદગીની મૂરતસમા  દ્વિતીય વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીને યાદ કરીને ન્યાય તોળવાનો પ્રયાસ થતો વધુ લાગે. હમણાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન સાથેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્હાઈટ હાઉસ મુલાકાતમાં વિશ્વના ફોજદાર થકી મહાત્મા ગાંધીને ટાંકીને એમની વાતમાં પરોપદેશે પાંડિત્યંની જેમ  “અહિંસા, શાંતિ અને સહિષ્ણુતા”નો બોધ પ્રગટ્યો. વિશ્વના અનેક શાસકો મહાત્મા ગાંધીની વિચારધારાને પ્રસ્તુત લેખે છે. આપણા દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને એમના હત્યારા નથુરામ ગોડસે બંનેનું મહિમામંડન થવાનો વિરોધાભાસ પણ જોવા મળે છે. ૨ ઓક્ટોબર એટલે મહાત્મા અને શાસ્ત્રી બેઉનો જન્મદિવસ. બેઉ મહામાનવોના યોગદાનને ૨ ઓક્ટોબરે કે એમની પુણ્યતિથિ હોય ત્યારે આફરો ચડી જાય ત્યાં લગી યાદ કરીને વરસ આખું એમના આદર્શોના અનુપાલન કે જીવનશૈલીને કોરાણે મૂકાય છે. ચૂંટણીલક્ષી સ્મરણો જરૂર થાય છે. ગાંધી અને શાસ્ત્રીની સાથે જ  કામરાજને પણ આજના તબક્કે યાદ કરવાની જરૂર ખરી, પણ એમનું સ્મરણ ભાગ્યેજ કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૫માં કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષે તમિળનાડુમાં કમળ ખીલવવાના હેતુસર કોંગ્રેસના આ અત્યંત પ્રભાવી રાષ્ટ્રીય અધ્યક્ષ કામરાજની જન્મજયંતી મનાવવાનું પસંદ કર્યું હતું. કોંગ્રેસના નેતાઓ રહેલા મહાત્મા ગાંધી, નેહરુ-ગાંધી, શાસ્ત્રીજી અને મોરારજી દેસાઈનાં વંશજોને  સત્તારૂઢ ભાજપ સાથે જોડાવાના પ્રયાસોમાં આજીવન અપરિણીત રહેલા કોંગ્રેસના બળુકા નેતા  કામરાજને પણ ભાજપના પ્રચાર-પુરુષ બનાવાયા હતા. આમ છતાં, તમિળનાડુમાં કેન્દ્રનો સત્તારૂઢ પક્ષ ભગવો ફરકાવવામાં હજુ નિષ્ફળ રહ્યો છે. ઉધારીના આયકન દર વખત સફળતા અપાવે જ એવું નથી. કોંગ્રેસી મુખ્યમંત્રીઓ કે. કામરાજ તથા  માધવસિંહ સોલંકી અને વડાપ્રધાન પી.વી.નરસિંહરાવ થકી રાજ્યસ્તરેથી રાષ્ટ્રીયસ્તરે અમલી બનાવેલી મધ્યાહ્ન ભોજન યોજનાનું નામ બદલીને પ્રધાનમંત્રી પોષણ યોજના કરવાનું  વડાપ્રધાન મોદીએ કર્યું એટલે પણ કામરાજનું સ્મરણ થવું વધુ પ્રસ્તુત લાગે છે.

કિંગ-મેકરે વડાપ્રધાનપદ નકાર્યું

સાવ ગરીબ અને પછાત નાડર પરિવારમાં જન્મેલા કુમારસ્વામી કામરાજ ત્રણ-ત્રણ વાર મદ્રાસ રાજ્યના કોંગ્રેસી મુખ્યમંત્રી રહ્યા. ચક્રવર્તી રાજગોપાલાચારીએ મુખ્યમંત્રી તરીકે જન્મની જાતને અનુરૂપ વ્યવસાયોનું શિક્ષણ આપવાની નીતિ અપનાવી હતી એમાં સ્કૂલ ડ્રોપ-આઉટ એવા ઓછું ભણેલા છતાં ખૂબ ગણેલા કામરાજે તમામ જાતિના લોકોને ભણતર વ્યવસ્થા સાથે જ  હજારો શાળાઓ ખોલાવી, મધ્યાહ્ન ભોજન યોજના દાખલ કરાવી અને પોતે જીવ્યા ત્યાં લગી સાદગીને અનુસર્યા હતા. વડાપ્રધાન થવાની ઓફરને “પોતાને હિંદી ફાવતું નહીં હોવાથી” નકારી હતી. પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુના ૧૯૬૪માં નિધન પછી  શાસ્ત્રીને  અને એમના તાશ્કંદમાં મૃત્યુ પછી ૧૯૬૬માં નેહરુ-પુત્રી  શ્રીમતી ઇન્દિરા ગાંધીને વડાપ્રધાનપદે પસંદ કરાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી કામરાજ  “કિંગ મેકર” ગણાયા હતા.  બંને વખતે મોરારજી દેસાઈ સહિતના કોંગ્રેસી નેતાઓ વડાપ્રધાન થવાની મહત્વાકાંક્ષા ધરાવતા હોવા છતાં કોંગ્રેસ અધ્યક્ષ કામરાજે લાલબહાદુર અને ઇન્દિરા ગાંધીની પસંદગી કરાવી હતી.નેહરુના નિષ્ઠાવંત લાલબહાદુર સામે મોરારજીએ ઉમેદવારી કરવાનું ટાળ્યું, પણ ઇન્દિરા ગાંધી સામે એ ચૂંટણી લડ્યા અને ભૂંડા હાલે હાર્યા હતા. ઇન્દિરાને પક્ષે ૩૫૫ કોંગ્રેસી સાંસદોના મત પડ્યા અને મોરારજીને માત્ર ૧૬૯ જ કોંગ્રેસી સાંસદોએ મત આપ્યા. કામરાજે “જડ” લેખાતા મોરારજીને બન્નેવાર નિષ્ફળ બનાવ્યા છતાં ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે કામરાજે ઇન્દિરા ગાંધીની કોંગ્રેસને બદલે મોરારજીના નેતૃત્વવાળી સંસ્થા કોંગ્રેસમાં રહેવાનું પસંદ કર્યું હતું. એ આ જ પક્ષના લોકસભાના સભ્ય તરીકે ૨ ઓક્ટોબર ૧૯૭૫ના રોજ એમના નિધન લગી રહ્યા હતા. એટલું જ નહીં, કામરાજ ઇન્દિરા ગાંધીની ઈમર્જન્સીના પણ વિરોધી રહ્યા હતા. કામરાજને ઇન્દિરા ગાંધીની ઈમરજન્સી દરમિયાન ભારત સરકારે મરણોત્તર ભારત રત્ન પણ આપ્યો હતો. કામરાજે બબ્બે વાર મોરારજીની વડાપ્રધાન બનવાની મહેચ્છાને વિફળ બનાવી, પણ માર્ચ ૧૯૭૭માં મોરારજી વડાપ્રધાન બન્યા ત્યારે એ જોવા કામરાજ હયાત નહોતા. ૨ ઓક્ટોબર ૧૯૭૫ના રોજ મૃત્યુ વેળા માત્ર કામરાજ ભાડાના ઘરમાં જ રહેતા હતા. એમની કને માત્ર ૧૩૦ રૂપિયા, બે જોડી ચપ્પલ, ૪ શર્ટ, ૪ ધોતી અને થોડાં ઘણાં પુસ્તકો જ હતાં. જે માણસ “કામરાજ પ્લાન” હેઠળ કેન્દ્ર સરકારના મંત્રીઓ કે મુખ્યમંત્રીઓને ઘેર બેસાડવા કે વડાપ્રધાનો પસંદ કરવાની ક્ષમતા ધરાવતો હતો, જે ત્રણ-ત્રણ વાર મુખ્યમંત્રી અને અનેકવાર સાંસદ રહે છે  એના અંગત જીવનની સાદગી તો બેનમૂન હતી.

હિંદુ વાદીઓએ ઘર બાળ્યું

કામરાજ અત્યારે તમામ રાજકીય પક્ષો માટે આરાધ્ય છે. ક્યારેક દ્રવિડ કળગમ (ડીકે)ના સંસ્થાપક પેરિયાર રામાસામીથી છૂટા પડેલા અન્નાદુરાઈ અને કરુણાનિધિના દ્રમુક (ડીએમકે) સામે કોંગ્રેસી મુખ્યમંત્રી તરીકે ચૂંટણી લડનાર કામરાજને પેરિયાર ટેકો આપતા હતા. હવે દ્રમુક કે અન્નાદ્રમુક, કોંગ્રેસ કે ભાજપ સહિતના તમામ પક્ષો કામરાજના જન્મદિવસ ૧૫ જુલાઈ કે મૃત્યુદિન ૨ ઓક્ટોબર મનાવવા તલપાપડ રહે છે.  વિધિની વક્રતા તો જુઓ કે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને જનસંઘ સહિતનાં સંગઠનોના ૧૯૬૬ના ગોહત્યા વિરોધી આંદોલનમાં  સંસદભવન પાસેના કામરાજના ઘરને હિંદુવાદી સંગઠનોએ બાળી મૂક્યું હતું અને કામરાજ એ વેળા માંડ જાન બચાવી શક્યા હતા. એ જ  હિંદુવાદી સંગઠનો અત્યારે કામરાજના ખભે ચડીને દક્ષિણ ભારતમાં પગદંડો જમાવવા પ્રયત્નશીલ છે. દેશભરમાં ઉધારીના આયકનને સહારે અને કોંગ્રેસના નેતાઓના ટેકે વર્તમાન સત્તારૂઢ પક્ષ પોતાનો પ્રભાવ વિસ્તારવાનું પસંદ કરી રહ્યો છે.  મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ તથા ઇન્દિરા ગાંધી, લાલબહાદુર શાસ્ત્રી કે પછી મોરારજી દેસાઈના વંશજો વર્તમાન સત્તારૂઢ ભાજપમાં જોડાઈને સરકારમાં કે સંગઠનમાં હોદ્દાઓ ભોગવતા રહ્યા છે. એ પણ વિધિની વક્રતા જ ગણાય. મહાત્માના ત્રીજા પુત્ર રામદાસનાં દીકરી સુમિત્રા ગાંધી કુલકર્ણીને ભાજપ થકી જ રાજ્યસભામાં મોકલવામાં આવ્યાં હતાં.નેહરુ-ગાંધી ખાનદાનનાં મેનકા સંજય ગાંધી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની અગાઉની સરકારમાં મંત્રી રહ્યાં. અત્યારે મેનકા ગાંધી અને એમના પુત્ર ફિરોઝવરુણ ગાંધી ભાજપનાં લોકસભા સભ્ય  છે. શાસ્ત્રીજીનો પરિવાર કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વહેંચાયેલો છે. કોંગ્રેસમાં મંત્રીપદ કે સાંસદપદ ભોગવ્યા પછી શાસ્ત્રીજીના બીજા પુત્ર સુનીલ શાસ્ત્રી ભાજપ સાથે જોડાયેલા છે. એમના મોટાભાઈ અનીલ શાસ્ત્રી હજુ કોંગ્રેસમાં છે. દીકરી સુમનનો દીકરો સિદ્ધાર્થ નાથ સિંહ ઉત્તર પ્રદેશની ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રી છે. મોરારજી દેસાઈનો પ્રપૌત્ર મધુકેશ્વર ભાજપની યુવા પાંખનો અખિલ ભારતીય ઉપાધ્યક્ષ રહ્યો છે. મહાત્મા ગાંધી, લાલબહાદુર શાસ્ત્રી, કામરાજ કે મોરારજી દેસાઈનાં નામનો મતપ્રાપ્તિ માટે  તમામ રાજકીય પક્ષો ઉપયોગ ભલે કરતા હોય, પણ એમની સાદગી અને આદર્શોના અનુસરણને તો મહદઅંશે વર્તમાન શાસક અને વિપક્ષના નેતાઓ સાવ જ ભૂલીને સત્તા માટેના ગજગ્રાહમાં પોતાને સામેલ કરે છે. વચ્ચે વચ્ચે પંડિત દીનદયાળ ઉપાધ્યાય રસ્તા પર સલૂન ખોલનાર પાસે દાઢી કરાવતા કે પક્ષની બેઠકો  માટે ચટ્ટાઈ પાથરતા એ વાતો કરાય છે જરૂર, પણ પક્ષનાં અને ક્યારેક તો સરકારનાં કામોને આઉટસોર્સિંગ કંપનીઓ પાસે કરાવાય છે એ વાસ્તવિકતાને સ્વીકારવી પડે. ગાંધી, શાસ્ત્રી કે કામરાજની સાદગી માત્ર આધુનિક માર્કેટિંગ માટે જ વપરાતાં હોવાનું વધુ અનુભવાય છે.

તિખારો

હિંદના બંદા

અમે તો હિંદના બંદા, ઉઠાવ્યા સત્યના ઝંડા;

જુલમ-અન્યાય ની સામાં, અમારાં શિર છે ઊંચાં.

સિતમ છો આભથી વરસે, ભલે ખંજર હૃદય ચીરે;

ખવાબી ખલ્કની પરવા તાજી પ્યારા વતન માટે!

 

મરીશું સત્યથી લડતાં,ઉઘાડાં દ્વાર જન્નતનાં;

કદી કારાગ્રહે મરશું રિબાઈ તો ય શી પરવા ?

અમારી ભસ્મથી ઊઠશે, વીરોની ફોજની ફોજો;

રુધિરના બુંદ બુંદેથી, પ્રગટશે સત્યશૂર તનુજો !

 

અમારા ઉગ્ર તપ-તાપે પીગળશે પથ્થરો કાળા;

હૃદયસર પ્રેમધારાથી બૂઝાવશું જગતની જ્વાળા.

-     કલ્યાણજી વિ.મહેતા

 

ઈ-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૨ ઓક્ટોબર ૨૦૨૧)

No comments:

Post a Comment