Wednesday 14 July 2021

RSS and History Rewriting

 

સંઘની શતાબ્દી,ભાજપી શાસન અને  ઈતિહાસ પુનર્લેખન

અતીતથી આજ  : ડૉ.હરિ દેસાઈ

·         શાસકોને અનુકૂળ ઈતિહાસ લખવા માટે દરબારી ઈતિહાસકારો તૈયાર હોય છે

·         અભ્યાસક્રમ અંગે કકળાટ થયો થાય તો પણ વિશે જાહેર ચર્ચા થઇ શકે

·         વર્ષ ૨૦૨૫માં આરએસએસની શતાબ્દી ઉજવાય ત્યારે પણ એનું નીરક્ષીર થાય 

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian Daily(Surat) and Sardar Gurjari Daily (Anand). 14 July 2021.

દેશમાં ઈતિહાસ પુનર્લેખનની કામગીરી શરૂ થઇ રહી છે ત્યારે કેવો ઈતિહાસ લખાય છે એની જરા પ્રતીક્ષા અને સમીક્ષા કરવાની જરૂર ઊભી થઇ છે.એ પહેલાં ડાબેરી મનાતા ઈતિહાસકારોએ કાગારોળ મચાવવી શરૂ કરી દીધી છે. ઈતિહાસ લખાવાય ત્યારે એ વિશે છણાવટ થાય.  માત્ર વર્તમાન શાસકોને અનુકૂળ ઈતિહાસ લખાશે અને ભણાવાશે કે સત્યો તથા તથ્યો આધારિત ઈતિહાસ ભણાવાશે એ જોવું રહ્યું. શાસકોને અનુકૂળ ઈતિહાસ લખવા માટે દરબારી ઈતિહાસકારો તૈયાર હોય છે.અપેક્ષા કરીએ કે નવી પેઢીઓને સાચો અને તથ્યો આધારિત ઈતિહાસ ભણાવાય. નવાઈ તો એ છે કે ગુજરાતમાં અઢી દાયકાથી પણ વધુ સમયથી સત્તામાં બેઠેલાઓ જૂનો જ ઈતિહાસ ભણાવતા રહ્યા છે અને એમનાં આસ્થાસ્થાનો હજુ શાળા-કોલેજના અભ્યાસક્રમમાં સમાવાતાં નથી.  છેક ૧૯૬૭થી દેશનાં વિવિધ રાજ્યોમાં જે સંસ્થાના રાજકીય ફરજંદ સમા જનસંઘ કે ભારતીય જનતા પક્ષની સરકારો રહી હોય, જે સંસ્થાએ રાષ્ટ્રીય આપત્તિ ટાણે મન મૂકીને જનસેવા કરી હોય અને જેના રાજકીય ફરજંદ એવો ભાજપ દાયકા કરતાં વધુ સમયથી (વાજપેયીયુગ અને મોદીયુગ મળીને) દેશ પર રાજ કરતો હોય; એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના ઈતિહાસને શાળાઓ અને કૉલેજો તેમજ યુનિવર્સિટીઓમાં ભણાવવાથી ઓઝલ રાખવાનું કારણ સમજાતું નથી. હમણાં સંઘના મુખ્યાલયવાળા નાગપુરની તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીમાં એ ભણાવવાની માંગ ઊઠી એને પગલે ગુજરાતની યુનિવર્સિટીઓમાં પણ અનુસ્નાતક કક્ષાએ એનું પ્રકરણ ભણાવવાનું  સૂચવાયું. સૌરાષ્ટ્રમાં વિવાદ થયો અને પારોઠનાં પગલાં ભરાયાં. બાત કુછ હજમ નહીં હુઈ: દાયકાઓથી દેશનાં સામાજિક, રાજકીય અને અન્ય તમામ ક્ષેત્રોમાં પ્રભાવ પાડનારા સંઘના ઈતિહાસને ભણાવવાનો અમે છેલ્લા કેટલાક દાયકાઓથી ગાઇવગાડીને આગ્રહ કરતા રહ્યા છીએ. વર્ષોથી સમયાંતરે જનસંઘ અને એના નવઅવતાર ભાજપની સરકારો ધરાવતા રહેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં તો સંઘના  ઈતિહાસને પાઠ્યપુસ્તકોમાં દાખલ કરવાની જરૂર હતી, પરંતુ  નવાઈ એ વાતની છે કે સંઘના સ્વયંસેવકો જ શાસકો હોવા છતાં એમનાં રાજ્યોમાં પણ સંઘનો સાચો ઈતિહાસ ભણાવવામાં સંકોચ અનુભવે છે. ભારત પર ચઢાઈ કરીને કે વેપાર કરવા આવીને એને સદીઓ સુધી ગુલામ બનાવનારા શાસકોનો ઈતિહાસ ગર્વભેર ભણાવાય છે. યુરોપ અને અમેરિકાનો કે આફ્રિકી દેશોનો ઈતિહાસ પણ ભણાવાય છે; ઘરઆંગણે ભારતદ્રોહ કરીને અલાયદું પાકિસ્તાન મેળવનાર મુસ્લિમ લીગનો ઈતિહાસ ભણાવાય છે, કૉંગ્રેસ અને કમ્યૂનિસ્ટોનો ઈતિહાસ ભણાવાય છે; પણ મૂળ કૉંગ્રેસી ડૉ.કેશવ બલિરામ હેડગેવાર અને સાથીઓએ ૧૯૨૫માં સ્થાપેલા સંઘનો ઈતિહાસ ભણાવાય એ વિશે વિવાદ થવાની શક્યતા માત્રથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની શિક્ષણ સંસ્થાઓના અધિપતિઓ આઘા રહેવાનું પસંદ કરે છે!

અનેકાન્તવાદના સિદ્ધાંતને સ્વીકારીએ

ભારતીય સંસ્કૃતિમાં ભિન્ન મતનો આદર કરવાની પરંપરા પરાપૂર્વથી રહી છે. એ માટે પશ્ચિમી વિચારક વોલ્તેર સુધી લાંબા થવાની જરૂર નથી. ઘરઆંગણે જ ચાર્વાક ઋષિની ફિલસૂફી ઉપલબ્ધ છે જ. જૈન ધર્મની અનેકાન્તવાદની પરંપરા ભારતીય સંસ્કૃતિનો આત્મા છે. કાર્લ માર્ક્સના સાથી એન્જલ્સે અદ્વૈત વેદાંતમાંથી અમુક  ફિલસૂફીની ઉઠાંતરી કર્યાનું ભારતમાં કમ્યૂનિસ્ટ પક્ષના સંસ્થાપક શ્રીપાદ અમૃત ડાંગેએ જ નોંધ્યું હોય ત્યારે બીજા પુરાવાની જરૂર ક્યાં છે? ૧૯૨૫માં નાગપુરમાં ડૉ.હેડગેવાર અને બીજા ૨૫ જેટલા સાથીઓએ સંઘની સ્થાપના કરી હતી. આજે એ સંઘની શાખા-પ્રશાખાઓ વટવૃક્ષ બની દુનિયાભરમાં પ્રભાવ પાડી રહી છે. સંઘના પ્રથમ સરસંઘચાલક (પ્રમુખ) ડૉ.હેડગેવારની સાથેના સંસ્થાપક સરકાર્યવાહ (મહામંત્રી અથવા વહીવટી વડા) બાળાજી હુદ્દાર તો દેશના નામાંકિત કમ્યૂનિસ્ટ નેતા બન્યા હતા. એમના વિચારપરિવર્તન પછી પણ ડૉ.હેડગેવાર તેમને શીતશિબિરમાં વક્તા તરીકે તેડાવે એટલી મોકળાશ સંઘના સંસ્થાપકમાં હતી. જયારે ચર્ચાની મોકળાશને સીમિત કરી દેવાય કે ભિન્ન મતનો આદર કરવાનું ટાળવામાં આવે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય તેનું વરવું ઉદાહરણ ગુજરાત સરકારના અનુદાનથી જ વર્ષ ૨૦૦૬માં પુનઃપ્રકાશિત ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રંથ ૯માં રજૂ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામના રાજકીય પક્ષમાં જોવા મળે છે. આ સંદર્ભ ગ્રંથ કૉલેજો અને યુનિવર્સિટીઓમાં સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે અધિકૃત લેખાય છે. સરકારી અનુદાન મેળવતી પ્રતિષ્ઠિત ભો.જે.વિદ્યાભવન નામક સંશોધન સંસ્થાએ એનું પ્રકાશન કર્યું છે. એમાં સંઘના સ્થાપક ડૉ.હેડગેવાર જર્મનીમાં થોડો વખત રહ્યા અને ત્યાંના લોકોની શિસ્તથી પ્રભાવિત થઈને તેમણે આ સંસ્થા સ્થાપ્યાનું નોંધવામાં આવ્યું છે. પાછળથી હિંદુ જાતિના સંગઠન અને પુન:જીવન અને હિંદુ સંસ્કૃતિના સંરક્ષણ માટેના રાષ્ટ્રીય પક્ષ તરીકે એનો વિકાસ થયો.હકીકતમાં ડૉ.હેડગેવાર ક્યારેય જર્મની તો શું, ભારત બહાર ક્યાંય ગયા જ નહોતા. છોગામાં  સંઘ એ રાજકીય પક્ષ નથી. એ  સાંસ્કૃતિક સંગઠન તરીકેની પોતાની ઓળખ જાળવે છે. સંઘના સ્વયંસેવક સદગત સુંદરલાલ પટવા જયારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે એમના રાજ્યમાં ભણાવાતું હતું કે સંઘની સ્થાપના ડૉ.બી.એસ.મુંજેએ ૧૯૨૮માં કરી હતી!

કૌટિલ્યનું અર્થશાસ્ત્રભણાવો

આઝાદીના સાત દાયકા પછી પણ લૉર્ડ મૅકોલેને શિક્ષણ વ્યવસ્થા માટે ભાંડવાની પરંપરા અખંડ રહ્યાનું હાસ્યાસ્પદ લાગ્યા વિના રહેતું નથી. આઝાદી પછી કૉલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમ ઘડવા માટે સ્વદેશી નિષ્ણાતોનાં બૉર્ડ ઑફ સ્ટડીઝ કાર્યરત રહ્યાં છે. કેન્દ્ર કે રાજ્યમાં કોઈપણ પક્ષની સરકાર હોય, અધ્યાપકોના સમાવેશવાળા આ બૉર્ડની જવાબદારીમાં ભાગ્યેજ કોઈ દખલ થતી હોય છે. કેન્દ્ર સરકારની શિક્ષણ સંસ્થાઓ પ્રત્યેક રાજ્યમાં ભણાવવા અંગે માત્ર માર્ગદર્શિકા જ પાઠવે છે. એને અનુરૂપ અને સ્થાનિક સંજોગોને અનુરૂપ અભ્યાસક્રમ ઘડીને પાઠ્યપુસ્તક તૈયાર કરવાની જવાબદારી જે તે રાજ્યની છે. પાઠ્યપુસ્તક તૈયાર કરવામાં પણ વિષયના નિષ્ણાતો જ હોય છે. સરકારીતંત્ર તો માત્ર એના છાપકામ અને વિતરણ- જવાબદારી નિભાવે છે. આવા સંજોગોમાં શાસનવ્યવસ્થાના એટલે કે પૉલિટીનો ગ્રંથ નામે  કૌટિલ્યનું અર્થશાસ્ત્રનહીં  ભણાવવાના નિર્દેશો સાત દાયકા દરમિયાન કોઈ સરકારે આપ્યા નથી, છતાં અત્યારે પણ ભાગ્યે જ કોઈ યુનિવર્સિટીમાં, સંસ્કૃત જેવા વિષયમાં અલપઝલપ ભણાવાય તેને બાદ કરતાં, “અર્થશાસ્ત્રજેવા બેનમૂન ગ્રંથને ક્યાંય ભણાવવામાં આવતો નથી. એનાથી વિપરીત વિદેશોમાં એને ભાવથી ભણાવીને મૅકિયાવેલી કરતાં હજાર-બે હજાર વર્ષ પહેલાં થઇ ગયેલા આ વિદ્વાન અંગે ગહન સંશોધન થાય છે. દિલ્હી યુનિવર્સિટીમાં સંઘનો ઈતિહાસ ભણાવવાથી જાણે કે ધરતી રસાતાળ થઇ જશે, એવો ઉહાપોહ હમણાં મચાવાયો, એ સાવ જ અસ્થાને હતો. રાષ્ટ્રસંત તુકાડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીમાં એ અભ્યાસક્રમમાં દાખલ કરાય એ સામે ઝાઝો કકળાટ થયો નથી. જો થાય તો પણ એ વિશે  જાહેર ચર્ચા થઇ શકે. જે રીતે નવી શિક્ષણ નીતિના મુસદ્દા અંગે સમર્થકો અને વિરોધીઓનો મત જાણ્યા પછી જ નીતિને અંતિમ સ્વરૂપ અપાય એ આવકાર્ય છે, એમ જ સ્વસ્થ ચર્ચા કરીને સંઘના ઈતિહાસને ભણવવા સામે વાંધો શાને, એ જાણવું જરૂરી છે.માત્ર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા સાથે સંઘના નામની સંડોવણી કરીને વિવાદ મચાવનારાઓએ એ વિશે સરદાર પટેલના પત્રોમાં ઝળકતો મત વાંચી જવાની જરૂર ખરી. અહીં વ્યક્તિપૂજાનો પ્રશ્ન નથી. કૉંગ્રેસની સરકાર સંજય ગાંધી પર પાઠ દાખલ કરાવે કે લાલુ પ્રસાદ વિશેનો પાઠ એમના પુત્ર તેજસ્વી યાદવ  નાયબ મુખ્યમંત્રી હોય ત્યારે  બિહારમાં ભણાવાય એ સામે વિરોધ થઇ શકે; પરંતુ ભારતના રાજકીય ઘટનાક્રમમાં સંજય ગાંધી કે લાલુપ્રસાદના સમયગાળાને ભણાવાય તો એમાં ખોટું કશું જ નથી. ભારત સરકારની સંસ્થા  એનસીઈઆરટીનાં વર્ષ ૨૦૧૯માં પ્રકાશિત પાઠ્યપુસ્તકોમાં આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્ત્યારે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ગોધરા-અનુગોધરા રમખાણો સંદર્ભે રાજધર્મની તેમને આપેલી શીખ ભણાવાય જ  છે.

ગાંધીવાદી અને ક્રાંતિકારી લડવૈયા

આઝાદીની ચળવળમાં ગાંધીજીના અહિંસાના માર્ગે ચાલનારા સ્વાતંત્ર્યસૈનિકો સાથે જ શસ્ત્રો થકી ક્રાંતિ દ્વારા આઝાદી મેળવવાના માર્ગને અનુસરનારા પણ હતા. સંઘ આવા ક્રાંતિકારીઓનો પક્ષધર છે. ગાંધીજી અને ઝીણાના વિવાદ પછી દેશભરમાં મહાત્મા છવાઈ ગયા એ ૧૯૨૦નું કૉંગ્રેસનું નાગપુર અધિવેશન હતું. નાગપુર શહેર કૉંગ્રેસના સહમંત્રી તરીકે ડૉ.હેડગેવાર ૧૯૨૦માં નાગપુરમાં મળેલા કૉંગ્રેસના આ અધિવેશનની સ્વાગત સમિતિના ૫૧મા ક્રમના સભ્ય હતા. છેક ૧૯૩૭ સુધી એટલેકે મૃત્યુ અગાઉનાં ત્રણ વર્ષ પહેલાં સુધી નાગપુર કૉંગ્રેસના અગ્રણી રહેલા ડૉ.હેડગેવાર મહાત્મા ગાંધીના અનુયાયી તરીકે બબ્બે વાર સત્યાગ્રહમાં સહભાગી થતાં કારાવાસ પણ ભોગવી ચૂક્યા હતા. એટલું જ નહીં, ૧૯૨૯ના ડિસેમ્બરમાં લાહોર ખાતે પંડિત જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં મળેલા કૉંગ્રેસના અધિવેશનના પૂર્ણ સ્વરાજના ઠરાવનું પાલન કરીને તેમણે સંઘની પ્રત્યેક શાખાને ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ના રોજ પૂર્ણ સ્વરાજ દિવસ મનાવવા આદેશ આપ્યો હતો. વર્તમાન વડાપ્રધાન મોદીએ મુંબઈમાં બે દાયકા પહેલાં મારા જીવનમાં વળાંક લાવનાર પુસ્તકતરીકે ના.હ.પાલકરલિખિત  ડૉ.હેડગેવાર ચરિત્રપર અમારા સમકાલીન સાહિત્યોત્સવમાં જાહેર વ્યાખ્યાન આપ્યું હતું. આરએસએસના સંસ્થાપકની પાલકરલિખિત અધિકૃત જીવનકથા ઉપરાંત વર્તમાન સાંસદ પ્રા.રાકેશ સિંહાલિખિત અને આધુનિક ભારતના નિર્માતા  શ્રેણીમાં ભારત સરકારના પ્રકાશન વિભાગ દ્વારા ૨૦૧૬માં પ્રકાશિત  ડૉ.હેડગેવારની જીવનીમાં વિગતે નોંધવામાં આવ્યું છે કે  કોલકાતા મૅડિકલ કૉલેજમાં ભણતા હતા ત્યારે કેશવરાવ  ક્રાંતિકારીઓની ગુપ્ત સંસ્થા અનુશીલન સમિતિના  સભ્ય હતા. સિંહા નોંધે છે કે ૧૯૧૦-૧૫ના ગાળામાં હેડગેવાર જયારે પણ નાગપુર આવતા ત્યારે પોતાની સાથે ગુપ્ત રીતે શસ્ત્રો લઇ આવતા હતા. પોલીસ ચોકી પર બૉમ્બ ફેંકવાના કેસમાં એ પકડાયા પણ હતા, પણ નાની વયને કારણે છૂટી ગયા હતા. ડૉ.હેડગેવાર સંઘના સંસ્થાપક હતા અને એમના અનુગામી દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર  (ગુરુજી)એ સંઘની વિચારધારાને સ્થાપિત કરવાનું કામ બંચ ઑફ થૉટ્સથકી કર્યું એટલું જ નહીં, ભાજપનાં આસ્થાપુરુષ  ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી રાજકીય કારકિર્દી કોંગ્રેસથી શરૂ કરી હિંદુ મહાસભાના અધ્યક્ષ થયા પછી સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં જોડાયા હતા. ૧૯૫૧માં નેહરુ સરકારમાંથી છૂટા થયેલા ડૉ. મુકરજી સાથેની ચર્ચાવિચારણાને પગલે ગુરુજીએ  સંઘની રાજકીય પાંખ તરીકે ભારતીય જનસંઘની સ્થાપના કરાવી હતી. પ્રથમ લોકસભામાં ડૉ.મુકરજી સહિત માત્ર ૩ સભ્યોથી શરૂઆત કરનાર સંઘનિષ્ઠ રાજકીય પક્ષનો નવઅવતાર ભાજપ આજે ૫૪૩માંથી ૩૦૩ બેઠકો ધરાવે છે. ગઈ લોકસભા ચૂંટણીમાં એને ૨૮૨ બેઠકો મળી હતી. ઉપરાંત દેશનાં ૧૨-૧૩ રાજ્યોમાં તેના મુખ્યમંત્રી હોય અને બીજાં મોટાભાગનાં રાજ્યોમાં તેના મિત્ર પક્ષોની સરકારો હોય એ ઓછી ઉપલબ્ધિ નથી.આટલી મોટી હરણફાળ ભરનાર રાજકીય પક્ષની માતૃસંસ્થાના  ઈતિહાસને ભણાવવામાં સંકોચ કરવો કે વાંધાવચકા કરવામાં આવે એને કમનસીબ ઘટનાક્રમ જ લેખાવવો ઘટે. માત્ર સમર્થકોએ જ નહીં, લોકશાહી મૂલ્યોના પુરસ્કર્તાઓએ પણ ૨૦૨૫માં શતાબ્દી ઉજવાનારા આરએસએસના ઈતિહાસને ભણાવવા બાબતે ચિંતન કરીને એના અમલીકરણની દિશામાં આગળ વધવાની અનિવાર્યતા છે.ભારતીય પરંપરામાં ડિબેટ તો અનિવાર્ય લેખાય છે.મતભિન્નતા પણ રહે. એ માટે મોકળાશ પણ હોવી ઘટે.

ઈ-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ; ૧૨ જુલાઈ ૨૦૨૧)

 

No comments:

Post a Comment