Sunday 11 July 2021

Co-op Ministry and Politics

 

વિના સહકાર ચૂંટણીમાં નહીં ઉદ્ધાર

કારણ-રાજકારણ: ડૉ.હરિદેસાઈ

·         કેન્દ્રમાં સહકાર મંત્રાલયનો મધપૂડો

·         નેહરુ-સરદારના મોડેલમાં સરકાર

·         વિદેશી છોડને દેશી ખાતર-પાણી

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar Daily’s weekly supplement “UTSAV”. 11 July 2021. 

તાજેતરમાં જ કેન્દ્ર સરકારના ચૂંટણીલક્ષી વિસ્તરણ પૂર્વે જ કેન્દ્રીય સહકાર મંત્રાલયની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રચના કરીને અને એ મંત્રાલય ગૃહમંત્રી અમિત શાહને સોંપીને અનેકોને ચોંકાવી દીધા છે. એટલું જ નહીં, માથે વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ની વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પછીના વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહ્યા સાથે પણ નવા મંત્રાલયનો સંબંધ હોવાનું બહુ સ્પષ્ટ થઇ ગયું છે. અત્યાર લગી સહકાર ક્ષેત્રના વસંતદાદા પાટીલ જેવા  મહારથીઓને સહકાર મહર્ષિ ગણાવવામાં આવતા હતા, હવે કેન્દ્રમાં સહકાર મંત્રી અમિત શાહને માટે નવું વિશેષણ “સહકાર ક્ષેત્રના શિલ્પી”વપરાવા માંડ્યું છે.મહારાષ્ટ્રમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હતા ત્યારે પણ સહકારી ક્ષેત્ર પર કોંગ્રેસ કે રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતાઓનો ડંકો વાગતો રહ્યો છે.સહકારી ક્ષેત્રના સૂત્રધારો સાખર સમ્રાટ ગણાતા રહ્યા છે.તેઓ  સંસદસભ્ય કે ધારાસભ્ય તરીકે ચૂંટાઈ કેન્દ્ર કે રાજ્યમાં મુખ્યમંત્રી કે મંત્રીતરીકે સત્તાનો ભોગવટો કરતા રહ્યા છે.  વિધાનસભામાં  કુલ ૨૮૮માંથી ૧૫૦ જેટલા ધારાસભ્યો સહકાર ક્ષેત્રમાંથી આવતા હોય ત્યારે સ્વાભાવિક રીતે જ નિધિ અને વોટ બેંક પર તેમનો પ્રભાવ હોવાનું સ્પષ્ટ થાય છે. કેન્દ્રમાં સહકાર મંત્રાલયની સ્થાપનાના ભણકારા વાગતા હતા ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસના સર્વોચ્ચ શરદ પવારે એ વિશે પોતાનો પરોક્ષ વિરોધ કરવાની શરૂઆત કરી દીધી હતી. સહકાર ખાતાનો અખત્યાર ગૃહમંત્રી અમિત શાહને સોંપાવાની સાથે જ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી અને કોંગ્રેસના પ્રભાવને સહકાર ક્ષેત્રમાંથી ખાળવા કારસો રચાયાનો અહેસાસ નાયબ મુખ્યમંત્રી અજિતદાદા પવારને થયો. એમણે કેન્દ્રને પોતાના કેન્દ્રીય વિષયો સંભાળવા અને સહકાર ક્ષેત્રને જે તે રાજ્યને સંભાળવા દેવાની હાકલ કરી.મહારાષ્ટ્રમાં ૧૨ પ્રકારની સહકારી મંડળીઓ છે. તેમાં ૪૯૮ નાગરિક સહકારી બેંકો, ૩૧ જિલ્લા સહકારી બેંકો,સંખ્યાબંધ સાખર કારખાનાં,કાપડ વણાટ મિલો, ગૃહનિર્માણ મંડળીઓ સહિત રાજ્યની સહકારી મંડળીઓ છ કરોડ સભ્યો ધરાવે છે. ગુજરાત સહિતનાં રાજ્યોમાં પણ આવું જ નેટવર્ક છે.  જોકે આગામી ચૂંટણીઓ માટે પોતાના વિરોધીઓના  નિધિ અને મતબેંક સૂકવવા માટે કેન્દ્રમાં શાસન કરતા ભાજપને સહકાર અને ગૃહ મંત્રાલયનો સંગમ કામ લાગવાનો છે. સત્તામાં રહેવા કેટલાક શરણાગતિ સ્વીકારી ચૂક્યા છે. માથે લટકતી તલવાર હોય ત્યારે કેટલી વિકેટો હજુ પડશે એ જોવાનું છે.

સહકારનું ગુજરાત મોડેલ

ગુજરાતમાં પહેલાંથી સહકાર ક્ષેત્ર ખૂબ ફૂલ્યુંફાલ્યું  હતું. હવે એના પર વર્તમાન રાજકીય શાસકોનો પ્રભાવ સ્થપાઈ ચૂક્યો છે. આ જ ગુજરાત મોડેલ હવે રાષ્ટ્રીય કક્ષાએ અમલમાં આવતું જણાય છે. કેન્દ્ર સરકાર અત્યાર લગી બહુરાજ્યીય સહકારી બેંકો કે અન્ય સહકારી સંસ્થાઓ માટે કાયદો બનાવીને એને નિયંત્રિત કરતું હતું. હવે એનો વ્યાપ વધારવામાં સહકાર ક્ષેત્રમાં સરકારની દખલગીરી વધવાની શક્યતા રહે છે. શ્વેત ક્રાંતિના જનક ડૉ.વર્ગીસ કુરિયન કે ગુજરાતની અપેક્ષ બેંકના અધ્યક્ષ રહેલા જયરામભાઇ પટેલ  જેવાને સ્વર્ગેથી  અત્યારની  અમૂલ, દૂધ સાગર, બનાસ  સહિતની સહકારી ડેરીઓ કે અપેક્ષ બેંક સહિતની સહકારી બેન્કોમાં વર્તમાન  સરકાર પક્ષના અગ્રણીઓના વધેલા ચલણથી કેવી અનુભૂતિ થતી હશે એ કલ્પના કરવાની જરૂર ખરી.ગુજરાતના ભાવનગરના વતની એવા વૈકુંઠ મહેતા જેવા સહકાર ક્ષેત્રના મહારથીને તો લગભગ ભૂલાવી દેવાયા છે. એમ તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના માર્ગે ચાલનારા એમના પટ્ટશિષ્યો પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ તથા પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ જેવાએ સહકાર ક્ષેત્રની જે શીખ ગૂંજે બંધાવી હતી એ સાધનશુદ્ધિને ક્રમશઃ સહકાર ક્ષેત્રમાં લૂણો લાગતો ગયો. હવે સાધનશુદ્ધિ ઝાઝી જોવા મળતી નથી. છાસવારે સહકારી ડેરી કે બેન્કના ચેરમેન સહિતના મહારથીઓ કરોડો કે અબજોનાં કૌભાંડોમાં જેલવાસી થઇ રહ્યાના વાવડ આવ્યા કરે છે. સરકારી ક્ષેત્ર સહકાર ક્ષેત્રથી દૂર રહે એ પરંપરા પણ લુપ્ત થવા માંડી છે. સત્તામાં આવવા કે સત્તા ટકાવવા માટે સહકારી ક્ષેત્રનાં સાખર કારખાનાં, બેંકો કે પછી ડેરીઓ સહિતની સહકારી મંડળીઓ કામે લાગે છે. સરકારી અધિકારીઓ સત્તાધીશોના ઈશારે સહકાર ક્ષેત્રમાં ધાર્યું કરાવવા માંડ્યા છે. કાળાં મેંઢાં જે ક્ષેત્રમાં હોય તેમની સામે પગલાં લેવામાં આવે એમાં કશું ખોટું નથી, પણ બધાને એક જ લાકડીએ હાંકવાની રાજકીય સત્તાધીશોની વૃત્તિ-પ્રવૃત્તિ સહકાર ક્ષેત્રની પાયાની વિભાવનાથી વિપરીત છે.

સહકારનો વિચાર વિદેશી

સ્વહિત માટે લોકો દ્વારા રચવામાં આવતાં વેપારી સંગઠનનું એક સ્વરૂપ, સહકારી સંગઠન, વ્યક્તિગત માલિકી,ભાગીદારી પેઢી, સંયુક્ત મૂડી, કંપની કે રાજ્ય સંચાલિત વેપારી-ઔદ્યોગિક સાહસો જેવું જ એક ધંધાદારી સાહસ છે. જોકે તેના ઉદ્દેશો અને કાર્યપદ્ધતિની બાબતમાં તે અન્ય ધંધાદારી સંગઠનોથી જુદું પડે છે. ઈંગ્લેન્ડમાં ૧૮૪૪માં સ્થપાયેલા અને રોકડેલ પ્રણેતાઓએ શરૂકરેલા ટોડલેન સ્ટોર્સથી ગ્રાહક સહકારી પ્રવૃત્તિનો આરંભ થયો.તેમાં આરંભમાં ૨૮ સભ્યો જોડાયેલાં અને તે પ્રત્યેકે એક એક પાઉન્ડ રોકીને ૨૮ પાઉન્ડનું શેર ભંડોળ ભેગું કરેલું.સહકારી ધોરણે અસ્તિત્વમાં આવેલો આ એક ગ્રાહક ભંડાર હતો.ઇંગ્લેન્ડની જેમ સ્વીડન વગેરે અન્ય દેશોમાં પણ ૧૮૭૦ પછીનાં વર્ષોમાં ગ્રાહક સહકારી પ્રવૃત્તિ વિસ્તરી. સહકારી ધોરણે વેપારી-ઉત્પાદક પ્રવૃત્તિ હાથ ધરવા માટેનું બીજું ક્ષેત્ર ધિરાણનું છે.દા..જર્મનીમાં યહૂદી શાહુકારોની શોષણખોરી તથા શહેરોમાંના કામદારો, નાના વેપારીઓ વગેરેની કારમી હાલત જોઇને જર્મનીમાં બે પરોપકારી સજ્જનો રેફિસને ૧૮૪૮માં અને શુલ્ત્ઝે ૧૮૪૯માં અનુક્રમે ગ્રામ અને શહેરી વિસ્તારમાં પ્રાથમિક ધિરાણ મંડળીની સ્થાપના કરી સહકારી ધિરાણ પ્રવૃત્તિનો આરંભ કર્યો.ભારતમાં સહકારી પ્રવૃત્તિનો આરંભ ૧૯૦૪માં કરવામાં આવેલાં સહકારી ધિરાણ મંડળીના કાયદાથી થયો. તે અગાઉ ૧૯૦૧માં દુષ્કાળ પંચે ખેતીના ક્ષેત્રે ધિરાણ માટે સહકારી સંસ્થાઓની  સ્થાપનાની ભલામણ કરી હતી.૧૯૦૪ના કાયદાને ૧૯૧૨માં  સુધારીને તેને સર્વગ્રાહી સ્વરૂપ આપવામાં આવ્યું.એ કાયદાથી દેશમાં સહકારી પ્રવૃત્તિને સારું પ્રોત્સાહન મળ્યું. જોકે સહકારી ક્ષેત્ર સામાન્ય પ્રજાના હિતમાં સહકાર અને સમાનતાની ભાવનાથી આગળ વધારવાની દિશામાં ક્યારેક અમુક વગદાર માણસોના કબજા હેઠળ આવતું રહ્યું. તેઓની ગેરરીતિઓને નાથવા માટે સરકારોએ દરમિયાનગીરી કરવી પડી. રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવના માધ્યમથી દંડૂકાશાહીનો ઉપયોગ સહકાર ક્ષેત્રની પ્રભાવી વ્યક્તિઓને નાથવા માટે થવા માંડ્યો. જોકે મારે તેની તલવાર જેવા સૂત્રને સાર્થક કરવાના પ્રયાસોમાં સહકાર ક્ષેત્ર નામની દૂઝણી ગાય ક્યારેક વસૂકી જાય ત્યાં લગી દોહવાતી ગઈ. જોકે સહકાર ક્ષેત્રનો હેતુ સાધનશુદ્ધિનો રહે તો એ સામાન્ય પ્રજાનું ભલું કરે. વિના સહકાર નહીં ઉદ્ધાર એ સૂત્ર ગામડે ગામડે ચલાવાતી સહકારી મંડળીઓ અને સહકારી સંઘોના હેતુનો પડઘો પાડે છે. આજકાલ આ ક્ષેત્ર ચૂંટણીલક્ષી પ્રભાવ પાથરવાનું પ્રભાવી માધ્યમ બન્યું છે. કેન્દ્રમાં સહકાર મંત્રાલય શરૂ થાય એટલે એના હેતુ સ્પષ્ટ થાય એ પહેલાં જ કાગારોળ મચાવવી વહેલી ગણાશે. એના કામકાજને નિહાળીને એ અંગે પ્રત્યાઘાત વાળવાની જરૂર ખરી.    દરમિયાન,ગુજરાતી વિશ્વકોશના ૨૨મા ખંડમાં જાણીતા અર્થશાસ્ત્રી પ્રા.રમેશ શાહે નોંધેલા શબ્દોને અહીં ટાંકવાની લાલચ ખાળી  શકાતી નથી: “છ દાયકા પૂર્વે અખિલ ભારતીય ગ્રામ ધિરાણ તપાસ સમિતિએ જે અવલોકન કર્યું હતું તે આજે પણ થઇ શકે તેમ છે: સહકારી પ્રવૃત્તિ વિદેશથી આવેલો એક એવો છોડ છે, જેનાં મૂળ આ દેશની ભૂમિમાં ચોંટતાં નથી અને સરકારે તેને ટકાવી રાખવો પડે છે.

તિખારો

જેને જેનું કામ નહિ,

તે નહિ ખરચે દામ,

જો હાથી સસ્તો મળે,

ગરીબને શું કામ?

જેને જ્યાં ગ્રાહક મળે,

તો ત્યાં ઉપજે  મૂલ.

હીરો પણ ગ્રાહક વિના

રખડે કિંકર તુલ્ય.

-     કવિ દલપતરામ ડાહ્યાભાઈ (કદડા)

-     ઈ-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૧૦ જુલાઈ ૨૦૨૧)

No comments:

Post a Comment