Wednesday 2 June 2021

Sardar Patel and Modi on IAS

 

સરદાર પટેલની સનદી સેવાની વિભાવનાનું શીર્ષાસન

અતીતથી  આજ: ડૉ.હરિ દેસાઈ

·         ભારતને આઝાદી પછી અખંડ રાખનારી  કેન્દ્રીય સેવાઓના માળખાને તોડનારું મોદી-મમતા રાજકારણ

·         આઇએએસના સંસ્થાપક ગૃહમંત્રી વલ્લભભાઈએ તો સચિવોને વિરોધી મત વ્યક્ત કરવા આપેલી છૂટ

·         લાલુના જોડાની દોરી બાંધનારા કે મોદીને ચરણસ્પર્શ કરનારા આઇએએસ અધિકારી સેવાનિયમ તોડે છે

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian Daily of Surat and Sardar Gurjari Daily of Anand. 

છાસવારે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ વટાવનારા રાજકીય શાસકો દેશના આ મહાન સપૂતે આચરણમાં મૂકેલી શાસન વ્યવસ્થા અને આચારસંહિતાની છડેચોક હાંસી ઉડાવી રહ્યાનું તાજું ઉદાહરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી વચ્ચે ચાલી રહેલા “નિવૃત્ત” છતાં માત્ર ત્રણ મહિનાનો મુદતવધારો મેળવનાર  મુખ્ય સચિવ અલ્પન બંદોપાધ્યાય માટે દિલ્હી હાજર થવાના છૂટેલા આદેશમાં જોવા મળે છે.કેટલાક નિવૃત્ત અધિકારીઓને વર્ષો સુધી સરકારી હોદ્દે જાળવનાર શાસકોએ પશ્ચિમ બંગાળમાં કોવિડ-૧૯ મહામારી સામેના જંગના પ્રભારી એવા મુખ્ય સચિવ માટે મમતાદીદીએ છ મહિનાનો મુદત વધારો માંગ્યો, પણ મંજૂરી મળી માત્ર ત્રણ મહિનાની ! કેન્દ્રીય સેવાઓના જનક સરદાર પટેલે બંધારણ સભામાં આવા સનદી અધિકારીઓનું સ્વાભિમાન જાળવવા અને એમને મોકળા મને પોતાનો મત વ્યક્ત કરવા દેવાનો અભિગમ અપનાવ્યો હતો. કમનસીબે રાજ્યોમાં નિયુક્ત આઇએએસ   અને આઇપીએસ અધિકારીઓ પોતાના કહ્યાગરા થઈને ના વર્તે તો તેમને દંડિત કરવાની નીતિરીતિ વર્તમાન કેન્દ્ર સરકારે આદરી છે. ૩૧ મે ૨૦૨૧ (સોમવાર)ના રોજ ૬૦ વર્ષના થતાં  સત્તાવાર રીતે નિવૃત્ત થનાર પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ વડાપ્રધાનની સાથેની ૨૮ મેની  “યાસ” વાવાઝોડા નુકસાની સમીક્ષા બેઠકમાં હાજર ના રહ્યા. મુખ્યમંત્રી મમતા પણ અડધો કલાક  મોડાં પહોંચી નુકસાનીના અંદાજ રજૂ કરીને નીકળી ગયાં. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની સમિતિએ “૩૧ મે ૨૦૨૧ના રોજ મુખ્ય સચિવને  દિલ્હીમાં હાજર થવાનો આદેશ છોડ્યો. મુખ્યમંત્રી મમતા અને વડાપ્રધાન મોદી વચ્ચેના રાજકીય સંઘર્ષમાં સનદી અધિકારીઓને બલિના બકરા ના બનાવાય અને આવા આદેશ પાછા ખેંચાય એવી વિનંતી મુખ્યમંત્રીએ કર્યા પછી પણ કેન્દ્ર અડગ રહેવા ઉપરાંત સમગ્ર પ્રકરણને કેટ અને વડી અદાલતમાં લઇ જવાની પૂર્વધારણા સાથે કેન્દ્ર સરકારે  કેવિયેટ પણ નોંધાવી છે. અગાઉ ૨૦૧૯માં પશ્ચિમ બંગાળના ત્રણ આઇપીએસ અધિકારીઓને એકાએક દિલ્હીમાં હાજર થવાનું જણાવ્યું હતું, પણ એ વેળા પણ મમતા કેન્દ્રને વશ થયાં નહોતાં અને અધિકારીઓને છૂટા કર્યા નહોતા. હકીકતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે આવી મડાગાંઠ સર્જાય એ દેશના સંઘીય માળખાને માટે સારી નથી.હકીકતમાં રાજ્યોમાં નિયુક્ત કેન્દ્રીય પ્રશાસનિક સેવાના અધિકારીઓ સામે કેન્દ્ર શિસ્તભંગની કાર્યવાહી કરી શકે નહીં, પરંતુ કાયદાકીય છટકબારીનો ઉપયોગ કરીને રાજકીય ચડસાચડસીમાં અધિકારીઓને પજવવામાં આવે એવું બને. કેન્દ્ર અને રાજ્ય   બંને વચ્ચે ચર્ચા વિચારણાથી ઉકેલ લાવવામાં આવે એ જ યોગ્ય છે.કોલકાતામાં આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં  ૨૦૦ બેઠકો મેળવીને સત્તામાં આવવાની ભાજપની મહેચ્છા પરિપૂર્ણ નહીં થતાં હવે વેરની વસુલાતનું રાજકારણ શરૂ થયું છે.

વલ્લભભાઈ પટેલની ભૂમિકા

બ્રિટિશ શાસનમાં આઇસીએસ અને આઈપીને સ્થાને આઇએએસ અને આઇપીએસ સેવાઓ શરૂ કરવા માટે સરદાર પટેલે ઓક્ટોબર ૧૯૪૬માં એ  વચગાળાના ગૃહ-સભ્ય (મંત્રી) હતા ત્યારે જ દેશના પ્રાંતોના પ્રીમિયરો (મુખ્યમંત્રીઓ)ની બેઠક બોલાવી હતી. એ જ અનુસંધાને બંધારણસભામાં ૧૦ ઓક્ટોબર ૧૯૪૯ના ભાષણમાં એ વેળાના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી  વલ્લભભાઈ પટેલે કહેલા શબ્દોને મઢાવીને રાખવા જેવા છે.૨૧ એપ્રિલ ૧૯૪૭ના રોજ આઇએએસ પ્રોબેશનર્સને સરદાર પટેલે મેટકાફે હાઉસ ખાતે સંબોધ્યા હતા. વર્ષ ૨૦૦૮થી ૨૧ એપ્રિલને સનદી સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.એનાં ભાષણો સરદારની ભૂમિકા સાથે મેળ ખાતાં નથી.   પટેલને કહ્યાગરા સનદી અધિકારીઓ ખપતા નહોતા, પરંતુ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીથી આજ લગી કેન્દ્રના શાસકોને કહ્યાગરા સનદી અધિકારીઓ (બ્યૂરોક્રસી) જ નહીં, કહ્યાગરી ન્યાયપાલિકા (જ્યુડિશિયરી) પણ  ખપતી રહી છે. જોકે આ અભિગમ સનદી સેવાની સ્થાપના કરનાર પટેલની ભૂમિકાથી એકદમ વિપરીત છે. રાજકીય શાસકો તો બદલાતા રહે, પણ કાયમી બ્યૂરોક્રસીને ખરા અર્થમાં “કસ્ટોડિયન ઓફ સ્ટેટ ઇન્ટરેસ્ટ” ગણવામાં આવે છે. રાજકીય શાસકો અને આ પ્રશાસકો રાષ્ટ્રીય હિતમાં કામ કરે એ અપેક્ષિત છે એટલા માટે સનદી અધિકારીઓને અનુચ્છેદ ૨૮૩ (અ) અન્વયે  બંધારણીય સુરક્ષા કવચ અપાયેલું છે. ભ્રષ્ટ અને અપ્રામાણિક અધિકારીઓને સહી નહીં લેવાની ભૂમિકા રજૂ કરનાર  સરદારે બંધારણ સભામાં કહેલા શબ્દો કંઈક આવા હતા: ”તમારે કાર્યક્ષમ અખિલ ભારતીય સેવા જોઈતી હશે તો તેમને મોકળાશથી પોતાના વિચારો રજૂ કરવા દેવા પડશે.આપ પ્રીમિયર-મુખ્યમંત્રી હો તો તમારે તમારા સચિવ કે મુખ્ય સચિવ કે અન્ય સેવાઓને  ડર કે પક્ષપાત  વિના તેમને પોતાનો  મત વ્યક્ત કરવા દેવો પડશે. જોકે હું કેટલાક પ્રાંતોમાં ‘તમે તો નોકર છો અને તમારે અમારા આદેશ અમલમાં મૂકવા જ પડશે’ એવું વલણ જોઉં છું. જો તમારી અખિલ ભારતીય સેવાને બોલવાનું સ્વાતંત્ર્ય નહીં હોય,તમે  શબ્દપાલન કરશો એવી સલામતી નહીં હોય  તેમ જ સંસદમાં એમના અધિકારો અને વિશેષાધિકારની રક્ષા નહીં થાય તો સારી અખિલ ભારતીય સેવા નહીં રહે અને ભારત સંઘ તથા સંગઠિત ભારત નહીં રહે. જો આ માર્ગને તમે અપનાવી ના શકો તો આ બંધારણને અનુસરશો નહીં. એને બદલે અન્ય કોઈ બંધારણ અમલી  બનાવશો. કોંગ્રેસનું બંધારણ કે અન્ય કોઈ બંધારણ અમલી બનાવશો કે પછી આર.એસ.એસ.નું બંધારણ અમલમાં લાવી શકો, પણ આ બંધારણ તો નહીં જ.”  સરદાર પટેલે દેશની એકતા જાળવવા માટે અખિલ ભારતીય સનદી સેવા અપેક્ષિત લેખી હતી. એ રાજનેતાઓની કહ્યાગરી નહીં ,પણ બંધારણને વફાદાર અને રાષ્ટ્રને સમર્પિત હોય એવું માન્યું હતું. સરદારે તો ગાઈવગાડીને કહ્યું હતું કે મેં મારા સચિવોને મારા કરતાં પણ જુદો મત ધરાવતા હોય તો એ ફાઈલ પર મૂકવાની મોકળાશ આપી છે.

વર્તમાન ચિત્ર કેવું છે

પ્રશ્ન માત્ર અખિલ ભારતીય સનદી સેવાઓનો જ નથી. બંધારણીય સંસ્થાઓને પણ લૂણો લાગ્યો છે.  સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધો જળવાય એ પરંપરા પણ તૂટતી જાય છે. અધિકારીઓ સત્તાપક્ષના કહ્યાગરા કે રાજકીય પક્ષના સભ્ય હોય એ રીતે વર્તવા માંડે અને નિવૃત્તિ પછી રાજકીય નિમણૂકો મેળવવા કે મુદતવધારા માટે રાજકીય નેતાગીરીને અનુકૂળ કામો કરવા માંડે ત્યારે સનદી સેવાને લૂણો લાગવો સ્વાભાવિક છે. મુંબઈમાં હિન્દુસ્તાની આંદોલનવાળા અમારા વડીલમિત્ર મધુ મહેતાએ એકવાર લેફ્ટનન્ટ જનરલ એસ.કે.સિંહા સાથે મુલાકાત કરાવી હતી.  સિંહાએ કહ્યું હતું કે મુખ્યમંત્રી લાલુપ્રસાદના જોડાની દોરી કોઈ આઇએએસ અધિકારી બાંધતો  હોય કે એમની સિગારેટ સળગાવી દેતો હોય તો એનાથી તટસ્થ નિર્ણયની અપેક્ષા કઈ રીતે કરી શકાય? અમરેલીના કલેકટર તરીકે ડી.જી.ઝાલાવાડિયા હતા ત્યારે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ૧ મે ૨૦૦૮ના રોજ આવેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ચરણસ્પર્શ કરીને એમણે આઇએએસ અધિકારીઓના  સેવા નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. ચૂંટણી પંચે એની ગંભીર નોંધ લઈને એમને એપ્રિલ ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાંની જવાબદારીમાંથી દૂર કર્યા હતા. હવે તો આવા ઘણા આઇએએસ કે અન્ય અધિકારીઓ રાજકીય નેતાઓની કૃપા મેળવવા માટે કંઈ પણ કરવા તૈયાર થાય છે. રાજનેતાઓને અનુકૂળ અધિકારીઓને સારી જગ્યા પર નિમણૂક મળે અને બીજાઓને દંડાત્મક જગ્યાઓ પર ફેંકી દેવાય એવું પણ બને. નિવૃત્તિ પછી મુદતવધારો મેળવવાની અપેક્ષાએ મોટાભાગના અધિકારી રાજકીય શાસકોની ગુડબુકમાં રહેવા પ્રયત્નશીલ રહે છે. કેટલાક તો જે તે રાજકીય પક્ષોની ટિકિટ મેળવીને વિધાનસભે કે લોકસભે જાય છે. દેશના મુખ્ય ન્યાયાધીશો કે લશ્કરી વડાઓ પણ રાજ્યસભા, લોકસભા કે વિધાનસભામાં  જવા આતુર હોય ત્યારે ભારતીય લોકશાહી અને સ્વસ્થ પરંપરાઓ તૂટતી અનુભવાય છે. એક લશ્કરી વડા રાયચૌધરી માર્કસવાદી પક્ષના સાંસદ હતા તો બીજા વી.કે.સિંહ ભાજપના નેતા તરીકે અત્યારે કેન્દ્રમાં મંત્રી છે. અગાઉ દેશના મુખ્ય ન્યાયાધીશો કે “કેગ” નિવૃત્તિ પછી રાજ્યસભે ગયા છે. કોંગ્રેસના શાસનમાં આવું થતું હતું એવું કહીને ભાજપના શાસનમાં પણ એવું જ ચાલુ છે. જોકે કોંગ્રેસે કર્યું એ પણ યોગ્ય નહોતું અને અત્યારે થાય એ પણયોગ્ય ના લેખાય. નાગરિક તરીકે કોઈ મિશ્રા, સત્યશિવમ કે ગોગોઈ કે પછી ચતુર્વેદી કે ગીલને  કાયદાકીય રીતે નિવૃત્તિ પછી રાજ્યસભામાં બેસવાનો કે કોઈ રાજ્યના રાજ્યપાલ થવાનો બાધ ભલે ના હોય, નૈતિક રીતે તો  એ યોગ્ય નથી જ.

ઈ-મેઈલ: haridesai@gmail.com   (લખ્યા તારીખ: ૩૦ મે ૨૦૨૧)

 

No comments:

Post a Comment