Sunday 30 May 2021

From Economic Crisis to Development

 

આઝાદીના સમયનાં મહાસંકટ પાર કરીને વિકાસની હરણફાળ

ઈતિહાસ ગવાહ હૈ: ડૉ.હરિ દેસાઈ

દિવ્યભાસ્કર ડિજિટલ. રંગત સંગત. રવિવાર ૩૦ મે  ૨૦૨૧

·         ૧૯૬૨માં ચીની આક્રમણની કાળી ટીલી ભલે અંકિત થઇ  હોય, ૧૯૬૭માં ચીનના દાંત ખાટા કર્યા હતા  

·         આઝાદી ટાણે પશ્ચિમ પાકિસ્તાનથી ૪૯ લાખ અને પૂર્વ પાકિસ્તાનથી ૨૬ લાખ વિસ્થાપિત લોકો આવ્યા

·         ઈમરજન્સી માટે ઇન્દિરા ગાંધી  બદનામ ભલે થયાં હોય, પણ એમણે  સિક્કિમ દેશને  ભારતમાં ભેળવ્યો

·         ચંદ્રશેખરે ૨૧ ટન સોનું વેચવું પડ્યું, મનમોહને ૩૦૦ બિલિયન ડોલર વિદેશી હૂંડિયામણ વારસામાં આપ્યું

વેબ લિંક: https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/the-boom-of-development-by-overcoming-the-great-crisis-of-the-time-of-independence-128538476.html

તૈયાર ભાણે બેસવું બહુ સરળ છે.મહાત્મ્ય પાયાના પથ્થરોનું છું. જોકે એ સમય જતાં ઇતિહાસની ગર્તામાં દબાઈ જતા હોય છે અને એમના માથે ચણાતી ઈમારતની ટોચે ધજા ફરકાવનારાઓને મહત્વ મળે છે. ચોફેરનાં  સંકટના સમયમાંથી દેશને ઉગારાનારાઓનો ઋણસ્વીકાર ના કરીએ તો પ્રજા તરીકે આપણે  નગુણા ગણાઈએ. ઢોરને ખાવા માટેના અમેરિકી ઘઉં આયાત કરીને પ્રજાનું પેટ ભરવાના એ સંજોગો હતા. ક્યારેક વિદેશી હૂંડિયામણ કે સોનાની અનામતના વાંધા હતા. ઉદ્યોગો નહીંવત હતા છતાં  ભાખરાનાંગલ ડેમ જેવાં “ભારતનાં આધુનિક મંદિરો” બાંધવા માટે નાણાના સંકટ વચ્ચે પણ વડાપ્રધાન પંડિત નેહરુ-સરદાર પટેલની દીર્ઘ દ્રષ્ટિથી આયોજનો કરાયાં હતાં. સામાન્ય રીતે ગૃહ  મંત્રાલય કે દેશી રિયાસત ખાતાના કેન્દ્રીય મંત્રી તરીકે વધુ ચર્ચામાં રહેલા સરદાર પટેલે દેશના વહીવટ  માટે આઇએએસ કે આઈપીએસ જેવી સનદી સેવાઓ શરૂ કરાવી, અત્યાધુનિક વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓનાં ઉદઘાટન કરાવ્યાં કે ઓલ ઇન્ડિયા રેડિયો -આકાશવાણી પર કોમી એખલાસને મજબૂત કરવા માટે ઉર્દૂ સેવા શરૂ કરાવી કે માહિતી અને પ્રસારણ ખાતાનું ઉર્દૂ સામાયિક “આજકલ” શરૂ કરાવીને એના  તંત્રી તરીકે શાયર-એ-ઇન્કલાબ જોશ મલીહાબાદીને નિયુક્ત કર્યા એ બાબતો ઝાઝી ચર્ચામાં આવતી નથી. તિબેટ ગપચાવનાર માઓના ચીનમાં જેલવાસ ટાળવા ભારત ભાગી આવેલા તિબેટના ધાર્મિક નેતા અને રાજકીય શાસક દલાઈ લામા  અને એમના હજારો સાથીઓને રાજ્યાશ્રય આપનાર નેહરુને માથે ૧૯૬૨માં ચીની આક્રમણની કાળી ટીલી ભલે અંકિત થઇ  હોય, પણ ૧૯૬૭માં નથુલા-સિક્કિમ સરહદે નેહરુપુત્રી ઇન્દિરા ગાંધીના શાસનમાં એ જ ચીનના દાંત ખાટા કરાયા એની ઝાઝી ચર્ચા થતી નથી. એ પહેલાં વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના ટૂંકા શાસનમાં ૧૯૬૫માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ૧૯૮૭માં રાજીવ ગાંધીના શાસનમાં ભારતીય લશ્કરે ચીનને એની સરહદે જ હંફાવ્યું હતું.

હરિયાળી ક્રાંતિથી ખાદ્યાન્નમાં સ્વાવલંબી

વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના આગ્રહના પ્રતાપે હરિયાળી ક્રાંતિ થકી ખાદ્યાન્નમાં દેશ સ્વનિર્ભર થયો.પોખરણના અણુવિસ્ફોટ સાથે અણુમહાસત્તાઓની હરોળમાં ભારતને આણ્યું. પાકિસ્તાનના પૂર્વ હિસ્સાને બાંગલાદેશ બનાવ્યું. ઈમરજન્સી માટે ઇન્દિરા ગાંધી  બદનામ ભલે થયાં હોય, પણ એ જ સમયગાળામાં સિક્કિમ દેશને  ભારતમાં ભેળવવા ત્યાં  જનમત કરાવીને સીક્કિમને ભારતનું રાજ્ય બનાવ્યું હતું. કલ્પના તો કરો કે ૧૯૪૭ના એ વિભાજનના દિવસો અને ભારત પર આવી પડેલી  વિસ્થાપિતોની જવાબદારી પણ.  કરોડોની વસ્તી ધરાવતા તાજા આઝાદ થયેલા  દેશ ભારતમાં પ્રજાને  ખાવાના પણ સાંસા હોય તેવા સંજોગોમાંથી દાયકાઓના પુરુષાર્થના પ્રતાપે સ્વનિર્ભર અને  આર્થિક મહાસત્તાની લગોલગ લાવીને મૂકવામાં આવ્યો. વિદેશી હૂંડિયામણની તિજોરી છલકાઈ રહી હતી. આવા સંજોગો પછી  દેશને પાંચ  ટ્રિલિયન ડોલર (પાંચ લાખ કરોડ રૂપિયા)ના અર્થતંત્રને આંબવાની સ્થિતિએ લઇ જવાની ગાજવીજ કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અગાઉના શાસકોનો ઋણસ્વીકાર કરવો જોઈએ.. જે રાજમાર્ગ તૈયાર થયો એના પર દોડવાનું તો ઝાઝું કપરું નહોતું. એ રાજમાર્ગ તૈયાર કરવામાં પંડિત નેહરુના સમયથી શરૂ કરાયેલી પંચવર્ષીય યોજનાઓ, તમામ સરકારો  અને પ્રજાનું યોગદાન સ્વીકારવું પડે. પ્રજાને ઉશ્કેરી  કે ઉત્તેજિત કરી રાજકીય લાભ ખાટવા માટે “આઝાદી પછીના સાત દાયકામાં કશું જ થયું નથી” એવી બાંગ પોકારાતી હોય ત્યારે પ્રજાએ પણ એનું નીરક્ષીર કરવું ખૂબ જરૂરી છે.  

આઝાદી વખતે ક્યાં અને હવે ક્યાં

જુલાઈ ૧૯૫૧ના પ્રથમ પંચવર્ષીય યોજના (૧૯૫૧-’૫૬)ના મુસદ્દાનો અભ્યાસ કરતાં આઝાદી વખતના આર્થિક અને સામાજિક સંજોગો સમજી શકાય છે.  પહેલી  પંચવર્ષીય યોજના માટે આર્થિક સંસાધનોનો અભાવ હતો, ભાગલા પછી પશ્ચિમ પાકિસ્તાનથી ૪૯ લાખ અને પૂર્વ પાકિસ્તાનથી ૨૬ લાખ લોકો વિસ્થાપિત થઈને ભારત ભણી આવતાં એમના પુનર્વસનનો ભારે બોજ આવી પડ્યો હતો. ભાવો વધતા હતા અને મોંઘવારી બેફામ બની રહી હતી, ઉદ્યોગો માટે કાચા માલની અછતના સંજોગો હતા.પાઉન્ડ સ્ટર્લિંગમાં વિદેશી હૂંડિયામણ નહીંવત હતું. કરોડોની વસ્તીને ખાવા માટે પૂરતું અનાજ પણ નહોતું. આવા સંજોગોમાં માત્ર ૧,૭૯૩ કરોડ રૂપિયાના મૂડીરોકાણની જોગવાઈવાળી આ યોજનામાં ભાખારાનાંગલ, દામોદર વેલી, હીરાકુંડ અને હરીકે જેવી મહાયોજનાઓ માટે  ૧૭૬ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું પ્રસ્તાવિત કરાયું હતું. યોજનામાં કેન્દ્ર અને રાજ્યોને પણ નાણા ફાળવવાનાં હતાં. જાહેરક્ષેત્ર સાથે જ ખાનગી ક્ષેત્રમાં મૂડીરોકાણને પ્રોત્સાહિત કરવાનું હતું. વર્ષ ૨૦૧૨-૧૭ની ૧૨મી પંચવર્ષીય યોજના બે લાખ કરોડ રૂપિયાની હોય એ સામે પહેલી યોજના માંડ ૨૦૦૦ કરોડ રૂપિયાની પણ ના હોય એટલે કેવી વિકટ સ્થિતિ હશે એ સમજી શકાય છે. વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી નેતાજી સુભાષચન્દ્ર બોઝની કલ્પનાને સાકાર કરતાં નેહરુ સરકારે સ્થાપેલા આયોજન પંચને વિખેરી નાંખીને નેશનલ ઇન્સ્ટિટ્યૂશન  ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (નીતિ આયોગ) કર્યું, પણ આંકડાઓ અને અહેવાલો તો આયોજન પંચના જ મહદઅંશે વપરાશમાં રહ્યા. આઝાદી સમયે દેશનાં ૬.૪ લાખ  ગામડાંમાંથી માત્ર ૧૫૦૦ ગામડાંમાં વીજળી પહોંચી હતી.વર્ષ ૧૯૫૦-’૫૨ના ગાળામાં દેશનું  કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (જીડીપી) વર્ષે  માંડ ૩ લાખ કરોડ રૂપિયાનું હતું. વિકાસદર માત્ર ૨.૯%નો હતો.એ  ૨૦૧૩-૧૪માં વધીને ૯૮,૦૧,૩૭૦ કરોડ રૂપિયા અને વિકાસદર ૬.૩ %નો થયો. વર્ષ ૨૦૨૦-૨૧માં જીડીપી ૧૩૪,૩૯,૬૬૨ કરોડ રૂપિયા અને વિકાસદર -૭.૭૩% (નેગેટિવ) હતો.આ આંકડાઓ સ્થિર કિંમતે ગણવામાં આવેલા સત્તાવાર આંકડા છે. માથાદીઠ આવક પણ વર્ષ ૧૯૫૦-૫૧માં રૂપિયા ૭૫૧૩ રૂપિયા હતી અને અને તેનો વિકાસદર ૧.૮૩% હતો. વર્ષ ૨૦૧૩-૧૪માં માથાદીઠ આવક ૬૮,૫૭૨ રૂપિયા અને વિકાસદર ૪.૬૨% હતો. વર્ષ ૨૦૨૦-૨૧માં માથાદીઠ આવક ૮૬,૪૫૬ રૂપિયા થઇ. દેશ આઝાદ થયો ત્યારે ગરીબી અને નિરક્ષરતા પણ પ્રજાના ઘણા મોટા વર્ગમાં હતી.

વિદેશી હૂંડિયામણમાં થતો વધારો

કોઈપણ દેશની આર્થિક સદ્ધરતા એની પાસેના વિદેશી હૂંડિયામણ કે સોનાની વિશ્વ સ્તરે અનામત પર અવલંબે છે. ભારત સ્વતંત્ર થયું અને બ્રિટિશ ઇન્ડિયામાંથી ભારત અને પાકિસ્તાન થતાં પ્રદેશો અને  સંસાધનોની વહેંચણી થઇ.આઝાદીના સમયે એટલે કે ૧૯૪૭માં ભારત કને માત્ર ૧૧૩૪ મિલિયન પાઉન્ડ (૧૫૧૨ કરોડ રૂપિયા)નું વિદેશી હૂંડિયામણ હતું એ આજે ૫૦૦ બિલિયન ડોલરને આંબી ગયું છે. આ બધું રાતોરાત થયું નથી. વચ્ચે માર્ચ ૧૯૯૧માં તો એવા સંજોગો હતા કે વડાપ્રધાન ચંદ્રશેખરના વખતમાં તળિયે ગયેલા વિદેશી હૂંડિયામણ (૫.૮ બિલિયન ડોલર)ને લીધે ગુપચુપ ૨૧,૦૦૦ કિલો સોનું વેચીને દેશને વિશ્વસ્તરે દેવાળિયો થતાં અટકાવવાની અનિવાર્યતા સર્જાઈ હતી. ૧૯૯૧માં યોજાયેલી ચૂંટણી દરમિયાન કોંગ્રેસના નેતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા  થઇ. કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઉપસી. પી.વી.નરસિંહ રાવે લઘુમતી સરકાર પાંચ વર્ષ ચલાવી અને વૈશ્વીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણના યુગમાં દેશ અને દુનિયાએ પ્રવેશ કર્યો. એ પછી ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીનું શાસન પણ વિદેશી હૂંડિયામણને સુધારા પર લાવ્યું.માર્ચ ૨૦૦૦માં વિદેશી હૂંડિયામણ ૩૭ બિલિયન ડોલર હતું. તે માર્ચ ૨૦૦૪માં ૧૦૭.૪ બિલિયન ડોલર થયું. વડાપ્રધાન ડો.મનમોહનસિંહના સમયગાળા ઓગસ્ટ ૨૦૧૩માં તે ૨૭૫ બિલિયન ડોલર હતું . માર્ચ ૨૦૧૪માં એ ૩૦૦ બિલિયન ડોલર થયું.મે ૨૦૧૪માં ભાજપના નેતા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા. જૂન ૨૦૨૦માં વિદેશી હૂંડિયામણની અનામત ૫૦૦ બિલિયન ડોલરે પહોંચ્યું. ભારતીય અર્થતંત્ર  ૩ ટ્રિલિયન ડોલરે પહોંચ્યું. વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં ભારતીય અર્થતંત્રને ૫ (પાંચ) ટ્રિલિયન ડોલરે પહોંચાડવાના સ્વપ્નને સાકાર કરવા માટે આગામી સાત વર્ષમાં ૫૦૦ લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણની જરૂરિયાત નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રતિપાદિત કરી હતી. વડાપ્રધાન મોદીએ તો ૨૦૧૯માં જાહેર નિવેદન કર્યું હતું કે નજીકના ભવિષ્યમાં  ભારત ૧૦ ટ્રિલિયન ડોલરે પહોંચીને વિશ્વમાં સર્વોચ્ચસ્થાને આવશે. જોકે કોવિડ-૧૯ની મહામારીએ ભારતીય વિકાસદરને -૨૩ % સુધી નીચે આણ્યો એટલું જ નહીં, બાંગલાદેશ જેવો દેશ પણ ભારતના વિકાસદર કરતાં આગળ નીકળી ગયો. જોકે આગામી દિવસોમાં બધું સમુસૂતરું થવાની અપેક્ષા જરૂર છે. રાજકીય શાસકો દાવા ગમે તે કરે પણ પેલી જાણીતી ઉક્તિ યાદ રહે: “રોમ વોઝ નોટ બિલ્ટ ઇન ડે”.

ઈ-મેઈલ: haridesai@gmail.com    (લખ્યા તારીખ: ૨૬ મે ૨૦૨૧)

 

No comments:

Post a Comment