Sunday 30 May 2021

Corona-Cyclone Crisis and Politics

 

કોરોના-વાવાઝોડાનો કપરો સંકટકાળ

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         નુકસાનીમાં કેન્દ્રીય સહાય નહીંવત

·         હાર અને જીત પચાવવામાં વાંધા

·         રાષ્ટ્રીય સંકટને અપાતા રાજકીય રંગ

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar’s Sunday Supplement “UTSAV”. 30 May 2021. You may visit haridesai.com to read other columns too.

દેશનું સંઘીય માળખું જોખમમાં હોય એવા સંજોગો આકાર લઇ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં સત્તા કબજે કરવામાં ભારતીય જનતા પક્ષની નિષ્ફળતા અને ક્યારેક રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા(એનડીએ) તથા  સંયુક્ત પ્રગતિશીલ સંગઠન (યુપીએ)માં રહેલાં હવે સ્વતંત્ર એવાં મુખ્યમંત્રી મમતા બેનરજી ત્રીજી વાર તૃણમૂલ  સરકાર રચી શક્યાં, પછી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના એમના ટકરાવનો અંત આવ્યો નથી. રાજ્યપાલ જગદીપ ધનખડ તથા વિપક્ષી નેતા શુભેંદુ અધિકારી સાથે તોમમતાની અંટસ છે, પણ વડાપ્રધાને શુક્રવારે બોલાવેલીયાસ વાવાઝોડા અંગેની બેઠકમાં મુખ્યમંત્રી બેનરજી સાથે વિપક્ષી નેતા એટલે કે તૃણમૂલમાંથી ભાજપમાં જઈને મમતાને પરાજિત કરનાર શુભેંદુને પણ નિમંત્ર્યા એટલે મમતાનું ગિન્નાવું સ્વાભાવિક હતું. તૃણમૂલના મંત્રી અને નેતાઓને સીબીઆઇ વર્ષ ૨૦૧૪ના ખટલામાં જેલ ભેગા કરે અને પ્રકરણમાં સંડોવાયેલા  તૃણમૂલ છોડી ભાજપમાં ગયેલા નેતાઓને બચાવવાના પ્રયાસો થાય તો યોગ્ય નથી. વડાપ્રધાને બોલાવેલી બેઠક ઓચિંતી બોલાવાઈ એવું કહીને મમતા તેમાં અડધો કલાક મોડાં જોડાયાં એટલું નહીં, યાસવાવાઝોડાથી ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયાનો પોતાના રાજ્યનો અંદાજ રજૂ કરીને જતાં રહ્યાં. વડાપ્રધાને પણ પશ્ચિમ બંગાળને ૧૦૦૦ કરોડ રૂપિયા, ઓડિશા અને ઝારખંડને પ્રત્યેકને સહાય તરીકે ૫૦૦ કરોડ રૂપિયા જાહેર કર્યા. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે તો વાવાઝોડાથી થયેલા નુકસાન માટે કેન્દ્ર પર કોઈ બોજ નહીં લાદવાની જાહેરાત કરી  પોતાની મેળે નુકસાનીની પહોંચી વળવાની જાહેરાત કરીને રીતસર પરિપક્વ રાજનેતા તરીકેના વ્યક્તિત્વનો પરિચય આપ્યો હતો. પટનાયકનો માસ્ટરસ્ટ્રોક કહેવાય. આમ છતાં, મોદી સરકારે ઓડિશા સરકારને સામેથી ૫૦૦ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી.  યાસપહેલાં ગુજરાત, મહારાષ્ટ્ર,દીવ અને રાજસ્થાનમાં આવેલાતાઉતેવાવાઝોડાથી થયેલી નુકસાનીનું હવાઈદર્શન કરવા આવેલા વડાપ્રધાને મહારાષ્ટ્ર અને રાજસ્થાનની નુકસાનીનું હવાઈદર્શન ના કર્યું અને ગુજરાતની ત્રણેક હજાર કરોડ રૂપિયાની નુકસાની સામે ૧૦૦૦ કરોડ રૂપિયાની સહાય જાહેર કરી હતી. એનો પણ રાજકીય વિવાદ થયો હતો. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો અને ભાજપ તેમ એના વિરોધી પક્ષોની સરકારો ધરાવતાં રાજ્યો સાથેના વહેરાવંચા ભારતીય લોકશાહી અને સંઘીય ઢાંચાને ભવિષ્યમાં  લૂણો લગાડે એવું લાગે છે.

કોરોનામાં રાજ્યોની ચૂંટણીઓ

દેશને માથે કોરોનાનું સંકટ તોળાતું હોય એવા દિવસોમાં પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવાના સંજોગો ભારે કઠણાઈભર્યા હતા. રાજકીય સત્તાપિપાસા હીન કક્ષાના પ્રચાર અને ભાંડણલીલાનાં દર્શન કરાવતી રહી. ભારતીય પશ્ચિમ બંગાળને કાશ્મીર સાથે સરખાવવા ઉપરાંત તૃણમૂલ થકી ભાજપના કાર્યકરોની હત્યાઓ થઇ રહ્યાની બૂમરાણ મચાવાતી રહી. હકીકતમાં તૃણમૂલ અને ડાબેરી-કોંગ્રેસ મોરચાના કાર્યકરોની હત્યાઓ પણ થઇ હતી. હિંદુ-મુસ્લિમ વિભાજન કરવાની ખૂબ કોશિશ થઇ.  વડાપ્રધાન મોદીની ચૂંટણી દરમિયાનની બાંગલાદેશ મુલાકાત પણ રાજકીય વિવાદનું નિમિત્ત બની. ચૂંટણી પંચ બંધારણીય સંસ્થા હોવા છતાં એની નિષ્પક્ષતા સામે પ્રશ્નો ઊઠ્યા. પશ્ચિમ બંગાળમાં સત્તા કબજે કરવા માટે ભાજપની ટોચની નેતાગીરી ઉપરાંત વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ નહીં, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓને ઉતારવામાં આવ્યા. કેન્દ્રીય એજન્સીઓએ ચૂંટણીના આઠ તબક્કા દરમિયાન વિવિધ પ્રકરણોમાં  તૃણમૂલ કોંગ્રેસના નેતાઓની ધરપકડો કરવાનું ચાલુ રાખ્યું. જે તૃણમૂલ છોડીને ભાજપમાં સામેલ થયા એમને ઉમેદવાર બનાવવા ઉપરાંત રાજકીય લાભ આપ્યા. સઘળા પ્રયાસો છતાં મુખ્યમંત્રી મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસને પડખે પ્રજા રહી. જોકે પોતે બેઠક હાર્યાં પણ ગઈ વખતે જીત્યાં હતાં એટલી કે એનાથી વધુ બેઠકો સાથે  ત્રીજીવાર મમતા મુખ્યમંત્રી બન્યાં. તૃણમૂલના ધારાસભ્યે ખાલી કરેલી ભવાનીપુર બેઠક પરથી હવે પેટાચૂંટણી લડીને વિધાનસભામાં પ્રવેશ કરશે.  ભાજપ માટે મમતાનું પુનઃ સત્તારોહણ તમ્મર આવે એવો ફટકો હતો. ભાજપની નેતાગીરીએ વિધાનસભામાં પોતાને ૩માંથી વધીને ૭૭ બેઠકો મળી વાતે સંતોષ લેવાનું ચાલુ રાખ્યું છે.  જોકે ચૂંટણી પત્યા પછી પણ રાજ્યપાલે તૃણમૂલ સરકારના બે મંત્રીઓ અને બે નેતાઓની સામે સીબીઆઇ કાર્યવાહી માટે મંજૂરી આપી. ચારેયની ધરપકડ થઇ મુદ્દે ભારે રાજકીય  અને અદાલતી  ઉહાપોહ મચ્યો. ભાજપમાં જોડાયેલા બે ભૂતપૂર્વ તૃણમૂલ નેતાઓ સામે સીબીઆઇ ધીમી ચાલે કાર્યવાહી કરતી હોવાનું સ્પષ્ટ થયું.

બંગાળી વડાપ્રધાનનું સ્વપ્ન

તાજેતરની રાજ્યોની  ચૂંટણીઓ  પછી મમતા બેનરજી વડાપ્રધાન મોદીની નેતાગીરી સામે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર તરીકે ઉપસે એવી શક્યતા સાથે પ્રથમ બંગાળી વડાપ્રધાન બની શકે એવી ચર્ચા શરૂ થઇ ગઈ છે. અગાઉ જયારે માર્ક્સવાદી મોરચા સરકારના મુખ્યમંત્રી જ્યોતિ બસુ માટે પહેલા બંગાળી  વડાપ્રધાન થવાના સંજોગો પેદા થયા ત્યારે બસુના માર્ક્સવાદી સામ્યવાદી પક્ષમાં વાંધાવચકા શરૂ થતાં  તક ગુમાવાઈ હતી. એને પાછળથીહિમાલય જેવડી ભૂલગણાવાઈ હતી.  હવે પછી પહેલીવાર મમતા માટે તક ઊભી થયાની ચર્ચા છે. મમતા ભારે ઉહાપોહ મચાવવા માટે જાણીતાં છે, પરંતુ સદગત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ નોંધ્યું છે તેમ મમતાનાં બેફામ નિવેદનોમાં પણ લાંબી રાજકીય ગણતરી હોય છે. પ્રજા સાથે જોડાયેલાં રહ્યાં છે.  વડાપ્રધાન સાથેની વીડિયો કોન્ફરન્સમાં ગત ૨૧ મેના રોજ  ૧૦ મુખ્યમંત્રીઓ અને જિલ્લા કલેક્ટરો(ડીએમ) જોડાયા પછી મુખ્યમંત્રીઓને બોલવા દેવામાં નહીં આવ્યાના મુદ્દે મમતાદીદીએ ભારે ઉહાપોહ મચાવ્યો. દેશના સંઘીય ઢાંચાને તોડવા બેઠેલા વડાપ્રધાન મુખ્યમંત્રીઓને કઠપૂતળી સમજે છે, એવું તેમણે કહ્યું હતું. કોરોના રસી ઉપલબ્ધ કરાવવાના મુદ્દે તથા પોતાના પક્ષના નેતાઓને કનડવાના મુદ્દે મુખ્યમંત્રી મમતા વડાપ્રધાન મોદી ભણી સતત તીર તાકતાં રહ્યાં છે. દરમિયાન,  તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનારા અનેક નેતાઓ મુખ્યમંત્રી મમતાને રીતસર કાકલૂદી કરીને પક્ષમાં પાછા લેવા માફીનામાં પાઠવી રહ્યા છે. ચૂંટણીઓ તો અન્ય રાજ્યોમાં પણ હતી પણ દેશ અને દુનિયામાં ચર્ચાના કેન્દ્રમાં પશ્ચિમ બંગાળની ચૂંટણી રહી. અત્યાર લગી અપરાજિત લેખાતી નરેન્દ્ર મોદી-અમિત શાહની જોડીને માત્ર પશ્ચિમ બંગાળમાં નહીં; તમિળનાડુ અને કેરળમાં પણ શિકસ્ત મળી. આસામ અને પુડુચેરીમાં ભાજપ અને મિત્ર પક્ષોની સરકાર બની. જોકે બંને પ્રદેશોમાં દાયકાઓ સુધી કોંગ્રેસના નેતા, મુખ્યમંત્રી કે મંત્રી રહેલાઓને ભાજપે મુખ્યમંત્રી તરીકે સ્વીકારવા પડ્યા. વિધાનસભા ચૂંટણીઓમાં પ્રજાનો ચૂકાદો પણ જોરદાર ન્યાય તોળનારો રહ્યો.

દક્ષિણમાં ભાજપ માટે મુશ્કેલી

પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચા અને કોંગ્રેસને સાફ કરી નાખનારી પ્રજા કેરળમાં ડાબેરી મોરચાની વિજયન સરકારને ભવ્ય વિજય અપાવે છે. કેરળ વિધાનસભામાં દાયકાઓ પછી છેલ્લી ચૂંટણીમાં માંડ એક ધારાસભ્ય મેળવનાર ભાજપે તો વેળા મેટ્રોમેન .શ્રીધરનને મુખ્યમંત્રીપદ માટે વરરાજા પણ બનાવ્યા હતા, પણ ભાજપી મોરચાનો કરુણ રકાસ થયો. એકપણ બેઠક ના મળી. સામાન્ય રીતે કેરળમાં રાજસ્થાનની જેમ વારાફરતાં ડાબેરી મોરચો અને કોંગ્રેસી મોરચો (યુડીએફ) સત્તામાં આવતા રહ્યા છે, પણ વખતે ડાબેરી મોરચાને સતત વિજયી બનાવીને નવો ઈતિહાસ સર્જ્યો. મુખ્યમંત્રી વિજયન પીનરાઈને સોનાની દાણચોરી પ્રકરણમાં સંડોવવાના કેન્દ્રીય એજન્સીઓના લાખ પ્રયાસ પછી પણ પ્રજા એમને પક્ષે રહી. ભાજપની દ્રષ્ટિએ  જે અન્નાદ્રમુક પાર્ટી  ૨૦૧૬માં જયલલિતાના નેતૃત્વમાં મહાભ્રષ્ટાચારી લેખાતી હતી અને જેણે ઇન્દિરા ગાંધીની બ્લેક ઈમરજન્સી (૧૯૭૫-૭૭)નું સમર્થન કર્યું હતું એની સાથે જોડાણ કરીને વિધાનસભાની ચૂંટણી અને કન્યાકુમારી લોકસભા બેઠકની પેટાચૂંટણી લડવાનું પસંદ કર્યું.જોકે બંનેમાં પરાજય થયો. વિધાનસભામાં ભાજપને રોકડી બેઠકો મળી. દ્રમુકના સુપ્રીમો કરુણાનિધિ અને અન્નાદ્રમુકનાં સુપ્રીમો જયલલિતાના નિધન અને ખાલીપા વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં દ્રમુકના એમ.કે.સ્ટાલિનના નેતૃત્વવાળો દ્રમુક-કોંગ્રેસનો મોરચો વિજયી બન્યો. સ્ટાલિન મુખ્યમંત્રી બન્યા. આસામમાં ભાજપ અને મિત્રપક્ષોના મોરચાને ફરી ભવ્ય વિજય મળ્યો, પણ મુખ્યમંત્રીપદે સર્વાનંદ સોનોવાલને બદલે હેમંત બિસ્વા સરમા વરાયા.સોનોવાલ પણ અગાઉ અહોમ ગણ પરિષદમાં હતા.  સરમા અગાઉ ૧૫ વર્ષ સુધી કોંગ્રેસની તરુણ ગોગોઈ સરકારમાં મંત્રી રહ્યા. વર્ષ ૨૦૧૬ની ચૂંટણી પૂર્વે ભાજપમાં આવ્યા અને ઇશાન ભારતનાં બધાં રાજ્યોમાં ભાજપ અને મિત્રપક્ષોની સરકારો સ્થાપવામાં એમનું મહત્વનું યોગદાન હોવાથી એમને સરપાવ મળ્યો. કેન્દ્રશાસિત પુડુચેરીમાં કોંગ્રેસમાંથી પક્ષાંતર કરાવીને વી.નારાયણસ્વામીની સરકારને તોડ્યા પછી જૂના કોંગ્રેસી મુખ્યમંત્રી એન.રંગાસ્વામીની ઓલ ઇન્ડિયા એન.આર. કોંગ્રેસ સાથે જોડાણ કરીને ભાજપ અને અપક્ષોનો મોરચો સત્તામાં આવ્યો છે. જોકે મુખ્યમંત્રી તો ૩૦ સભ્યોની વિધાનસભામાં સભ્યો ધરાવતા પક્ષના નેતા એન.રંગાસ્વામી બન્યા છે. ભાજપને બેઠકો મળી છે.પુડુચેરીમાં નાયબ મુખ્યમંત્રીપદ ભાજપને આપવાનું મુખ્યમંત્રીએ જાહેર કર્યા પછી પણ લાંબી પ્રતીક્ષા કરાવી છે. જોકે કોરોના અને વાવાઝોડાના  ઘટનાક્રમ વચ્ચે ભાજપની નેતાગીરી અને વડાપ્રધાન મોદી પણ પક્ષના હાથમાંથી ઉત્તર પ્રદેશ સરી જાય નહીં એની વેતરણમાં જોવા મળે છે. 

તિખારો

એકલો જાને રે

તારી જો હાક સુણી

કોઈ ના આવે તો

એકલો જાને રે

 

એકલો જાને, એકલો જાને, એકલો જાને રે

 

તારી જો હાક સુણી

કોઈ ના આવે તો

એકલો જાને રે

 

જો સૌનાં મોં સીવાય

ઓરે ઓરે ઓ અભાગી

સૌનાં મોં સીવાય

 

જ્યારે સૌએ બેસે મોં ફેરવી

સૌએ ડરી જાય

ત્યારે હૈયું ખોલી અરે તું મૌન મૂકી

તારા મનનું ગાણું એકલો ગાને રે

 

તારી જો હાક સુણી

કોઈ ના આવે તો

એકલો જાને રે

 

જો સૌએ પાછાં જાય

ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય

જ્યારે રણવગડેની સરવા ટાણે

સૌ ખૂણે સંતાય

ત્યારે કાંટારાને

તું લોહી નીંગળતે ચરણે

ભાઈ એકલો ધાને રે

 

તારી જો હાક સુણી

કોઈ ના આવે તો

એકલો જાને રે

 

જો દીવો ન ધરે કોઈ

ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઈ

 

જ્યારે ઘનઘેરી તુફાની રાતે

બાર વાસે તને જોઈ

ત્યારે આભની વીજે, તું સળગી જઈ

સૌનો દીવો એકલો થાને રે

 

તારી જો હાક સુણી

કોઈ ના આવે તો

એકલો જાને રે

 

-     રવીન્દ્રનાથ ઠાકુર

રૂપાંતર  : મહાદેવ દેસાઈ

 

 

No comments:

Post a Comment