Wednesday 5 May 2021

Why PM Modi lost three states

 

ગરવ કિયો સોઈ નર હાર્યો : વડાપ્રધાન મોદીને પ્રજાએ સ્થાન બતાવ્યું

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         પશ્ચિમ બંગાળ કબજે કરવા નિમ્ન કક્ષાના ભાજપી પ્રયાસો છતાં તૃણમૂલ મુખ્યમંત્રી મમતાની વિજયપતાકા

·         વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ સામે પેદા થયેલા સૌથી મોટા પડકારનો મુકાબલો કરવાની તજવીજ થશે

·         આસામ-પુડુચેરી જીત્યાનો હરખ કરવા પૂરતો આનંદ લઈને ભગવી પાર્ટી આવતા દિવસોમાં વ્યૂહ બદલશે

·         રાજભવનના ટેકે તમિળનાડુમાં અન્નાદ્રમુક સરકારનો રિમોટ અને જોડાણ રાજ્યની પ્રજાએ સાવ નકારી દીધું

·         કેરળમાં મેટ્રોમેનને મુખ્યમંત્રી બનાવવા મેદાને ઉતાર્યા છતાં ડાબેરીઓ જીતતાં રહીસહી આબરૂના ધજાગરા

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian Daily of Surat. 5 May 2021. You may visit haridesai.com to read more of his columns and comment.

મૂળ તળ અમદાવાદની માંડવીની પોળમાંની હરકિસનદાસ શેઠ પોળના અને હવે બોપલવાસી વયોવૃદ્ધ જનસંઘી-ભાજપીનેતામાંથી ટીવી રાજકીય વિશ્લેષક તરીકે નામના ધરાવનારા અમારા એક વડીલ સન્મિત્રની વાત નોંધવા જેવી છે.એ ટીવી પર બોલ્યા કેકોરોના સંકટ  સંદર્ભે સત્તારૂઢ  ભાજપી ધારાસભ્યો કે નગરસેવકો જાહેરમાં દેખા દેતા નથી; અને  એમના વિસ્તારના ધારાસભ્યના પોઠિયા સમા કાર્યકરે એમને ફોન કરીને કહ્યું કે શું આપણા ધારાસભ્ય તમારા ઘરે આવે? અગાઉની કોંગ્રેસ કે ભાજપના કાર્યકરોનો ટીકાકારો સાથે આવો ઉદ્ધત પ્રતિભાવ કલ્પી શકાતો નહોતો. જીવનના આઠ દાયકા વટાવી ચૂકેલા  આ મહાશય કહે કે મને તો ભાજપની ટોચની નેતાગીરી માટે ઘૃણા થવા માંડી છે. અમે સહજભાવે કહ્યું: “તમે ના ઘૃણાભાવ રાખો કે ના અહોભાવ ધરાવો. માત્ર નીરક્ષીરભાવ જ ધરાવો.”આપણે ત્યાં કહેવત છે કે ગર્વ તો રાજા રાવણનો પણ નથી છાજ્યો. ભાજપના નવઅવતારમાં ઘમંડ અને ઉન્માદ ક્યારેય તૂટશે કે કેમ એ મહાપ્રશ્ન હતો. ચાર રાજ્યો,પશ્ચિમ બંગાળ,તમિળનાડુ,કેરળ તથા આસામ  અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીની તાજી વિધાનસભા ચૂંટણીઓમાં પ્રજાએ સત્તાધીશોના ઘમંડને તોડ્યો જરૂર છે, પણ હજુ એ કેટલીક વિપક્ષી સરકારો તોડીને પોતાનું શાસન અમુક રાજ્યોમાં સ્થાપવાની કોશિશ કર્યા વિના રહેશે નહીં. જોકે પશ્ચિમ બંગાળમાં ભાજપને ૨૦૦ કરતાં વધુ બેઠકો મળવાની શેખી મારનારા ભાજપના ટોચના નેતાઓ માટે નીચાજોણું થયું, પછી ૩ બેઠકોમાંથી ૭૫ સુધી પહોંચ્યાની પોપટવાણી આરંભાઈ.વર્ષ ૨૦૧૧ અને ૨૦૧૬ની વિધાનસભા ચૂંટણી કરતાં પણ વધુ બહુમતીથી ત્રીજીવાર પોતાની સરકાર સ્થાપનાર મમતા બેનરજી ભાજપને સત્તાથી વંચિત રાખીને એને રીતસર ભૂરાંટો કરી બેઠાં છે.

પ્રજાનો બેનમૂન ન્યાય

ચાલુ ચૂંટણીએ કેન્દ્ર સરકારની એજન્સીઓ અને ચૂંટણી પંચની તૃણમૂલ કોંગ્રેસ વિરોધી નીતિરીતિ ઉપરાંત  ઉધારીના નેતાઓના ટેકે પશ્ચિમ બંગાળની સત્તા મેળવવા ભાજપપ્રયત્નશીલ હતો. એ  સંતોષ જરૂર  લઇ શકે કેગઢ આલા પણ સિંહ ગેલાની જેમ નંદીગ્રામ બેઠક પર “ઘર કા ભેદી”  શુભેંદુ અધિકારી સામે મમતાનો પરાજય થયો.૨૯૨ બેઠકોની ચૂંટણી થઇ અને બે બેઠકોની બાકી છે.  જોકે મમતા કોઈપણ બેઠક પરથી જીતીને મુખ્યમંત્રી થઇ શકે છે. બંગાળ કેન્દ્રિત ચૂંટણીમાં કોરોના સામે લડવાને બદલે મેદની ભેગી કરવામાં આખી કેન્દ્ર સરકાર અને ભાજપના મુખ્યમંત્રીઓ વ્યસ્ત હતા. ચૂંટણીમાં પ્રજાની ન્યાય તોળવાની નીતિરીતિ પણ કાબિલેદાદ રહી. જે પશ્ચિમ બંગાળ પર કોંગ્રેસીઓ અને  ડાબેરી મોરચાએ દાયકાઓ સુધી રાજ કર્યું, ત્યાં ડાબેરીઓ અને કોંગ્રેસનું નામું નંખાઈ ગયું. આનાથી ઉલટું, કેરળમાં “રેડ સુનામી” આવી. ડાબેરી મોરચાને ફરીને ભવ્ય બહુમતી મળી. ભાજપને એક બેઠક મળતી હતી. આ વખતે તો સત્તા મળવાની અપેક્ષા હતી.૮૮ વર્ષના  મેટ્રોમેન ઈ.શ્રીધરન મુખ્યમંત્રીપદના ઉમેદવાર બન્યા તો ખરા, પણ જાન લીલા તોરણે પાછી ગઈ. ભાજપના મોરચાને પણ એકેય બેઠક ના મળી. કેરળમાં ડાબેરી મોરચો અને કોંગ્રેસી મોરચો વારાફરતા સત્તામાં આવતા રહ્યા છે એ ઈતિહાસ પણ બદલાયો. મુખ્યમંત્રી વિજયન વિરુદ્ધ મમતા અને તેમના પક્ષના નેતાઓની જેમ જ કેન્દ્રીય એજન્સીઓ છોડી મૂકાઈ હતી, છતાં પ્રજા પોતાના નેતાને પક્ષે રહી. વર્ષ ૨૦૧૬માં મુખ્યમંત્રી જયલલિતા જયરામ દ્રમુક અને ભાજપના વિરોધ વચ્ચે ફરીને સત્તામાં આવી શક્યાં હતાં.સતત દસ વર્ષ સુધી અન્નાદ્રમુક શાસન પછી ભાજપ સાથેના એના જોડાણ ઉપરાંત જયાઅમ્મા તેમ જ દ્રમુકના સુપ્રીમો  એમ. કરુણાનિધિની ગેરહાજરીમાં આ વખતે દ્રમુક અને કોંગ્રેસના જોડાણને ભવ્ય બહુમતી મળી. દ્રમુકના સુપ્રીમો એમ.કે. સ્ટાલિન અગાઉ પિતાની સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહ્યા છે, હવે મુખ્યમંત્રી બનશે. રાહુલ ગાંધી માટે પણ આ રાજ્યનું જોડાણ શુકનિયાળ સાબિત થયું. ભાજપ માટે આસામ સંતોષ લઇ શકાય એવા વિજયનું નિમિત્ત બન્યું. જોકે અગાઉ અહીં અહોમ ગણ પરિષદમાંથી ભાજપમાં આવેલા સર્વાનંદ સોનોવાલ મુખ્યમંત્રી બન્યા હતા, આ વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને એના વહીવટદાર બનેલા હેમંત બિશ્વા સરમાએ પણ મુખ્યમંત્રીપદ માટે દાવેદારી કરી હોવાથી ચૂંટણીમાં મુખ્યમંત્રી તરીકે કોઈને પ્રોજેક્ટ કરવાને બદલે અન્ય રાજ્યોની જેમ જ  માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને જ આગળ કરાયું હતું. પુડુચેરીમાં તો નાયબ રાજ્યપાલ કિરણ બેદી અગાઉની કોંગ્રેસ સરકારને તોડવાનું મિશન પૂરું કરીને વિદાય થયા પછી ઉધારીના નેતાઓ સાથે દિલ્હીના રિમોટનો મેળ પાડીને સત્તાપ્રાપ્તિ ગોઠવાઈ છે.  આગામી દિવસોમાં મમતા અને મહારાષ્ટ્ર સરકારના રિમોટ શરદ પવાર જેવા રાષ્ટ્રીય વિપક્ષી નેતાઓ મોદીને સરમુખત્યાર બનતાં રોકવા માટે મજબૂત વિપક્ષી મોરચો રચવાની બાબતમાં ગંભીર પ્રયાસો કરશે કે કેમ એના ભણી સૌની મીટ મંડાયેલી છે.

હવે ઉત્તર પ્રદેશ-ગુજરાતનો વારો

વિધાનસભાની તાજી ચૂંટણીઓમાં મોદી-શાહ લહેર ચાલી નથી એ ખૂબ સ્પષ્ટ થઇ ચૂક્યું છે. જો આવું જ ચાલ્યું અને વિપક્ષો સંગઠિત થઇ એક મોરચો રચે તો  તો આગામી વિધાનસભા ચૂંટણીઓ અને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે માઠા દિવસો આવી શકે છે. અત્યાર લગી વડાપ્રધાન મોદીના તાલે નર્તન કરનારા પ્રાદેશિક પક્ષોના મુખ્યમંત્રીઓ સુપેરે જાણે છે કે હવે એમનો વારો કાઢી લેવામાં આવશે. વિપક્ષી એકતા મમતે શરદ પવાર જેવા નેતા કામે વાલે એ પહેલાં એમની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાડવાની કોશિશ થવા માંડી હતી. મહારાષ્ટ્રની શિવસેના, રાષ્ટ્રવાદી અને કોંગ્રેસ પક્ષની સંયુક્ત સરકારને ગબડાવવાની કોશિશ ઉપરાંત પાવર-પુત્રી સુપ્રિયા સુળેને કેન્દ્રમાં મંત્રીપદ મળે એવી ચર્ચા અને અફવાઓ વહેતી કરાઈ હતી. હવે તાજાં  ચૂંટણી પરિણામો ભાજપને અપરાજિતમાંથી પરાજિત કરી શકાય છે એ બાબતમાં વિપક્ષનો વિશ્વાસ વધારી શકે છે. રાજકીય સત્તાસ્થાને બેઠેલા ભાજપ અને એની કેન્દ્ર સરકારની એજન્સીઓના થતા દુરુપયોગ છતાં મમતા, સ્ટાલિન કે વિજયન ફરી સત્તારૂઢ થઇ શકે છે. મોદી સાથે ઘરોબો ધરાવીને પોતાના કે પોતાના પક્ષના અસ્તિત્વને સમાપ્ત કરવાનું જ શક્ય બનશે એ વાત હવે ઓડિશા, તેલંગણ કે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીઓ નવીન પટનાયક, કે. ચંદ્રશેખર રાવ કે જગમોહન રેડ્ડીને  સમજાઈ ચૂક્યું હશે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ રામન્ના સામેના રેડ્ડીના ખુલ્લા જંગ પછી સુપ્રીમ એમને આંટીમાં લેવાનો ડર પણ હતો. કોંગ્રેસ હજુ ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચની અવસ્થામાં છે. રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર સહિતદસેક રાજ્યોમાં એ સત્તામાં કે મુખ્ય વિપક્ષની સ્થિતિમાં છે. મમતાએ એકલવીર તરીકે મોદીસેનાને પરાસ્ત કરવામાં સફળતા મેળવ્યા પછી આવતા દિવસોમાં વિપક્ષી મોરચા માટે બાંધછોડ કરવાની તૈયારી તમામ નેતાઓ અને પક્ષોએ રાખવી પડશે. અત્યાર લગી સીબીઆઇ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ(ઇડી) કે પછી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)નો ડર ઉત્તરપ્રદેશનાં માયાવતી-મુલાયમથી લઈને  જગમોહન રેડ્ડી કે પછી કાશ્મીરી નેતાઓ સુધીનાને રહેતો હતો. તાજાં પરિણામો એ ડર કાઢી લડી લેવાના મિજાજને કેળવવાનો માહોલ સર્જ્યો છે. આમ પણ, ભાજપ પોતાની રીતે દેશનાં બહુમતી રાજ્યોની વિધાનસભાઓમાં બહુમતી ધરાવતો નથી. લોકસભા અને રાજ્યસભામાં બહુમતી ગોઠવણને જોરે અનુકૂળ કાયદા કે બંધારણ સુધારા કરવામાં જ એને ફાવટ છે. ક્યારેક મહાપ્રભાવી વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી માટે “ઇન્દિરા ઈઝ ઇન્ડિયા” કહેવાતું અને છતાં એમની સામે પણ સંયુક્ત વિપક્ષી મોરચો થઇ શકાતો હોય, એ પોતે પણ પરાજિત થઇ શકતાં હોય તો એમના માર્ગનું અનુસરણ કરનારા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અજેય કે અપરાજિત  છે એવું માનવું વધુ પડતું છે. એમનો કોઈ વિકલ્પ નથી એ ભ્રમ પણ તૂટવો ઘટે. બીજા કેટલાક ભ્રમના ફુગ્ગા ફૂટી જવા જરૂરી છે. આ દેશની પ્રજાએ સત્વ દાખવવાની જરૂર છે. જરૂરી નથી કે  આગામી લોકસભા ચૂંટણીમાં મોદી પરાજિત થાય તો તેમનો પક્ષ ફરી સત્તામાં ના આવે. ઈન્દિરા ગાંધીને પરાજય પછીનાં માત્ર ત્રણેક વર્ષમાં જ પ્રજાએ સત્તામાં બેસાડ્યાં હતાં.આગામી વર્ષ ૨૦૨૨માં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. વિપક્ષો સંગઠિત થાય તો ભાજપ અજેય નથી. અપેક્ષા એટલી છે કે લોકશાહી પરંપરા ટકે અને ભારતીય અનેકતામાં એકતા જળવાય. અન્યથા ક્યારેક દેશ તૂટવાના સંજોગો ઝળૂંબી રહ્યા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. દિલ્હીમાં સત્તામાં બેસેલી વ્યક્તિ કે પક્ષને શિરે ઘણી મોટી જવાબદારી છે.

ઈ-મેઈલ:haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૨ મે ૨૦૨૧)

No comments:

Post a Comment