Wednesday 14 April 2021

Netaji elected to the Bengal Legislature and Central Legislative Assembly from Jail!

નેતાજી બોઝ જેલવાસમાંથી ધારાસભા અને સંસદમાં !

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં સુભાષચંદ્ર અને ડૉ. શ્યામાપ્રસાદને આરાધ્ય લેખવાના વિરોધાભાસ

·         “દેશનાયક” કોલકાતા મહાપાલિકાના સીઈઓ હતા ત્યારે જ  માંડલે જેલમાંથી ધારાસભ્ય બન્યા

·         હિંદુ મહાસભા-મુસ્લિમ લીગને કોમવાદી લેખતા નેતાજી પ્રેસિડેન્સી જેલમાંથી કેન્દ્રીય ધારાસભામાં

·         સાવરકર અને ઝીણા સાથેની ‘નિરર્થક’ મુલાકાતો, ડૉ.હેડગેવારને મળ્યાનો ઉલ્લેખ મળતો નથી

·         નેતાજી  અને  એમના મોટાભાઈ સરતચંદ્ર બોઝ કાયમ માટે  બંગાળના ભાગલાના વિરોધી હતા

Dr.Hari Desai writes weekly column “Ateetthee Aaj” for Gujarat Guardian Daily of Surat and Sardar Gurjari Daily of Anand. You may visit haridesai.com to read other columns and comment.

હમણાં પશ્ચિમ બંગાળની ચૂંટણીના પ્રતાપે માત્ર ચૂંટણી સભાઓમાં જ નહીં; પણ સંસદમાં પણ નેતાજી સુભાષચંદ્ર બોઝ, કવિવર રવીન્દ્રનાથ ઠાકુર અને ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી સહિતનાં મૂળ બંગાળી વ્યક્તિત્વોના ઉલ્લેખો થતા રહ્યા છે. જોકે એ ઉલ્લેખોમાં આ વિભૂતિઓનાં નામ વટાવવાની વૃત્તિ સવિશેષ જોવા મળી.ચૂંટણીને જ ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૨૦માં કોલકાતા પોર્ટ ટ્રસ્ટનું નામ બદલીને ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે કોલકાતા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી પણ થઇ કે એને નેતાજી સુભાષચંદ્ર બોઝનું નામ અપાય અથવા મૂળ નામ જળવાય. કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપના જ નેતા અને સુભાષચંદ્ર બોઝના પરિવારના જ ચંદ્ર કુમાર બોઝે તો માંગણી કરી હતી કે આ બંદર નેતાજી સુભાષ ડોક તરીકે જાણીતું હોવાથી એને નેતાજીનું નામ અપાય એ અસ્થાને નહીં લેખાય. વર્ષ ૨૦૧૭માં કંડલા પોર્ટ ટ્રસ્ટનું નામકરણ કેન્દ્ર સરકારે બદલીને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નામ સાથે એને જોડ્યું હતું. એ વેળા એના પાયાના પથ્થર ગણાય એવા  કચ્છના મહારાવનું નામ એને આપવાના ઔચિત્યની થોડીઘણી ચર્ચા થઇ. એ પછી તો બંને મુદ્દાનો મામલો ઠરી ગયો. રાજનેતાઓ પોતાની અનુકૂળતા મુજબના ઇતિહાસનું નિર્માણ અને પ્રચલન પ્રજા સમક્ષ કરાવતા રહે છે. એમના દરબારીઓ  એ મુજબના અનુકૂળ ઇતિહાસનું લેખન કરે છે. પ્રજાને ગળે એને જ  સાચા ઈતિહાસ તરીકે ઉતારવાના પ્રયાસ થાય ત્યારે એનું વિકૃતીકરણ થવું સ્વાભાવિક છે. બંગાળના રાજકીય ઇતિહાસમાં સામસામે રહેલાં વ્યક્તિત્વોને એકસાથે વટાવવાનો પ્રયાસ થતો હોય ત્યારે પણ આવી જ સ્થિતિ સર્જાય છે. વાસ્તવમાં પ્રજાની ભાવનાઓ સાથે રમત રમવામાં આવે છે. એ માટે  જૂઠાણાં ઝીંકવામાં આવે છે.  આવા સમયે તથ્યો અને સત્યોને પ્રકાશમાં આણવાની જાણકારોની ફરજ બને છે. માત્ર ગઈકાલની વાતોના જોરે કે ઈતિહાસનાં ઢોલ પીટીને વર્તમાનના કામકાજની સમીક્ષા કરવાને બદલે ભવિષ્યનાં મીઠડાં સ્વપ્નાં દેખાડવાની વૃત્તિ-પ્રવૃત્તિથી પ્રજા ભોળવાતી જતી હોય છે. જોકે ઈતિહાસનાં તથ્યોને ઉલેચવામાં ઘણીવાર અપ્રગટ કે ઓછાં જાણીતાં પાસાં પણ જાણવા મળે છે.

નેતાજી અને શ્યામાબાબુ સામસામે

એક સાથે બંગાળનાં જથ્થાબંધ વ્યક્તિત્વોનાં નામ ઉલેચીને જાહેરસભાઓમાં પ્રજાને પલાળવાની કોશિશ થતી હોય ત્યારે સમજદાર વ્યક્તિઓ તો રાજકીય ઈરાદાઓ પીછાણી લે. બાકીની પ્રજા માત્ર ભાવાવેશમાં આવીને મત આપે એ માનસિકતાનો લાભ ઉઠાવાય. આગામી ૨ મેના  ચૂંટણી પરિણામો એનું નીરક્ષીર કરશે. ઈતિહાસજમા પાત્રોમાં  કોંગ્રેસના બબ્બેવાર અધ્યક્ષ રહેલા અને ડાબેરી ફોરવર્ડ બ્લોક પક્ષના સંસ્થાપક નેતાજી બોઝ અને જમણેરી હિંદુ મહાસભાના હિંદુવાદી નેતા ડૉ.મુકરજી બંગાળના રાજકારણમાં સામસામે રહ્યા હતા.નેતાજી બ્રિટિશ શાસકોના વિરોધી રહ્યા,જયારે ડૉ.મુકરજી અને એમના પક્ષના સુપ્રીમો વિ.દા. સાવરકર બ્રિટિશ શાસકોના સમર્થનમાં રહ્યા. આઝાદ હિંદ ફોજના સરસેનાપતિ સુભાષ જાપાનની મદદ લઈને અંગ્રેજોની ચુંગાલમાંથી ભારતને મુક્ત કરાવવા પ્રયત્નશીલ હતા ત્યારે સાવરકર-મુકરજીની હિંદુ મહાસભા અંગ્રેજોના ટેકામાં ભારતીયોને લશ્કરમાં જોડાવાની ઝુંબેશ ચલાવતી હતી. ઓગસ્ટ ૧૯૪૨માં  મહાત્મા ગાંધીની હાકલથી  કોંગ્રેસ થકી “હિંદ છોડો” ચળવળ શરૂ કરાઈ ત્યારે નેતાજીએ વિદેશની ધરતી પરથી એને આવકારો આપ્યો હતો.એમણે તો ૧૯૩૯માં કોંગ્રેસના અધ્યક્ષ તરીકે આવી ઘોષણા અપેક્ષિત લેખી હતી. કોંગ્રેસની આખી નેતાગીરી જેલમાં હતી અને અગાઉ આઠ પ્રાંતોમાં કોંગ્રેસી સરકારોએ રાજીનામાં આપી દીધાં હતાં. એ વેળા  હિંદુ મહાસભા અંગ્રેજો સાથે સંતલસ કરીને મુસ્લિમ લીગીઓ સાથે પ્રાંતિક સરકારો ચલાવતી હતી. નેતાજીના વિરોધમાં સાવરકર સહિતના હતા. અત્યારે ડૉ.મુકરજી અને સુભાષ બેઉને એકસાથે ખભે ઉંચકવાના પ્રયાસ થાય છે. નેતાજી બોઝે કાયમ ડૉ.મુકરજીની હિંદુ મહાસભાને મુસ્લિમ લીગની જેમ જ  “કોમવાદી (કમ્યૂનલ)” ગણાવવાનું પસંદ કર્યું છે, પણ વર્ષ ૧૯૪૦માં લાહોરમાં મુસ્લિમ લીગના અધિવેશનમાં મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રનો “પાકિસ્તાન ઠરાવ” મૂકનાર એ.કે.ફઝલુલ હકની “સેક્યુલર” બંગાળ સરકારમાં ૧૯૪૧-૪૨માં નાણામંત્રી રહેલા હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ અને ૧૯૫૧માં જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ રહેલા ડૉ.શ્યામાબાબુના વર્તમાન રાજકીય વંશજો એમને નેતાજી સાથે એકાકાર કરે છે.

લીગ સંસ્થાપક હક વિ.ઝીણા

ફઝલુલ હક ૧૯૦૬માં મુસ્લિમ લીગના સંસ્થાપકોમાંના એક હતા. એ વેળા કોંગ્રેસી નેતા બેરિસ્ટર  મહંમદઅલી ઝીણા લીગની સ્થાપનાનો વિરોધ કરી એને દેશને તોડવાનું ષડયંત્ર ગણાવતા હતા. ઝીણા સમયાંતરે મુસ્લિમ લીગના સુપ્રીમો બન્યા ત્યારે હકને મુસ્લિમ લીગ છોડીને અલગ પક્ષ સ્થાપવા તથા લીગમાં પરત ફરવા વિવશ કર્યા. ક્યારેક  શેર-એ-બાંગલા ગણાતા આ નેતાએ સાવ જ પ્રભાવહીન અવસ્થામાં ૧૯૬૨માં પાકિસ્તાનમાં અંતિમ દિવસો જોવા પડ્યા હતા. ફઝલુલ હક કાયમ બંગાળના ભાગલાના સમર્થક હતા. વર્ષ ૧૯૦૫માં પણ અને ૧૯૪૭માં પણ. ડૉ.મુકરજી ૧૯૦૫માં બંગાળના ભાગલાના વિરોધી હતા અને ૧૯૪૭માં બંગાળના ભાગલાના સમર્થક હતા. નેતાજી બોઝ અને  એમના મોટાભાઈ સરતચંદ્ર બોઝ બંને વખતે બંગાળના ભાગલાના વિરોધી હતા. એટલું જ નહીં, ૧૯૪૫માં નેતાજીના વિમાન દુર્ઘટનામાં અવસાન પછી ૧૯૪૭માં પણ મુસ્લિમ લીગી પ્રીમિયર  હુસૈન શહીદ સુહરાવર્દી અને વચગાળાની સરકારમાં કોંગ્રેસી મંત્રી રહેલા  સરત બોઝ અલગ અખંડ બંગાળ દેશની ચળવળ ચલાવતા હતા. વર્તમાન રાજનેતાઓ પોતાની અનુકૂળતા મુજબ ઐતિહાસિક વિરોધાભાસોને ભૂલાવી દેવાની કોશિશ કરે છે.  

નેતાજી ઢાકા બેઠક જીત્યા  

રાજનેતાઓ પોતાની અનુકૂળતા મુજબ ઇતિહાસનું વિકૃતીકરણ થાય એટલી હદે ઝીંકે રાખે છે. પ્રજા નવલકથાઓને ઈતિહાસ સમજીને છેતરાય છે. એવું જ કંઈક રાજનેતાઓપ્રેરિત વિકૃત ઈતિહાસ પીરસાવાના ઘટનાક્રમમાં સત્યની સોય શોધવાની સ્થિતિમાં મૂકાય છે. અમારા અંગત ગ્રંથાલયમાં નેતાજીની બે વોલ્યુમની આત્મકથા ઉપરાંત વિપુલ પ્રમાણમાં એમના વિશેના અધિકૃત ગ્રંથો છે. જાન્યુઆરી ૧૯૪૧માં સુભાષબાબુ અલોપ થવાના મિશન પર રવાના થતાં એમના ૨૦ વર્ષીય કારચાલક રહેલા  ભત્રીજા શિશિર અને હાર્વર્ડમાં ઇતિહાસના પ્રાધ્યાપક રહેલા શિશિરપુત્ર  સુગત બોઝ સંપાદિત “સુભાષચંદ્ર બોઝ: ધ ઓલ્ટરનેટિવ લીડરશિપ”  અદભુત પુસ્તક છે. એમાં  નેતાજીના 30 ઓક્ટોબર ૧૯૪૦ના પ્રેસિડેન્સી જેલમાંથી બંગાળના ગૃહમંત્રી (ફઝલુલ હક સરકારમાં સર નઝીમુદ્દીન)ને લખાયેલા પત્રને વાંચીને નેતાજી કેન્દ્રીય ધારાસભામાં ઢાકા બેઠક પરથી નિર્વિરોધ ચૂંટાયા હોવાનું ધ્યાને આવ્યું. અગાઉ નેતાજી બર્મા (હવેનું મ્યામા-મ્યાનમાર)ની માંડલે જેલમાં હતા ત્યારે જ ૧૯૨૬માં બંગાળ ધારાસભામાં ચૂંટાયા હતા. નેતાજીની આત્મકથા “ધ ઇન્ડિયન સ્ટ્રગલ ૧૯૨૦-૪૨”માં અને સુગતે લખેલી “હીઝ મેજેસ્ટીઝ ઓપોનન્ટ : સુભાષચંદ્ર બોઝ એન્ડ ઇન્ડિયાઝ સ્ટ્રગલ અગેઇન્સ્ટ એમ્પાયર”માં કોલકાતા બેઠક પરથી બંગાળ ધારાસભામાં એ વેળાના મજબૂત નેતા  અને અગાઉ સ્વરાજ પાર્ટી સામે ભારે બહુમતીથી  ચૂંટાયેલા લિબરલ પાર્ટીના જતીન્દ્ર નાથ બસુ સામે ચૂંટણી લડીને વિજયી થયાની વિગતે વાત કરાઈ છે. જોકે પોતાના પત્રોમાં બ્રિટિશ હકૂમત હેઠળ આવતા બર્મામાં અદાલતી કાર્યવાહીમાં ગુનેગાર સાબિત થયેલા જેલવાસી એવા ધારાસભાના સભ્યને ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાની મંજૂરી અપાતી હોવાની વાતને પણ નેતાજીએ ટાંકી છે. આની સામે નેતાજીને તો વગર અદાલતી કાર્યવાહીએ ભારતીય સુરક્ષા ધારા હેઠળ અને રાષ્ટ્રદ્રોહના આરોપસર જેલમાં રાખવામાં આવ્યા હોવાની વાત એમણે રજૂ કરી હતી. એમના ઘણા લાંબા પત્રવ્યવહાર છતાં હક સરકારે કે બ્રિટિશ ગવર્નરે એમને કેન્દ્રીય ધારાસભાની કાર્યવાહીમાં ભાગ લેવા જવા દીધા નહોતા. આમ આ બેઠક ગ્રહણ કરવાનું નેતાજી માટે  શક્ય બન્યું નહોતું.

મુકરજી હકની સરકારમાં

ડૉ.મુકરજીના પિતા સર આશુતોષ મુકરજીના જુનિયર રહેલા ફઝલુલ હક તો ૧૯૩૭માં બંગાળ ધારાસભામાં ચૂંટાયેલા કોલકાતા યુનિવર્સિટીના કુલપતિ રહેલા શ્યામાબાબુને પોતાની ૧ એપ્રિલ ૧૯૩૭ના રોજ શપથગ્રહણ કરનાર સરકારમાં મંત્રી બનાવવા આતુર હતા. જોકે  બંગાળ મુસ્લિમ યંગમેન લીગે એમની વિરુદ્ધ ૧ એપ્રિલ ૧૯૩૭ના દિવસે જ સભા ભરીને ઠરાવ કર્યો અને ઉહાપોહ મચાવ્યો એટલે તેમને લેવાની માંડવાળ કરાઈ. હિંદુ મહાસભાના નેતા ડૉ.મુકરજી મુસ્લિમ લીગ સાથેની હકની સરકારમાં જોડાઈ શક્યા નહીં. હકીકતમાં કોંગ્રેસી નેતા સુભાષ જયારે લાંબો સમય  જેલમાં હતા ત્યારે ડૉ.મુકરજી મહેલમાં કે ધારાસભામાં હતા. ૧૯૩૮ અને ૧૯૩૯માં નેતાજી બોઝ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. જાન્યુઆરી ૧૯૪૧માં સુભાષ પોતે મહંમદ ઝીયાઉદ્દીન નામ ધારણ કરીને એકાએક અદ્રશ્ય થઈને વિદેશની ધરતી પર પ્રગટ્યા એ પછીના ૧૯૪૧-૪૨ના સમયગાળામાં ફરીને ડૉ.મુકરજી હકની સરકારમાં ૧૧ ડિસેમ્બર ૧૯૪૧થી નાણા મંત્રી થયા હતા ! સંઘના સાહિત્યમાં નેતાજી બોઝ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક સરસંઘચાલક એવા નાગપુર કોંગ્રેસના સહમંત્રી ડૉ. કેશવ બલિરામ હેડગેવાર વચ્ચેના ઘનિષ્ઠ સંબંધોની વાત વર્ણવવામાં આવે છે. હકીકતમાં નેતાજી પોતાની આત્મકથામાં ક્યાંય ડૉ.હેડગેવારના નામનો ઉલ્લેખ સુદ્ધાં કરતા જણાતા નથી. સુભાષ પોતાના પક્ષ ફોરવર્ડ બ્લોકના જૂન ૧૯૪૦માં નાગપુર ખાતે યોજાયેલા બીજા અખિલ ભારતીય અધિવેશનમાં સામેલ થાય છે. હિંદુ-મુસ્લિમ એકતાના કોલ  સાથે જ બંગાળના છેલ્લા સ્વતંત્ર નવાબ શિરાઝુદૌલાની સ્મૃતિમાં ૩ જુલાઈ ૧૯૪૦ને શિરાઝુદૌલા દિવસ તરીકે મનાવી દલ્હાઉસી સ્ક્વેર  ખાતેના હોલ્વેલ સ્મારકને હટાવવાનું જનઆંદોલન કરવાની હાકલ કરે છે. આ મુદ્દે જ એમને બંગાળ સરકાર દ્વારા જેલમાં ઠૂંસી દેવાયા હતા.જેલમાં ટીબીના દર્દી સાથે રાખવામાં આવતાં નેતાજીની તબિયત પણ કથળી અને અઢી વર્ષ સુધી માંડલે જેલમાં રહ્યા પછી એમની જેલ બદલાઈ અને છેવટે એમની તબિયત કથળતી જતાં જેલમુક્ત કરાયા. એક વહેલી સવારે તેમના પર નજર રાખનારા  બ્રિટિશ ગુપ્તચરોની નજર ચૂકવીને એ અદ્રશ્ય થઇ ગયા. વિદેશની ધરતી પર પ્રગટીને એમણે ઈતિહાસ સર્જ્યો. નેતાજી અને ડૉ.મુકરજીને સાથે મૂકવાના પ્રયાસ થાય ત્યારે ઈતિહાસનાં તથ્યોનું નીરક્ષીર થવું જરૂરી છે.

ઈ-મેઈલ: haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૧૨ એપ્રિલ ૨૦૨૧)  


No comments:

Post a Comment