હિંદુ રજવાડા ત્રાવણકોરે સૌપ્રથમ સ્વતંત્ર દેશ થવાની ઘોષણા કરી
ઇતિહાસ ગવાહ હૈ:ડૉ.હરિ દેસાઈ
દિવ્ય ભાસ્કર ડિજિટલ: રંગત સંગત ૧૧ એપ્રિલ ૨૦૨૧
વેબ લિંક: https://www.divyabhaskar.co.in/magazine/rangat-sangat/news/the-hindu-kingdom-of-travancore-was-the-first-to-declare-independence-128399599.html
·
ઝીણાની છ મહિના માટે કોલકાતાને સંયુક્ત કબજામાં રાખવાની વિનંતીને સરદારે ફગાવી
·
ભોપાલ, ઇન્દોર, વડોદરા, જોધપુર, પાકિસ્તાન સાથે જોડાવા સજ્જ પણ મેવાડે ફાચર મારી
·
જૂનાગઢ પાકિસ્તાનમાં ત્રણ મહિના રહીને પછી આરઝી હકુમત થકી ભારતમાં પાછું ફર્યું
· પોતાના સ્વતંત્ર સ્વિત્ઝર્લૅન્ડનું હરિસિંહ અને ઇસ્લામિક રાષ્ટ્રનું નિઝામનું સ્વપ્ન રોળાયું
અંગ્રેજોએ જતાંજતાં પણ ભારતને સાવ ચારણી અવસ્થામાં મૂકી જવાની કુટિલ નીતિ અપનાવી છતાં દેશની પહેલી નેહરુ-સરદાર સરકાર થકી ભારતીય હદમાં આવતાં તમામ રજવાડાંને એક તાંતણે બાંધીને દેશનો વર્તમાન નકશો તૈયાર કર્યો. દેશી રજવાડાંના એકીકરણની જવાબદારી રિયાસત ખાતાના શિરે હતી એટલે વલ્લભભાઈ પટેલે સામ,દામ,દંડ અને ભેદની નીતિરીતિ થકી, ઝાઝો રક્તપાત થાય નહીં એની તકેદારી રાખીને,તમામ ૫૬૫ રજવાડાંને ભારત સંઘ સાથે જોડવાનું ભગીરથ કામ કર્યું. ક્યારેક કેટલાક વિદ્વાનો સરદાર પટેલને ભારતના બિસ્માર્ક ગણાવે છે ત્યારે એ વીસરી જાય છે કે ખોબલા જેવડા જર્મનીનું લોહીની નદીઓ વહાવીને એકીકરણ કરનાર સત્તાપિપાસુ બિસ્માર્ક અને ઓલિયા જણ સરદાર પટેલમાં જમીન આસમાનનું અંતર હતું. હમણાં હમણાં નવા ઈતિહાસ લેખનનો પવન ફૂંકાયો છે. તેમાં રિયાસત ખાતાના સચિવ વી.પી.મેનનનાં વંશજ ઇતિહાસવિદ અને “વી.પી.મેનન; અનસંગ આર્કિટેક્ટ ઓફ મોડર્ન ઇન્ડિયા”નાં લેખિકા નારાયણી બસુ તો રજવાડાંના એકીકરણનો યશ પોતાના પૂર્વજને જ આપે છે. તેમણે એક મુલાકાતમાં એવો દાવો કરવાની ગુસ્તાખી પણ કરી છે કે વી.પી. મેનન એકીકરણ માટેની ટ્રેનનું એન્જિન હતા. એનો અર્થ એ જ થાય કે નારાયણી સરદાર પટેલને ટ્રેનના ડબ્બાની સ્થિતિમાં જ મૂકીને બધો યશ મેનનને આપવા ઈચ્છે છે! મેનનની ભૂમિકા મહત્વની હતી, પરંતુ એમણે સરદારના માર્ગદર્શનમાં કામ કરવાનું હતું. અંતિમ નિર્ણય તો સરદારે અને એ પછી ભારત સરકારે જ કરવાનો હતો. જમ્મૂ-કાશ્મીર મુદ્દે પણ જૂન ૧૯૪૬થી લઈને ડિસેમ્બર ૧૯૪૮ લગી સરદાર પટેલ અને પંડિત નેહરુ સાથે જ હતા, એની ગવાહી એમની વચ્ચેનો પત્રવ્યવહાર અને કામની વહેંચણી આપે છે.પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન મેળવવામાં સફળ થયેલા મોહમ્મદઅલી ઝીણાને તો બંને પાકિસ્તાનને જોડતો ૨૦૦૦ માઈલનો કરિડોર અને છ મહિના માટે કોલકાતા બંને દેશના સંયુક્ત તાબામાં રહે એવી ઈચ્છા ધરાવતા હતા.સરદારે સાફ નન્નો ભણ્યો. એમણે કહ્યું કે છ મહિના તો શું, છ કલાક માટે પણ નહીં
રજવાડાં બંધારણ સભામાં
૧૬ મે ૧૯૪૬ની ક્રિપ્સ મિશન યોજના અંગે ભલે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ સંમત ના થતાં હોય અને વિવાદ સર્જાયો હોય, પણ એની ભલામણો અંતર્ગત જ આગળ વધીને વાઈસરોય વેવેલે ૧૨ ઓગસ્ટ ૧૯૪૬ના રોજ એ વેળાના કોંગ્રેસના અધ્યક્ષ પંડિત નેહરુને વચગાળાની સરકાર રચવા માટે નિમંત્ર્યા.૨ સપ્ટેમ્બરે નેહરુ અને કોંગ્રેસના પ્રતિનિધિઓ વેવેલની અધ્યક્ષતાવાળી આ સરકારમાં જોડાયા. મૌલાના આઝાદને કોંગ્રેસના અધ્યક્ષ થવાનો મોહ હતો એટલે એ બહાર રહ્યા. બે મહિના માટે સરતચંદ્ર બોઝ પણ સરકારમાં જોડાયા હતા. ૧૫ ઓક્ટોબરે મુસ્લિમ લીગના લિયાકત અલી ખાન સહિતના પ્રતિનિધિઓ જોડાયા. રગશિયું ગાડું ચાલ્યું. નખરાળા મુસ્લિમ લીગે બંધારણ સભામાં જોડાવાનો બહિષ્કાર કર્યો. અલગ બંધારણ સભાનો આગ્રહ રાખ્યો. કોંગ્રેસના સભ્યોએ ૯ ડિસેમ્બરે બંધારણ સભામાંની પહેલી બેઠક યોજી. ૧૨ ડિસેમ્બરે સભાએ રજવાડાંના નરેન્દ્ર મંડળની નેગોશિયેટિંગ કમિટી સાથે મંત્રણા કરવા માટે નેગોશિયેટિંગ કમિટીનો ઠરાવ કર્યો. જુલાઈ ૧૯૪૭ સુધીમાં તો રજવાડાં સાથે નવા વાઇસરોય માઉન્ટબેટનની બેઠકો નિર્ણાયક તબક્કે લઇ જઈ રહી હતી. એ પહેલાં જ વડોદરા, બિકાનેર,કોચીન,જયપુર,જોધપુર,પતિયાળા અને રીવાએ તો ૨૮ એપ્રિલે પોતાના પ્રતિનિધિઓને બંધારણસભામાં મોકલવાનું અમલી બનાવ્યું. એવું નહોતું કે રજવાડાં સરળતાથી માનીને ભારત સાથે જોડાવા માટે તૈયાર થયાં. ૧૯૪૫માં દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટનને જીતાડનાર વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલનો રૂઢિચુસ્ત પક્ષ એ જ વર્ષે યોજાયેલી પોતાના દેશની ચૂંટણીમાં હારી ગયો. સદનસીબે મજૂર પક્ષના વિજય સાથે નવા વડાપ્રધાન ક્લેમન્ટ એટલીએ ભારતને સ્વતંત્રતા આપવાની પ્રક્રિયા ઝડપી બનાવી. અન્યથા ચર્ચિલ તો એ દિશામાં સાનુકૂળ નહોતા એટલું જ નહીં, અંગ્રેજ શાસન સાથે સંધિઓ થકી જોડાયેલાં રજવાડાંને મુક્ત કરીને ભારત અને પાકિસ્તાન ઉપરાંત રજવાડાંનું અલાયદું પ્રિન્સિસ્તાન રચવાની તરફેણમાં પણ હતા. ૩ જૂન ૧૯૪૭ની જાહેરાત પછી સરદાર પટેલ અને ઝીણા બંને દિલ્હીમાં લગભગ સાવ નજીકના બંગલાઓમાં જ દેશી રજવાડાંને અનુક્રમે ભારત અને પાકિસ્તાન સાથે જોડાવા મંત્રણાઓ કરતા હતા.
ત્રાવણકોર, જૂનાગઢ અને મેવાડ
૨૫ જુલાઈ ૧૯૪૭ના રોજ વાઈસરોયે બોલાવેલી રજવાડાંની બેઠકનો કેટલાકે એક યા બીજા બહાને બહિષ્કાર કર્યો. કેટલાંક પોતાને સ્વતંત્ર રહેવા દેવામાં આવે એવા મતનાં હતાં. સોદાબાજી કરવાનો આ અવસર હતો. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭નો દિવસ ઊગે એ પહેલાં મોટાભાગનાં રજવાડાં નિર્ણય કરી લે એવી અપેક્ષા હતી. ૩ જૂનની જાહેરાત પછી સૌથી પહેલાં ૧૧ જૂને ત્રાવણકોર (અત્યારનું કેરળ)ના હિંદુ રજવાડાએ ૧૫ ઓગસ્ટે સ્વતંત્ર થતાંની સાથે જ પોતે સ્વતંત્ર દેશ તરીકે રહેવાનું પસંદ કરશે એવી જાહેરાત કરી. એના દીવાન સર સી.પી. રામસ્વામી ઐયરે આ ઘોષણા કરી હતી. ૨૫ જુલાઈ ૧૯૪૭ના રોજ વાઇસરોયે બોલાવેલી બેઠકમાં પણ ત્રાવણકોરની ગેરહાજરી સૂચક હતી.એ જ ગાળામાં રામસ્વામી પર હુમલો થયો. એમને જનઆક્રોશ સમજાઈ ગયો. એ દીવાનપદેથી છૂટા થયા. ત્રાવણકોર ભારતમાં સામેલ કરવા મહારાજા સંમત થયા. ભોપાલના નવાબ હમીદુલ્લા ખાન તો ઝીણાના અંતરંગ મિત્ર હતા. એમની ભોપાલ યોજના હેઠળ ભોપાલ ઉપરાંત ઇન્દોર, વડોદરા, જોધપુર, જેસલમેર સહિતનાં હિંદુ રાજા-મહારાજાઓનાં રજવાડાં પણ પાકિસ્તાન સાથે જોડાવા માટે તલપાપડ હતાં. જોકે મેવાડના મહારાણા પ્રતાપના પ્રતાપી વંશજ મહારાણા ભૂપાલસિંહે ભોપાલ યોજનામાં ફાચર મારી. એમને તેડું આવ્યું ત્યારે એમણે સ્પષ્ટ કરી દીધું હતું કે મારા પૂર્વજોએ અમારું ભવિષ્ય ભારત સાથે જોડેલું છે, અન્યથા અમારી કને હૈદરાબાદ કરતાં પણ મોટું રજવાડું હોત. ક.મા.મુનશીએ “પીલ્ગ્રીમેજ ટુ ફ્રીડમ”માં આ હકીકતો સુપેરે મૂકી છે.
હૈદરાબાદમાં ઓપરેશન પોલો
જોકે અંગ્રેજોના શરૂઆતના દિવસોથી જ મિત્ર રહેલા હૈદરાબાદ સ્ટેટના શાસક નિઝામ ઉસ્માન અલી ખાન પણ સ્વતંત્ર રહીને પોતાને ઇસ્લામિક રાજ્યના જ્યોતિર્ધર તરીકે જોવા માંડ્યા હતા. સપ્ટેમ્બર ૧૯૪૮માં “ઓપરેશન પોલો” (પોલીસ પગલું જે વાસ્તવમાં લશ્કરી પગલું હતું) થકી નિઝામના અત્યાચારી રઝકારોથી પ્રજાને મુક્તિ અપાવી વલ્લભભાઈએ હૈદરાબાદને ભારતમાં ભેળવ્યું એટલું જ નહીં, નિઝામને રાજપ્રમુખ નિયુક્ત કરવા જેટલી ઉદારતા પણ દાખવી.નિઝામે યુનોની સુરક્ષા પરિષદમાંથી કેસ પાછો ખેંચી લીધો હતો. જૂનાગઢે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ આવે ત્યાં લગી સરદાર પટેલ અને મેનનને એવા ભ્રમમાં રાખ્યા કે એ તો ભારત સાથે જ જોડાશે, પણ ૧૫ ઓગસ્ટ આવતાં જ એના દીવાન સર શાહ નવાઝ ભુટ્ટોએ નવાબ મહાબત ખાનજી ત્રીજા પર એવી ભૂરકી નાંખી હતી કે એમણે પાકિસ્તાનમાં જોડાવાની જાહેરાત કરી. નવાબ અને દીવાન કરાંચી ભાગી ગયા પછી દીર્ઘદ્રષ્ટા સરદારની કુનેહથી મહાત્મા ગાંધીના ભત્રીજા શામળદાસ ગાંધીના વડપણ હેઠળ જૂનાગઢની પ્રજાના પ્રતિનિધિઓની આરઝી હકૂમત થકી ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ જૂનાગઢ ભારતમાં પરત ફર્યું. જોકે પાકિસ્તાને નવાબ પાસે કરાવેલો જૂનાગઢનો કેસ હજી સુરક્ષા પરિષદમાં ઊભો જ છે.
કાશ્મીર પર નાપાક આક્રમણ
જમ્મૂ-કાશ્મીરના મહારાજા હરિસિંહને સરદાર પટેલે વાઈસરોય સાથે કહેણ પણ મોકલ્યું હતું કે તમારે પાકિસ્તાન સાથે જોડાવું હોય તો એ નિર્ણય ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ પહેલાં કરી લ્યો. ભારત સરકાર વાંધો નહીં લે. મેનને પણ આ વાત નોંધી છે. જોકે બહુમતી પ્રજા મુસ્લિમ હોવાને કારણે હરિસિંહ દ્વિધામાં હતા. એમને સ્વતંત્ર જમ્મૂ-કાશ્મીર ખપતું હતું. પોતાના સ્વિત્ઝરલૅન્ડનું સ્વપ્ન સાકાર કરવું હતું. ૨૨ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ પાકિસ્તાની લશ્કરના જવાનો અને અધિકારીઓએ છદ્મવેશે કાશ્મીર પર હુમલો કર્યો. અત્યાચાર અને બળાત્કાર કરતા એ છેક બારામુલ્લા સુધી આવી ગયા. મહારાજાએ ભારતની લશ્કરી સહાય માંગી, પણ એ ભારતમાં વિલય માટે તૈયાર હોય તો જ એ પાઠવી શકાય. ૨૬મીની રાતે મેનન વિલયપત્ર પર મહારાજાના હસ્તાક્ષર લઇ આવ્યા. દિલ્હીથી લશ્કરી કુમક પાઠવાઈ. રજવાડાનો ઘણો મોટો ભાગ પાકિસ્તાને ગપચાવ્યો. નેહરુ કેબિનેટના નિર્ણયથી યુનોની સુરક્ષા પરિષદમાં કરવામાં આવેલો કેસ હજુ આજેય ઊભો છે.
સૌરાષ્ટ્રનાં ૨૨૨ રજવાડાં
સૌથી વધુ રજવાડાં ૨૨૨ તો એકલા સૌરાષ્ટ્રમાં હતાં. બેડી બંદરના વિકાસના નામે નવાનગરના જામ સાહેબને ઝીણા પલાળી રહ્યા હતા. જોકે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પોતાનું રજવાડું ગાંધીજીને ચરણે ધરવાની પહેલે જામ સાહેબને પુનર્વિચાર કરવા પ્રેર્યા. પછી તો એ સરદારના અનન્ય સાથી તરીકે રજવાડાંના એકીકરણમાં સામેલ થઇ ગયા. સરદાર-મેનનની જોડીએ મોટાભાગનાં રજવાડાંને ભારત સાથે જોડાવા માટે મનાવી લીધાં હતાં. એમના રાજ્યની આવકના ધોરણે એમને સાલિયાણાં પણ ઠરાવવા માંડ્યાં હતાં. ૫૬૫ રજવાડાંમાંથી જૂનાગઢ, જમ્મૂ-કાશ્મીર અને હૈદરાબાદ સિવાયનાંરજવાડાં ૧૫ ઓગસ્ટ પહેલાં ભારતમાં વિલય માટે તૈયાર હતાં. આ ત્રણેય રજવાડાંને પણ ભારત સાથે જોડવામાં સરદારને સફળતા મળી. એમણે વાઇસરોય કને તમામ સફરજનની છાબ (૫૬૫ રજવાડાં) જ પોતાને ખપે એ વાતને સાચી પાડી હતી.
ઈ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૧ એપ્રિલ ૨૦૨૧)
No comments:
Post a Comment