Wednesday 9 September 2020

Suicides in India

                વિશ્વમાં ખેડૂતોની આત્મહત્યાની રાજધાની એટલે ભારત

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         કૃષિ મંત્રાલયના સલાહકાર પી.સી.બોધની ચિંતાજનક  ભવિષ્યવાણી સાચી પડતી લાગે છે

·         વર્ષ ૧૯૯૫થી દેશમાં ચાર લાખ ખેડૂતોએ વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાનું પસંદ કર્યું

·         ભારત સરકારે જાહેર કરેલા રાજ્યવાર તાજા આંકડાઓ સર્વપક્ષી સરકારો માટે શરમજનક

·         સપ્ટેમ્બર ૨૦૨૦માં જાહેર થયું કે છેલ્લાં ત્રણ વર્ષમાં દર વર્ષે ૧,૩૦,૦૦૦ આત્મહત્યા થઈ!

 ભારતમાં સત્તા કોઈપણ રાજકીય પક્ષની હોય તમામ રાજકીય શાસકોનું મસ્તક શરમથી ઝૂકી જાય એવા સત્તાવાર આંકડા હજુ હમણાં કેન્દ્ર સરકારના  નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી) જાહેર કર્યા  છે. વર્ષ ૨૦૧૬થી બ્યૂરોના આંકડા જાહેર કરવાનું લગભગ બંધ કરી દેવામાં આવ્યું હતું, પણ સપ્ટેમ્બર ૨૦૨૦ની શરૂઆતમાં આંકડા જાહેર થતાંની સાથે સરકારી તંત્ર કેટલું અસંવેદનશીલ છે સ્પષ્ટ થઇ ગયું છે. ભારતમાં વર્ષ ૨૦૧૫માં કુલ આત્મહત્યાના કેસ ૧૩૩૬૨૩ નોંધાયા.વર્ષ ૨૦૧૬, ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯માં અનુક્રમે  ૧૩૧૦૦૮, ૧૨૯૮૮૭, ૧૩૪૫૧૬ અને ૧૩૯૧૨૩ વ્યક્તિઓએ આત્મહત્યા કરી હતી. ક્યારેક વિદર્ભમાં ખેડૂતોની આત્મહત્યાઓના નામે ચૂંટણી સભાઓ ગજવાતી હતી, પણ સ્થિતિ એની અથવા એનાથી બદતર બની રહી છે. વર્ષ ૨૦૧૯ દરમિયાન ૪૩,૦૦૦ ખેડૂત અને દહાડિયા મજૂરોએ આત્મહત્યા કરી હતી, જે અત્યંત ચિંતાજનક ગણી શકાય. ખેડૂતો કે ખેતમજૂરોની આત્મહત્યાઓ રોકવા માટે શું પગલાં લેવાં અંગે ભલામણો કરવા માટે સરકારો નિષ્ણાતોની સમિતિઓ નિયુક્ત કરે છે અને એની ભલામણો મુજબ ખાસ પેકેજ પણ જાહેર થાય છે, પરંતુ આત્મહત્યાઓનો દોર અટકતો નથી. વર્ષ ૧૯૮૭ના ભારતીય આર્થિક સેવાના અધિકારી અને વર્તમાન કેન્દ્ર સરકારના કૃષિ વિષયક વરિષ્ઠ સલાહકાર પી.સી.બોધ થકી વર્ષ ૨૦૧૯માં લખાયેલા પુસ્તકફાર્મર્સ સુસાઇડ્સ  ઇન ઇન્ડિયા: પોલિસી મેલિગ્નસી” (ભારતમાં ખેડૂતોની આત્મહત્યાઓ: નીતિગત ઘાતકતા)માં એમણે ભવિષ્ય ભાખ્યું છે કે  ભારતમાં જે રીતે લાખો ખેડૂતો આત્મહત્યા કરે છે અને વલણ નિરંકુશ આગળ વધી રહ્યું છે જોતાં ભારત વિશ્વમાં આત્મહત્યાઓની રાજધાની થવા ભણી ધકેલાઈ રહ્યું છે. ૧૯૯૫થી અત્યાર લગી લાખ કરતાં વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ખેતમજૂરો અને દહાડિયા મજૂરોમાં પણ આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે જોતાં વલણ સમગ્ર રાષ્ટ્ર માટે ચિંતાનો વિષય છે. ભાજપ કે કોંગ્રેસની સરકારોને  માટે દોષ  દેવાને બદલે બધાએ સાથે મળીને વલણને નાથવું રહ્યું. ભારત સરકારે હમણાં જે આંકડા બહાર પાડ્યા છે એમાં પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, ઉત્તરાખંડ,ગોવા, મણિપુર, ચંડીગઢ, દમણ અને દીવ, દિલ્હી, લક્ષ્યદીપ તથા પુડુચેરીમાં ખેડૂતો કે ખેતમજૂરોના આત્મહત્યાના બનાવો શૂન્ય નોંધાયા હોવા છતાં બહુ હરખ કરવાની જરૂર નથી.રાષ્ટ્રીય ચિંતન અને સમગ્રપણે આત્મહત્યાઓને રોકવાની રાષ્ટ્રીય જાગૃતિ અને નીતિ અનિવાર્ય બને છે.

આત્મહત્યા માત્ર આર્થિક કારણે નહીં

કેન્દ્ર સરકારે જાહેર કરેલા ગુનાખોરીના આંકડાઓ રાજ્યોની પોલીસના ચોપડે નોંધાયેલા અને કેન્દ્રના બ્યૂરોને અપાયેલા આંકડાઓ હોય છે. એટલે સત્તાવાર ખરા, પણ સત્ય ગણાય એવું માની લેવું વધુ પડતું કહેવાય. જોકે કેન્દ્રના ગૃહ મંત્રાલય હેઠળ આવતા બ્યૂરોના આંકડાને આધાર તરીકે તો સ્વીકારવા પડે. કેન્દ્ર અને મોટાભાગનાં રાજ્યોમાં ભાજપની સરકાર હોવા છતાં ગુજરાત ભાજપના પ્રવક્તા કિશનસિંહ સોલંકી અમારી સાથેની ટીવી ચર્ચામાં આને  આંકડાઓની માયાજાળગણાવે ત્યારે એમના કથનનો અર્થ શો કરવો સમજી શકાય છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૯ દરમિયાન ૭૬૫૫ વ્યક્તિઓએ આત્મહત્યા કરી ચિંતાનો વિષય ખરો, પણ એને મહારાષ્ટ્રના ૧૫૯૧૬ કે મધ્યપ્રદેશના ૧૨૪૫૭ના કે પશ્ચિમ બંગાળમાં ૧૨૬૬૬૫ આત્મહત્યાઓના આંકડાથી ઓછો ગણીને સંતોષ લેવા જેવું તો નથી . ફલાણા રાજ્ય કરતાં અમારા રાજ્યમાં ગુના ઓછા નોંધાયા એનો હરખ કરાય નહીં. વળી, કર્ણાટકમાં ભાજપનું શાસન છે અને ૧૧૨૮૮ લોકોએ આત્મહત્યા કરી કે રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન છે અને માત્ર ૪૫૩૧ લોકોએ આત્મહત્યા કરી; એવી તુલના કરવાનું પણ યોગ્ય નથી. બધી જ આત્મહત્યાઓ આર્થિક કારણોસર થાય છે એવું નથી. ગુજરાતમાં લગ્ન અને પ્રણયના સંબંધોમાં ખટાશને કારણે આત્મહત્યાઓનું પ્રમાણ ખાસ્સું વધુ છે. તમિળનાડુમાં વર્ષ ૨૦૧૯ દરમિયાન ૧૩૪૯૩ અને કેરળમાં ૮૫૫૬ લોકોએ આત્મહત્યા કરી એ ચિંતાનો વિષય દિલ્હી માટે પણ છે જ. કોરોનામાં કયા રાજ્યમાં કેટલા કેસ નોંધાયા અને અમારા રાજ્યમાં તો એના કરતાં ઓછા નોંધાયા કે ઓછા લોકોનાં મૃત્યુ થયાં એવી હાસ્યાસ્પદ તુલના કરીને સનદી અધિકારીઓ પોતાની છબી ચમકાવવાની કોશિશ કરે ત્યારે હસવું કે રડવું એ જ નથી સમજાતું. ભારતના રાજકીય નેતાઓની જેમ હવે સનદી અધિકારીઓ પણ રાજકીય અનુકૂળતા મુજબનાં નિવેદનો કરતા થયા છે.

યુવા પેઢીમાં આત્મહત્યાનું વધુ પ્રમાણ

ભોપાલમાં ભાજપની સરકારે તો ભૂટાનની જેમ જ સુખાકારી અંગેનો વિભાગ ખોલ્યો પણ આત્મહત્યાઓ અને ગુનાખોરીમાં તો એ અગ્રક્રમે છે જ. માત્ર સ્ટંટ કરવા પૂરતી આવી જાહેરાતો કે યોજનાઓ થકી લોકોમાં આત્મહત્યા કે ગુનાખોરીનું પ્રમાણ અટકતું નથી. વર્ષ ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯ દરમિયાન સૌથી વધુ આત્મહત્યાનું પ્રમાણ જે રાજ્યોમાં નોંધાયું તેમાં મહારાષ્ટ્ર ટોચના ક્રમે રહ્યું છે. એ પછી તમિળનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ  અને કર્ણાટક રહ્યાં છે. ખેડૂતોની આત્મહત્યાઓ પશ્ચિમ બંગાળમાં નથી થતી એ માટે જમીન સુધારા જવાબદાર લેખાવા જોઈએ. ઘણીવાર સરકારી આંકડાઓમાં ટકાવારી દર્શાવીને તુલના રજૂ કરવામાં વાસ્તવિક આંકડાઓ છુપાવવાનો પ્રયાસ પણ થાય છે. જે રાજ્યોમાં ખેડૂતો કે અન્યોની આત્મહત્યાઓ વધુ પ્રમાણમાં થાય છે એ અંગે પોલીસને ચોપડે કારણો નોંધવામાં પણ ચેડાં થાય છે અથવા વાસ્તવિક કારણોને બદલે ભળતાં જ કારણ નોંધવામાં આવે છે.  કેન્દ્ર સરકારના આંકડાઓ અને ગ્રાફમાં દર્શાવાયું છે એ મુજબ, વર્ષ ૨૦૧૯માં દહાડિયા મજૂરો અને ગૃહિણીઓએ સૌથી વધુ આપઘાત કર્યા છે. બેરોજગાર લોકોના આપઘાતનું પ્રમાણ એનાથી ઓછું છે. પ્રોફેશનલ્સ કે પગારદાર લોકોના આપઘાત અને સ્વરોજગારવાળા  લોકોમાં આત્મહત્યાનું પ્રમાણ એ પછીના ક્રમે આવે છે. વિદ્યાર્થી આત્મહત્યા પણ ચિંતાજનક છે, સાથે જ ખેતીવાડી સાથે જોડાયેલા લોકોમાં પણ વિદ્યાર્થી વર્ગ જેટલા જ પ્રમાણમાં આત્મહત્યાઓ જોવા મળે છે. નિવૃત્ત લોકોમાં પણ એકાદ ટકા જેટલું આત્મહત્યાનું પ્રમાણ નોંધાયું છે.વર્ષ ૨૦૧૯ દરમિયાન સૌથી વધુ આત્મહત્યાના કિસ્સા ૪૫ વર્ષની નીચેના વય જૂથમાં એટલે કે યુવા પેઢીમાં જોવા મળે છે. ૩૦થી ૪૫ વર્ષના વયજૂથ (પુરુષ+સ્ત્રી)માં ૩૩૫૧૮+૧૦૭૬૫, ૧૮થી ૩૦ના વયજૂથમાં ૩૦૮૩૩+ ૧૭૯૩૦ અને ૧૮ વર્ષથી નીચેના વયજૂથમાં ૪૪૦૫+૫૨૦૮ વ્યક્તિની આત્મહત્યાઓ નોંધાઈ હતી. ૬૦થી ઉપરના વયજૂથમાં ૮૩૦૨+૨૭૦૯ કિસ્સા નોંધાયા. સામાન્ય રીતે રાજકીય આગેવાનો એકમેક પર ખેડૂતો કે અન્ય આત્મહત્યાઓના કેસ સંદર્ભે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતા રહે છે, પરંતુ આ સમસ્યા કોઈને બદનામ કરવા માટેની નથી પણ બધાએ સાથે મળીને એના ઈલાજની કોશિશ કરવાની રહે છે. સમાજમાં ગુનાખોરી કે માનસિક દબાણના સંજોગો અંગે સમગ્રલક્ષી ઈલાજ હાથ ધરાય અને એનું સાતત્ય જળવાય તે જરૂરી છે.

 -મેઈલ: haridesai@gmail.com                (લખ્યા તારીખ: સપ્ટેમ્બર ૨૦૨૦)

No comments:

Post a Comment