Sunday 6 September 2020

Ups and Downs of the Congress

 કોંગ્રેસના આરોહ-અવરોહ અને સત્તારોહણ

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         મોટાભાગના રાજકીય પક્ષોની જનેતા

·         ઇન્દિરા ગાંધી તો બાઉન્સબેક થયાં’તાં

·         સોનિયા-પવાર પત્રયુદ્ધ પછી સહશાસન 

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar Daily’s Sunday Supplement “UTSAV”. 6 September 2020. You may read the full text on haridesai.com and comment.

આપણે ત્યાં ગુજરાતીમાં એક સરસ કહેવત છે: “નબળી ગાયને બગાઈઓ ઝાઝી”. કોંગ્રેસની અવસ્થા અત્યારે બગાઇઓથી ઘેરાવા જેવી છે. એમાં પાછું દાયકાઓ સુધી કોંગ્રેસના માધ્યમથી સત્તાનો ભોગવટો કરનારા ૨૩ નેતાઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પાંચ પાનાનો ઉપદેશપત્ર લખે ત્યારે એ ભાજપના ઈશારે લખાયાનું અપરિપક્વ નિવેદન પડતામાં પાટુ જેવો ઘાટ રચે એ  સ્વાભાવિક છે.કોંગ્રેસની વરતમાન દુર્દશા અંગે આત્મનિરીક્ષણ અનિવાર્ય ખરું અને એને ફરીને મજબૂત કરવાની જરૂર પણ ખરી. હજુ એ સાવ નામશેષ થઇ નથી. વર્ષ ૨૦૧૯માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરી  વિશ્વાસ મૂકી ૨૪ કરોડ મતદારો ભાજપને મત આપી સત્તાસ્થાને બેસાડતા હોય તો રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસમાં ભરોસો મૂકી  ૧૨ કરોડ મતદારો મત આપીને લોકસભામાં વિપક્ષના નેતાનું સત્તાવાર પદ ના મળે એવી અવસ્થાએ લાવી મૂકી શકે છે. વર્ષ ૧૯૭૭માં ઈમર્જન્સીના પાપીકૃત્ય બદલ પરાજિત થયેલાં “કિલર્સ ઇન્સ્ટિંગ” ધરાવતાં ઇન્દિરા ગાંધી ૧૯૮૦માં શાનોશૌકતથી સત્તામાં પાછાં ફર્યાં હતાં. વર્ષ  ૧૯૮૪માં માત્ર બે બેઠક જીતનાર ભાજપ કરતાં ૨૦૧૯માં કોંગ્રેસની સ્થિતિ સારી હોવાનો વિશ્વાસ પડઘાવો ઘટે. કમનસીબે રાહુલબાબા પક્ષના અધ્યક્ષનો હોદ્દો છોડી પક્ષને રેઢો મૂકે એમાં પેલા ૧૨ કરોડ લોકોનો વાંકગુનો કયો? નેતાગીરીના આત્મઘાતી વલણ પછી કોંગ્રેસને મજબૂત કરવા કે એના નવસર્જન માટે કેવા વિકટ સંજોગો સર્જાય એ સમજી શકાય છે. વર્ષ ૧૮૮૫માં મુંબઈમાં સ્થપાયેલીરાષ્ટ્રીય મહાસભા-ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તો સામ્યવાદી- માર્ક્સવાદી પક્ષ કે દ્રમુક-અન્નાદ્રમુક, સમાજવાદી-સ્વતંત્ર પક્ષથી લઈને વર્તમાન સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ સહિતના દેશના મોટાભાગના રાજકીય પક્ષોની જનની છે. કોંગ્રેસની અમિબા-પ્રકૃતિ સંધિ અને વિગ્રહથી ભરેલી છે. શક્ય છે કે તાજા ઉપદેશક નેતાઓમાંથી કેટલાકને દરવાજો દેખાડી દેવામાં આવે અને તેઓ અલગ પક્ષ રચે, પણ એવું સાવ જ નથી કે તેઓના પક્ષનું આવતા દિવસોમાં કોંગ્રેસ સાથે જોડાણ નહીં થાય. રખે માનીએ કે  એમના સંયુક્ત મોરચાનું સત્તારોહણ સાવ જ અશક્ય છે. કમનસીબે કોંગ્રેસની નેતાગીરી એક જ નેહરુ-ગાંધી પરિવારમાં સીમિત થયેલી લાગે પણ એ જ પરિવાર એને સંગઠિત રીતે બાંધીને રાખવા માટે પણ જવાબદાર લેખાય છે.

કોંગ્રેસ છોડી અલગ પક્ષો થયા

કેન્દ્રમાં સતત એક દાયકાના શાસન પછી વર્ષ ૨૦૧૪ અને વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ તળિયે જતી લાગી અને એની નેતાગીરીની મોટાપાયે હિજરતના પ્રતાપે હતાશા-નિરાશાનું વાતાવરણ સર્જાયું. આવા સંજોગોમાં પણ કેટલાંક રાજ્યોમાં કોંગ્રેસ સત્તા પ્રાપ્ત કરી શકી, પણ ભાંગફોડનું નવું રાજકારણ એને સત્તાથી વિમુખ કરવામાં કંઇક અંશે સફળ થયું. કોંગ્રેસના નવસર્જન કે આત્મનિરીક્ષણની વાત વિચારાય ત્યાં જ કોંગ્રેસના સર્વોચ્ચના અત્યંત વિશ્વાસુ ગણાતા નેતાઓ સામે પાટલે બેસે ત્યારે એનું વહાણ તોફાનમાં મધદરિયે અટવાયેલા જહાજની સ્થિતિમાં આવી પડવું સહજ  છે. જહાજ ડૂબવામાં હોય ત્યારે ઉંદરડા સૌપ્રથમ ભાગવા માંડે ત્યારે એને કિનારે પહોંચાડવાની જવાબદારી કોની એ મહાપ્રશ્ન કોંગ્રેસમુક્ત ભારતના હાકલાદેકારાના માહોલમાં થવો સ્વાભાવિક છે. મોટાભાગના  ભારતીય રાજકીય પક્ષો કોંગ્રેસમાંથી જ પ્રગટ્યા હોવાની હકીકત નજર સામે તગે છે. એમ.એન. રોય, શ્રીપાદ અમૃત ડાંગે, ઈ.એમ.એસ.નામ્બુદિરીપાદ જેવા કમ્યૂનિસ્ટ પક્ષના સંસ્થાપક- નેતાઓ મૂળે કોંગ્રેસી જ હતા. ભાજપના પૂર્વાશ્રમી જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી અને જનસંઘ-ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સંસ્થાપક સરસંઘચાલક ડૉ.કેશવ બલિરામ હેડગેવાર કોંગ્રેસી ગોત્રના જ હતા. વર્ષ ૧૯૨૯માં શ્યામાબાબુએ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે કારકિર્દી આરંભી હતી. નાગપુર શહેર કોંગ્રેસના સંયુક્ત મંત્રી રહેલા ડૉ.હેડગેવાર ૧૯૩૭ સુધી કોંગ્રેસમાં હતા. ડૉ.મુકરજી,  ડૉ.ના.ભ.ખરે, ડૉ.બી.એસ.મુંજે જેવા અનેક કોંગ્રેસી નેતાઓ થકી હિંદુ મહાસભા ઉજળી બની હતી. સમાજવાદી પક્ષના અલગ અલગ ફિરકાઓ કોંગ્રેસી નેતાઓ ડૉ.રામમનોહર લોહિયા સહિતના નેતાઓના પ્રતાપે જ અસ્તિત્વમાં આવ્યા. સી.રાજગોપાલાચારી અને ક.મા. મુનશી  જેવા કોંગ્રેસી નેતાઓના પ્રતાપે સ્વતંત્ર પક્ષનો ઉદય અને અસ્ત પણ થયો. મોટાભાગના પ્રાદેશિક પક્ષો પણ કોંગ્રેસમાંથી જ જન્મ્યા. ઈ.વી.આર. રામાસામી પેરિયાર થકી દ્રવિડ ચળવળના પક્ષો જન્મ્યા, પણ આ પેરિયાર મદ્રાસ કોંગ્રેસના અધ્યક્ષ હતા. અન્નાદ્રમુકના સંસ્થાપક એમ.જી. રામચન્દ્રન પણ કોંગ્રેસી જ હતા.અત્યારે પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તેલંગણમાં શાસન કરનારા પક્ષોનું ગોત્ર પણ કોંગ્રેસ જ છે. મુખ્યમંત્રી મમતા બેનરજી, નવીન પટનાયક, જગન મોહન રેડ્ડી અને કે. ચંદ્રશેખર રાવના પક્ષોનાં મૂળ કોંગ્રેસમાં જ છે. મહારાષ્ટ્રમાં સત્તારૂઢ ત્રિપક્ષી મોરચાના પ્રત્યેક પક્ષનું ગોત્ર કોંગ્રેસ છે. ૧૯૯૯માં કોંગ્રેસમાંથી તગેડાયેલા  શરદ પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ સ્થાપી, ૧૯૬૬માં મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકાર અને ખાસ કરીને તેના  મંત્રી બાળાસાહેબ દેસાઈના ઈશારે શિવસેનાની સ્થાપના થઇ અને ૧૯૮૪માં એણે ભાજપ સાથે ઘર માંડ્યું ત્યાં લગી કોંગ્રેસ સાથે એનું સંધાણ હતું.

કોંગ્રેસના અનેક વિદેશી અધ્યક્ષો

જે કોંગ્રેસમાં વ્યોમેશચંદ્ર બેનરજી, દાદાભાઈ નવરોજી, બદરુદ્દીન તૈયબજી,  ફિરોજશાહ મહેતા,  રહીમતુલ્લા સયાની, દિનશા વાચ્છા, ગોપાલકૃષ્ણ ગોખલે, પંડિત મદનમોહન માલવિયા,પંડિત મોતીલાલ નેહરુ, લાલા લાજપત રાય, દેશબંધુ ચિત્તરંજન દાસ, મૌલાના મોહમ્મદઅલી, મૌલાના આઝાદ, મહાત્મા ગાંધી, સરોજીની નાયડુ,પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ.રાજેન્દ્ર પ્રસાદ, સુભાષચન્દ્ર બોઝ, યુ.એન.ઢેબર, કે.કામરાજ, જગજીવનરામ,દેવકાંત બરૂઆ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી વગેરે મહારથીઓ અધ્યક્ષ રહ્યા હોય, લોકમાન્ય ટિળક, અરવિંદ ઘોષ, ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી, ડૉ.બી.એસ.મુંજે,  ડૉ.કેશવ બલિરામ હેડગેવાર જેવી વિભૂતિઓ  જે કોંગ્રેસમાં રહી હોય; એ કોંગ્રેસમાં સોનિયા ગાંધી એ કાંઈ પહેલાં વિદેશી ગોત્રનાં અધ્યક્ષ બન્યાં નહોતાં. અગાઉ અનેક વિદેશી એના અધ્યક્ષપદને વિભૂષિત કરી ચુક્યા છે.કોંગ્રેસના સંસ્થાપક મહામંત્રી એ.ઓ.હ્યુમ અંગ્રેજ સનદી અધિકારી હતા. ઉપરાંત જ્યોર્જ યુલ (૧૮૮૮), આલ્ફ્રેડ  વેબ (૧૮૯૪), સાર હેન્રી કોટન (૧૯૦૪),ડૉ.એની બેસન્ટ (૧૯૧૭), મિસેસ નેલી સેન ગુપ્તા (૧૯૩૩) એ બધાં વિદેશી હતાં. એમ તો કોંગ્રેસના અધ્યક્ષ રહેલા મૌલાના આઝાદ મક્કામાં જન્મેલા હતા. મિસેસ નેલી અંગ્રેજ માબાપનાં દીકરી હતાં, પણ સોનિયા માઈનો-ગાંધીની જેમ ભારતીયને પરણ્યાં હતાં. જોકે એ ભાગલા પછી પાકિસ્તાનમાં રહ્યાં એટલું જ નહીં, ૧૯૫૪માં પૂર્વ પાકિસ્તાન ધારાસભામાં બિનહરીફ ચૂંટાયાં હતાં.તેઓ તબીબી સારવાર માટે ભારત આવ્યાં અને ઇન્દિરા ગાંધીની સરકારે એમને આદરપૂર્વક રાખ્યાં પણ ૧૯૭૩માં કોલકાતામાં એમનું મૃત્યુ થયું હતું.

 વિદેશી મૂળનાં સોનિયાને નેતૃત્વ

વર્ષ ૧૯૯૯માં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દે ભારે ઉહાપોહ મચાવ્યો હતો. અગાઉના  કોંગ્રેસ અધ્યક્ષ સીતારામ કેસરી વિરુદ્ધ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી હાર્યા પછી શરદ પવાર જ સદગત વડાપ્રધાન રાજીવ ગાંધીનાં પત્ની સોનિયા ગાંધીને કોંગ્રેસનું નેતૃત્વ સ્વીકારવા સમજાવવા એ.કે.એન્ટોની અને ગુલામનબી આઝાદ સાથે ૧૦, જનપથ પર ગયા હતા. કેસરીની વડાપ્રધાન થવાની મહત્વાકાંક્ષા છતાં એમના હાથમાં ના તો કોંગ્રેસ પક્ષ કે ના દેશનું નેતૃત્વ આપવું  હિતાવહ હોઈ પવાર જે શ્રીમતી ગાંધીને કોંગ્રેસનાં અધ્યક્ષ થવા માટે સમજાવી શક્યા એમની સાથે વિદેશી મૂળના મુદ્દે એમને અંટસ પડી હતી. અગાઉ ૧૯૯૧માં ભલે સોનિયા ગાંધી પક્ષના કોઈ હોદ્દે નહોતાં પણ રાજીવ સાથે પવારના ક્યારેક સંબંધો ખરાબ થયેલા હતા એટલે ૧૦, જનપથના આશીર્વાદ પવારને બદલે પી.વી.નરસિંહરાવને મળ્યા. શરદરાવે વડાપ્રધાન થવાની તક ગુમાવી હતી. પવારને જણાવાયું હતું કે પવાર કરતાં ૩૫ જેટલા વધુ કોંગ્રેસી સાંસદો રાવના સમર્થનમાં હતા અને નરસિંહરાવે લઘુમતી સરકાર બનાવી. પવાર એમાં સંરક્ષણ મંત્રી બન્યા હતા. વર્ષ ૧૯૯૯માં વડાપ્રધાનપદે અટલ બિહારી વાજપેયી હતા ત્યારે પવાર વિપક્ષના નેતા હતા. ભાજપ કોંગ્રેસ અધ્યક્ષના વિદેશી મૂળને જાહેરમાં ઉછાળી કોંગ્રેસને ચૂંટણીમાં પરાસ્ત કરવાની કોશિશ કરે એ વાતે પવાર, પૂર્ણો સંગમા અને તારિક અનવરે કોંગ્રેસ કારોબારીમાં મત માંડ્યા પછી શ્રીમતી ગાંધીને એ સંદર્ભે ૧૫ મે ૧૯૯૯નો પત્ર પણ લખ્યો એટલે આ ત્રિપુટીની  પક્ષમાંથી હકાલપટ્ટી કરાઈ હતી. આ ત્રિપુટીએ રાષ્ટ્રવાદી કોંગ્રેસની સ્થાપના કરી.

વાંધો પડ્યાના વર્ષે જ સત્તામાં સાથે

લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃવવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચાના વિજયને પગલે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા. સ્વાભાવિક હતું કે કોંગ્રેસનું વલણ  હવે પવાર માટે કૂણું પડ્યું. એ જ વર્ષે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવી. ભાજપ-શિવસેના સામે  કોંગ્રેસ તથા રાષ્ટ્રવાદી કોંગ્રેસનો મોરચો રચાયો. કોંગ્રેસના વિલાસરાવ દેશમુખ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદીના છગન ભુજબળ નાયબ મુખ્યમંત્રી બન્યા. મહારાષ્ટ્રમાં લાગલગાટ ૧૫ વર્ષ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી સરકાર રહી. કેન્દ્રમાં પણ ૨૦૦૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા મોરચાનો રકાસ થયો અને કોંગ્રેસ-રાષ્ટ્રવાદી સહિતના પક્ષોના સંયુક્ત પ્રગતિશીલ સંગઠન (યુપીએ)ની મનમોહનસિંહ સરકાર બની. અગાઉ ૨૭૨ સાંસદોના ટેકાના દાવા સાથે રાષ્ટ્રપતિ કે.આર.નારાયણ કને વડાંપ્રધાન બનવા ગયેલાં સોનિયા ગાંધીને સમાજવાદી પાર્ટીના મુલાયમસિંહે “વિદેશી મૂળનો મુદ્દો આગળ કરીને” દગો દીધો હતો એટલે ૨૦૦૪માં પ્રણવ મુકરજી સહિતના પક્ષના વરિષ્ઠ નેતાઓ- સાંસદોના આગ્રહ છતાં “આત્માના અવાજને અનુસરીને” શ્રીમતી ગાંધીએ વડાપ્રધાનપદ જતું કર્યું અને ડૉ. સિંહને વડાપ્રધાન બનાવ્યા. પવાર એ સરકારમાં કૃષિ મંત્રી બન્યા. વર્ષ ૨૦૦૯ની ચૂંટણીમાં પણ યુપીએને ફરી વિજય મળ્યો અને રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવાની તક હતી છતાં ડૉ.મનમોહનસિંહને જ વડાપ્રધાન બનાવ્યા. મહારાષ્ટ્રમાં ૧૫ વર્ષ અને કેન્દ્રમાં ૧૦ વર્ષ રાજ કર્યા પછી કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીએ વિપક્ષે બેસવાનો વારો આવ્યો. જોકે  સર્વમિત્ર અને રાજકીય જોડાણ કરવામાં કુશળ એવા શરદ પવારના ચાણક્ય વ્યૂહના પ્રતાપે જ  અત્યારે મહારાષ્ટ્રમાં પણ શિવસેના-રાષ્ટ્રવાદી-કોંગ્રેસની સરકાર છે. કર્ણાટક અને મધ્યપ્રદેશની જેમ રાજસ્થાનમાં પણ કોંગ્રેસની સરકારને ઉથલાવવાના પ્રયાસો થયા પણ પહેલો વાર ખાલી ગયા પછી કોંગ્રેસની નેતાગીરી ઉત્સાહમાં આવવાને બદલે પેલો ૨૩ નેતાઓનો પત્ર નવા આંતરકલહને નોતરે એવા સંજોગો સર્જાયા. ૧૦, જનપથ થકી આ વિકટ સંજોગો પાર કરીને કોંગ્રેસના તંત્રને ઠેકાણે લાવી  વિપક્ષી મોરચો મજબૂત કરવાની દિશામાં સક્રિય થવામાં આવે તો દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી માટે આવતીકાલ ઉજ્જવળ બની શકે.અન્યથા આવતા દાયકાઓ વિપક્ષે બેસવા સિવાય આરો નથી.

તિખારો

પીંપળ પાન ખરંતાં, હસતી કૂંપળીયાં
મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડીયાં

- ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી

(લખ્યા તારીખ: ૩ સપ્ટેમ્બર ૨૦૨૦)


No comments:

Post a Comment