Sunday 13 September 2020

Politics in the name of Nobel and Bharat Ratna

                                       નોબેલ કે ભારતરત્નના નામે રાજકારણ

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         ચૂંટણીમાં લાભાલાભપ્રેરિત જ  ઉહાપોહ

·         સાવરકર કે નરસિંહરાવના નામે ઝુંબેશ

·         ગાંધીજીને નોબેલ નકારાયાનો મહિમા

Dr.Hari Desai writes weekly column “Kaaran-Raajkaaran” for Mumbai Samachar Daily’s Sunday Supplement “UTSAV”.13 Septembar 2020.

હમણાં તેલંગણ વિધાનસભામાં અવિભાજ્ય આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રહેલા અને દક્ષિણ ભારતમાંથી દેશના   સર્વપ્રથમ વડાપ્રધાન વડાપ્રધાન બનનાર સદગત પી.વી. નરસિંહરાવને ભારતરત્ન આપવાની માંગણી કરતો ઠરાવ થયો. તેલંગણ રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના સુપ્રીમો અને મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે રજૂ કરેલા આ ઠરાવને વિપક્ષમાં બેસતા કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષ સહિતનાએ સમર્થન આપ્યું, પણ હૈદરાબાદના લોકસભા સભ્ય અસદુદ્દીન ઓવૈસીના, રાજ્યના સત્તારૂઢ મોરચામાં સામેલ  ૭ સભ્યો ધરાવતા, ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (એમઆઈએમ)નો  અયોધ્યામાં રાવના પ્રતાપે જ ૧૯૯૨માં બાબરી ધ્વંશ થયાના મુદ્દે કરાયેલો વિરોધદર્શક સભાત્યાગ બહુ ગાજ્યો.બરાબર આ જ દિવસોમાં આગામી ૩ નવેમ્બરના રોજ અમેરિકી રાષ્ટ્રપતિપદ માટે યોજાનારી ચૂંટણીમાં ફરી ઉમેદવારી કરનાર યુદ્ધખોર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ઇઝરાયલ-યુએઈ વચ્ચેના મધુર સંબંધો સ્થાપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવવા બદલ શાંતિના નોબેલ પારિતોષિક માટે પ્રસ્તાવિત કરવામાં આવે છે. નોબેલ શાંતિ પારિતોષિકની જાહેરાત આવતા મહિને એટલે કે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના આગલા મહિને થવાની છે. ઘરઆંગણે ભારતરત્નની માંગણી હોય કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે શાંતિના નોબેલ પારિતોષિકની ઉમેદવારી હોય; બંને પાછળ પોતપોતાનાં રાજકારણ ચમકાવવાની કોશિશથી વિશેષ કશું નથી એ બાબત નાના ભૂલકાને પણ હવે તો સમજાય એવી છે. કોને કોઈ ઇલકાબ કે પારિતોષિક અપાવવું કે કોને એ નહીં મળ્યું કે પછી વિલંબથી મળ્યું એના નામે પોતાના વર્તમાન રાજકારણને ચમકાવનારાઓ એ વાતને સાવ જ વિસારે પાડે છે કે જે સદગતોને નામે રાજકારણના ખેલની વર્તમાનમાં ચોપાટો મંડાય છે એ મહાન વિભૂતિઓ હયાત હતી ત્યારે પણ એમણે આવા ઈલકાબોની કોઈ ખેવના કરી નહોતી!

ઈલકાબો નાબૂદી અને એમનો મોહ

આઝાદીના જંગના દિવસોમાં બ્રિટિશ સરકારના કૈસર-એ-હિંદ કે નાઈટહૂડ  જેવા ઇનામ-અકરમ પરત કરવામાં રાષ્ટ્રપિતા  મહાત્મા ગાંધી કે કવિવર રવીન્દ્રનાથ ઠાકુર જેવા અનેક રાષ્ટ્રભક્તો અગ્રક્રમે હતા. આઝાદી આવ્યા પછી નવરચિત બંધારણમાં રાજા-મહારાજા-નવાબો કે વિશેષ વ્યક્તિઓને અપાયેલા ઈલકાબો કે અલંકરણો નાબૂદ કરતી બંધારણીય જોગવાઈ અનુચ્છેદ ૧૮ અન્વયે કરવામાં આવી. માત્ર લશ્કરી કે એકેડેમિક ક્ષેત્રે  વિશેષ યોગદાન માટેના ઈલકાબો સિવાયના તમામ ઈલકાબોને નાબૂદ કરાયા એટલું જ નહીં, વિદેશી સરકારોના કોઈપણ  ઇલકાબ ભારતીય નાગરિક લઇ ના જ શકે (“શેલ નોટ”) સહિતની  જોગવાઈઓ કરાઈ હતી. જોકે સત્તામાં બેઠેલાઓને અને જેમને પેલાં લટકણિયાંની  માયા બંધાઈ હતી એ બધાના આગ્રહના પ્રતાપે વર્ષ ૧૯૫૪થી ભારતરત્ન સહિતના પદ્મ-ઈલકાબોની પરંપરા આરંભાઈ. દેશી સરકારો થકી વિશેષ સેવાઓ માટે પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારતરત્ન આપવાની પરંપરા એવી તે ચાલી કે એની સંખ્યા અને ગુણવત્તા પણ વિવાદાસ્પદ બની. મામકાઓને રાજી કરવા લહાણી થવા માંડી. એવું પણ બન્યું કે સત્તાધીશો પોતે જ એ ઇનામ-અકરમ પોતાના ગળામાં આરોપાય એની તજવીજ કરવા માંડ્યા. ક્યારેક તો પદ્મશ્રીના ભાવ પણ ચર્ચામાં આવ્યા. પ્રખર ગાંધીવાદી મોરારજી દેસાઈ ૧૯૭૭માં વડાપ્રધાન થયા એ પછી  એમણે આવા પદ્મ-ઈલકાબોને “નિરર્થક અને રાજકારણપ્રેરિત” લેખાવી આવી  બ્રિટિશ પરંપરાને બંધ કરવાનું કડવું પગલું ભર્યું. એમના અનુગામી ચૌધરી ચરણસિંહ પણ એ જ મતના હતા એટલે એમણે પણ એ પરંપરા બંધ કરી.૧૯૭૭-૮૦ અને ૧૯૯૨-૯૫ દરમિયાન અમુક સમય માટે પદ્મ એવોર્ડ બંધ રહ્યા, પણ ૧૫ ડિસેમ્બર ૧૯૯૫ના રોજ  બાલાજી રાઘવન વિરુદ્ધ ભારત સરકારના ખટલાનો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એ.એમ.અહમદી અને ન્યાયાધીશો કુલદીપ સિંહ, બી.પી.જીવન રેડ્ડી, એન.પી.સિંહ અને એસ.સાઘીર થકી અપાયેલા ચુકાદાને પગલે ફરી આ પદ્મ ઈલકાબો ચલણી બન્યા. બંધારણ સભાની ચર્ચાઓના સંદર્ભો લઈને નાગરિકો વચ્ચે આવા રાષ્ટ્રીય એવોર્ડ કોઈ ભેદભાવ સર્જતા નહીં હોવાની સ્પષ્ટતા સાથે અને એમની પસંદગીનાં ધોરણો જળવાય એ જરૂરી હોવાની કાળજી લેવા ઉપરાંત જેમને પદ્મ એવોર્ડ અપાય એમના નામની આગળ કે પાછળ આવાં લટકણિયાં નહીં લગાડવાની સ્પષ્ટતા કરાઈ. આમ છતાં, આજે પણ સરકારી નિમંત્રણ પત્રિકાઓમાં અને પત્રવ્યવહારમાં છડેચોક આ નિર્દેશિકાનો ભંગ થાય છે. સુપ્રીમ કોર્ટમાં આ અંગે ખટલા પણ દાખલ થયા છે અને દેશની સર્વોચ્ચ અદાલતે નિર્દેશ પણ આપ્યા છે કે આવાં લટકણિયાં લગાડનારાઓના ઇલકાબ પાછા ખેંચી લેવાની કાર્યવાહી ગૃહ મંત્રાલયે કરવી, પણ દલા તરવાડીના ન્યાયે ભાગ્યે જ કોઈ સરકારે આવી કાર્યવાહી કરી છે.

સરદાર-સાવરકરને વટાવવાની વૃત્તિ

રાજકીય રીતે અનુકૂળ વ્યક્તિઓને વિવિધ સરકારો પદ્મ એવોર્ડ આપતી રહ્યાથી ઘણી વાર વિવાદ પણ સર્જાયા. પંડિત નેહરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને ભારત રત્ન મળ્યા પછીના ક્રમે, વડાપ્રધાન પી.વી. નરસિંહરાવના સમયગાળામાં, દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને આઝાદીના જંગમાં  ગાંધીજી-નેહરુના અનન્ય સાથી સરદાર પટેલનો વારો આવે તો સ્વાભાવિક રીતે એ સૌને કઠે. સરદારને ભારતરત્ન વિલંબથી અપાયાના મુદ્દે ભારે રાજકીય ઉત્પાત મચાવાય છે, પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ભારતરત્ન નહીં અપાયાની ભાગ્યે જ ચર્ચા થાય છે! મહાત્મા કે સરદાર આવા ઈલકાબોના મોહતાજ નહોતા.મહાત્મા ગાંધીને તો  શાંતિના નોબેલ પારિતોષિક માટે ૧૯૩૭, ૧૯૩૮, ૧૯૩૯, ૧૯૪૭ અને ૧૯૪૮માં એમ પાંચ-પાંચ વખત ‘નોમિનેટ’ કરાયા છતાં એમને નોબેલ પારિતોષિક અપાયું નહોતું. મહાત્મા ગાંધીને નોબેલ કેમ ના મળ્યું એની ચર્ચા અન્યત્ર થતી હોય કે નહીં; સ્વયં નોબેલ પ્રાઈઝની સત્તાવાર વેબસાઈટ પર એની ચર્ચા કરતા લેખ મૂકાય છે. આનાથી વિશેષ સન્માન કયું હોઈ શકે?  મહારાષ્ટ્રમાં વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં સ્વાતંત્ર્યવીર સાવરકરને ભારતરત્ન અપાવાનું વચન કેન્દ્ર અને રાજ્યમાં એ વેળા સત્તારૂઢ ભાજપ થકી ખૂબ ગજવવામાં આવ્યું. જોકે મહારાષ્ટ્રમાં આ મુદ્દે મહદઅંશે  સંમતિ છતાં ભારતરત્ન ના જ અપાયો. એ કેમ ના અપાયો તે  વાત હજુ રહસ્ય જ રહી છે. જયારે વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સાવરકરને ભારતરત્ન આપવા ઈચ્છુક હતા. એ વેળાના રાષ્ટ્રપતિ કે.આર. નારાયણને રાષ્ટ્રપિતાની હત્યાના પ્રકરણ સંદર્ભે  સ્વાતંત્ર્યવીર સાવરકરના નામે વિવાદ થવાની વાતે તેમને ચેતવ્યા હતા અને એ બાબતે માંડવાળ થઇ હતી. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બેઉ મળીને ભારતરત્ન કોને આપવો તે નક્કી કરી શકે છે.

ભારતરત્ન અપાવવાની હોડ

દેશના તમામ રાજકીય પક્ષો પોતાના નેતાઓને કે આરાધ્ય-વ્યક્તિત્વોને ભારતરત્ન અપાવવાની વેતરણમાં રહે છે. બંધારણના મુખ્ય રચયિતા ડૉ.બાબાસાહેબ આંબેડકરને ૧૯૯૦માં બહુજન સમાજ પાર્ટીના સંસ્થાપક  કાંશીરામ અને તેમનાં સાથી માયાવતીના વડાપ્રધાન વી.પી. સિંહને આગ્રહને કારણે જ મરણોત્તર ભારતરત્ન આપવાની ફરજ પડી હતી. આવું જ કંઇક સરદાર પટેલના સંદર્ભમાં એ પછી થયું હતું. રાજકીય અનુકૂળતા જોઇને ભારતરત્ન કે અન્ય પદ્મ એવોર્ડ આપવાની પરંપરા અખંડ ચાલી છે એટલું જ  નહીં, ભારતરત્ન માટે માંગણી કરીને પોતાની રાજકીય કારકિર્દી ચમકાવવાનું વલણ પણ વધ્યું છે. કેટલાક વિરોધાભાસો પણ જોવા મળ્યા છે. જે મોરારજીભાઈ પદ્મ એવોર્ડ બંધ કરી દેવાની તરફેણ કરતા હતા અને આવા ઈલકાબોને  બંધારણ વિરુદ્ધ લેખતા હતા એમણે માત્ર ભારતરત્ન સ્વીકાર્યો એટલું જ નહીં, પાકિસ્તાની તાનાશાહ જનરલ ઝીયા-ઉલ-હક કનેથી પાકિસ્તાન સરકારનો સર્વોચ્ચ એવોર્ડ  “નિશાન-એ-પાકિસ્તાન” એવોર્ડ પણ સ્વીકાર્યો હતો.

પદ્મભૂષણ લેવાનો ઠેંગડીનો નન્નો

વડાપ્રધાન વાજપેયી જયારે સંઘ પરિવારના મોભી અને ભારતીય મજદૂર સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભારતીય કિસાન સંઘ સહિતનાં અનેક સંગઠનોના સંસ્થાપક-સંવર્ધક પ્રચારક દત્તોપંત ઠેંગડીને પદ્મભૂષણ એવોર્ડથી નવાજવા ઈચ્છુક હતા ત્યારે એમણે એ લેવાનો સાફ નન્નો ભણ્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યાં લગી રા.સ્વ.સંઘના પ્રથમ સરસંઘચાલક ડૉ.કેશવ બલિરામ હેડગેવાર અને દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી)ને ભારતરત્ન ના અપાય ત્યાં લગી મારાથી આ ઇલકાબ સ્વીકારી શકાય નહીં. જોકે વાજપેયી પછી નરેન્દ્ર મોદીની સરકારે પણ ડૉ.હેડગેવાર કે ગુરુજીને ભારતરત્ન આપવાનું પસંદ કર્યું નથી. આઝાદીના જંગમાં અગ્રેસર અને નેહરુ સરકારમાં મંત્રી રહેલા મૌલાના અબુલ કલામ આઝાદે ભારતરત્ન લેવાનો સાફ ઇનકાર કરતાં એવું કહ્યું હતું કે ઈલકાબોની પસંદગી સમિતિમાં હોય એવી વ્યક્તિઓએ ઇલકાબ ના લેવા જોઈએ. મૌલાનાને ૧૯૯૨માં વડાપ્રધાન નરસિંહરાવ સરકાર તરફથી મરણોત્તર ભારતરત્ન અપાયો ત્યારે તેમના વંશજોએ એ સ્વીકાર્યો હતો; પરંતુ નેતાજી સુભાષચન્દ્ર બોઝને રાવ સરકારે ૧૯૯૨માં મરણોત્તર ભારતરત્ન આપવા ચાહ્યો ત્યારે નેતાજીના પરિવારજનોએ ૧૯૪૫માં ટાઇપેયીમાં વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા નેતાજીને આટલા વિલંબથી આ એવોર્ડ અપાતો હોવાથી તે લેવાનો ઇનકાર કર્યો હતો. ભારત સરકારના પદ્મ એવોર્ડ મેળવવા એકબાજુ લોબીઈંગ થતું જોવા મળે છે તો ક્યારેક એ એવોર્ડ લેવાનો ઇનકાર કરનારાઓ કે પરત કરનારાઓની સંખ્યા પણ ઘણી મોટી છે. કેરળના પ્રથમ માર્ક્સવાદી મુખ્યમંત્રી ઈ.એમ.એસ.નામ્બુદિરીપાદે ૧૯૯૨માં સરકારી એવોર્ડ નહીં સ્વીકારવાના સિદ્ધાંતને ખાતર પદ્મવિભૂષણ લેવાનો નન્નો ભણ્યો હતો. મોટા ગજાના કન્નડ સર્જક શિવરામ કારંથે ઈમર્જન્સીના વિરોધમાં પોતાનો પદ્મ એવોર્ડ પરત કર્યો હતો. પત્રકાર-લેખક ખુશવંત સિંહે સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલવાના વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના પગલાના વિરોધમાં પદ્મભૂષણ પરત કર્યો હતો, પણ વર્ષ ૨૦૦૭માં વડાપ્રધાન મનમોહનસિંહ સરકાર કનેથી પદ્મવિભૂષણ સ્વીકાર્યો હતો. ઇતિહાસકાર રોમિલા થાપરે એકેડેમિક એવોર્ડ સિવાયના કોઈ એવોર્ડ નહીં સ્વીકારવાના પોતાના વલણને કારણે પદ્મ એવોર્ડ લેવાનો ઇનકાર કર્યો હતો.પદ્મ એવોર્ડ લેનારાઓ કરતાં નહીં મેળવનારા મહાત્મા ગાંધી જેવા કે એવોર્ડ મળ્યા પછી લેવાનો ઇનકાર કરનારા કે પરત કરનારાઓની ચર્ચા વધુ થતી હોય છે. વર્તમાન ભારત સરકારે પ્રજા કનેથી પદ્મ એવોર્ડ માટે ઓનલાઈન નામો સૂચવવાની મુદત ૧૫ સપ્ટેમ્બર સુધી લંબાવી છે એટલે હવે આવતા વર્ષે પ્રજાસત્તાક દિવસે પદ્મ એવોર્ડ માટે કોની અને કેવી પસંદગીની જાહેરાત થાય છે એની પ્રતીક્ષા છે.  

તિખારો

વેચાઈ જવા કરતાંય વધુ વહેંચાઇ જવામાં લિજ્જત છે,

હર ફૂલ મહીં ખુશ્બો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે.

-     અમૃત ઘાયલ

(લખ્યા તારીખ: ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૦)

No comments:

Post a Comment