Wednesday 2 September 2020

Parshuram Politics

 

ઉત્તરપ્રદેશમાં શ્રીરામ વિરુદ્ધ પરશુરામ મુદ્દે રાજકીય ઝૂંટાઝૂંટ

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         અખિલેશ યાદવ શ્રીકૃષ્ણની ભવ્ય પ્રતિમા અને લખનઉમાં ૧૦૮ ફીટ ઊંચી પરશુરામની મૂર્તિ સ્થાપિત કરવા મેદાને

·          ક્યારેક બ્રાહ્મણોને જૂતાં મારવાની હાકલ કરનારાં માયાવતી હવે પ્રદેશની  ૯ % બ્રાહ્મણ વોટબેંકને મનાવવા મેદાને

·         માયાવતી  તો  ક્યારેક ભાજપના ટેકે તો ક્યારેક સમાજવાદી પાર્ટીના ટેકે અને છેલ્લે આપબળે મુખ્યમંત્રી થયાં હતાં

·         પરશુરામને વરદાન હતું  કે જ્યાં તેમનું  પરશુ (ફરશી) સમુદ્રમાં પડશે ત્યાં સમુદ્રનું જળ સૂકાઈ પૃથ્વી (કેરળ) બનશે  .

Dr.Hari Desai writes weekly column for Gujarat Samachar (London), Gujarat Guardian (Surat),Sardar Gurjari (Anand) and Gandhinagar Samachar (Gandhinagar).

અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ કરાવવાનો યશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખાટી જાય અને ઉત્તરપ્રદેશના બહુમતી હિંદુઓ ભારતીય જનતા પક્ષ (ભાજપ) ભણી વળવાની આશંકા વિપક્ષોને છે. લઈને ગેંગસ્ટર વિકાસ દુબેના વિવાદાસ્પદ એન્કાઉન્ટર પછી અખિલેશ યાદવની  સમાજવાદી પાર્ટી (સપા) અને માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બસપા) રીતસર  ભગવાન પરશુરામની ભવ્ય પ્રતિમાઓ સ્થાપિત કરવાના નામે સક્રિય થઇ પ્રદેશની ૯ % બ્રાહ્મણ વોટબેંકને મનાવવા મેદાને પડી છે. ભગવાન વિષ્ણુના છટ્ઠા અવતાર મનાતા પરશુ(ફરશી)ધારી પરશુરામે ૨૧ વાર ધરતીને નક્ષત્રી કરી હતી અને પોતાના પિતા જમદગ્નિ ઋષિના આદેશથી “માનસિક સ્ખલન અનુભવનાર” માતા રેણુકાની હત્યા પણ કરી હતી. જોકે પિતાની આજ્ઞા માની પ્રસન્ન થતાં તેમની કનેથી વરદાન મેળવીને માતા રેણુકાને ફરી જીવિત કર્યાનું પણ કહેવાય છે. કેરળથી લઈને ઉત્તર સુધી પરશુરામનો અનેરો મહિમા છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીની અખિલેશ સરકારે પરશુરામ જયંતીની જાહેર રજા આપી હતી, પણ ભાજપની યોગી સરકારે એ જાહેર રજાને ૨૦૧૭માં રદ કરી હોવાના મુદ્દે પણ રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. અત્રે એ યાદ રહે કે વર્તમાન મુખ્યમંત્રી યોગી પૂર્વાશ્રમમાં રાજપૂત પરિવારના હોવા ઉપરાંત રાજ્ય ભાજપી મુખ્યમંત્રી રહેલા વર્તમાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ રાજપૂત હોવાથી ભાજપ બ્રાહ્મણોને અન્યાય કરી રહ્યાની વાત સાથે ક્ષત્રિય કુળના રાજા રામના મંદિરના નિર્માણના મુદ્દા સામે અખિલેશ અને માયાવતી પરશુરામને આગળ કરી રાજકીય લાભ ખાટવાની કોશિશ કરે છે. મુખ્યમંત્રી યોગી તો ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી પરશુરામને સરખો આદર આપવાની પોતાની ભૂમિકા સ્પષ્ટ કરે છે. ચોથા ક્રમે હડસાયેલી કોંગ્રેસ ક્યારેક બ્રાહ્મણ વોટબેંક પર પ્રભાવ ધરાવતી હતી અને હવે એ પણ પરશુરામ જયંતીની જાહેર રજાના કોરસગાનમાં સામેલ છે. ધાર્મિક લાગણી અને મતબેન્કના રાજકારણમાં તર્ક કરતાં ભાવના વધુ કામ કરે છે અને અત્યારે તો આ મુદ્દે ઉત્તરપ્રદેશની વિધાનસભાની આગામી ૨૦૨૨માં યોજાવાની ચૂંટણીની ભૂમિકા તૈયાર થઇ રહી છે.

ઉત્તરપ્રદેશનો રાજકીય  ઉકળાટ

ગુજરાતમાં રાજકોટથી ઊઠેલી પરશુરામ જયંતીની જાહેર રજાની માંગણીને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત સરકારે સ્વીકારી હતી. જોકે અન્ય રાજ્યોમાં જાહેર રજા અને પ્રતિમાઓની સ્પર્ધામાં પરશુરામ ભગવાન હજુ અટવાયેલા જ લાગે છે. આ મુદ્દે રાજકીય ઉહાપોહ થતો રહે છે. સરયૂ તટે  શ્રી રામની પ્રતિમા અને અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણ સામે ક્યારેક હોસ્પિટલો અને શાળાઓ બાંધવાની જાહેરાતો કરતા રહેલા સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ પણ ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય પ્રતિમા અને લખનઉમાં ૧૦૮ ફીટ ઊંચી ભગવાન શ્રી પરશુરામની મૂર્તિ સ્થાપિત કરવા મેદાને પડ્યા છે. ક્યારેક બ્રાહ્મણોને જૂતાં મારવાની હાકલ કરનારાં માયાવતી પણ “સમાજવાદી સરકારે પરશુરામની ભવ્ય પ્રતિમા એની  સરકાર હતી ત્યારે કેમ ના સ્થાપિત કરી?” એવો સવાલ ઊઠાવીને કહે છે કે  આવતા દિવસોમાં બહુજન સમાજ પાર્ટીની સરકાર આવતાં જ અમે લખનઉમાં ૧૦૮ ફીટ ઊંચી કે તેથી પણ ઊંચી પરશુરામની  પ્રતિમા  સ્થાપિત કરીશું. માયાવતીએ પોતાની સરકાર હતી ત્યારે ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓની સાથે જ પોતાના પક્ષના સંસ્થાપક કાંશીરામ અને સ્વયંની તથા  પોતાના ચૂંટણી ચિહ્ન હાથીની ભવ્ય પ્રતિમાઓ સ્થાપિત કરી હતી. આ મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી ગાજ્યો હતો. અત્યારે ઉત્તરપ્રદેશમાં બ્રાહ્મણ રાજકારણના ચાલી રહેલા ઘમાસાણ અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કહે છે કે જેમણે રામભક્તો પર ગોળીઓ વરસાવી હતી (મુલાયમસિંહ  યાદવ સરકારે) તેઓ હવે સમાજને વિભાજીત કરવાના રાજકીય ખેલ ખેલી રહ્યા છે.વર્ષ ૨૦૧૭માં યોગી સરકારે લખનઉમાં સત્તા સંભાળ્યા બાદ મહાપુરુષોના જન્મદિન કે પુણ્યતિથિ પર અપાતી ૧૫ જાહેર રજાઓ રદ કરી હતી. તેમાં ચંદ્રશેખર જયંતી, પરશુરામ જયંતી, મહારાણા પ્રતાપ જયંતી,કર્પૂરી ઠાકુર જયંતી, વિશ્વકર્મા પૂજા, વાલ્મીકિ જયંતી, જમાત-ઉલ-વિદા અને ચૌધરી ચરણસિંહ જયંતીની રજાઓનો  પણ સમાવેશ હતો. વર્ષ ૨૦૧૭માં સત્તામાં આવતાંની સાથે જ આદિત્યનાથે અયોધ્યામાં સરયૂ તટ પર વિશ્વમાં સૌથી ઊંચી એવી ૨૫૧ ફીટની ભગવાન શ્રી રામની પ્રતિમા સ્થાપિત કરવાની ઘોષણા કરી હતી.

બધા એક જ માળાના મણકા

સંયોગ  તો જુઓ કે દલિત વોટબેંકના ટેકે માયાવતીએ રાજકારણમાં પદાર્પણ કર્યું પણ એ ક્યારેક ભાજપના ટેકે તો ક્યારેક સમાજવાદી પાર્ટીના ટેકે અને છેલ્લે આપબળે મુખ્યમંત્રી થયાં હતાં;પણ જયારે અખિલેશ સાથે જોડાણ કરીને સત્તામાં આવવાની કોશિશ કરી ત્યારે એ સાવ ફેંકાઈ ગયાં એટલું જ નહીં સીબીઆઈ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓના ચક્કરમાં એમણે કોંગ્રેસ સાથેના જોડાણને પણ તોડવાની વિવશતા અનુભવવી પડી છે. હવે ભાજપને પરાસ્ત કરીને પ્રદેશમાં સત્તામાં આવવા માટે માયાવતી અને અખિલેશ હવાતિયાં મારવા પોતાના પ્રજાકલ્યાણલક્ષી એજન્ડાને બાજુએ સારીને મંદિર કે પ્રતિમાઓના એજન્ડાથી પ્રજાને રાજી કરવાની વેતરણમાં વધુ છે.

કાશી-મથુરા અભી બાકી હૈ

ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્રપણે સંઘ પરિવારના એજન્ડા પર અયોધ્યા પછી હજુ કાશી અને મથુરા બાકી છે. ભાજપના સાંસદ રહેલા વિનય કટિયારે  રામમંદિરના શિલાન્યાસ પછી પણ કાશી-મથુરા હજુ બાકી હોવાનું સ્મરણ કરાવ્યું છે. એટલે અયોધ્યામાં મંદિર નિર્માણ થાય એટલે  વિવાદ શમી જતો નથી. દેશભરમાં હજુ ૩૦૦૦ એવાં વિવાદી સ્થળોને મુક્ત કરાવવા માટે સંઘ પરિવાર એના સાધુ-સંતોના માધ્યમથી ધાર્મિક વિવાદના મુદ્દાને જાગતો રાખીને ભાજપને લાભ કરાવવા માટે સક્રિય રહે એવા સંકેત મળ્યા જ કરે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અનુકૂળ લાગે તો આવકાર આપવો અન્યથા મહિલાઓને દર્શનનો અધિકાર આપતા કેરળના શબરીમાલા મંદિર અંગેનાં પાંચ ન્યાયાધીશોના ચુકાદાને પણ અમલમાં નહીં લાવવાની ભૂમિકા અપનાવવામાં આવે છે. સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જવાબદારી સુપ્રીમના આ ચુકાદાનો અમલ કરાવવાની હોવા છતાં તેમણે પાંચમાંથી એક લઘુમતી ચુકાદો આપનાર મહિલા જજના મતનો વિચાર કરવાની જરૂર પર ભાર મૂકીને સમગ્ર ચુકાદાની અપ્રતિષ્ઠા કરી હતી. ભાજપને હજુ દક્ષિણનાં બે રાજ્યો કેરળ અને તમિલનાડુમાં ઝાઝું ગજું કાઢવાની તક મળતી નથી. આવા સંજોગોમાં સ્થાનિક ધાર્મિક મુદ્દાઓ ઊઠાવીને પણ તક મેળવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.

પરશુરામ ઉત્તરથી કેરળ લગી

મહાતપસ્વી પરશુરામે ક્ષત્રિયો સાથે લડીને સમગ્ર પૃથ્વીને નક્ષત્રી કરી અને સર્વસ્વ બ્રાહ્મણોને દાન કર્યા પછી પોતાના રહેવા  માટે કંઈ ના રહેતાં વરુણ દેવની તપસ્યા કરી.કહે છે કે વરુણ દેવે દર્શન આપીને પરશુરામને  વરદાન આપ્યું કે જ્યાં તમારું પરશુ (ફરશી) સમુદ્રમાં પડશે ત્યાં સમુદ્રનું જળ સૂકાઈને પૃથ્વી બની જશે. આ બધી જમીન પરશુ ક્ષેત્ર ગણાશે અને તમારી બની જશે. ભગવાન પરશુરામે એવું કર્યું અને જે ભૂમિ સમુદ્રમાંથી મળી એ અત્યારનું કેરળ ગણાય છે. ભગવાન પરશુરામને આ ભૂમિ પર ભગવાન  વિષ્ણુના અવતાર લેખવામાં આવે છે.અહીં પરશુરામનું ભવ્ય મંદિર પણ બનાવાયેલું છે. કેરળની પ્રજા પ્રત્યેક ઘરમાં ખુશી લાવનાર ઓણમ તહેવાર એ નિમિત્તે જ મનાવે છે. તિરુઅનંતપુરમથી ૭ કિ.મી.ના અંતરે કરમના, કિલ્લી અને પાર્વતીપુથનાર એ નદીઓના ત્રિવેણીસંગમ પર ૨૦૦૦ વર્ષ પુરાણું તિરુવલિયમ પરશુરામ મંદિર આવેલું છે. મહાવિષ્ણુના પરમ ભક્ત વિલ્વામંગલમ સ્વામીએ એ બંધાવ્યું હતું. અત્યારે અસ્તિત્વ ધરાવે છે તે મંદિર ૧૨-૧૩મી સદીમાં ચેરા રાજવી અથિયમન પેરુમલે બંધાવ્યું છે અને એનો અનેરો મહિમા છે. કોંકણ રેલવેનું બાંધકામ ચાલતું હતું ત્યારે કોંકણ અને કેરળને જોડતી આ રેલવેના પ્રચાર-પ્રસારમાં પરશુરામની ભોમકા તરીકે ઘણો ઉપયોગ થયો હતો. અત્યારે પણ કેરળમાં માર્ક્સવાદી ડાબેરી  મોરચાની સરકાર પણ એના ઉપક્રમ મેટલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના માધ્યમથી ભગવાન પરશુરામના પરશુ (ફરશી) જેવું  ઓજાર સુવેનિયર તરીકે શ્રદ્ધાળુઓને આપવા માટે બનાવે છે.અત્રે એ યાદ રહે કે સામાન્ય રીતે ઈશ્વરમાં નહીં માનનારા નાસ્તિક એવા કમ્યૂનિસ્ટોની જ કેરળ સરકારે એના પ્રવાસન પ્રચાર માટે “ગૉડ્સ ઓન કન્ટ્રી” જેવું સ્લોગન તૈયાર કરીને દુનિયાભરમાં કેરળના પ્રવાસનનો પ્રચાર કરવાનો આરંભ કર્યો હતો. ભગવાન પરશુરામ એ દક્ષિણ અને ઉત્તરને જોડવાનું અનેરું કામ કરે છે, પણ કમનસીબે એમને પોતીકા ગણાવવાની રાજકીય ખેંચતાણ ઉત્તરપ્રદેશના  રાજકારણમાં ચાલી રહી છે. હકીકતમાં તો એ સૌના પોતીકા અને રાજકીય રંગથી નોખા જ રહેવા ઘટે, ભગવાન રામની જેમ જ.

ઈ-મેઈલ: haridesai@gmail.com                          (લખ્યા તારીખ: ૩૦ ઓગસ્ટ ૨૦૨૦)

No comments:

Post a Comment