Sunday 30 August 2020

Punjab-Haryana Sutlej Yamuna Canal Conflict

                                                 પંજાબનાં જળમાં અગનજ્વાળા

કારણ-રાજકારણ:ડૉ.હરિ દેસાઈ

·         કોંગ્રેસ, અકાલીદળ –ભાજપના એકસૂર

·         હરિયાણાના પાણીના આગ્રહથી  ભડકો

·         સુપ્રીમ કોર્ટના ચુકાદાની ખુલ્લી તોહીન

ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૦ના રોજ સિંધુ, ચિનાબ, જેલમ, બિયાસ, રાવી અને સતલજનાં જળની વહેંચણી અંગે વિશ્વબેન્કની મધ્યસ્થીથી વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના  રાષ્ટ્રપતિ જનરલ અયુબ ખાન વચ્ચે થયેલી સિંધુ જળ સંધિ બંને  દેશો વચ્ચે યુદ્ધ અને કડવાશના સંજોગો છતાં પણ અકબંધ છે. વચ્ચે વચ્ચે એને તોડી નાખવાનાં રાજકીય નિવેદનો ચૂંટણી સભાઓમાં ગાજે છે, પણ પાકિસ્તાનમાં વહી જતા ભારતના હિસ્સાના પાણીને સંગ્રહવાના ડેમ રાતોરાત બાંધવાનું શક્ય નથી એટલે એ સંધિ તોડાઈ નથી. વળી, એને તોડવા જતાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઉપરાંત ચીન પણ એ પાણીમાં ભાગીદારીના દાવા સાથે ખાબકે એવી શક્યતા જૈસે થેની સ્થિતિને જાળવે છે. વાત વિદેશ સાથેના જળવિવાદની હોય તો એ જરા વધુ વિકટ લાગે, પણ જયારે ઘરઆંગણે જ રાજ્યો રાજ્યો વચ્ચેના નદી જળ વહેંચણીના વિવાદ ઉત્પાત મચાવે અને સુપ્રીમ કોર્ટના આદેશોનું પણ ધરાર ઉલ્લંઘન તમામ રાજકીય પક્ષોની રાજ્ય સરકારો કરે ત્યારે તો શું કહેવું? હજુ હમણાં જ પંજાબ અને હરિયાણા વચ્ચેના સતલજ-યમુના કેનાલના વિવાદે તો જળમાં આગ લગાડવાનો આવો જ માહોલ સર્જ્યો છે. વાત દાયકાઓ જૂની છે.સુપ્રીમ કોર્ટ પંજાબને આ કેનાલના થંભાવી દેવાયેલા કામને પૂરું કરવાનો નિર્દેશ આપે છતાં પંજાબના મુખ્યમંત્રી પતિયાળાના “મહારાજા” કેપ્ટન અમરિંદર સિંહ નિવેદન કરે કે “આવું કરવા જતાં તો પંજાબ ભડકે બળશે. હરિયાણા અને રાજસ્થાન પર અસર કરનારી એ રાષ્ટ્રીય સમસ્યા બનશે.” ૩૧ ઓક્ટોબર ૧૯૬૬ના રોજ પંજાબમાંથી હિન્દીભાષી હરિયાણાનો જન્મ થયો ત્યારથી આ વિવાદ વકરવાના સંજોગો નિર્માણ થયા છે.પંજાબમાં અત્યારે કોંગ્રેસની સરકાર છે અને હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી અને જનનાયક જનતા પાર્ટીની સંયુક્ત સરકાર છે. રાજકીય ખેંચતાણ વધે એ સ્વાભાવિક છે, પણ પંજાબમાં અકાલીદળ-ભાજપની સરકાર હતી ત્યારે પણ એની ભૂમિકા આ કેનાલ બાંધવાનું ટાળીને હરિયાણાને પાણી નહીં આપવાની જ ભૂમિકા હતી. ઉલટાનું એ વેળાના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે તો જાહેર કર્યું હતું કે પંજાબમાં કોંગ્રેસ અને આપ પાર્ટી તો આ કેનાલ મારફત પાણી હરિયાણાને પહોંચાડીને પંજાબને રણ પ્રદેશમાં ફેરવી નાંખવાની વેતરણમાં છે. 

દુષ્યંત ચૌટાલાનું ઉંબાડિયું

હમણાં જે વિવાદ ભડક્યો એ માટે હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ અમૃતસરમાં પવિત્ર સુવર્ણ મંદિરમાં માથું ટેકવ્યા પછી કરેલા નિવેદને જ બળતામાં ઘી હોમ્યું. જનનાયક જનતા પાર્ટીના સુપ્રીમો ચૌટાલાએ ૧૨ ઓગસ્ટે ભારપૂર્વક કહ્યું હતું : “બે વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે આપેલા આદેશનું પાલન થવું જોઈએ અને સતલજ-યમુના કેનાલ મારફત પાણી હરિયાણાને પહોંચવું જ જોઈએ. ભારતની નદીઓનું ભારતના ભાગનું જે પાણી પાકિસ્તાનમાં વહી જય છે એને ટેકનોલોજીના ઉપયોગથી રોકીને આપણા રાજ્યોના લાભમાં વાપરવામાં આવે એ જરૂરી છે.” પંજાબના સર્વપક્ષી રાજનેતાઓ માટે હરિયાણવી નેતાનું આ ઉંબાડિયું નવા રાજકીય વિવાદનું નિમિત્ત બન્યું એટલે કેન્દ્રના જળ શક્તિ  મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની ઉપસ્થિતિમાં ૧૮ ઓગસ્ટે બંને રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને મનોહરલાલ ખટ્ટરની બેઠક યોજાઈ પણ એમાં કોઈ સમાધાન નીકળ્યું નહીં. હવે ફરીને આ બંને મુખ્યમંત્રી ચંડીગઢમાં મળવાના છે. નવાઈ તો એ વાતની છે કે મૂળ પંજાબના મનોહરલાલ આરએસએસના પ્રચારકમાંથી હરિયાણાના ભાજપી મુખ્યમંત્રી બન્યા છે એટલે એમણે હરિયાણાનો પક્ષ લેવો જ પડે. એ તો દિલ્હી આવ્યા હતા અને કેપ્ટન વિડીયો કોન્ફરન્સિંગથી બેઠકમાં જોડાયા હતા. શેખાવત રાજસ્થાનના સાંસદ છે અને રાજસ્થાન પણ આ જળમાં પોતાનો વધુ  હિસ્સો માંગે એવી શક્યતા રહી છે. કેન્દ્ર સરકારે આ મુદે રાજકીય લાભાલાભની વાતને બદલે સમાધાન શક્ય બંને એવી ભૂમિકા ભજવવી જરૂરી છે. ભૂતકાળમાં પણ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ બબ્બેવાર આ વિવાદમાં સમાધાન કરાવ્યું હતું એટલે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનો અંતિમ ઉકેલ આણે એવી અપેક્ષા તમામ  પક્ષો રાખી રહ્યા છે. 

ઇન્દિરા ગાંધી થકી સમાધાન

સતલજ-યમુના કેનાલ વિવાદ ખૂબ જૂનો છે. અગાઉ નર્મદા જળ અને કાવેરી જળ વિવાદનાં દુષ્પરિણામ આપણી નજર સામે તગે છે એટલે આવા જળવિવાદ  કોઈ રાજ્યને ભડકે બાળવા જેવા સંજોગો સર્જે નહીં, એ દિશામાં તત્કાળ પગલાં લેવાય એ અપેક્ષિત છે. કુલ ૨૧૪ કિલોમીટરની આ  કેનાલનો ૧૨૨ કિલોમીટર હિસ્સો પંજાબમાં અને ૯૨ કિલોમીટર ભાગ હરિયાણામાં આવે છે. મૂળ પંજાબની સતલજ નદીને હરિયાણાની યમુના કેનાલ સાથે જોડતી  ૧૦,૫૦૦ કયુસેક પાણીની ક્ષમતા ધરાવતી અંદાજાયેલી આ કેનાલ મારફત ૬૫૦૦ કયુસેક પાણી હરિયાણાને મળવાના કરાર થયા હતા. ૧૯૮૪માં કેનાલનું ખોદકામ શરૂ થયું હતું.૧૯૯૦ના ગાળામાં તો પંજાબનું મોટાભાગનું કામ ૭૫૦ કરોડ રૂપિયાના ખર્ચે પૂરું થયું હતું. ૧૯૬૬માં પંજાબના વિભાજન અને જળવિવાદ અંગે ઉહાપોહને પગલે ૧૯૭૬ના ગાળામાં વડાંપ્રધાન શ્રીમતી ગાંધીએ પાણીની વહેંચણી અંગે સમાધાન કરાવ્યું હતું એ મુજબ પંજાબ અને હરિયાણા પ્રત્યેકને ૩.૫ મિલિયન એકર ફીટ પાણી અને રાજસ્થાનને ૮ મિલિયન એકર ફીટ તથા દિલ્હીને ૦.૨૦ મિલિયન એકર ફીટ પાણી મળવાનું હતું. પંજાબ આ સમાધાનને માનવા તૈયાર નહોતું એટલે  ૧૯૭૯માં હરિયાણાએ સુપ્રીમ કોર્ટે જવાનું પસંદ કર્યું.પંજાબ પણ સર્વોચ્ચ અદાલતે ગયું,  પણ ફરી વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની મધ્યસ્થીથી પંજાબે કેસ પાછો ખેંચી લીધો.એ પછી તો અકાલીદળ થકી પંજાબમાં આ કેનાલ સામે આંદોલન શરૂ થયું અને કેનાલના મજૂરો અને ઈજનેરોની હત્યાઓનો દોર ચાલુ થયો એટલે કામ ઠપ થઇ ગયું. આ દરમિયાન ૮ એપ્રિલ ૧૯૮૨ના રોજ વડાંપ્રધાન શ્રીમતી ગાંધીએ પતિયાળા પાસેના કપૂરી ગામે કેનાલનો શિલાન્યાસ કર્યો.  ૧૯૮૫માં વડાપ્રધાન રાજીવ ગાંધી અને લોંગોવાલ વચ્ચેના કરારથી સમાધાન શોધવાનો પ્રયાસ થયો પણ એ અશક્ય બનતાં જસ્ટિસ વી..બાલકૃષ્ણ ઈરાડીનું ટ્રિબ્યુનલ રચાયું.વર્ષ ૨૦૦૨માં સુપ્રીમ કોર્ટે કેનાલના ખોદકામનું કામ ચાલુ કરવા જણાવ્યું. પંજાબ સરકારે વિધાનસભામાં ૨૦૦૪માં કેનાલ માટે હસ્તગત કરેલી જમીન પરત કરવા અંગેનો કાયદો કર્યો. એને સુપ્રીમમાં પડકારાયો.રાષ્ટ્રપતિએ એનો રેફરન્સ મોકલ્યો અને સુનાવણી ચાલતી હતી ત્યાં ૨૦૧૬માં અકાલી-ભાજપની પંજાબ સરકારે નવો કાયદો કરવા માટે વિધેયક વિધાનસભે આણ્યું. સઘળો મામલો અદાલતો અને લોકલાગણી વચ્ચે અથડાતો-કૂટાતો રહ્યો અને કેનાલનું કામ આજ લગી પૂરું થતું નથી. તમામ રાજકીય પક્ષો પોતાનાં હિત ખાતર મામલો વિવાદમાં અટવાયેલો રહે એ માટે જ જાણે કે ખેલ કર્યા કરે છે. આવા તબક્કે વડાપ્રધાન પોતે એમાં મધ્યસ્થી કરીને સર્વસ્વીકૃત ચુકાદો આપે એ અપેક્ષિત છે.

તિખારો

શું તકદીર લઇને આવ્યા છીએ આપણે બન્ને,
તું આગ અને હું પાણી

ક્યારેય મળવાની આશા પૂરી નહિ થાય છતાંય બન્ને સાથે,
તું આગ અને હું પાણી

તારો ગુણ જલાવીને રાખ કરવાનો છે છતાંય બન્ને સાથે,
તું આગ અને હું પાણી

મારો ગુણ બધું વહાવી જવાનો છે છતાંય બન્ને સાથે,
તું આગ અને હું પાણી

તારી મને જલાવાની ઇચ્છા ક્યારેય પૂરી નહિ થાય છતાંય બન્ને સાથે,
તું આગ અને હું પાણી

મારી તને ડુબાડવાની ઇચ્છા ક્યારેય પૂરી નહિ થાય છતાંય બન્ને સાથે,
તું આગ અને હું પાણી

આખરે એક રીતે તો આપણે જોડાયેલા છીએ,
માનવ શરીર આગમાં બળી રાખ થઇ પાણીમં પ્રવાહિત થાય છે.
તું આગ અને હું પાણી

-     કર્ટસી કવિ જગત

 

(લખ્યા તારીખ:૨૧ ઓગસ્ટ ૨૦૨૦)

No comments:

Post a Comment