Thursday 27 August 2020

Naga Issue

 

નાગાલેન્ડમાં બળવાખોરો બેપાંદડે થતાં ગૂંચવાયેલું કોકડું

ડૉ.હરિ દેસાઈ

·         શ્રીનગરમાં ભાજપ સિવાયના પક્ષોનો વિરોધ સૂર

·         નાગા સમસ્યા ઉકેલાવાની આશા ઊલવા માંડી

·         ભાગલા પાડવાની દિલ્હીનીતિ સામે રોષ ભભૂક્યો

Dr.Hari Desai writes weekly column for Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand) and Gandhinagar Samachar (Gandhinagar). You may read the complete text and othe columns on haridesai.com and comment.

ઇશાન ભારતમાં બધું સમુસૂતરું નથી એ વાતનો ભડકો કોહિમાથી મળતા માઠા વાવડ સ્પષ્ટ કરે છે. નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેંડ (એનએસસીએન)ના સૌથી પ્રભાવી બળવાખોર જૂથ “આઇએમ” થકી અલગ બંધારણ અને અલગ રાષ્ટ્રધ્વજ સાથેના મનાતા ૨૦૧૫ના ભારત સરકાર સાથેના શાંતિકરારનો અમલ નહીં કરાયા અંગે ઉહાપોહ મચાવાયો છે. વળી, રાજ્યપાલ આર.વી.રવિને બદલવાની માંગણી પણ કરાઈ રહી છે. “વિશાળ નાગાલિમ”માં વર્તમાન નાગાલેંડ ઉપરાંત મણિપુર, અરુણાચલ પ્રદેશ,આસામ  સહિતનાં રાજ્યોના નાગા બહુલ પ્રદેશોને સામેલ કરવાની માંગણી પણ થઇ રહી છે. અત્યારની રાજ્ય સરકારમાં ભાજપની સહભાગિતા હોવા છતાં મૂળ કોંગ્રેસી ગોત્રના મુખ્યમંત્રી રીઓ અને રાજ્યપાલ રવિ વચ્ચે અંટસ પડી છે. અગાઉની કોંગ્રેસ સરકારો પણ જેમ બળવાખોરોમાં ભાગલા પડાવીને એમને નબળા પાડવાની નીતિ અનુસરતી હતી એ દિશામાં વર્તમાન સરકાર પણ આગળ વધે એ સ્વાભાવિક હોવા છતાં આ વખતે બે મહત્વનાં  પરિબળો અસરકારક બનવાની ચિંતા દિલ્હીએ પણ કરવી પડે તેમ છે. સામાન્ય રીતે ઇશાન ભારતના બળવાખોરોને શસ્ત્રો પહોંચાડવામાં ચીનની ભૂમિકા રહી છે. આમ પણ, અત્યારે ચીન ભારતથી વંકાયેલું છે અને મળતા વાવડ મુજબ કેટલાંક બળવાખોર નાગા જૂથના નેતાઓ ચીન પહોંચ્યા છે. ચીન નેપાળ અને પાકિસ્તાનને ભારત વિરોધી પ્રવૃત્તિ માટે ઉશ્કેરી રહ્યું છે, એમ અઅહીંની  બળવાખોરીને પણ પ્રોત્સાહિત કરી શકે. વળી, જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો બક્ષતા ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૭૦ અને કલમ ૩૫ (એ)ને ગત વર્ષે સમાપ્ત કરવા ઉપરાંત એ રાજ્યના અલગ ધ્વજને પણ રદ કરવાના કેન્દ્ર સરકારના પગલા છતાં હજુ હમણાં જ ભાજપ સિવાયના તમામ રાજકીય પક્ષોના નેતાઓ શ્રીનગરમાં મળ્યા અને ૩૭૦ અને ૩૫(એ)ને ફરી બહાલ કરવા સંયુક્ત આંદોલન આદરવાનો સંકલ્પ કરી ચુક્યા છે.

 નાગા સમસ્યાનાં જૂનાં મૂળ

છેક ૧૮૨૬માં બ્રિટિશ શાસન હેઠળ આવેલા આસામ પછી નાગા હિલ્સને પણ ૧૮૮૧માં બ્રિટિશ ઇન્ડિયા સાથે જોડી દેવાતાં સ્થાનિક નાગા પ્રજામાં અજંપો વ્યાપ્યો હતો. ૧૯૧૮માં નાગા ક્લબના માધ્યમથી નાગા વિરોધ ભભૂક્યો તથા ૧૯૨૯માં સાયમન કમિશન સામે નાગા જાતિઓ તરફથી તેમને નહીં છંછેડવાની રજૂઆત થઇ હતી. ૧૯૪૬માં એ.ઝેડ. ફિઝોના નેતૃત્વમાં નાગા નેશનલ કાઉન્સિલ રચાઈ અને ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ નાગાલેન્ડને સ્વતંત્ર દેશ જાહેર કરવામાં આવ્યો હતો. ૧૯૫૧માં નાગા પ્રજાનો “જનમત” લેવાયો અને ૯૯ ટકાએ સ્વતંત્ર રાષ્ટ્ર નાગાલેન્ડની તરફેણ કરી હતી. ૨૨ માર્ચ ૧૯૫૨ના રોજ ફિઝોએ ભૂગર્ભ ચળવળ શરૂ કરવા માટે નાગા ફેડરલ ગવર્નમેન્ટ અને નાગા ફેડરલ આર્મીની  રચના કરી હતી. ભારત સરકારે લશ્કર પાઠવીને બળવાખોરીને કચડી નાંખવા ઉપરાંત લશ્કરી દળોને વિશેષ અધિકાર આપતા કાયદાનો અમલ કરાવ્યો એટલે લશ્કરી અત્યાચારોની ફરિયાદો ઊઠવા માંડી. દરમિયાન, આસામના રાજ્યપાલ અકબર હૈદરીએ ૨૯ જૂન ૧૯૪૭ના રોજ નાગાઓના મવાળ જૂથના નેતાઓ ટી.સાખીરે અને અલીબા ઇમ્તી સાથે નવ મુદ્દાના કરાર કર્યા,પણ ફિઝોના પ્રભાવી જૂથે એને ફગાવી દીધા. લોકનાયક જયપ્રકાશ નારાયણ, આસામના મુખ્યમંત્રી બિમલ પ્રસાદ ચાલીહા અને ફાધર માઈકલ સ્કોટના પ્રયાસોથી શાંતિના કરાર થયા પણ હિસક અથડામણો અટકી નહીં. ૧૧ નવેમબર ૧૯૭૫માં અમુક બળવાખોર નાગા નેતાઓ સાથે સરકારે શિલાંગ કરાર કર્યા અને શસ્ત્રનો માર્ગ છોડવાનું કબૂલ રાખવાની ભૂમિકા તૈયાર કરાઈ,પણ એ વેળા ચીનમાં રહેલા ટી. મુઈવાએ શિલાંગ કરારને માનવાનું નકાર્યું. તેમણે ઇસાક ચિસી અને એસ.એસ.ખાપલંગ સાથે મળીને  ૧૯૮૦માં એનએસસીએનની સ્થાપના કરી. એમાં ૧૯૮૮માં ભાગલા પડ્યા.બંને જૂથ આપસમાં લડતાં રહ્યાં.ફિઝોનું ૧૯૯૧માં લંડનમાં મૃત્યુ થતાં એનએસસીએન(આઇએમ) જૂથ સૌથી પ્રભાવી બનીને ધાર્યું કરાવી રહ્યું છે. આવતા દિવસોમાં એને ફરી  મંત્રણાના ટેબલ પર લાવવામાં નહીં આવે તો વધુ ખાનાખરાબી થવાના સંજોગો છે.

લશ્કરી પગલું ઉકેલ નથી

ખ્રિસ્તી બહુલ રાજ્ય  નાગાલેન્ડ સહિતનાં ઇશાન ભારતનાં રાજ્યોને બંધારણના અનુચ્છેદ ૩૭૧ અન્વયે જે  વિશેષાધિકાર  કે વિશેષ દરજ્જો મળે છે એને પણ કેન્દ્ર સરકાર સમાપ્ત કરે એવી ચર્ચા ભારે અજંપો સર્જે છે. કેન્દ્ર તરફથી આવું નહીં કરાય એવું વારંવાર સ્પષ્ટ કરાયા છતાં ૩૭૧ને દૂર કરવામાં આવે એવી ધાસ્તી હજુ ઓછી થઇ નથી. બળવાખોરો પણ પ્રજામાંના આ અજંપાનો લાભ ઉઠાવવા માંગે છે. ચીની અટકચાળા અને મ્યાનમારમાં બળવાખોરોને મળતા આશ્રય થકી ફરીને ત્રાસવાદી પ્રવૃત્તિ અને ભારતથી અળગા થવાની ભાવના ઉશ્કેરાય એવા સંજોગો આકાર લઇ રહ્યા છે. વાત વણસે એ પહેલાં દિલ્હીએ તાત્કાલિક આ મુદ્દે પગલાં લેવાં પડે. અહીં માત્ર લશ્કરી પગલાં ચાલી શકે તેમ નથી કારણ ભૂતકાળમાં ૧૯૫૫માં વડાપ્રધાન પંડિત નેહરુએ લશ્કર પાઠવવાનું પગલું ભર્યાના ઘા હજુ આળા જ છે. મામલો નાજુક છે. જનભાવના તીવ્ર છે. નાગા પ્રજાની સંગઠિત ભૂમિકા અને ચર્ચની ભૂમિકા સામે ભારત સરકારે કડકાઈને બદલે કુનેહથી જ કામ લેવું પડે તેમ છે, અન્યથા વાતનું વતેસર થઇ જવાની શક્યતા વધુ છે. મામલો આઝાદી કાળ પૂર્વેનો છે અને ભલભલા ચાણક્ય ગણાતા નેતાઓ એને આજ દિવસ લગી ઉકેલી શક્યા નથી. અમેરિકામાં ૫૦ રાજ્યો અને ૫૧ બંધારણ તેમ જ પ્રત્યેક રાજ્યના અલગ ધ્વજ હોવા છતાં અમેરિકા સૌથી મજબૂત રાષ્ટ્ર રહ્યું છે. આ બાબત પણ ભારતના ફેડરલ માળખા અને લોકતાંત્રિક અધિકારોના નિષ્ણાતો આગળ કરી રહ્યા છે. કર્ણાટક રાજ્યના ધ્વજ મુદ્દે પણ ભારે ઉહાપોહ મચ્યો હતો.  

 અટલ-મોદીએ સર્જેલો આશાવાદ  

હજુ વર્ષ ૨૦૧૫માં નાગા બળવાખોરોના સૌથી પ્રભાવી સંગઠન એનએસસીએન(આઇએમ) સાથે જોરશોરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા “અપ્રગટ” શાંતિ કરાર દ્વારા તેઓ સદગત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કરેલી ગુડવિલની પાયાભારણી પર શાંતિ સ્થપાય એવો માહોલ સર્જશે,એનો આશાવાદ જગાવી શક્યા હતા. એમણે પોતાના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને નિવૃત્ત આઇપીએસ અધિકારી આર.વી. રવિને પદ્મનાભ આચાર્યને સ્થાને રાજ્યપાલ તરીકે પાઠવ્યા અને મંત્રણાઓ માટેના વિષ્ટિકાર તરીકેની જવાબદારી પણ સોંપી એટલે શરૂઆતના શંકાસ્પદ વાતાવરણ પછી નવો આશાવાદ પણ જગાવ્યો હતો. આ એ જ રવિ છે જેમણે અગાઉના વિષ્ટિકાર અને કેન્દ્રના ગૃહ સચિવ રહેલા  પદ્મનાભૈયાને નાગા બળવાખોરોના હિતમાં  કામ કરનાર લેખાવ્યા હતા એટલે નાગા નેતાઓ છાસ પણ ફૂંકીને પીવા માટે પ્રેરાતા હતા. જોકે વર્ષ ૨૦૧૫ના એ સમજૂતીના મુસદ્દા અંગે કરારનામા પર હસ્તાક્ષર કરવા માટે હોસ્પિટલના બિછાનેથી “મહાત્મા” ઇસાક ચિસીને લવાયા હતા કારણ એમનો પ્રભાવ એટલો કે નાગાલેન્ડના તમામ ૬૦ ધારાસભ્યો એમના ઈશારે રાજીનામાં આપવા તૈયાર થાય. એમની સાથે ૫૦ કરતાં વધુ સમયથી કામ કરનારા આ નાગા બળવાખોરોના સૌથી પ્રભાવી સંગઠનના મહામંત્રી અને મૂળ મણિપુરના નાગા નેતા  ટી. મુઈવા શાંતિ પ્રસ્થાપિત કરાવી શકે એવી સ્થિતિ હતી. કરાર થયાના બીજા જ વર્ષે ઇસાકનું મૃત્યુ થયું અને મુઈવાની ઉંમર પણ ૮૦ને આંબવામાં છે અને તબિયત પણ નાજુક છે. અન્ય જૂથો સાથે સરકાર મંત્રણા કરીને મુઈવા પર દબાણ લાવવા પ્રયત્નશીલ છે, પણ મામલો હાથથી જાય તો ફરીને ગેંગો કાર્યરત થતાં માત્ર બળવાખોરો જ નહીં, સામાન્ય નાગરિકો સાથે વ્યવહાર કરવાનું પણ મુશ્કેલ બને એવું છે. આવા સંજોગોમાં કેન્દ્ર સરકારે મડાગાંઠ તાકીદે ઉકેલવી પડે. જોકે જમ્મૂ-કાશ્મીરમાં વિશેષ દરજ્જો સમાપ્ત કર્યો અને એનું અલગ બંધારણ રદ કરાયું તેમ જ અલગ ધ્વજ દૂર કરાયા પછી નાગાલેન્ડના બળવાખોરોની આવી માંગણી કેન્દ્ર સરકાર માન્ય કરવાની સ્થિતિમાં નથી, ભલે ૨૦૧૫ના હજુ ગુપ્ત રહેલા એ કરારમાં  એનએસસીએન(આઇએમ)ના દાવા મુજબ અલગ બંધારણ અને અલગ ધ્વજની વાતને સ્વીકારવામાં આવી હોય. નાગલેન્ડનું કોકડું ઉકેલવામાં છૂટછાટ આપવા જતાં ભાજપ અને એની સરકારની રાષ્ટ્રવાદ અને “એક દેશ, એક નિશાન”ની  નીતિ સામે પ્રશ્નાર્થો ઊભા થઇ શકે.

 ઈ-મેઈલ: haridesai@gmail.com      (લખ્યા તારીખ: ૨૩ ઓગસ્ટ ૨૦૨૦)

No comments:

Post a Comment