Sunday 9 August 2020

Pak-Nepal Mischievous Maps પાક-નેપાળનાં નાપાક નકશાકાંડ

 

પાક-નેપાળનાં નાપાક નકશાકાંડ

કારણ-રાજકારણ: ડૉ.હરિદેસાઈ

·         ચીનના જોરે ઓશિયાળા દેશોની મસ્તી

·         ભારતના પ્રભાવથી બળતાં પતંગિયાં

·         દિલ્હી માટે પણ આત્મચિંતનની ક્ષણો

ક્યારેક રાજકીય શાસકો પેટ ચોળીને શૂળ ઊભું કરે છે: સેક્યુલર દેશ નેપાળના કમ્યૂનિસ્ટ વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીએ હજુ હમણાં જ ભારતના ત્રણ પ્રદેશ (લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા)ને પોતાના દેશના નકશામાં સામેલ કરી લઈને નેપાળના નવા નકશાને દુનિયાભરમાં પ્રસારિત અને પ્રચારિત કરવાની ગુસ્તાખી કરી હતી. ઇસ્લામિક પાકિસ્તાનના લશ્કરી ટેકે સંચાલિત વડાપ્રધાન ઇમરાન ખાનને  પણ શૂરાતન ચડ્યું અને એમણે પણ ભારતીય કાશ્મીરના પ્રદેશ, જૂનાગઢ અને માણાવદર તેમ જ  સીર ક્રીકને પોતાના પ્રદેશ લેખાવતા પાકિસ્તાની નકશાને રીતસર ધૂણવા છુટ્ટો મૂક્યો. બંને દેશ અત્યારે ભારતથી વંકાયેલા બળૂકા ચીનના આંગળિયાતની અવસ્થામાં હોવાથી બીજિંગના ઈશારે આવું આત્મઘાતી નર્તન કરીને અન્ય દેશોની સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરી રહ્યા છે. નવી દિલ્હી ગજગામી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરવા જાય છે કે જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા બંધારણીય અનુચ્છેદ ૩૭૦ને અપ્રભાવી કરાયા ઉપરાંત જમ્મૂ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના કેન્દ્ર સરકારના પગલાને વર્ષ પૂરું થવાના દિવસોમાં જ પાકિસ્તાન કાશ્મીર મુદ્દો ઉછાળવા અને નવા તઘલખી નકશાને સર્વપક્ષી સંમતિથી પ્રચારિત કરવાનું પસંદ કરે છે. નેપાળ પણ લદ્દાખમાં ચીની અટકચાળા ચાલતા હોય ત્યારે જ પોતાના નવા નકશાને સંસદમાં મંજૂર કરાવીને રાષ્ટ્રવાદનો ખેલ ખેલવાનો પ્રયાસ કરે છે. નવા નકશાના ઘૂઘરે રમવાના નેપાળ કે પાકિસ્તાનના ખેલ વાસ્તવમાં ઘરઆંગણે રાજકીય વજૂદ સ્થાપિત કરવાના પ્રયાસથી વિશેષ નથી એ સૌ કોઈ જાણે છે. આમ છતાં, ભારતની નેતાગીરી આ અટકચાળાને હળવાશથી ના લે એ ખૂબ જરૂરી છે. કારણ બહુ સ્પષ્ટ છે: આખી રમતમાં પરદા પાછળનો ખેલાડી ચીની અજગર છે. ચીની અજગર પાકિસ્તાન, નેપાળ  અને શ્રી લંકાને તો બરાબર ભીંસમાં લઇ ચુક્યો છે. મ્યાનમાર, બાંગલાદેશ અને માલદીવ ચીનની  આર્થિક સહાયના ઓશિયાળાપણાના ભાર તળે દબાયેલા છે. ભૂટાન ડોકલામના કટુ અનુભવે  ચીનીફડકામાં છે. ઓછામાં પૂરું, આફ્રિકી દેશોના જીબુટીમાં ચીને લશ્કરી અડ્ડો સ્થાપ્યા પછી કોલંબોમાં પણ લશ્કરી અડ્ડો સ્થાપિત કરાયો છે. શ્રી લંકામાં હવે  ચીન તરફી રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન તરીકે રાજપક્ષે  બંધુઓની બોલબાલા સ્પષ્ટ કરતી તાજેતરની ચૂંટણીમાં ભવ્ય બહુમતી મળી છે.આવા સંજોગોમાં ભારત માટે તંગ દોરડા પર ચાલવાના સંજોગો તો જરૂર છે.

સુરક્ષા પરિષદમાં મામલો

બે બિલાડીઓ લડતી હોય અને વાંદરો ન્યાય તોળવાનો હોય એવી સ્થિત ભારત અને પાકિસ્તાનના ભાગલા અને  ટકરાવના સંજોગોમાં વર્ષ ૧૯૪૭ અને ૧૯૪૮ના ગાળામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જૂનાગઢ, જમ્મૂ-કશ્મીર અને હૈદરાબાદ એમ  ત્રણ-ત્રણ મામલા જતાં થઈ હતી. જૂનાગઢ અને હૈદરાબાદની બહુમતી પ્રજા હિંદુ હતી અને રાજવી મુસ્લિમ હતા. જમ્મૂ-કાશ્મીરમાં બહુમતિ પ્રજા મુસ્લિમ હતી અને રાજવી હિંદુ હતા. ભારતીય સ્વાતંત્ર ધારામાં ભારત અને પાકિસ્તાન બેમાંથી એક  સંઘમાં જોડાવાનો નિર્ણય કરવાની રજવાડાની  સત્તા માત્ર રાજવીને જ હતી. જૂનાગઢના નવાબ મહાબતખાનજી ત્રીજાએ પોતાના મુસ્લિમ લીગી દીવાનશાહનવાઝ ભુટ્ટોના ઈશારે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ સુધી દિલ્હીને ભારત સાથે જ જોડાવાના ભ્રમમાં રાખીને પાકિસ્તાન સાથે જોડાવાનું પગલું ભર્યું હતું. એ પછી જમ્મૂ-કશ્મીરના મહારાજા હરિ સિંહ છેક ૨૧ ઓક્ટોબર ૧૯૪૭ સુધી ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાના વિકલ્પને પસંદ કરવાને બદલે પોતાના સ્વતંત્ર સ્વિત્ઝરલૅન્ડ સમા રાજ્ય (દેશ)ની કલ્પનામાં રાચતા હતા. ૨૨ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ પાકિસ્તાનના ઈશારે પાકિસ્તાની લશ્કરી અધિકારીઓએ તાયફાવાળાઓના વેશમાં આક્રમણ કરી છેક બારામુલ્લા સુધી આવી પહોંચવાના સંજોગો સર્જ્યા ત્યારે જ મહારાજાએ ૨૬ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ  પોતાના રજવાડાને ભારત સાથે જોડવા વિચારવું પડ્યું.સુરક્ષા પરિષદના જમ્મૂ-કાશ્મીરમાં જનમત લેવા અંગેના ઠરાવમાં બંને દેશોનાં લશ્કર પ્રદેશને ખાલી કરે એવી શરત મૂકી હતી જે પાકિસ્તાન માનવા તૈયાર નહોતું અને ભારત સાથે મહારાજાએ વિલયપત્ર પર હસ્તક્ષર કર્યા હોવાથી હકીકતમાં  મહારાજાનું  સમગ્ર રજવાડું ભારતનું હતું.  સપ્ટેમ્બર ૧૯૪૮માં અંગ્રેજોના પરમ મિત્ર એવા હૈદરાબાદના નિઝામ ઉસ્માન અલી ખાન પાકિસ્તાનના ગવર્નર જનરલ મોહમ્મદઅલી ઝીણા સાથે મળીને “ભારતની વચ્ચોવચ કેન્સર” પેદા કરવામાં હતા ત્યારે જ કેન્દ્ર સરકારના નિર્ણયનો ઓચિંતો અમલ કરવામાં નાયબ વડાપ્રધાન સરદાર પટેલે “ઓપરેશન પોલો”ના નામે પોલીસ પગલાનો, જે વાસ્તવમાં લશ્કરી પગલું હતું, અમલ કરાવીને ૧૭ સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ હૈદરાબાદને શરણે આવવા વિવશ કરી શક્યા હતા.આ પહેલાં નિઝામ વતી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ફરિયાદ પહોંચી ગઈ હતી. જોકે કાશ્મીર મુદ્દે વડાપ્રધાન પંડિત નેહરુના વડપણવાળી ભારત સરકાર ૧૯૪૮ની શરૂઆતમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં દાદ માંગવા ગઈ હતી. જૂનાગઢ મુદ્દે નવાબ મહાબતખાનજીને આગળ કરીને પાકિસ્તાને સુરક્ષા પરિષદમાં ફરિયાદ કરી હતી. મામલો સુરક્ષા પરિષદ કને જાય અને અમેરિકા અને સોવિયેત રશિયા વચ્ચેના શીત યુદ્ધના એ દિવસોમાં અમેરિકા પાકિસ્તાનમાં પગદંડો જમાવવાની વેતરણમાં એનું મિત્ર હોય ત્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને  ન્યાય મળવાની અપેક્ષા વધુ પડતી લેખાય. નવાબ કરાંચી ચાલ્યા ગયા.જૂનાગઢવાસીઓની આરઝી હકૂમતના ઉકળાટને પીછાણી નવાબના દીવાન ભુટ્ટોએ ભારતીય ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન અને વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ તાર કરીને જૂનાગઢની સત્તા સંભાળી લેવા જણાવ્યું હતું. નાયબ દીવાન હાર્વે જ્હોન્સે ૯ નવેમ્બરે જૂનાગઢના ચીફ સેક્રેટરીને તાર કરી શરણાગતિ માટે તૈયારી કરવા નિર્દેશ આપ્યો હતો.  ઉપરાંત પાછળથી યોજાયેલા જનમતમાં  બહુમતી પ્રજાએ ભારત સાથે રહેવાની તરફેણ કરી હતી. જૂનાગઢ ભારતનો જ હિસ્સો છે છતાં પાકિસ્તાનમાં નવાબના વંશજો જૂનાગઢના મુદ્દાને ઉછળતા રહ્યા છે. હૈદરાબાદનું પ્રકરણ જરા નોખું હતું.સરદાર પટેલે અનેકોના વિરોધને અવગણીને પણ નિઝામને હૈદરાબાદના રાજપ્રમુખ બનાવ્યા અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાંથી એમનો કેસ પાછો ખેંચાવ્યો. જૂનાગઢ અને કાશ્મીર બંને વિવાદનું કોકડું હજુ આજે પણ સુરક્ષા પરિષદમાં લટકતું રહ્યું છે. પાકિસ્તાન ક્યારેક અમેરિકી ઈશારે તો અત્યારે ચીની રિમોટથી પોતાના એ બંને મુદ્દાને ધુણાવીને ઘરઆંગણાના રાજકારણમાં લાભ ખાટવાની કોશિશ કરે છે.

સરહદી વિવાદનો ઉકેલ

અંગ્રેજો ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત છોડી ગયા પણ અનેક વિવાદના થોર વાવતા ગયા. હજુ આજે પણ ભારત અને ચીન વચ્ચેની હજારો કિલોમીટર લાંબી સરહદ નક્કી થઇ શકી નથી. બાકી હતું તે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથેની અથડામણ અને ૧૯૬૨માં ચીની આક્રમણે નવા સરહદી  વિવાદનાં વાવેતર કર્યાં. ૧૯૬૫ના ભારત-પાક યુદ્ધ પછી ભારત અને પાકિસ્તાને સિંધ-કચ્છ સરહદી વિવાદને વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ  આંતરરાષ્ટ્રીય  ટ્રાયબ્યુનલને સોંપવાનો અને એનો ચુકાદો માન્ય કરવાનો સ્વીકાર કર્યો, એ મોટી ભૂલ હતી; એવું યુગાન્ડામાં ભારતીય હાઈ કમિશનર રહેલા કુલીન એચ. પટેલ કહે છે. જોકે એમણે  ઉમેર્યું હતું કે આવા કટુ અનુભવે આપણે બે દેશો વચ્ચેના કોઈ વિવાદમાં ત્રીજા પક્ષને સ્વીકારતા નથી. મૂળ ઊંઝાના પટેલ સરહદી વિવાદ ઉકેલવા માટેના એ ટ્રાયબ્યુનલમાં ભારતીય ટીમના સભ્ય હતા.ટ્રાયબ્યુનલના ચુકાદામાંથી જ  સીર ક્રીક વિવાદનો ફણગો ફૂટ્યો અને હજુ આજ દિવસ સુધી એ ભારત માટે માથાનો દુખાવો બની રહ્યો છે. ૧૯૬૮માં ટ્રાયબ્યુનલનો ચુકાદો આવ્યો પણ એ પછી  ઉત્તરની સરહદ જ નક્કી થઇ શકી હતી. વાસ્તવમાં સીર ક્રીક વિસ્તારનો માત્ર ૧૦%વિસ્તાર જ પાકિસ્તાનને ફાળે ગયાનો ટ્રાયબ્યુનલનો ચુકાદો હોવા છતાં આ વિસ્તારમાં તેલના ભંડાર હોવાને કારણે પાકિસ્તાન વાંકું ચાલી આખા સીર ક્રીકને પોતાનું લેખાવે છે. આપણે ત્યાં ચૂંટણી ટાણે રાજકીય આરોપ—પ્રત્યારોપમાં પણ સીર ક્રીક મુદ્દો ઝળકતો હતો ત્યારે એ વાત વીસારે પડાતી હતી કે આવા મુદ્દાનો લાભ લેવાનો પ્રયાસ પાકિસ્તાન કરશે. જ્યાં સુધી અમેરિકાના ઈશારે પાકિસ્તાન નર્તન કરતું હતું ત્યાં લગી રશિયા ભારતની તરફેણમાં સુરક્ષા પરિષદમાં પણ વિટો વાપરતું હતું. હવે સ્થિતિ બદલાઈ છે. પાકિસ્તાન કરતાં ભારત માર્કેટની દ્રષ્ટિએ અમેરિકા માટે બરકતવાળું હોવાને કારણે ઇસ્લામાબાદને તડકે મૂકી વોશિંગ્ટનના  ભારત સાથે  ઘનિષ્ઠ સંબંધો થતા સંબંધ જોતાં પાકિસ્તાન પર બીજિંગ વારી જવા માંડ્યું અને હવે તો પાકિસ્તાન ચીનનો જ પ્રાંત ગણાવા માંડ્યું છે. ચીન સુરક્ષા પરિષદમાં પોતાનો વિટો પાકિસ્તાન માટે વાપરવા ઉપરાંત એના હિત માટે નિર્ણયો કરતું થયું છે.  વાયા ગવાદર બંદર  પશ્ચિમ એશિયાના દેશોમાં સરળતાથી પહોંચવાની ચીનની નેમ છે. ભારતીય જમ્મૂ-કશ્મીરનો અમુક હિસ્સો ગપચાવીને બેઠેલા પાકિસ્તાન અને  ચીન બેઉનાં હિતમાં ઘણી સામ્યતા છે. ચાયના પાકિસ્તાન ઇકોનોમિક કરિડોર (સીપેક) દ્વારા ચીન છેક ઈરાન સુધી પહોંચીને ભારતના જૂના મિત્ર સાથેના સંબંધોમાં પણ ફાચર મારવા તલપાપડ છે. ભારતીય રાજનેતાઓ જાહેર નિવેદનો કરતી વેળા રાજકારણ અને રાજદ્વારી સંબંધો વચ્ચેની ભેદરેખા વીસરી જતા હોય છે. પોલિટિક્સ અને ડિપ્લોમસી વચ્ચેના ફરકને બદલે બધું સેળભેળ કરવાનાં જોખમોનો વિચાર કરવાની જરૂર છે. અન્યથા નુકસાન સમગ્ર દેશે ભોગવવું પડે છે.પાકિસ્તાન કે નેપાળ કે પછી ચીન સાથેના સરહદી વિવાદ મંત્રણાના મેજ પર જ ઉકેલાય એ આદર્શ પરિસ્થિતિ લેખાય, માત્ર નકશા તૈયાર કરાવીને પ્રજાને ઉશ્કેરવાનાં ઘરઆંગણાનાં રાજકારણ ખેલવા માટે કોઈ દેશ આવા અટકચાળા કર્યા કરે તો એ અંતે તો આત્મઘાતી જ સાબિત થાય.

તિખારો

જૂનાગઢ થોડા વખત માટે પણ પાકિસ્તાનમાં રહી આવ્યું એ કડવા નિર્ણય અંગે લોકલાગણીનું પ્રતિબિંબ પાડતું ગીત કંઇક આવું હતું:

 

ગઢ રે જૂનાના ધણી ! તેં અવળા માંડ્યા ખેલ

મેલી રમતું મેલ્ય, ઈ સાચું સાદુળો ભણે.

                 .....

વખ વાવ્યે વખ નીપજે, એમાં તલ નહિ ફેર,

ગઢ જૂનો પરદેશ બને, ઈ તો કાળો કેર.

 

કરતૂક કાળાં જોઇને, હૈયે લાગી ઝાળ,

તને ભૂલાવે કાળ, ઈ જોજે જૂનાના ધણી!

 

વસતીને મેલી વેગળી, જે અજમાવે જોર

ટકે ન એનો તોર, ઈ સાચું સાદુળો ભણે.

-     સાદુળ ભગત

 

(લખ્યા તારીખ: ૭ ઓગસ્ટ ૨૦૨૦)

No comments:

Post a Comment