Wednesday 12 August 2020

The Hindu Pathans were butchered

 

ભારત આવતી ગાડીમાંના હિંદુ પઠાણ પરિવારોને રહેંસી નંખાયા

અતીતથી આજ: ડૉ.હરિ દેસાઈ

·         લાહોર આવેલાં મૃદુલાબહેન સારાભાઈ પ્રતિબંધિત  ગુજરાત જવા નીકળી પડ્યાં, મડદાંના ઢગ સગ્ગી આંખે નિહાળ્યા

·         ગુજરાત સ્ટેશનના હુમલામાં ૬૦માંથી ૫૮ વળાવિયા ભારતીય  સૈનિકોને મોતને ઘાટ ઉતારાયા, બે ગંભીર ઈજાગ્રસ્ત

·         કોઈ વકીલ કેસ લડવા મળે નહીં એટલે કમળાબહેન પટેલે પોતાના સાત છાવણીવાસીઓનો પક્ષ રજૂ કરવો પડ્યો

·         હજુ હમણાં એકબીજાનાં ગળાં કાપનાર કોમોના લોકો પરસ્પરને ભેટતા હતા અને એકબીજાને મીઠાઈ ખવડાવતા હતા

Dr.Hari Desai writes weekly column for Gujarat Samachar (London), Gujarat Guardian (Surat), Sardar  Gurjari (Anand) and Gandhinagar Samachar (Gandhinagar).  You may read the full text on haridesai.com and comment.

ચરોતરની વીરાંગના કમળાબહેન પટેલની ભાગલાના લોહી તરસ્યા કત્લેઆમના માહોલમાં પણ ભારત-પાક મહિલાઓને બચાવવાની યશસ્વી કામગીરી જોખમી તો હતી પણ બાહોશ મહિલા પોતાની આસ્થા-નેત્રી મૃદુલા સારાભાઈના નિર્દેશ પ્રમાણે જાનના જોખમે પણ માનવીય કામ કર્યે જતી હતી. “મૂળ સોતાં ઊખડેલાંમાં કંઇક કેટલીય બળૂકી સત્ય કહાણીઓ વર્ણવવામાં આવી છે. વાયવ્ય પ્રાંત (હવેના ખૈબર પખ્તૂનખ્વા)ના બન્નુ શહેરમાં જાન્યુઆરી ૧૯૪૮ લગી રહેતા હિંદુ પઠાણ પરિવારો માટે ખાસ ટ્રેનની સગવડ થઇ અને બાલ-બચ્ચાં સાથે ૧૫૦૦ જેટલાં માણસો, એમના રક્ષણ માટે ૬૦ ભારતીય  સૈનિક વળાવિયા સાથે, લાહોર આવવા નીકળ્યાં. કાશ્મીર લડાઈ ચાલુ હતી એટલે રાવલપિંડી, ગુજરાત અને જેલમ જિલ્લા ભારતીય ડિપ્લોમેટિક સ્ટાફ માટે બંધ હતા. એટલે ગાડી વાયા સરગોદા લાવવાનું નક્કી થયેલું અને લાહોર પહોંચે એટલે ઉતારુઓને ટ્રક મારફત અમૃતસર પહોંચાડવાની  વ્યવસ્થા ડેપ્યુટી હાઈ કમિશનની ઓફિસે કરી રાખેલી હતી. રાતે ગાડીનો માર્ગ એકાએક બદલાઈ ગયાના વાવડ આવ્યા. ગાડી સરગોદાને બદલે ગુજરાત સ્ટેશને સવારે વાગ્યે પહોંચી.મામલો અહીં બીચાકાવાનો હતો. લશ્કરી વળાવિયાઓની કતલ કરવાની અહીં યોજના બનેલી હતી. થયું પણ એવું . ત્યાં રાહ જોતા હુમલાખોરોએ ગોળીબાર કર્યા અને સામસામા ગોળીબારમાં વળાવિયા સૈનિકો સાથે મુસાફરો પણ માર્યા ગયા અને કેટલાક  ઘવાયા. ભારતીય ડિપ્લોમેટિક સ્ટાફ માટે વિસ્તાર પ્રતિબંધિત હતો, નહીં તો આવી ઘટના બને ત્યારે ત્યાં દોડી જાય.

મુસ્લિમોની ટ્રેન પર હુમલો ખાળવો

આવા તંગ વાતાવરણમાં પણ લાહોર આવેલાં મૃદુલાબહેન સારાભાઇ પ્રતિબંધિત  ગુજરાત જવા નીકળી પડ્યાં. માથે જાનનું જોખમ હતું છતાં એમણે જવાનું પસંદ કર્યું. મડદાંના ઢગ સગ્ગી આંખે નિહાળ્યા. ભારતીય પોલીસ અને લશ્કરી અધિકારીઓનો સંપર્ક કર્યો. સૂચના પણ આપી કે ઈજાગ્રસ્તોને લાહોર છાવણીમાં લઇ જવાય અને તેમની સારવાર થાય. મૃદુલાબહેનનો આદેશ કમળાબહેન માટે તો શિરોમાન્ય હોય. વ્યવસ્થામાં લાગી ગયાં. મૃદુલાબહેન દિલ્હી પહોંચી ગયાં પણ ત્યાંથી કમળાબહેન પર ફોન આવ્યો કે ગઈ રાતે ટ્રેનમાં જે કત્લેઆમ  થઇ છે એનો બદલો લેવા પાકિસ્તાન જતી મુસ્લિમોની ટ્રેન પર હુમલો ખાળવો અને મોટર માર્ગે કમળાબહેને તત્કાળ અમૃતસર પહોંચવું. ટ્રેનને ત્યાં અટકાવી દેવાઈ હતી.

મૃદુલા સારાભાઈના રૂપમાં સાક્ષાત ઈશ્વર

વાયવ્ય પ્રાંતથી આવેલી ગાડીમાં કત્લેઆમનો મામલો અપેક્ષા કરતાં વધુ ગંભીર હતો. પેલા ગુજરાત સ્ટેશનના હુમલામાં ૬૦માંથી ૫૮ વળાવિયા સૈનિકોને મોતને ઘાટ ઉતારાયા હતા. બીજા બેને ગંભીર ઈજા પહોંચી હતી. ટ્રેનનો રૂટ કેમ બદલાયો સમજતાં વાર નહોતી લાગી કારણ ટ્રેનના ડ્રાયવર અને ગાર્ડ પાકિસ્તાની હતા. કમળાબહેન લખે છે: “લાખોની રોકડ અને જર-ઝવેરાત લઈને હિંદુ પઠાણોનો ધનિક વર્ગ ગાડીમાં આવતો હતો હકીકતનો ખ્યાલ વિસ્તારના મુસ્લિમ પઠાણોને હતો એટલે માલમતા લૂંટવાની તેમણે  યોજના બનાવી હતી....તેઓ મનમાની લૂંટ અને કતલ કરી હાથ આવી તે સ્ત્રીઓને ઉઠાવી ગયા...લાશોના ઢગલામાંથી ઘવાયેલાઓને છૂટા પાડી લાહોર મોકલવા માટેનાં વાહનોમાં પહોંચાડવાની,મરણ પામેલાઓની અંતિમ વિધિ કરવાની અને શબના ઢગલા નીચે દબાયા છતાં  જીવી ગયેલાં બાળકોને દૂધ પીવડાવી ટ્રકોમાં બેસાડવા સુધીનાં બધાં કામો તેમની (મૃદુલાબહેનની) સીધી દેખરેખ નીચે થયાં. લગભગ બધાં મુસાફરોએ કહ્યું કેમિસ સારાભાઈના રૂપમાં સાક્ષાત ઈશ્વર અમારા  સહારે આવ્યા હતા.”

ભગતસિંહવાળી કોર્ટમાં કમળાબહેન

પાકિસ્તાનીઓ અપહૃત હિંદુ સ્ત્રીઓને ભારત જવા નહીં દેવાના સંકલ્પ સાથે કંઈ પણ કરવા સજ્જ હતા. કમળાબહેનની છાવણીમાં આવેલાં સાત જેટલાં સ્ત્રી-બાળકો અંગે હેબિયસ કોર્પસ અરજી લાહોરની કોર્ટમાં થઇ હતી જ્યાં ક્યારેક શહીદ--આઝમ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવનો ખટલો ચાલ્યો હતો. કમળાબહેને  સાતેયને લઈને અદાલતમાં હાજર થવાનું હતું. ગયાં ત્યારે ભગતસિંહ અને સાથીઓનું સ્મરણ તેમને હરખાવતું હતું, પણ ત્યાંના વકીલો અને બીજાઓનું વલણ જોઇને એમનો ઉત્સાહ ઓસરી ગયો. ન્યાય મળવાની શક્યતા ના જણાઈ.એમને સમયે પરિચિત રાબિયા કારી મળી ગયાં એટલે થોડો હાશકારો અનુભવાયો, પણ કોઈ વકીલ કેસ લડવા એમને મળે નહીં એવા માહોલમાં એક ખ્રિસ્તી વકીલ તૈયાર થયો તો એના બહિષ્કારની વાત ઊઠી એટલે પણ ફસકી ગયો. કમળાબહેન સાથેના નૈયર મૂળે મેજિસ્ટ્રેટ રહ્યા હતા, પણ પાકિસ્તાનની કોર્ટમાં એમનું રજિસ્ટ્રેશન નહીં હોવાને કારણે પણ નિરુપાય હતા. આખરે કમળાબહેને પોતે અદાલતમાં પોતાના સાત છાવણીવાસીઓનો પક્ષ રજૂ કરવો પડ્યો હતો. અદાલતનો માહોલ વિરોધી હતો એટલે ન્યાયની અપેક્ષા નિરર્થક હતી. “પાકિસ્તાનમાંથી અમે સ્ત્રીઓને ભારત મોકલવા માંગતા નથીએવી બૂમો વકીલો પાડી રહ્યા હતા. કમળાબહેન નોંધે છે: “બુદ્ધિજીવીઓના આવા વલણથી મારું મન ઘેરા વિષાદથી છવાઈ ગયું. પેલાં સ્ત્રી-બાળકોને પાછાં સોંપવાં પડ્યાં એના કરતાં વિશેષ દુઃખ તો એડવોકેટોની વાતો અને વર્તનથી મને થયું.”

નેતાઓએ વહેતું  મૂકેલું  કોમી ઝેર

ઉપરોક્ત ઘટના બની ગાળામાં વાઘા-અટારી સરહદ પર ભારત અને પાકિસ્તાનના નાગરિકોનું મિલન ગોઠવાયું હતું. સરહદ પર મેળો અને આનંદ-ઉત્સવનું વાતાવરણ જામ્યું હતું. મુસ્લિમો અને શીખો વચ્ચે કોઈ દુશ્મની હતી એવો ખ્યાલ સુદ્ધાં દ્રશ્ય જોનાર અજાણ્યાને આવે તેમ હતું, કમળાબહેનને સંદર્ભે જે લાગણી થઇ શબ્દો આવા હતા: “થોડા સમય પહેલાં એકબીજાનાં ગળાં કાપનાર કોમોના લોકો પરસ્પરને ભેટીભેટીને મળતા હતા. એકબીજાના ખબરઅંતર પૂછતા હતા, સ્નેહીઓ વિશે પૂછપરછ કરતા હતા અને સાથે લઇ આવેલી મીઠાઈ એકબીજાને આગ્રહ કરીને ખવડાવતા હતા. દ્રશ્ય જોઇને વિચાર આવતો કે શું બધાએ બીજી કોમના માણસોને નિર્દય રીતે રહેંસી નાખ્યા હશે?”  પોતાનું તારણ કાઢીને વધુમાં નોંધે છે : “વીતેલાં વર્ષો દરમિયાનનો  વિચાર કરતાં  સમજાય છે કે નેતાઓએ વહેતા મૂકેલા કોમી ઝેરથી ભરેલા વાતાવરણના પ્રવાહમાં સામાન્ય પ્રજા તણાઈ ગઈ.ધસમસતા પ્રવાહમાં પોતાને ધકેલનારા નેતાઓ તીરે સલામત રીતે ઊભા હતા તેવું ભાન પ્રજાને આવ્યું પણ ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું.તોફાનોના વમળમાં અટવાતા એમનાથી સ્વસ્થતાપૂર્વક પાછળ નજર થઇ શકતી હતી. પ્રવાહની સાથે તણાયે એમનો છૂટકો હતો. કાઇદ--આઝમ ઝીણાના મરણ સમયે  ઉત્તર પ્રદેશ અને બિહારના મુસ્લિમ નિર્વાસિતોએએક સાલ પહલે મરતે તો હમ ઘર ઔર ગાંવ સે બિછડતે નહીં’- એવા કાઢેલા ઉદગારમાં પ્રજાને મોડી મોડી પણ નેતાઓની ભૂલ સમજાઈ ગયાનો નક્કર પુરાવો મળે છે.”

-મેઈલ: haridesai@gmail.com   (લખ્યા તારીખ: ઓગસ્ટ ૨૦૨૦)

No comments:

Post a Comment