Wednesday 19 August 2020

Entry of Kamala Harris in US Election

અમેરિકી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં બાયડનને કમલાનો લાભ

ડૉ.હરિ દેસાઈ

·         કમરપટ્ટા નીચે વાર કરવામાં ટ્રમ્પ ભાન ભૂલ્યા

·         બાયડને કમલાની પસંદગી કરી  ભીંસ વધારી

·         ભારતીય, આફ્રિકી, મેક્સિકન મૂળના લોકો રાજી

Dr.Hari Desai writes weekly column for Gujarat Guardian (Surat), Sardar Gurjari (Anand) and Gandhinagar Samachar (Gandhinagar). You may read the full text on haridesai.com and comment.

અમેરિકી રાષ્ટ્રપતિની નવેમ્બર  ૨૦૨૦ની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર એવા વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પરાજિત કરવા માટે ડેમોક્રેટિક ઉમેદવાર અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બાયડને માસ્ટરસ્ટ્રોક તરીકે જમૈકન અમેરિકી  પિતા ડોનાલ્ડ હેરિસ અને ભારતીય તમિળ અમેરિકી માતા શ્યામલા ગોપાલનની કેલિફોર્નિયામાં જન્મેલી દીકરી કમલા હેરિસને પોતાની ઉપરાષ્ટ્રપતિપદની  ઉમેદવાર પસંદ કરીને રિપબ્લિકન પાર્ટીની ઊંઘ હરામ કરી દીધી છે. અમેરિકી અર્થતંત્રને “અમેરિકા ફર્સ્ટ”ના નારા સાથે વિકસાવવાનાં વચનોની લહાણી કરીને રાષ્ટ્રપતિ ચૂંટાયેલા ટ્રમ્પ પોતાના કાર્યકાળમાં વચનો પાળી શક્યા નથી. પ્રજા ત્રસ્ત છે. કોરોના સામેના જંગમાં નિષ્ફળ રહેલા ટ્રમ્પ દોષનો ટોપલો ચીનને શિરે લાદવાનો પ્રયાસ કરે તો પણ અમેરિકી પ્રજા એટલી મૂરખ નથી કે એમની વાતોનાં વડાંમાં ભોળવાય. જોકે કોઈપણ ભોગે ચૂંટણી જીતવાના ટ્રમ્પ-ભાઈના સંકલ્પમાં માત્ર બાયડન જ નહીં હવે તો કમલા હેરિસ પર અવરોધ નિર્માણ કરી રહ્યાં છે. એટલે પહેલાં તો કમલા રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે યોગ્ય નથી, એ વાતે ટ્રમ્પ ખૂબ ગાજ્યા. જોકે અમેરિકી બંધારણ મુજબ, અમેરિકામાં જન્મેલી વ્યક્તિ જ રાષ્ટ્રપતિ થઇ શકે છે. કમલા નિમિત્તે ટ્રમ્પ દ્વારા  તો એમના ભારતીય મૂળને પણ વખોડવામાં આવ્યું એટલે જે મતદારોને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના ટેકે ટ્રમ્પ ભણી વાળવામાં આવી રહ્યા હતા; એ પણ ગિન્નાવા સ્વાભાવિક છે. ઓછામાં પૂરું અમેરિકામાં શ્વેત-અશ્વેત ટકરાવ અને હિંસક અથડામણો છેક ટ્રમ્પના નિવાસસ્થાન સુધી પહોંચી છે. એકથી વધુ વખત વ્હાઈટ હાઉસ પર હુમલા થતાં રાષ્ટ્રપતિને સુરક્ષિત ભોંયરામાં ખસેડવા પડતા હોય તો એ દેશની સુરક્ષા કરવામાં કેવા સાબિત થાય એ પ્રશ્ન પણ અમેરિકી પ્રજાને  કનડી રહ્યો છે. જૂઠાણાં ઓકવામાં તો ટ્રમ્પ-ભાઈને કોઈ પહોંચે તેમ નથી એ તો અમેરિકી અખબારોએ સાબિત કરી દીધું છે.

૨૦૧૬માં ઓછા માટે ટ્રમ્પ વિજયી

વર્ષ ૨૦૧૬માં ડોનાલ્ડ ટ્રમ્પ સામે ડેમોક્રેટિક પાર્ટીનાં હિલેરી ક્લિન્ટન ટકરાયાં  હતાં. હિલેરીને ટ્રમ્પ કરતાં ૩ લાખ મત વધુ મળ્યા હોવા છતાં અમેરિકી ઈલેક્શન કોલેજની ગૂંચવાડાભરી પદ્ધતિને કારણે ટ્રમ્પ જીત્યા હતા. ૫૩૬ માંથી ૨૭૦ બેઠક જીતે એ વિજેતા બને. રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનનાં પત્ની હિલેરી પણ ઓછાં લડાયક મિજાજ ધરાવનાર નહોતાં, પણ આ વખતે કેલિફોર્નિયાનાં એટર્ની જનરલ રહેલાં અને આ વર્ષે જ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામેના મહાભિયોગ પ્રકરણમાં કોંગ્રેસમાં ખૂબ આક્રમક ભૂમિકા ભજવનારાં કમલા દેવી હેરિસ સાથે બાયડનની અશ્વેત-શ્વેત મતદારોમાં પ્રભાવી અપીલ ચમત્કાર સર્જે તો બહુ આશ્ચર્ય નહીં થાય. હજુ આડા રોકડા બે મહિના છે. છેલ્લા ઘણા મહિનાઓથી રાષ્ટ્રપતિ ટ્રમ્પની અકળામણ વચ્ચે પણ બાયડન સતત આગળ ચાલી રહ્યા છે એટલે એમની જીતવાની શક્યતા વધુ છે. આમ છતાં, સત્તાધારી રિપબ્લિકન અને વિપક્ષી ડેમોક્રેટ કયા ખેલ રજૂ કરીને પ્રજાને પોતાના ભણી વાળવામાં કેટલા સફળ થાય છે એને આધારે ૩ નવેમ્બરના પરિણામનો આધાર છે. હજુ પણ બાજી ગમે ત્યારે ગમે તેના પક્ષમાં પલટાઈ શકે.

કમલાની એન્ટ્રીથી ટ્રમ્પને સન્નિપાત

આપણે ત્યાં એક કહેવત છે: ડાહી સાસરે ના જાય અને ગાંડીને શીખામણ આપે. ૭૪ વર્ષીય અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નવેમ્બરની ચૂંટણી હારે એવા વાતાવરણમાં પોતાના ૭૮ વર્ષીય પ્રતિસ્પર્ધી જો બાયડન પર કમરપટ્ટા નીચેના વાર કરવામાં લગભગ ગાંડપણની હદે જાહેર વર્તન કરી રહ્યા છે. ચર્ચ અને હિંદુ મંદિર સાથે ઘરોબો ધરાવતાં કેલિફોર્નિયાનાં ૫૫ વર્ષીય સાંસદ  કમલા હેરિસ આમ તો ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉમેદવાર તરીકેની સ્પર્ધામાં હતાં, પણ ડિસેમ્બર ૨૦૧૯માં એ સ્પર્ધામાંથી બહાર નીકળી ગયાં. બાયડન રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે ટ્રમ્પને ટક્કર આપવામાં પાછળથી આવીને આગળ નીકળી ગયા અને બાયડને અશ્વેત મહિલા અને એમાંય એશિયન અમેરિકી મહિલા કમલાને ૧૧ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ  પસંદ કરી એટલે હવે ટ્રમ્પ રીતસર ભૂરાંટા થઈને માત્ર બાયડન જ નહીં, કમલા માટે પણ અજુગતાં નિવેદન કરવા માંડ્યા છે.કમલાની પસંદગી પછીના અમેરિકી રાષ્ટ્રપતિપદના પોલ સતત બાયડનને ફાયદો દર્શાવે છે. ૧૫ ઓગસ્ટે ટ્રમ્પ કરતાં બાયડન ૨૦ ટકા આગળ ચાલતા હતા.બાયડન ૫૨% પર હતા, જયારે ટ્રમ્પ ૩૨ % પર હતા. ડૂબતો તરણું ઝાલે એ ન્યાયે ટ્રમ્પ કેટલીક જાહેરાતોમાં યુટર્ન લેવા માંડ્યા છે. એચબી વન વિઝાના પ્રકરણમાં પણ આવું બન્યું. જોકે બાયડન-કમલા જોડી હવે જે કમાલ કરી શકે એમાં ભારતીય, આફ્રિકી, મેક્સિકન મૂળના લોકો રાજી થવા સ્વાભાવિક છે. હ્યુસ્ટનમાં “હાઉડી મોદી”માં “અગલી બાર ટ્રમ્પ સરકાર” અને મોટેરા સ્ટેડિયમમાં “નમસ્તે ટ્રમ્પ”નો જાદુ હવે ઓસરી ગયેલો લાગે છે. મોસ્કો હજુ ટ્રમ્પ  બીજી મુદત માટે જીતે એવી અપેક્ષા કરતું હોય અને બીજિંગ આવા દિવસોમાં ટ્રમ્પ ડૂલ થાય એવું ઝંખતું હોવાની છબી ઉપસે છે.

વિશ્વના સૌથી જોખમી માણસ

પોતાની નૈયા હાલકડોલક હોવા છતાં ટ્રમ્પ હજુ  ભારતને સુફિયાણી સલાહ આપે છે કે ચાલો, તમારી અને ચીન વચ્ચેના સંબંધો હું સુધારી આપું. બીજિંગ અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધો તો સચવાતા નથી અને નીકળ્યા છે ભારત-ચીનની પંચાતે. વાતમાં વિરોધાભાસ પણ કેવો કે ભારતને ચીન સામે યુદ્ધ છેડવાની સલાહ આપવાની સાથે જ મદદ કરવાનું ગાજર પણ  લટકાવતા રહે છે. બીજી બાજુ, નવી દિલ્હી અને બીજિંગ વચ્ચે સમજણના સેતુ બાંધી આપવાની વાત કરે છે. સદનસીબે નવી દિલ્હીમાં બેઠેલા સત્તાધીશો ટ્રમ્પભાઈના રવાડે ચડીને તોરમાં આવી જાય એવા નથી. બેબાકળા બનેલા ટ્રમ્પની લોકપ્રિયતાનો આંક સતત ઘસરતો જાય છે.ઓછામાં પૂરું એમનાં ભત્રીજી મેરી ટ્રમ્પે લખેલા પુસ્તક “હાઉ માય ફેમિલી ક્રિએટેડ ધ વર્લ્ડ્સ મોસ્ટ ડેન્જરસ મેન”માં અમેરિકી રાષ્ટ્રપતિને ગાંડપણની હદે વિશ્વના સૌથી જોખમી માણસ લેખાવ્યા.આ પુસ્તક ભારતમાં પણ વોટ્સઅપ પર  સૌને સરળતાથી ઉપલબ્ધ થઇ રહ્યું છે  ત્યારે અમેરિકામાં વસતા ભારતીયોના મત માટે હાંફળા ફાંફળા ટ્રમ્પનું શું થશે એ કહેવું મુશ્કેલ છે.  વળી, અગાઉ એમના રાષ્ટ્રીય  સુરક્ષા સલાહકાર રહી ચુકેલા જ્હોન બોલ્ટનના “ધ રૂમ વ્હેર ઈટ હેપન્ડ” પુસ્તકે પણ ટ્રમ્પના ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની ગુપ્ત ગોઠવણને બેનકાબ કરી દીધી. બોલ્ટન તો એ સઘળી વ્યવસ્થાના પ્રત્યક્ષદર્શી હતા. અમેરિકી લોકશાહી અને અદાલતોની બલિહારી થકી આ બંને પુસ્તકો પર પ્રતિબંધ લાદવાની રાષ્ટ્રપતિ ટ્રમ્પની મંછા બર આવી નથી. ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ અમેરિકી  જનમતનાં આકલન રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પને ડેમોક્રેટ ઉમેદવાર બાયડન કરતાં ખૂબ પાછળ દર્શાવતા હતા. વળી, બાયડન પોતાનાં ઉપરાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર તરીકે અશ્વેત મહિલાને પસંદ કરવા ઉપરાંત મુસ્લિમો મતદારોને તેમ જ ભારતીય મૂળના મતદારોને  પણ પોતાના ભણી આકર્ષવામાં સફળ થઇ રહેલા જણાય છે. ટ્રમ્પ હજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાના ભારતીયોમાં લોકપ્રિયતાને વટાવવા “HINDUS4TRUMP” ઝુંબેશનો સહારો લઇ રહ્યા છે. આમ છતાં, પોતાના માટેના ખરાબ વાતાવરણને કારણે  ટ્રમ્પ હારે તો ચૂંટણી રિગ થયાનું કારણ આગળ ધરીને સત્તા વિજેતા ઉમેદવારને નહીં સોંપવાના વિકલ્પનો વિચાર કરી રહ્યાનું પણ અમેરિકી સામાયિક “ન્યૂઝવીક”ના વિશેષ લેખમાં પૂર્વ સેનેટરે નોંધ્યું છે. અમેરિકી લોકશાહી માટે આ વર્ષ અગ્નિપરીક્ષાનું છે. ભારતીય વડાપ્રધાન મોદી ટ્રમ્પને બદલે બાયડનનો વ્હાઈટ હાઉસમાં પ્રવેશ થાય તો તેમની સાથે સંબંધસેતુ મજબૂત કરવાની દિશામાં વળી ગયા હોય એ સ્વાભાવિક છે. આખરે તો તમામ દેશના શાસકોએ પોતાના દેશનું હિત જ કેન્દ્રસ્થાને રાખવું પડે.

ઈ-મેઈલ: haridesai@gmail.com       (લખ્યા તારીખ: ૧૬ ઓગસ્ટ ૨૦૨૦)

 

No comments:

Post a Comment