Monday 17 August 2020

Rajasthan Political Crisis Averted For the Time being

 

રાજસ્થાનમાં હાલપૂરતું તો ગ્રહણ ટળ્યું

કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         સાળા-બનેવીના પ્રભાવનું મહાત્મ્ય

·         સી.પી.જોશીની લોટરી લાગી શકે

·         પાયલટ તો લાંબી રેસનો ઘોડો

ચાલો, રાજસ્થાનમાં ઘીના ઠામમાં ઘી પડ્યું રહ્યાનો હરખ કોંગ્રેસની નેતાગીરી કરી તો શકે પણ ‘બકરે કી માં કબ તક ખૈર મનાયેગી’ જેવી માથે લટકતી તલવારના સંજોગો તો હજુ ઝળૂંબી રહ્યા છે.મુખ્યમંત્રી અશોક ગહલોત સવેળા ચેત્યા અને પંજાબના કોંગ્રેસી મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની જેમ જ બાજી પોતાના હાથમાં રાખી હતી. ૨૦૦ સભ્યોની ધારાસભામાં ૧૦૦ કરતાં વધુ એટલે કે બહુમતી ધારાસભ્યોને સાચવ્યા અને નાયબ મુખ્યમંત્રી રાજેશ પાયલટ ૧૯નો આંકડો વટાવી શક્યા નહીં એટલે રાજ્યની કોંગ્રેસ સરકારને પાડી દેવાના કૈકના ઓરતા અધૂરા રહ્યા. સત્તાકાંક્ષા હોવી એમાં કશું ખોટું નથી પણ પારકાને ટેકે પોતીકું ઘર માંડવામાં જોખમ તો રહેલાં જ હોય છે એ વાત સચિન પાયલટને સવેળા સુપેરે સમજાઈ ગઈ. રાજકારણમાં આજનું મહત્વ છે. કાલ કોણે દીઠી? જોકે વર્તમાન સંજોગોમાં તો જેનો સૂરજ આથમે જ નહીં એવા ભારતીય જનતા પક્ષના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતાં ચિંતન બેઠકોનો દોર તો કમળાબાઈનાં કાર્યાલયોમાં શરૂ થઇ ગયો હશે. હવે એમનો આગલો વાર ખાલી જાય નહીં એની ફૂલપ્રૂફ યોજનાઓ બિહાર અને પશ્ચિમ બંગાળ પર ભગવો લહેરાવવાના સંકલ્પની વચ્ચે પણ પંડિત દીનદયાળ માર્ગ પર  તૈયાર થતી હશે. રાજકીય જંગમાં કરોળિયાને આદર્શ માનીને સતત મંડેલા રહેવું અનિવાર્ય હોય છે. પરોપદેશે પાંડિત્યં સર્વેષાં સુકુરં  નૃણામ્ એટલે કે પારકાને ઉપદેશ આપવામાં મણા શાને રાખવી? ગહલોતે શું કરવું કે પાયલટે કઈ રમત રમવી એના ઉપદેશાકોનો પણ તોટો નહોતો.  રાજસ્થાનમાં  પ્રવાહી રાજકીય પ્રવાહોમાં ભવિષ્યવાણીઓ કરનારા ભલભલા પંડિતો ખત્તાં ખાઈ ગયા. કોંગ્રેસના મોવડીમંડળ થકી રાજકીય  ડિઝાસ્ટર મેનેજમેન્ટની રાજસ્થાનમાં જે વ્યવસ્થા કરાઈ એ મોડેમોડે પણ એના અસ્તિત્વને નામશેષ કરવા સામે મજબૂત દીવાલ બની શકી. અગાઉ પોતાનો ગરાસ લૂંટાતાં મૂકપ્રેક્ષક જણાતી કોંગ્રેસ રાજસ્થાનમાં જે આક્રમક મિજાજ દાખવી શકી અને પોતીકા અસંતુષ્ટોને પાછા વાળી શકી એ વ્યૂહરચના  “આવતાં પચાસ વર્ષ માટે સત્તા પરથી પોતાને કોઈ હટાવી નહીં શકે” એવાં સ્વપ્ન નિહાળનારાઓ માટે ઝટકો આપનારી અવશ્ય છે. અસંતુષ્ટ સચિન પાયલટ આણિ મંડળીની સમસ્યાઓને ઉકેલવા માટે અહમદ પટેલ, વેણુગોપાલ અને પ્રિયંકા ગાંધીની સમિતિ માત્ર રાજસ્થાનના જ નહીં, અન્ય રાજ્યોના કોંગ્રેસીઓમાં પણ વિશ્વાસ જન્માવે તો હિજરત અટકી શકે.    

વસુંધરાને અવગણવાનું અશક્ય 

કર્ણાટક અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની ગેઈમ કરી નાંખ્યા પછી રાજસ્થાન અને ઝારખંડનો વારો કાઢી લેવાનો હતો, પણ જયપુરી પાસા જરા ઊલટા પડ્યા. ભત્રીજા જ્યોતિરાદિત્ય સિંધિયાને સમજાવીને ભાજપ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવનારાં ફોઈબા વસુંધરા રાજેની ગેઈમ કરવાની દિલ્હીની મહેચ્છાને ધોલપુરનાં રાણીસા’એ ઊંધી વાળી. રાજમાતા સિંધિયાનાં રાજકુમારી કોંગ્રેસના મુખ્યમંત્રી ગહલોતને બચાવવાના પ્રયાસ કરી રહ્યાના આક્ષેપ પણ રિમોટ થકી ભાજપની મિત્ર પાર્ટીના મુખે કરાવાયા એટલે વસુંધરાને ગિન્નાવાનું વધુ એક કારણ મળ્યું. ૭૨ ભાજપી ધારાસભ્યોમાંથી ૪૫ પોતાની કને હોવાનો પ્રભાવ પણ એમણે દેખાડી દીધો. અત્યાર લગી કોંગ્રેસને માથે રિઝોર્ટ પોલિટિક્સનું મહેણું ખૂબ મારવામાં આવ્યું, પણ જયપુરના પાયલટ વ્યૂહ ખેલવા જવામાં તો પોતાના વાડામાંથી જ ધારાસભ્યો છટકી સોમનાથદાદાનાં દર્શન કરવા નિમિત્તે દિલ્હીની રહીસહી આબરૂ પણ ધૂળધાણી કરે  એવી ચોપાટ મંડાઈ. રખે અવળી ગંગા વહેવાના સંજોગો આવી પુગે એવા ડરના માર્યા રાણીસા સામેના મોરચાનો વાવટો પણ હાલપૂરતો સંકેલાઈ ગયો.

પ્રિયંકા અને ઓમરની સક્રિયતા

સમગ્ર કવાયતમાં બંને બાજુની છાવણીના કપ્તાન ૧૦, જનપથના એટલે કે કોંગ્રેસનાં વર્તમાન હંગામી અધ્યક્ષા સોનિયા ગાંધીના વિશ્વાસુ હોય ત્યારે એકની પસંદગી કરવામાં અને બીજાનો બલિ ચડાવવાનો નિર્ણય કરવાનું સ્વાભાવિક રીતે જ  વિકટ બને. લોકસભા ચૂંટણીમાં ભાજપને ૨૪ કરોડ મત મળ્યા અને એની સામે ઝીંક ઝીલનાર રાહુલ ગાંધીના અધ્યક્ષપદવાળી કોંગ્રેસે ૧૨ કરોડ મત મેળવ્યા. આનો અર્થ એ થયો કે દેશના ૧૨ કરોડ મતદારોએ  તો રાહુલના નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો છતાં હતાશ-નિરાશ રાહુલ રણ છોડી ભાગી જાય અને ત્રણ-ત્રણ મહિના સુધી કોંગ્રેસનું કોઈ રણીધણી ના હોય એવા સંજોગોનો લાભ સત્તારૂઢ ભાજપ લે એ સ્વાભાવિક છે. કોગ્રેસમાં નેહરુ-ગાંધી માટે વંશવાદનું મહેણું હોય તો પણ એ બધા કાર્યકરોને જોડી રાખતું એક મહત્વનું પરિબળ પણ છે. જયારે પક્ષનું જહાજ  જ હાલકડોલક થવા માંડે ત્યારે  તેમાંથી ભાગવાની વૃત્તિ અને સત્તા સાથે જોડાવાની ખેવના અનેકોને જાગે એ સ્વાભાવિક છે. કર્ણાટક અને મધ્યપ્રદેશમાં રેઈડર્સ સામે તત્કાળ કોંગ્રેસના મોવડીમંડળ થકી અપેક્ષિત  સક્રિયતા નહીં દેખાડાતાં એની સરકારો ડૂલ થઇ. રાજસ્થાનમાં ૧૦,જનપથ થકી  હથિયાર હેઠાં ના મૂકાયાં અને ખાસ કરીને પહેલા રાઉન્ડમાં પ્રિયંકા ગાંધી-વાડ્રા થકી અને બીજા રાઉન્ડમાં પ્રિયંકા ઉપરાંત સચિન પાયલટના સાળા અને જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી રહેલા ઓમર અબદુલ્લાએ સતત કોંગ્રેસના ટોચના નેતા અહમદ પટેલ અને સચિન વચ્ચે સેતુરૂપ કામ કર્યું એટલે રાહુલ તેમ જ સોનિયા ગાંધી સાથે સમજૂતી શક્ય બની. ગહલોતની છાવણી અસંતુષ્ટોને પાછા લેવા સામે નારાજ ભલે હોય પણ સરકારને દિલ્હીશ્વર ગમે ત્યારે ગબડાવે એના કરતાં રૂઠેલાઓને પાછા લેવા અને ઘીના ઠામમાં ઘી પડ્યું રહે એવું આયોજન તેમના ય લાભમાં જ હતું. જમ્મૂ-કાશ્મીરના છેલ્લા એક વર્ષના ઘટનાક્રમમાં જેલવાસી કે નજરકેદ રખાયેલા નેતાઓમાં હજુ ઓમર અબદુલ્લા અને મહેબૂબા મુફ્તીનું મનોબળ મજબૂત છે. ઓમર કેન્દ્રમાં વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની સરકારમાં વિદેશ રાજ્યમંત્રી હતા. પોતાના પિતા મુફ્તી મોહમ્મદ સઈદના નિધન પછીમહેબૂબા મુફ્તી “ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના મિલન સમાન” પીડીપી-ભાજપની સરકારનાં મુખ્યમંત્રી પણ રહ્યાં. બંને કાશ્મીરી નેતાઓના ભાજપ સાથેના અનુભવો કટુ રહ્યા છે. ઓમરના પિતા ડૉ. ફારૂક અબદુલ્લા છેલ્લે  છૂટ્યા પછી એ દિલ્હી સાથે ઘર માંડશે કે કેમ એ કળવું મુશ્કેલ હતું.  આવા સંજોગોમાં ઓમરે બહેન સારા અબદુલ્લાના પતિ સચિનના ઉજ્જવળ રાજકીય ભાવિ માટે સક્રિયતા દાખવી. સચિનની મુસ્લિમ વોટબેંક જાળવવા પણ એણે કોંગ્રેસ સાથે જ રહેવું ઘટે એ વાત પણ તેમણે સમજાવી હશે.

ભાંગેલા મોતીનાં રેણનું ભાવિ

અણી ચુક્યો સો વરસ જીવે એવી ઉક્તિ આપણે ત્યાં છે. રાજસ્થાનમાં આજે તો મુખ્યમંત્રી અશોક ગહલોત વૈતરણી તરી ગયા પછી આવતીકાલની વાત કરવામાં વ્યથિત કાં થવું? રાજકારણમાં બધું ખૂબ ચંચળ છે. ધીરજનાં ફળ મીઠાં. ઉતાવળે આંબા પકવવા જતાં કેરીઓનો સમૂળગો ટોપલો ક્યારે બગડી જાય એનું કંઈ કહેવાય નહીં. આમપણ, જાદુગર ગહલોત ખરતું પાન ગણાય એટલે લાંબી રેસના ઘોડા સમા સચિન પાયલટ માટે આવતીકાલ ઉજળી જ છે. જોકે વરસદહાડો ગહલોતની સરકારનું ગાડું ગબડે. એકાદ મત માટે ક્યારેક વિધાનસભાની ચૂંટણી હારી જઈને મુખ્યમંત્રી થતાં થતાં રહી ગયેલા વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ સી.પી.જોશીની વચ્ચે લોટરી લાગે અને ગહલોત કોંગ્રેસનું અધ્યક્ષનું પદ ૧૦, જનપથની પાદુકાની જેમ, શ્રીરામના વનવાસ દરમિયાન  ભરતે સંભાળી હતી તેમ, સંભાળે તો ભવિષ્યમાં પાયલટનો સિતારો જયપુરમાં સોળે કળાએ ચમકવાની શક્યતા ઉજ્જવળ ખરી. આમપણ, સચિનના પિતા રાજેશ પાયલટ અને ગહલોત વચ્ચે પણ ક્યાં મધુર સંબંધ રહ્યા હતા? રાજકારણમાં કોણ ક્યારે કોની સાથે હોય એ કહેવું કે કળવું રાજકારણના ચાણક્યો માટે પણ અકળ હોય છે એટલે ગહલોત અને પાયલટ ફરી સાથે મળીને કામ કરી શકશે કે કેમ એની પંચાત નિરર્થક છે. ગહલોત માટે તો પોતાના રાજકીય વારસાને ટકાવવા માટે લોકસભા ચૂંટણી હારેલા પુત્ર વૈભવ ગહલોતને વિજયી જોવાના અભરખા હોય એ સ્વાભાવિક છે. એ કોંગ્રેસના ટોચના હોદ્દે રહીને સરળતાથી શક્ય બની શકે. સામે પક્ષે, સચિન પાયલટ ભાજપમાં આવીને પોતાના સાંસદ-પુત દુષ્યંત સિંહના ભાવિને રોળી શકે એવા સંજોગો પણ “રાણીસા” વસુંધરા રાજેએ ખાળ્યા. વંશવાદ તો તમામ રાજકીય પક્ષોમાં ફાટફાટ થાય છે, છતાં બધા પક્ષના નેતા એને વખોડવાનો થનગનાટ અનુભવે છે. રાજકારણ મેઘધનુશી રંગ ધારણ કરવા માટે જાણીતું છે. કારણ? અહીં કોઈ મંજીરા વગાડવા માટે આવતું નથી.બીજાને હડસેલીને નેતા-કાર્યકર્તા અહીં પોતાનું સ્થાન જમાવવા પ્રયત્નશીલ હોય છે. 

તિખારો

આજ સડકોં પર લિખે હૈં સેંકડોં નારે દેખ,

પર અંધેરા દેખ આકાશ કે તારે દેખ.

........

વે સહારે ભી નહીં અબ જંગ લડની હૈ તુઝે,

કટ ચુકે જો હાથ ઉન હાથોં મેં તલવારેં દેખ.

........

રાખ કિતની રાખ હૈ, ચારોં તરફ બિખરી હુઈ,

રાખ મેં ચિનગારિયોં હી દેખ અંગારે દેખ.

-    દુષ્યંત કુમાર

(લખ્યા તારીખ: ૧૪ ઓગસ્ટ ૨૦૨૦)

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=654040

No comments:

Post a Comment