Sunday 8 March 2020

Even during the Corona virus crisis, Political Bazaar booming

કોરોનાસંકટમાં ય રાજપાટની હાટડીઓમાં તેજી
કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

 
·         મ.પ્ર.માં રાજ્યસભાની ચૂંટણી પહેલાં ખરીદી
·         ધારાસભ્યોનાં અપહરણ અને મુક્તિના ખેલ
·         ગુજરાત-કર્ણાટકની બરકતવાળી ફોર્મ્યૂલા
મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠકોની ૨૬ માર્ચે ચૂંટણી યોજાય એ પહેલાં કમલનાથ સરકારને ગબડાવવાના વ્યૂહ સાથે સરકારસમર્થક ૯ ધારાસભ્યોનાં અપહરણ અને એમાંના અમુકની મુક્તિની ઘટના બની. ત્રણેક મહિના પૂર્વે ભાજપ થકી “ઓપરેશન રંગપંચમી” અન્વયે અસંતુષ્ટ કોંગ્રેસી અને એના ટેકેદાર ધારાસભ્યોને પોતાની સાથે જોડીને કોંગ્રેસ સરકારને ઉથલાવવાની યોજના બનાવાઈ હોવાનું ચર્ચામાં છે. ગુજરાત અને કર્ણાટક સહિતનાં રાજ્યોમાં સત્તાપ્રાપ્તિ માટે અગાઉ  ભરાઈ ચૂકેલી મંડીનો જ  વધુ એક અણસાર એમાં મળે છે.દેશ અને દુનિયા કોરોનાવાયરસસંકટ સામે ઝઝૂમી રહી છે ત્યારે ભોપાલમાં સરકાર ગબડાવો કે રાજ્યસભાચૂંટણી જીતો અભિયાન જોરમાં છે. ક્રિકેટરો હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના બજારમાં વેચાવા મૂકાય છે. એવું જ ધારાસભ્યો અને સાંસદો પણ કોમોડિટી બનીને વેચાવા આવતા હોય એવું નઠારું દ્રશ્ય  જોવા મળે છે.  સાંસદો કે ધારાસભ્યોની બોલી બોલાય છે. વડાપ્રધાન પી.વી. નરસિંહરાવના યુગમાં ચાર સાંસદોની ખરીદી ૫૦-૫૦ લાખ રૂપિયામાં થઇ હતી. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં છેલ્લે કોંગ્રેસી ચાણક્ય અહમદ પટેલને હરાવવા માટે ધારાસભ્યનો ભાવ ૧૦ કરોડ રૂપિયા બોલાયો હતો. જોકે એ ખેલ ભલે ખાલી ગયો હોય,પણ સાગમટે અને છૂટકમાં કોંગ્રેસમાંથી રાજીનામાં આપીને ભાજપમાં જોડાવા અને મંત્રીપદ મેળવવાનો રાજમાર્ગ ગુજરાત અને કર્ણાટકમાં કાયમ બેપાંદડે રહ્યો છે. મધ્યપ્રદેશના તાજા ઘટનાક્રમમાં એક ધારાસભ્યનો ભાવ રૂપિયા ૩૫ કરોડે પહોંચ્યાનું માનનીય મુખ્યમંત્રી અને સાંસદ રહેલા મહાનુભાવો ટાંકતા રહ્યા છે. રાજકારણમાં પણ છૂટક અને જથ્થાબંધના ભાવ બોલાતા હોય છે. જથ્થાબંધ બજારમાં તો ચાર ધારાસભ્યોને રૂપિયા ૧૦૦ કરોડ  (પ્રત્યેકને ૨૫-૨૫ કરોડ) અને છોગામાં  મંત્રીપદની બોલી પણ બોલાતી હોવાનું સ્ટિંગ થયું. બહુચર્ચિત વ્યાપમકાંડ પ્રકાશમાં આણનાર-વ્હીસલબ્લોઅર  ડૉ આનંદ રાયે ભાજપની સરકારમાં મંત્રી રહેલા નરોત્તમ મિશ્રાનો વીડિયો સોશિયલ મીડિયામાં શેયર કરીને ખરીદીકાંડની ઓફરોનો દાવો કર્યો. ભાજપ એને નકારે છે. આજે દુનિયાની સ્વસ્થ લોકશાહીનો દાવો કરનાર બ્રિટનમાં ક્યારેક સંસદની બેઠકોની બોલી બોલાતી. ઘરઆંગણે ભારતીય “લોકશાહીને પરિપક્વ કરવા માટે” આંતરાષ્ટ્રીય મહિલા દિવસ (૮ માર્ચ)ના અરસામાં જ લોકશાહીનું ખુલ્લેઆમ ચીરહરણ થતું જોવા મળે છે. ભારતીય બંધારણના ઘડવૈયાઓનો આત્મા જરૂર કણસતો હશે. જોકે એ સંવેદના હવે રહી જ નથી.
કોંગ્રેસ-ભાજપમાં જૂથવાદ
પરાપૂર્વથી મધ્યપ્રદેશના રાજકારણમાં કોંગ્રેસ અને જનસંઘ-ભાજપમાં જૂથવાદ ખાસ્સો બોલકો રહ્યો છે. આજે પણ સ્થિતિ એ જ છે. મુખ્યમંત્રી કમલનાથ અને મુખ્યમંત્રીપદના આકાંક્ષી રહેલા ગ્વાલિયરના પૂર્વ રાજવી પરિવારના જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે ગજગ્રાહ રહ્યો છે. મધ્યપ્રદેશના દસ-દસ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેલા દિગ્વિજયસિંહ અત્યારે કમલનાથ સાથે છે. અર્જુનસિંહના પુત્ર અજયસિંહનો અલગ ચોકો છે. સત્તામાં ભાગીદારી સૌકોઈ ઝંખે છે. મંત્રીપદ ના મળે એટલે વંકાવું એ રાજકારણમાં સહજ છે. રાજકારણમાં આવનારા વાત ભલે સેવાની કરતા હોય પરંતુ સત્તાના મેવા માટે જ એ આવે છે. કોઈ મંજીરા વગાડવા આવતું નથી. છિંદવાડાના કાયમી સાંસદ રહેલા મ.પ્ર. કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથ અને સાંસદ જ્યોતિરાદિત્યની જોડી ૧૫ વર્ષના ભાજપના શાસન પછી ભોપાલમાં નવેમ્બર ૨૦૧૮ની ચૂંટણીને પગલે રચાયેલી ત્રિશંકુ વિધાનસભા છતાં  કોંગ્રેસના સત્તામાં પુનરાગમનનું નિમિત્ત બની હતી.  ધારાસભ્યોને સાચવવા અને કોંગ્રેસની તિજોરીમાં નિધિ જમા કરાવવામાં નિષ્ણાત કમલનાથ મુખ્યમંત્રી બન્યા એટલે જ્યોતિરાદિત્ય નારાજ હોય એ સ્વાભાવિક છે. એમની બંને ફોઈઓ વસુંધરા રાજે (રાજસ્થાનનાં પૂર્વ મુખ્યમંત્રી) અને યશોધરા રાજે (મધ્યપ્રદેશની ભાજપી સરકારમાં મંત્રી અને ગુજરાતનાં પુત્રવધૂ રહેલાં) ભાજપમાં હોવાથી વડોદરાના જમાઈ જ્યોતિરાદિત્ય પણ ભાજપ ભણી ફંટાય એવી અટકળો છાસવારે વહેતી કરાય છે. જોકે ચૂંટણીમાં ગુના લોકસભા બેઠક હારેલા મહારાજને રાજ્યસભા ચૂંટણીમાં ટિકિટ મળવાની સંભાવના છે. રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી પડે છે. ૨૬ માર્ચે એની ચૂંટણી યોજાશે. ભાજપના બે નેતા સત્યનારાયણ જટિયા (રાજ્યસભાના ઉપસભાપતિ) અને પ્રભાત ઝા ઉપરાંત કોંગ્રેસના દિગ્વિજયસિંહ રાજ્યસભામાંથી નિવૃત્ત થાય છે. સિંહ અને જ્યોતિરાદિત્યને કોંગ્રેસ ઉમેદવારી કરાવે અને સત્યનારાયણ પણ રિપીટ થવાની શક્યતા છે. સરકારને ગબડાવી અથવા પક્ષાંતર કરાવીને ભાજપ એક બેઠક ગુમાવવી ના પડે એવી વેતરણમાં છે.
વિધાનસભાનું ચિત્ર
મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર તંગ દોરડા પર ચાલવાની સ્થિતિમાં છે. ભાજપી મુખ્યમંત્રી  શિવરાજસિંહ ચૌહાણને સ્થાને કોંગ્રેસી મુખ્યમંત્રી કમલનાથ આવ્યા. એમની પાસે કુલ ૨૩૦ +૧ (નામનિયુક્ત)ની વિધાનસભામાં કોંગ્રેસના ૧૧૪ ધારાસભ્યો છે. ભાજપના ૧૦૭ અને બે બેઠકો ખાલી છે. કમલનાથના ટેકેદાર  બહુજન સમાજ પાર્ટી(બીએસપી)ના બે સભ્યોમાંથી એકને પક્ષે નિલંબિત કરેલા છે. સમાજવાદી પક્ષના એક અને અપક્ષ ચાર સભ્યોનો પણ કોંગ્રેસની સરકારને ટેકો છે. વિધાનસભાના અધ્યક્ષ એન.પી.પ્રજાપતિ (કોંગ્રેસ)ને બાદ કરીને બહુમતી માટે ૧૧૪ સભ્યોની જરૂર પડે. એ સંજોગોમાં સરકારના ટેકેદાર ૯ ધારાસભ્યોને પહેલાં ખાસ વિમાનમાં દિલ્હી લઇ જવાયા. કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે  ટ્વીટ કરીને સરકાર સમર્થક ૯ ધારાસભ્યોને ગુડગાંવની આઇટીસી મરાઠા હોટેલમાં બંધક બનાવાયાનું જાહેર કર્યું. મુખ્યમંત્રી કમલનાથે બે મંત્રીને મારતે વિમાને પાઠવ્યા. છ કોંગ્રેસી ધારાસભ્યો, બે બસપાના ધારાસભ્યો અને એક અપક્ષ ધારાસભ્યનો ખેલ પાડવા જતાં છ ધારાસભ્યોને મુખ્યમંત્રી નિવાસ પરત લાવી શકાયા. તેમાં રમાબાઈ, સંજીવ સિંહ કુશવાહ (બંને બસપા),રાજેશ શુક્લા (સપા) ઉપરાંત એંદલ સિંહ કંસાના, રણવીર જાટવ અને કમલેશ જાટવ (ત્રણેય કોંગ્રેસ)નો સમાવેશ હતો.   બાકીના ચાર( હરદીપ સિંહ, બીસાહૂ લાલ સિંહ અને રઘુરાજ કંસાના એ ત્રણ કોંગ્રેસી અને સુરેન્દ્ર સિંહ શેરા નામક  અપક્ષ)ને કર્ણાટક લઇ જવાયા હોવાનું બુધવાર, ૪ માર્ચે જણાવાયું. નારાજ ધારાસભ્યોના ”શિકાર” (પોચિંગ)માં ભાજપ હજુ સક્રિય છે. કોંગ્રેસના કમલનાથ પણ પહોંચેલી માયા છે. મામલો ગમે ત્યારે બિચકે એવી શક્યતા વચ્ચે અગાઉ જુલાઈ ૨૦૧૯માં ગૃહમાં  પક્ષવિરુદ્ધ મતદાન કરનારા  ભાજપના બે ધારાસભ્યો  નારાયણ ત્રિપાઠી અને શરદ કોલ પણ પક્ષની મહત્વની બેઠકમાં પહોંચ્યા નહોતા. ભાજપ તરફથી હજુ ૧૫થી ૨૦ કોંગ્રેસી ધારાસભ્યો તેના સંપર્કમાં હોવાના દાવા કરાય છે એટલે  રાજ્યસભાની ચૂંટણીમાં કેવી આસમાની સુલતાની થાય છે એને આધારે ડહોળાયેલું રાજકીય વાતાવરણ સ્પષ્ટ થશે.
તિખારો
જઈશું જગતને ચારે ખૂણાએ,
ગુજરાત અમારી ગુજરાતી અમ જાત:
કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત?
તપશું એ તાપે,જપશું એ જાપે:
એ અમ ‘અહંબ્રહ્મ’ ગુજરાત માત !
કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત?
દુનિયા ડોલાવશું, સાગર શોષાવશું:
મોંઘા અમ પ્રાણની એ મોંઘી મિરાત:
કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત?
-     અરદેશર ફરામજી ખબરદાર
ઇ-મેઈલ: haridesai@gmail.com             (લખ્યા તારીખ: ૫ માર્ચ ૨૦૨૦) 

No comments:

Post a Comment