બિહારમાં આઠ મહિના પછી ધારાસભા ચૂંટણી પણ અત્યારથી ધમાધમ
ડૉ.હરિ દેસાઈ
·         એપ્રિલ ૨૦૨૧માં હવે પશ્ચિમ બંગાળના રાઈટર્સ બિલ્ડિંગને કબજે કરવાની ભાજપની આખરી નેમ
·         નરેન્દ્ર મોદીના વ્યૂહકાર રહેલા પ્રશાંત કિશોર અને જેએનયુવાળા કોમરેડ કનૈયાની ખાસ્સી સક્રિયતા
·         ચૂંટણી જીતવા માટે સમાધાનો થકી  વિપક્ષની હવા કાઢવાની વેતરણમાં જોવા મળતો સત્તામોરચો
·         કોંગ્રેસના યુપીએ કે ભાજપના એનડીએ મોરચામાં કાયમ પ્રધાનપદું જાળવતા રામવિલાસ પાસવાન

સાત રાજ્યો ગુમાવ્યા પછી ભારતીય જનતા પક્ષ હવે છાસ પણ ફૂંકીને પીએ છે. બિહાર અને પુડુચેરી વિધાનસભાની ચૂંટણીનો હવે વારો છે. એ કબજે કર્યા પછી કોલકાતાના રાઈટર્સ બિલ્ડિંગને કબજે કરવાની ભાજપની નેમ છે. વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળો રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચો (એનડીએ) ભવ્ય બહુમતી સાથે ફરી સત્તામાં આવ્યો તો ખરો, પણ એ પછી રાજ્યો ગુમાવવાની પરંપરા અખંડ રહી છે. હવે તો ભાજપની માતૃસંસ્થાના “અધિકારીઓ” પણ કહેવા માંડ્યા છે કે દર વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જીતાડી જ શકે એવું માની લેવું જરા વધુ પડતું છે. ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની આવતાં વર્ષોમાં અગ્નિપરીક્ષા છે. વર્ષ ૨૦૧૫ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વિજય તો લાલુપ્રસાદના રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી), નીતીશકુમારના જનતા દળ (યુ) અને કોંગ્રેસના મહાગઠબંધનનો જ થયો હતો. સૌથી વધુ બેઠકો  આરજેડીને મળી હતી છતાં “કાકા” નીતીશકુમારને મુખ્યમંત્રીપદ આપીને તેજસ્વી યાદવે નાયબ મુખ્યમંત્રી બનવાનું સ્વીકાર્યું હતું. જેલવાસી લાલુના કુંવર તેજસ્વીને સીબીઆઇ ખટલામાં સામેલ કરાતાં કાકાએ પલટી મારી અને ભાજપ સાથે ઘર માંડ્યું. રાજકારણમાં કશું સ્થાયી હોતું નથી. આવતીકાલોમાં ફરીને એનડીએના ઘટકપક્ષો યુપીએમાં વિહાર કરતા જોવા મળે તો બહુ આશ્ચર્ય નહીં. કેન્દ્રમાં મંત્રીપદના સ્થાયી હકદાર મનાતા લોક જનશક્તિ પાર્ટીના  રામવિલાસ પાસવાન નમતા ત્રાજવે બેસવાનું પસંદ કરે છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પણ એમણે પોતાનો નોખો ચોકો કરીને ગમે ત્યારે સત્તા સાથે જવાના કે છેડો ફાડવાના સંકેત આપ્યા જ હતા. બિહારનો ગઢ ટકાવી રાખીને આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં યોજાનારી ચૂંટણીમાં કોલકાતામાં ભાજપનું શાસન સ્થપાય એની વેતરણમાં મોદી-શાહ-નડ્ડાની ત્રિપુટીની નેમ હોય એ સ્વાભાવિક છે. લાગલગાટ સાત રાજ્યો ગુમાવ્યા પછી બિહાર ભાજપ-જેડી(યુ) જીતશે કે કેમ એ  શંકાસ્પદ તો છે જ.
હવે નીતીશ વિરુદ્ધ તેજસ્વી
બિહારમાં મુખ્યમંત્રી નીતીશ કુમારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી વચ્ચે હમણાં બહુ મનમેળ હોય એવું લાગતું નથી. ચૂંટણી પછી અહીં ભાજપને પોતાનો મુખ્યમંત્રી સ્થાપિત કરવો હોય તો એ મોદી જ હોય એવું જરૂરી નથી. ભાજપ અહીં અનેક છાવણીઓમાં વહેંચાયેલો છે. આમ છતાં, જયારે સામે પક્ષે મહાગઠબંધન મજબૂત હોય ત્યારે સત્તામોરચો સંપી જાય એવી શક્યતા વધુ. ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૦માં યોજાનારી વિધાનસભા ચૂંટણી આડે હજુ આઠેક મહિના હોવા છતાં બધા પક્ષોએ ચૂંટણીનાં ઓજારો સજાવવા માંડ્યાં છે.જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો એ ઉક્તિને પ્રતાપે અત્યારથી બિહાર આખું જાણેકે ઇલેક્શન મોડમાં લાગે છે.કેટલાક વિપક્ષી નેતાઓની કોશિશ એવી હતી કે ચૂંટણી શરદ યાદવના નેતૃત્વમાં લડાય પરંતુ સ્વયં શરદ યાદવે પોતાના તરફથી તેજસ્વીના નામને પ્રસ્તાવિત કરીને લાલુપુત્રના નેતૃત્વમાં જ ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. તેજસ્વી અત્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા છે. બિહાર વિધાનસભાની કુલ ૨૪૩ બેઠકોમાંથી સૌથી મોટા પક્ષ તરીકે ૮૦ બેઠકોવાળા આરજેડીનું સ્થાન છે. વિપક્ષમાં બીજા ક્રમે ૨૬ બેઠકો સાથે કોંગ્રેસ આવે છે. ડાબેરી અને બીજા પૂંછડિયા ખેલાડીઓ સહિત વિપક્ષ પાસે કુલ ૧૧૧ સભ્યો છે. એક બેઠક ખાલી છે.જેડી(યુ) પાસે ૭૦, ભાજપ પાસે ૫૪ અને લોજપા પાસે ૨ અને ૫ અપક્ષ મળીને સત્તાપક્ષ પાસે ૧૩૧ ધારાસભ્યોનો ટેકો હોવાનું સ્પષ્ટ થાય છે. ભાજપના મિત્રપક્ષો પણ માનવા માંડ્યા છે કે ભાજપની નેતાગીરી પ્રાદેશિક પક્ષોને ઓહિયાં કરી જવાની નીતિ ધરાવે છે. આ બાબત તમામ મિત્રપક્ષોને સાશંક રાખે છે.
પ્રશાંત-કનૈયાની કારીગરી
સ્કાયલેબની જેમ ખાબકેલા બે નેતાઓ આજકાલ બિહારના રાજકારણી ઘમરોળી રહ્યા છે. એક, ક્યારેક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે રહીને એમને વડાપ્રધાનપદ સુધી પહોંચાડવાનો દાવો કરનારા પ્રશાંત કિશોર અને બીજા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ યુનિયનના અધ્યક્ષ રહેલા કનૈયા કુમાર. કનૈયા સામે રાજદ્રોહ ખટલા સહિત અનેક ખટલાઓ દાખલ કરાયા છતાં એ સત્તાધીશોને ઝૂકવાને બદલે વધુ આક્રમક રહ્યો છે.પ્રશાંત કિશોર અન્ય પક્ષોને માટે પણ કામ કરીને અંતે પોતાના વતન રાજ્ય બિહારમાં મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટીમાં જોડાઈને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યો. જોકે પ્રશાંત કોઈ બંધનમાં ઝાઝો સમય રહી શકવાની સ્થિતિમાં નથી. આમ છતાં, આ બંને યુવા ચહેરાઓ બિહારના રીઢા રાજનેતાઓને માટે મુશ્કેલીઓ નિર્માણ કરી રહ્યા છે.પ્રશાંત સામે ખટલા શરૂ કરાયા છે અને એફઆરઆઈ પણ નોંધવાનું કામ થયું છે. એ નીતીશ-મોદી સરકાર માટે મૂંઝવણો સર્જતો હોવાથી આજકાલ હીટ લિસ્ટ પર છે.કનૈયા કુમાર અગાઉ વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડ્યો હતો અને એનો પરાજય થયો હતો.
ગિરિરાજનો મુસ્લિમવિરોધ
સામાન્યરીતે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના મંત્રીઓ કંઇક બોલે એ સઘળા પ્રધાનમંડળની જવાબદારી ગણાય. મંત્રીઓ બેફામ નિવેદનો કરી શકે નહીં. આમ છતાં, ભાજપના અમુક નેતાઓ મંત્રીપદે હોવા છતાં મોઢાના છૂટ્ટા હોવાનું જોવા મળે છે. બિહારી  કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ  ગમે ત્યારે બેફામ નિવેદનો કરવા માટે જાણીતા છે. એમનાં મુસ્લિમ દ્રોહી નિવેદનો નહીં રોકાતાં પક્ષના વડા એ એમને બોલાવીને જ્ઞાન આપ્યું તો હતું, પરંતુ આદત સે મજબૂર આ મંત્રી તો પક્ષના વડાને મળ્યા પછી પણ બેફામ નિવેદનો કરતા રહ્યા છે. મોદી સરકારના આ મંત્રી ખુલ્લેઆમ તમામ મુસ્લિમોને પાકિસ્તાન મોકલી દેવાયા નહીં એ અંગે અફસોસ વ્યક્ત કરતા રહ્યા છે અથવા હિંદુમાંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારના પરિવારમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે મૃતદેહને દફન કરવા દેવાને બદલે અગ્નિસંસ્કાર કરાવવા સમજાવવા પોતે પહોંચી જાય છે. સંયોગ તો જુઓ કે એમના જ પક્ષના બિહારી મુસ્લિમ  નેતા અને  વાજપેયી સરકારમાં મંત્રી રહેલા શાહનવાઝ હુસૈન હિંદુ મહિલાને પરણ્યા છે. તેમના પક્ષના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી ખ્રિસ્તી મહિલાને પરણેલા છે. મુસ્લિમોમાં પિતરાઈ ભાઈ-બહેન કે મામા-ફોઈનાં સંતાનો વચ્ચે લગ્ન થતાં હોવાની કાગારોળ મચાવનારા ગિરિરાજ સિંહ એ વાત ભૂલી જાય છે કે દક્ષિણ ભારતમાં પણ હિંદુઓમાં નજીકનાં સગાંમાં લગ્નોની પરંપરા છે.
સત્તામોરચાનાં પારોઠનાંપગલાં
દિલ્હી વિધાનસભા ચૂંટણી  જીતવા માટે ભાજપએ જમીનઆસમાન  એક કર્યા છતાં એ સ્વપ્ન સાકાર નહીં થતાં ભાજપ અને સંઘની નેતાગીરીમાં આત્મનિરીક્ષણ કરવાનું શરૂ થયું લાગે છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ ભાજપની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મુસ્લિમવિરોધી નીતિથી અકળાયેલા લાગે છે. એમને નાગરિકતા સુધારા ધારો હજુ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન હોવાથી એના ચુકાદાની પ્રતીક્ષા છે,પરંતુ કેન્દ્ર સરકારની ઈચ્છા મુજબના રાષ્ટ્રીય વસ્તી નોંધણીપત્રક (એનઆરપી)  અને રાષ્ટ્રીય નાગરિકતા નોંધણીપત્રક  (એનઆરસી) વિરુદ્ધ વિધાનસભામાં ઠરાવ કરાવ્યા છે.બિહારમાં મુસ્લિમ વસ્તી નિર્ણાયક છે એટલે નીતીશ કુમાર એને અવગણી શકે તેમ નથી. વિરોધપક્ષના હાથમાંથી મુદ્દા છીનવી લેવાના પ્રયાસરૂપ આ પારોઠનાં પગલાં ભરવામાં મને કમને ભાજપે પણ જોડાવું પડ્યું છે. અત્યારે તો તેજસ્વી અને ચિરાગ પાસવાનની જનસંપર્ક યાત્રાઓ  આરંભાઈ ચુકી છે,પરંતુ ચૂંટણી આવે ત્યાં લગી આ ટેમ્પો જળવાય તો જ ગનીમત.
પાસવાન પરિવાર વંડી ઠેકવામાં
ક્યારેક વિક્રમી સરસાઈ સાથે લોકસભા ચૂંટણી જીતવાનો વિક્રમ ધરાવનારા બિહારના દલિત નેતા રામવિલાસ પાસવાનને બાબુ જગજીવન રામ કે ડૉ.બાબાસાહેબ આંબેડકર થવાના અભરખા રહ્યા છે. કેન્દ્રમાં કોઈ પણ પક્ષની સરકાર હોય પણ એમાં પોતાનું ગોઠવી લઈને મંત્રી રહેવાની કુનેહ પાસવાનમાં જોવા મળી છે. એ કેન્દ્રમાં મંત્રી રહ્યા છે એટલું જ નહીં એ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જ મહદઅંશે રહ્યા છે. એમનો પક્ષ પણ પરિવારવાદનો પરિચય આપે છે. પાસવાનના ભાઈ ઉપરાંત પુત્ર ચિરાગ પાસવાન પણ આ લોક જનશક્તિ પાર્ટીના સાંસદ કે હોદ્દેદાર રહ્યા છે.આવતા દિવસોમાં રામવિલાસનું સ્થાન ફિલ્મ અભિનેતા બનવામાં નિષ્ફળ રહેલા ચિરાગ પાસવાન સફળ રાજનેતા તરીકે લેવાય એવી શક્યતા ઉજ્જવળ છે. જોકે આડી વાત તેની શી વાત. હજુ તો ચૂંટણી આડે આઠેક મહિના છે એટલે અત્યારથી શરૂ થયેલા  આ ચૂંટણીલક્ષી ધમધમાટ અખંડ રહેશે કે એનું સૂરસૂરિયું થશે એ ભણી મીટ માંડીને બેસવાની જરૂર ખરી.
ઇ-મેઈલ: haridesai@gmail.com      (લખ્યા તારીખ: ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૦)


0 Comments