Tuesday 10 March 2020

US President Double-speak

ભારતનાં ઓવારણાં લઈને પાછા ફરેલા ટ્રમ્પ તાલિબાની વ્હેલમાં બેઠા
ડૉ.હરિ દેસાઈ
·         અફઘાનિસ્તાન મુદ્દે ખુલ્લેઆમ પાકિસ્તાનને અનુકૂળ કરાર કરી અમેરિકાએ જાત બતાવી
·         હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ અને મોટેરામાં ‘હાઉડી ટ્રમ્પ’ નવેમ્બરની ચૂંટણી જીતવાના જ ખેલ
·         વિયેતનામમાંથી હટી જવાના રિપબ્લિકન  નિકસનના ઈરાદાઓનું જ રિરન આ વખતે ય
·         લાલો લાભ વગર ના લોટે એ ન્યાયે અમેરિકી રાષ્ટ્રપતિ અબજોનો ધંધો કરી સ્વદેશ ભેગા
ભારત આખું જાણે કે ઈડરિયો ગઢ જીત્યાના આનંદોત્સવમાં હતું. મોટેરા સ્ટેડિયમ પર ભારે ઝાકમઝોળ અને હગિંગનાં દ્રશ્યો હજુ તો સાવ જ તાજાં હતાં. “હિંદી-અમેરિકી ભાઈ ભાઈ”ના નારા ગૂંજતા હતા. ભારતમાં  “માય ફ્રેન્ડ મોડી”ની ૨૪-૨૫ ફેબ્રુઆરી ૨૦૨૦ની બે દિવસની મુલાકાતે સપરિવાર આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગ્રામાં તાજમહાલના દિદાર કરીને   સ્વદેશ પાછા ફર્યા.એ પોતાના દેશમાં “તાજમહાલ કેસીનો” ચલાવે છે. એમણે “માય ક્લોઝ ફ્રેન્ડ ઇમરાન ખાન”ના પાકિસ્તાનને અને ત્રાસવાદી સંગઠન તાલિબાનને અનુકૂળ એવા અફઘાન શાંતિ કરાર પર ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ સહીસિક્કા કરાવીને જાણે કે ભારતને ડીંગો બતાવ્યો. ભારતની નીતિ પાકિસ્તાનતરફી તાલિબાન વિરોધી રહી છે.કાબુલમાં અત્યારે સત્તાવાર રીતે રાજ કરતી ગની સરકારને બદલે વોશિંગ્ટન જયારે માત્ર પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને યુએઈ થકી માન્ય રખાયેલી અફઘાનિસ્તાનની કથિત તાલિબાન સરકાર સાથે મંત્રણા કરીને શાંતિ કરાર કરે ત્યારે શાંતિ સ્થપાઈ જ જશે એવું માનવું વધુ પડતું છે. અફઘાનિસ્તાનમાં આજે કોનો કયા વિસ્તાર પર કબજો છે અને કોનું ચલણ છે એ વિવાદનો મુદ્દો છે,પણ એટલું નિશ્ચિત છે કે કાબુલમાં તાલિબાન સરકારનું શાસન ગયા પછી સ્થપાયેલી હમીદ કરઝાઈની સરકાર અને વર્તમાન ગની સરકારને ભારતનો ટેકો છે. ભારતે આ સરકારો સાથે સંબંધ જાળવીને અત્યાર લગી ૬૫૦થી ૭૫૦ મિલિયન ડોલરની સહાય કરીને અફઘાનિસ્તાનને સૌથી વધુ સહાય કરનાર દેશ તરીકેની નામના મેળવી છે. મૌલાના મસૂદ અઝહર જેવા ત્રાસવાદીઓને છોડાવવા  જે તાલિબાન સરકારને ઈશારે ભારતના વિમાનનું અપહરણ કરીને ૧૯૯માં કંદહાર લઇ જવાયું હતું એ જ તાલિબાન સાથે ટ્રમ્પ કરાર કરે છે. મૌલાના મસૂદ અઝહરે છૂટ્યા પછી ત્રાસવાદી સંગઠન “જૈશ-એ-મોહમ્મદ”ની સ્થાપના કરીને ભારતીય સંસદ સહિતનાં ભારતનાં પવિત્ર સ્થળો પર આતંકી હુમલા કરાવ્યા હતા. અમેરિકાની નીતિ હંમેશાં ઓસામા-બિન-લાદેનો અને તાનાશાહો પેદા કરવાની અને એમને પોષવાની રહી છે. એના ઈશારે નાચવાનો ઇનકાર કરે ત્યારે એણે જ પેદા કરેલા શેતાનોને ખતમ કરવાનું કામ પણ એ જ કરે છે.
ટ્રમ્પ ફરી ચૂંટાવાની વેતરણમાં 
દુનિયાની ફોજદારીમાં અમેરિકા પોતાનાં હિત જ જોવાનું પસંદ કરે છે. કતારની રાજધાની દોહામાં તાલિબાનની અફઘાનિસ્તાનમાં કથિત સરકારને માન્ય નહીં કરતું હોવા છતાં ૨૦૦૧થી ગૃહયુદ્ધમાં ખાબકેલા વોશિંગ્ટનનો હાથ પાછો ખેંચી લઈને શાંતિ સ્થાપવા માટે એ જ આતંકી મનાતા તાલિબાન સાથે તેણે  કરાર કર્યાં.શીતયુદ્ધના સમયમાં મોસ્કો સામેના જંગમાં પાકિસ્તાનમાં પોતાનાં લશ્કરી થાણાં  સ્થાપીને ઇસ્લામાબાદને ત્રણ “એ”થી એટલે કે આર્મી,અમેરિકા અને અલ્લાહથી નર્તન કરાવતા અમેરિકાને હવે વિઘટિત સોવિયેત રશિયાના સંજોગોમાં ભારત વધુ કસદાર જણાય છે. ચીન માટે હવે પાકિસ્તાન ભલે ૩૪મો પ્રાંત ગણાતો હોય, અમેરિકા માટે તો હજુ પાકિસ્તાનનો ખપ છે એ દોહાના તાલિબાની શાંતિ કરારથી સ્પષ્ટ થાય છે. ટ્રમ્પભાઈની તાજી મુલાકાતથી હરખપદુડા થયેલાઓ અમેરિકી બેવડી નીતિની લુચ્ચાઈ જેટલા સવેળા સમજી જાય એટલું સારું છે. આગામી ૩ નવેમ્બરની ચૂંટણીમાં ફરી રાષ્ટ્રપતિ ચૂંટાવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાંચ દાયકા પૂર્વે એમના જ પક્ષ રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સને  વિયેતનામમાંથી હાથ પાછો ખેંચી લેવાનો જે ખેલ ખેલ્યો હતો એ જ ભૂમિકા ૨૦૨૦માં બિઝનેસમેન-પ્રેસિડેન્ટ ટ્રમ્પ અપનાવી રહ્યા છે.વર્ષ ૨૦૦૧માં અમેરિકાએ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું અને પોતાની સેના તેમ જ મિત્ર રાષ્ટ્રોની સેના ત્યાં ખડકી ત્યારથી એના ૨,૪૪૧, યુકેના ૪૪૫ અને મિત્રદેશ સેનાના ૧,૧૪૪ સૈનિકો માર્યા ગયાથી અમેરિકામાં અજંપો છે. આની સામે અફઘાન ધરતી પર લાખ-દોઢ લાખ જેટલાં અમેરિકી અને મિત્ર દળોની ઉપસ્થિતિમાં તાલિબાની હિંસા અને સામસામા હિંસક ખેલમાં એકાદ લાખ કરતાં વધુ અફઘાન નાગરિકોનાં મોત થયાં છે. અગાઉ પાંચેક દાયકા પૂર્વે રશિયન દળોએ ૨૦ લાખ અફઘાની નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.ટ્રમ્પ પહેલીવાર ચૂંટણી જીતવા માટે અફઘાનિસ્તાનમાં બે દાયકાથી ખડકાયેલાં અમેરિકી દળોને પાછાં ખેંચીને શાંતિ સ્થાપવાનાં વચન આપી ચૂક્યા હતા,પણ બીજી ચૂંટણી લગી એ અમલ કરાવી શક્યા નહીં એટલે હવે ઉતાવળમાં છે. ભારતીયોના મત મેળવવા હ્યુસ્ટનમાં સપ્ટેમ્બર ૨૦૧૯માં “હાઉડી મોદી”માં પહોંચેલા ટ્રમ્પ માટે ભારતીય વડાપ્રધાન મોદી “અગલી બાર ટ્રમ્પ સરકાર” બોલે કે મોટેરા સ્ટેડિયમ પર માનવમહેરામણ સામે એકમેકનાં વખાણ કરતાં  બંને નેતા ગળે મળે એ પાછળના ઈરાદાઓ હવે તો સમજી શકાય છે. મોદીને ખભે ચઢીને ટ્રમ્પભાઈ અમેરિકી ભારતીયોને રાજી કરવાની સાથે જ ભારતથી હજારો કરોડ રૂપિયાનો ધંધો લઈને સ્વદેશ પાછા ફર્યા હતા.છોગામાં મુંબઈ, પૂણે, દિલ્હી અને કોલકાતામાં ભવ્ય ટ્રમ્પ ટાવર  ઊભા કરવાનો ધંધો એમના બે પુત્રો કરી ચૂક્યા બાદ ધંધાનો ભારતમાં પણ વ્યાપ વધારશે.
તાલિબાન-પાકિસ્તાન મૈત્રી
અમેરિકી સૈનિકોને અફઘાન ધરતી પરથી તબક્કાવાર પાછા ખેંચી લેવા કૃતસંકલ્પ જોવા મળતા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ આખું અફઘાનિસ્તાન તાલિબાનને હવાલે કરીને બળતું ઘર કૃષ્ણાર્પણ કરતા હોય એવું વધુ લાગે છે. અલ-જજીરાના તાજા નકશામાં અફઘાનિસ્તાનમાં તાલિબાન માત્ર દક્ષિણ અફઘાનિસ્તાન જ નહીં, છેક ઉત્તર અફઘાનિસ્તાનના મોટાભાગના વિસ્તારો પર કબજો ધરાવે છે. આવા ઇસ્લામી કટ્ટરવાદી સંગઠનને પોષવામાં આગળ વધી રહેલું અમેરિકા ભારત આવીને ઇસ્લામિક આતંકવાદ સામે  લડવાની ઘોષણાઓ કરે ત્યારે એ કેટલી બોદી છે એ પરખાઈ જાય છે.દુનિયાભરના દેશોને લડાવી મારીને અમેરિકા પોતાના ધંધાનો વિકાસ કરવા અને પોતાના કહ્યાગરા શાસકોને નર્તન કરાવવામાં જ સવિશેષ રસ લે છે. અમેરિકી રાષ્ટ્રપતિની સોડમાંથી દિલ્હી પાકિસ્તાન વિરોધી ઘોષણાઓ કરે અને અમેરિકી રાષ્ટ્રપતિ ઇસ્લામાબાદ અને તાલિબાનને પોષે એ વિરોધાભાસ વૈશ્વિક સંબંધોમાં અમેરિકી કૂટનીતિને  સ્પષ્ટ કરે છે. રખે કોઈ માને કે અમેરિકાની તાલિબાન સાથેની કથિત શાંતિ સ્થાપવાની કોશિશ ભારતના હિતમાં છે. અમેરિકાને તાલિબાન સાથેની વાટાઘાટોમાં પાકિસ્તાનની સતત જરૂર પડી હતી. કરાર પહેલાં પણ પાકિસ્તાનના વડાપ્રધાન અને વિદેશમંત્રી દોહા ગયા હતા .હવે અફઘાનિસ્તાનની કાબુલ  સરકારમાં તાલિબાન સામેલ થાય તો ત્યાંની મહિલાઓ અને શિક્ષણ વ્યવસ્થા પર કેવી અવળી અસરો પડશે એ વિશેની ચર્ચા ત્યાંના જાગૃત લોકો જીવના જોખમે પણ કરવા માંડ્યા છે. આનાથી  વધુ ગંભીર  સમસ્યા તો ભારતના જમ્મૂ-કાશ્મીર પ્રદેશ માટે સર્જાવાની છે. કોંગ્રેસ કે ભાજપના શાસન દરમિયાન ભારતની તાલિબાન વિરોધી નીતિ સમાન ધોરણે રહી છે. પાકિસ્તાન તો તાલિબાનને પોષતું રહ્યું છે. આવતા દિવસોમાં અમેરિકી ઈશારે કાબુલમાં તાલિબાન સરકાર ફરી સ્થપાય તો વર્તમાન કેન્દ્ર સરકારની નીતિ શું રહેશે એ બાબત હજુ અસ્પષ્ટ છે. આતંકની નિકાસ અને પ્રોક્સી યુદ્ધ માટે નામચીન પાકિસ્તાનના પ્રદેશમાંથી તાલિબાનનો ડોળો જમ્મૂ-કાશ્મીર ભણી મંડાવાનો એ વાત નક્કી.
શાંતિકરાર પછીના હુમલા
અમેરિકાએ પોતાની રીતે કરારમાં સામેલ કરી દીધું કે ૧૦ માર્ચ સુધીમાં કાબુલ ૫,૦૦૦ જેટલા તાલિબાની અને ૧,૦૦૦ બિન-તાલિબાની કેદીઓને છોડી મૂકશે. અફઘાન રાષ્ટ્રપતિ ગનીએ આનો સાફ નન્નો ભણી દીધો એટલે અમેરિકાએ કતારના અમીરને કામે લગાડીને ગનીને સમજાવવાની કોશિશ કરી જોઈ. જોકે અમીરે પણ કાબુલની વાજબી વાતનું સમર્થન કર્યું. આતંકી હુમલાઓ તો હજુ થંભ્યા નથી. ૨૦૨૧ના એપ્રિલ સુધીમાં અમેરિકા અફઘાનિસ્તાનમાંથી સંપૂર્ણપણે હટી જઈને તાલિબાન પર એણે લાદેલા પ્રતિબંધોનો અંત આણવા માંગે છે. નવાઈ એ વાતની છે કે તાલિબાનને અલ-કાયદા સાથે જોડીને આતંકી કહેવાનું અમેરિકા પોતાની અનુકૂળતા મુજબ નક્કી કરે છે અને પછી પોતાનાં હિત જળવાય એટલા માટે એને અહિંસકનો બિલ્લો પણ લગાડવામાં એ અગ્રેસર રહે છે.દુનિયા આખી અમેરિકાના ઈશારે નાચે એવા એના ઈરાદાઓને કમસે કમ અફઘાનિસ્તાનમાં તો ક્રેમલિન એટલે કે મોસ્કો પણ પડકારે છે. જોકે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોસ્કો લોબી સક્રિય રહેતી હોવાના આક્ષેપો વચ્ચે કોણ ક્યારે ક્યાં ઊભું હશે એ કહેવું અત્યારે તો મુશ્કેલ જણાય છે. ઈચ્છીએ કે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થપાય, પરંતુ હજુ બંદૂકની અણીએ આતંક ફેલાવવાના વ્યવસાયમાં રહેલા તાલિબાનને શાંતિદૂત જાહેર કરી દેવાથી ટ્રમ્પ ફરીવાર ચૂંટાઈ પણ જાય અને નિક્સનના વિદેશમંત્રી કિસિંજરની જેમ આ વેળાના અમેરિકી મંત્રણાકાર જાલમે ખલીલજાદને  શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મળી પણ જાય છતાં તાલિબાનીઓ એટલા ભોળિયાભટાક નથી કે ઇસ્લામી આતંકવાદને નેસ્તનાબૂદ કરવાનાં બણગાં ફૂંકનાર અમેરિકાના તાલે જ નાચે.બે દાયકાની લડતનો થાક ઉતારવાનો આ સમય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચૂંટણી જીતે ત્યાં લગી તો તાલિબાનના નાયબ વડા મુલ્લા અબ્દુલ ગની બરાદાર સાથે વ્હાઈટ હાઉસથી વાતો કરીને “માય ફ્રેન્ડ બરાદાર” કહેતા રહેશે.  આ એ જ બરાદાર છે જે ૨૦૦૧માં અમેરિકી આક્રમણ થકી કાબુલમાંની તાલિબાન સરકારને ઉથલાવાઈ ત્યારે અમેરિકા સામે લડ્યો હતો. પાકિસ્તાનમાં ૨૦૧૦માં એ પકડાયો અને મંત્રણાનું માધ્યમ બનવા પાકે તેને ૨૫ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ  છોડ્યો હતો.  નવેમ્બર ૨૦૨૦માં ચૂંટણી જીત્યા પછી ટ્રમ્પનો મૂડ કેવો રહેશે એ કહેવું મુશ્કેલ છે.અમેરિકા તો કાયમ બે હાથમાં લાડુની સ્થિતિમાં જ હોય છે.
ઇ-મેઈલ: haridesai@gmail.com                                    (લખ્યા તારીખ: ૭  માર્ચ ૨૦૨૦)    

No comments:

Post a Comment