Sunday 3 November 2019

The Past, Present as well as Future of Kashmir

ધરતી પરના સ્વર્ગની કાલ,આજ અને કાલ
ડૉ.હરિ દેસાઈ
ક્યારેક .. ૧૨૫૩માં પતિયાળામાં જન્મેલા શાયર અમીર ખુશરોએ કાશ્મીરને ધરતી પરનું સ્વર્ગ કહ્યું હતું:
गर फिरदौस बर रुए ज़मीं अस्त,
हमीं अस्तो, हमीं अस्तो, हमीं अस्त.
કેટલાક દરબારી ઈતિહાસકારો અને સર્જકોએ ખુશરોની પંક્તિઓને .. ૧૫૬૯માં  જન્મેલા મુઘલ બાદશાહ જહાંગીરના નામે ચડાવી દીધી. રાજકીય સત્તાધીશો પોતાને અનુકૂળ ઈતિહાસ લખાવીને એનું કેવું વિકૃતિકરણ કરતા રહે છે એનું વરવું ઉદાહરણ છે. કાશ્મીર પર .. ૧૦૦૩થી ૧૩૩૯ સુધી એટલે કે ૩૩૬ વર્ષ લગી હજુ વૈશ્ય ના થયેલા ક્ષત્રિય લોહાણાઓનું સામ્રાજ્ય હતું.છોગામાં દિદ્દા નામની નિર્દય અને ક્રૂર લોહાણા રાણીએ તો અડધી સદી સુધી એકચક્રી રાજ કર્યું. ગાળામાં ભગવાન શ્રીકૃષ્ણના વંશજોએ સ્થાપેલા ગઝનીના ઇસ્લામી શાસક મહમુદ ગઝનીએ સોમનાથ પર ચડાઈ કરીને એને ભાંગવા અને લૂંટવાનાં અમાનવીય કૃત્યો કરવાની પરંપરા આદરી હતી. બારમી સદીના ઇતિહાસકાર કલ્હણે તો રાજતરંગિણીમાં રાજા રામના પુત્ર લવ અને વંશજો, સમ્રાટ અશોક, કનિષ્ક, લલિતાદિત્ય દિદ્દા અને સમ્રાટ હર્ષ સહિતના અનેક રાજવીઓના ૨,૩૩૩ વર્ષના ગાળાની  વાતોને કાવ્યમય શૈલીમાં અને ક્યારેક અતિશયોક્તિ લાગે રીતે બયાન કરીને પ્રસ્તુત કરી છે. સુલતાન મહમુદ ગઝનીના પ્રયાસો છતાં કાશ્મીરમાં એ સફળ ના થયો. છેલ્લા લોહાણા રાજવી સહદેવ (૧૩૦૧-૧૩૨૦) તુર્ક આક્રમણ સામે ટક્યો નહીં. એના દીવાન રામચંદ્રના લદ્દાખી બૌદ્ધ મુખિયાના પુત્ર રિંચનાએ રામચંદ્રની હત્યા કરાવી અને અંધાધૂંધીનો લાભ લઈને સત્તા કબજે કરી. રિંચનાએ બૌદ્ધ ધર્મ ત્યાગી સૂફી સંત બુલબુલ શાહના અનુયાયી તરીકે ઇસ્લામ કબૂલ્યો એટલે તે  કાશ્મીરનો પહેલો મુસ્લિમ શાસક સુલતાન સદરુદ્દીન (૧૩૨૦-૧૩૨૩) બની ગયો. કાશ્મીરના હિંદુ, બૌદ્ધ, શીખ અને મુસ્લિમ રાજાઓની પરંપરામાં ઘણા પલટા આવતા રહ્યા. બધાએ ધરતી પરના આ સ્વર્ગ પર કબજો મેળવવો હતો. મુઘલ બાદશાહ અકબર એમાં સફળ થયો. મુઘલ સામ્રાજ્ય પછી શીખ સામ્રાજ્યનો એ હિસ્સો રહ્યો અને લાહોરના મહારાજા રણજિતસિંહના દરબારની શાન ગણાતા જમ્મૂના ડોગરા બંધુઓએ પણ શીખ મહારાજા સાથે દગાખોરી કરી.ગુલાબ સિંહ વાસ્તવમાં લાહોર દરબાર અને અંગ્રેજો વચ્ચે મધ્યસ્થી કરતા હતા, પણ એમણે અંગ્રેજોને અનુકૂળ રહીને પોતાને જમ્મૂ-કાશ્મીરના મહારાજા જાહેર કરાય એવી ગોઠવણ કરાવી લીધી.ગુલાબ સિંહ પછી એમના પુત્ર રણબીર સિંહ અને એ પછી પ્રતાપ સિંહ ગાદીએ આવ્યા.પ્રતાપ સિંહ પછી એમના ભત્રીજા હરિ સિંહને ૧૯૨૫માં ગાદીનશીન કરાયા. કાશ્મીરનો પ્રાચીન ઈતિહાસ નહીં, અર્વાચીન ઈતિહાસ પણ દગાખોરી, વિવાદ અને વિરોધાભાસો વચ્ચે આરોહ-અવરોહનો ઈતિહાસ રહ્યો છે. કોણ કઈ નજરે કાશ્મીરના ઈતિહાસને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરે છે સમજવાનું ક્યારેક મુશ્કેલ જરૂર બની રહે,પણ મહારાજા હરિ સિંહને વારસામાં મળેલા અને એમના પૂર્વજ ડોગરા રાજા ગુલાબ સિંહના પરિવારે  શીખ મહારાજા રણજિત સિંહના દરબારમાં રહીને અંગ્રેજો સાથે સંતલસ કરી  ૭૫ લાખ રૂપિયામાં ખરીદેલા  કાશ્મીરની ગઈકાલ, આજ અને આવતીકાલની યથાસંભવ વાત કરીને સત્યો અને તથ્યોનું નિરૂપણ કરવાની કોશિશ આપણે કરીશું.
મહારાજા હરિ સિંહનું સ્વપ્ન
જે અંગ્રેજો સાથે હાથ મિલાવીને જમ્મૂના ડોગરા રાજા ગુલાબસિંહે ૧૮૪૬ની અમૃતસર સંધિના નામે ૭૫ લાખ રૂપિયામાં કાશ્મીર “ખરીદ્યું” ( મહાત્મા ગાંધીના શબ્દોમાં) એ રજવાડાના અંતિમ મહારાજા હરિ સિંહ સાથે અંગ્રેજોને પણ સુમેળ ના રહ્યો. અંગ્રેજો બ્રિટિશ ઈન્ડિયાને છોડીને જતાં ઑગસ્ટ ૧૯૪૭માં એના ભાગલા કરવા ઉપરાંત ૫૬૫ જેટલાં દેશી રજવાડાંને છૂટ્ટાં કરીને મોટી સમસ્યાનું  નિર્માણ કરી ગયા. રાજવીઓને પોતાનું રજવાડું ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કરવા ઉપરાંત સ્વતંત્ર રહેવાનો વિકલ્પ પણ અપાયો હતો. જમ્મૂ-કાશ્મીરના મહારાજાની આંખમાં સ્વતંત્ર “સ્વિત્ઝરલેન્ડ”નાં સાપોલિયાં રમતાં હતાં. બહુમતી મુસ્લિમ વસ્તી અને રાજા હિંદુ એટલે પાકિસ્તાનમાં જોડાવા વાઇસરોય માઉન્ટબેટનનો મહારાજાને આગ્રહ, સરદાર પટેલ થકી પણ મહારાજા પાકિસ્તાનમાં જવાનું પસંદ કરે તો પણ ભારત વાંધો ના લે તેવું અભયવચન છતાં દ્વિધામાં રહેલા મહારાજા સ્વતંત્ર દેશ જાહેર કરવામાં હતા. ભારત તરફી લોકપ્રિય કાશ્મીરી જનનેતા શેખ અબદુલ્લાને તેમના ૧૯૪૬ના “કાશ્મીર છોડો” આંદોલનને પગલે મહારાજાએ કેદ કર્યા હતા ત્યારે મહાત્મા ગાંધીએ ઓગસ્ટ ૧૯૪૭માં જ પોતાના “અરાજકીય” એવા શ્રીનગર, જમ્મૂ અને રાવલપીંડીના પ્રવાસમાં, કાશ્મીરની પ્રજાને કોની સાથે જોડાવું એ નિર્ણય કરવાનો સર્વોચ્ચ અધિકાર હોવાની ભૂમિકા લઈને, મહારાજાની સ્વતંત્ર “સ્વિત્ઝરલેન્ડ”ની યોજના પર પાણી ફેરવી દીધું હતું. 
કાશ્મીર પ્રશ્ને નેહરુ-સરદાર સાથે 
સામાન્ય રીતે ગાજવીજ કરવામાં આવે છે કે સરદાર વલ્લભભાઈ પટેલને  કાશ્મીરના મુદ્દે બહાર રખાયા હતા અથવા તો એમણે જમ્મૂ-કાશ્મીર પ્રકરણમાં કોઈ ભૂમિકા ભજવવાની નહોતી એવી ભ્રમણાનું વિશ્વ આપણી સામે રજૂ કરાતું રહ્યું છે. આ વાત હળાહળ જુઠ્ઠાણું છે. દુર્ગા દાસ નામક સરદારના અત્યંત વિશ્વાસુ એવા “હિંદુસ્તાન ટાઈમ્સ”દૈનિકના મુખ્ય તંત્રી રહેલા મહાનુભાવે સંપાદિત કરેલા અને નવજીવને ૧૯૭૧માં પ્રકાશિત કરેલા સરદાર પટેલના પત્રવ્યવહારના દસ ગ્રંથોમાંનો પ્રથમ ખંડ કાશ્મીર વિશેનો છે. એમાં  સરદાર પટેલ અને પંડિત નેહરુ વચ્ચેના, સરદાર પટેલ અને કાશ્મીરના મહારાજા કે પ્રાઈમ મિનિસ્ટર તેમજ અન્ય મહાનુભાવો સાથેનો પત્ર વ્યવહાર પ્રકાશિત થયેલો છે. છેક જૂન ૧૯૪૬થી ડિસેમ્બર ૧૯૪૭ સુધી સરદાર સાહેબ સક્રિયપણે કાશ્મીર મુદ્દે સહભાગી હોવાનું એમના પત્રો જ સ્પષ્ટ કરે છે. એટલે કે ભાગલાની પ્રક્રિયાની ચાલતી હતી ત્યારથી લઈને સપ્ટેમ્બર ૧૯૪૭માં પાકિસ્તાનની ઘૂસણખોરી કરાવવાના વ્યૂહ ઘડવાની વેતરણ અંગેના પત્રો પણ છે. પાકિસ્તાને પાઠવેલા કબાઈલીઓના ૨૨ ઑક્ટોબરના આક્રમણને પગલે ૨૬-૨૭ ઑક્ટોબર ૧૯૪૭માં જમ્મૂ-કાશ્મીર ભારતમાં ભળ્યું;  એ પછી પણ સરદાર પટેલ સતત નેહરુ અને મહારાજા હરિ સિંહ સાથે સંપર્ક અને વિચારવિમર્શમાં હતા. રાજ્યના ઈતિહાસને અંધજનના હાથીની જેમ સૌ પોતપોતાની અનુકૂળતા મુજબ રજૂ કરવાની કોશિશ કરે ત્યારે સત્યનો ભોગ લેવાય એ સ્વાભાવિક છે. ૩ જૂન ૧૯૪૭ના રોજ છેલ્લા વાઈસરોય અને ગવર્નર-જનરલ લૉર્ડ માઉન્ટબેટને ભાગલાની જાહેરાત કરી. દેશી રજવાડાંને ભારત કે પાક સંઘમાંથી કોઈ એકમાં જોડાવાના વિકલ્પ ઉપરાંત સ્વતંત્ર રહેવાની મોકળાશ પણ હતી. એ જ મહિને શ્રીનગર ગયેલા માઉન્ટબેટન સાથે “જમ્મૂ-કાશ્મીરે પાકિસ્તાન સાથે જોડાવું હોય તો પણ ભારત વાંધો નહીં લે” એવો સંદેશ સરદાર પટેલે મહારાજા હરિસિંહને પાઠવ્યો હતો. જોકે રાજ્ય સાથેના પંડિત જવાહરલાલ નેહરુના ભાવનાત્મક સંબંધને કારણે જ સરદારે સક્રિયતા દાખવીને એને ભારત સાથે જોડવાના પ્રયાસો આદર્યા હતા. મુસ્લિમબહુલ જમ્મૂ-કાશ્મીરના લોકપ્રિય જનનેતા શેખ અબદુલ્લા ભારત સાથે જોડાણના આગ્રહી હતા અને ૨૨ ઑક્ટોબર ૧૯૪૭ના રોજ પાકિસ્તાન તરફથી કબાઈલીઓના આક્રમણને પગલે મહારાજા હરિસિંહને પોતાના સ્વતંત્ર સ્વિત્ઝરલૅન્ડના સ્વપ્નને કોરાણે મૂકીને  ૨૬ ઑક્ટોબર ૧૯૪૭ના રોજ  પોતાના  રજવાડાને ભારતમાં ભેળવવાની ફરજ પડી હતી. આ ઈતિહાસ સુવિદિત છે. હરિસિંહનું રજવાડું ભારતમાં વિલય પામ્યાથી એ ભારતનું અવિભાજ્ય અંગ હોવા છતાં આજે માત્ર ૪૬ % જેટલું જ જમ્મૂ-કાશ્મીર ભારતીય નિયંત્રણમાં છે. બાકીના વિસ્તારને પાકિસ્તાન અને ચીને ગેરકાયદે ગપચાવેલો છે. નિઝામે હૈદરાબાદનો કેસ સંયુક્ત રાષ્ટ્રમાંથી પરત ખેંચ્યો હતો, પરંતુ ભારતમાં વિલય પામેલા જમ્મૂ-કાશ્મીર અને પાકિસ્તાન સાથે જોડાઈને ભારતમાં ત્રણ મહિને પાછા ફરેલા જૂનાગઢનો વિવાદ હજુ સંયુક્ત રાષ્ટ્રમાં પડેલો  છે. વર્ષ ૨૦૦૪માં એ વેળાના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે સાર્ક પરિષદના કવરેજ માટે ગયેલા એ વેળાના “કચ્છમિત્ર” દૈનિકના તંત્રી કીર્તિ ખત્રી કહે છે કે એ વખતે અમને ઈસ્લામાબાદમાં જે છાપેલી સામગ્રી પાક સરકારે આપી હતી તેમાં પાકિસ્તાનનો નકશો જૂનાગઢ સહિતનો હતો.
ઇતિહાસનું વિહંગાવલોકન
પાકિસ્તાન જ નહીં, એના મિત્રો ચીન અને અમેરિકા સહિતના દેશો જયારે કાશ્મીર કોકડું કાયમ માટે ભારતના ગળામાં હાડકું બની રહે એ માટે એને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાની વેતરણમાં છે. ઘરઆંગણે વર્તમાન કે પહેલાની ભારત સરકારો જ નહીં, તમામ રાજકીય પક્ષોએ પણ માત્ર રાજકીય લાભ ખાટવાની વૃત્તિ-પ્રવૃત્તિથી કાશ્મીર મુદ્દાને રંગીન વાઘા ચડાવવાને બદલે સર્વાનુમતિ સાધીને દેશના મુગટમણિ સમા રાજ્યની પ્રજાનાં દિલ જીતીને, પાકિસ્તાન અને ચીને ગપચાવેલા પ્રદેશને પરત મેળવવા ભગીરથ પુરુષાર્થ કરવો ઘટે. કેટલીક હકીકતોનું વિહંગાવલોકન પણ આ તબક્કે અનિવાર્ય છે: (૧) જમ્મૂ-કાશ્મીરના રાજવી મહારાજા હરિસિંહને પ્રાપ્ત અધિકાર મુજબ તેમણે અને પ્રજા વતી શેર-એ-કાશ્મીર શેખ અબદુલ્લાએ આ મુસ્લિમબહુલ રજવાડાને ભારત સાથે જોડાવાનું પસંદ કર્યું હતું. (૨) કાશ્મીર મુદ્દે વડાપ્રધાન નેહરુ અને નાયબ વડાપ્રધાન સરદાર કાયમ સાથે હતા. નેહરુએ  શેખ સાથે અને સરદારે  રાજ્યના મહારાજા સાથે વહેવારના કામની વહેંચણી કરી હતી. બંને વચ્ચેનો સત્તાવાર પત્રવ્યવહાર આ સાબિત કરે છે. (૩) જમ્મૂના હિંદુ નેતાઓએ રાજ્યને ‘સૅક્યુલર ભારત’ સાથે નહીં જોડાવાની આક્રમક ભૂમિકા લીધી હતી. ઑલ જમ્મૂ ઍન્ડ કશ્મીર રાજ્ય હિંદુસભા (રાજ્યમાં ભાજપનો પૂર્વ અવતાર)ની કારોબારી  દ્વારા  મે ૧૯૪૭માં ઔપચારિક ઠરાવ કરીને “વિલય અંગે મહારાજા જે કંઈ કરે તેને ટેકો આપ્યો હતો”. નેશનલ કૉન્ફરન્સના અબદુલ્લાની ભૂમિકા ભારત સાથે જોડાવાની હતી,પણ એમનાથી અલગ થયેલી ઑલ જમ્મૂ ઍન્ડ કશ્મીર મુસ્લિમ કૉન્ફરન્સે રજવાડાને તત્કાળ સ્વતંત્ર જાહેર કરવાનો આગ્રહ સેવ્યો હતો. (૪) નેહરુ સરકારમાં કાયદામંત્રી અને બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ હોવા છતાં બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરે જમ્મૂ-કાશ્મીર માટે અલગ દરજ્જા માટેનો અનુચ્છેદ ૩૭૦ (મુસદ્દામાં ૩૦૬-એ) ઘડવાનો સાફ ઇનકાર કર્યો હતો. ડૉ.આંબેડકરે તો નેહરુ સરકારમાંથી રાજીનામું આપ્યા પછી  પહેલી લોકસભા ચૂંટણી ૧૯૫૧-૫૨ માટે પોતાના પક્ષના ચૂંટણી ઢંઢેરામાં કાશ્મીર ખીણ પ્રદેશમાં જનમત લઈને એ પાકિસ્તાનને  સોંપવા સુધીની  તૈયારી પણ દર્શાવી હતી. (૫) ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી જ્યાં લગી નેહરુ સરકારમાં ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી હતા ત્યાં લગી એમણે અનુચ્છેદ ૩૭૦ (મુસદ્દામાં ૩૦૬-એ)નો વિરોધ કર્યો નહોતો. ડૉ.મુકરજીએ ૧૭ ફેબ્રુઆરી ૧૯૫૩ના વડાપ્રધાન નેહરુને લખેલા પત્રમાં રાજ્યની એકતા, અનુચ્છેદ ૩૭૦ અને દિલ્હી સમજૂતીની બીજી શરતોનું સમર્થન કર્યું હતું. (૬) કુરુક્ષેત્રમાં ૨૦૦૨માં ભાજપની માતૃસંસ્થા આરએસએસની પ્રતિનિધિસભા (સંસદ)ની બેઠક મળી હતી. આ બેઠકમાં જમ્મૂ અને કાશ્મીર બંને અલગ રાજ્ય અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો ઠરાવ મંજૂર કરાયો હતો.સંઘની જ વિશ્વ હિંદુ પરિષદે તો કાશ્મીરી પંડિતોને વસાવવા માટે કાશ્મીરમાં અલગ કરિડોરની માંગણી સાથે રાજ્યના ચતુર્ભાજનની માંગણી કરી હતી. જોકે રાજ્યની બહુમતી પ્રજા આવા ત્રિભાજન કે ચતુર્ભાજનનો વિરોધ કરે છે. (૭) ભારતીય લશ્કરના નિવૃત્ત અને પ્રવૃત્ત ટોચના અધિકારીઓનો મત છે કે રાજ્યની પ્રજા ભારતીય શાસકોના વ્યવહાર ભણી નારાજ હશે,પરંતુ રાષ્ટ્રવિરોધી નથી. ભારતીય લશ્કરને સ્થાનિક પ્રજા જ સૌથી વધુ મદદ કરે છે. (૮) બંધારણીય હોદ્દે બેઠેલા રાજ્યપાલ સત્યપાલ મલિકે  આતંકવાદીઓને ભ્રષ્ટ રાજનેતાઓને મારવાની હાકલ કરીને કાયદાના પાલનને બદલે અંધાધૂંધી ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. ભ્રષ્ટ કે દેશવિરોધી નેતાઓ સામે કાર્યવાહી કરવાનું કામ સત્તાધીશોનું છે. એમને માત્ર વાણીવિલાસ માટે પ્રજા ચૂંટીને મોકલતી નથી. પ્રજાએ કાશ્મીર મુદ્દે ચલાવાતા ઝંઝાવાતી પ્રચારમાં સચ્ચાઈ શોધવા માટે આવા મુદ્દાઓનું નીરક્ષીર કરવાની તાતી અનિવાર્યતા છે.
રૂબિયા અપહરણ પછી આતંક
ભાજપ અને ડાબેરી મોરચાના ટેકે ચાલતી વી.પી. સિંહની કેન્દ્ર સરકારનાં ગૃહમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદ (ભાજપ સાથે ૨૦૧૫માં શ્રીનગરમાં રાજ્ય સરકાર બનાવી ઉત્તર-દક્ષિણ ધ્રુવનું મિલન કરાવનાર)ની શાહજાદી રૂબિયાનું વર્ષ ૧૯૮૯માં “બનાવટી” અપહરણ કરાવીને અમુક ત્રાસવાદીઓને મુખ્યમંત્રી ડૉ.ફારુક અબદુલ્લાની અનિચ્છાએ છોડવા પડ્યા ત્યાર પછી કાશ્મીરી ત્રાસવાદ બેપાંદડે થવા માંડ્યો.પાકિસ્તાનના ટેકે આતંકવાદીઓની હિંમત વધતી ચાલી. હિંસાચારને પગલે ત્રણેક લાખ કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડવાની ફરજ પડી.ભાજપ અને મિત્રપક્ષોની વાજપેયી સરકારના સમયગાળામાં વિમાનઅપહરણ થકી મૌલાના મસૂદ અઝહર સહિતના આતંકવાદીઓને છોડાવનારા આતંકીઓની હિંમત વધતાં સંસદ પર હુમલો થયો. ત્યારથી આજ લગી આતંકવાદ વણશમ્યો માત્ર જમ્મૂ-કાશ્મીરને જ નહીં, સમગ્ર દેશને કનડે છે. માત્ર પાકિસ્તાનને ભાંડવાથી આતંકવાદનો ઈલાજ થવાનો નથી, એ માટે તો સુરક્ષાનાં પગલાં લેવા ભણી ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર ખરી. પુલવામા હુમલાએ તો ભારતીય સુરક્ષા વ્યવસ્થાની નબળાઈને છતી કરી દીધી. જોકે બાલાકોટ પરના હવાઈ હુમલાએ પાકિસ્તાન અને આતંકી જૂથોમાં ડર જરૂર પેદા કર્યો છે.
૩૭૦ અને ૩૫ (એ)નાં મૂળ
બંધારણના અનુચ્છેદ ૩૭૦ને  અને એના આધારે ૧૯૫૪માં રાષ્ટ્રપતિના જાહેરનામા સ્વરૂપે આમેજ કરાયેલા અનુચ્છેદ ૩૫ (એ)ને દૂર કરી દેવાથી મામલો શમી જશે, એવો “નૅરેટિવ” (આભાસી માહોલ) દેશભરમાં ઊભો કરવાની કોશિશ થઇ રહી  છે. ૩૭૦ અને ૩૫ (એ) બંને મુદ્દા સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન (સબજ્યુડીસ) છે. હિમાચલ પ્રદેશ ઉપરાંત ઇશાન ભારતનાં રાજ્યોમાં ૩૭૦ જેવો  જ ૩૭૧મો અનુચ્છેદ અમલમાં છે. એ અન્વયે અરુણાચલ પ્રદેશ, મિઝોરમ કે નાગાલેન્ડમાં પણ બહારના ભારતીય નાગરિકો માટે સંપત્તિ ખરીદી શકાતી નથી.વર્તમાન કેન્દ્ર સરકાર વારંવાર ઇશાન ભારતની આ બંધારણીય કલમ દૂર નહીં કરાય એવી ઘોષણાઓ કરતી રહે છે. દુર્ગા દાસના પ્રથમ ખંડમાં જણાવ્યું છે કે પંડિત શંકરલાલ કૌલના નેતૃત્વમાં  કાશ્મીરી પંડિતોના “કશ્મીર ફોર કશ્મીરીઝ” જનઆંદોલનને પગલે મહારાજા હરિસિંહે  ૧૯૨૭ અને ૧૯૩૨માં સ્થાનિકોને જ સંપત્તિ ખરીદી અને સરકારી નોકરી તેમજ શિક્ષણ સહાય માટે જે કાનૂની જોગવાઈઓ સ્ટેટ સબ્જેક્ટ ઍક્ટમાં કરી હતી, એમાં ૩૫ (એ)નાં મૂળ પડેલાં છે.પંજાબના શીખો કાશ્મીરના ધંધા અને સંપત્તિ પર કબજો જમાવે નહીં એ માટે એ સુરક્ષાકવચ અપાયું હતું. આઝાદ ભારતના બંધારણની જોગવાઈઓમાં ૩૭૦ જેવી જ ૩૭૧ની જોગવાઈ ઇશાન ભારતનાં રાજ્યોમાં જ નહીં, ગુજરાત, મહારાષ્ટ્ર સહિતનાં અન્ય  રાજ્યોમાં લાગુ કરાયેલી છે એ બહુ ઓછા લોકો જાણતા હશે. ઇશાન ભારતમાં તો અમુક રાજ્યોમાં આવકવેરો ભરવામાંથી પ્રજાને મુક્તિ પણ અપાઈ છે.
ગઈકાલના સાથીઓ કેદમાં 
કાશ્મીર સમસ્યાનું સંપૂર્ણ દોષારોપણ નેહરુને શિરે કરનારાઓ ભાગ્યેજ એ વાતની ચર્ચા કરે છે કે ભારતમાં કાશ્મીરને જોડવા આતુર શેખ અબદુલ્લાએ સ્વતંત્ર કાશ્મીરનો રાગ આલાપવાનો શરૂ કર્યો અને એની પાછળ અમેરિકા અને રશિયા બંનેનો વ્યૂહાત્મક  ટેકો શેખને હોવાનું જણાતાં એ જ નેહરુએ રાજ્યના પ્રાઈમ મિનિસ્ટરપદેથી અબદુલ્લાને ઉઠાડી મૂકીને લગભગ ૧૧ વર્ષ સુધી જેલવાસમાં- અટકાયતમાં રાખ્યા હતા..જમ્મૂ-કાશ્મીરના આજના “રાષ્ટ્રઘાતક” ગણાતા નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના નેતાઓ સાથે મળીને હજુ ગઈકાલ સુધી ભાજપે કેન્દ્ર કે રાજ્યમાં શાસન કર્યું હતું. મુખ્યમંત્રી રહેલાં મહેબૂબા મુફ્તી (પીપલ્સ ડૅમોક્રૅટિક પાર્ટી-પીડીપી), ત્રાસવાદીમાંથી રાજનેતા થઇ મંત્રી રહેલા સજ્જાદ લોન (જમ્મૂ કાશ્મીર પીપલ્સ કૉન્ફરન્સ) ઉપરાંત વાજપેયી સરકારમાં વિદેશ રાજ્ય મંત્રી રહેલા શેખ અબદુલ્લા પરિવારના ઓમર અબદુલ્લા અને તેમના પિતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી ડૉ.ફારુક અબદુલ્લા (નેશનલ કૉન્ફરન્સ) અત્યારે ભ્રષ્ટાચારી અને ભાગલાવાદી ગણાય છે. એમના સહિતના કાશ્મીરી નેતાઓને પહેલાં નજરબંધ રખાયા અને પછી તેમની ધરપકડ કરાઈ. રાજ્યસભામાં વિપક્ષના નેતા અને જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી રહેલા ગુલામ નબી આઝાદને પોતાના રાજ્યમાં પ્રવેશવા દેવામાં ના આવ્યા અને અંતે સુપ્રીમ કોર્ટમાં જતાં પોતાના રાજ્યમાં જઈ શક્યા હતા. સ્થિતિ સ્ફોટક બને એ પહેલાં આગોતરાં પગલાં કેન્દ્ર સરકારે લીધાં. રાજ્યસભામાં ઉતાવળે જમ્મૂ-કાશ્મીર અંગેના પુનર્ગઠન વિધેયકને ૧૨૫ વિરુદ્ધ ૬૧ મતથી પસાર કરાવી દેવાયું, લોકસભામાં પણ તે ૩૭૦ વિરુદ્ધ ૭૦ મતથી પસાર થયું.આ સંદર્ભમાં સરકારી કવાયત તો ઘણી વહેલી આદરવામાં આવી હશે. જોકે જમ્મૂ-કાશ્મીરને અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરીને અત્યારે રાજ્યપાલના શાસન હેઠળ રહેલા આ બંને કેન્દ્રશાસિત પ્રદેશોનું ૩૧ ઓક્ટોબર ૨૦૧૯થી દિલ્હી થકી સંચાલન થવાની ઘોષણાઓ થઇ ચૂકી છે. કેન્દ્ર સરકાર વારંવાર જાહેરાતો કરે છે કે જમ્મૂ-કાશ્મીરને ફરીને મૂળ રાજ્યનો દરજ્જો આપી શકાશે. મામલો સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠમાં પડ્યો છે.
કાશ્મીર કોકડાનો ઉકેલ
થોડા વખત પહેલાં જમ્મૂ -કાશ્મીરના પણ પૂર્વ મુખ્યમંત્રી ડૉ. ફારુક અબદુલ્લાએ પાકિસ્તાનના  કબજા હેઠળના કાશ્મીરને પાકિસ્તાન રાખે અને ભારતના કબજા હેઠળનું જમ્મૂ-કાશ્મીર ભારત રાખે રીતે લાઇન ઑફ કંટ્રોલને આંતરરાષ્ટ્રીય સરહદ સ્વીકારી લેવાની વાત ભાજપના નેતા અને પૂર્વ વડાપ્રધાન વાજપેયીને ટાંકીને કરી અને હોબાળો મચી ગયો. ભાજપની નેતાગીરીએ અબદુલ્લાને માફી માંગવાનું કહ્યું , પણ ડૉ. ફારુક તો પોતાની વાતને વળગી રહ્યા છે. એટલું નહીં, તેમણે તો ભારપૂર્વક કહ્યું કે હું જીવતો હોઉં કે મૃત્યુ પામેલો હોઉં, કાશ્મીર સમસ્યાનો અંતિમ ઉકેલ તો રહેશે અને બંને દેશોએ પોતપોતાના હિસ્સામાં આવતા કાશ્મીરને ઑટોનોમી (સ્વાયત્તતા) બક્ષવી પડશે. વાજપેયી અને મુશર્રફ વચ્ચે ઇસ્લામાબાદમાં દિશામાં વાત થયાનો ઉલ્લેખ પણ ડૉ.અબદુલ્લા કરે છે. ઓછામાં પૂરું નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે વર્ષ ૨૦૧૪ની શરૂઆતમાં બંધારણની કલમ ૩૭૦ (જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપવાની જોગવાઇ કરનારી) અંગે ડિબેટની જરૂરિયાત દર્શાવી હતી. જમ્મૂ-કાશ્મીરના ભાજપ સિવાયના રાજકીય પક્ષો ૩૭૦ની કલમમાં કોઇપણ ફેરફારનો વિરોધ કરે છે, એમાં ભાજપના મિત્રપક્ષનાં  નેતા મેહબૂબા મુફતીનો પણ સમાવેશ ખરો. વર્ષ ૨૦૦૩માં વડાપ્રધાન વાજપેયી ચીનની મુલાકાતે ગયા ત્યારે તેમણે તિબેટને ચીનનું અવિભાજ્ય અંગ લેખાવ્યું હતું. વડાપ્રધાન મોદી કાશ્મીર કોકડું ઉકેલવામાં આવી ઉદારતા દાખવે એવું લાગતું નથી. તબક્કે ઇતિહાસનાં કટુસત્યનો ઉલ્લેખ કરીએ તો ભારતના પ્રથમ ભારતીય ગવર્નર-જનરલ સી. રાજગોપાલાચારી જમ્મૂ-કાશ્મીર પાકિસ્તાનને આપવાના પક્ષઘર હતા. બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકર તો આઝાદી પછી દેશની લોકસભાની પ્રથમ ચૂંટણી વખતે જમ્મૂ કાશ્મીરનો ખીણપ્રદેશ મુસ્લિમોનો જનમત લઇને પાકિસ્તાનને હવાલે કરવાને પક્ષે હતા. અત્યારે પાકિસ્તાને ગપચાવેલા જમ્મૂ-કાશ્મીરના વિસ્તારને પાછો મેળવવાની ઘોષણાઓ થયા કરે છે. ચીને ગપચાવેલા અકસાઈ ચીન સહિતના પ્રદેશને પાછો મેળવવાની વાત સંસદમાં થાય છે પણ બીજિંગમાં ભારતીય વિદેશમંત્રી જયશંકર ખાતરી આપીને આવે છે કે ભારત અંકુશ રેખાને પાર નહીં કરે. જો અંકુશ રેખાને પાર નહીં કરાય તો ભારતના ગપચાવેલા ૫૪% જેટલા જમ્મૂ-કાશ્મીરના ખરા અર્થમાં ભારતના વિસ્તારને પરત કઈ રીતે મેળવાશે? સ્વેચ્છાએ તો ના પાકિસ્તાન ભારતને તેનો વિસ્તાર સોંપી દેશે કે ના ચીન. કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે અસ્તિત્વમાં આવેલા રાજ્યના બંને ભાગોને ફરી રાજ્યનો દરજ્જો આપવાનું ગાજર પણ લટકાવી રહ્યું છે. આવતા દિવસોમાં જમ્મૂ-કાશ્મીરનો નવો ઘટનાક્રમ કેવા વળાંક લેશે તે જોવું રસપ્રદ રહેશે. માત્ર હાકલા ને દેકારાથી આતંકવાદ અંકુશમાં આવવાનો નથી.એ માટે ગંભીર પ્રયાસો હાથ ધરીને મોટી જાહેરાતો કે નિવેદનો કર્યા વિના જ  આતંકીઓને જેર કરી શકાય એ દિશામાં પગલાં લેવાની વિશેષ જરૂર જણાય છે. જમ્મૂ-કાશ્મીરની ધરતી જ નહીં, ત્યાંની પ્રજા પણ આપણી છે. એનાં દિલ જીતવા માટે અટલજીવાળી જડીબુટ્ટી જ કામ લાગે: “ઈન્સાનિયત, જમ્હૂરિયત અને કશ્મીરિયત”.
વાજપેયીવાણી
કાશ્મીર કોકડું ઉકેલવા માટેઈન્સાનિયત,જમ્હૂરિયત ઔર કશ્મીરિયતના વિચારને મૂકીને કાશ્મીરની પ્રજાના દિલ સુધી પહોંચેલા કવિ કૈદીરાય ઉર્ફે ભારતીય વડાપ્રધાન રહેલા અટલ બિહારી વાજપેયી અત્યાચારી કી સત્તા થર્રાતીનો સંદેશ આપતી પંક્તિઓ મમણાવવા જેવી છે:
અબ શોણિત સે ઈતિહાસ નયા લિખના હૈ,
બલિ-પથ પર સંતાનેં યૂં   કહેંગી.
         આઓ  ખંડિત ભારત કે વાસી આઓ,
         કાશ્મીર બુલાતા, ત્યાગ ઉદાસી આઓ.
શંકર કા મઠ, કલ્હન કા કાવ્ય જગાતા,
જમ્મૂ કા કણ-કણ ત્રાહિ-ત્રાહિ ચિલ્લાતા.
        લો સુનો, શહીદોં કી પુકાર આતી હૈ,
        અત્યાચારી કી સત્તા થર્રાતી હૈ.
..............
ધમકી, જેહાદ કે નારોં સે, હથિયારોં સે
કશ્મીર કભી હથિયા લોગે , યહ મત સમઝો
હમલોં  સે, અત્યાચારોં સે, સંહારોં સે
ભારત કા ભાલ ઝુકા લોગે, યહ મત સમઝો.
-     અટલ બિહારી વાજપેયી
ઇ-મેઈલ: haridesai@gmail.com    ફોન: ૯૮૯૮૫૪૩૮૮૧   (લખ્યા તારીખ: ૮ ઑક્ટોબર ૨૦૧૯ પ્રકાશન: આરપાર :દિવાળી વિશેષાંક ૧૫ નવેમ્બર ૨૦૧૯  )

No comments:

Post a Comment