Sunday 3 November 2019

Gandhiji-Savarkar's Warm Meetings

ગાંધીજી-સાવરકરની હૂંફાળી મુલાકાતો
કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ

·         ભારતરત્નના ઘૂઘરે રમવાની રાજકીય કવાયત
·         મહાત્માએ “આંદામાનમાં  તપશ્ચર્યા”ને વખાણી
·         રત્નાગિરી ટિળકનું જન્મગ્રામ હોવાથી તીર્થક્ષેત્ર

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (૨ ઓક્ટોબર ૧૮૬૯- ૩૦ જાન્યુઆરી ૧૯૪૮) અને સ્વાતંત્ર્યવીર સાવરકર (૨૮ મે ૧૮૮૩-૭ ફેબ્રુઆરી ૧૯૬૬) આજકાલ ભલે વિવાદ વંટોળ જગાવાતા હોય, હકીકતમાં આ બંને મહામાનવ વચ્ચેની મુલાકાતો કેવી હૂંફભરી હતી એ ભણી ભાગ્યેજ કોઈનું ધ્યાન જાય છે. અત્યારે મતનાં તરભાણાં ભરવા માટે ઉપરછલ્લી કે અનુકૂળ માહિતીના જોરે રાજકીય મંચ પર એકમેકની સામે બાંયો ચડાવીને કે તલવારો તાણીને ગાંધી વિરુદ્ધ સાવરકરની કવાયત ચાલતી રહે છે ત્યારે સત્ય અને તથ્યનો ભોગ લેવાવો સ્વાભાવિક છે. ક્યારેક ગાંધીજીની હત્યાના પ્રકરણમાં સાવરકર આરોપી હતા, પણ એ છૂટી ગયા હતા. માત્ર અનુકૂળ ઇતિહાસના જોરે વર્તમાનમાં રાજકારણ ખેલવા જતાં કાયમ એ બરકત આપે જ એવું ના પણ બને. મહાત્મા ગાંધીની સાર્ધશતાબ્દી ઉજવીને કે સ્વાતંત્ર્યવીર સાવરકરને ભારતરત્ન આપવાની માંગણીઓ કે ઘોષણાઓ કરવા માત્રથી વર્તમાન કે ભાવિ પેઢીનું કેટલું કલ્યાણ થઇ શકે એ મહત્વનો પ્રશ્ન તો ઊભો જ છે. મહાત્મા અને સ્વાતંત્ર્યવીરના વિચારો વર્તમાન કે ભવિષ્યમાં કેટલી ઉપયોગી થઇ શકે અને નવી પેઢીએ એમાંથી કેટલું અને કયા સંદર્ભમાં આચરણ કરવા જેવું છે; એનો વિચાર કે મનોમંથન કરવામાં ના આવે તો આવી સઘળી બાબતો માત્ર સાંકેતિક (સિમ્બોલિક) જ બનીને રહી જાય. ઇતિહાસના ઘટનાક્રમને માત્ર વાગોળ્યા કરવાથી વર્તમાન સુધરી જાય એવું માનવું નિરર્થક છે. સાવરકરને મહાત્મા ગાંધીએ પ્રખર દેશભક્ત ગણાવ્યા હોય કે શહીદ-એ-આઝમ ભગતસિંહ અને એમના બે સાથીઓની દેશભક્તિ સામે ગાંધીજી, સરદાર પટેલ, પંડિત નેહરુ સહિતનાએ ૧૯૩૧ના કરાંચી કોંગ્રેસના અધિવેશનમાં શીશ ભલે નમાવ્યું હોય; પણ સ્વાતંત્ર્ય માટેના એમના માર્ગ નોખા હોવાને કારણે હિંસાના માર્ગને  સ્વીકારવાની એમની તૈયારી નહોતી. સાવરકર અને ગાંધીજીના માર્ગ પણ નોખા હતા. સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલ બંને સગા ભાઈ હોવા છતાં સરદાર આજીવન અહિંસાવાદી અને ગાંધીજીના પટ્ટશિષ્ય  રહ્યા, પણ ૧૯૩૩માં વિદેશની ધરતી પર મૃત્યુને ભેટેલા વિઠ્ઠલભાઈએ સુભાષબાબુ સાથેના સંયુક્ત નિવેદનમાં ગાંધીજીના નેતૃત્વને નિષ્ફળ લેખાવતાં અન્ય માર્ગોનો છોછ રાખ્યો નહોતો. જે સુભાષ બાપુ સાથે વાંધો પડતાં કોંગ્રેસ છોડી ગયા હતા, એ જ નેતાજીએ એ પછી સિંગાપુરથી મહાત્માને સૌ પ્રથમ રાષ્ટ્રપિતા કહ્યા હતા. ગાંધીજી હૃદય પરિવર્તનમાં માનતા હતા. એમના યુગના રાજનેતા કે સમાજનેતાઓ મતભેદ ધરાવનારાઓને દુશ્મન માનતા નહોતા. કોઈ સાવરકરને ભારતરત્ન આપવાનું ચૂંટણી ગતકડું રમે એટલે અન્યોએ ભગતસિંહને ભારતરત્ન આપવાનો ઘૂઘરો રમવો એ તો નરી બાલિશતા જ છે.મહાત્મા ગાંધીનું નામ  ચાર-ચાર વખત નોબેલ પારિતોષિક માટે સૂચવાયા છતાં એમને નોબેલ નહીં મળ્યાની વાતે  ગાંધીજીની અવગણના થઇ નથી; પણ લોકો નોબેલ પ્રાઈઝની વેબસાઈટને આજેય ફંફોસે છે કે મહાત્માને કેમ એ ના અપાયું? મહાત્મા કે સરદાર ભારતરત્નના મોહતાજ નહોતા અને નથી, એવું જ સાવરકર કે ભગતસિંહનું પણ છે. એ વિરાટ વ્યક્તિત્વોની ઊંચાઈને આંબવાનું આજે કોઇથી શક્ય નથી એટલે એમનાં અમુક પાસાં લઈને કે અમુક અધકચરાં અવતરણો લઈને જ રાજકીય ઉહાપોહ મચાવાય ત્યારે વર્તમાન વધુ વામણો ભાસે છે.
પહેલી જાહેર મુલાકાત
ચંદુભાઈ ભગુભાઈ દલાલ (સંગ્રાહક)ની અથાગ મહેનતથી સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ દ્વારા ૧૯૭૬માં પ્રકાશિત “ગાંધીજીની દિનવારી”માં નોંધવામાં આવ્યું છે એ મુજબ, બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીની અધ્યક્ષતામાં લંડનમાં દશેરા નિમિત્તે ૨૪ ઓક્ટોબર ૧૯૦૯ના રોજ હિંદીઓના યોજાયેલા સ્નેહમિલનમાં વિનાયક દામોદર સાવરકર મુખ્ય વક્તા હતા. આ સમારંભમાં અસફ અલી અને ટી.એસ. રાજન પણ ઉપસ્થિત હતા. સાવરકરનું અધિકૃત જીવનચરિત્ર લખનારા ધનંજય કીર દર્શાવે છે કે ૧૯૦૬થી ૧૯૦૯ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં હિંદીઓના પ્રશ્ને નામાંકિત એવા બેરિસ્ટર ગાંધી લંડન આવતા ત્યારે સાવરકર એમની સાથે ભારતીય પ્રશ્નોની ચર્ચા કરતા હતા. આમ છતાં, બંને મહાનુભાવોની જાહેર મુલાકાત નઝિમુદ્દીનના રેસ્તરાંમાં ૨૪ ઓક્ટોબર ૧૯૦૯ના રોજ યોજાયેલા ભોજન મેળાવડામાં થઇ અને એની જ સવિશેષ ચર્ચા રહી. દક્ષિણ આફ્રિકાથી પધારેલા મશહૂર બેરિસ્ટર અને વિલાયતી પોશાકમાં સજ્જ ગાંધીજીના પ્રમુખપદે આ સમારંભ યોજાયો. હજુ મે ૧૯૦૯માં જ બેરિસ્ટર થયા છતાં એ સન્માનથી વંચિત કરાયેલા ક્રાંતિકારી સાવરકરના વ્યાખ્યાનને સાંભળવા માટે ભારતીય ડોકટર,વકીલ અને અન્ય નામાંકિત મહાનુભાવો ઉમટ્યા હતા.સાવરકરના ભાષણથી ગાંધીજી પ્રભાવિત થયા હોવાનું એમણે કબૂલ્યું હતું. આ મેળાવડામાં સાવરકરે “અત્યાચાર, આક્રમણ અને અન્યાયના પ્રતીક સમા રાવણનો વધ કરીને જ શ્રીરામે રામરાજ્ય પ્રસ્થાપિત કર્યું હતું,” એવું ભારપૂર્વક જણાવીને વધુમાં કહ્યું હતું: “હિંદુ એ હિંદુસ્થાનનું હૃદય છે. પરંતુ જે રીતે ઇન્દ્રધનુષ્યની રમણીયતા એના વિવિધ રંગોથી ઓછી થવાને બદલે વધુ ઝગારા મારે છે, એ મુજબ મુસ્લિમ, પારસી, યહૂદી વગેરે વિવિધ સંસ્કૃતિમાં જે શ્રેષ્ઠ છે એ સર્વને પોતાનામાં સમાવીને હિંદભૂના આકાશનું સૌદર્ય વધુ ખીલી ઊઠે છે.” સાવરકરના પોણા કલાકના ભાષણ પછી અધ્યક્ષ ગાંધીએ કહ્યું કે સાવરકરના ભાષણ પર ધ્યાન આપો અને એમના નિવેદનને બધા લોકો આત્મસાત કરે.” (સાવરકર સમગ્ર ખંડ:૧ પૃષ્ઠ:૬૧૨) બંને જન્મે હિંદુ હતા. ગાંધીજી આસ્તિક, પણ સાવરકર નાસ્તિક હતા. કીર નોંધે છે કે બંનેના (સ્વાતંત્ર્ય મેળવવાના) માર્ગ નોખા હોવા ઉપરાંત બંને વચ્ચે અનેકવાર ચર્ચા થતી રહી હતી. ગાંધીજીએ ૧૯૦૯ના અંતમાં દક્ષિણ આફ્રિકા પાછા ફરતાં વહાણમાં જ બંને હાથે ગુજરાતીમાં “હિંદ સ્વરાજ” લખ્યું અને એને પોતાના સામાયિક “ઇન્ડિયન ઓપિનિયન”માં હપ્તાવાર પ્રકાશિત પણ કર્યું હતું. ગાંધી-સાવરકર  વચ્ચે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટેના નોખા  માર્ગ અપનાવવાનું અગાઉથી નક્કી થઇ ગયું હતું, છતાં સંવાદ તૂટ્યો નહોતો.
છેલ્લી જાહેર મુલાકાત
ગાંધીજી જાન્યુઆરી ૧૯૧૫માં ભારત પાછા આવ્યા. સાવરકરને કાળાપાણીની સજા માટે આંદામાનની સેલ્યુલર જેલમાં પાઠવાયેલા હતા અને કોંગ્રેસે પણ તેમને છોડી મૂકવા માટે માંગણી કરતો ઠરાવ કર્યો હતો. વર્ષ ૧૯૨૦માં લોકમાન્ય ટિળક, મહાત્મા ગાંધી, વીર વિઠ્ઠલભાઈ પટેલે કોંગ્રેસના મંચ પરથી સાવરકરની જેલમુક્તિની માંગણી કરી હતી. આજકાલ જે લોકો સાવરકરનાં અંગ્રેજ સરકાર સમક્ષનાં માફીનામાંની ચર્ચા કરે છે તેઓ અનુકૂળતાએ કોંગ્રેસના પેલા ઠરાવને વિસારે પાડે છે. માર્ચ ૧૯૨૪માં આંદામાનથી છૂટીને રત્નાગિરીમાં, નિર્ધારિત શરતો મુજબ રહેવાની સરકારી પરવાનગી મુજબ, આવી સાવરકર વસ્યા. ૧ માર્ચ ૧૯૨૭ના રોજ એમના ઘરે ગાંધીજીની મુલાકાત થઇ એ છેલ્લી મુલાકાત બની રહી હતી. જોકે આ મુલાકાત ખૂબ સૌહાર્દપૂર્ણ રહી હતી. બંને વચ્ચે આઝાદી મેળવવાના માર્ગ અંગે મતભેદ હતા, પણ અંગ્રેજો ભારતમાંથી જાય એ લક્ષ્ય બંનેનું એકસમાન હતું. “નવજીવન”ના ૧૩ માર્ચ ૧૯૨૭ના અંકમાં “સાવરકર બીમાર હતા ત્યારે તેમને મળવા ગાંધીજી જઈ આવ્યા હતા” એ વાર્તાલાપની નોંધ મહાદેવ દેસાઈના “મહારાષ્ટ્રનો પત્ર” તરીકે પ્રકાશિત કરાઈ છે. આ નોંધમાં  “આંદામાનમાં તપશ્ચર્યા કરી આવેલા ભાઈ સાવરકર” તરીકે ઉલ્લેખ મળે છે. “ગાંધીજીનો અક્ષરદેહ”ના ૩૩મા ખંડમાં ગાંધીજી-સાવરકર વચ્ચેના વાર્તાલાપમાં નોંધવામાં આવ્યું છે: “અસ્પૃશ્યતા અને શુદ્ધિ વિશેના ગાંધીજીના વિચારોનું છાપામાં આવતું વિપરીત સ્વરૂપ ફેડવાની અહીં તેમને તક મળી.પણ વધારે ચર્ચાને માટે તેમણે ભાઈ સાવરકરને પત્રવ્યવહાર કરવા વિનંતી કરી.” “સત્યના ચાહનારા તરીકે, સત્યને માટે મરણ પર્યંત લડનાર તરીકે તમારે માટે મને કેટલો આદર છે તે તમે જાણો છો.આખરે આપણું બંનેનું ધ્યેય તો એક જ છે,” એવો મત વ્યક્ત કરતાં ગાંધીજી તો અગાઉથી નક્કી કાર્યક્રમ ના હોત તો બેત્રણ દહાડા રત્નાગિરીમાં સાવરકર સાથે ચર્ચા માટે રહેવા તૈયાર હોવાનું પણ જણાવે છે. ૧૮ વર્ષ પછી ગાંધીજી અને સાવરકરની આ મુલાકાત યોજાઈ હતી. કીર તો કહે છે કે મહાત્મા રત્નાગિરીને મુલાકાતે જાય ત્યારે ત્યાંની પાલિકા અને જનતા તરફથી તેમનું જાહેર અભિવાદન કરવાનું વિચારાયું હતું, પણ સાવરકરની અનિચ્છાને કારણે એ માંડી વાળવામાં આવ્યું હતું. અતિઉત્સાહી ગાંધીવાદીઓએ સાવરકર વિશે ગાંધીજીના મનમાં વિષ ઘોળવાનો પ્રયાસ પણ કર્યો હતો છતાં સ્વયં ગાંધીજીએ બીમાર સાવરકરને ઘેર જવાનું નક્કી કરીને ઘણાને અચંબિત કરી દીધા હતા.
ટિળકના અનુયાયી ગાંધી
મહાત્મા ગાંધીનો રત્નાગિરીમાં મુખ્ય કાર્યક્રમ તો મહિલાઓના સંમેલનને સંબોધવાનો હતો. પોતાને  રત્નાગિરી જિલ્લામાં જન્મેલા લોકમાન્ય ટિળકના સૌથી ચડિયાતા અનુયાયી તરીકે લેખાવતાં મહાત્મા ગાંધીએ  ટિળકના સ્વરાજમંત્રને સાકાર કરવાની દિશામાં પોતાનું કર્તવ્ય બજાવવા કૃતસંકલ્પ ગણાવ્યા હતા.”ગરીબને માટે સ્વરાજ મેળવ્યા વિના સ્વરાજ નથી અને ગરીબને પેટપૂરતું અન્ન મેળવી આપ્યા વિના તેમના સ્વરાજનો અર્થ નથી, એવું પણ તેમણે જણાવ્યું હતું. ગોરક્ષા, રેંટિયો અને હિંદુ-મુસ્લિમ એકતા તેમ જ શુદ્ધિ જેવા મુદ્દે પણ ગાંધીજીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. મહાત્માએ લોકોનાં દિલ જીતી લેતાં કહ્યું હતું :  “રત્નાગિરી ટિળકનું જન્મગ્રામ હોવાથી તીર્થક્ષેત્રનું માહાત્મ્ય ધરાવે છે અને વીર સાવરકરનું વાસ્તવ્યસ્થાન પણ છે. ઈંગ્લેન્ડમાં સાવરકર અને મારો ગાઢ પરિચય થયો એમનો ત્યાગ અને દેશભક્તિ જગજાહેર છે.એટલે અમારી બંનેની વચ્ચે મતભેદ ભલે હોય પણ પ્રેમમાં કોઈ ઉણપ આવી નથી. મતભેદને રખે કોઈ શત્રુતા સમજી બેસે” ગાંધીજીનો પોતાના માટે આવો ભાવ સાંભળીને, તાવ હોવા છતાં, ચિઠ્ઠી મોકલીને મહાત્માને પોતાને ઘેર આવવા સ્વાતંત્ર્યવીરે નિમંત્રણ પાઠવ્યું અને ગાંધીજી આવ્યા પણ ખરા. બંને વચ્ચે શુદ્ધિ અંગે અને હિંદુ ધર્મ વિશે વિષદ ચર્ચા થઇ અને કીરે એ સંવાદ વિસ્તૃત રીતે મૂક્યો છે. બંને વચ્ચેની મુલાકાત ખુશનુમા વાતાવરણમાં યોજાઈ. સાવરકર બીમાર હોવા છતાં બંને ખૂબ હસ્યા પણ ખરા.બંને મહાનુભાવોની આ છેલ્લી મુલાકાત હોવા ઉપરાંત મતભેદ ધરાવતા હોવા છતાં પારસ્પરિક માન સાથેની એ મુલાકાત વિરાટ વ્યક્તિત્વોનો પરિચય જરૂર કરાવી જાય છે.
તિખારો
દેશ રસાતલ કો જા પહુંચા,
          સ્વતંત્રતા કા  મહલ જલા.
પરાકીયોં ને ધાવા બોલા,
          ઉઠો, તુમ્હેં લૂટતે  ચલા!
બાડ તોડકર ઘુસા આ ગયા,
         ટિડ્ડી દલ સા હમલા આયા.
મરે-મરે-સે  ક્યોં બૈઠે હો,
          સ્વતંત્રતા કો લૂટ લે ગયા.
-     વિ.દા. સાવરકર
ઇ-મેઈલ: haridesai@gmail.com     (લખ્યા તારીખ: ૨૮ ઓક્ટોબર ૨૦૧૯પ્રકાશન: મુંબઈ સમાચાર રવિવારીય ઉત્સવ પૂર્તિ ૩ નવેમ્બર ૨૦૧૯ વેબ લિંક: http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=602387

No comments:

Post a Comment