Wednesday 6 November 2019

In the name of Tipu, A Grand Design to Change the Constitution

ભારતીય બંધારણના રાષ્ટ્રપુરુષો અને ઈતિહાસ બદલવાની કવાયત
ડૉ.હરિ દેસાઈ
·         આસ્થાપુરુષ ડૉ.શ્યામાપ્રસાદ સહિતનાએ જેમને નાયક લેખાવ્યા એમને ખલનાયક ગણાવવાની હોડ
·         મરાઠાઓ અને નિઝામે અંગ્રેજોને પડખે રહી ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે લાલ જાજમ પાથરી
·         આજની સમસ્યાઓને ઉકેલવામાં નિષ્ફળ શાસકો સદીઓ પૂર્વેના ઈતિહાસને નામે પ્રજાને લડાવે છે
·         “ભારત મેં અંગરેજી રાજ” ગ્રંથ ૧૯૬૧માં નેહરુ શાસને અને ૨૦૦૧માં વાજપેયી શાસને પ્રકાશિત કર્યો
·         સુંદરલાલે નોંધ્યું કે શંકરાચાર્યના શિષ્ય હૈદર અને ટીપુએ હિંદુઓ સાથે હંમેશાં સારો વ્યવહાર કર્યો  

ભારતીય બંધારણના નિર્માતાઓ અને આઝાદીની ચળવળના મહારથીઓના આત્માને દુઃખ પહોંચે રીતે ભારતના ઈતિહાસને બદલવાની ઝુંબેશો ચોફેરથી ચલાવાઈ રહી છે: અંગ્રેજો સામે લડતાં લડતાં ચોથા યુદ્ધમાં .. ૧૭૯૯માં દગાથી મોતને હવાલે કરાયેલા મહિસૂરના વાઘ તરીકે મશહૂર મહિસૂરના રાજવી ટીપુ સુલતાનને કર્ણાટકમાં ફરી ફરીને ખલનાયક સાબિત કરવા ઉપરાંત પાઠ્યપુસ્તકોમાંથી દૂર કરાવીને નવો ઈતિહાસ લખવાની કોશિશો થઇ રહી છે. આવું કંઇક રાજસ્થાનમાંથી મેવાડના મહારાણા પ્રતાપને મહાન ગણાવવાની સાથે મુઘલ બાદશાહ અકબર મહાન નહોતો” એવાં ઢોલ પીટીને પાઠ્યપુસ્તકોમાં પ્રતાપ હલદીઘાટીના યુદ્ધમાં વિજયી થયાના ડંકા વગાડવામાં આવી રહ્યા છે. ડૉ.રાજેન્દ્ર પ્રસાદ, પંડિત નેહરુ, સરદાર પટેલ, ડૉ.ભીમરાવ આંબેડકર, ડૉ.શ્યામાપ્રસાદ મુકરજી, મૌલાના આઝાદ સહિતના બંધારણના ઘડવૈયાઓએ ભારતને ધર્મનિરપેક્ષ (સેક્યુલર) પ્રજાસત્તાક રાષ્ટ્ર બનાવવાના કરેલા સંકલ્પનો વીંટો વાળી દેવાના પ્રયત્નો ચાલે છે. ભારતને હવે હિંદુરાષ્ટ્ર બનાવવા માટે સત્તાધીશો જયારે કામે વળ્યા હોય ત્યારે નવા ગૃહયુદ્ધનાં એંધાણ મળ્યા વિના રહેતાં નથી. જે દેશમાં અનેકતામાં એકતાના ન્યાયે ૯૦ કરોડ હિંદુઓ અને ૨૦ કરોડ મુસ્લિમો સહિતના લોકો સર્વસમાવેશક શાસન પ્રણાલીમાં સુખે જીવતા હોય રાષ્ટ્રમાં ધાર્મિક ઉંબાડિયાં કરવા જેવાં રાજકીય કમઠાણ શાને? એવો પ્રશ્ન સાહજિક ઊઠે છે. ભારતીય બંધારણમાં જે રાષ્ટ્રપુરુષોનાં ચિત્રો સામેલ છે એમાંથી મુસ્લિમ શાસકો રહેલા બાદશાહ અકબર અને ટીપુ સુલતાનની સામે છાસવારે ઝુંબેશો ચલાવીને પ્રજાના માનસને ડહોળવાનો યોજનાબદ્ધ રીતે પ્રયાસ થઇ રહેલો અનુભવાય છે. વર્તમાન સત્તાધીશોના આસ્થાપુરુષ માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી) તો ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશના એકીકરણના આદર્શને અમલમાં લાવીને અખંડ ભારતને સાકાર કરવાનો સંકલ્પ મૂકીને ગયા છે ત્યારે રાજ્યોના એમના શ્રદ્ધાળુ સત્તાધીશોએ તેમનાથી એકદમ અવળી દિશા પકડી હોય એવું લાગ્યા વિના રહેતું નથી.
સત્તાપલટા સાથે ઉજવણી બંધ
કર્ણાટક સરકાર બદલાવાની સાથે જ અહીં મહિસૂરના રાજવી રહેલા ટીપુ સુલતાનની ૨૦ નવેમ્બરે આવતી જન્મજયંતી મનાવવા કે નહીં મનાવવાના મુદ્દે રાજકારણ શરૂ થઇ જાય છે. કૉંગ્રેસ અને જનતા દળ (સૅક્યુલર)ની સરકારો ટીપુની જયંતી મનાવતી રહી છે પણ ભાજપની સરકાર આવતાંની સાથે જ આવી ઉજવણી બંધ કરી દેવાય છે. “સબ કા સાથ, સબ કા વિકાસ”ના નારા સાથે સર્વધર્મસમભાવની ભોમકા ભારતમાં કેન્દ્રથી લઈને રાજ્યો સુધી રાજ કરતા  ભાજપ અને એની માતૃસંસ્થા આરએસએસને મતે ટીપુ સુલતાન અત્યાચારી, શેતાન અને હિંદુઓ તેમ જ ખ્રિસ્તીઓ પર દબાણ લાવીને તેમને વટલાવી ઇસ્લામ કબૂલ કરાવતો શાસક હતો. વર્તમાન શાસન અને શાસકોની વાત કરવાને બદલે ટીપુની વાત કરવાથી સંકેત બહુ સ્પષ્ટ જાય છે કે હિંદુ મતબૅંક મજબૂત કરી શકાય. ઉપરાંત, માની લઈએ કે ટીપુ અત્યાચારી હતો તો આજના મુસ્લિમો એના માટે જવાબદાર કે દોષિત નહીં હોવા છતાં એમને દંડિત કરવાનો અર્થ શો? મુખ્ય મુદ્દાઓ ભણીથી પ્રજાનું ધ્યાન અન્યત્ર ખેંચવા માટે આવાં ગતકડાં કરાય છે. કમનસીબે એ લાંબા સમય સુધી પ્રજાને પલાળે છે. વર્તમાન શાસકો એકમેકના શાસનનો તુલનાત્મક અભ્યાસ કરીને વધુ સારા શાસનનું વચન આપે અને એ અમલમાં લાવવાનો પ્રયાસ કરે તો ગનીમત. એના બદલે પ્રજા ઇતિહાસના સારા-નરસા રાજવીઓની વાતોમાં જ રમમાણ રહે એ ઉચિત તો નથી, પણ રાજનેતાઓના હેતુ જરૂર બર આવે છે. વચ્ચે આરએસએસના સદગત સરસંઘચાલક સુદર્શનજીએ વર્ષ ૨૦૬૦ સુધીમાં ભારતમાં હિંદુઓની વસ્તી કરતાં  મુસ્લિમોની વસ્તી વધી જશે એવું ગતકડું ચલાવ્યું ત્યારે દુનિયાભરના વસ્તી નિષ્ણાતોમાંથી ઝાઝા એમની વાત સાથે સંમત થાય એવું નહોતું. જોકે એમનો હેતુ ભારતના હિંદુઓમાં મુસ્લિમોની વસ્તી ઝપાટાભેર વધી રહ્યાનો સંદેશ આપવાનો હતો. એ સંદેશ આપવામાં  તેઓ સફળ રહ્યા હતા. દુનિયાભરના મુસ્લિમોની જેમ જ ભારતમાં પણ મુસ્લિમો પરિવાર નિયોજન અમલમાં લાવી રહ્યા છે. આમ છતાં, “હમ પાંચ, હમારે પચીસ”ની ઘોષણાઓ બંધારણીય હોદ્દે બેઠેલાઓ કરે ત્યારે કશું કહેવાનું રહેતું નથી. આગામી ૨૦૫૦માં ભારત દુનિયામાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ હશે એવો અંદાજ નિષ્ણાતો મૂકે છે. એ વેળાની ભારતની મુસ્લિમ વસ્તી ૩૧ કરોડ થાય ત્યારે પણ ૧.૩ અબજ જેટલી વસ્તી હિંદુ  અને ૪.૬ કરોડ વસ્તી ખ્રિસ્તી હશે.  વર્ષ ૨૦૧૧ની સત્તાવાર વસ્તી ગણતરીના આંકડા મુજબ, ભારતમાં ૯૬.૬૨ કરોડ હિંદુ, ૧૭.૨૨ કરોડ મુસ્લિમ અને ૨.૦૮ કરોડ ખ્રિસ્તી વસે છે.
ભારત મેં અંગરેજી રાજ”માં ટીપુ
મહાત્મા ગાંધીએ સૌથી અધિકૃત લેખાવેલા પંડિત સુંદરલાલ લિખિત “ભારત મેં અંગરેજી રાજ” ગ્રંથના બંને ખંડ ભારત સરકારના પ્રકાશન વિભાગે વર્ષ ૧૯૬૧માં નેહરુ શાસનમાં અને ૨૦૦૧માં વાજપેયી શાસનમાં પ્રકાશિત કરેલા છે.  અંગ્રેજોના ઈશારે અને નાણાંની લાલચે ભારતીય શાસકોને બદનામ કરવાના ઈતિહાસ લખનારા ભારતીયો અને અન્યોને  આ ગ્રંથોમાં ઉઘાડા પાડવામાં આવ્યા છે. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન આ ગ્રંથો પ્રતિબંધિત હતા પણ અત્યારે એ ઉપલબ્ધ છે.  સુંદરલાલના આ ગ્રંથના અમુક અંશો “How India Lost Her Freedom”ના નામે વર્ષ ૨૦૧૮માં સેજ અને પોપ્યુલર પ્રકાશને પ્રકાશિત કર્યાં છે. મહિસૂરના રાજવી હૈદર અલી અને ટીપુ સુલતાનના શાસન વિશેની અધિકૃત માહિતી એમાં અપાઈ છે. અંગ્રેજો સાથે મળીને મરાઠાઓ તેમ જ નિઝામે કઈ રીતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માધ્યમથી ભારતમાં પોતાનો પ્રભાવ પાથર્યો એનું દસ્તાવેજી બયાન પંડિત સુંદરલાલ કરે છે.  ટીપુ સુલતાન મુસ્લિમ શાસક હતો પણ એ સર્વધર્મનો આદર કરનાર રાજવી હતો. એના દીવાન અને સેનાપતિ બંને હોદ્દે વિશ્વાસુ હિંદુ હોવા ઉપરાંત એના દરબારમાં અનેક હિંદુઓ અધિકારી-કર્મચારી હતા. દુનિયામાં મિસાઈલ ટેકનોલોજીના જનક તરીકે મશહૂર ટીપુ અંગેનું એક યુદ્ધચિત્ર  અમેરિકામાં નાસાની દીવાલે ટાંગેલું જોઇને ભારતના વિશ્વખ્યાત વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ રહેલા ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ પણ આભા થઇ ગયા હતા. એમણે ટીપુ વિશે આદરભાવ વ્યક્ત કરતાં પોતાની આત્મકથામાં એ પ્રસંગ નોંધ્યો એટલું જ નહીં, શ્રીરંગપટ્ટન ખાતે પોતાના રાષ્ટ્રપતિકાળ  દરમિયાન વિશેષ સંશોધન પણ કરાવ્યું હતું. પંડિત સુંદરલાલ થકી નોંધવામાં આવ્યું છે કે શૃંગેરીના શંકરાચાર્યના શિષ્ય એવા હૈદર અને ટીપુએ હિંદુઓ સાથે હંમેશાં સારો વ્યવહાર કર્યો હતો. ટીપુએ અનેક મંદિરોને જાગીરો આપી હતી. મરાઠાઓએ શૃંગેરીનાં મંદિરો તોડ્યાં ત્યારે તેમનો જીર્ણોદ્ધાર પણ ટીપુએ કરાવ્યો હતો. એમના રાજ્યમાં યુરોપીય પાદરીઓને ધર્મપ્રચારની છૂટ હતી. સ્થાનિક  ખ્રિસ્તીઓને પણ ધાર્મિક અનુસરણની મોકળાશ હતી. પરંતુ જયારે અંગ્રેજો સામેના યુદ્ધમાં પોતાના રાજ્યની  ખ્રિસ્તી પ્રજા અંગ્રેજોને પક્ષે રહેવાનું વલણ ધરાવતી હતી ત્યારે ટીપુએ એમને ઇસ્લામ અંગીકાર કરવાનો વિકલ્પ આપ્યો હતો.મલબારના કેટલાક હિંદુ નાયરોએ સાગમટે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા અંગે ટીપુની સલાહ માંગી ત્યારે ટીપુએ કહ્યું હતું: “રાજા તો પ્રજાનો પિતા ગણાય અને મારી તમને સલાહ છે કે તમે તમારા પૂર્વજોના ધર્મને જ વળગી રહો.” આ જ ટીપુએ જેમનામાં વિશ્વાસ મૂક્યો હતો એ તેના જ ટોચના અધિકારીઓમાં પૂર્ણિયા અને  કમરુદ્દીન સહિતના સાથીઓને અંગ્રેજોએ સાધ્યા અને મરાઠાઓ તેમજ નિઝામે અંગ્રેજોને મદદ કરી એટલે ૪ મે ૧૭૯૯ના રોજ દગાથી ટીપુ મરાયો  અને કોલકાતામાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના મુખ્યાલયમાં જશ્ન મનાવાયો. યુદ્ધમાં પણ મહિલાઓનો આદર કરનાર અને પોતાના સૈનિકો થકી મરાઠાઓની મહિલાઓની સાથે બદસલૂકી ના થાય એની પૂરતી કાળજી લેનાર ટીપુ દારૂ જેવી નશીલી ચીજોથી કાયમ દૂર રહેલો પ્રજાવત્સલ રાજવી હોવાનું સુંદરલાલ જેવા ઈતિહાસવિદ આધારો સાથે વર્ણવે છે. આજે આ ટીપુ સુલતાનને નામે કર્ણાટકમાં વરવું રાજકારણ ખેલાય છે એને  કમનસીબ ઘટનાક્રમ જ ગણાવવો રહ્યો.
ઇ-મેઈલ: haridesai@gmail.com     (લખ્યા તારીખ: ૫ નવેમ્બર ૨૦૧૯ પ્રકાશન: ગુજરાત ગાર્ડિયન સુરત ૬ નવેમ્બર ૨૦૧૯ )

No comments:

Post a Comment