Saturday 9 November 2019

Sardar's Affection for Nehru

સરદારને વહાલા નેહરુ
કારણ-રાજકારણ : ડૉ.હરિ દેસાઈ
·         કાકાસાહેબ ગાડગીળનું  અંતે વચનપાલન
·         પંડિતજી અને પટેલ એકમેકના સેનાનાયક
·         અટલજીએ નેહરુમાં ભગવાન રામ નિહાળ્યા


આઝાદીની લડતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને રાષ્ટ્રનાયક સરદાર પટેલના અનન્ય સાથી અને દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ (૧૪ નવેમ્બર ૧૮૮૯-૨૭ મે ૧૯૬૪)નો જન્મદિન વિશિષ્ટ સંજોગોમાં આવે છે. સિત્તેરના દાયકામાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદ માટેના રાજકારણ અંગે ખૂબ ગાજેલી ફિલ્મ સિંહાસનના લેખક અને પત્રકારશિરોમણિ અરુણ સાધુએ સરદાર પટેલના નિષ્ઠાવંત એવા સ્વમાની કેન્દ્રીય મંત્રી કાકાસાહેબ ગાડગીળના ૧૯૮૮માં ભારત સરકાર દ્વારા પ્રકાશિત જીવનચરિત્રમાં નોંધાયેલા એક પ્રસંગનું સ્મરણ થઇ આવે છે: “દિલ્હી છોડીને (મુંબઈ) જવાના આગલા દિવસે એટલે કે ૧૧ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ પટેલે કાકાસાહેબને ઘરે તેડાવ્યા હતા.ભારતના લોહપુરુષ ખખડી ગયેલા અને નબળા પડી ગયેલા હતા.ગાડગીળના કહેવા મુજબ, પટેલે એમની પાસેથી  એક વચન માંગ્યું હતું, કાકાસાહેબ પાળવા બંધાયા હતા.પટેલે ગાડગીળને કહ્યું કે ગમે તેવા મતભેદ સર્જાય તો પણ તમે પંડિતજીનો સાથ નહીં છોડો. કાકાસાહેબ કહે છે કે એમણે વચન નેહરુના મૃત્યુ સુધી બરાબર પાળ્યું હતું, ભલે પછી એમના નેહરુ સાથે અનેક બાબતમાં મતભેદ હતા. કાકાસાહેબે મતભેદ છૂપા પણ રાખ્યા નહોતા. એકથી વધુ વખત મંત્રીમંડળમાંથી રાજીનામું આપવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી...સરદાર ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ મૃત્યુ પામ્યા ત્યારે કાકાસાહેબે પોતાના સાચા માર્ગદર્શક (મેન્ટર) ગુમાવ્યા હતા.” (પૃષ્ઠ:૧૦૮-૧૦૯) વર્તમાન યુગમાં નેહરુ વિરુદ્ધ સરદારની ગાજવીજ થતી હોય ત્યારે વલ્લભભાઈ પટેલનો મૃત્યુ પહેલાં પોતાના અત્યંત વિશ્વાસુ સાથીઓનેનેહરુ આપણા નેતા છે અને દેશને એમનો ખપ છે એટલે એમને પડખે રહેજો”, જેવો સંદેશ ખૂબ બોલકો છે. નેહરુના અનુગામી લાલબહાદુર શાસ્ત્રીએ લોન લઈને ખરીદેલી કારના હપ્તા ચૂકવવામાં પડેલી મુશ્કેલીની વાત સર્વવિદિત છે, પરંતુ કાકાસાહેબ જેવા સંનિષ્ઠ કોંગ્રેસી કેન્દ્રીય મંત્રીએ પણ લોન લઈને કાર ખરીદી હોય કે મંત્રી મટી ગયા પછી કાર વેચી દેવી પડી હોય અને દિલ્હીમાં પગપાળા ફરવું પડતું હોય વાત એમની દંભરહિત સાદગી અને સરદાર પટેલના સાચા અનુયાયીની છાપ મૂકી જાય છે.
ઘરની વાત ઘરમાં
વિરાટોના યુગમાંથી વામણાઓના યુગમાં આવી ગયા પછી આજની નવી પેઢી સમક્ષ આઝાદ રાષ્ટ્રના નિર્માતાઓ વિશે નવલિખિત વિકૃતિસભર ઈતિહાસ મૂકવામાં આવે છે. વિરાટ વ્યક્તિત્વો વચ્ચે મતભેદ હોવા છતાં રાષ્ટ્રના હિતમાં તેઓ એકમેકની કેટલી કાળજી રાખતા હતા એનાં નોંધાયેલાં અસંખ્ય ઉદાહરણો નજર સામે તગે છે. નાસિક ખાતે ૧૯૫૦માં નેહરુના નિષ્ઠાવંત મનાતા આચાર્ય કૃપાલાની અને સરદારના નિષ્ઠાવંત લેખાતા મહર્ષિ પુરુષોત્તમદાસ ટંડન વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષપદ માટે સ્પર્ધા થઇ. ટંડન જીત્યા. વેળાનો  એક પ્રસંગ ગુજરાતના મંત્રી રહેલા ઉત્સવ પરીખેનિરીક્ષકના તંત્રી અને વિચારક પ્રકાશ .શાહને કહ્યો હતો: ગુજરાતના કોંગ્રેસી કાર્યકરોને સરદાર સાહેબે ઉતારે મળવા બોલાવ્યા હતા. પરીખ સહિતના કાર્યકરો ત્યાં પહોંચ્યા ત્યારે બંધ કક્ષમાંથી જોરજોરથી એકમેકને કંઇક કહેવાના અવાજ સંભળાતા હતા.થોડી વારમાં બારણું ખૂલ્યું. નેહરુ બધાને નમસ્તે કરીને નીકળી ગયા. એમની પાછળ સરદાર બહાર આવ્યા. ઉપસ્થિત કાર્યકરોને તેમણે કહ્યું કે તમે અહીં જે સંભાળ્યું કે જોયું અહીં મૂકીને જજો. નેહરુ અને હું એકમેકને સાચું અને યોગ્ય લાગે મોકળામને કહી દેતા હોઈએ છીએ. એટલે મારી વચ્ચેની ચણભણની વાતને ગુજરાતમાં વહેતી કરવાની જરૂર નહીં.
ગેરસમજો ફેલાવવાનો યત્ન
વડાપ્રધાન નેહરુનાં ૬૦ વર્ષની ઉજવણી નિમિત્તે ૧૯૪૯માં પ્રકાશિત હીરક જયંતી સ્મરણિકામાં સરદાર પટેલે પોતાના સ્વજન અને નેતા પંડિત નેહરુ માટે બે પાનાંનો જે સંદેશ પાઠવ્યો હતો એમાં આઝાદીની લડાઈના બંને સૈનિકો વચ્ચેની ઘનિષ્ઠતા સમજાય છે. કેટલાક સ્વાર્થી લોકો દ્વારા બંને વિશે ગેરસમજો ફેલાવવાના પ્રયાસ થતા હોવા ઉપરાંત કેટલાક ભોળા લોકો એમની  આવી વાતો પર ભરોસો કરી લેતા હોવાની વાત એમણે સ્પષ્ટ કરી છે. સરદાર પોતે નેહરુ કરતાં ઉંમરમાં ૧૪ વર્ષ જેટલા મોટા હોવાને નાતે પંડિતજીને આશિષઆપે છે. વલ્લભભાઈ પટેલે નોંધ્યું છે: “કુછ સ્વાર્થ-પ્રેરિત લોગોં ને હમારે વિષય મેં ભ્રાંતિયાં  ફૈલાને કા યત્ન કિયા હૈ ઔર કુછ ભોલે વ્યક્તિ ઉન પર વિશ્વાસ કર લેતે હૈં, કિન્તુ વાસ્તવ મેં હમ લોગ આજીવન સહકારિયોં  ઔર બંધુઓં કી ભાંતિ સાથ-સાથ કામ કરતે રહે હૈં. અવસર કી માંગ કે  અનુસાર, હમને પરસ્પર એક દૂસરે કે દ્રષ્ટિકોણ કે અનુસાર અપને કો બદલા હૈ, ઔર એકદૂસરે કે મતામત કા સર્વદા સમ્માન કિયા હૈ, જૈસા કિ ગહરા વિશ્વાસ હોને પર હી કિયા જા સકતા હૈ. ઉનકે મનોભાવ યુવાકોચિત ઉત્સાહ સે લેકર પ્રૌઢ ગંભીરતા તક બરાબર બદલતે રહતે હૈ, ઔર ઉનમેં વહ માનસિક લચીલાપન હૈ, જો દૂસરે કો ઝેલ ભી લેતા હૈ.ઔર નિરુત્તર ભી કર દેતા હૈ.”
સરદાર પટેલ નેહરુને પુત્રવત પ્રેમ કરે છે.એમના ગુણનાં વખાણ કરતાં થાકતા નથી.જાતિ, ધર્મ, દેશની સીમાઓ પાર કરીને સૌકોઈ નેહરુના વ્યક્તિત્વને પ્રેમ કરે છે, એવું પણ તેઓ નોંધે છે. આવું કંઇક સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેલા ..ઢેબરે પણ સરદાર પટેલમાં નોંધ્યું છે: “વર્ષો પૂર્વે ગાંધીજી પછી સરદાર સાહેબ મારા સર્વોચ્ચ નેતા હતા...પંડિત જવાહરલાલ નેહરુ સાથેના તેમના (સરદારના) કહેવાતા મતભેદો અંગે બિનપાયાદાર વાતો થતી હતી. પરંતુ પંડિતજી રાષ્ટ્રનેતા તરીકે દેશને નાજુક સમયે જેની ખૂબ આવશ્યકતા હતી તેવું ભાવનાત્મક ઐક્ય પૂરું પાડી રહ્યા હતા, જયારે સરદાર સાહેબ તેમના  ક્રિયાશીલ વ્યક્તિત્વ દ્વારા ફિલ્ડમાર્શલ-સેનાનાયક તરીકેની ભૂમિકા સફળતાથી અદા કરી રહ્યા હતા.”  બીજી બાજુ, સરદાર પટેલ સ્વયં નેહરુને સેનાનાયક ગણાવે છે અને એમના નેતૃત્વમાં આસ્થા ધરાવે છે. સાથે નોંધે છે કેદેશ કે પ્રતિ અપની વ્યાપક જિમ્મેદારિયાં કે નિર્વહન ઔર અપની ચિંતાઓ કે ચલતે ઇન દોનોં સાલ મેં મૈને ઉન્હેં તેજીસે બૂઢા હોતે હુએ દેખા હૈ.”  આવા વ્યક્તિગત કાળજી અને ચિંતા ધરાવનાર સ્વજનોને મૂલવવા અને સામસામે મૂકવાનો પ્રયાસ એમની અધકચરી અને સંદર્ભ વગરની વાતોને ટાંકીને વર્તમાન યુગમાં કરાતો હોય ત્યારે સ્વયં સરદાર કે નેહરુના એકમેક વિશેના વિચારોને વધુ મહત્વ આપવાની જરૂર છે.
સંસદમાં ડાહ્યાભાઈ પટેલ
૨૭ મે ૧૯૬૪ના રોજ વડાપ્રધાન નેહરુનું નિધન થયું. ૨૯ મે ૧૯૬૪ના રોજ રાજ્યસભામાં ગૃહના નેતા જસ્ટિસ (નિ.) એમ.સી.ચાગલાએરાષ્ટ્રને માથે આફત સમાનનેહરુના નિધન અંગે શોક પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે વલ્લભભાઈના પુત્ર ડાહ્યાભાઈ પટેલ અને જનસંઘના નેતા અટલ બિહારી વાજપેયીએ સદગતને ભવ્ય અંજલિ  અર્પી હતી. ડાહ્યાભાઈએ કહ્યું હતું: “જવાહરલાલ નેહરુએ આખું આયખું માત્ર દેશની સેવામાં નહીં, સમગ્રપણે માનવજાત માટે ખર્ચ્યું. એમને દેશ નહીં, દુનિયા શાંતિના દૂત તરીકે યાદ રખાશે.” એમણે તો અંગત રીતે નેહરુના નિધનથી લાગેલા આઘાતનું બયાન કરવા ઉપરાંત સમગ્ર નેહરુ પરિવારને પણ રાષ્ટ્રસેવા માટે સમર્પિત લેખાવ્યો હતો. ડાહ્યાભાઈનું સૂચન હતું કે જવાહરલાલજીના માનમાં સંસદનું સમગ્ર સત્ર મોકૂફ રાખવું જોઈએ. અત્રે યાદ રહે કે સરદાર જીવતા હતા ત્યારે ડાહ્યાભાઈ મુંબઈ પાલિકામાં કોંગ્રેસના ચૂંટાયેલા નેતા હતા. પછીથી સંસદમાં પણ તેઓ કોંગ્રેસના અને સ્વતંત્ર પક્ષના નેતા હતા. ત્રણ મુદત માટે તેઓ ચૂંટાયેલા હતા પરંતુ એમનું ત્રીજીવારની મુદત પૂરી થાય એ પહેલાં જ અધવચ્ચે નિધન થયું હતું. એમનાં મોટાં બહેન મણિબહેન લોકસભા અને રાજ્યસભામાં કુલ ૨૭ વર્ષ સુધી સાંસદ રહ્યાં હતાં.બંને વચ્ચે ઝાઝો મનમેળ નહોતો.
અટલજીની નેહરુને અંજલિ
વર્તમાન ભાજપના પૂર્વઅવતાર જનસંઘના સાંસદ અટલ બિહારી વાજપેયી તો પંડિત નેહરુના ચાહક (ફેન) હતા. ૧૯૫૭માં લોકસભામાં પહેલીવાર ચૂંટાઈને આવેલા વાજપેયીના ભાષણને સાંભળીને એ વેળા શાબાશી આપતાં નેહરુએ ભવિષ્ય ભાખ્યું હતું કે અટલજી એક દિવસ વડાપ્રધાન થશે. ૧૯૬૪માં નેહરુના નિધન પછી રાજ્યસભામાં જવાહરલાલજીને અંજલિ અર્પતાં વાજપેયી રીતસર ભાવુક હતા. ૧૯૭૭માં મોરારજી સરકારમાં અટલજી વિદેશમંત્રી થયા ત્યારે વિદેશ મંત્રાલયમાં રહેતી નેહરુની છબી ગાયબ જોઇને એમણે એને ફરી મૂળ જગ્યાએ મૂકાવી હતી. અટલજી જીવ્યા ત્યાં સુધી જવાહરલાલ વિશે કાયમ સદભાવ વ્યક્ત કરતા હતા. પોતે વડાપ્રધાન થયા ત્યારે પણ અટલજીએ નેહરુના યોગદાનને કાયમ બિરદાવ્યું હતું.
અટલજીએ ૨૯ મે ૧૯૬૪ના રોજ નેહરુને અંજલિ આપતાં ‘ભારત માતા આજ શોકમગ્ના હૈ-ઉસકા  સબસે લાડલા રાજકુમાર ખો ગયા’ શબ્દો સાથેનું  જે ભાષણ રાજ્યસભામાં કર્યું એ પ્રથમ વડાપ્રધાનની ભવ્યતા અને મહાન યોગદાનને કાવ્યમય શૈલીમાં બિરદાવતું હતું. નેહરુના સમર્થકો જ નહીં, તેમના રાજકીય વિરોધીઓએ પણ મઢાવીને રાખવા જેવા આ ભાષણના થોડાક અંશની ઝલક કંઇક આવી હતી: “એક સપના થા જો અધૂરા રહ ગયા; એક ગીત થા જો ગૂંગા હો ગયા; એક લૌ (જ્યોત) થી જો અનંત મેં વિલીન હો ગઈ...મૃત્યુ ધ્રુવ હૈ, શરીર નશ્વર હૈ. ...મહર્ષિ વાલ્મીકિ ને રામાયણ મેં ભગવાન રામ કે સંબંધ મેં કહા હૈ કિ વે અસંભવોં કે સમન્વય થે.પંડિતજી કે જીવન મેં મહાકવિ કે ઉસી કથન કી એક ઝલક દિખાયી દેતી હૈ.વહ શાંતિ કે પુજારી, કિન્તુ ક્રાંતિ કે અગ્રદૂત થે; વે અહિંસા કે ઉપાસક થે, કિન્તુ સ્વાધીનતા ઔર સમ્માન કી રક્ષા કે લિયે હર હથિયાર સે લડને કે હિમાયતી થે. વે વ્યક્તિગત સ્વાધીનતા કે સમર્થક થે, કિન્તુ કિસી સે ભયભીત હોકર સમઝૌતા  નહીં કિયા.ચીન ઔર પાકિસ્તાન કે પ્રતિ ઉનકી નીતિ ઇસી અદભુત સંમિશ્રણ કી પ્રતીક થી જિસમેં ઉદારતા ભી થી, દ્રઢતા ભી થી. યહ દુર્ભાગ્ય હૈ કિ ઇસ ઉદારતા કો દુર્બલતા સમઝા ગયા, કુછ લોગોં ને ઉનકી દ્રઢતા કો હઠવાદિતા સમઝા.”
ભારત માતા અને સંસ્કૃત
અટલજીની રસાળ શૈલી આગળ વધે છે: “હમેં અપની એકતા સે, અનુશાસન સે, અપને આત્મવિશ્વાસ સે ઇસ લોકતંત્ર કો ભી સફલ કરકે દિખાના હૈ. નેતા ચલા ગયા, અનુયાયી રહ ગએ. સૂર્ય અસ્ત હો ગયા, તારોં કી છાયા મેં હમેં અપના માર્ગ ઢૂંઢના હૈ...સંસદ મેં ઉનકા અભાવ કભી નહીં ભરેગા. શાયદ તીન મૂર્તિ કો ઉન જૈસા વ્યક્તિ કભી ભી અપને અસ્તિત્વ સે નહીં સાર્થક કરેગા.વહ વ્યક્તિત્વ, વહ જિંદાદિલી, વિરોધી કો ભી સાથ લેકર ચલને કી વહ ભાવના, વહ સજ્જતા, વહ મહાનતા શાયદ નિકટ ભવિષ્ય મેં દેખને કો ભી નહીં મિલેગી.મતભેદ હોતે હુએ ભી, ઉનકે મહાન આદર્શોં કે પ્રતિ, ઉનકી પ્રામાણિકતા કે પ્રતિ, ઉનકી દેશભક્તિ કે પ્રતિ, ઉનકે અતૂટ સાહસ ઔર દુર્દમ્ય ધૈર્ય કે પ્રતિ હમારે હૃદયોં મેં , આદર કે અતિરિક્ત  ઔર કુછ નહીં હૈ.” (Jawaharlal Nehru and Rajya Sabha Sudarshan Agarwal(Ed.), Prentice-Hall of India, New Delhi, November 1989 pp. 127-128) અત્યારે “ભારત માતા કી જય”નો સૂત્રોચાર કરવામાં સંકોચ અનુભવતા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો નેહરુનું “મારું હિંદનું દર્શન” પર નજર કરે તો સમજાઈ જશે કે નેહરુએ “ભારત માતા” પર એક આખું પ્રકરણ લખ્યું છે.(પૃષ્ઠ: ૬૭-૬૮). ભારતીય જ નહીં, વિશ્વની સંસ્કૃતિનું  પ્રખર અધ્યયન કરનાર અને અનેક ગ્રંથો લખનાર પંડિત નેહરુનું ભણતર ભલે લંડનમાં જ થયું હોય, આ સંસ્કૃતપ્રેમી બેરિસ્ટર નેહરુ  પારિવારિક વૈભવી જિંદગી છોડીને, મહાત્મા ગાંધીના નેતૃત્વમાં જ સરદાર પટેલ સાથે દેશની જવાબદારીની ધૂંસરીએ જોતરાઈને, દેશસેવા માટે  સંપૂર્ણપણે સમર્પિત રહ્યા. એમની જન્મજયંતી નિમિત્તે પંડિતજીને ભાવભીની શ્રદ્ધાંજલિ.
તિખારો
દુનિયા જરૂર પૂજતે, અમને ઝૂકી ઝૂકી,
અફસોસ કે ખરાબ થતાં આવડ્યું નહીં.
-     સુરેન ઠાકર ‘મેહુલ’
ઇ-મેઈલ:haridesai@gmail.com(લખ્યા તારીખ: ૮ નવેમ્બર ૨૦૧૯ પ્રકાશિત: મુંબઈ સમાચાર દૈનિક રવિવારીય પૂર્તિ “ઉત્સવ” ૧૧ નવેમ્બર ૨૦૧૯)

No comments:

Post a Comment