ઘમંડ તો રાજા રાવણનો છાજ્યો નહીં હોવાનો ભાજપને પરચો
ડૉ.હરિ દેસાઈ
·         શુક્રવારે મહારાષ્ટ્રના રાજકારણ પરથી સૌનું ધ્યાન રામમંદિર નિર્માણને લગતા ચુકાદા ભણી ડાયવર્ટ થયું
·         મહારાષ્ટ્રમાં શિવસેનાના મુખ્યમંત્રીપદના આગ્રહે તો ભગવી મહાયુતિની ફજેતી,પવાર મૅન ઑફ ધ મૅચ
·         પ્રજા ગતકડાં પીછાણતી થઇ ગઈ હોવાથી ભાજપની મદમસ્ત નેતાગીરીએ સવેળા જાગવાની જરૂર ખરી
·         ક્યારેક નરેન્દ્ર મોદીના માનસપુત્ર ગણાતા શંકર ચૌધરીને ત્રણેયમાંથી એકેય બેઠક પર ટિકિટ ના મળી

કૉંગ્રેસમુક્ત ભારત કરવા નીકળેલા અને ભાજપને કૉંગ્રેસયુક્ત કરીને ચૂંટણીઓ જીતવામાં આગેકૂચ કરી રહેલા ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના નેતાઓના નિરંકુશ અશ્વમેધના ઘોડાની લગામ કોઈએ ઝાલી હોય એવું મહારાષ્ટ્ર અને હરિયાણા જ નહીં, તળ ગુજરાતની તાજી ચૂંટણીનાં પરિણામોએ બતાવી દીધું. મુખ્ય વિપક્ષ કૉંગ્રેસને તો ખુલ્લા મોંઢામાં પતાસું પડે એની પ્રતીક્ષા હતી, પણ પ્રજાએ અને કૉંગ્રેસના ઉમેદવારોએ ભાજપના ઘમંડને તોડવાનું કામ કર્યું. સત્તા ભલે ભાજપ કને રહી હોય અથવા તો ભાજપે સરકાર રચવામાં સફળતા મેળવી હોય; પણ એની જે ફજેતી થઇ છે એ જોતાં આને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની નેતાગીરી સામે વૉર્નિંગ બેલ જરૂર કહી શકાય. આવતાં ૫૦ વર્ષ હવે ભાજપ જ દેશ પર રાજ કરશે, રાષ્ટ્રવાદ જ છવાયેલો રહેશે, હિંદુરાષ્ટ્ર ભારત વિશ્વગુરુ બનશે, વિશ્વની સૌથી મોટી આર્થિક સત્તા બનશે; જેવી ગુલબાંગો પોકારનારા ભાજપી નેતાઓ અને મંત્રીઓના દાવાઓના ફુગ્ગામાંથી માત્ર બે જ રાજ્યોની વિધાનસભા ચૂંટણી થકી હવા નીકળી ગઈ. પંજાબ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા ગુમાવ્યા પછી આ વખતની ચૂંટણીઓનાં પરિણામો ભાજપ માટે દીવાદાંડી સમાન જરૂર છે. કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ હવે ૩૦ નવેમ્બરથી ૨૦ ડિસેમ્બર સુધીમાં ઝારખંડમાં વિધાનસભાની ૮૧ બેઠકોની ચૂંટણી પાંચ-પાંચ તબક્કામાં કરાવીને ફરી સત્તા હાંસલ કરવાની વેતરણમાં છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી નહોતી એટલે ઝારખંડ મુક્તિ મોરચાના ત્રણ અને કોંગ્રેસના બે ધારાસભ્યોને પક્ષપલટો કરાવવાની તેની હવે મશહૂર બનેલી કીમિયાગીરી થકી એણે ગૃહમાં  બહુમતી કરી હતી. મિત્ર પક્ષો પણ આ વખતે છૂટા પડી રહ્યા છે. વળી, કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં મોટાભાગની બેઠકો નક્સલ પ્રભાવિત કે આતંકવાદ પ્રભાવિત ગણાવીને સંવેદનશીલમાં વર્ગીકૃત કરાઈ છે એટલે આ વેળાની ચૂંટણીમાં આસમાની સુલતાની થવાની ગણતરી ખરી. ભાજપની નેતાગીરીએ હવે જાગવાની જરૂર ખરી કારણ  પ્રજા હવે જાગતી થઇ છે. ગતકડાંથી લાંબો સમય પ્રજા હવે લાંબો સમય અંજાઈ જાય એવું માનવાની જરૂર નથી.
હરિયાણામાં ભ્રષ્ટાચારી શિષ્ટાચાર
હરિયાણામાં તો મૂળ પંજાબી એવા ભાજપી મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ‘વાણિયાભાઈની મૂછ નીચી” એ ન્યાયે હજુ પલટી મારીને સત્તા હાંસલ કરી છે. હમણાં સુધી ચૂંટણી પ્રચારમાં ભાજપની નેતાગીરી થકી દેશના નાયબ વડાપ્રધાન દેવીલાલના આખા ખાનદાનને ભ્રષ્ટાચારી ગણાવાયા છતાં બહુમતી ના મળી એટલે દેવીલાલના પ્રપૌત્ર દુષ્યંત ચૌટાલાને જખ મારીને નાયબ મુખ્યમંત્રી બનાવવા ઉપરાંત એમના પિતાને જેલમાંથી છોડવા સહિતની સમાધાનકારી વૃત્તિનાં દર્શન કરાવવાં પડ્યાં. હજુ દુષ્યંતના દાદા અને હરિયાણાના મુખ્યમંત્રી રહેલા ઓમપ્રકાશ ચૌટાલા તિહાડ જેલમાં છે. એમને પણ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં જેલમાંથી છોડાવવાના વેત થશે. ‘પાર્ટી વિથ અ ડિફરન્સ’ એ આનું નામ. કૉંગ્રેસ કે વિપક્ષમાં હોય ત્યારે જે નેતાઓ ભ્રષ્ટાચારી ગણાવાય એ જો ભાજપમાં જોડાય કે એના મિત્ર બને તો નિર્મળ બની જાય. ભાજપ કને આવો પારસમણિ છેક દિલ્હીથી દેશભરનાં રાજ્યોમાં આજકાલ કળા કરી રહ્યો છે. હરિયાણાની કુલ ૯૦ બેઠકોમાંથી ભાજપને ગઈ વખતની ૪૭ને બદલે આ વેળા માત્ર ૪૦ બેઠકો જ મળી. એટલે ૧૦ બેઠકો ધરાવતા ચૌટાલા સાથે ભાજપે સમાધાન કરવું પડ્યું. કૉંગ્રેસ તો અહીં ભારે ભંગાણને આરે હતી, છતાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંહ હુડ્ડાની પ્રતિષ્ઠા થકી એને ગઈ વખતની ૧૭ બેઠકોને બદલે આ વખતે ૩૧ બેઠકો મળી. કૉંગ્રેસ બેઠી થતી લાગી.
મહારાષ્ટ્રમાં ભગવો ફુગ્ગો ફૂટ્યો
શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આ વખતે ભાજપ સાથે મુખ્યમંત્રીપદ ૫૦:૫૦ એટલે કે અઢી વર્ષ શિવસેના કને અને અઢી વર્ષ ભાજપ કને રહે, એવી ફોર્મ્યૂલા નક્કી થયાની રઢ લઈને પોતાના પક્ષને  મુખ્યમંત્રીપદ મળે તે માટે સામે પાટલે બેસવા સુધી જતાં ભાજપની ભારે ફજેતી થઇ છે. બંને જૂના મિત્રપક્ષો સહિતનાની મહાયુતિને પ્રજાએ બહુમતી આપ્યા છતાં પંદર દિવસ વિત્યા છતાં શુક્રવાર સુધી મિત્રપક્ષના નેતાઓ એકમેક પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં વ્યસ્ત હતા. સરકાર બનાવવા ઘોડાબજાર (હોર્સ ટ્રેડિંગ) ચાલુ થવાનાં એંધાણ આપી રહ્યા હતા. “હું જ આવતાં પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી રહીશ”, એવા મહારાષ્ટ્રના નાગપુરી ભાજપી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના દાવામાં તો સંઘની ‘વ્યક્તિવાદ ના ચાલે’ એવી નીતિરીતિનો ઉઘાડો વિરોધાભાસ જોવા મળ્યો. વર્ષ ૨૦૧૪માં શિવસેનાના સુરેશ પ્રભુને તોડીને કેન્દ્રમાં ભાજપી ક્વોટામાંથી મંત્રી બનાવાયાનો બદલો લેવાની તક “માતોશ્રી”ને એવી તે મળી કે ચૂંટણી પરિણામ આવ્યાના પંદર દિવસ સુધી ફડણવીસને સરકાર રચવાનું નિમંત્રણ ના મળે એવું ત્રાગું સેનાએ કર્યું. ભાજપને પોતાની રીતે બહુમતી માટે ૧૪૫ બેઠકો મળવાના દાવા થતા હતા, ઉપરાંત પ્રકાશ આંબેડકર અને અસદુદ્દીન ઓવૈસીની બહુજન વંચિત આઘાડીને ભાજપે સાધીને કૉંગ્રેસ તથા રાષ્ટ્રવાદી કૉંગ્રેસના મત તોડવાનું આયોજન હતું. રાષ્ટ્રવાદીને ૫૪ અને કૉંગ્રેસને ૪૪ બેઠકો મળી. આમ છતાં, ભાજપને ૨૮૮માંથી માત્ર ૧૦૫ બેઠકો મળી એટલે શિવસેનાના ૫૬ ધારાસભ્યોના ટેકા વિના સરકાર રચવાનું અશક્ય બન્યું. ગઈ વખતે આ જ ભાજપી મુખ્યમંત્રીની સરકાર પવારના પક્ષના ટેકે રચાઈ હતી છતાં અ વખતે શરદરાવને સાણસામાં લેવા જતાં એમની બાજી ઊંધી વળી.  ભાજપનો અહમ ઓગળી ગયો છતાં તંગડી ઊંચી છે. શિવસેનાને મુખ્યમંત્રીપદ આપવાનું નકારતા રહીને ભાજપની નેતાગીરીની અન્ય પક્ષોને તોડીને પણ સરકાર બનાવી લેવાની કારી પણ શુક્રવાર સુધી તો ફાવી નહીં. બાંગો ખૂબ પોકારાઈ કે સેનાના ૪૫ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. ‘માતોશ્રી’ છાસ પણ ફૂંકી ફૂંકીને પીવાની રણનીતિ સાથે આગળ વધતા ભાજપને સત્તાથી દૂર રાખવામાં મરાઠા નેતા શરદ પવારના નેતૃત્વમાં રાષ્ટ્રવાદી અને કૉંગ્રેસ સેનાને ટેકો આપે એવા વ્યૂહમાં ભાજપનું નાક કપાયાનો ખેલ જોવા મળ્યો. એમાં ને એમાં દિવાળી જ નહીં, લાભપાંચમ પણ ગઈ. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના હનુમાન સંજય રાઉત વારંવાર પવારને મળતા રહ્યા અને સેનાના ધારાસભ્યો તૂટે નહીં એટલે એમને હોટેલમાં રાખવામાં આવ્યા પર મીડિયાનું ધ્યાન કેન્દ્રિત રહ્યું. શિવસેનાએ તો પવાર સાથે કૉંગ્રેસ – રાષ્ટ્રવાદીના ટેકે ૧૭૦ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. એકબાજુ, સર્વોચ્ચ અદાલતના બહુચર્ચિત વિવાદભૂમિ અંગેનો ચુકાદો શનિવારે આવવાની જાહેરાત પછી દેશભરનું ધ્યાન મહારાષ્ટ્ર ભણીથી હટીને સૂચિત રામમંદિર ભણી જવું સ્વાભાવિક હતું. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાણી પહેલાં પાળ બંધાવાના પ્રયાસરૂપે સર્વોચ્ચના ચુકાદાનો યશ ભાજપ લઇ ના શકે એવું પણ શુક્રવારે સ્પષ્ટ કર્યું. 
ગુજરાતમાં તો નાક કપાયું
ભાજપની ટોચની નેતાગીરી ગુજરાતની હોય અને ગુજરાતમાં ૬ વિધાનસભા બેઠકોમાંથી ૩ બેઠકો પર ભાજપના ઉમેદવાર હારી જાય એ કાંઈ નાની સૂની ઘટના નથી. ભાજપ હારે ત્યારે “એ બેઠકો તો અમારી નહોતી, કૉંગ્રેસની કે અપક્ષની હતી”, એવી દલીલ કરવામાં પાવરધો છે. લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી કમને લડેલા થરાદના ભાજપી ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં રાજ્યમંત્રી રહેલા પરબત પટેલે ત્રાગું કર્યું હતું કે મારા દીકરા શૈલેશને અથવા હું કહું એને ધારાસભાની ટિકિટ આપો તો હું લોકસભા લડું. બનાસકાંઠા લોકસભા બેઠક પર પરબતભાઈ એમના જ સમાજના ઢચુપચુ ઉમેદવાર અને ડેરીના રાજકારણમાં શંકર ચૌધરીએ જેમને પછડાટ આપી હતી એ કૉંગ્રેસના પરથીભાઇ ભટોળ સામે જીત્યા. એમાં પણ શંકર ચૌધરીનો ઘણો મોટો હાથ રહ્યો. એ વેળા પોતાના માટે વિધાનસભાની બેઠક ખાલી કરાવીને પેટા ચૂંટણીમાં જીતીને ફરી ગુજરાતમાં મંત્રી થવાની શંકર ચૌધરીની હોંશ હતી. ઉમેદવાર થવા કૉંગ્રેસમાં આવેલા બનાસ ડેરીના ચેરમેન રહેલા પરથીભાઇ હાર્યા એટલે ભાજપના પૂર્વ ધારાસભ્ય એવા એમના પુત્ર વસંત ભટોળે પણ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. રાધનપુરના કૉંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને પણ શંકરભાઈએ સાધીને ભાજપમાં ભેળવ્યા. એટલે રાધનપુર અને થરાદ બંનેને પેટાચૂંટણીમાં પોતાનો ક્યાંક તો મેળ પડે. ખેરાળુના ધારાસભ્ય ભરત ડાભી પાટણ લોકસભા બેઠક જીત્યા એટલે ખેરાળુ પણ ખાલી પડી. બનાસકાંઠામાં બનાસ ડેરી અને બનાસ બેંક પર પોતાનો કબજો ધરાવતા શંકરલાલ ખેરાળુ બેઠક માટે પણ પ્રયત્ન કરતા રહ્યા. ક્યારેક નરેન્દ્ર મોદીના માનસપુત્ર ગણાતા શંકર ચૌધરીને ત્રણેયમાંથી એકેય બેઠક પર ટિકિટ ના મળી. ગુજરાતની વિધાનસભાની પેટા ચૂંટણી માટેની છ બેઠકોમાંથી વડાપ્રધાન મોદીએ એકમાત્ર અમરાઈવાડી બેઠક માટે જગદીશ પટેલનું નામ આપ્યું અને બાકીના પાંચને ભાજપી ઉમેદવારી મેળવવામાં પક્ષના અધ્યક્ષ અમિત શાહની કૃપા ફળી હતી. શંકરભાઈ ગઈ વખતે ડિસેમ્બર ૨૦૧૭માં પોતાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર લેખાવવામાં ખત્તાં ખાઈ ગયા. કૉંગ્રેસનાં ગેનીબહેન ઠાકોર સામે વાવ બેઠક હારી ગયા હતા. ગેનીબહેનને બનાસ ડેરીના રાજકારણે જીતાડવામાં સહયોગ કર્યો. શંકર વિરુદ્ધ પરથીની રમત અહીં કળા કરી ગઈ હતી.
ચૌધરી રાજકારણ પતાવાયું
અગાઉ ભાજપમાંથી શંકરસિંહ વાઘેલા  સાથે ખજુરાહોવાળી કરવામાં રહેલા ગુજરાત સરકારના મંત્રી વિપુલ ચૌધરીને મહેસાણાની દૂધસાગર ડેરીના કથિત ૧૨૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં ફસાવીને એમની રાજકીય કારકિર્દી પૂરી કરવાના પ્રયાસો થયા. હજુ વિપુલે ભાજપની ખેરાળુની બેઠક માટે ભાજપમાંથી ટિકિટ માંગી,પણ એ અપાઈ નહીં એટલું જ નહીં કૉંગ્રેસે પણ ખેરાળુના મુકેશ દેસાઈ-ચૌધરીને પણ ટિકિટ આપી નહીં. ભાજપે આ વખતે ખેરાળુ બેઠક શંકરજી ઓખાજી ઠાકોરના ડભોડા પરિવારમાં આપવાને બદલે મલેકપુરના સંઘનિષ્ઠ એવા અજમલજી ઠાકોરને આપી. અજમલજી જીત્યા, પણ શંકરલાલનો ખેરાળુનો ફેરો ફોગટ ગયો.રાધનપુર બેઠક પર ભાજપ પોતાના ઉમેદવારની જાહેરાત કરે એ પહેલાં અલ્પેશે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો એટલે શંકર ચૌધરી અહીં પણ બહાર થયા. કૉંગ્રેસે અહીં રઘુ દેસાઈ-રબારીને ટિકિટ આપી અને એ જીત્યા. અલ્પેશને પરાજિત કરવામાં ભાજપના જ ઘણાએ રસ લીધો. થરાદની બેઠક શૈલેશને તો ના અપાઈ પણ શંકરલાલનું પત્તું  અહીં પણ કપાયું. ક્યારેક પરબતભાઈને બૅંકમાંથી રાજીનામું અપાવીને રાજકારણમાં જોડનાર ચૌધરી પરિવારના જ જીવરાજ પટેલ આ વખતે ભાજપના ઉમેદવાર હતા. એ હાર્યા. નવાઈ તો એ વાતની હતી કે મારવાડી આંજણા પટેલ સમાજના કૉંગ્રેસી નેતા માવજી પટેલને ભાજપમાં લવાયા પછી પણ પરબતભાઈ અને શંકરલાલના ચૌધરી સમાજના સૌથી વધુ મત ધરાવતી આ બેઠક પર કૉંગ્રેસના ગુલાબ સિંહ રાજપૂત જીત્યા. ગુલાબસિંહના દાદા હેમાજી રાજપૂત અહીંથી બે વાર વિધાનસભામાં ચૂંટાયેલા છે. નવાઈ એ વાતની છે કે કૉંગ્રેસના બંને ઉમેદવારોને કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધીના વિશ્વાસુ અહમદ પટેલે આગ્રહ કરીને મૂકાવ્યા હતા અને બંને જીત્યા. બાયડ બેઠક પર પક્ષપલટુ ધવલસિંહ ઝાલાને ભાજપે ટિકિટ તો આપી,પણ એની સામેના રોષને પરિણામે કૉંગ્રેસના અહીંના ઉમેદવાર જશુ પટેલ ભલે ૭૦૦ જેટલા મતથી પણ જીતી ગયા. લેઉવા પટેલ સમાજના જશુભાઈના પિતા પણ અહીંના ધારાસભ્ય રહ્યા છે. અમદાવાદની અમરાઈવાડી બેઠક પર બે પટેલોની ટક્કર હતી. કૉંગ્રેસના ઉમેદવારથી સતત પાછળ ચાલતા રહેલા જગદીશ પટેલ છેલ્લાં બે રાઉન્ડમાં આગળ નીકળી જીત્યા. લુણાવાડાના અપક્ષ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા અને લોકસભે જવાથી ખાલી પડેલી આ બેઠક પર ભાજપના એક બ્રાહ્મણ અને પક્ષના જૂના કાર્યકર જીગ્નેશ સેવક વિજયી બન્યા. આ વખતની ગુજરાતની પેટા ચૂંટણીમાં અડધો અડધ બેઠકો પર ભાજપના ઉમેદવારને હરાવીને પ્રજાએ પોતાનો મૂડ બતાવી દીધો. ભલે ભાજપનું મોવડીમંડળ છમાંથી છ બેઠકો જીતવાનો દાવો કરતું રહ્યું, પણ પ્રજાએ જે પરિણામો આપ્યાં એ હવે પ્રજાને “ટેકન ફૉર ગ્રાન્ટેડ” નહીં લેવાના સંકેત સમાન ગણાવી શકાય.
ઇ-મેઈલ: haridesai@gmail.com (લખ્યા તારીખ: ૯ નવેમ્બર ૨૦૧૯)

0 Comments