Wednesday 23 October 2019

The Strategies behind the Controversies raised about the Hindu Rashtra


વિવાદો દળીદળીને કોઈનાં તરભાણાં અને પ્રજાની કૂલડી ભરવાનો માહોલ  
ડૉ.હરિ દેસાઈ
·         ફરી ફરીને ડૉ.ભાગવતના ‘હિંદુરાષ્ટ્ર’ના કોરસગાનમાં મુસ્લિમો પર ઉપકારભાવનાં દર્શન  
·         સરદાર પટેલ, ડૉ.આંબેડકર અને ડૉ.મુકરજીએ પણ ‘હિંદુરાષ્ટ્ર’ના ખ્યાલને વખોડ્યો હતો
·         બંધારણને હાથીની અંબાડીએ મૂકાવી શોભાયાત્રાઓ કાઢવા સાથે ફગાવવાની હિલચાલો
·         શીની ‘પીપલ્સ ડૅમોક્રૅટિક ડિક્ટેટરશિપ’ અને હિટલરની ‘ડિક્ટેટરશિપ’ પછી ‘કલ્યાણકારી તાનાશાહી’ 

ભારતમાં આજકાલ માત્ર વાતોનાં વડાં થતાં હોય એવું વધુ લાગે છે: પ્રજાને સ્પર્શતા મૂળ મુદ્દાઓ બાજુએ સરી જાય અને વાતનું વતેસર કરીને રાજકીય લાભ થાય એવા પ્રકારનો ઉહાપોહ ભારે છે. હમણાં કેન્દ્ર અને મોટાભાગનાં રાજ્યોમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા ડૉ.મોહન ભાગવતે વિજયાદશમી પર્વ નિમિત્તે ફરીને “હિંદુરાષ્ટ્ર ભારત”નો રાગ આલાપ્યો. એમણે સંઘની ભૂમિકા રજૂ કરવાની સાથે જ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારોની તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પ્રશંસા કરી હતી. સાથે જ કહ્યું હતું કે ભારત એક હિંદુરાષ્ટ્ર છે એટલે અહીંના મુસ્લિમો સુખચેનમાં છે. આવાં નિવેદનોથી ફરી એકવાર રાજકીય વિવાદવંટોળ ઊઠ્યો. હકીકતમાં મૂળ મુસ્લિમ લીગી તથા પાકિસ્તાન સમર્થક એવા બંગાળના પ્રીમિયર (મુખ્યમંત્રી) ફઝલુલ હકની સરકારમાં હિંદુ મહાસભાના કાર્યાધ્યક્ષ હોવા છતાં ક્યારેક નાણા મંત્રી રહેલા ભાજપના પૂર્વ અવતાર જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ  ડૉ.શ્યામાપ્રસાદ મુકરજીએ પણ  પત્રકાર પરિષદ ભરીને “હિંદુરાષ્ટ્ર”ના વિચારને વખોડ્યો હતો. (સંઘનિષ્ઠ ભાજપી નેતા અને રાજ્યપાલ રહેલા તથાગત રાય લિખિત જીવનકથામાં નોંધવામાં આવ્યા મુજબ). રાષ્ટ્રના નાયક અને પ્રથમ નાયબ વડાપ્રધાન રહેલા સરદાર વલ્લભભાઈ પટેલે “હિંદુરાષ્ટ્ર”ને “પાગલોં કા ખયાલ” કહ્યો હતો. (ઉદ્યોગપતિ આર.એમ.બિરલા સાથેના સંવાદમાં). બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ અને દેશના પ્રથમ કાયદા પ્રધાન બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરે “હિંદુરાજ”ની સામે કોઈપણ ભોગે લડવાનું એલાન કર્યું હતું. (ડૉ.બાબાસાહેબ આંબેડકર રાઈટિંગ્સ ઍન્ડ સ્પિચીસ, વૉલ્યૂમ:૮). આ તમામ મહાનુભાવોએ મળીને બંધારણ સભામાં પોણા ત્રણ વર્ષની જહેમતને અંતે સૅક્યુલર બંધારણનો અમલ કરાવ્યો હતો. પાકિસ્તાન જેમ ઇસ્લામિક ધર્મરાષ્ટ્ર (થિયોક્રૅટિક  સ્ટેટ) છે. ભારત  હિંદુરાષ્ટ્ર બનાવવાને બદલે સર્વ ધર્મો પ્રત્યે સમાન આદર રાખનારા સૅક્યુલર- ધર્મનિરપેક્ષરાષ્ટ્ર હોવા છતાં વર્તમાન શાસકોના આરાધ્યપુરુષ ભારતને હિંદુરાષ્ટ્ર ગણાવે છે. આવા તબક્કે સત્તાધીશો કે સત્તામોરચામાંથી કોઈ વિરોધી અવાજ ઊઠતો નથી. કમનસીબી એ છે કે હિંદુરાષ્ટ્રની નવતર વ્યાખ્યાઓ કરવામાં આવી રહી છે અને મુસ્લિમો પણ આ રાષ્ટ્રમાં રહી શકે એ ઉપકાર કરવામાં આવતો હોય એવી ભૂમિકા સત્તાધીશોનાં મળતિયાં સંગઠનો અપનાવી રહ્યાં છે.
ઓવૈસી-માયાવતીનો આલાપ
સત્તારૂઢ ભાજપ સાથે મળતિયાની ભૂમિકામાં લેખાતા બે રાજકીય પક્ષોએ ડૉ.ભાગવતના હિંદુરાષ્ટ્રના પ્રગટ વિચારનો ગણતરીપૂર્વક વિરોધ કર્યો છે. જોકે આ બંનેને કોઈ ઝાઝી ગંભીરતાથી લેતું નથી,પણ મતદારોને એ સંદેશ જરૂર જાય છે. લોકસભાની છેલ્લી ચૂંટણી વખતે મહારાષ્ટ્રમાં ડૉ.આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર સાથે મળીને હૈદરાબાદના ઑલ ઇન્ડિયા મજલિસ–એ-ઇત્તેહાદુલ મુસલમીન (એઆઇએમઆઈએમ)ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ-સેનાના લાભમાં વંચિત બહુજન આઘાડી રચી હતી. એના થકી  ૮થી ૯ બેઠકો પર કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી કૉંગ્રેસને પરાજિત કરાવીને તેમણે ભાજપ-શિવસેનાને ફાયદો જરૂર કરાવ્યો હતો. હવે વિધાનસભાની મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી તાકડે જ ઓવૈસીએ હિંદુરાષ્ટ્ર અંગેનાં ડૉ.ભાગવતનાં ઉચ્ચારણો સામે ઉહાપોહ મચાવ્યો છે. બહુજન સમાજ પાર્ટી (બીએસપી)નાં સુપ્રીમો માયાવતી પણ ડૉ.ભાગવત સામે મેદાને પડ્યાનો દેખાડો કરી રહ્યાં છે. માયાવતી સંઘના મુખ્યાલયના શહેર અને ડૉ.આંબેડકરે લાખો અનુયાયીઓ સાથે જ્યાં ૧૯૫૬માં હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનું પસંદ કર્યું હતું એ નગર નાગપુરમાં ચૂંટણી સભાને સંબોધતાં બાબાસાહેબે તો ધર્મનિરપેક્ષ બંધારણ બનાવ્યાની દુહાઈ દઈ ડૉ.ભાગવતનાં ઉચ્ચારણોને વખોડ્યાં હતાં. માયાવતી એકીશ્વાસે કૉંગ્રેસ અને ભાજપ પર હુમલો કરે છે. તેઓ  ભાજપને ફાયદો થાય એવો માહોલ રચે છે. માયાવતી દેખાડા પૂરતું કેન્દ્ર સરકાર દલિતો અને આદિવાસીઓના કલ્યાણને લગતા કાયદાઓને નિષ્પ્રભાવી કરી રહ્યાનો આક્ષેપ જરૂર મૂકે છે,પરંતુ પરદા પાછળ ભાજપ સાથે રમતાં વધુ લાગે છે. તેમની સામેના વિચારાધીન ખટલાઓ માથે લટકતી તલવાર સમાન  છે.
હિંદુ-મુસ્લિમ જીવનપદ્ધતિ
મુશ્કેલી એ છે કે એક બાજુ કેન્દ્રની સરકાર હિંદુ અને મુસ્લિમના ધાર્મિક ભેદ કરીને આસામના રાષ્ટ્રીય નાગરિકતા નોંધણીપત્રક (એનસીઆર)માં જે ૧૯ લાખ જેટલી વ્યક્તિઓનાં નામ રહી ગયાં છે તેમાંના હિંદુઓને દેશબહાર કાઢવામાં નહીં આવે એવી જાહેરાતો કરે છે. બાકીના મુસ્લિમોનું શું થશે એ હજુ અસ્પષ્ટ છે. મોદી સરકાર સંસદમાં માહિતી આપે છે કે ભારતમાં કુલ બે કરોડ બાંગલાદેશી ઘૂસણખોરો ગેરકાયદે વસે છે. છેલ્લાં પાંચ વર્ષમાં માંડ ૨,૦૦૦ જેટલા બાંગલાદેશી ઘૂસણખોરોને પાછા કાઢ્યાની માહિતી પણ એ સંસદમાં આપે છે! સામે પક્ષે બાંગલાદેશની સરકાર તો પોતાનો કોઈ નાગરિક ભારતમાં રહેતો હોવાનું નકારે છે. એનસીઆર એ ૩૭૦ની જેમ જ ભારતનો આંતરિક મામલો હોવાથી બાંગલાદેશ વાંધો લઇ શકે નહીં,પણ અહીં હિંદુ અને મુસ્લિમના ભેદ જોવા મળે છે. નાગરિકતા સુધારા વિધેયકમાં પણ મુસ્લિમ સિવાયનાને શરણાર્થી તરીકે નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવે છે. સામે પક્ષે  સંઘની ભૂમિકામાં સુપ્રીમ કૉર્ટની હિંદુ જીવનપદ્ધતિ હોવાની વાતને આગળ કરાય છે. આ બધા ગૂંચવાડા જાણી જોઇને કરવામાં આવે છે. એ વૉટબૅંકને સંગઠિત કરવાના ઈરાદે જ થઇ રહ્યાનું સ્વયં સ્પષ્ટ છે. ઓવૈસી જેવા નેતાઓ પોતાની મુસ્લિમ તરીકેની અલગ જીવનપદ્ધતિની વાતને આગળ કરીને ભાષણો કરે છે અથવા તો મુસ્લિમ વૉટબૅંક રાજી થાય એવાં નિવેદનો કરીને સંતોષ મેળવે છે.
તર્ક નહીં, ભાવાવેશનું મહાત્મ્ય
ભારતીય રાજકારણ તર્કને બદલે ભાવાવેશના રાજમાર્ગ પર પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યું છે. ૧૯૮૪થી ભાજપ અને શિવસેનાના જોડાણથી હિંદુત્વનું કાર્ડ ચલણી બન્યું ત્યારથી એ અખંડ ચાલતું રહ્યું છે. હિંદુ મતબૅંકને મજબૂત કરવાના નુસખાઓ અજમાવાતા રહ્યા છે. એ ભાજપને રાષ્ટ્રીય સ્તરે સત્તાની સીડી સુધી લઇ જવામાં સફળ રહ્યા પછી આપેલાં વચનોને પાળવાના પ્રશ્નો જાગે ત્યારે નવા મુદ્દાઓ અને નવી વ્યાખ્યાઓ આગળ કરવામાં આવી રહી છે. વિપક્ષ હિંમત હારીને સત્તા સાથે સંવનન કરવામાં રમમાણ છે ત્યારે એકપક્ષી લોકશાહી ભણી ભારત આગળ વધી રહ્યાનું અનુભવાય છે. યુ.કે.માં લિખિત બંધારણ વિના પણ લોકશાહી પરંપરા અખંડ ચાલુ રહી છે ત્યારે ચીને ૨૦૧૮માં પોતાના બંધારણમાં સુધારો કરીને રાષ્ટ્રપતિ શી જિનપિંગને આજીવન રાષ્ટ્રપતિ બનાવ્યા એટલું જ નહીં, વિશ્વને “પ્રજાની લોકતાંત્રિક સરમુખત્યારશાહી” (પીપલ્સ ડૅમોક્રૅટિક ડિક્ટેટરશિપ)નો નવતર પ્રયોગ બક્ષ્યો છે. આવતીકાલોમાં ભારતીય બંધારણને બદલીને કેવા ફેરફાર કરાશે, એની ચર્ચા પણ શરૂ થઇ ગઈ છે. આમપણ, ભારતને ધર્મરાજ્ય અને હિંદુરાષ્ટ્ર જાહેર કરવાની વેતરણ સાથે સંઘ પરિવારના કેન્દ્ર સરકારમાં હોદ્દા ધરાવનારા પ્રચારકો અને મહાનુભાવો કામે વળ્યા છે. વર્તમાન બંધારણને બદલવાની વેતરણના ભાગરૂપે જ હિંદુરાષ્ટ્રનો આલાપ ચાલી રહ્યો છે. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. દુનિયામાં એકમાત્ર હિંદુરાષ્ટ્ર હતું એ નેપાળ હવે માઓવાદી છે. વર્ષ ૨૦૧૫માં ભારત થકી કરાયેલી આર્થિક નાકાબંધીના પ્રતાપે એ ચીનના ખોળામાં જઈ પડ્યું છે. મહાબલિપુરમથી ચીનના આજીવન રાષ્ટ્રપતિ સીધા જ નેપાળની મુલાકાતે ગયા અને બે દાયકા પછી ચીનના રાષ્ટ્રપતિ એની મુલાકાતે આવ્યા એના હરખમાં ત્યાંની સમગ્ર નેતાગીરી તેમનાં ઓવારણાં લેતી રહી. હિંદુરાષ્ટ્રમાંથી નેપાળ સૅક્યુલર રાષ્ટ્ર બન્યું, જયારે ભારત સૅક્યુલર રાષ્ટ્રમાંથી હિંદુરાષ્ટ્રના વાઘા ચડાવવા થનગને છે એટલે આવતા દિવસોનો ઘટનાક્રમ રસપ્રદ બની રહેવાનો.  
ઈતિહાસમાંથી વર્તમાન ભણી
છેલ્લાં કેટલાંક વર્ષોથી ઇતિહાસબોધની વાતો ચોફેર એવાં ગૂંચળાં પેદા કરી રહી છે કે સામાન્ય માણસ માટે તો એનું નીરક્ષીર કરવાનું મુશ્કેલ બની જાય. હજુ ગઈકાલ સુધી જે મુદ્દે પત્રકારશિરોમણિઓ કે  વિચારકો સરકારની ટીકા કરતા હતા એ જ મુદ્દાઓમાં સરકાર કે શાસક મંડળીના બચાવમાં જે રીતે તર્કના મારા ચલાવાય છે કે જાણે કે પ્રજાને શાસકોને પ્રશ્ન કરવાનો અધિકાર જ નથી. ક્યાંક એકાએક રાતોરાત પાકિસ્તાનમાં વહી જતું પાણી બંધ કરી દેવા મહાજળાશયો જાદૂઈ લકડીથી બનાવી દઈને તાળીઓ લેવાય છે તો અમારી સાથે ના હોય એ તમામ પ્રજા ભ્રષ્ટ અને નકામી છે, અમે જ તારણહાર છીએ, વર્ષ ૨૦૭૫માં તો અમે શાસક તરીકે દેશભરમાં સોનાના રસ્તા બનાવી દઈશું અને દૂધની નદીઓ વહાવીશું; એવાં વચનોના ધર્મે લપેટાયેલા અફીણી નશામાં પ્રજાને રમમાણ રાખવાની કવાયત ચાલે છે. પ્રજાએ મૂકપ્રેક્ષક બનીને હૈસોહૈસો કરવાનો છે. ગઇકાલોના શાસકોના ગુનાઓ માટે એમના વર્તમાન વંશજોને જ દંડિત કરવાની નીતિરીતિ જ ચાલવાની હોય તો પોતાની દીકરી સંયુક્તાનું હરણ કરી જનારા દિલ્હીપતિ પૃથ્વીરાજ ચૌહાણની સાન ઠેકાણે લાવવા મહંમદ ઘોરીને કોણે નોતર્યો હતો એનો બે ઘડીક વિચાર કરી લેવાની જરૂર હતી. કનોજના રાજા જયચંદ સંયુકતાનો બાપ હતો, ઘોરીને તેડાવી પૃથ્વીરાજને તો ન્યાય તોળાવ્યો, સંયુક્તાને સગા બાપે વૈધવ્ય બક્ષ્યું પણ કનોજ પણ ઘોરીએ ક્યાં છોડ્યું હતું? ઈતિહાસને ઈતિહાસ જ રહેવા દેવાની જરૂર છે અને એમાંથી બોધપાઠ લઈને વર્તમાનમાંથી ભવિષ્ય ભણી આગળ વધવાનું હોય છે.
હિંદુશાહી કે તાનાશાહી ભણી
ભારતીય બંધારણના મુખ્ય રચયિતા ડૉ.બાબાસાહેબ આંબેડકરમાં આસ્થા ધરાવનાર સમાજને અંકે કરવા માટે હાથીની અંબાડીએ બંધારણ મૂકીને શોભાયાત્રા કાઢવાની સાથે જ ‘એ બંધારણ તો હિંદુ સંસ્કૃતિનું વિરોધી છે એટલે એને ફગાવી દેવું જોઈએ’, એવા કકળાટ સાથેની ઝુંબેશોને સરકારઆશ્રિતો આગળ ધપાવે ત્યારે શું માનવું? એકબાજુ, મહંમદ પયગંબર સાહેબ જીવિત હતા ત્યારે જ વર્તમાન કેરળના એ વેળાના મહારાજાએ ઇસ્લામ કબૂલ્યો હતો એનો હરખ કરીને સાઉદી અરેબિયાના રાજાને, જે પવિત્ર મક્કા અને મદીનાના કસ્ટોડિયન છે, કેરળની સૌથી જૂની મસ્જિદની સુવર્ણમઢિત પ્રતિકૃતિ ભેટ તરીકે આપવી અને બીજી બાજુ, ભારત હિંદુરાષ્ટ્ર છે એટલે મુસ્લિમો અહીં સુખચેનથી રહી શકે છે એવો ઉપકાર દર્શાવવો; એ કેવો વિરોધાભાસ! રાજાશાહી હેઠળના વિશ્વના એકમાત્ર હિંદુરાષ્ટ્ર રહેલા નેપાળમાં સૅક્યુલર રાષ્ટ્ર સ્થપાઈ ગયા પછી  ભારતને  હિંદુરાષ્ટ્ર જાહેર કરી દેવાના ધખારા તો સુપ્રીમ કૉર્ટના બંધારણનાં મૂળભૂત સ્વરૂપમાં ફેરફાર સંસદ પણ ના કરી શકે એવા કેશવાનંદ ભારતી ચુકાદાની ઐસી કી તૈસી કરીને બંધારણને જ ફગાવી દેવાય અને નવું હિંદુ બંધારણ અમલમાં લાવવામાં આવે એ માટે કવાયતો શરૂ છે. ક્યારેક શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરે નરસંહારના આધુનિક પ્રણેતા અને આર્યોના ઉદ્ધારક લેખાતા તાનાશાહ ઍડોલ્ફ હિટલરને પોતાનો આદર્શ ગણાવીને એની “પરોપકારી કે કલ્યાણકારી તાનાશાહી (બૅનેવૉલૅન્ટ  ડિક્ટેટરશિપ)”નાં ગુણગાન કરતાં થાકતા નહોતા. એમને લોકશાહીમાં નહીં ઠોકશાહીમાં વિશ્વાસ હોવાનું ગાઈ વગાડીને કહેતા હતા.આજે સત્તામાં સહભાગી શિવસેના સહિતનાનો આદર્શ બાળ ઠાકરેની એ ભૂમિકા હોય તો પણ એના પર લોકશાહીનો ગિલેટ ચડાવ્યા વિના છૂટકો નથી. ચીને ૨૦૧૮માં શી જિનપિંગને આજીવન રાષ્ટ્રપતિ જાહેર કરવા જે બંધારણ સુધારીને અમલમાં આણ્યું એની પ્રથમ કલમ “પ્રજાની લોકતાંત્રિક  સરમુખત્યારશાહી” (પીપલ્સ ડૅમોક્રૅટિક ડિક્ટેટરશિપ) જેવો બેનમૂન શબ્દપ્રયોગ થયો છે. ભારતની આવતીકાલ કોને કેટલે અંશે અનુસરશે એ કહેવું અત્યારે મૂંઝવણ સર્જે છે છતાં એટલું જરૂર યાદ રહે કે દરેક તાનાશાહનો અંત ભૂંડો જ હોય છે. ભારતના બંધારણનિર્માતાઓએ લાંબુ વિચારીને દેશના હિતમાં જ સંસદીય લોકશાહીને પસંદ કરી હતી. ડૉ.આંબેડકરના ભાવનું સ્મરણ થઇ આવે છે કે સારા બંધારણને ખરાબ શાસકો બગાડી મૂકે અને ખરાબ બંધારણ હોય તો પણ સારા શાસકો થકી પ્રજાનાં લોકશાહી મૂલ્યોનું  સુપેરે જતન કરવા સમાન એ બંધારણને કામે લગાડે.પ્રજા પોતાના અધિકારો વિશે અને લોકશાહી મૂલ્યોના જતન માટે જાગતી રહે એ અનિવાર્ય છે. 
ઇ-મેઈલ: haridesai@gmail.com     (લખ્યા તારીખ: ૧૭ ઑક્ટોબર ૨૦૧૯)

No comments:

Post a Comment