Sunday 27 October 2019

Samarkand-Bukhara of Lohanas today belongs to Taimur-Babur

લોહાણાઓનું સમરકંદ-બુખારા આજે તૈમૂર-બાબરનું
કારણ-રાજકારણ: ડૉ.હરિ દેસાઈ
·         બાબરના વતનમાં સરદાર શેરી
·         માંગોલિયાનો આદર્શ ચંગીઝ ખાન
·         મહમુદ ગઝનીની રાજભાષા સંસ્કૃત

હમણાં ગુજરાતના સર્વમિત્ર મુખ્યમંત્રી વિજય રૂપાણી સમરકંદ-બુખારા સહિતના ઉઝબેકિસ્તાનના ચાર દિવસના પ્રવાસે જઈ આવ્યા. આજે ૯૩% કરતાં પણ વધુ મુસ્લિમ વસ્તી ધરાવતું ઉઝબેકિસ્તાન હજુ હમણાં સુધી અખંડ સોવિયેત રશિયાનું અંગ હતું. એના ભવ્ય ભૂતકાળ અંગે મુખ્યમંત્રી કાર્યાલય કે ભારતના પ્રતિનિધિમંડળને ઝાઝો રસ પડ્યો હોય એવું લાગ્યું નહીં, કારણ આપણે ત્યાં વર્તમાનના લાભમાં સૌને સવિશેષ રસ હોય છે. સત્તાવાર કાર્યક્રમોમાં રાષ્ટ્રપ્રમુખ શવક્ત મિરઝિયોયેવ ઉપરાંત બુખારા અને સમરકંદ રાજ્યોના રાજ્યપાલો સાથેની મુલાકાતો ઉપરાંત અહીં ભારતીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાર્ધશતાબ્દીની ઉજવણી, પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલની શેરી અને પ્રતિમાનું લોકાર્પણ તેમજ સદગત  વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું પુણ્યસ્મરણ કરતાં અહીં શાસ્ત્રીજીના નામે ચલાવાતી શાળાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ અને એમનાં પત્ની અંજલિબહેનનું સહભાગી થવું શક્ય બન્યું. પ્રાચીન ચીન અને ભારતના રેશમ વેપારમાર્ગ પર આવેલા તાશ્કંદમાં ૧૯૬૫ના યુદ્ધ પછી પાકિસ્તાની રાષ્ટ્રપ્રમુખ અયૂબ ખાન સાથે મંત્રણા માટે ગયેલા  ભારતીય વડાપ્રધાન શાસ્ત્રીનું અહીં મૃત્યુ નીપજયાના નામે હજુ આજે ઘરઆંગણે રાજકારણ ખેલાય છે. જોકે અત્યારના ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદની શાસ્ત્રીજીના નિધનની કટુસ્મૃતિ છતાં રૂપાણીને હસ્તે વખતે એક શુભ કામ થયું: ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરનાર ગોવંશપ્રેમી બાદશાહ બાબરના જન્મનગર  અન્ડીજાનમાં ભારતના રાષ્ટ્રનાયક સરદાર પટેલની શેરીનું નામકરણ થયું! વિવિધ દેશો વચ્ચેના સંબંધોમાં કોઈ દેશ અન્ય પર ઉપકાર કરતો નથી, બધા પોતપોતાનાં હિતની જાળવણી કરવામાં રમમાણ હોય છે. ભારત પણ વિદેશી સંબંધો પોતાના લાભમાં ઝંખે સ્વાભાવિક છે. ખોબલા જેવડું ઉઝબેકિસ્તાન ભારતના ગુજરાતનું કોઈ કલ્યાણ કરી નાંખવાનું નથી, પણ એની સાથેના કરાર પરસ્પરને લાભદાયક જરૂર બની રહેશે. ઉઝબેક રાષ્ટ્રપ્રમુખે મુખ્યમંત્રીને જણાવ્યું કે તેમની સરકારના ત્રણ મંત્રી દર ત્રણ મહિને ગુજરાત આવશે અને બેઠકો યોજશે. ગુજરાતનો સંબંધ પણ ઉઝબેક સાથે જળવાશે. રાજદ્વારી સંબંધોમાં ભાવના કે ભાવાવેશમાં આવવાનું હોતું નથી.
ઉઝબેકનો રાષ્ટ્રનાયક તૈમૂર
આપણે ત્યાં ભોપાલના “નવાબ” અને અભિનેતા સૈફ અલી ખાન પટૌડી અને અભિનેત્રી  કરીના કપૂરના સંતાનનું નામ તૈમૂર રખાય એ સામે પણ ભારે ઉહાપોહ મચાવાય છે ત્યારે ઉઝબેકનો રાષ્ટ્રનાયક તૈમૂર હોવા વિશે ગર્વ લેવામાં આવે છે. આપણે ત્યાં મુઘલ બાદશાહો વિશેની ઘૃણા છેક તેમના અત્યાર લગીના વંશજ મનાતા સમાજે પણ સહેવી પડે છે ત્યારે ભારતમાંથી અલગ પડેલા પાકિસ્તાને અને આપણે પણ એના રાષ્ટ્રપુરુષો વિશે જરા નોખી રીતે વિચારવાની જરૂર ખરી. વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી કે નરેન્દ્ર મોદી પાકિસ્તાન જાય ત્યારે ત્યાંના ખંડમાં તેમના દેશના રાષ્ટ્રપિતા કાયદ-ઇ-આઝમ મોહમ્મદઅલી ઝીણા અને પાકિસ્તાનનું  બીજ ૧૯૩૦માં રોપનારા ડૉ.મોહમ્મદ ઇકબાલની ભવ્ય છબીઓની નિશ્રામાં બેસવું પડે એ સ્વાભાવિક છે. પાકિસ્તાની શાસકો ભારતના પ્રવાસે આવે ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સહિતના મહાનુભાવોની છબીઓની નિશ્રામાં બેસવામાં એમણે પણ સહજતા અનુભવવી પડે. વિવિધ દેશો સાથેના સંબંધોમાં આ પ્રકારની સહિષ્ણુતા જળવાતી હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ માંગોલિયાના પ્રવાસે જાય ત્યારે એમણે બૌદ્ધ દેશના રાષ્ટ્રનાયક ચંગીઝ ખાનની ભવ્ય પ્રતિમાઓ અને છબીઓનો આદર કરવો જ પડે છે; ભલે સંઘ પરિવારનાં સંગઠનો જ નહીં, સમગ્રપણે ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં કોંગ્રેસના શાસનયુગથી આપણે ચંગીઝ ખાનને અત્યાચારી અને પાશવી આક્રમણખોર તરીકે ભણતા અને ભણાવાતા રહ્યા હોઈએ. એકાદવાર તો હિંદી ટીવી ચેનલની  એક ડિબેટમાં સંઘના એક અધિકારીને ચંગીઝ ખાનને આતંકી મુસ્લિમ આક્રમણખોર તરીકે વર્ણવતાં સાંભળ્યા ત્યારે આઘાત જ લાગેલો. ચંગીઝ ખાન બૌદ્ધ હતો. એના પુત્ર પણ બૌદ્ધ હતા,પણ એના પૌત્રોમાંથી અમુકે ઇસ્લામ કબૂલ્યો હતો. એમ તો ગુજરાતના નવાનગર રજવાડાના મહારાજા જામ સાહેબ સર રણજિત સિંહના ફરમાનથી કવિ માવદાનજી ભીમજીભાઈ રતનુંએ લખેલા અને આજે પણ ઈતિહાસકારો જેને ટાંકે છે એ “શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસ”માં  નોંધાયું છે કે શ્રીકૃષ્ણના ૮૨મી પેઢીએ વંશજ રાજા દેવેન્દ્રના મોટા કુંવર અસપતે ઇસ્લામ કબૂલ્યો હતો. એના જ વંશજોમાં અકબર બાદશાહ થયા. રાજા દેવેન્દ્રના બીજા ત્રણ કુંવર નરપત, ગજપત અને ભૂપતના વંશજો અનુક્રમે જાડેજા, ચુડાસમા અને ભટ્ટી રાજવીઓ બન્યા. ગઝની રાજા દેવેન્દ્રના આ પુત્રોએ જ વસાવ્યું હતું. એટલું જ નહીં, સદગત આઇએએસ અધિકારી અને સુખ્યાત ઇતિહાસકાર શંભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈએ લખેલા અને સોમનાથ ટ્રસ્ટે મુખ્યમંત્રી બળવંતરાય મહેતાની પ્રસ્તાવના સાથે ૧૯૬૫માં પ્રકાશિત કરેલા ગ્રંથ “પ્રભાસ અને સોમનાથ”માં સોમનાથ ભાંગનાર-લૂંટનાર મહમુદ ગઝનીને હિંદુ ગુલામ શાક્તસિંહના ઇસ્લામ કબૂલ કરનાર એવા ગઝનીના શાસકના પાટવી કુંવર ગણાવ્યા છે. એ વેળાના ગઝનીમાં હિંદુ વસ્તી ઘણી હતી એટલુંજ નહીં, દિલ્હી યુનિવર્સિટીનાં ઇતિહાસકાર પ્રા.શાંતા પાંડેના સંશોધન મુજબ, મહમુદ ગઝનીની રાજભાષા સંસ્કૃત હતી અને એણે પોતાના ચલણી સિક્કાઓ પર પવિત્ર કુર્રાનની આયાતો પણ સંસ્કૃતમાં લખાવી હતી.
સમરકંદ-બુખારાના સંસ્થાપક
મુખ્યમંત્રી રૂપાણી સમરકંદ અને બુખારાના રાજ્યપાલો સાથે મુલાકાત કરી આવ્યા પણ એ વાતની ચર્ચા ભાગ્યેજ સાંભળવા મળી કે આ બંને ઐતિહસિક નગરોના સંસ્થાપકો લોહાણા રાજવીઓ હતા. કાબૂલ અને કાશ્મીરમાં સદીઓ સુધી લોહાણા શાસકો રહ્યાની ખાતરી અમારા ઈતિહાસ અભ્યાસમાં તરી આવે છે. અત્યારે વેપારધંધામાં દુનિયાભરમાં નામ રોશન કરનાર લોહાણા સમાજ ભલે વૈશ્ય લેખાતો હોય, ક્યારેક એ ક્ષત્રિય હતો. દુનિયાના  વિવિધ વિસ્તારોમાં એના રાજવીઓ પણ હતા. સમરકંદ અને બુખારા એ બંને નગરો કે રાજ્યોના સંસ્થાપકો લોહાણા રાજવીઓ હતા. સમયાંતરે શાસકો બદલાતા ગયા. છેલ્લે લોહાણા રાજવીઓનું કાશ્મીર પર ઇ.સ. ૧૦૦૩થી ૧૩૩૯ લગી રાજ હતું. એમની રાણી ડિડ્ડાએ તો કાશ્મીર પર ૫૦ વર્ષ રાજ કર્યું હતું. સોવિયેત રશિયામાંથી છૂટા પડેલા ઉઝબેકમાં સમરકંદ અને બુખારા અત્યારે આવે છે. આપણે ત્યાં એના ઇતિહાસનું વિસ્મરણ ભલે થતું હોય,પણ ગુજરાતના મુખ્યમંત્રી પ્રતિનિધિમંડળ સાથે તાશ્કંદ, બુખારા અને સમરકંદ જતા હોય અને એમના પ્રતિનિધિમંડળમાં કોઈક લોહાણા પ્રતિનિધિ હોવાનું અનિવાર્ય હોય ત્યારે સમરકંદ અને બુખારાના લોહાણા સમાજ અને સિલ્ક રૂટ સાથેના સંબંધને યાદ કરવો અનિવાર્ય લેખાય.   
તિખારો
કેવી મોહબ્બત છે, જેમાં નથી સાદાઈ;
દિલમાં છે હરીફાઈ, આંખોમાં અદેખાઈ?
......
કુદરતનો કરિશ્મો છે, સંગાથમાં રાખે છે;
નાજુક ગુલાબોમાં કાંટાની સખ્તાઈ.
.......
માનવની તુમાખીનો બસ એક સબબ જોયો,
પોતાની ઉપર જયારે પોતાની હો સરસાઈ!

દુઃખ છે મરીઝ એને સમજી શક્યા તેઓ;
ધીરજમાં છૂપેલી છે વ્યાકુળ અધીરાઈ.
-     મરીઝ
ઇ-મેઈલ : haridesai@gmail.com  (લખ્યા તારીખ: ૨૫ ઓક્ટોબર ૨૦૧૯ પ્રકાશન: મુંબઈ સમાચાર દૈનિક ૨૭ ઓક્ટોબર ૨૦૧૯ ઉત્સવ પૂર્તિ )

No comments:

Post a Comment