ગુજરાત હાઈ કૉર્ટમાં સ્વીકાર્ય બન્યું ગુજરાતી ભાષાનું ચલણ
ડૉ. હરિ દેસાઈ
·
હિંદીભાષી રાજ્યોમાં હાઇકોર્ટનો વ્યવહાર
હિંદી ભાષામાં ચાલતો હોય, તો રાજ્યમાં ગુજરાતીમાં એ આવકાર્ય
·
વિક્રમી ચૂંટણી પીટીશનો ચલાવનાર ધારાશાસ્ત્રી વખારિયા થકી જસ્ટિસ શાહ અને જસ્ટિસ દીવાનનું સ્મરણ
·
જસ્ટિસ કાત્જુ મદ્રાસ હાઈ કૉર્ટના મુખ્ય
ન્યાયાધીશ હતા ત્યારે તમિળમાં કામકાજની મોકળાશ બક્ષી હતી
·
મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલાના વેવાઈ બળવંતસિંહને અંગ્રેજી ન આવડતું હોવાથી
ગુજરાતીમાં કાર્યવાહીની છૂટ
ગુજરાતના
કાયદા પ્રધાન રહેલા અશોક ભટ્ટ ક્યારેક ગુજરાત હાઈ કૉર્ટમાં ગુજરાતી ભાષાનું
પ્રભુત્વ સ્થાપવા ઈચ્છુક હતા. અદાલતોનો વ્યવહાર રાજ્યની ભાષામાં ચાલે એ સ્વાભાવિક
અપેક્ષા રહે. જ્યારે ઉત્તર ભારતના હિંદી ભાષી રાજ્યોમાં વડી અદાલતોનો વ્યવહાર
હિંદી ભાષામાં ચાલતો હોય, ચુકાદા
હિંદીમાં અપાતા હોય ત્યારે ગુજરાતની હાઈ કૉર્ટમાં પણ રાજ્યની ભાષામાં જ વ્યવહાર
ચાલે એ આવકાર્ય લેખાય. મામલો સર્વોચ્ચ અદાલતે કે સુપ્રીમ કૉર્ટે જાય તો સંબંધિત
ગુજરાતી ચુકાદાઓનો અનુવાદ કરાય અને એ અંગેના દસ્તાવેજો સહિતની સામગ્રી અંગ્રેજીમાં
ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થાને કારણે અનુવાદકોને રોજગાર મળે એ વાત પણ સમજી શકાય છે.
અશોકભાઈ જીવિત હતા ત્યાં લગી તો એમની અપેક્ષા સાકાર થવાનું શક્ય બન્યું નહીં, પણ હમણાં અણધાર્યું ખૂબ જ હાઈપ્રોફાઈલ કેસની
સુનાવણીમાં વડી અદાલતની કામગીરી ગુજરાતીમાં હાથ ધરવાના સંજોગો પેદા થયા ત્યારે સદગત
કાયદા પ્રધાન ભટ્ટનું સ્મરણ થવું
સ્વાભાવિક છે. જોકે, આ ખટલા પૂરતું
જ કામકાજ ગુજરાતીમાં ચાલશે કે ભવિષ્યમાં પણ અન્ય ખટલાઓ ગુજરાતીમાં જ ચલાવાય એવી
મોકળાશ જોવા મળશે, એ વિશે હજુ
અનિશ્ચિતતા હોવા છતાં હરખ કરવાના સંજોગો સર્જાયા એટલું તો જરૂર નોંધી શકાય. આજે અપવાદરૂપ
સંજોગોમાં ગુજરાત હાઈ કૉર્ટે ગુજરાતીમાં કાર્યવાહી હાથ ધરવાનું સ્વીકાર્યું છે તો
કાલ ઊઠીને એના સ્થાયી અમલની મોકળાશની આશા જરૂર જાગે છે.
સૌથી વધુ ચૂંટણી કેસ વખારિયાને ફાળે
જોકે ગુજરાત
હાઇ કૉર્ટમાં સૌથી વધુ ચૂંટણી પીટીશનો ચલાવવાનો વિક્રમ ધરાવનાર વરિષ્ઠ
ધારાશાસ્ત્રી કૃષ્ણકાંત વખારિયા તો કહે છે કે જિલ્લા કૉર્ટમાંથી પસંદ થઈને વડી
અદાલતના ન્યાયાધીશ થયેલા તેજસ્વી કાનૂનવિદ જસ્ટિસ વી.આર.શાહે સૌપ્રથમ અદાલતમાં વકીલો સાથે ગુજરાતીમાં
બોલવાનું શરૂ કર્યું હતું. એ પછી તો જસ્ટિસ બી.જે.દીવાને પણ ગુજરાતીનું સારું એવું ચલણ જાળવ્યું હતું.
ગુજરાત હાઇ કૉર્ટમાં હિંદીભાષી ન્યાયાધીશો વકીલો સાથે હિંદીમાં બોલવાનું પસંદ કરે
છે. જોકે બંધારણમાં હજુ સુપ્રીમ કૉર્ટ અને હાઈ કૉર્ટનું કામકાજ અંગ્રેજીમાં
ચલાવવાનું ફરજિયાત હોવાથી ચુકાદા વગેરે અંગ્રેજીમાં જ લખાય છે.પરંતુ સાક્ષીઓની
તપાસ ગુજરાતીમાં થતી હોય છે. હિંદી ભાષી રાજ્યોની વડી અદાલતોમાં કામકાજ હિંદીમાં જ
ચાલતું થયું છે. અગાઉ કૉંગ્રેસના નેતા રહેલા ૮૭ વર્ષીય કૃષ્ણકાંત વખારિયા હવે કૉંગ્રેસથી
વિમુખ છે છતાં કૉંગ્રેસના નેતા અહમદ પટેલ વિરુદ્ધ ચૂંટણી અરજીમાં તેમને પટેલના ધારાશાસ્ત્રી તરીકે
રોકવામાં આવ્યા હતા,પરંતુ પછીથી વખારિયાએ એ બ્રીફ પરત કરી દીધી હતી. તેઓ વિશ્વ
ગુજરાતી સમાજના પ્રમુખ પણ છે.અત્યારે રાજ્યસભાની ચૂંટણી અંગે પરાજિત ભાજપી ઉમેદવાર
બળવંતસિંહે કરેલા ખટલામાં કૉંગ્રેસના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અહમદ પટેલના
ધારાશાસ્ત્રી તરીકે પંકજ ચાંપાનેરીને રોકવામાં આવ્યા છે. અહમદ પટેલની રાજ્યસભામાં
ચૂંટણીને પડકારતો કેસ હાઇ કૉર્ટથી સુપ્રીમ કૉર્ટ વચ્ચે ચાલતો રહેલો હાઈ-પ્રોફાઈલ
કેસ છે.
જસ્ટિસ
કાત્જુથી જસ્ટિસ બેલા ત્રિવેદી
સુપ્રીમ કૉર્ટના
ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયેલા જસ્ટિસ માર્કન્ડેય કાત્જુ જ્યારે તેઓ મદ્રાસ હાઈ કૉર્ટના
મુખ્ય ન્યાયાધીશ હતા ત્યારે તેમણે તમિળ ભાષામાં અદાલતના કામકાજની મોકળાશ બક્ષી
હતી. આ વખતે ગુજરાતની વડી અદાલતનાં જસ્ટિસ બેલા ત્રિવેદીએ રાજ્યસભા ચૂંટણીમાં કૉંગ્રેસના
અહમદ પટેલની જીતને પડકારતી ભાજપના બળવંતસિંહ રાજપૂતની અરજીના સંદર્ભમાં
પ્રશ્નોત્તરી ગુજરાતીમાં થાય એવી મોકળાશ કરી આપી છે. ગોકુલ ઑઈલના સૂત્રધાર અને
સિદ્ધપુરના કૉંગ્રેસી ધારાસભ્ય રહેલા બળવંતસિંહે પોતાના ગુરુ અહમદભાઈ વિરુદ્ધ
છેલ્લી રાજ્યસભાની ચૂંટણી લડવા માટે ભાજપમાં જઈ ઉમેદવારી કરી હતી. જોકે, કૉંગ્રેસના શંકરસિંહનિષ્ઠ ૧૪ ધારાસભ્યોને
ભાજપે ખેરવ્યા છતાં બળવંતસિંહ પરાજિત થયા અને એમણે અહમદભાઈની જીતને વડી અદાલતમાં
પડકારી હતી. અદાલમાં ખટલાની કાર્યવાહી શરૂ થતાં અંગ્રેજીમાં પૂછવામાં આવતા સવાલોના
ઉત્તર વાળવાનું બળવંતસિંહ માટે મુશ્કેલ હોવાથી અને પોતાને અંગ્રેજી નહીં આવડતું
હોવાની તેમની કબૂલાતને પગલે ન્યાયાધીશ બેલાબહેને એમને ગુજરાતીમાં પ્રશ્નોત્તરી
માટે મોકળાશ કરી આપી હતી. ભોપાલની
બરકતઉલ્લાહ યુનિવર્સિટીમાંથી ડિસ્ટન્સ લર્નિંગથી ગ્રેજ્યુએટ થયેલા બળવંતસિંહ
અંગ્રેજી દસ્તાવેજો વાંચવામાં મુશ્કેલી અનુભવતા હતા. પોતે અંગ્રેજીમાં સોગંદનામું
કર્યું હોવા છતાં એ વાંચવામાં મુશ્કેલી અનુભવતા હોવાથી ન્યાયાધીશે ગુજરાતીમાં
કાર્યવાહી ચલાવી.
ભારતીય
લશ્કરને ખાદ્યતેલનો પુરવઠો
બળવંતસિંહ
સિદ્ધપુરના ધારાસભ્ય તરીકે કોઈ ભથ્થાં કે પગાર નહીં લેનાર જૂજ ધારાસભ્યોમાંના એક
રહ્યા છે. ઉદ્યોગપતિ હોવાને કારણે એમણે પગાર-ભથ્થાં લેવાનું કાયમ ટાળ્યું છે. કૉંગ્રેસના
બળવંતસિંહ રાજપૂત અને ભાજપના મહેન્દ્ર મશરૂ (જૂનાગઢ) એ બે જ ગુજરાતી લોકપ્રતિનિધિ
ધારાસભ્ય તરીકે ત્યાંથી પગાર લેતા નહતા.
જોકે મશરૂ તો જિલ્લા સહકારી બૅંકમાં નોકરી કરતા હતા એટલે ત્યાંથી પગાર લેતા હતા.
બે જગ્યાએથી પગાર અને ભથ્થાં ના લઈ શકાય એ સ્વાભાવિક છે. બળવંતસિંહના નેજા હેઠળની
કંપની ગોકુલ ઑઈલ થકી ભારતીય લશ્કરને ખાદ્યતેલ પૂરો પાડવાનો મસમોટો કોન્ટ્રાક્ટ
તેમની પાસે હતો. હવે તો ગોકુલ યુનિવર્સિટીનું પણ સંચાલન કરી રહ્યા છે અને ભાજપમાં
આવ્યા પછી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઈડીસી)ના અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ
બળવંતસિંહને સોંપવામાં આવી છે. નવાઈની વાત એ છે કે ભાજપના અગ્રણી જયનારાયણ વ્યાસને
હરાવીને કૉંગ્રેસી ધારાસભ્ય બનેલા બળવંતસિંહ ડિસેમ્બર ૨૦૧૭ની ચૂંટણીમાં જયનારાયણના
ટેકામાં હોવા છતાં આ બેઠક પર ફરીને જયનારાયણ હાર્યા અને કૉંગ્રેસના ચંદનજી ઠાકોર
જીત્યા હતા!
મહેન્દ્રસિંહના
વેવાઈ હોવાનું રાજકારણ
બળવંતસિંહ અને
મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલા વેવાઈ છે. મુખ્ય પ્રધાન રહેલા શંકરસિંહ વાઘેલાએ
હમણાં નવું રાજકીય ઘર માંડ્યું અને શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં જોડાયા.
બળવાખોર બાપુ તરીકે જાણીતા શંકરસિંહ મૂળ તો સંઘ-જનસંઘ ગોત્રના હોવા છતાં ૧૯૯૫માં
ભાજપની સરકાર આવી ત્યારે કેશુભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદીની જોડી સાથે જામ્યું
નહીં. ખજૂરાહો ફેઈમ કાંડથી ભાજપ તોડીને રાષ્ટ્રીય જનતા પાર્ટી રચી મુખ્ય પ્રધાન
બન્યા હતા. જોકે, એ ખેલ ઝાઝો
ચાલ્યો નહીં એટલે વિંટો વાળીને કૉંગ્રેસના શરણમાં જવાનું પસંદ કર્યું હતું. બાપુ કૉંગ્રેસને
ફળ્યા કે નહીં એ જુદી વાત છે, પણ કૉંગ્રેસે બાપુને ભરપટ્ટે હોદ્દા બક્ષ્યા. પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ, કેન્દ્રીય પ્રધાન, કેન્દ્રીય પ્રધાન સમકક્ષ ચેરમેન પદ ઉપરાંત
વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ પણ મળ્યા પછી બાપુએ કૉંગ્રેસથી ફારેગ થવાનું અને
જનવિકલ્પનો અખતરો કરી જોવાનું અજમાવી જોયું. ઝાઝું પામ્યા નહીં એટલે હવે જીવનની
આખરી રમત હોય તેમ શરદ પવારને શરણે જઈને કાયમ પ્રમુખ રહેતા બાપુએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના
મહામંત્રી થવાનું કબૂલ્યું છે. બાપુ અને એમના પાટવીકુંવર મહેન્દ્રસિંહનું રાજકારણ
પણ નોખું ચાલે છે. જેમ બળવંતસિંહ કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાતાં બાપુની સલાહ લેવા
રોકાયા નહોતા એમ મહેન્દ્રસિંહ પણ કૉંગ્રેસમાંથી ભાજપમાં અને ત્યાંથી ક્યાં છે એ
કહેવું હાલના તબક્કે મુશ્કેલ છે.
ઈ-મેઈલ :
haridesai@gmail.com
No comments:
Post a Comment